બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
રિલાયન્સ, ITC અને ઈન્ફી પાછળ માર્કેટમાં જોવા મળેલો બાઉન્સ
ફાર્મા, આઈટી, પીએસયૂ સહિતના ક્ષેત્રોમાં જોવા મળેલી ખરીદી
નવેમ્બર એક્સપાયરી પર નિફ્ટી 121 પોઈન્ટ્સ સુધરી 17536.25 પર બંધ રહ્યો
મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ સતત બીજા દિવસે લેવાલી જોવા મળી
લેટન્ટ વ્યૂ એનાલિટીક્સનો શેર સતત બીજા દિવસે 20 ટકા ઉછળી રૂ. 701.90ની ટોચ પર બંધ રહ્યો
વૈશ્વિક બજારોમાં મિશ્ર માહોલ વચ્ચે ભારતીય બજારમાં ગુરુવારે નોંધપાત્ર બાઉન્સ જોવા મળ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈટીસી, ઈન્ફોસિસ અને ટીસીએસ જેવા હેવીવેઈટ્સમાં ખરીદી પાછળ બેન્ચમાર્ક્સ લગભગ પોણો ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. બેન્ચમાર્ક સેન્સેક્સ 454.10 ટકા સુધરી 58,795.09ના સ્તરે જ્યારે નિફ્ટી 121.20 પોઈન્ટ્સના સુધારે 17536.25ના સ્તરે બંધ રહ્યાં હતાં. જોકે નિફ્ટીના 50 ઘટકોમાંથી 27 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. આમ 50 ટકાથી વધુ કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. જોકે બીજી બાજુ બ્રોડ માર્કેટમાં સારી ખરીદી જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીક્સ વધુ 2.6 ટકા ગગડી 16.66ના સ્તરે બંધ રહ્યો હતો. આમ બે દિવસમાં તે 9 ટકા જેટલો ગગડી ચૂક્યો છે. જે સૂચવે છે કે આગામી સત્રોમાં બજારમાં વોલેટિલિટીમાં ઘટાડો જોવા મળી શકે છે.
ગુરુવારે માર્કેટમાં તેજીની આગેવાની હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે લીધી હતી. બુધવારના બંધ ભાવની રીતે માર્કેટ-વેલ્થમાં અદાણી કરતાં પાછળ રહી ગયેલા મુકેશ અંબાણીની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર એક દિવસમાં 6.02 ટકા અથવા રૂ. 141.55ના ઉછાળે રૂ. 2492.95 પર બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 15.82 લાખ કરોડ પર જોવા મળતું હતું. આમ એક દિવસમાં જ કંપનીના માર્કેટ-કેપમાં રૂ. 90 હજાર કરોડથી વધુનો ઉમેરો થયો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉપરાંત આઈટીસી સહિત અગ્રણી આઈટી કાઉન્ટર્સમાં ખરીદી જોવા મળી હતી. આ સિવાય ફાર્મા કંપનીઓમાં પણ ખરીદી નીકળી હતી. સેક્ટરલ સૂચકાંકોમાં નિફ્ટી એનર્જી 2.4 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવી રહ્યો હતો. જેનું મુખ્ય કારણ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં તીવ્ર સુધારો હતો. બીજા ક્રમે સુધારો દર્શાવવામાં નિફ્ટી ફાર્મા હતો. ફાર્મા ઈન્ડેક્સમાં સૌથી વધુ સુધારો ટોરેન્ટ ફાર્મા દર્શાવતો હતો. કંપનીનો શેર 6.14 ટકા જેટલો સુધર્યો હતો. જ્યારે ડિવિઝ લેબ્સ, ઓરોબિંદો ફાર્મા, બાયોકોન, સિપ્લા, કેડિલા હેલ્થકેરમાં પણ સુધારો જોવા મળી રહ્યો હતો. નિફ્ટી રિઅલ્ટી 2 ટકાનો સુધારો દર્શાવતો હતો. જેમાં પ્રેસ્ટીજ એસ્ટેટ 7.25 ટકા સાથે સૌથી વધુ સુધારો દર્શાવનાર કાઉન્ટર હતો. બ્રિગેડ એન્ટરપ્રાઈઝ 5 ટકા, ગોદરેજ પ્રોપર્ટીઝ 2.6 ટકા, હેમિસ્ફીયર 2.5 ટકા અને ફિનિક્સ મિલ્સ 1.11 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. બેંકિંગ શેર્સમાં નરમાઈ જોવા મળી હતી. જેને કારણે નિફ્ટી બેંક 0.21 ટકા ગગડી 37364.75 પર બંધ રહ્યો હતો.
બ્રોડ માર્કેટમાં જોકે સારી લેવાલી જોવા મળી હતી. બીએસઈ ખાતે 3411 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2082 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1215માં નરમાઈ જોવા મળી હતી. 492 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 111 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સ દર્શાવતાં હતાં. 230 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ નોંધાવી હતી. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.60 ટકા જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.77 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં.
વૈશ્વિક બજારોમાં ડલ માહોલ જોવા મળતો હતો. એશિયન બજારો મિશ્ર વલણ દર્શાવતાં હતાં. જ્યારે યુરોપિયન બજારો સાધારણ પોઝીટીવ ટ્રેડ સૂચવી રહ્યાં હતાં. યુએસ બજારોમાં પણ અન્ડરટોન નરમ જોવા મળી રહ્યો હતો. જેનું મુખ્ય કારણ ફેડ તરફથી ટેપરિંગ ઝડપી બનાવવામાં આવે તેવો ડર છે. જોકે એનાલિસ્ટ્સના મતે આ કારણ લાંબા સમયથી ચર્ચામાં છે અને તે ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યું છે.
છેલ્લા વર્ષમાં 86 ટકા લાર્જ-કેપ્સ ફંડે બેન્ચમાર્ક કરતાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું
છેલ્લાં એક વર્ષમાં ભારતીય બેન્ચમાર્ક્સની સરખામણીમાં મોટાભાગના લાર્જ-કેપ્સ ફંડે અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. એસએન્ડપી ઇન્ડાઇસીસ વર્સીસ એક્ટિવ (SPIVA) ઇન્ડિયાના લેટેસ્ટ સ્કોરકાર્ડ મુજબ જૂન 2021ના રોજ પૂરા થતાં વર્ષ દરમિયાન 86.2 ટકા સ્થાનિક ઇક્વિટી લાર્જ કેપ ફંડ્સે અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. મીડ-કેપ ફંડ્સમાં આ પ્રમાણ 57.1 ટકા અને સ્મોલ કેપ ફંડ્સમાં 53.7 જેટલું હતું. ઇએલએસએસ ફંડોએ પણ તેમના સંબંધિત બેન્ચમાર્કની સરખામણીમાં અંડરપર્ફોર્મ કર્યું હતું. એસએન્ડપી ડાઉ જોન્સ ઇન્ડાઇસીસના ગ્લોબલ રિસર્ચ એન્ડ ડિઝાઇનના એસોસિએટ ડાયરેક્ટરના જણાવ્યા મુજબ જૂન, 2021માં પૂર્ણ થયેલા એક વર્ષના ગાળામાં તમામ ઇક્વિટી કેટેગરીઓમાં મીડ અને સ્મોલ-કેપ્સ સૌથી ઊંચું વળતર આપતી ફંડ કેટેગરી હતી. જેમાં એસએન્ડપી બીએસઈ 400 મિડ/સ્મોલ કેપ ઇન્ડેક્સે 90.6 ટકા સાથે સૌથી ઊંચું વળતર આપ્યું હતું. અભ્યાસના સમયગાળામાં વિવિધ ફંડ્સના રિટર્નમાં મોટો ફરક જોવા મળ્યો હતો. જેમાં પ્રથમ અને ત્રીજા ક્વાર્ટાઇલ ફંડનું રિટર્ન 27.9 ટકા જેટલું ઊંચું
હતું. ભારતય સરકારના 71.4 ટકા બોન્ડ અને 97.9 ઇન્ડિયન કમ્પોઝાઇટ બોન્ડ ફંડ્ઝે પણ જૂન 2021માં પૂરાં થયેલા પાંચ વર્ષના ગાળામાં તેમના સંબંધિત બેન્ચમાર્ક કરતાં ઓછું વળતર આપ્યું હતું.
IDBI એસેટ મેનેજરનું LIC એમએફ સાથે મર્જર થશે
આઈડીબીઆઈ એસેટ મેનેજમેન્ટ કંપનીનું લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એએમસી સાથે મર્જર માટે નિર્ણય લગભગ લેવાઈ ચૂક્યો છે. જાણકારો જણાવે છે કે આ અંગેની મંત્રણા આખરી તબક્કામાં જોવા મળી રહી છે અને એલઆઈસીના મેગા આઈપીઓ અગાઉ આખરી નિર્ણય લેવામાં આવશે. અગાઉ એલઆઈસી દ્વારા આઈડીબીઆઈ બેંકની ખરીદી બાદ એલઆઈસી બે એએમસીની સ્પોન્સર કંપની બની હતી. જે માર્કેટ રેગ્યુલેટર સેબીના વર્તમાન નિયમો હેઠળ પરવાનગી ધરાવતું નથી. આ મુદ્દો સરકાર માટે અતિ મહત્વાકાંક્ષી એવા એલઆઈસીના મેગા આઈપીઓ સામે અવરોધરૂપ બની શકે એમ હતો અને તેથી જ બંને એએમસી કંપનીઓનું મર્જર થવું અનિવાર્ય હતું. એલઆઈસી માર્ચ ક્વાર્ટરમાં આઈપીઓ સાથે પ્રવેશે તેવી શક્યતા છે.
એસબીઆઈ, એક્સિસ અને કેનેરા બેંક એટી વન બોન્ડ્સ મારફતે રૂ. 7500 કરોડ ઊભા કરશે
દેશની ત્રણ અગ્રણી બેંકિંગ કંપનીઓ એડિશ્નલ ટાયર વન(એટી વન) બોન્ડ્સ મારફતે રૂ. 7500 કરોડ ઊભા કરે તેવી શક્યતાં છે. જેમાં એસબીઆઈ, કેનેરા બેંક અને એક્સિસ બેંકનો સમાવેશ થાય છે. ત્રણેય કંપનીઓ ડિસેમ્બર આખર અગાઉ આ ફંડ ઊભું કરશે એમ વર્તુળો જણાવે છે. તેમના ક્રેડિટ પ્રોફાઈલમાં સુધારાને કારણે તેઓ સસ્તાં દરે નાણા ઊભા કરવી શકશે એમ બોન્ડ ડિલર્સ જણાવે છે. કેનેરા બેંકના ઈન્સ્ટ્રુમેન્ટ્સ માટે રેટિંગને એએ પરથી એએપ્લસ પર અપગ્રેડ કરવામાં આવ્યું છે. અગ્રણી ફિક્સ્ડ ઈન્કમ અધિકારીના જણાવ્યા મુજબ રેટિંગ અપગ્રેડને કારણે જાહેર ક્ષેત્રની બેંક્સના પ્રાઈસિંગમાં 15-20 બેસીસ પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળશે. એસબીઆઈ રૂ. 4 હજાર કરોડ જ્યારે એક્સિસ બેંક રૂ. 2000 કરોડ અને કેનેરા બેંક રૂ. 1500 કરોડ એકત્ર કરે તેવી શક્યતાં છે.
બજાજ ઓટોનું માર્કેટ-કેપ રૂ. એક લાખ કરોડ નીચે ઉતરી ગયું
દેશમાં ટુ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સ ક્ષેત્રે અગ્રણી ઉત્પાદક બજાજ ઓટોના શેરમાં છેલ્લાં કેટલાંક સત્રોમાં તીવ્ર ઘટાડાને કારણે કંપનીનું માર્કેટ-કેપ રૂ. એક લાખ કરોડ નીચે ઉતરી ગયું હતું. કંપનીનો શેર ગુરુવારે રૂ. 3377ના વાર્ષિક તળિયા પર જોવા મળ્યો હતો. કામકાજના અંતે અડધો ટકો ઘટી રૂ. 3391.70ના સ્તરે બંધ રહ્યો હતો. જે ભાવે તેનું માર્કેટ-કેપ રૂ. 98144 કરોડ પર જોવા મળ્યું હતું. વર્ષ દરમિયાન તે રૂ. 4361ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. જ્યાંથી તે રૂ. 1000નો ઘટાડો દર્શાવી રહ્યો છે. 28 ડિસેમ્બરના ટોચના ભાવથી તે 22 ટકા જેટલો ગગડી ચૂક્યો છે.
ફેડના ટેપરિંગને ઝડપી બનાવવાના સંકેત પાછળ સોનામાં વધુ ઘટાડાની શક્યતાં
વૈશ્વિક બજારમાં ગયા સપ્તાહે 1875 ડોલર પર જોવા મળેલું સોનુ ઝડપથી ગગડી 1800 ડોલર નીચે ટ્રેડ કરી રહ્યું છે
બુધવારે જાહેર થયેલી ફેડ બેઠકની મિટિંગ્સ મુજબ ફેડ અધિકારીઓમાં ટેપરિંગને ઝડપી બનાવવા માટેનું વલણ વધી રહ્યું છે
એશિયન બજારોમાં સોનુ ગુરુવારે સવારે સુધારા સાથે ટ્રેડ દર્શાવતું હતું. જોકે તે 1800 ડોલર નીચે જ ટ્રેડ થઈ રહ્યું હતું. ફેડ રિઝર્વની બેઠકની મિનિટ્સમાં ટેપરિંગ ઝડપી બની શકે તેવા સંકેતો પાછળ સોનામાં વધુ ઘટાડાની શક્યતા છે. કોમેક્સ ગોલ્ડ ફ્યુચર્સ હાલમાં 1792 ડોલર આસપાસ ટ્રેડ દર્શાવી રહ્યો છે. ગુરુવારે આશ્ચર્યની બાબત એ હતી કે ટેપરિંગ ઝડપી બનવાના અહેવાલ વચ્ચે ડોલરમાં પણ નરમાઈ જોવા મળી હતી. બુધવારે યુએસનો જીડીપી ડેટા 2.1 ટકા પર જોવા મળ્યો હતો. જ્યારે સપ્તાહ દરમિયા જોબલેસ ક્લેમ્સ 1.99 લાખ પર રહ્યાં હતાં. આ બંને ડેટા અપેક્ષાથી સારા રહ્યાં હતાં. જે ફેડના ટાર્ગેટની દિશામાંના હતાં. દરમિયાનમાં યુરોપિયન સેન્ટ્રલ બેંકના બોર્ડ સભ્યે ઈસીબીને બોરોઈંગ કોસ્ટ નીચે જાળવી રાખવા અનુરોધ કર્યો છે. તેમણે જણાવ્યું હતું કે ઈન્ફ્લેશન હજુ કાબૂ બહાર જોવા મળી રહ્યું નથી અને તેથી તેને લઈને બહુ ચિંતા કરવાની જરૂર નથી.
બુધવારે રજૂ કરવામાં આવેલી ફેડની મિટિંગ દર્શાવતી હતી કે સેન્ટ્રલ બેંકના વધુને વધુ અધિકારીઓમાં એસેટ ટેપરિંગને ઝડપી બનાવવું જોઈએ તેમ માની રહ્યાં છે. જો ઈન્ફ્લેશન ઊંચા સ્તરે ટકી રહેશે તો તેઓ ચોક્કસ ટેપરિંગને ઝડપથી બંધ કરવા માટે દબાણ કરી શકે છે. ફેડના નીતિ ઘડવૈયાઓએ અપેક્ષા કરતાં ઝડપી ઈન્ટરેસ્ટ રેટ વૃદ્ધિનો પણ સંકેત આપ્યો છે.
યુએસ ખાતે તાજેતરમાં રજૂ થયેલા મજબૂત એમ્પ્લોયમેન્ટ ડેટાને જોતાં ફેડ રિઝર્વ ડિસેમ્બરમાં યોજાનારી તેની મોનેટરી સમીક્ષા બેઠકમાં ટેપરિંગને ઝડપી બનાવી ટૂંકાગાળામાં જ બોન્ડ બાઈંગને અટકાવે તેવી શક્યતા જોવાઈ રહી છે. ચાલુ કેલેન્ડરમાં છેલ્લી બેઠકમાં ફેડ 14-15 ડિસેમ્બરે બેઠક યોજશે. અગાઉ નવેમ્બર મહિનાથી ફેડે તેના માસિક 120 અબજ ડોલરના બોન્ડ બાઈંગમાં 15 અબજ ડોલરના દરે ઘટાડાની જાહેરાત કરી હતી. જેને જોતાં જૂન 2022 સુધીમાં તેનું બોન્ડ બાઈંગ બંધ થવાનું હતું. જોકે છેલ્લા પખવાડિયામાં રજૂ થયેલા સીપીઆઈ અને એમ્પ્લોયમેન્ટ ડેટાને જોતાં ફેડ વધુ આકરા ઉપાયો લઈ શકે છે.
ફેડ બેઠકની મિનિટ્સમાં કેટલાંક ફેડ અધિકારીઓ ટેપરિંગને ઝડપી બનાવવાના પક્ષમાં હોવાનું જણાયું હતું. જોકે ફેડે અગાઉ 15 અબજ ડોલરના દરે બોન્ડ ખરીદી ઘટાડવાનો નિર્ણય લીધો હતો. અર્થશાસ્ત્રીઓ માને છે કે ફેડ ભલે બોન્ડ બાઈંગને ઝડપથી સમાપ્ત નથી કરી રહી પરંતુ ઈન્ફ્લેશન સામેની લડાઈને લઈને તેઓ સખત નિવેદનો આપવાનું ચાલુ રાખશે. જો હવે પછી રજૂ થનારો ઈન્ફ્લેશનનો ડેટા આકરો હશે તો ફેડ રિઝર્વ બોંડ બાઈંગ કાર્યક્રમને અપેક્ષા કરતાં ઝડપી ઘટાડી શકે છે. જેને જોતાં આગામી 14-15 ડિસેમ્બરે મળનારી ફેડ એફઓએમસીની બેઠક બજારોથી લઈને સહુ કોઈ માટે ખૂબ મહત્વની બની રહેશે. જો ફેડ રિઝર્વ ટેપરિંગને ઝડપથી પૂરું કરશે તો રેટ વૃદ્ધિ માટે પણ તે અગાઉ કરતાં વહેલો નિર્ણય લઈ શકે છે.
Market Summary 25 Nov 2021
November 25, 2021