બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
સપ્તાહની શરૂઆતમાં વેચવાલીનું દબાણ, નિફ્ટી 22200ની નીચે સરક્યો
ફેબ્રુઆરી એક્સપાયરી વીકની નરમ શરૂઆત
વૈશ્વિક બજારોમાં પણ નરમ સેન્ટીમેન્ટ
વોલેટિલિટી ઈન્ડેક્સ 4.2 ટકા ગગડી 15.60ના સ્તરે બંધ
બ્રોડ માર્કેટમાં વેચવાલી નોંધાઈ
એનર્જી, પીએસઈ, ઓટો, રિઅલ્ટીમાં મજબૂતી
આઈટી, મેટલ, ફાર્મા, બેંકિંગમાં નરમાઈ
ડેટા પેટર્ન્સ, સોભા, પીબી ફિનટેક, એપીગ્રાલ નવી ટોચે
પોલીપ્લેક્સ, શારડા કોર્પમાં નવા તળિયાં
ભારતીય શેરબજારમાં સપ્તાહની શરૂઆત નરમ જોવા મળી હતી. બેન્ચમાર્ક્સ સેન્સેક્સ 353 પોઈન્ટ્સ જ્યારે નિફ્ટી 91 પોઈન્ટ્સ ઘટાડા સાથે અનુક્રમે 72790 તથા 22122ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં વેચવાલી જોવા મળી હતી. જેની પાછળ માર્કેટ બ્રેડ્થ નેગેટિવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 4108 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2312 નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1665 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. 385 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 24 કાઉન્ટર્સે 52-સપ્તાહના તળિયા બનાવ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 4.2 ટકા ગગડી 15.60ના સ્તરે બંધ રહ્યો હતો.
સોમવારે ભારતીય બજારે ગેપ-ડાઈન ઓપનીંગ દર્શાવ્યું હતું અને દિવસ દરમિયાન તે નેગેટિવ ઝોનમાં જ ટ્રેડ થતું જોવા મળ્યું હતું. નિફ્ટી અગાઉના 22213ના બંધ સામે ઈન્ટ્રા-ડે 22202ની સપાટી પર ટ્રેડ થયો હતો. જ્યારે નીચામાં 22075ની સપાટીએ ટ્રેડ થઈ 22100ની સપાટી જાળવવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 17 પોઈન્ટ્સના પ્રિમીયમે 22138ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં 9 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં 8 પોઈન્ટ્સની વૃદ્ધિ સૂચવે છે. આમ, માર્કેટમાં કોઈ ખાસ લોંગ લિક્વિડેશનના સંકેત નથી. એક્સપાયરી સપ્તાહને જોતાં માર્કેટમાં થોડી વધ-ઘટ જોવા મળી શકે છે. લોંગ ટ્રેડર્સે 21850ના સ્ટોપલોસે તેમની પોઝીશન જાળવવી જોઈએ. જ્યારે ઊંચું રિસ્ક લઈ શકનારાઓ 22300ના સ્ટોપલોસે શોર્ટ પોઝીશન લઈ શકે છે.
સોમવારે નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટકોમાં લાર્સન એન્ડ ટુબ્રો, પાવર ગ્રીડ કોર્પો., અદાણી એન્ટરપ્રાઈઝિસ, બીપીસીએલ, તાતા કન્ઝ્યૂમર, અદાણી પોર્ટ્સ, એસબીઆઈ લાઈફ, આઈશર મોટર્સ, એચયૂએલ, સિપ્લા, નેસ્લે, બજાજ ઓટો, એચડીએફસી બેંક, યૂપીએલનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એશિયન પેઈન્ટ્સ, એપોલો હોસ્પિટલ, હિંદાલ્કો, ડિવિઝ લેબ્સ, તાતા સ્ટીલ, ટાઈટન કંપની, ટેક મહિન્દ્રા, જેએસડબલ્યુ સ્ટીલ, ભારતી એરટેલ, એલટીઆઈમાઈન્ડટ્રી, ટીસીએસ, એક્સિસ બેંક, કોટક બેંક, ઈન્ફોસિસમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો એનર્જી, પીએસઈ, ઓટો, રિઅલ્ટીમાં મજબૂતી જળવાય હતી. જ્યારે આઈટી, મેટલ, ફાર્મા, બેંકિંગમાં નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 0.5 ટકા મજબૂતી સાથે બંધ જોવા મળ્યો હતો. જેના ઘટકોમાં એચપીસીએલ 2.7 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, અદાણી ગ્રીન એનર્જી, પાવર ગ્રીડ કોર્પોરેશન, બીપીસીએલ, ગેઈલ અને આઈઓસીનો સમાવેશ થતો હતો. જોકે, ઓએનજીસી, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને એનટીપીસીમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ સાધારણ પોઝીટીવ બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ભારત ફોર્જ 4 ટાકા ઉછળ્યો હતો. આ ઉપરાંત ટીવીએસ મોટર, બોશ, આઈશર મોટર્સ, બજાજ ઓટોમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 1.2 ટકા ઘટાડો સૂચવતો હતો. જેના ઘટકોમાં પર્સિસ્ટન્ટ 3 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત, એમ્ફેસિસ, ટેક મહિન્દ્રા, એલટીઆઈમાઈન્ડટ્રી, ટીસીએસ, ઈન્ફોસિસ, એચસીએલ ટેક્નોલોજી, વિપ્રોમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી મેટલ પણ એક ટકા ગગડ્યો હતો. જેના ઘટકોમાં સેઈલ, હિંદાલ્કો, જિંદાલ સ્ટીલ, તાતા સ્ટીલ, મોઈલ, જેએસડબલ્યુ સ્ટીલ, એનએમડીસી, નાલ્કો, વેદાંત, કોલ ઈન્ડિયામાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 0.5 ટકા ઘટાડો દર્શાવતો હતો. જેના ઘટકોમાં આલ્કેમ લેબ 7 ટકા તૂટયો હતો. આ ઉપરાંત, ડિવિઝ લેબ્સ, લ્યુપિન, સન ફાર્મા, ઓરોબિંદો ફાર્મા, ટોરેન્ટ ફાર્મામાં નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો 4 ટકા સુધારા સાથે ભારત ફોર્જ સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, ગ્લેનમાર્ક, એચપીસીએલ, એલઆઈસી હાઉસિંગ, તાતા કોમ, લાર્સન, ટીવીએસ મોટર, ઈન્ડુસ ટાવર્સ, ઝાયડસ લાઈફ, પાવર ગ્રીડ, ડેલ્ટા કોર્પ, બોશ, એચડીએફસી એએમસી, શ્રીરામ ફાઈનાન્સ, આરબીએલ બેંક, બીપીસીએલમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, આલ્કેમ લેબ, વોડાફોન આઈડિયા, એશિયન પેઈન્ટ્સ, બિરલોસોફ્ટ, મેટ્રોપોલીસ, સેઈલ, ચંબલ ફર્ટિ., એપોલો હોસ્પિટલ, બંધન બેંક, ક્યુમિન્સ, પર્સિસ્ટન્ટ, હિંદાલ્કોનો સમાવેશ થાય છે. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં ડેટા પેટર્ન્સ, સોભા, પીબી ફિનટેક, એપીગ્રાલ, તાતા ઈન્વેસ્ટમેન્ટ કોર્પ, જેએસડબલ્યુ એનર્જી, જિંદાલ સ્ટેનલેસ, કેફિન ટેક, એચએફસીએલ, અદાણી ગ્રીન, ઈન્ડુસ ટાવર્સ, એફડીસી, ઝાયડસ લાઈફનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, પોલીપ્લેક્સ, શારડા કોર્પમાં નવા તળિયાં જોવા મળ્યાં હતાં.
FPI તરીકે રજૂ કરી ફ્રોડ સ્કિમ્સ ઓફર કરનારાઓથી રોકાણકારોને સાવધાન રહેવા સેબીની ચેતવણી
સેબીએ એક સ્પષ્ટતામાં જણાવ્યું છે કે સ્થાનિક ભારતીયોને FPI ઈન્વેસ્ટમેન્ટ રૂટ પ્રાપ્ય નથી
માર્કેટ રેગ્યુલેટર સેબીએ સોમવારે શેરબજાર રોકાણકારોને ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર(એફપીઆઈ)ના કર્મચારી તરીકે ઓળખાવી ટ્રેડિંગ તકોની ઓફર કરતાં લોકોથી ચેતવ્યાં છે. રેગ્યુલેટરે આ સંદર્ભે એક સ્પષ્ટતાં કરતાં જણાવ્યું છે કે મર્યાદિત અપવાદો સિવાય ભારતીય નાગરિકોને માટે એફપીઆઈ ઈન્વેસ્ટમેન્ટ રૂટ પ્રાપ્ય જ નથી. આમ, જેઓ આ પ્રકારની ઓફર કરે છે તેઓ ફ્રોડ છે અને તેનાથી રિટેલ રોકાણકારોએ બચવાનું રહેશે.
સોમવારે જાહેર કરેલી એક પ્રેસ રિલિઝમાં સેબીએ નોંધ્યું હતું કે તેને સેબી-રજીસ્ટર્ડ પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ તરીકે રજૂ કરતાં ખોટા ટ્રેડિંગ પ્લેટફોર્મ્સ સંબંધી ફરિયાદો મળી રહી છે. આવા લોકો એફપીઆઈ અથવા ઈન્સ્ટીટ્યુશ્નલ એકાઉન્ટ્સ સાથે ટ્રેડિંગની ઓફરનો દાવો કરતાં હોય છે. તેઓ રોકાણકારોને ઓનલાઈન ટ્રેડિંગ કોર્સિસ, સેમિનાર્સ અને મેન્ટરશીપ પ્રોગ્રામ્સ મારફતે લલચાવતાં હોય છે. તેઓ વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ્સ મારફતે રોકાણકારોનો સંપર્ક કેળવી રહ્યાં હોવાનું સેબીએ નોંધ્યું છે.
2023માં ભારતમાં M&A વેલ્યૂ 27 ટકા ઘટી 136 અબજ ડોલર જોવા મળી: ડેલોઈટ
ગયા કેલેન્ડર 2023માં દેશમાં મર્જર એન્ડ એક્વિઝિશન્સની કામગીરીમાં ઘટાડો જોવા મળ્યો હતો. ડેલોઈટના સ્ટડી મુજબ 2023માં ભારતમાં કુલ એમએન્ડએ ડીલ 27 ટકા ઘટી 136 અબજ ડોલર પર નોંધાયા હતા. ચાલુ વર્ષે તે સ્થિર જોવા મળે તેવી અપેક્ષા હોવાનું પણ તેણે જણાવ્યું છે. વૈશ્વિક સ્તરે પડકારો વચ્ચે એમએન્ડએ ડીલ્સ પર અસર જોવા મળી હતી એમ એમએન્ડએ ટ્રેન્ડ્સ 2024 રિપોર્ટમાં જણાવ્યું છે. ઊંચા વ્યાજ દરો, મેક્રોઈકોનોમિક અનિશ્ચિતતા, રેગ્યુલેટરી સ્ક્રૂટિની જેવા પરિબળોએ આમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. જોકે, ચાલુ વર્ષે ભારતીય બજારમાં સ્થિરતા જોવા મળશે એમ રિપોર્ટ નોંધે છે. 2024માં એમએન્ડએ ડિલ્સનું સુકાન ઓટોમોટીવ સેક્ટર લે તેવી શક્યતાં છે. ઓટો-કોમ્પોનેન્ટ્સ અને ઈવી સેક્ટર્સમાં ડીલ્સમાં વૃદ્ધિ જોવા મળે તેવું માનવામાં આવે છે. ઉપરાંત, સરકારના ક્લિન એનર્જીને પ્રોત્સાહન આપવાના પ્રયાસોને કારણે એમએન્ડએ સેક્ટરમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળે તેવી અપેક્ષા છે. ફાઈનાન્સિયલ સર્વિસિઝ સેક્ટરમાં લાર્જ-સ્કેલ કોન્સોલિડેશન્સ પાછળ એમએન્ડએ જોવા મળી શકે છે એમ માનવામાં આવે છે. 2024માં પ્રાઈવેટ ઈક્વિટીમાં સ્થિરતાનો અંદાજ રજૂ કરાયો છે. જ્યારે 2024 પછી ડીલ મોમેન્ટમ જોવા મળે તેવી અપેક્ષા છે. કેમકે તે વખતે ઈન્ટરેસ્ટ રેટમાં ઘટાડા ઉપરાંત આર્થિક રિકવરી શરૂ થઈ હશે.
સરકારની સેમીકંડક્ટર સ્ટ્રેટેજીઃ 21 અબજ ડોલરના પ્રસ્તાવો મળ્યાં
ઈઝરાયેલની ટાવર સેમીકંડક્ટરે 9 અબજ ડોલરના પ્લાન્ટનો પ્રસ્તાવ મૂક્યો
તાતા જૂથે 9 અબજ ડોલરના ચીપ ફેબ્રિકેશન યુનિટની દરખાસ્ત રજૂ કરી
ભારત સરકાર લાંબા સમયથી ચીપ સંબંધી સ્પર્ધામાં મૂકપ્રેક્ષક બની રહ્યાં પછી હવે 21 અબજ ડોલરના સેમીકંડક્ટર પ્રસ્તાવોની ચકાસણી કરી રહી છે. જેમાં ઈઝરાયેલની ટાવર સેમીકંડક્ટર લિમિટેડે 9 અબજ ડોલરના પ્લાન્ટ માટે પ્રસ્તાવ મૂક્યો છે. જ્યારે તાતા જૂથની કંપનીએ 8 અબજ ડોલરના ચીપ ફેબ્રિકેશન પ્લાન્ટ માટે દરખાસ્ત કરી છે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે. બંને પ્રોજેક્ટ્સ ગુજરાતમાં સ્થાપવાની દરખાસ્ત હોવાનું તેઓ ઉમેરે છે. વર્તમાન સમયમાં સેમીકંડર્ટર્સ જીઓપોલિટીકલ જંગમાં એક મહત્વનું પરિબળ બન્યું છે. જેમાં યુએસ, જાપાન અને ચીન જેવા દેશો ક્ષમતા વિકાસ માટે જંગી રોકાણ કરી રહ્યાં છે. આ સ્થિતિમાં મોદી સરકાર ભારતને વૈશ્વિક મેન્યૂફેક્ચરિંગ હબ બનાવવા માટે પ્રયાસ કરી રહી છે. જે ભારતને મોંઘી આયાત સામે રક્ષણ પૂરું પાડી શકે છે. દેશમાં વિકસી રહેલાં સ્માર્ટફોન એસેમ્બલી ઉદ્યોગને પણ તે સહાયરૂપ બની શકે છે. ભારતના ચીપમેકિંગ ઈન્સેન્ટીવ પ્લાન હેઠળ સરકાર પ્રોજેક્ટ ખર્ચનો અડધો ખર્ચ ઉઠાવશે. આ માટે શરૂઆતમાં 10 અબજ ડોલરના બજેટની ફાળવણી કરી છે.
Market Summary 26/02/2024
February 27, 2024