Market Summary 25 Feb 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

 

માર્કેટમાં શોર્ટ કવરિંગના સપોર્ટ પાછળ મંદીને બ્રેક

હરિફોની સરખામણીમાં ભારતીય બજારનું આઉટપર્ફોર્મન્સ

વોલેટિલિટી ઈન્ડેક્સ 16.4 ટકા ગગડી 26.74ની સપાટીએ

મેટલ અને રિઅલ્ટી ઈન્ડાઈસીસમાં પાંચ ટકાથી વધુનું બાઉન્સ

બ્રોડ માર્કેટમાં લેવાલી પરત ફરતાં ચારમાંથી ત્રણમાં સુધારો

એનાલિસ્ટ્સનું જોકે માર્કેટમાં ઉછાળે નફો બુક કરવાનું સૂચન

ભારતીય શેરબજારમાં શોર્ટ કવરિંગ પાછળ સાત દિવસોના અવિરત ઘટાડાને બ્રેક લાગી હતી. બેન્ચમાર્ક્સ 2.5 ટકા આસપાસ મજબૂતી સાથે બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 1329 પોઈન્ટ્સ ઉછળી 55858.5ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે એનએસઈનો નિફ્ટી 410 પોઈન્ટ્સના ઉછાળે 16658ની સપાટી પર જોવા મળ્યો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 16.4 ટકા ગગડી 26.74ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાઁથી 47માં બાઉન્સ જોવા મળ્યું હતું. જ્યારે ત્રણ કાઉન્ટર્સ સાધારણ ઘટાડો સૂચવતાં હતાં. જેમાં એચયૂએલ, નેસ્લે અને બ્રિટાનિયા જેવા એફએમસીજીનો સમાવેશ થતો હતો.

ગુરુવારે રશિયાના યુક્રેન પર આક્રમણની પ્રતિક્રિયામાં ભારતીય બજારોએ લગભગ 5 ટકા જેટલો તીવ્ર ઘટાડો દર્શાવ્યો હતો. જ્યારે એશિયા અને યુરોપના બજારો 4 ટકા સુધીનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જોકે યુએસ બજારોએ તેમના ઈન્ટ્રા-ડે તળિયાથી તીવ્ર બાઉન્સ દર્શાવ્યું હતું. નાસ્ડેક અને ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ, બંને પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જેની પાછળ એશિયન બજારોએ પોઝીટીવ કામગીરી દર્શાવી હતી. ભારતીય બજારે પણ ગેપ-અપ ઓપનીંગ સાથે કામકાજની શરૂઆત દર્શાવી વધુ સુધારો જાળવ્યો હતો અને મજબૂત બંધ આપ્યું હતું. એનાલિસ્ટ્સના મતે સતત સાત સત્રોથી તૂટતાં રહેવાના કારણે બજાર ઓવરસોલ્ડ બન્યું હતું. જેને કારણે શોર્ટ કવરિંગની પ્રબળ શક્યતાં હતી. ઉપરાંત સેબીએ 28 ફેબ્રુઆરીથી નવા માર્જિન નિયમોના અમલને મુલત્વી રાખતાં બજારને એક મોટી રાહત મળી હતી. જેની અસર પણ જોવા મળી હતી. સેબીએ માર્કેટ મધ્યસ્થીઓની વિનંતીને ગણનામાં લઈ બીજીવાર આ નિયમોના અમલને પાછળ ઠેલ્યો છે. હવે 2 મેથી ક્લાયન્ટ માર્જિન સેગ્રિગેશન નિયમોનો અમલ થશે એમ રેગ્યુલેટરે જણાવ્યું હતું.

વૈશ્વિક હરિફોની સરખામણીમાં જોકે ભારતીય બજારે આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. એશિયન બજારોમાં જાપાન 1.95 ટકા સાથે સૌથી સારો સુધારો નોંધાવી રહ્યું હતું. જ્યારે અન્ય બજારો એક ટકા સુધી સુધારો સૂચવતાં હતાં. હોંગ કોંગ બજાર નરમાઈ સાથે બંધ રહ્યું હતું. યુરોપ બજારોમાં 2 ટકા સુધીનું બાઉન્સ જોવા મળતું હતું. જોકે ડાઉ ફ્યુચર્સ નેગેટિવ ટ્રેડ દર્શાવી રહ્યો હતો. આમ શુક્રવારનો સુધારો અલ્પજિવી નીવડે તેવી શક્યતાં પણ વ્યક્ત થઈ રહી હતી. એનાલિસ્ટ્સના મતે યૂક્રેનમાં ઘટના કેવો આકાર લે છે તેના પર બજારનો મદાર રહેશે. નિફ્ટી 17000ની સપાટી પર નિર્ણાયક બંધ દર્શાવે ત્યારબાદ જ એવું કહી શકાય કે તેણે વચગાળાનું બોટમ બનાવી દીધું છે. હાલમાં તો ઉછાળે વેચાણની પોઝીશન કરી શકાય. જેનો સ્ટોપલોસ 17200નો રાખવાનો રહેશે.

સપ્તાહના આખરી સત્ર દરમિયાન લાર્જ-કેપ્સ સાથે મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું. ટ્રેડર્સે જાતે-જાતમાં ખરીદી શરૂ કરી હતી. જે સૂચવે છે કે ભાવ ઘણા ખરા વાજબી સ્તર પર જોવા મળી રહ્યાં છે. બીએસઈ ખાતે 3464 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2595 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 781 નેગેટિવ બંધ સૂચવતાં હતાં. આમ ત્રણથી વધુ શેર્સમાં સુધારા સામે એક શેરમાં ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 4.2 ટકાનો જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 4.84 ટકાનો ઉછાળો દર્શાવી રહ્યો હતો. સેક્ટરલ સૂચકાંકોમાં મેટલ ઈન્ડેક્સે 5.74 ટકા સાથે સૌથી વધુ ઉછાળો નોંધાવ્યો હતો. રિઅલ્ટી ઈન્ડેક્સ પણ 5 ટકાથી વધુ ઉછળ્યો હતો. જ્યારે નિફ્ટી મિડિયા 4 ટકાથી વધુ મજબૂતી સૂચવતો હતો. પીએસઈ ઈન્ડેક્સ પણ 3.71 ટકા સુધારો દર્શાવતો હતો. નિફ્ટી કાઉન્ટર્સમાં કોલ ઈન્ડિયાએ 9 ટકા સાથે સૌથી સારો દેખાવ નોંધાવ્યો હતો. જ્યારે ટાટા મોટર્સ, ટાટા સ્ટીલ, અદાણી પોર્ટ્સ, ઈન્ડસઈન્ડ બેંક 6-7.4 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં હતાં.

 

ક્રૂડના વધતાં ભાવ રૂ. 1 લાખ કરોડનું ગાબડું પાડી શકેઃ SBI

દેશમાં અગ્રણી બેંક એસબીઆઈની આર્થિક પાંખે તૈયાર કરેલા એક અહેવાલ મુજબ ક્રૂડના વધતાં ભાવ નાણાકિય વર્ષ 2022-23માં સરકારની આવકમાં રૂ. એક લાખ કરોડનું ગાબડું પાડી શકે છે. સરકારે વિધાનસભા ચૂંટણીઓને ધ્યાનમાં રાખી નવેમ્બર 2021થી પેટ્રોલ અને ડિઝલના ભાવને સ્થિર જાળવી રાખ્યાં છે. એસબીઆઈના અભ્યાસ મુજબ બ્રેન્ટ ક્રૂડ વાયદાના 100-110 ડોલર પ્રતિ બેરલના ભાવ પર વેટને ગણનામાં લીધાં બાદ ડિઝલ અને પેટ્રોલના ભાવમાં અનુક્રે રૂ. 9-14 પ્રતિ લિટરની વૃદ્ધિ નોંધાવી જોઈએ. રશિયા-યૂક્રેન વચ્ચે તંગદિલી પાછળ છેલ્લાં એક મહિનામાં વિશ્વ બજારમાં ક્રૂડના ભાવ 21 ટકા જેટલાં વધ્યાં છે. જો સરકાર પેટ્રોલિયમ પ્રોડક્ટ્સના ભાવને વધતાં અટકાવવા માટે એક્સાઈઝ ડ્યુટીમાં ઘટાડો કરે છે તો તેણે મહિને રૂ. 8 હજાર કરોડની આવક ગુમાવવી પડશે. આમ વર્ષે રૂ. 95 હજાર કરોડથી રૂ. એક લાખ કરોડની આવકનું નુકસાન જોવા મળી શકે.

સુપ્રીમ કોર્ટે રાજસ્થાન સરકારની કંપનીઓને અદાણી પાવરને રૂ. 4200 કરોડ ચૂકવવા જણાવ્યું

સર્વોચ્ચ અદાલતે રાજસ્થાન સરકારની માલિકીની ત્રણ પાવર ડિસ્ટ્રીબ્યુશન કંપનીઓને અદાણી જૂથની અદાણી પાવરને રૂ. 4200 કરોડ ચૂકવવા માટે જણાવ્યું છે. જેમાં ઊંચા ફ્યુઅલ ખર્ચની સામે વળતર માટે વધારાનું વ્યાજ ચૂકવવાનો પણ સમાવેશ થાય છે. કોર્ટે નોંધ્યું હતું કે ચાલુ વર્ષે શરૂઆતમાં જ આ કંપનીઓની રિવ્યૂ પિટિશનને રદ કરવા છતાં તેમણે અદાણી પાવરને વળતર નહિ ચૂકવીને કોર્ટના આદેશનો ભંગ કર્યો છે. કોર્ટે ચાર સપ્તાહમાં જ કંપનીને કોમ્પેન્સેટરી ટેરિફ ચૂકવવા માટે સ્પષ્ટ જણાવ્યું હતું. કંપનીઓ કેટલુંક પેમેન્ટ કરી ચૂકી છે. જોકે તેણે મોટાભાગનું પેમેન્ટ કરવાનું બાકી છે. કોર્ટના આદેશ બાદ કંપનીનો શેર 11 ટકાથી વધુ ઉછળી રૂ. 123.85ના સ્તરે બંધ રહ્યો હતો.

ડોલર સામે રૂપિયામાં 34 પૈસાનો સુધારો જોવાયો

ભારતીય રૂપિયાએ યુએસ ડોલર સામે શુક્રવારે 34 પૈસાનો બાઉન્સ દર્શાવ્યો હતો. ગ્રીનબેક સામે રૂપિયો અગાઉના 75.60ના બંધ સામે 75.31 સ્તરે ગેપ-અપ ઓપનીંગ પાછળ વધુ સુધરી 75.18ની સપાટી પર ટ્રેડ થયો હતો. જ્યાંથી ગગડી 75.46 થઈ 75.26ના સ્તરે બંધ રહ્યો હતો. ગુરુવારે તેણે 99 પૈસાનો તીવ્ર ઘટાડો દર્શાવ્યો હતો. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સ 97.14ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો.

 

 

કોમોટિઝમાં તેજીના વળતાં પાણીઃ સોનું-ચાંદીમાં 2 ટકા, ક્રૂડમાં 4 ટકાનું ગાબડું

વૈશ્વિક બજારમાં ગોલ્ડ ગુરુવારે 1975 ડોલરની ટોચ પરથી શુક્રવારે 1905 ડોલર પર પટકાયું

નેચરલ ગેસ, એલ્યુમિનિયમ, ઝીંક સહિતની બેઝ મેટલ્સમાં પણ 2.5 ટકા સુધીનો ઘટાડો નોંધાયો

યુક્રેન પર રશિયાના હુમલા બાદ ગુરુવારે ગગનગામી બનેલા વિવિધ કોમોડિટીઝના ભાવમાં ઊભરો લાંબો ટક્યો નહોતો અને શુક્રવારે કિંમતી ધાતુઓ સહિત બેઝ મેટલ્સના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. સ્થાનિક કોમેત્સ એમસીએક્સ ખાતે ગોલ્ડ-સિલ્વર 2 ટકા સુધીનો જ્યારે ક્રૂડમાં 4 ટકા સુધીનો ઘટાડો જોવા મળતો હતો. જ્યારે બેઝ મેટલ્સાં 2.5 ટકા સુધી ગાબડું પડ્યું હતું.

વૈશ્વિક બજારમાં ગુરુવારે 1975 પર ટ્રેડ થયેલું કોમેક્સ સ્પોટ ગોલ્ડ ઊંચા પ્રોફિટ બુકિંગ શુક્રવારે 1905 ડોલર પર પટકાયું હતું. ગુરુવારે જ ટોચના સ્તરેથી ગગડીને તેણે સાધારણ પોઝીટીવ જળવાવા સાથે 1926 ડોલરના સ્તરે બંધ આપ્યું હતું. એમસીએક્સ ખાતે ગુરુવારે રૂ. 52780ની 18-મહિનાની ટોચ પર ટ્રેડ થયેલો એપ્રિલ ગોલ્ડ વાયદો શુક્રવારે રૂ. 50280ના સ્તરે લગભગ રૂ. 2500નો ઘટાડો સૂચવતો હતો. જ્યારે ગુરુવારના બંધ ભાવ સામે રૂ. 700ના ઘટાડે ટ્રેડ થઈ રહ્યો હતો. ગુરુવારે એક તબક્કે ગોલ્ડની સરખામણીમાં પણ ઊંચો સુધારો દર્શાવી રહેલી ચાંદી ઊંધા માથે પટકાઈ હતી. માર્ચ સિલ્વર વાયદો ગુરુવારની તેની રૂ. 68000 ઉપરની ટોચથી રૂ. 3000થી વધુ ગગડી ગરુવારે રૂ. 64560ના તળિયા પર ટ્રેડ થયો હતો. જ્યારે અગાઉના બંધની સરખામણીમાં 2 ટકા અથવા રૂ. 1300ના ઘટાડે રૂ. 65501 પર ટ્રેડ થઈ રહ્યો હતો. રશિયા વિશ્વમાં ગોલ્ડનું અગ્રણી ઉત્પાદક હોવાથી પશ્ચિમના પ્રતિબંધો બાદ વૈશ્વિક સપ્લાય પર અસર થવાની શક્યતાએ ભાવમાં 65 ડોલરથી વધુનો ઉછાળો નોંધાયો હતો.

ક્રૂડના ભાવ વૈશ્વિક બજારમાં ગુરુવારની ટોચના સ્તરેથી 10 ડોલર જેટલાં ગગડ્યાં હતાં. બ્રેન્ટ ક્રૂડ વાયદો શુક્રવારે દિવસ દરમિયાન 94 ડોલરથી 98 ડોલરની રેંજમાં ટ્રેડ થઈ રહ્યાં હતાં. તેણે ગુરુવારે સપ્ટેમ્બર 2014 પછીની 103 ડોલરની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. એમસીએક્સ ખાતે ક્રૂડ વાયદો 4 ટકા ઘટાડા સાથે રૂ. 7000ની નીચે ઉતરી ગયો હતો. ગુરુવારે તેણે રૂ. 7617ની 2013 પછીની ટોચ દર્શાવી હતી. 2013માં તેણે રૂ. 7780ની સર્વોચ્ચ સપાટી નોઁધાવી હતી. બેઝ મેટલ્સની વાત કરીએ તો એલ્યુમિનિયમના ભાવ ગુરુવારે વૈશ્વિક બજાર સહિત એમસીએક્સ ખાતે તેની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યાં હતાં. જોકે શુક્રવારે એમસીએક્સ એલ્યુમિનિયમ 2.5 ટકાના ઘટાડે ટ્રેડ દર્શાવી રહ્યું હતું. ગુરુવારના રૂ. 274.95ના બંધ સામે તે રૂ. 268.10ના તળિયા પર ટ્રેડ થયું હતું. વૈશ્વિક સ્તરે રશિયા એલ્યુમિનિયમના ઉત્પાદનમાં 6 ટકા જેટલો ઊંચો હિસ્સો ધરાવે છે. કોમોડિટી એનાલિસ્ટ્સના મતે રશિયાએ યુક્રેન સાથે મંત્રણા માટે તૈયારી દર્શાવી હોવાના અહેવાલ પાછળ કોમોડિટીઝના ભાવમાં પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. જોકે યુધ્ધ લાંબુ ચાલશે તો ગોલ્ડ જેવી કિંમતી ધાતુમાં સેફહેવનરૂપી માગ જળવાશે અને તે સુધારાતરફી ચાલ જાળવી રાખશે. ટેકનિકલી ગોલ્ડમાં 1880 ડોલરનો મહત્વનો સપોર્ટ છે. જે સપાટીને સ્ટોપલોસ તરીકે જાળવી ખરીદી કરી શકાય છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage