Market Summary 26/05/2023

વૈશ્વિક સ્તરે સાવચેતી વચ્ચે ભારતીય બજારે બ્રેકઆઉટ દર્શાવ્યું
નિફ્ટી 18400ની સપાટી કૂદાવવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 5 ટકા ગગડી 11.90ના સ્તરે
તમામ સેક્ટરલ સૂચકાંકોનું પોઝીટીવ બંધ
હેવીવેઈટ RILએ રૂ. 2500ની સપાટી કૂદાવી
વરુણ બેવરેજીસ, ક્યુમિન્સ નવી ટોચે
પેજ ઈન્ડસ્ટ્રીઝ, આવાસ નવા તળિયે

વૈશ્વિક બજારોમાં યુએસ ડેટ સિલિંગને લઈ જોવા મળી રહેલી સાવચેતી વચ્ચે ભારતીય બજારે આજે મહત્વનું બ્રેકઆઉટ દર્શાવ્યું હતું. સ્થાનિક બેન્ચમાર્ક્સે એક ટકાથી વધુ સુધારો દર્શાવી વૈશ્વિક હરિફોની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ નોંધાવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 629 પોઈન્ટ્સ ઉછળી 61502ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 178 પોઈન્ટ્સના વધારે 18499ની સપાટીએ બંધ રહ્યો હતો. લાર્જ-કેપ્સમાં ભારે લેવાલી પાછળ બ્રેડ્થ મોટા માર્જિનથી પોઝીટીવ જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 45 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે માત્ર 5 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટની વાત કરીએ તો ત્યાં પણ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3620 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1969 પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1522 નેગેટિવ જોવા મળતાં હતાં. 164 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 37 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 5 ટકા ગગડી 11.90ના સ્તરે બંધ રહ્યો હતો.
શુક્રવારે સપ્તાહના આખરી સત્રમાં બેન્ચમાર્ક નિફ્ટી ગેપ-અપ ઓપનીંગ દર્શાવી દિવસ દરમિયાન સતત સુધારાતરફી જળવાયો હતો. ઈન્ડેક્સ 18321ના અગાઉના બંધ સામે ઉપરમાં 18368ની સપાટીએ ખૂલી ઉપરમાં 18506 પર ટ્રેડ થઈ 18500થી અડધો પોઈન્ટ્સ નીચે બંધ રહ્યો હતો. જોકે, તેણે છેલ્લાં પોણા છ મહિનાની નવી ટોચ દર્શાવી હતી એમ કહી શકાય. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીમાં નવો ટાર્ગેટ હવે 18887નો રહેશે. જે લેવલ ડિસેમ્બર 2022ના પ્રથમ દિવસે જોવા મળ્યું હતું. તેમના મતે આગામી સપ્તાહે વિશ્વ બજારોમાં મજબૂતી હશે તો ભારે શોર્ટ કવરિંગની શક્યતાં છે. જેની પાછળ ટૂંકાગાળામાં નિફ્ટી અગાઉની ટોચને સ્પર્શી શકે છે. લોંગ ટ્રેડર્સને 18300-18350ની રેંજમાં સ્ટોપલોસ જાળવવાનું સૂચન તેઓ કરે છે. શુક્રવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા મુખ્ય કાઉન્ટર્સમાં હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ મુખ્ય હતો. કંપનીનો શેર 2.73 ટકા ઉછળી રૂ. 2500ની સપાટી પાર કરી ગયો હતો. આ ઉપરાંત સન ફાર્મા, હિંદાલ્કો, ડિવિઝ લેબ્સ, એચયૂએલ, એચસીએલ ટેક્નોલોજી, વિપ્રો, યૂપીએલ, એસબીઆઈ લાઈફ, ટેક મહિન્દ્રા, તાતા સ્ટીલ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને મારુતિ સુઝુકીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, નરમાઈ દર્શાવનાર પાંચ કાઉન્ટર્સમાં ઓએનજીસી, ગ્રાસિમ, બજાજ ઓટો, ભારતી એરટેલ અને પાવર ગ્રીડ કોર્પોરેશનનો સમાવેશ થતો હતો.
તમામ સેક્ટરલ સૂચકાંકો પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જે સૂચવે છે કે તેજીમાં સહુનું યોગદાન હતું. નિફ્ટી આઈટી, નિફ્ટી મેટલ, નિફ્ટી એફએમસીજી, નિફ્ટી ફાર્મા, નિફ્ટી રિઅલ્ટી, નિફ્ટી મિડિયા સૂચકાંકો એક ટકાથી વધુ સુધારો દર્શાવતાં હતાં. જ્યારે બેંકનિફ્ટી 0.77 ટકા સુધારા સાથે 44 હજારની સપાટી પાર કરી ગયો હતો. નિફ્ટી ઓટો પણ લગભગ એક ટકા પોઝીટીવ જોવા મળતો હતો. નિફ્ટી એફએમસીજી ઈતિહાસમાં પ્રથમવાર 50000ની સપાટી કૂદાવી ગયો હતો. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ઈન્ફો એજ 8 ટકા સાથે ઉછળવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ઝી એન્ટરટેઈનમેન્ટ, ઈન્ડસ ટાવર્સ, એચડીએફસી એએમસી, ક્યુમિન્સ, નાલ્કો, હિંદ કોપર, કોફોર્જ, મેરિકો, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, આઈડીએફસી ફર્સ્ટ બેંક અને સન ફાર્મા જેવા કાઉન્ટર્સ નોંધપાત્ર સુધારો સૂચવી રહ્યાં હતાં. બીજી બાજુ, પેજ ઈન્ડસ્ટ્રીઝ 9 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ભેલ, ગ્લેનમાર્ક, જીએનએફસી, ઓએનજીસી, ગેઈલ અને બંધન બેંકમાં પણ નરમાઈ જોવા મળતી હતી. વરુણ બેવરેજીસ, ક્યુમિન્સ, સીજી પાવર, આઈડીએફસી ફર્સ્ટ બેંક, ગોદરેજ કન્ઝ્યૂમર, જસ્ટ ડાયલે તેમની સર્વોચ્ચ ટોચ બનાવી હતી. બીજી બાજુ પેજ ઈન્ડસ્ટ્રીઝ, આવાસ ફાઈનાન્સિયરે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું.

વૈશ્વિક સ્તરે ફાર્મા, જ્વેલરી અને ફૂટવેર ટ્રેડમાં ભારતનો નિકાસ હિસ્સો ઘટ્યો
ભારતીય ફાર્મા ઉદ્યોગનો હિસ્સો 2015માં 2.79 ટકા હિસ્સા પરથી ઘટી 2022માં 2.25 ટકા પર જોવા મળ્યો

વૈશ્વિક વેપારમાં ફાર્મા, જેમ્સ એન્ડ જ્વેલરી અને લેધર-ફૂટવેર જેવા સેક્ટર્સમાં ભારતનો નિકાસ હિસ્સો ઘટતો જોવા મળી રહ્યો છે એમ થીંક ટેંક GTRIનું કહેવું છે. જોકે, બીજી બાજુ ઈલેક્ટ્રોનિક્સ, મશીનરી, પેટ્રોલિયમ, ઓટો પાર્ટ્સ, આર્યન એન્ડ સ્ટીલ અને એલ્યુમિનિયમ પ્રોડક્ટ્સની નિકાસમાં હિસ્સો વધી રહ્યો હોવાનું તે જણાવે છે. 2015માં ભારતીય ફાર્મા ઉદ્યોગ વિશ્વ વેપારમાં 2.79 ટકા હિસ્સો ધરાવતો હતો. જે 2022માં ઘટી 2.25 ટકા પર જોવા મળી રહ્યો છે.
ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઈનિશ્યેટીવ(GTRI)ના જણાવ્યા મુજબ એપરલ, લેધર, શૂઝ અને મરીન પ્રોડક્ટ્સમાં ભારતનો હિસ્સો વૈશ્વિક બજારમાં ઘટી રહ્યો છે. જે માટેનું મુખ્ય કારણ ક્વોલિટી હોવાનું રિપોર્ટ જણાવે છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ઈલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ, મોબાઈલ ફોન્સ અને ઈલેક્ટ્રિક ઈક્વિપમેન્ટ તથા મશીનરીના વૈશ્વિક વેપારમાં દેશનો હિસ્સો વધતો જોવા મળી રહ્યો છે. ઉપરોક્ત સેક્ટર્સ વિશ્વ વેપારમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે. જેનું કુલ કદ 6 ટ્રિલિયન ડોલરથી વધુ છે. ભારત ઐતિહાસિક રીતે આ સેક્ટર્સમાં નીચો હિસ્સો ધરાવતું હતું. જોકે તે ધીમે-ધીમે પરંતુ નિર્ણાયક રીતે તેનો હિસ્સો વધારી રહ્યું છે. 2022માં વૈશ્વિલ મર્કેન્ડાઈઝ ટ્રેડમાં ભારતનો હિસ્સો 1.8 ટકા પર હતો. જોકે 2015માં મશીનરી અને ઈલેક્ટ્રોનિક્સમાં દેશનો હિસ્સો અનુક્રમે માત્ર 0.75 ટકા અને 0.4 ટકા જોવા મળતો હતો. આ ક્ષેત્રોના હિસ્સામાં સાધારણ પરંતુ નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
રિપોર્ટમાં નોંધ્યા મુજબ નિકાસમાં નીચા યોગદાનનું કારણ ભાવ નહિ પરંતુ ક્વોલિટી ઈસ્યુઝ મુખ્ય છે. તે માત્ર ફાર્માસ્યુટીકલ સેક્ટર પૂરતાં જ મર્યાદિત નથી પરંતુ એક્વાકલ્ચર પ્રોડક્ટ્સ જેમકે શ્રીમ્પ અને પ્રોવ્ન્સને લઈને પણ જોવા મળે છે. અનેક દેશોએ સાલમોનેલા(એક પ્રકારના બેક્ટેરિયા)ની હાજરીને કારણે આ પ્રોડક્ટ્સની ખરીદીનો ઈન્કાર કર્યો છે. ગુણવત્તાની સમસ્યાને કારણે ભારતની ચાની નિકાસ પર પણ અસર પડી છે. કેટલાંક દેશોએ ફાયટોસેનિટરી બાબતો તથા નિશ્ચિત મર્યાદાથી વધુ જંતુનાશકોની હાજરીને લઈને ભારતીય ચાના કન્સાઈન્મેન્ટ્સ અટકાવ્યાં હોવાના અહેવાલો પણ છે.
જો જેમ્સ એન્ડ જ્વેલરી સેક્ટરની વાત કરીએ તો 2015માં વૈશ્વિક સ્તરે ભારતનો હિસ્સો 7.47 ટકા પર જોવા મળતો હતો. જે 2015માં ઘટી 4.74 ટકા પર નોંધાયો હતો. બીજી બાજુ, ભારતીય ઓટોમોબાઈલ્સ અને પાર્ટ્સ સેક્ટરનો હિસ્સો વિશ્વ વેપારમાં 2015માં 1.11 ટકા પરથી વધી 2022માં 1.32 ટકા પર રહ્યો હતો.

NSE ખાતે સતત દસમા મહિને એક્ટિવ ટ્રેડર્સની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો
માર્ચમાં 3.27 કરોડ એક્ટિવ યુઝર્સ સામે એપ્રિલમાં સંખ્યા ઘટી 3.12 કરોડ પર રહી

દેશમાં સૌથી મોટા સ્ટોક ટ્રેડિંગ પ્લેટફોર્મ નેશનલ સ્ટોક એક્સચેન્જ(એનએસઈ) ખાતે એક્ટિવ ટ્રેડર્સની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. એપ્રિલમાં એક્ટિવ ટ્રેડર્સની સંખ્યા 10મા મહિને ઘટીને 3.12 કરોડ પર રહી હતી. જુલાઈ 2022થી પ્લેટફોર્મ પર એક્ટિવ યુઝર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
અગ્રણી બ્રોકરેજ હાઉસના રિપોર્ટ મુજબ એપ્રિલમાં એક્ટિવ યુઝર્સમાં 15 લાખનો ઘટાડો નોંધાયો હતો. જે માર્ચમાં 9 લાખ એકાઉન્ટ્સ પર હતો. આમ, એપ્રિલમાં શેરબજારમાં તેજી વચ્ચે છતાં ક્લાયન્ટ્સ એક્ટિવ બન્યાં નહોતાં. સ્ટોક એક્સચેન્જિસની વ્યાખ્યા મુજબ છેલ્લાં વર્ષમાં એકવાર પણ ટ્રેડ કરનારને એક્ટિવ યુઝર ગણવામાં આવે છે. નિષ્ણાતોના મતે બજારમાં બે બાજુની વધ-ઘટને જોતાં અનિશ્ચિતતા ઊભી છે અને તે કારણથી જ ટ્રેડર્સ હાલમાં બાજુમાં ઊભા રહેવાનું પસંદ કરી રહ્યાં છે. ઉપરાંત, છેલ્લાં એક વર્ષમાં બજારે કોઈ ખાસ રિટર્ન પણ નથી આપ્યાં. રિટેલ ટ્રેડર્સમાં બજારને લઈ ઉત્સાહ ઓસરી રહ્યો છે. જે કારણથી જ જુલાઈ 2022થી તેમની સંખ્યા નિરંતર ઘટતી જોવા મળી છે. છેલ્લાં નવ-દસ મહિનામાં ભારતીય શેરબજારે મોટી રેંજમાં સાઈડવે ટ્રેડિંગ દર્શાવ્યું છે. બજારમાં વોલેટિલિટી પણ નોંધપાત્ર સ્તરે જોવા મળી છે. જેને કારણે બજારમાં નવા લોકોને પ્રવેશ માટેનું પ્રોત્સાહન મળે છે. જોકે, તેઓ લાંબુ ટકતાં નથી અને મૂડી ધોવાણ પછી નિશ્ક્રિય બની જતાં હોય છે. તેઓ માર્કેટને લઈ એક વ્યૂહ બનાવી ટ્રેડિંગ કરતાં હોય છે. જોકે, સરવાળે તેમણે નાણા ગુમાવવાનું બનતું હોય છે.
છેલ્લાં નવ-દસ મહિનામાં એડવાન્સ-ડિક્લાઈન રેશિયો જોઈએ તો તે પણ માર્ચ 2023 સુધી ઘટાડાતરફી જળવાયો હતો. છેલ્લાં બે મહિનામાં બજારે થોડા સુધારાના સંકેતો આપ્યાં છે જોકે હજુ પણ તે અગાઉની રેંજમાં જ ટ્રેડીંગ દર્શાવી રહ્યું છે એમ એક્સપર્ટ ઉમેરે છે. માર્કેટ એક રેંજની બહાર બ્રેકઆઉટ આપશે ત્યાર પછી જ ટ્રેડર્સ ધીરે-ધીરે સક્રિય બનતાં જોવાશે. છેલ્લાં બે વર્ષોમાં નાના રોકાણકારોનું ફંડ્સ મીડ અને સ્મોલ-કેપ્સમાં ભરાઈ ગયું છે અને તેથી તેઓ પ્રોફિટ સાથે એક્ઝિટ નથી લઈ શક્યાં. જેથી ચર્નિંગ અટકી પડ્યું છે. 2022-23માં સેન્સેક્સમાં 0.7 ટકા સુધારો જ્યારે નિફ્ટીમાં 0.6 ટકા ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે બીએસઈ મીડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકો અનુક્રમે 0.18 ટકા અને 4.46 ટકા ઘટાડો સૂચવતાં હતાં. વિદેશી રોકાણકારોએ પણ ગયા નાણા વર્ષ દરમિયાન 6.64 અબજ ડોલરના શેર્સનું વેચાણ કર્યું હતું.

NSE ખાતે 10-મહિનામાં એક્ટિવ ટ્રેડિંગ એકાઉન્ટ્સની સંખ્યા
મહિનો એક્ટિવ ટ્રેડર્સ(કરોડમાં)
જૂન 2022 3.8
જુલાઈ 2022 3.77
ઓગસ્ટ 2022 3.75
સપ્ટેમ્બર 2022 3.74
ઓક્ટોબર 2022 3.67
નવેમ્બર 2022 3.6
ડિસેમ્બર 2022 3.53
જાન્યુઆરી 2022 3.43
ફેબ્રુઆરી 2022 3.36
માર્ચ 2022 3.27
એપ્રિલ 2022 3.12

યુએસ ડેટ સિલીંગને લઈને ડીલ હેઠળ ખર્ચ પર નિયંત્રણ લાગુ પડશે
વ્હાઈટ હાઉસ અને રિપબ્લિકન વચ્ચે તૈયાર થઈ રહેલા ડીલ મુજબ આગામી વર્ષે ડિફેન્સ ખર્ચને 3 ટકા સુધી લઈ જવાની છૂટ રહેશે

રિપબ્લિકન અને વ્હાઈટ હાઉસ વચ્ચે ડેટ સિલીંગમાં વૃદ્ધિ કરવા અંગે ચાલી રહેલા મંત્રણા એક ડીલની નજીક પહોંચી હોવાનું જાણવા મળે છે. જે હેઠળ ડેટ લિમીટમાં વૃદ્ધિ કરવામાં આવશે, જોકે બે વર્ષ સુધી ફેડરલ સ્પેન્ડિંગ પર મર્યાદા ચાલુ રહેશે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે. યુએસ માટે નાદારીને ટાળવા માટે બંને પક્ષો બાંધછોડ કરીને સમાધાન લાવવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
બંને પક્ષોએ તાજેતરમાં તેમની વચ્ચેના મતભેદોને સાંકડા કર્યાં છે એમ વર્તુળો ઉમેરે છે. જોકે, હજુ મળી રહેલી વિગતો એક સંભાવના દર્શાવે છે અને તેના પર મંજૂરીની મહોર લાગી નથી. બંને પક્ષોએ ફેડરલ સ્પેન્ડિંગ પર મર્યાદા અંગે સહમતિ સાધવાની બાકી છે. નવા એગ્રીમેન્ટ હેઠળ ડિફેન્સ સ્પેન્ડિંગને પ્રમુખ જો બાઈડનની બજેટ વિનંતી મુજબ ડિફેન્સ સ્પેન્ડિંગને 3 ટકા લુધી વધારવાની મંજૂરી રહેશે. નવા ડિલમાં દેશની ઈલેક્ટ્રીક ગ્રીડને અપગ્રેડ કરવાના પગલાનો સમાવેશ પણ કરવામાં આવશે, જેથી મહત્વના પર્યાવરણલક્ષી હેતુ એવા રિન્યૂએબલ એનર્જીને તેમાં સમાવી શકાય. સાથે પાઈપલાઈન્સ માટે અને અન્ય ફોસિલ ફ્યુઅલ પ્રોજેક્ટ્સ માટેની મંજૂરીઓને ઝડપી બનાવી શકાય એમ જાણકાર વર્તુળોનું કહેવું છે. ડીલના ભાગરૂપે ઈન્ટરનલ રેવન્યૂ સર્વિસ માટે 80 અબજ ડોલરની બજેટ વૃદ્ધિમાં 10 અબજ ડોલરનો ઘટાડો કરશે. બાઈડેને ઈન્ફ્લેશન રિડક્શન એક્ટના ભાગરૂપે આ બજેટ વૃદ્ધિ મેળવી હતી. નવું ડીલ રિપબ્લિકન્સ તરફથી શરૂઆતમાં ઓફર કરવામાં આવેલા ડિલ કરતાં ઘણું મર્યાદિત હોવાનું પણ વર્તુળો જણાવે છે. અગાઉ રિબ્લિકન્સે ડેટ સિલીંગને આગામી માર્ચ સુધી વધારવાની શરત સામે 10 વર્ષ માટે સ્પેન્ડિંગ પર નિયંત્રણની ઓફર કરી હતી. હાઉસમાં ડેમોક્રેટિક લીડરશીપના એડવાઈઝરે જણાવ્યું હતું કે વ્હાઈટ હાઉસે કેપ્સ અથવા આઈઆરએસ ફંડીંગ પર એગ્રીમેન્ટ્સ લઈને કોઈ ટિપ્પણી નથી કરી. અગાઉ ન્યૂ યોર્ક ટાઈમ્સે નોંધ્યું હતું કે મંત્રણાકારો ડેટ-લિમીટ ડિલ પર મંજૂરીની મહોર મારવામાં છે.

ઝી-સોની મર્જરઃ NCALTએ NCLTના આદેશને ફગાવ્યો
ટ્રિબ્યુનલે એનસેલટીને તમામ પક્ષોને તેમની વાત સાંભળવાની તક આપી નવેસરથી સુનાવણી માટે જણાવ્યું

એપેલેટ ટ્રિબ્યુનલે ઝી-સોની મર્જર સંબંધી એનસીએલટીના ઓર્ડરને ફગાવવા સાથે એનસીએલટીને નવેસરથી સુનાવણી હાથ ધરવા માટે જણાવ્યું છે. ટ્રિબ્યુનલે તમામ પક્ષોને તેમની વાત રજૂ કરવાની તક આપી ફરીથી સુનાવણી હાથ ધરવા એનસીએલટીને સૂચવ્યું છે. એનસીએલટીએ અગાઉ તેના ચૂકાદામાં એનએસઈ અને બીએસઈને તેમણે ઝી-સોની મર્જરને આપેલી મંજૂરીના નિર્ણયની સમીક્ષા માટે જણાવ્યું હતું.
ઝી એન્ટરટેઈનમેન્ટ તરફથી હાજર રહેલા એડવોકેટ મૂકૂલ રોહતગીના જણાવ્યા મુજબ એનસીએલટીએ તેમની વાત સાંભળ્યા વિના જ ઓર્ડર પસાર કર્યો હતો. જેને પરિણામે છેલ્લાં એક વર્ષમાં ઝી-સોની મર્જર માટે મેળવવામાં આવેલી તમામ રેગ્યુલેટરી મંજૂરીઓ નાશ પામે છે. રોહતગીએ દલીલમાં જણાવ્યું હતું કે બીએસઈ અને એનએસઈએ એપ્રિલ મહિનામાં એસ્સેલ જૂથની અન્ય કંપની સંબંધિત સેબીના ઓર્ડરની કોપીને જ રજૂ કરી હતી તેમ છતાં એનસીએલટીએ એક્સચેન્જિસને તેણે આપેલી મંજૂરીની સમીક્ષા કરવા માટે જણાવ્યું હતું. બીએસઈ અને એનએસઈના વકીલોએ એપટેલ ટ્રિબ્યુનલને જણાવ્યું હતું કે તેમનો હેતુ સેબીના ઓર્ડરને માત્ર એનસીએલટી સમક્ષ રજૂ કરવાનો જ હતો અને નહિ કે તેને આધારે કોઈ રજૂઆત કરવાનો. તેમણે એપલેટ ટ્રિબ્યુનલને એમ પણ જણાવ્યું હતું કે તેના તરફથી પસાર કરવામાં આવનારા કોઈપણ આદેશને લઈને તેમને કોઈ વાંધો નથી. આમ, એનસીએલએટીએ પક્ષોને સાંભળ્યા વિના જ આદેશ આપવામાં આવ્યો હોવાના આધારે એનસીએલટીના ઓર્ડરને બાજુ પર રાખ્યો હતો અને તેને નવેસરથી તમામ પક્ષોને સાંભળી સુનાવણી હાથ ધરવા જણાવ્યું હતું. એનસીએલટીએ 11 મેના રોજ એક્સચેન્જિસને મર્જરના નોન-કોમ્પિટ ક્લોઝનું પુનઃમૂલ્યાંકન કરવા અને માન્ય રાખવા જણાવ્યું હતું.

દેશમાં ઘઉં-ચોખાના વિક્રમી ઉત્પાદનનો સરકારનો અંદાજ
ત્રીજા રાઉન્ડના અંદાજમાં ઘઉંનું ઉત્પાદન 11.274 કરોડની સર્વોચ્ચ સપાટીએ રહેશે
ચોખાનું ઉત્પાદન 13.554 કરોડની નવી ટોચ દર્શાવે તેવી શક્યતાં

કેન્દ્ર સરકારે વર્તમાન પાક વર્ષ માટે અગ્રણી ખાદ્યાન્ન પાકોના ઉત્પાદનના અંદાજમાં વૃદ્ધિ કરી છે. ફેબ્રુઆરી અને માર્ચમાં ખરાબ હવામાન પાછળ ઉત્પાદનમાં ઘટાડાના જોવા મળી રહેલા ગભરાટથી વિરુધ્ધ સરકારે જુલાઈ 2022થી જૂન 2023ના વર્ષમાં દેશમાં અનાજ ઉત્પાદનનો અંદાજ 2.1 ટકા વધારી 330.53 લાખ ટન કર્યો છે. જે અત્યાર સુધીનું વિક્રમી ઉત્પાદન સૂચવે છે. સરકારના ત્રીજા અંદાજ મુજબ ઘઉંનું ઉત્પાદન 11.274 કરોડ ટન રહેશે. બીજા અંદાજમાં તે 11.218 કરોડ ટન જોવા મળતું હતું. ગયા વર્ષે દેશમાં ઘઉંનું ઉત્પાદન 10.774 કરોડ ટન પર નોંધાયું હતું. 24 મે સુધીમાં એફસીઆઈએ 2.617 કરોડ ટન ઘઉંની ખરીદી કરી હતી. જે સરકારના 3.451 કરોડ ટનની અંદાજિત ખરીદી કરતાં નીચી હતી. સરકારે ખરીફ ચોખા માટેનો ઉત્પાદન અંદાજ 20 લાખ ટન વધારી 11 કરોડ ટન કર્યો હતો. જે અગાઉ 10.8 કરોડ ટન પર હતો. ગયા વર્ષે પણ દેશમાં 11 કરોડ ટન ચોખાનું ઉત્પાદન જોવા મળ્યું હતું. તમામ સિઝન મળી દેશમાં ચોખાનું ઉત્પાદન 13.554 કરોડ ટન પર રહેવાનો અંદાજ નક્કી કરાયો છે. જાડાં ધાન્યોમાં મકાઈનો પાક 3.591 કરોડ ટન રહેવાનો અંદાજ છે. જે બીજા રાઉન્ડના અંદાજમાં 3.461 કરોડ ટન પર જોવામાં આવતો હતો. જ્યારે ગયા વર્ષે 3.373 કરોડ ટન ઉત્પાદન નોંધાયું હતું. માર્ચ મહિનામાં વરસાદને કારણે મકાઈના પાકને લાભ થયો હોવાનું માનવામાં આવે છે. સમગ્રતયા જાડાં ધાન્યોનું ઉત્પાદન 30.30 કરોડ ટન પર જોવામાં આવી રહ્યું છે. જે બીજા અંદાજમાં 29.75 કરોડ પર રહેવાની અપેક્ષા હતી. જ્યારે ગયા વર્ષે તે 28.83 કરોડ ટન પર નોંધાયું હતું.
તેલિબિયાં પાકોની વાત કરીએ તો નવ તેલિબિયાંનુ ઉત્પાદન 4.099 કરોડ ટન રહેવાનો અંદાજ છે. ગયા વર્ષે તેમનું ઉત્પાદન 3.796 કરોડ ટન પર જોવા મળતું હતું. રવિ તેલિબિયાં રાયડાનું ઉત્પાદન 1.24 કરોડ ટન રહેવાનો અંદાજ છે. જે બીજા રાઉન્ડના 1.28 કરોડ ટનની સરખામણીમાં ઘટાડો સૂચવે છે. જોકે, ગઈ સિઝનમાં 1.19 કરોડ ટન કરતાં વૃદ્ધિ દર્શાવે છે. બીજી બાજુ સોયાબિનનું ઉત્પાદન 1.49 કરોડ ટન પર ઊંચું જોવામાં આવી રહ્યું છે.

ઊંચી ઈન્વેન્ટરી પાછળ પામ તેલમાં વધુ ઘટાડાની શક્યતાં
વૈશ્વિક પામતેલના ભાવોમાં આગામી સમયગાળામાં વધુ ઘટાડાની શક્યતાં જોવાઈ રહી છે. કેલેન્ડર 2023ની શરૂઆતથી અત્યાર સુધીમાં 20 ટકાના તીવ્ર ઘટાડા પછી પણ પામ તેલના ભાવ ઓર ઘટે તેમ એનાલિસ્ટ્સ જણાવે છે. જેના મુખ્ય કારણોમાં નીચી માગ ઉપરાંત હરિફ ખાદ્ય તેલોની ઊંચી ઈન્વેન્ટરી જવાબદાર છે. ભારતમાં સ્થાનિક સ્તરે ઉત્પાદિત તેલિબિયાંનો નોઁધપાત્ર જથ્થો પડ્યો છે. જ્યારે રશિયા અને યુક્રેન ખાતેથી સન ફ્લાવરના જંગી સપ્લાયને કારણે તેઓ પામ તેલ કરતાં સસ્તાં મળી રહ્યાં છે. આમ પામની માગ પાંખી છે. નવી સિઝનમાં સોયાબિનનું વાવેતર વિક્રમી સપાટીએ રહેવાની શક્યતાં છે. જે પણ પામ તેલ માટે નેગેટિવ બાબત છે.

સેન્સેક્સ અને બેંકેક્સમાં સાપ્તાહિક રૂ. 17345 કરોડનું ટર્નઓવર નોંધાયું
તાજેતરમાં ફરી લોંચ કરાયેલા એસએન્ડપી બીએસઈ સેન્સેક્સ અને એસએન્ડપી બીએસઈ બેન્કેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સે બીજા સપ્તાહની આખરે રૂ. 17,345 કરોડનું નોંધપાત્ર ટર્નઓવર નોંધાવ્યું હતું. શુક્રવારે એક્સચેન્જમાં 98,242 ટ્રેડ્સમાં કુલ 2,78,341 કોન્ટ્રાક્ટ્સ ટ્રેડ થયાં હતા. એક્સપાયરી પહેલાં, કુલ ઓપન ઇન્ટરેસ્ટ રૂ. 1,280 કરોડના સાથે 20,700 કોન્ટ્રાક્ટ્સ પર હતું. બીએસઈના એમડી અને સીઈઓ સુંદરરામન રામામૂર્તિના જણાવ્યા મુજબ કોન્ટ્રાક્ટ્સમાં જોવા મળેલી ઊંચી કામગીરી સૂચવે છે કે માર્કેટ પાર્ટિસિપન્ટ્સનો નવી પ્રોડક્ટ્સમાં રસ વધી રહ્યો છે. બીએસઈએ સેન્સેક્સ અને બેન્કેક્સ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટને 15 મેથી નાની લોટ સાઈઝમાં ફરી લોંચ કર્યાં હતાં.

કોર્પોરેટ હેડલાઈન્સ

એપટેકઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 33.4 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 26 કરોડની સરખામણીમાં 31 ટકા ઊંચો હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 64.7 કરોડ પરથી લગભગ ત્રણ ગણી વધી રૂ. 178.5 કરોડ પર રહી હતી.
જેબી કેમિકલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 87.6 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 85 કરોડની સરખામણીમાં 3.3 ટકા ઊંચો હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 624.6 કરોડ પરથી 22 ટકા વધી રૂ. 762.3 કરોડ પર રહી હતી.
નાલ્કોઃ પીએસયૂ એલ્યુમિનયમ ઉત્પાદરે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 495 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે એનાલિસ્ટ્સની રૂ. 378 કરોડની અપેક્ષા કરતાં ઊંચો છે. કંપનીનું માર્જિન ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં 18.4 ટકા સામે વધી 20.9 ટકા પર જોવા મળ્યું હતું.
ટીડબલ્યુએલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 48.2 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 25 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 422.2 કરોડ પરથી 120 ટકા ઉછળી રૂ. 974.2 કરોડ પર રહી હતી.
વિનસ પાઈપ્સઃ વિનસ પાઈપ્સ એન્ડ ટ્યુબ્સે 2022-23માં 43 ટકા વૃદ્ધિ સાથે રૂ. 552.4 કરોડની વિક્રમી આવક દર્શાવી છે. જ્યારે એબિટા 40 ટકા વધી રૂ. 69.1 કરોડ અને નેટ પ્રોફિટ 40 ટકા વધી રૂ. 44.2 કરોડ પર રહ્યો હતો. માર્ચ ક્વાર્ટરમાં આવક 60 ટકા વધી રૂ. 176.2 કરોડ અને પ્રોફિટ 68 ટકા વધી રૂ. 13.4 કરોડ રહ્યાં હતાં.
ફોર્ટિસ હેલ્થકેરઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 138.3 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 87 કરોડની સરખામણીમાં 59 ટકા ઊંચો હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1378.1 કરોડ પરથી 19 ટકા વધી રૂ. 1642.7 કરોડ પર રહી હતી.
ઓઈલ ઈન્ડિયાઃ પીએસયૂ ઓઈલ ઉત્પાદકે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1788.3 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1746.1 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 5376.2 કરોડ પરથી વધી રૂ. 5397.9 કરોડ પર રહી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage