Market Summary 25/10/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

શેરબજારમાં વેચવાલી વચ્ચે બજાર ચાર-મહિનાના તળિયે
નિફ્ટીએ 19200ની સપાટી ગુમાવી
સેન્સેક્સ 64 હજારની સપાટી જાળવી શક્યો
એશિયન બજારો સામે ભારતનું અન્ડરપર્ફોર્મન્સ
વોલેટિલિટી ઈન્ડેક્સ 4 ટકા વધી 11.31ના સ્તરે
મેટલ, પીએસયૂ બેંક્સમાં મજબૂતી
આઈટી, પીએસઈ, ફાર્મા, ઓટોમાં નરમાઈ
વેલસ્પન ઈન્ડિયા, બીએસઈ નવી ટોચે
સુમીટોમ, અદાણી ટોટલ, નવીન ફ્લોરિન નવા તળિયે

ભારતીય શેરબજારમાં વેચવાલી અટકી રહી નથી. મંગળવારે રજા પછી ખૂલેલાં સ્થાનિક શેરબજાર શરૂઆતી મજબૂતી દર્શાવ્યાં પછી ઊંધા માથે પટકાયું હતું. બેન્ચમાર્ક્સ 0.8 ટકા આસપાસ ઘટાડો દર્શાવતાં હતાં. બીએસઈ સેન્સેક્સ 523 પોઈન્ટ્સ ગગડી 64049 અને નિફ્ટી 160 પોઈન્ટ્સના ઘટાડે 19122ની સપાટી પર બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ વેચવાલી જળવાય હતી. જોકે, સોમવારની સરખામણીમાં તે નરમ પડી હતી તેમ છતાં બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3795 કાઉન્ટર્સમાં વેચવાલી સામે 2464 કાઉન્ટર્સ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1223 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળતાં હતાં. સોમવારે 3196 કાઉન્ટર્સ ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. 105 કાઉન્ટર્સે 52-સપ્તાહની ટોચ દર્શાવી હતી. જ્યારે 65 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું બનાવ્યું હતું. 14 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં અને 3 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 4 ટકા વધી 11.31ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે ભારતી બજારે સાધારણ ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. જ્યાંથી તે સહેજ વધુ સુધર્યું હતું. જોકે, શરૂઆતી પોણો કલાકની મજબૂતી પછી તે નેગેટિવ ઝોનમાં સરી પડ્યું હતું અને બંધ થવાના દોઢેક કલાક અગાઉ તળિયું બનાવી કોન્સોલિડેશનમાં જળવાયું હતું. નિફ્ટીએ ઈન્ટ્રા-ડે ધોરણે 19074નું બોટમ બનાવ્યું હતું. જોકે, બંધ લેવલે 19100નું લેવલ જાળવી રાખ્યું હતું. નિફ્ટી ફ્યુચર 8 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19130ની સપાટીએ બંધ જોવા મળ્યો હતો. અગાઉના સત્રમાં તે 19 પોઈન્ટ્સનું ડિસ્કાઉન્ટ દર્શાવતું હતું. આમ, નીચા મથાળે લોંગ પોઝીશનમાં ઉમેરો જોવા મળ્યો હોય તેમ જણાય છે. જોકે, ઊંચા મથાળે વેચવાલીનું દબાણ પ્રવર્તી રહ્યું છે. જેને જોતાં નવી ખરીદી ટાળવી જોઈએ. બજારમાં સ્થિરતા પરત ફરે નહિ ત્યાં સુધી સાઈડલાઈન રહેવું હિતાવહ છે. ટેકનિકલી માર્કેટ માટે 19000 મહત્વનો સાઈકોલોજિકલ સપોર્ટ છે. જેની નીચે ફ્રી ફોલ શક્ય છે. બુધવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મહત્વના કાઉન્ટર્સમાં કોલ ઈન્ડિયા, તાતા સ્ટીલ, હિંદાલ્કો, તાતા કન્ઝ્યૂમર, એસબીઆઈ, મારુતિ સુઝુકી, નેસ્લે, એમએન્ડએમ, બ્રિટાનિયા અને એલટીઆઈમાઈન્ડટ્રીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ઈન્ફોસિસ, અદાણી એન્ટરપ્રાઈઝ, સિપ્લા, એપોલો હોસ્પિટલ, એનટીપીસી, એસબીઆઈ લાઈફ, આઈશર મોટર્સ, ભારતી એરટેલ, ડિવિઝ લેબ્સ, ઈન્ડસઈન્ડ બેંકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો મેટલ અને પીએસયૂ બેંક સેક્ટરમાં સાધારણ મજબૂતી જોવા મળી હતી. જે સિવાય અન્ય સેક્ટર્સમાં નરમાઈ જણાતી હતી. ચાઈનીઝ સ્ટીમ્યુલસ પાછળ નિફ્ટી મેટલ 0.15 ટકા પોઝીટીવ બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં નાલ્કો, જિંદાલ સ્ટીલ, કોલ ઈન્ડિયા, એનએમડીસી, તાતા સ્ટીલ, હિંદાલ્કો, સેઈલ અને વેદાંત પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસયૂ બેંક 0.17 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં આઈઓબી, બેંક ઓફ મહારાષ્ટ્ર, યૂકો બેંક, સેન્ટ્રલ બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક અને એસબીઆઈ પોઝીટીવ જોવા મળી રહ્યાં હતાં. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ એક ટકાથી વધુ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. ઈન્ફોસિસ 2.75 ટકા નરમાઈ સાથે બંધ રહ્યો હતો. આ ઉપરાંત ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજી, ટીસીએસ, વિપ્રો, કોફોર્જ અને એલએન્ડટી ટેક્નોલોજીમાં પણ નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા 0.75 ટકા તૂટ્યો હતો. જેના ઘટકોમાં સિપ્લા 2.23 ટકા ઘટાડો દર્શાવતો હતો. આ ઉપરાંત લુપીન, ડિવિઝ લેબ્સ, ઓરોબિંદો ફાર્મા, બાયોકોન, ડો. રેડ્ડીઝ લેબ્સ, સન ફાર્મામાં નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી બેંક 0.74 ટકા ઘટાડા સાથે 43 હજારની નીચે ઉતરી ગયો હતો. જેના ઘટકોમાં ઈન્ડ્સઈન્ડ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, બંધન બેંક, ફેડરલ બેંક, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, પીએનબીમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો ડેલ્ટા કોર્પ 4 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ટોરેન્ટ ફાર્મા, નાલ્કો, આઈજીએલ, જિંદાલ સ્ટીલ, સીજી કન્ઝ્યૂમર, પર્સિસ્ટન્ટ, ઈન્ટરગ્લોબ એવિએશન, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, આલ્કમે લેબ, કોલ ઈન્ડિયા, એનએમડીસી, તાતા સ્ટીલ, મેરિકો, બલરામપુર ચીનીમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, શ્રીરામ ફાઈનાન્સમાં તીવ્ર ઘટાડો નોંધાયો હતો અને તે 3.4 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત, ગોદરેજ પ્રોપર્ટીઝ, પાવર ફાઈનાન્સ, ઈન્ફોસિસ, મેટ્રોપોલીસ, ભારત ફોર્જ, ડો. લાલ પેથલેબ્સ, જેકે સિમેન્ટ, પોલીકેબ, ઝી એન્ટરટેઈનમેન્ટ અને મણ્ણાપુર ફાઈનાન્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં વેલસ્પન ઈન્ડિયા, એસ્ટર ડીએમ, બીએસઈ લિમિટેડ, પ્રેસ્ટીજ એસ્ટેટ અને બાલક્રિષ્ણા ઈન્ડનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, સુમીટોમો, અદાણી ટોટલ, વી-માર્ટ, એજિસ લોજીસ્ટીક્સ, રાજેશ એક્સપોર્ટ્સ, પોલિપ્લેક્સ કોર્પ અને ઓરિએન્ટ ઈલેક્ટ્રીક તેમનું તળિયું દર્શાવતાં હતાં.

શેરબજારમાં ઘટાડાનો લાભ લેવા માટે MF ઉદ્યોગ પાસે રૂ. 2.5 લાખ કરોડની ક્ષમતા
કોટક મ્યુચ્યુલ ફંડના સીઈઓ નિલેશ શાહના મતે રિટેલ રોકાણકારોએ લેવરેજ પોઝીશન ટાળવી જોઈએ
તેમજ રોકાણકારોએ તેમની પોઝીશનનું પૂરતું હેજિંગ કરવું જોઈએ

છેલ્લાં બે મહિનાથી જોવા મળી રહેલી વિદેશી પોર્ટફોલયો ઈન્વેસ્ટર્સ(FPI)ની વેચવાલી સામે સ્થાનિક ફંડ્સ શેરબજારને મહત્વનો સપોર્ટ પૂરો પાડી તેમની અસરને ખાળવામાં મહત્વના પુરવાર થઈ રહ્યાં છે ત્યારે કોઈપણ ગેરવાજબી ઘટાડા વચ્ચે ઊભી થનારી અવાસ્તવિક ભાવોની સ્થિતિમાં બજારને સપોર્ટ કરવા માટે તેઓ પૂરતી ક્ષમતા ધરાવે છે એમ કોટક મ્યુચ્યુલ ફંડના સીઈઓ નિલેશ શાહ જણાવે છે.
તેમના જણાવ્યા મુજબ વિવિધ સ્થાનિક મ્યુચ્યુલ ફંડ્સ પાસે વધુમાં વધુ રૂ. 2.5 લાખ કરોડનો ‘ફાયર પાવર’ રહેલો છે. આ માટેનું સાદુ ગણિત આપતાં તેઓ સમજાવે છે કે કુલ ઈક્વિટી મ્યુચ્યુલ ફંડ ભંડોળ રૂ. 25 લાખ કરોડ છે. જેમાં 5 ટકા કેશ છે. એટલેકે રૂ. 1.25 લાખ કરોડ રકમ રોકડ છે. જ્યારે ફંડ મેનેજર્સ કોઈપણ રિડમ્પ્શન માટે હાથ પર કેશ તૈયાર રાખશે. તેઓ આ નાણાનો ઉપયોગ કોઈ અસાધારણ તકના સમયમાં કરી શકે છે. બીજું, ડાયનેમિક એસેટ એલોકેશન ફંડ્સ જે માર્કેટના આઉટલૂક પ્રમાણે ઈક્વિટી, ડેટ અને કેશ બેઝ્ડ રોકાણ કરે છે તથા બેલેન્સ ફંડ્સમાંથી 25 ટકા પરથી 75 ટકા રકમને ઈક્વિટીઝમાં ફેરવી શકાય છે. તે રૂ. 2 લાખ કરોડનો એસેટ બેઝ ધરાવે છે. ઈક્વિટીઝમાં આવન-જાવન કરતાં નાણાનો હિસ્સો 40 ટકા એટલેકે રૂ. 80 હજાર કરોડ જેટલો છે.
આ ઉપરાંત, ત્રણ મહિનામાં મ્યુચ્યુલ ફંડ્સ લઘુત્તમ રૂ. 45 હજાર કરોડની એસઆઈપી મેળવશે. જેને પણ ઉપરોક્ત લિક્વિડીટીમાં જોડી દેતાં બજારમાં ઘટાડાની સ્થિતિનો લાભ લેવા માટે કુલ રૂ. 2.5 લાખ કરોડનું ફંડ ઉપયોગમાં લઈ શકાશે એમ શાહ જણાવે છે. તેઓ ઉમેરે છે કે ભૂતકાળથી અલગ રીતે હાલમાં સ્થાનિક મ્યુચ્યુલ ફંડ ઉદ્યોગ જ માત્ર રૂ. 2.5 લાખ કરોડની લિક્વિડીટી ધરાવે છે. તે ઉપરાંત, અન્ય સ્રોતો તો ખરા જ. કેટલાંક ફંડ મેનેજર્સ ઊંચા વેલ્યૂએશન્સને જોતાં અગાઉથી જ વેચવાલી કરી રહ્યાં છે અને કેશ ઊભી કરી રહ્યાં છે. બેલેન્સ એડવાન્ટેજ ફંડમાં અમે 20-80 ટકા સુધી કેશ જાળવી શકીએ છીએ એમ શાહનું કહેવું છે. હાલમાં અમે 45 ટકા કેશ પર બેઠાં છીએ. ઉદ્યોગ ક્ષેત્રે પણ ઈક્વિટી ફાળવણી મધ્યમાં જોવા મળે છે અને તે આક્રમક નથી. શાહના મતે સ્થાનિક ફંડ મેનેજર્સ ફેર વેલ્યૂની પૂરતી જાણકારી ધરાવે છે અને તેથી જ્યારે પણ શેર તેની ફેર વેલ્યૂની નીચે જશે ત્યારે જ તેઓ ખરીદી કરશે.
શાહના મતે વિદેશી રોકાણકારો એમએસસીઆઈમાં રિબેલેન્સિંગના કારણે તેમનાં શેર્સ વેચતાં હોય છે. અથવા તો તેઓ ભારતમાંથી અન્ય માર્કેટ્સમાં જાય ત્યારે વેચાણ દર્શાવતાં હોય છે. જે સારી રોકાણ તક ઊભી કરે છે.

માર્કેટમાં નરમાઈ વચ્ચે સુગર શેર્સમાં મજબૂતી
ઈન્ટ્રા-ડે ધોરણે 7 ટકા વધ્યાં પછી 2 ટકા સુધી પોઝીટીવ બંધ દર્શાવ્યું
નિકાસમાં ઘટાડો અને ઈથેનોલ ઉત્પાદનમાં ઘટાડા છતાં સુગર ઉદ્યોગના એબિટામાં વૃદ્ધિનો અંદાજ

બુધવારે ભારતીય શેરબજારમાં વેચવાલી વચ્ચે સુગર શેર્સની માગ જોવા મળી હતી. ખૂલતામાં મજબૂતી સાથે ખૂલવા સાથે ટોચની સુગર કંપનીઓના શેર્સ પોઝીટીવ બંધ દર્શાવવામાં સફળ રહ્યાં હતાં. ઈન્ટ્રા-ડે ધોરણે સાત ટકા સુધીની વૃદ્ધિ નોંધાવ્યાં પછી કામકાજની આખરમાં તેઓ 1-2.5 ટકાની રેંજમાં સુધારા સાથે બંધ જોવા મળતાં હતાં.
સુગર શેર્સમાં મજબૂતીનું કારણ ઉદ્યોગ સેક્ટર તરફથી ઊંચી માગ અને સારા અર્નિંગ્સનું કારણ જવાબદાર હોવાનું માર્કેટ વર્તુળો જણાવે છે. ટોચના સુગર પ્લેયર્સ બલરામપુર ચીની મિલ્સ, ત્રિવેણી એન્જિનીયરિંગ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ, ધામપુર સુગર મિલ્સ, દ્વારકેશ સુગર, અવધ સુગર, શ્રી રેણુકા સુગર્સ, દાલમિયા ભારત સુગર અને મગધ સુગર એન્ડ એનર્જી સહિતની કંપનીઓના શેર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ મંગળવારે 512 પોઈન્ટ્સ ઘટીને બંધ જોવા મળતો હતો.
રેટિંગ એજન્સી ક્રિસિલના રિપોર્ટ મુજબ નિકાસમાં ઘટાડો અને ઈથેનોલ ઉત્પાદનમાં પણ ઘટાડા છતાં સુગર ક્ષેત્રે માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈઝિસના માર્જિન્સ સારા જોવા મળે તેવી શક્યતાં છે અને આગામી ક્વાર્ટર્સમાં તેમાં વૃદ્ધિનો અંદાજ છે. આ પાછળનું કારણ સુગર સેગમેન્ટમાં તેમના ઊંચા એક્સપોઝર અને મર્યાદિત નિકાસ એક્સપોઝર છે. ખાંડના મજબૂત ભાવની તેમની નાણાકિય કામગીરી પર પોઝીટીવ અસર પડશે. સરકારે દેશમાં પૂરતાં સપ્લાયની ખાતરી માટે સુગર નિકાસ પર પ્રતિબંધ લગાવ્યો છે. ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડે 31 ઓક્ટોબર પછી ફરીથી નોટિસ જાહેર ના થાય ત્યાં સુધી દેશમાંથી સુગર નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે. શેરડીના નીચા ઉત્પાદનને કારણે દેશમાં ખાંડના ઉત્પાદનમાં 3-4 ટકા ઘટાડાની અપેક્ષા છે. જેની પાછળ નબળા સપ્લાય અને મજબૂત માગની અપેક્ષાએ ખાંડના ભાવમાં 2-3 ટકા વૃદ્ધિની શક્યતાં હોવાનું ક્રિસીલ જણાવે છે. વધુમાં ઈન્ટરનેશનલ સુગર ઓર્ગેનાઈઝેશને પણ 2023-24માં ખાંડના ઉત્પાદનમાં 21 લાખ ટનની ખાધનો અંદાજ મૂક્યો છે. તેના મતે વિશ્વમાં 17.48 કરોડ ટનના ઉત્પાદન સામે 17.69 કરોડ ટનનો વપરાશ જોવા મળશે.

FD સાથે તીવ્ર સ્પર્ધાનો સામનો કરી રહેલાં ડેટ ફંડ્સ
સિસ્ટમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાનનું 95 ટકા રોકાણ ઈક્વિટી મ્યુચ્યુલ ફંડ્સમાં

રોકાણકાર માટે ફિક્સ્ડ ડિપોઝીટ્સ ચાલુ વર્ષે સેફ-હેવન રોકાણ સાધન તરીકે ઊભરી છે. વૈશ્વિક સ્તરે જોવા મળતાં જીઓ-પોલિટિકલ તણાવો પાછળ મોટા સંસ્થાકિય રોકાણકારો બાજુ પણ ઊભા રહીને રાહ જોઈ રહ્યાં છે. બ્રોકિંગ હાઉસ મોતીલાલ ઓસ્વાલના અભ્યાસ મુજબ લાંબા-ગાળાની ડેટ મ્યુચ્યુલ ફંડ સ્કિમ્સની સરખામણીમાં એફડી પસંદગીનું સાધન બન્યું છે. જોકે, ટૂંકાગાળા માટેની સ્કિમ્સ માગ ઊંચી જોવા મળી રહી છે. ઈન્ટરેસ્ટ રેટમાં વૃદ્ધિ પાછળ તથા લાંબાગાળાના ડેટ ફંડ્સને મળી રહેલો ટેક્સનો લાભ દૂર થતાં ફિક્સ્ડ ડિપોઝીટ્સ લોકપ્રિય બની રહી છે.
એક રિપોર્ટમાં બ્રોકરેજે નોંધ્યું છે કે મે 2023માં 10-વર્ષ માટેના બોન્ડ યિલ્ડ 7 ટકાથી વધી 7.35 ટકા પર જોવા મળ્યાં હતાં. જીઓ-પોલિટીકલ તણાવોને જોતાં મોટી સંસ્થાઓ યિલ્ડ્સમાં વધુ મજબૂતીની અપેક્ષા રાખી રહી છે. જે તેમને સાઈડલાઈનમાં જાળવી રહી છે. ટૂંકાગાળા માટેના એટલેકે એક વર્ષથી નીચેના સમયગાળા માટેના ફંડ્સ ઊંચો રસ જોઈ રહ્યાં છે. જ્યારે છ મહિનાથી લઈ ત્રણ વર્ષ માટેની એફડીની મોટા સંસ્થાકિય રોકાણકારોમાં ઊંચી માગ જોવા મળે છે. એફડી સામે લાઈફ ઓફ ક્રેડિટ પ્રાપ્ય હોવાના કારણે પણ તેનું આકર્ષણ વધ્યું છે એમ રિપોર્ટ સૂચવે છે. જોકે એફડી લોક-ઈન પિરિયડ ધરાવતી હોય છે. જો તમે વહેલા નાણા ઉપાડી લો તો પેનલ્ટી ભરવાની થાય છે. જ્યારે લિક્વિડ અથવા શોર્ટ-ડ્યૂરેશન માટેના ડેટ ફંડ્સ એફડી કરતાં ચઢિયાતા એ રીતે છે કે તેમાં કોઈપણ સમયે નાણા બહાર ખેંચી શકાય છે.
વેલ્યૂ રિસર્ચના સત્યજીત સેનના જણાવ્યા મુજબ એફડી અને ડેટ ફંડ્સ માટે ટેક્સ ટ્રિટમેન્ટ સાધારણ ફેરફારને બાદ કરતાં વ્યાપકપણે સમાન જોવા મળે છે. તમારી ઈન્ટરેસ્ટની ઈન્કમને વાર્ષિક આવકમાં ઉમેરવામાં આવે છે અને લાગુ પડતાં ટેક્સ સ્લેબ પ્રમાણે ટેક્સ વસૂલવામાં આવે છે. જોકે, એફડીમાં ઈન્ટરેસ્ટ ઈન્કમ પર દર વર્ષે ટેક્સ વસૂલવામાં આવે છે. જ્યારે ડેટ કેસમાં આમ નથી બનતું. રોકાણકાર જ્યારે પણ તેનું રોકાણ પરત ખેંચે ત્યારે જ ટેક્સ વસૂલાય છે. ત્રણ વર્ષ માટે સ્મોલ-ફાઈનાન્સ બેંક્સની એફડી પર સરેરાશ વ્યાજ દર 7.98 ટકા જોવા મળે છે. સિનિયર સિટીઝન માટે તે 0.5 ટકા ઊંચો છે. બીજી બાજુ, ટૂંકા ગાળા માટેના ડેટ ફંડ્સ પર સરેરાશ યિલ્ડ 7.14 ટકા છે. જ્યારે મધ્યમગાળા માટે લિક્વિડ ફંડ્ 6.63 ટકા રિટર્ન્સ આપે છે. ફ્લોટિંગ-રેટ ફંડ્સ માટેની માગ વધી રહી છે. જોકે, તે હજુ પણ કુલ ડેટ સેગમેન્ટનો ખુબ નાનો હિસ્સો ધરાવે છે. છેલ્લાં કેટલાંક ક્વાર્ટર્સમાં મજબૂત વૃદ્ધિ દર્શાવનાર ડેટ ઈન્ડેક્સ ફંડ્સના ઈનફ્લોમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. પેસિવ પ્રોડક્ટ્સ લોંચિંગમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. જોકે, રિટેલ ઈન્વેસ્ટર્સ આવી પ્રોડક્ટ્સ તરફ નથી વળી રહ્યાં એમ મોતીલાલ ઓસ્વાલ જણાવે છે. બીજી બાજુ, હાઈ નેટવર્થ રોકાણકારોનું પેસિવ ફંડ્સમાં રોકાણ વધતું જોવા મળી રહ્યું છે.

જિઓ પાસે પ્રતિ 10 સેકન્ડ્સમાં 5જી સેલ ડિપ્લોય કરવાની ક્ષમતાઃ આકાશ અંબાણી
દેશમાં સૌથી મોટી ટેલિકોમ કંપનીએ ભારતમાં 85 ટકા વિસ્તારમાં 5જી નેટવર્કની સ્થાપના કરી
ટેલિકોમ અગ્રણી રિલાયન્સ જીઓએ ભારતમાં 85 ટકા વિસ્તારમાં 5જી નેટવર્કની સ્થાપના કરી હોવાનું કંપનીના ચેરમેન આકાશ અંબાણીએ જણાવ્યું છે. સાથે કંપની પ્રતિ 10 સેકન્ડ્સમાં 5જી સેલની સ્થાપના કરવાની ક્ષમતા ધરાવે છે એમ તેમણે ઉમેર્યું હતું.
બ્રોડબેન્ડ સ્પીડ અને ક્વોલિટી મેઝરમેન્ટ કંપની ઓક્લાના નિવેદન મુજબ રિલાયન્સ જીઓ ચેરમેને જણાવ્યું છે કે કંપનીએ ડિસેમ્બર 2023ની આપેલી સમયમર્યાદા પહેલાં જ સમગ્ર દેશને 5જી નેટવર્કમાં આવરી લીધો છે. અંબાણીએ નોંધ્યું છે કે હું ખાસ કરીને 5જી રોલઆઉટ માટે અમારી સ્પીડને લઈ ગર્વ અનુભવું છે. 5જી નેટવર્ક અમારા ડિસેમ્બર 2023ના વાયદા કરતાં વહેલું તૈયાર થઈ ગયું છે. ભારતમાં 85 ટકા જેટલું 5જી ડિપ્લોયમેન્ટ જીઓ દ્વારા કરવામાં આવ્યું છે. અમે દર 10 સેકંડ્સમાં એક 5જી સેલ ડિપ્લોય કરીશું એમ અંબાણીએ જણાવ્યું હતું. ટેલિકોમ ડિપાર્ટમેન્ટના જણાવ્યા મુજબ દેશમાં 5જી માટે કુલ 3.38 લાખ બેઝ સ્ટેશન્સની સ્થાપના કરવામાં આવી છે. અંબાણીના મતે છેલ્લાં સાત વર્ષોમાં તેમણે કેટલાંક વૈશ્વિક બેન્ચમાર્ક્સ સ્થાપ્યા છે. આજે અમારી મહત્વાકાંક્ષા એનાથી પણ ઊંચી છે અને ભારતના ડિજિટલ ફ્યુચર માટેનો અમારો વિશ્વાસ હંમેશ માફક મજબૂત છે. અમે ડિજિટલ ઈન્ડિયાની સંપૂર્ણ સંભાવના હાંસલ કરવા માટે પ્રતિબધ્ધ છીએ એમ આકાશ અંબાણીએ ઉમેર્યું હતું. ઓક્લાએ રવિવારે જણાવ્યું હતું કે જીઓ ભારતમાં પ્રથમ ક્રમના નેટવર્ક તરીકે ઊભર્યું છે. તેણે મોબાઈલ નેટવર્ક્સ માટે ઓક્લાએ રજૂ કરેલા તમામ નવ સ્પીડટેસ્ટ એવોર્ડ્સ મેળવ્યાં છે. જેમાં તમામ 5જી નેટવર્ક્સ એવોર્ડ્સનો પણ સમાવેશ થાય છે.

નવરાત્રિમાં કાર અને SUVનું વેચાણ સ્થિર જોવા મળ્યું
શ્રાધ્ધ અને નવરાત્રિ વચ્ચે કારનું વેચાણ ગયા વર્ષના 2.83 લાખ યુનિટ્સ સામે 16 ટકા વધી 3.30 લાખ કાર્સ નોંધાયું

ચાલુ વર્ષે નવરાત્રિના તહેવારમાં કાર અને સ્પોર્ટ્સ યુટિલિટી વેહીકલ્સ(SUV)નું વેચાણ ગયા વર્ષના સ્તરે સ્થિર જોવા મળ્યું હતું. એક રિપોર્ટ મુજબ દેશમાં ટોચની કાર ઉત્પાદક મારુતિ સુઝુકીએ તહેવારના નવ દિવસોમાં લગભગ એક લાખ યુનિટ્સ કાર્સનું વેચાણ કર્યું હોવાનું કંપનીના ટોચના અધિકારીએ જણાવ્યું હતું.
મારુતિના માર્કેટિંગ અને સેલ્સના સિનિયર એક્ઝિક્યૂટીવ ઓફિસર શશાંક શ્રીવાસ્તવના મતે ગયા વર્ષે નવરાત્રિ દરમિયાન પ્રથમ ત્રણ દિવસો મહિનાના આખરી દિવસો હતા અને હંમેશા મહિનાના આખરી દિવસોમાં રિટેલ વેચાણ ઊંચું જોવા મળતું હોય છે. તેમના મતે 17 ઓગસ્ટથી લઈ નવરાત્રિના આખરી દિવસ સુધીમાં 7 લાખ યુનિટ્સનું વેચાણ થયું હોવાની અપેક્ષા છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં 5.83 લાખ યુનિટ્સ કરતાં 20 ટકા વૃદ્ધિ દર્શાવે છે. સામાન્યરીતે દેશમાં રિટેલ ઓટો વેચાણ માટે 30-35 દિવસોની ફેસ્ટીવ સિઝન જોવા મળે છે. ચાલુ વર્ષે 17 ઓગસ્ટથી તહેવારોની સિઝનની શરૂઆત થઈ હતી. જે 1 નવેમ્બર સુધી ચાલશે. ચાલુ વર્ષે શ્રાધ્ધ અને નવરાત્રિ વચ્ચે કુલ 3.3 લાખ કાર્સનું વેચાણ નોંધાયું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં નોંધાયેલા 2.83 લાખ યુનિટ્સના વેચાણ સામે 16 ટકા વૃદ્ધિ દર્શાવે છે. હ્યુન્દાઈ મોટરે ચાલુ વર્ષે 30 હજાર યુનિટ્સ કાર્સનું વેચાણ કર્યું હતું. જે ગયા વર્ષની સરખામણીમાં 8 ટકા ઊંચું હતું.
ચાલુ વર્ષે ફેસ્ટિવ સિઝનમાં 10 લાખ યુનિટ્સ કાર વેચાણની અપેક્ષા કાર ઉત્પાદકો રાખી રહ્યાં છે. માગને પહોંચી વળવા માટે તેઓ સપ્લાયને વધારવા પર કામ કરી રહ્યાં છે. ગયા વર્ષે ખરીદારોએ લાંબા વેઈટિંગ પિરિયડ જોવાનો બન્યો હતો. ચાલુ વર્ષની ઈન્વેન્ટરીમાં તે બાબત જોઈ શકાય છે. જે હાલમાં પાંચ-વર્ષોની ટોચ પર છે. ફાડાએ રજૂ કરેલા આંકડા મુજબ સપ્ટેમ્બર આખરમાં ઈન્વેન્ટરી લેવલ 65 દિવસની ટોચ પર હતું. આમ, કંપનીઓએ તહેવારોની પૂર્વ તૈયારીરૂપે તેમની ઈન્વેન્ટરીને ઊંચી જાળવી છે. જેથી ખરીદારોને તહેવારોના સમયગાળામાં વેઈટિંગ માટે ઊભા રહેવું ના પડે.

કોરિયન કંપની ડેઈવુ ભારતમાં પરત ફરશે
સાઉથ કોરિયન કંપની ડેઈવુ ભારતીય બજારમાં પરત ફરવા તૈયાર છે. ભારતીય અર્થતંત્રમાં ઊંચી કન્ઝ્યૂમર માગ જોતાં કંપની ફરીથી બજારમાં પ્રવેશશે. ડેઈવુ 50 વર્ષોથી ઓટોમોટીવ અને ઈલેક્ટ્રોનિક્સ સેક્ટર્સમાં મજબૂત હાજરી ધરાવે છે. ભારતીય બજારમાં તે શરૂમાં પાવર અને એનર્જી પ્રોડક્ટ્સ રજૂ કરશે. જેમાં ફોર-વ્હીલર્સ તથા ટુ-વ્હીલર્સ માટેની બેટરીઝનો સમાવેશ થતો હશે. કંપની બ્રાન્ડ લાયસન્સિંગ પાર્ટનરશીપ મારફતે ભારતમાં પરત ફરશે એમ જણાવે છે. અગાઉ 1995માં પ્રથમવાર તે ભારતીય બજારમાં પ્રવેશી હતી. જે વખતે સિએલો, નેક્સિઆ અને માટિઝ જેવા મોડેલ્સ લોંચ કર્યાં હતાં. જોકે, 2001માં કંપનીની એસેટ્સનો નોંધપાત્ર હિસ્સો જનરલ મોટર્સે ખરીદી લીધો હતો અને 2003-2004માં ડેઈવુએ તેની ભારતીય કામગીરી બંધ કરી હતી. હાલમાં ડેઈવુ કમર્સિયલ વેહીકલ્સ ડિવિઝનની માલિકી તાતા મોટર્સ ધરાવે છે.

એક્સિસ બેંકનો નેટ પ્રોફિટ 10 ટકા ઉછળી રૂ. 5864 કરોડ પર જોવાયો

ખાનગી ક્ષેત્રની ત્રીજી મોટી બેંક એક્સિસ બેંકે સપ્ટેમ્બર ક્વાર્ટર માટે રૂ. 5864 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 5330 કરોડનો પ્રોફિટ નોંધાવ્યો હતો. બેંકના સ્ટેન્ડઅલોન નંબરમાં તેની સબસિડિયરીઝનો સમાવેશ નથી થતો.
એક્સિસ બેંકે બુધવારે બીજા ક્વાર્ટર માટે તેના પરિણામ રજૂ કર્યાં હતાં. તેણે રેગ્યુલેટરી ફાઈલીંગમાં જણાવ્યા મુજબ બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 19 ટકા ઉછળી રૂ. 12,315 કરોડ પર જોવા મળી હતી. ત્રિમાસિક ધોરણે તે 3 ટકા વૃદ્ધિ સૂચવતી હતી. બેંકના નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 4.11 ટકા પર જોવા મળ્યાં હતાં. જે વાર્ષિક ધોરણે 15 ટકા વૃદ્ધિ સૂચવતાં હતાં. જ્યારે ત્રિમાસિક ધોરણે 1 બેસીસ પોઈન્ટનો સુધારો દર્શાવતાં હતાં. નાણા વર્ષ 2023-24ના પ્રથમ છ મહિનામાં બેંકની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ વાર્ષિક ધોરણે 23 ટકા વધી રૂ. 23,273 કરોડ પર જોવા મળી હતી. ગયા વર્ષે સમાનગાળામાં તે રૂ. 19,744 કરોડ પર નોંધાઈ હતી. બેંકની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ સેટ્સ સુધરીને 1.73 ટકા પર જોવા મળી હતી. જે જૂન ક્વાર્ટરમાં 1.96 ટકા પર હતી. જ્યારે ગયા વર્ષે સમાનગાળામાં તે 2.5 ટકા પર જોવા મળતી હતી. બેંકની નેટ એનપીએ પણ ત્રિમાસિક ધોરણે 0.41 ટકા પરથી ઘટી 0.36 ટકા પર રહી હતી. ગયા વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તે 0.51 ટકા પર જોવા મળતી હતી. બુધવારે એક્સિસ બેંકનો શેર 0.84 ટકા ઘટાડે રૂ. 955.35ની સપાટીએ બંધ રહ્યો હતો.

અદાણી ઓડિટર EY સામે NFRAની તપાસ
અદાણીની પાંચ લિસ્ટેડ કંપનીના ઓડિટર એસ આર બાટલીબોયની તપાસે કોંગ્લોમેરટરના એકાઉન્ટિંગ અને ડિસ્ક્લોઝર્સને લઈ સર્જેલા સવાલો

અદાણી જૂથના લાંબા સમયથી ઓડિટર્સમાંના એકની ભારતીય એકાઉન્ટીંગ રેગ્યુલેટર દ્વારા તપાસ થઈ રહી હોવાનું વર્તુળો જણાવે છે. નેશનલ ફાઈનાન્સિયલ રિપોર્ટિંગ ઓથોરિટી અથવા NFRA તરફથી તાજેતરના સપ્તાહમાં ભારતમાં EYની સભ્ય કંપનીઓમાંની એક એસ આર બાટલીબોયમાં તપાસ શરૂ થઈ હોવાનું વર્તુળો જણાવે છે.
રેગ્યુલેટરે બિલિયોનર ગૌતમ અદાણીની કેટલીક કંપનીઓ માટેના તેના ઓડિટ્સ સંબંધી ફાઈલ્સ અને કોમ્યુનિકેશન્સ માટે ઈવાયનો વિનંતી કરી છે એમ વર્તુળ ઉમેરે છે. રેગ્યુલેટરે છેક 2014થી આ દસ્તાવેજો મંગાવ્યાં છે. એનએફઆરએની પૂછપરછ કેટલી લાંબી ચાલશે તે હજુ નિશ્ચિત નથી. તેમજ તેની તપાસની ઓડિટર કે અદાણી જૂથની કંપનીઓ પર શું અસર પડશે તે પણ નક્કી નથી. એનએફઆરએના તેમજ અદાણી જૂથના પ્રતિનિધિઓ તરફથી ઈમેઈલનો કોઈ પ્રતિભાવ આપવામાં આવ્યો નહોતો. ઈવાય અને એસ આર બાટલીબોયના પ્રતિનિધિઓ ટિપ્પણીનો ઈન્કાર કર્યો હતો. એસ આર બાટલીબોય અદાણી જૂથની પાંચ કંપનીઓનું ઓડિટ ધરાવે છે. જે જૂથની લગભગ 50 ટકા આવક દર્શાવે છે. ઓડિટરની તપાસ અદાણી જૂથના એકાઉન્ટિંગ અને ડિસ્ક્લોઝર્સ સંબંધી સવાલો સર્જી રહ્યાં છે. એસ આર બાટલીબોય હાલમાં અદાણી પાવર, અદાણી ગ્રીન એનર્જી, અદાણી વિલ્મેર તથા જૂથની બે સિમેન્ટ કંપનીઓના ઓડિટરની જવાબદારી નિભાવે છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

ટેક મહિન્દ્રાઃ આઈટી સર્વિસિઝ કંપનીનો નેટ પ્રોફિટ 61 ટકા ગગડી રૂ. 505 કરોડ પર નોંધાયો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1299.20 કરોડ પર જોવા મળ્યો હતો. ત્રિમાસિક ધોરણે નફો 28.18 ટકા ઘટાડો દર્શાવતો હતો. જૂન ક્વાર્ટરમાં તેણે રૂ. 703.60 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીએ ક્વાર્ટર દરમિયાન 2307 કર્મચારીઓનો ઉમેરો કર્યો હતો. એટ્રીશન રેટ જૂન ક્વાર્ટરના 13 ટકા પરથી ઘટી 11 ટકા પર નોંધાયો હતો.
જ્યુબિલિઅન્ટ ફૂડવર્ક્સઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 97.20 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 131.52 કરોડના પ્રોફિટ સામે 26 ટકા ઘટાડો સૂચવે છે. કંપનીની આવક ગયા વર્ષે બીજા ક્વાર્ટરમાં રૂ. 1301.48 કરોડ સામે 5.15 ટકા વધી રૂ. 1,368.63 કરોડ પર જોવા મળી હતી. એબિટા રૂ. 280.7 કરોડ પર નોંધાયો હતો.
મહિન્દ્રા લોજિસ્ટીક્સઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 16 કરોડની કોન્સોલિડેટેડ ખોટ દર્શાવી છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 11 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની આવક ગયા વર્ષે બીજા ક્વાર્ટરમાં રૂ. 1326 કરોડની સરખામણીમાં 3 ટકા વધી ચાલુ વર્ષે રૂ. 1365 કરોડ પર જોવા મળી હતી. જ્યારે એબિટા 20.5 ટકા ઘટી રૂ. 54 કરોડ પર જોવા મળ્યો હતો. કંપનીનો શેર 6 ટકા તૂટી રૂ. 347.15ના વાર્ષિક તળિયા પર ટ્રેડ થયો હતો.
એનડીટીવીઃ અદાણી જૂથની મિડિયા કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 5.91 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 12.01 કરોડના નફાની સરખામણીમાં 51 ટકા ઘટાડો સૂચવે છે. જોકે, એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ખોટ સામે તે બીજા ક્વાર્ટરમાં નફો દર્શાવી શકી હતી. કંપનીની આવક 10 ટકા ઘટી રૂ. 95.55 કરોડ પર રહી હતી.
વિઝા સ્ટીલઃ ટ્રિનિટી ઓપોર્ચ્યુનિટી ફંડે કંપનીના 47.07 લાખ શેર્સનું વેચાણ કરીને એક્ઝિટ લીધી છે. તેણે તમામ શેર્સ ઓપન માર્કેટ હેઠળ વેચ્યાં છે.
ટીસીએસઃ નાસ્સેન્ટ ઈન્ફર્મેશન ટેક્નોલોજી એમ્પ્લોઈઝ સેનેટ મહારાષ્ટ્ર લેબર એન્ડ એમ્પ્લોયમેન્ટ મંત્રાલયમાં 200 જેટલા લેટરલ રિક્રૂટ્સના ઓનબોર્ડિંગમાં વિલંબ બદલ ફરિયાદ કરતાં મહારાષ્ટ્ર સરકારે કંપનીને નોટિસ પાઠવી છે. જેના ભાગરૂપે મહારાષ્ટ્ર સરકારે કંપનીના મેનેજમેન્ટ સાથે 2 નવેમ્બરે બેઠક યોજી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage