Market Summary 25 Jan 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

શોર્ટ કવરિંગ પાછળ શેરબજારમાં ઘટાડો અટક્યો
નિફ્ટી 16837ના તળિયેથી 473 પોઈન્ટ્સ ઉછળ્યો
પાંચ ટ્રેડિંગ સત્રો બાદ માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી
બેંકિંગ અને ઓટો સેક્ટર્સની આગેવાનીમાં સુધારો નોંધાયો
વોલેટિલિટી ઈન્ડેક્સ 6.5 ટકા ગગડી 21.35ના સ્તરે
એશિયન બજારોમાં ચીન અને કોરિયામાં 2.6 ટકાનો તીવ્ર ઘટાડો

શેરબજાર ટ્રેડર્સને પાંચ દિવસોની લાગ-લગાટ મંદી બાદ છઠ્ઠા દિવસે રાહત મળી હતી. બેન્ચમાર્ક્સે શરૂઆતી ટ્રેડિંગ કલાકમાં ઊંધા માથે ડૂબકી લગાવ્યાં બાદ સુધારાતરફી ચાલ જાળવી હતી અને જોતજોતામાં તે દિવસની ટોચ નજીક જ બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 366.64 પોઈન્ટ્સ સુધરી 57858.15ની સપાટીએ જ્યારે નિફ્ટી-50 128.85 પોઈન્ટ્સના સુધારે 17277.95ના સ્તરે બંધ રહ્યાં હતાં. નિફ્ટીએ દિવસ દરમિયાન 16336.80નું તળિયું બનાવ્યું હતું. જ્યાંથી ઉછળી ઈન્ટ્રા-ડે 17309.15ની ટોચ બનાવી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6.5 ટકા ઘટી 21.35 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 36 પોઝીટીવ બંધ દર્શાવવામાં સફળ રહ્યાં હતાં. જ્યારે 14 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં.
સોમવારે યુએસ શેરબજારોમાં બંધ થતાં અગાઉના સમયગાળામાં તીવ્ર શોર્ટ કવરિંગ જોવા મળ્યું હતું અને ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ તથા નાસ્ડેકે પોઝીટીવ બંધ દર્શાવ્યાં હતાં. ડાઉ જોન્સ તેના તળિયાથી 1200થી વધુ પોઈન્ટ્સના સુધારે 34365 પર બંધ રહ્યો હતો. અગાઉના બંધ સામે 99 પોઈન્ટ્સનો સુધારો દર્શાવ્યો હતો. નાસ્ડેક પણ તેના તળિયાના ભાવથી 875 પોઈન્ટસના સુધારા સાથે પોઝીટીવ બંધ જોવા મળ્યો હતો. જોકે આમ છતાં એશિયન બજારોમાં વેચવાલી જોવા મળી હતી જેમાં ચીન અને કોરિયાના બજારોએ 2.6 ટકાનો તીવ્ર ઘટાડો નોંધાવ્યો હતો. જ્યારે જાપાન અને હોંગ કોંગ 1.7 ટકા નરમાઈ સાથે બંધ જોવા મળ્યાં હતાં. બપોરે યુરોપ બજારોમાં પોઝીટીવ કામકાજની શરૂઆત પાછળ ભારતીય બજારનું મોરલ મજબૂત બન્યું હતું અને તે પોઝીટીવ બન્યું હતું અને આખર સુધી ગ્રીન ઝોનમાં જ જળવાયું હતું.
માર્કેટમાં સુધારાની આગેવાની બેંકિંગ અને ઓટોમોબાઈલ શેર્સે લીધી હતી. બેંક નિફ્ટી 2.05 ટકા સુધારો દર્શાવતો હતો. જ્યારે નિફ્ટી ઓટો 2.32 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. બેંકિંગ કાઉન્ટર્સમાં એક્સિસ બેંક 6.76 ટકાના તીવ્ર સુધારે બંધ જોવા મળ્યો હતો. આ સિવાય બંધન બેંક, આરબીએલ બેંક, ફેડરલ બેંક, એસબીઆઈ અને ઈન્ડસઈન્ડ બેંક પણ 4-5 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. પીએસયૂ બેંક ઈન્ડેક્સ 4.24 ટકા ઉછળ્યો હતો. જેનું મુખ્ય કારણ બેંક ઓફ બરોડા, એસબીઆઈ અને કેનેરા બેંક જેવા કાઉન્ટર્સમાં નોંધપાત્ર સુધારો હતો. ઓટો કાઉન્ટર્સમાં મારુતિ 7 ટકા ઉછળી રૂ. 8600ની સપાટી કૂદાવી જવા સાથે બે વર્ષોની ટોચ પર ટ્રેડ થયો હતો. જાહેર સાહસો, રિઅલ્ટી અને મેટલ્સમાં પણ 1-2 ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો. પીએસઈ શેર્સમાં નાલ્કો 6 ટકા, હિંદુસ્તાન એરોનોટિક્સ 4.5 ટકા અને ભારત ઈલેક્ટ્રોનિક્સ 3.5 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. આ ઉપરાંત ઓઈલ ઈન્ડિયા, કોલ ઈન્ડિયા અને એચપીસીએલ, બીપીસીએલમાં પણ સુધારો જોવા મળ્યો હતો.
બ્રોડ માર્કેટમાં ખરીદીને કારણે પાંચ સત્રો બાદ માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે 3434 ટ્રેડેડ કાઉન્ટર્સમાં 1955 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1404 કાઉન્ટર્સ નરમ બંધ આવ્યાં હતાં. 136 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 64 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 218 કાઉન્ટર્સ ઉપલી સર્કિટ્સમાં જ્યારે 441 કાઉન્ટર્સ નીચલી સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. એનાલિસ્ટ્સના મતે નિફ્ટીમાં 17000નો સપોર્ટ ટક્યો છે અને તે તેજીવાળાઓ માટે મોટી રાહતની બાબત છે. તેઓ 17 હજારને સ્ટોપલોસ તરીકે રાખી લોંગ પોઝીશન જાળવી શકે છે.


BSE-500ની 50 ટકા કાઉન્ટર્સ 200-ડીએમએની નીચે સરી ગયાં
બેન્ચમાર્ક નિફ્ટીમાં સમાવિષ્ટ કેટલાંક અગ્રણી કાઉન્ટર્સ પણ મહત્વની મુવીંગ એવરેજ નીચે
સતત પાંચ સત્રોના ઘટાડાને કારણે બીએસઈ-500 જૂથના લગભગ 50 ટકા કાઉન્ટર્સ તેમની 200-દિવસની મૂવીંગ એવરેજ નીચે સરી ગયાં છે. જેમાં કેટલાંક લાર્જ-કેપ્સનો પણ સમાવેશ થાય છે. છેલ્લાં એક વર્ષમાં 200-ડીએમએની મહત્વની મૂવીંગ એવરેજ નીચે ટ્રેડ દર્શાવી રહેલાં શેર્સનો આ સૌથી ઊંચો રેશિયો છે. અગાઉ કોવિડના પ્રથમ રાઉન્ડ બાદ કડાકા વખતે મોટાભાગના કાઉન્ટર્સમાં આ સ્થિતિ જોવા મળી રહી હતી.
માર્કેટ નિરીક્ષકોના મતે રોકાણકારોમાં રિસ્ક-ઓફ સેન્ટીમેન્ટ પાછળ ટૂંકાગાળામાં ઝડપી વેચવાલી જોવા મળી હતી. જેને કારણે અનેક બ્લ્યૂ-ચિપ કાઉન્ટર્સના ભાવોમાં નોંધપાત્ર ધોવાણ જોવા મળ્યું હતું. 200-ડીએમએને ઈન્ડેક્સ અથવા તો વ્યક્તિગત શેર માટે મહત્વના સપોર્ટ લેવલ તરીકે જોવામાં આવે છે. તેની નીચે ટ્રેડ થતાં કાઉન્ટર્સને મંદીના કાઉન્ટર્સ પણ ગણવામાં આવે છે. જો કાઉન્ટર ફરી 200-ડીએમએનું સ્તર પાર કરે તો તેમાં ખરીદીની ભલામણ પણ કરવામાં આવે છે. સોમવારે કેટલાંક લાર્જ-કેપ્સ કાઉન્ટર્સ પણ તેમની 200-ડીએમએ નીચે ઉતરી ગયાં હતાં. જેમાં એચડીએફસી બેંક, હિંદુસ્તાન યુનીલિવર, એચડીએફસી, કોટક મહિન્દ્રા બેંક, વિપ્રો, આઈટીસી અને કોટક બેંકનો સમાવેશ થતો હતો. નિફ્ટી-50 પણ તેની 100 ડીએમએ નીચે ઉતરી ગયો હતો.
એનાલિસ્ટ્સ માને છે કે શેર્સનું 200-ડીએમએ નીચે ઉતરી જવું ટૂંકાગાળામાં બજારમાં મંદી સૂચવે છે. જ્યારે પણ કોઈ શેર તેની લોંગ-ટર્મ એવરેજ નીચે ઉતરી જાય છે ત્યારે તેને પરત ફરવામાં સામાન્યરીતે વાર થતી હોય છે. જો કોઈ પોઝીટીવ ટ્રિગર જોવા મળે તો તે ઝડપી બાઉન્સ દર્શાવી શકે છે અન્યથા તે વધુ ઘટાડો દર્શાવતો હોય છે. ગયા એક સપ્તાહ દરમિયાન નિફ્ટીમાં 7 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી મીડ-કેપ અને સ્મોલ-કેપ્સમાં અનુક્રમે 8 ટકા અને 10 ટકાનો ઘટાડો નોંધાયો હતો. મંગળવારના બંધ ભાવે નિફ્ટી-50 હજુ પણ તેના 200-ડીએમએના સ્તરથી લગભગ 4 ટકા ઊંચે ટ્રેડ દર્શાવી રહ્યો હતો. જોકે 100-ડીએમએથી 2 ટકા જેટલો નીચે ટ્રેડ થઈ રહ્યો હતો. 200-ડીએમએથી નીચેના સ્તરે ટ્રેડ થઈ રહેલાં કેટલાંક અન્ય લાર્જ-કેપ્સમાં જેએસડબલ્યુ સ્ટીલ, અદાણી પોર્ટ્સ, ટાટા સ્ટીલ, હિંદુસ્તાન ઝીંક, એચડીએફસી લાઈફ, ડિવીઝ લેબનો સમાવેશ થાય છે. આ કાઉન્ટર્સ તેમની 200-ડીએમએના સ્તરથી 5 ટકાથી લઈ 12 ટકા જેટલાં નીચે ટ્રેડ થઈ રહ્યાં છે. બીએસઈ-500 જૂથના 58 શેર્સ તેમની 200-ડીએમએથી 15-40 ટકા જેટલાં નીચે ટ્રેડ થઈ રહ્યાં છે.
છેલ્લાં કેટલાંક સત્રોમાં માર્કેટમાં તીવ્ર ઘટાડાને જોતાં ટેકનિકલ એનાલિસ્ટ્સ માને છે કે માર્કેટ નજીકના સમયમાં ઝડપી બાઉન્સ નહિ દર્શાવે. કેમકે ટૂંકાગાળામાં કોઈ પોઝીટીવ ટ્રીગર્સ જોવા મળી રહ્યાં નથી. 2021ની સરખામણીમાં 2022માં અત્યાર સુધીમાં લાર્જ-કેપ્સ કાઉન્ટર્સ 20-30 ટકા જેટલો ઘટાડો દર્શાવી રહ્યાં છે. આશ્ચર્યની બાબત એ છે કે વાર્ષિક ધોરણે માર્કેટ-કેપ 20-25 ટકા ઊંચું હોવા છતાં આમ જોવા મળી રહ્યું છે. જો વૈશ્વિક બજારો પાછળ સ્થાનિક બજારમાં પણ વેચવાલીનો દોર ચાલુ રહેશે તો ઘણા કાઉન્ટર્સ 200-ડીએમએ નીચે ઉતરી જઈ મંદીના ઝોનમાં પ્રવેશ કરી શકે છે એમ તેઓનું માનવું છે.

લાર્જ-કેપ્સ મંદીના ઝોનમાં
સ્ક્રિપ્સ 200-DMAના સ્તરથી ઘટાડો(ટકામાં)
ડિવીઝ લેબ 12.00
બજાજ ઓટો 8.00
ટાટા સ્ટીલ 9.50
એચડીએફસી લાઈફ ઈન્શ્યો. 8.50
વિપ્રો 6.25
હિંદુસ્તાન યુનિલીવર 5.60
અદાણી પોર્ટ્સ 4.70
એચડીએફસી 4.25
હિંદુસ્તાન ઝીંક 3.00
આઈટીસી 2.00
એચડીએફસી બેંક 2.00
અલ્ટ્રાટેક સિમેન્ટ 2.00


ભારતીય સ્ટાર્ટ-અપ્સમાં 2021માં ચીનનું રોકાણ ત્રણ વર્ષની ટોચે
2020માં ગગડીને 3.95 અબજ ડોલર પર જોવા મળેલું રોકાણ 2021માં 14.13 અબજ ડોલર પર નોંધાયું

ભારત અને ચીન વચ્ચે સરહદ પર જોવા મળી રહેલી તંગદિલીથી વિપરીત ભારતીય સ્ટાર્ટ-અપ્સ ઈકોસિસ્ટિમમાં ચીનનો પ્રવેશ વધી રહ્યો છે. 2021માં ભારતીય સ્ટાર્ટ-અપ સાહસોમાં ચીનનું રોકાણ 14.13 અબજ ડોલરની ત્રણ વર્ષોની ટોચ પર જોવા મળ્યું હતું. જે 2020માં 3.95 અબજ ડોલર પર જોવા મળતું હતું. 2019માં 6.68 અબજ ડોલરના રોકાણની સરખામણીમાં 2020માં ચીનના રોકાણમાં ઘટાડો નોંધાયો હતો. જોકે 2021માં તે ફરીથી વધવા તરફી રહ્યું હતું. ભારતીય સ્ટાર્ટ-અપ્સમાં યુએસ, યૂકે અને સિંગાપુર બાદ ચીન ચોથા ક્રમે રોકાણ ધરાવે છે. જ્યારે ત્યારબાદ ઈઝરાયેલનો ક્રમ આવે છે.
ચાઈનીઝ વેન્ચર કેપિટલ તથા પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટર્સે 2021માં કુલ 268 ઈન્વેસ્ટમેન્ટ રાઉન્ડ્સમાં 14.13 અબજ ડોલરનું રોકાણ ઠાલવ્યું હતું. જે 2019માં કોવિડ અગાઉ 232 ઈન્વેસ્ટમેન્ટ રાઉન્ડ્સમાં જોવા મળેલા 6.68 અબજ ડોલરના રોકાણ કરતાં ઊંચું હતું. તેમજ 2021માં પ્રતિ રાઉન્ડ રોકાણની ટિકિટ સાઈઝ પણ ઊંચી જોવા મળી હતી. માત્ર ચીનના પીઈ ઈન્વેસ્ટર્સ તરફથી જ નહિ પરંતુ યુએસ, યુકે અને સિંગાપુરના પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટર્સ તરફથી પણ જંગી માત્રામાં રોકાણ જોવા મળ્યું હતું. વિશ્વમાં યુએસ અને ચીન બાદ ભારત ત્રીજા ક્રમે સ્ટાર્ટ-અપ્સ ઈકોસિસ્ટમ ધરાવે છે. કેલેન્ડર 2021માં દેશમાં લગભગ 70 અબજ ડોલર આસપાસનું કુલ પીઈ ઈન્વેસ્ટમેન્ટ જોવા મળ્યું હતું. જ્યારે 42 જેટલા ભારતીય સ્ટાર્ટ-અપ્સ યુનિકોર્ન બન્યાં હતાં. ભારતીય સ્ટાર્ટ-અપ્સમાં સૌથી વધુ રોકાણ યુએસ રોકાણકારો તરફથી 21.55 અબજ ડોલરનું રહ્યું હતું. જે 2020માં માત્ર 5.91 અબજ ડોલર પર જોવા મળ્યું હતું.
2020માં લદાખમાં ઘૂસણખોરીના મુદ્દે ચીન સાથે સંબંધો વણસવા બાદ ભારતે ચીનના રોકાણથી લઈને અનેક એપ્લિકેશન્સ પર પ્રતિબંધ મૂક્યો હતો. જોકે આમ છતાં સ્ટાર્ટ-અપ્સમાં ચીન તરફથી રોકાણ ફરી વધવાતરફી રહેવા પાછળનું એક કારણ બંને દેશો માટેની આર્થિક રીતે એકબીજા પરની નિર્ભરતા તથા સહ-અસ્તિત્વને માનવામાં આવે છે. એક અગ્રણી એનાલિસ્ટ જણાવે છે કે ભારતમાં વેચાતાં સ્માર્ટફોન્સમાંથી 65-70 ટકા સ્માર્ટફોન્સ ચાઈનીઝ હોય છે.


સ્પીનીંગ કંપનીઓ 2021-22માં વિક્રમી નફો દર્શાવશે
દેશની સ્પીનીંગ કંપનીઓ ચાલુ નાણાકિય વર્ષ 2021-22 દરમિયાન દ્વિઅંકી રેવન્યૂ ગ્રોથ સાથે અત્યાર સુધીનો સૌથી ઊંચો નફો દર્શાવશે એમ રેટિંગ એજન્સી ઈકરાએ તેના રિપોર્ટમાં નોંધ્યું છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ઊંચી વૃદ્ધિનું કારણ યાર્નમાં સતત એક વર્ષથી વધુ સમય સુધી સર્વોચ્ચ સ્તરે મળતર તથા કોવિડ અગાઉના સ્તર કરતાં ઊંચા સ્તરે જોવા મળેલા વોલ્યુમ છે. આ ઉપરાંત સ્થાનિક ઓર્ડરમાં રિકવરી જોવા મળી છે. નિકાસ માગ પણ ખૂબ મજબૂત જળવાય છે. જેને કારણે વોલ્યુમને સપોર્ટ મળ્યો છે. મોટી તેમજ મધ્યમ કદની સ્પીનીંગ કંપનીઓ 2021-22માં તેમની આવકમાં દ્વીઅંકી વૃદ્ધિ દર્શાવવા સાથે સર્વોચ્ચ સપાટીએ નફો નોંધાવે તેવી અપેક્ષા રાખવામાં આવે છે. કંપનીઓના ઓપરેટિંગ માર્જિનમાં 4-6 ટકાનો સુધારો જોવા મળશે.
ડોલર સામે રૂપિયામાં સતત પાંચમા દિવસે નરમાઈ
ભારતીય ચલણમાં મંગળવારે પાંચમા સત્રમાં ડોલર સામે નરમાઈ જોવા મળી હતી અને તે 16 પૈસા ગગડી 74.76ની સપાટીએ બંધ રહ્યો હતો. સોમવારે 74.62ના સ્તરે બંધ રહેલો રૂપિયો 74.60ના સ્તરે પોઝીટીવ ઓપનીંગ બાદ વધુ સુધારે 74.57ની દિવસની ટોચ પર ટ્રેડ થયો હતો. જોકે ઊંચી વોલેટિલિટી પાછળ તે ગગડીને 74.80ના તળિયા પર જોવા મળ્યો હતો અને આખરે 74.76ની સપાટીએ બંધ રહ્યો હતો. વૈશ્વિક બજારમાં ડોલરમાં મજબૂતી પાછળ ઈમર્જિંગ માર્કેટ્સ ચલણોમાં નરમાઈ જોવા મળી હતી. એનાલિસ્ટ્સ 75-75.10ની રેંજમાં રૂપિયાને સપોર્ટ મળે તેમ જણાવે છે.

નાદારીમાંથી બચવા માટે ફ્યુચર રિટેલની સુપ્રીમમાં ધા
ફ્યુચર ગ્રૂપે ફરી એકવાર સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યાં છે. આ વખતે તેણે લેન્ડર્સ દ્વારા કંપનીને નોન-પર્ફોર્મિંગ એસેટ્સ(એનપીએ) જાહેર નહિ કરવામાં રાહત મેળવવા માટે આમ કર્યું છે. કંપની હાલમાં એમેઝોન સાથે ચાલી રહેલા વિવાદને કારણે તેના સ્મોલ-ફોર્મેટ સ્ટોર્સના વેચાણ કરવામાં અસમર્થ હોવાથી તેણે કોર્ટને રાહત આપવા જણાવ્યું છે. બેંક્સને પેમેન્ટ ચૂકવણીમાં નિષ્ફળ જવા બદલ નાદાર જાહેર થવાના આરે આવીને ઊભેલી ફ્યુચર રિટેલે એવો દાવો કર્યો છે કે તેના અંકુશ બહારના સંજોગોને જોતાં તેને લેન્ડર્સ તરફથી કાનૂની પગલાનો સામનો કરવાનો થઈ શકે છે. આવા પગલાઓમાં કંપની સામે ઈન્સોલ્વન્સીની કાર્યવાહીની શરૂઆતનો પણ સમાવેશ થઈ શકે છે. એમેઝોન સાથેના વિવાદને કારણે સિંગાપુર સ્થિત આર્બિટ્રેશન ટ્રિબ્યુનલે પસાર કરેલા ઓર્ડર્સને કારણે કંપની તેના સ્મોલ-ફોર્મેટ સ્ટોર્ટનું એસેટ મોનેટાઈઝેશન કરી શકતી નથી અને તેથી બેંક્સને તેનું ડેટ ચૂકવવામાં નિષ્ફળ જોવામળે છે. ફ્યુચર જૂથની સ્થિતિથી વાકેફ હોવા છતાં લેન્ડર્સે કંપનીને ડિફોલ્ટના કિસ્સામાં જોવા મળતી નોટિસિસ મોકલી હોવાનું કંપનીએ કોર્ટને જણાવ્યું છે. તેણે લેન્ડર્સના પગલાંને કંપનીના મૂળભૂત અધિકારના ભંગ તરીકે ગણાવ્યાં છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage