માર્કેટ સમરી
નિફ્ટી 13145ની ટોચ બનાવી પટકાયો
બેન્ચમાર્ક નિફ્ટી ખૂલતામાં 13145ની ટોચ બનાવીને ઊંધા માથે ગબડ્યો હતો. દિવસને અંતે 1.51 ટકા અથવા 197 પોઈન્ટ્સ તૂટી 12858 પર બંધ રહ્યો હતો. નિફ્ટીને 12730નું મહત્વનું સપોર્ટ છે. જેના સ્ટોપલોસે લોંગ જાળવી શકાય. જોકે બુધવારનું પ્રોફિટ બુકિંગ સૂચવે છે કે માર્કેટ મધ્યમગાળામાં એક કરેક્શન તરફ આગળ વઘી શકે છે.
રિઅલ્ટી, ફાર્મા, બેંકિંગ સહિતમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી
બજારને ઘટવામામ મહત્વનો સપોર્ટ બેંકિંગ ઉપરાંત ફાર્મા અને રિઅલ્ટીનો રહ્યો હતો. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 2.25 ટકા, નિફ્ટી ફાર્મા 2.07 ટકા, બેંક નિફ્ટી 1.85 ટકા, નિફ્ટી કન્ઝમ્પ્શન 1.62 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવતાં હતાં. નિફ્ટી મીડ-કેપ્સ 1.5 ટકા જ્યારે સ્મોલ-કેપ્સ 0.89 ટકા જ તૂટ્યો હતો.
ઈન્ડિયાવીઆઈએક્સ 10 ટકા ઉછળ્યો
ભારતીય બજારમાં વોલેટિલિટીનો માપદંડ એવો ઈન્ડિયા વીઆઈએક્સ 9.78 ટકા ઉછળી 23.12ની છેલ્લા ઘણા સમયની ટોચ પર જોવા મળ્યો હતો. ખાસ કરીને અંતિમ ત્રણેક ટ્રેડિંગ સત્રોથી તેમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી રહી છે.
સેન્સેક્સમાં ત્રણ શેર્સને બાદ કરતાં તમામ નરમ રહ્યાં
સેન્સેક્સ કાઉન્ટર્સમાં એકમાત્ર ઓએનજીસી 6.25 ટકા વૃદ્ધિ સાથે રૂ. 80.80 પર બંધ રહ્યો હતો. જ્યારે એ સિવાય પાવરગ્રીડ કોર્પો અને ઈન્ડસઈન્ડ બેંક સામાન્ય પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. કોટક બેંક, એક્સિસ બેંક. સન ફાર્મા, એચડીએફસી બેંક, બજાજ ફાઈનાન્સ અને એશિયન પેઈન્ટ્સનો ટોચના પાંચ ઘટનારા કાઉન્ટર્સમાં સમાવેશ થતો હતો.
ડાઉ ફ્યુચર્સમાં સાધારણ નરમાઈ
યુએસ ખાતે ડાઉ ફ્યુચર્સ 58 પોઈન્ટ્સના સાધારણ ઘટાડે 29940 પર ટ્રેડ થતો હતો. મંગળવારે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ અએવરેજ 30000ની સપાટીને પ્રથમવાર પાર કરી ગયો હતો.
અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓના શેર્સ નવી ટોચ પર
સ્ટીલ ઉત્પાદક કંપનીઓ શેર્સમાં મજબૂતી જળવાય છે. બીજા ક્વાર્ટરમાં અપેક્ષાથી સારા પરિણામો પાછળ કંપનીઓના શેર્સ સુધારાતરફી રહ્યાં છે. બુધવારે ટાટા સ્ટીલનો શેર 2 ટકા મજબૂતી સાથે રૂ. 558.75ની તેની વાર્ષિક ટોચ પર જોવા મળ્યો હતો. જોકે બજારમાં કરેક્શનને કારણે પાછળથી તે નરમ બંધ રહ્યો હતો. કંપનીનો શેર માર્ચ મહિનાના રૂ. 250ના તળિયા સામે બમણાથી વધુ સુધારો દર્શાવી રહ્યો છે. આ જ રીતે જીંદાલ સ્ટીલ એન્ડ પાવરનો શેર પણ બુધવારે રૂ. 247.80ના સ્તરે જોવા મળ્યો હતો. કંપનીનો શેર માર્ચ મહિના રૂ. 62.10ના તળિયાથી 300 ટકા સુધારો દર્શાવી રહ્યો છે.
અદાણી ગ્રીન એનર્જિમાં સેલર સર્કિટ લાગી
છેલ્લા એક વર્ષમાં શેરબજાર પર તીવ્ર રિટર્ન દર્શાવનાર અદાણી જૂથની અદાણી ગ્રીન એનર્જિના શેરમાં બુધવારે 5 ટકાની સેલર સર્કિટ જોવા મળી હતી. મંગળવારે રૂ. 1220ની સર્વોવ્ચ સપાટી દર્શાવનાર શેર બુધવારે 5 ટકાના ઘટાડે રૂ. 1144.75ના સ્તરે નીચલી સર્કિટમાં ફ્રિઝ રહ્યો હતો. બીએસઈ ખાતે સર્કિટ ભાવે 17 હજારથી વધુ શેર્સ વેચાણ માટે ઊભા હતાં. અદાણી ગેસનો શેર પણ 4 ટકાનો ઘટાડો દર્શાવતો હતો.
લાર્જ-કેપ્સ સાથે મીડ અને સ્મોલ-કેપ્સ પણ ધોવાયાં
બુઘવારે લાર્જ-કેપ્સમાં પ્રોફિટ બુકિંગ પાછળ મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં પણ નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી. બીએસઈ ખાતે 2953 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1685 કાઉન્ટર્સમાં ઘટાડો જોવા મળતો હતો. જ્યારે 1050 કાઉન્ટર્સ મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. 210 જેટલા કાઉન્ટર્સ તો લોઅર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. જે શેર્સ છેલ્લા કેટલાક સમયથી તીવ્ર સુધારો દર્શાવી રહ્યાં હતાં, તેઓ ઊંધા માથે પટકાયાં હતાં. જેમાં જેએન્ડકે બેંક, આઈનોક્સ વિન્ડ, ગ્રેફાઈટ ઈન્ડિયા, બજાજ હોલ્ડિંગ્સ, એલટીઆઈ, પીઆઈ ઈન્ડસ્ટ્રીઝ, વોખાર્ડ ફાર્મા, સનટેક રિઅલ્ટી વગેરેનો સમાવેશ થતો હતો.
સપ્તાહ બાદ સોનું-ચાંદીમાં ઘટાડો અટક્યો
અંતિમ કેટલાંક સત્રોથી સતત વેચવાલી નોંધાવી રહેલા સોનું-ચાંદી બુધવારે પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. એમસીએક્સ ખાતે ગોલ્ડ ડિસેમ્બર વાયદો રૂ. 140 અથવા 0.29 ટકા સુધરી રૂ. 48725ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે સિલ્વર ડિસેમ્બર વાયદો 0.92 ટકા અથવા રૂ. 550ના સુધારે રૂ. 60171ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. આમ ચાંદી ઝડપથી રૂ. 60 હજારના સાઈકોલોજિકલ લેવલની ઉપર ટ્રેડ થતો હતો. જ્યારે સોનુ હજુ પણ ટેકનિકલી નરમાઈ દર્શાવી રહ્યું છે.