Market Summary 26/09/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

પોઝીટીવ ટ્રિગર્સના અભાવે શેરબજારમાં નિરસ ટ્રેડિંગ
એશિયન બજારોની સાથે સ્થાનિક શેરબજારમાં નરમાઈ
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.5 ટકા વધી 11.18ના સ્તરે
એફએમસીજી, ઓટો, મેટલ, રિઅલ્ટીમાં મજબૂતી
બેંકિંગ, આઈટી, ફાર્મામાં નરમાઈ
અપાર ઈન્ડ, જેએસડબલ્યુ એનર્જી, જીઈ શીપીંગ નવી ટોચે
ડેલ્ટા કોર્પ, ગુજરાત ગેસ નવા તળિયે

શેરબજારમાં પોઝીટીવ ટ્રિગર્સના અભાવે નિરસ માહોલ જોવા મળી રહ્યું છે. એશિયન બજારોમાં નરમાઈ વચ્ચે મંગળવારે ભારતીય બેન્ચમાર્ક્સ પણ ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 78 પોઈન્ટ્સ ગગડી 65947ની સપાટીએ જ્યારે નિફ્ટી 10 પોઈન્ટ્સ ઘટી 19665ની સપાટીએ બંધ રહ્યાં હતાં. મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં થોડી ખરીદી નીકળતાં માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે ટ્રેડેડ 3793 કાઉન્ટર્સમાંથી 1871 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1791 કાઉન્ટર્સ નેગેટિવ ક્લોઝ સૂચવતાં હતાં. 169 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 31 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. 14 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 9 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.5 ટકા વધી 11.18ના સ્તરે બંધ રહ્યો હતો.
મંગળવારે બેન્ચમાર્ક નિફ્ટીએ પોઝીટીવ શરૂઆત દર્શાવી હતી. જોકે, ત્યારપછી તે સાંકડી રેંજમાં અથડાતો રહ્યો હતો. નિફ્ટી અગાઉના 19674.55ના બંધ સામે 19683ની સપાટીએ ખૂલી ઉપરમાં 19699 પર ટ્રેડ થઈ 19637નું તળિયું બનાવી સાધારણ નરમાઈ સાથે બંધ રહ્યો હતો. છેલ્લાં કેટલાંક સત્રોમાં નિફ્ટી માટે ઈન્ટ્રા-ડે સૌથી નાની ટ્રેડિંગ રેંજ જોવા મળી હતી. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર્સ એક પોઈન્ટ પ્રિમીયમ સાથે 19666ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 30 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. જેનો અર્થ એમ થાય છે કે બજારમાં લોંગ પોઝીશન લિક્વિડેટ થઈ રહી છે. ટ્રેડર્સ સાવચેત જોવા મળી રહ્યાં છે. 19600નું લેવલ બેન્ચમાર્ક માટે ખૂબ મહત્વનું જણાય રહ્યું છે. જો આ લેવલ તૂટશે તો બજારમાં ઝડપી ઘટાડો સંભવ છે. જ્યારે 19800 ઉપર તે 20000 તરફની ગતિ દર્શાવી શકે છે. નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં આઈશર મોટર્સ, હીરો મોટોકોર્પ, નેસ્લે, બજાજ ઓટો, ઓએનજીસી, તાતા સ્ટીલ, ગ્રાસિમ, ડિવિઝ લેબ્સ, બ્રિટાનિયા, બજાજ ફાઈનાન્સ, ડો. રેડ્ડીઝ લેબ્સ, હિંદાલ્કો, એચડીએફસી બેંકનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ઈન્ડસઈન્ડ બેંક, સિપ્લા, ટેક મહિન્દ્રા, કોટક મહિન્દ્રા, અદાણી એન્ટરપ્રાઈઝિસ, ઈન્ફોસિસ, એશિયન પેઈન્ટ્સ, આઈસીઆઈસીઆઈ બેંક, ટાઈટન કંપનીમાં ઘટાડો જોવા મળતો હતો.
સેક્ટરલ દેખાવ જોઈએ તો એફએમસીજી, ઓટો, મેટલ, રિઅલ્ટીમાં મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 0.52 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં વરુણ બેવરેજિસ, કોલગેટ, નેસ્લે, ઈમામી, પીએન્જી, બ્રિટાનિયા, મેરિકા, ડાબર ઈન્ડિયામાં મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી ઓટો 0.35 ટકા સુધારો દર્શાવતો હતો. જેના ઘટકોમાં આઈશર મોટર્સ 3 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત હીરો મોટોકોર્પ, સોના બીએલડબલ્યુ, બજાજ ઓટો, ટીવીએસ મોટર, મધરસન, એમએન્ડએમમાં મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 0.31 ટકા સુધર્યો હતો. જેના ઘટકોમાં મોઈલ, તાતા સ્ટીલ, હિંદાલ્કો, સેઈલમાં મજબૂતી જોવા મળતી હતી. બીજી બાજુ નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 0.64 ટકા ઘટાડો સૂચવતો હતો. જેના ઘટકોમાં યુનિયન બેંક, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, પીએનબી, જેકે બેંક, ઈન્ડિયન બેંક, યૂકો બેંકમાં નરમાઈ જોવા મળી રહી હતી. ફાર્મા ઈન્ડેક્સ પણ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જેમાં ઓરોબિંદો ફાર્મા, સિપ્લા, બાયોકોન, ઝાયડસ લાઈફ, ટોરેન્ટ ફાર્મામાં નરમાઈ જોવા મળતી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો વોડાફોન આઈડિયા 7 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, ડિક્સોન ટેક્નોલોજી, કોલગેટ, એસ્ટ્રાલ, રામ્કો સિમેન્ટ્સ, આઈશર મોટર્સ, હીરો મોટોકોર્પ, ઈન્ડુસ ટાવર્સ, મહાનગર ગેસમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, શ્રીરામ ફાઈનાન્સ, ગ્લેનમાર્ક, એમ્ફેસિસ, બર્ગર પેઈન્ટ્સ, પિરામલ એન્ટરપ્રાઈઝિસ, મુથુત ફાઈનાન્સ, ઓરોબિંદો ફાર્મા, બલરામપુર ચીની, એપોલો ટાયર્સ, બેંક ઓફ બરોડામાં નોંધપાત્ર નરમાઈ જોવા મળતી હતી. વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં અપાર ઈન્ડ, જેએસડબલ્યુ એનર્જી, જીઈ શીપીંગ, કેનામેટલ, કોલગેટ, સુંદરમ ફાઈનાન્સ, ટીવીએસ મોટર, એલઆઈસી હાઉસિંગ, એમસીએક્સનો સમાવેશ થતો હતો. જ્યારે ડેલ્ટા કોર્પ, ગુજરાત ગેસે નવા તળિયાં દર્શાવ્યાં હતાં.

સેબીની તવાઈ પછી BSE SME IPO ઈન્ડેક્સ 3 ટકા ગગડ્યો
છેલ્લાં એક વર્ષમાં ઈન્ડેક્સમાં 100 ટકાથી વધુનો ઉછાળો નોંધાયો
માર્કેટ રેગ્યુલેટરની એમએસઈ પ્લેટફોર્મ પર મેનિપ્યુલેશન અટકાવવા ASM અને ટ્રેડ-ટુ-ટ્રેડ સેટલમેન્ટ લંબાવવાની વિચારણા

માર્કેટ રેગ્યુલેટર સેબીએ શેરબજારમાં સ્મોલ એન્ડ મિડિયમ એન્ટરપ્રાઈઝ(એસએમઈ) સેગમેન્ટમાં ગેરરિતીઓ અટકાવવા માટે વિચારેલાં કેટલાંક કડક નિયમનકારી પગલાઓ પાછળ મંગળવારે બીએસઈ એમએસઈ આઈપીઓ ઈન્ડેક્સ 3 ટકાથી વધુ ઘટાડો દર્શાવતો હતો. ગુરુવારે બપોરે તે 34378ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.
સેબીએ સોમવારે એમએસઈ પ્લેટફોર્મ્સ પર લિસ્ટેડ કંપનીઓને એડિશ્નલ સર્વેલન્સ મેઝર્સ(ASM) અને ટ્રેડ-ટુ-ટ્રેડ સેટલમેન્ટ જેવા ફ્રેમવર્ક લાગુ પાડવાની વાત કરી હતી. જેથી એસએમઈ કંપનીઓના શેર્સમાં વોલેટિલિટીને અંકુશમાં જાળવી શકાય. જોકે, માર્કેટ રેગ્યુલેટરની આ વિચારણા પાછળ બીએસઈ એમએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ત્રણ ટકા જેટલો ઘટાડો દર્શાવતો હતો. છેલ્લાં એક વર્ષમાં ઈન્ડેક્સમાં 100 ટકાથી વધુ સુધારાને જોતાં આ ઘટાડો જોકે નાનો હોવાનું વર્તુળો જણાવતાં હતાં. તેમના મતે છેલ્લાં ત્રણ મહિનામાં એસએમસઈ પ્લેટફોર્મ પર એકાંતરે ધોરણે લગભગ એક કંપની પ્રવેશી રહી છે. જે માર્કેટમાં ઉન્માદ તેની પરાકાષ્ઠાએ હોવાનું સૂચવે છે અને તેથી જ સેબી તરફથી નિયમોને કડક બનાવવાની જરૂર છે. અન્યથા રિટેલ રોકાણકારોના નાણા ફસાય જવાની શક્યતાં રહેલી છે.
સેબીનું પગલું એસએમઈ સ્પેસમાં સટ્ટાકિય ટ્રેડિંગ પર નિયંત્રણનું છે. છેલ્લાં કેટલાંક મહિનાઓમાં એસએમઈ સેગમેન્ટમાં રિટેલ પાર્ટિસિપેશનમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. જે બાબત એસએમઈ આઈપીઓના અનેકગણા ભરાઈ જવા પરથી ખ્યાલ આવે છે. એક્સચેન્જિસ અને માર્કેટ રેગ્યુલેટરની સંયુક્ત બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું કે એમએસઈ સ્ટોક્સને એએસએમ ફ્રેમવર્ક અને ટ્રેડ-ફોર-ટ્રેડ ફ્રેમવર્ક લાગુ પાડવામાં આવશે એમ બીએસઈ અને એનએસઈના સર્ક્યુલર્સમાં જણાવાયું હતું.
એમએસઈ સ્ટોક્સમાં ઉન્માદન એ હદે જોવા મળી રહ્યો છે કે કેલેન્ડર 2023માં પ્રવેશેલાં એસએમઈ આઈપીઓમાં સરેરાશ 67 ગણુ ભરણું ભરાયું ચે. જ્યારે કેટલાંક આઈપીઓએ 713 ગણા સુધીનું ભરણું ભરાયેલું જોયું છે. આમાં રિટેલ ઈન્વેસ્ટર્સનો હિસ્સો 1000 ગણાથી વધુ ભરાયો હોય તેવા કિસ્સાઓ પણ છે એમ પ્રાઈમ ડેટાબેઝનો ડેટા દર્શાવે છે. આ બાબત માર્કેટ રેગ્યુલેટર માટે ચિંતા પ્રેરક બની રહે તે સ્વાભાવિક છે.
કેલેન્ડર 2023માં અત્યાર સુધીમાં 107 જેટલા એસએમસઈ સ્ટોક્સ આઈપીઓ સાથે પ્રવેશ્યાં છે. જેમણે સરેરાશ 77 ટકાનો લિસ્ટીંગ ગેઈન આપ્યો છે. જ્યારે કેટલાંક શેર્સે લિસ્ટીંગના 4-5 મહિનામાં ચાર ગણુ રિટર્ન દર્શાવ્યું છે. માત્ર 19 શેર્સ તેમના ઓફરભાવથી નીચા ટ્રેડ થઈ રહ્યાં છે. દેશમાં બીએસઈ અને એનએસઈ, બંને એક્સચેન્જિસ તેમના એસએમઈ લિસ્ટીંગ ધરાવે છે. એસએમઈ લિસ્ટીંગમાં એક્સચેન્જિસની ભૂમિકા મહત્વની છે. એસએમઈ આઈપીઓ માટે સેબીની મંજૂરીની આવશ્યક્તા રહેતી નથી.

બાસમતીની નિકાસ માટેની MEP ઘટાડી 850 ડોલર કરાય તેવી શક્યતાં
વર્તમાન 1200 ડોલર પ્રતિ ટનની એમઈપીમાં 25 ટકા જેટલો ઘટાડો કરાશે
પાકિસ્તાને નિકાસ માટે લઘુત્તમ ભાવ ઘટાડતાં ભારત સરકારની વિચારણા

દેશમાંથી બાસમતીની નિકાસ માટેના લઘુત્તમ નિકાસ ભાવ(MEP)માં ભારત સરકાર નોંધપાત્ર ઘટાડો કરે તેવી શક્યતાં છે. વર્તમાન 1200 ડોલર પ્રતિ ટનની એમઈપીને ઘટાડે 850 ડોલર કરવામાં આવશે તેમ વર્તુળોનું કહેવું છે. કેન્દ્રિય વાણિજ્ય પ્રધાન પિયૂષ ગોયલે એમઈપીમાં તત્કાળ સુધારાનો આદેશ આપ્યો છે.
સોમવારે બાસમતીના વેપારમાં જોડાયેલા ટ્રેડર્સ સાથે વર્ચ્યુલ મિટિંગમાં ગોયલે જણાવ્યું હતું કે સરકાર શરૂમાં એમઈપીને ઘટાડી 900 ડોલર પ્રતિ ટન કરશે. જોકે, ટ્રેડ વર્તુળોએ ગોયલને વધુ ઘટાડા માટે સમજાવ્યાં હતાં એમ વર્તુળ જણાવે છે. આ બેઠકમાં ભાગ લેનાર નિકાસકારના જણાવ્યા મુજબ તેઓ સરકાર તરફથી એમઈપીને ઘટાડી 950 ડોલર કે 900 ડોલર કરવામાં આવે તેવી અપેક્ષા રાખતાં હતાં. જોકે, સરકાર તરફથી કરાયેલી જાહેરાતે આશ્ચર્ય સર્જ્યું હતું. નિકાસકારોના એક હિસ્સા તરફથી બાસમતી નિકાસ પરની એમઈપીને ઘટાડવા માટે ચલાવવામાં આવી રહેલા કેમ્પેઈનને કારણે સરકારે આમ કરવું પડ્યું હતું. નિકાસકારોના મતે ઊંચી એમઈપીને કારણે વૈશ્વિક બજારમાંથી બાસમતી માટે કોઈ ઓર્ડર્સ મળી રહ્યાં નહોતાં. તેમની મુખ્ય દલીલ એ હતી કે નિકાસ અટકવાથી સીધી અસર બાસમતી ઉત્પાદક ખેડૂતો પર પડશે. કેમકે, તેઓ ખેડૂતો પાસેથી માલની ખરીદી કરી શકશે નહિ. પંજાબ સ્થિત રાજકારણીઓએ પણ વાણિજ્ય મંત્રાલયને બાસમતી પરની એમઈપીને ઘટાડવા માટે સમજાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હોવાનું કહેવાય છે.
જોકે, ઉત્પાદકોના એક વર્ગના મતે સરકારનું આ પગલું એક મોટી ભૂલ છે. તેમના મતે આ એક કમનસીબ ઘટના છે. કેમકે ભાવ ઘટાડવાથી બાસમતી તેનો પ્રિમીયમ દરજ્જો ગુમાવશે. જ્યારે પારબોઈલ્ડ રાઈસના ભાવ વધી રહ્યાં છે અને 650 ડોલર પ્રતિ ટન પર જોવા મળી રહ્યાં છે, ત્યારે એમઈપીને ઘટાડવાનું પગલું સમજણભર્યું નથી. વર્તુળોને એક ડર પણ સતાવી રહ્યો છે કે બાસમતી નિકાસ માટેની એમઈપી ઘટાડવાથી બાસમતીના નામે નોન-બાસમતી ચોખાની નિકાસને મોકળાશ મળી શકે છે.

વૈશ્વિક સ્તરે રાજકીય ઘર્ષણો ભારતના લાભમાઃ એક્સિસ બેંક એમડી
એક્સિસ બેંક ચાલુ વર્ષે નવી 500 શાખાઓ શરૂ કરશે
બેંકની 5000મી શાખાને અમદાવાદ ખાતે લોંચ કરી

વૈશ્વિક સ્તરે જોવા મળી રહેલી ટ્રેડ વોર, યુક્રેન-રશિયા વોર કે પછી ચાઈના પ્લસ વન જેવી નીતિઓનો ભારતીય અર્થતંત્રને લાભ મળી રહ્યો છે એમ એક્સિસ બેંકના એમડી અને સીઈઓ અમિતાભ ચૌધરીએ જણાવ્યું હતું. તેમના મતે હાલમાં ભારત એક પ્રકારનો સ્વીટ સ્પોટમાં છે અને તે આગામી કેટલાંક વર્ષો સુધી આ સ્થાન જાળવી શકે તેમ છે. જે દેશની આર્થિક વૃદ્ધિમાં ખૂબ મહત્વનું બની રહેશે. તેમના મતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સેક્ટરમાં થઈ રહેલું જંગી રોકાણ જોતાં વૈશ્વિક સ્તરે દેશ ઝડપી વિકસતાં અર્થતંત્ર તરીકે ટોચ પર જળવાય રહેશે.
અમદાવાદ ખાતે બેંકની 5000મી શાખાને ખૂલ્લી મૂકતી વખતે તેમણે જણાવ્યું હતું કે એક્સિસ બેંક ચાલુ નાણાકિય વર્ષમાં નવી 500 શાખાઓ ખોલવાનો ટાર્ગેટ ધરાવે છે. જેમાંથી તે 50 ટકા જેટલી શાખાઓ ખોલી ચૂક્યું છે અને માર્ચ 2024 સુધીમાં બાકીની શાખાઓ પણ ખોલશે. એ વાત ઉલ્લેખનીય છે કે અમદાવાદ ખાતે 1994માં પ્રથમ શાખા ખોલનાર એક્સિસ બેંકે તેની 2500મી શાખા પણ અમદાવાદ ખાતે જ ખૂલ્લી મૂકી હતી. બેંકના એમડીએ જણાવ્યું હતું કે તેઓ ગુજરાતમાં વધુ 28 શાખાઓ ખૂલશે. જે સાથે કુલ બ્રાન્ચિસની સંખ્યા વધી 400 પર પહોંચશે. બેંક મહાનગરો ઉપરાંત ટીયર-ટુ અને ટિયર-થ્રી શહેરો પર ભાર મૂકી રહી છે અને 50 ટકા શાખાઓ ગ્રામીણ અને અર્ધશહેરી વિસ્તારોમાં શરૂ કરી રહી છે. કંપનીની ભારત બેંકિંગ હાલમાં 2003 શાખાઓ ધરાવે છે. જ્યારે તે વાર્ષિક 26 ટકાના સરેરાશ વૃદ્ધિ દર સાથે વધી રહી છે. એક્સિસ બેંકના બિઝનેસમાં 57 ટકા જેટલો હિસ્સો રિટેલનો છે. જ્યારપછીના ક્રમે એમએસએમઈ આવે છે. હાલમાં ઈન્ફ્લેશનને ઊંચા સ્તરે જોતાં આગામી લોકસભા ચૂંટણી સુધી આરબીઆઈ તરફથી રેટમાં ઘટાડાની શક્યતાં નહિ હોવાનું ચૌધરીએ જણાવ્યું હતું.

FCI ઈ-ઓક્શન્સમાં વધુ ઘઉં ઓફર કરે તેવી શક્યતાં
તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખી સાપ્તાહિક હરાજીમાં વર્તમાન 2 લાખ ટન સામે વધુ જથ્થો ઓફર કરાશે

સરકારી એજન્સી ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(એફસીઆઈ) સાપ્તાહિક ઈ-ઓક્શન હેઠળ વર્તમાન 2 લાખ ટન ઘઉંના બદલે વધુ જથ્થો ઓફર કરે તેવી શક્યતાં છે. ઈ-ઓક્શનનો હેતુ મુક્ત બજારમાં ઘઉઁના ભાવને નિયંત્રણમાં જાળવવાનો છે. જોકે, જૂન મહિનાથી તેમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. સરકાર તરફથી લગભગ 13 જેટલા ઈ-ઓક્શન રાઉન્ડ યોજાઈ ચૂક્યાં છે.
ભારત વિશ્વમાં ઘઉંનો બીજો સૌથી મોટો ઉત્પાદક અને વપરાશકાર છે. છેલ્લાં બે વર્ષથી તે ઘઉંના ઉત્પાદનને લઈ સમસ્યાનો સામનો કરી રહ્યો છે. એકબાજુ ઉત્પાદનમાં ઝડપી વૃદ્ધિ નથી જોવા મળી રહી જ્યારે વપરાશ ઊંચી વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. ફૂડ હેબિટ્સમાં પરિવર્તનને કારણે પણ ઘઉંનો વપરાશ વધ્યો છે. વર્તમાન તહેવારોની સિઝનને તથા આગામી વિધાનસભા ચૂંટણીઓને લક્ષ્યમાં રાખી ખાદ્યાન્ન મંત્રાલય ઘઉંના ભાવને નિયંત્રણમાં રાખવા માગે છે. એફસીઆઈના ચેરમેન અને એમડી અશોક કુમાર મીણાના જણાવ્યા મુજબ ઓપન માર્કેટ સ્કિમ હેઠળ ઘઉંનો જથ્થો ધીમે-ધીમે છૂટો કરાશે. એફસીઆઈ પાસે પર્યાપ્ત માત્રામાં જથ્થો રહેલો છે. હવે પછી તે સાપ્તાહિક ધોરણે ઓક્શન માટે જથ્થામાં વૃદ્ધિ કરશે એમ તેમનું કહેવું હતું.

લેપટોપ, ટેબ્લેટની આયાત પર જાહેર કરાયેલા પ્રતિબંધોને હળવાં બનાવાયા
સરકારે કંપનીઓને સ્થાનિક સ્તરે નોંધપાત્ર ઉત્પાદન શરૂ ના થાય ત્યાં સુધી આપેલી છૂટે
અગાઉના લાયસન્સિંગને બદલે નવા નિયમ મુજબ આયાત પર છથી નવ મહિના માટે કોઈ પ્રતિબંધ લાગુ પડાશે નહિ

કેન્દ્ર સરકારે લેપટોપ્સ, ટેબલેટ્સ અને અન્ય આઈટી હાર્ડવેરની આયાત પર અગાઉ જાહેર કરાઈ ચૂકેલાં નિયંત્રણોને હળવા બનાવ્યાં છે અને એપલ ઈન્ક, એચપી ઈન્ક અને ડેલ ટેક્નોલોજિસ ઈન્ક. જેવી કંપનીઓને સંભવિત નિયંત્રણો માટે તૈયાર થવા વધુ સમય પૂરો પાડ્યો છે.
સરકારે આઈટી આયાતકારો માટે ફરજિયાત લાયસન્સિંગની જરૂરિયાતને દૂર કરી છે. હવેથી તે કંપનીઓને તેની કહેવાતી ઈમ્પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ રજિસ્ટ્રેશન માટે જણાવશે એમ પોલીસીથી જાણકાર વર્તુળોનું કહેવું છે. નવી વ્યવસ્થા 1 નવેમ્બરથી અમલી બનવાની છે એમ તેઓ જણાવે છે. ભારત સરકાર આઈટી હાર્ડવેરના સ્થાનિક ઉત્પાદન પર ભાર મૂકી રહી છે. જોકે, સાથે તે કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સમાં પૂરતી પ્રાપ્તિની ખાતરી પણ ઈચ્છી રહી છે. ભારત સરકારે ઓગસ્ટમાં લેપટોપ અને ટેબ્લેટ આયાત પર પ્રતિબંધ મૂકી ટોચની ટેક કંપનીઓને આંચકો આપ્યો હતો. જેમાં એપલ અને સેમસંગ ઈલેક્ટ્રોનિક્સ જેવી જાયન્ટ્સનો સમાવેશ થતો હતો. સરકારે દેશમાં લેપટોપ અને ટેબ્લેટ જેવા ઉપકરણોની આયાત માટે લાયસન્સને ફરજિયાત બનાવશે તેમ જણાવ્યં હતું. જોકે, આ જાહેરાતના એક દિવસ પછી દેશના ટ્રેડ રેગ્યુલેટરે પગલાને ત્રણ મહિના માટે મુલત્વી રાખ્યું હતું. જોકે, સરકારની તાજી યોજના મુજબ ટેબલેટ્સ અને લેપટોપ્સથી લઈ ડેસ્કટોપ કોમ્ય્યુટર્સ અને સર્વર્સ સહિતની વસ્તુઓ આયાત કરનારી કંપનીઓએ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જોકે, અગાઉના લાયસન્સિંગને બદલે નવા નિયમમાં દેશમાં આયાત પર છથી નવ મહિનામાં કોઈ પ્રતિબંધ લાગુ પાડવામાં આવશે નહિ એમ વર્તુળો ઉમેરે છે. એકવાર દેશમાં કંપનીઓ ઉત્પાદન શરૂ કરશે એટલે આયાતકર્તા કંપનીઓ પર ધીમે-ધીમે ક્વોટા લાગુ પાડવામાં આવશે. દરેક કંપનીના ક્વોટાનું કદ તેના સ્થાનિક ઉત્પાદન, આઈટી હાર્ડવેરની આયાત તથા ભારતમાંથી આવી પ્રોડક્ટની નિકાસ પર આધારિત હશે એમ તેઓ જણાવે છે. નવા નિયમો જોકે સ્માર્ટફોન્સને લાગુ પડશે નહિ. જોકે, ભારત સરકારના ટેક્નોલોજી મંત્રાલય તરફથી કોઈ પ્રતિભાવ આપવામાં આવ્યો નહોતો.

પ્રાઈવેટ સેક્ટરને 2024-25માં રૂ. 60K કરોડના ડિફેન્સ કોન્ટ્રેક્ટની સંભાવના
2025-26 સુધીમાં ડિફેન્સ ઉત્પાદન રૂ. 34000 કરોડે પહોંચવાની ધારણા

નાણા વર્ષ 2024-25માં ખાનગી ક્ષેત્રની કંપનીઓને રૂ. 60 હજાર કરોડના મૂલ્યના ડિફેન્સ કોન્ટ્રેક્ટસ મળે તેવી શક્યતાં છે. જે કુલ ઉદ્યોગના કદનો 22 ટકા જેટલો કદ સૂચવે છે એમ ઈકરાનો રિપોર્ટ સૂચવે છે. સરકાર તરફથી ડિફેન્સ આયાત બિલમાં ઘટાડો કરવાના હેતુથી સ્થાનિક કંપનીઓને આ કોન્ટ્રેક્ટ્સ આપવામાં આવશે એમ તે નોંધે છે.
ઈકરાના રિપોર્ટ મુજબ પ્રાઈવેટ કંપનીઓ તરફથી ડિફેન્સ ઉત્પાદનમાં 2025-26 સુધીમાં વાર્ષિક ધોરણે 20 ટકા વૃદ્ધિ જોવા મળશે અને તે રૂ. 34000 કરોડ પર પહોંચશે. ડિફેન્સ ઈક્વિપમેન્ટની આયાત ઘટાડવા માટે સરકારે સેક્ટરમાં પ્રાઈવેટ સેક્ટરને પ્રમોટ કરવા માટે સંખ્યાબંધ ઉપાયો હાથ ધર્યાં છે. ઈકરાના વાઈસ પ્રેસિડેન્ટ અને કો ગ્રૂપ હેડ આશિષ મોદાનીના જણાવ્યા મુજબ લેન્ડ અને ઈન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન્સ ટેક્નોલોજી બેઝ્ડ સેગમેન્ટ્સમાં પ્રાઈવેટ સેક્ટરની ભાગીદારી વધે તેવી અપેક્ષા છે. જ્યારે નાવલ, એરોસ્પેસ અને આર્મામેન્ટ્સ સેગમેન્ટમાં જાહેર સાહસોનું પ્રભુત્વ જળવાયેલું રહી શકે છે. આગામી ત્રણ વર્ષોમાં ડિફેન્સ સેક્ટરમાં પ્રાઈવેટ સેક્ટર તરફથી સરેરાશ 20 ટકાના અંદાજિત વાર્ષિક વૃદ્ધિ દર છતાં સરકાર 2024-25 સુધીમાં વાર્ષિક ડિફેન્સ પ્રોડક્શન ટાર્ગેટ્સમાં રૂ. 1.75 લાખ કરોડ જેટલી પાછળ પડે તેવી શક્યતાં છે. સરકારે 2025-26 સુધીમાં રૂ. 1.6 લાખ કરોડ પર પહોંચવાનો ટાર્ગેટ અંદાજ્યો છે. આ માટે સરકારે હાથ ધરેલા પગલાંઓમાં ડિફેન્સ સેક્ટરમાં ઓટોમેટીક માર્ગે 74 ટકા સીધા વિદેશી રોકાણનો સમાવેશ થાય છે. તેને કારણે વિદેશી ઓરિજિનલ ઈક્વિપમેન્ટ મેન્યૂફેક્ચરરને તેમની મેન્યૂફેક્ચરિંગ સુવિધા સ્થાપવામાં સહાયતા મળશે. અન્ય ઉપાયોમાં બે ડિફેન્સ ઈન્ડસ્ટ્રીઅલ કોરિડોર્સની સ્થાપનાનો સમાવેશ થાય છે. જેમાં એક ઉત્તર પ્રદેશમાં જ્યારે એક તમિલનાડુમાં સ્થાપવામાં આવશે. સરકારના પ્રયાસોને કારણે વિદેશી વેન્ડર્સ પાસેથી ખરીદીમાં ઘટાડો જોવા મળ્યો છે. તે 2007-08માં 61 ટકા પરથી ઘટી 2022-23માં 32 ટકા પર રહ્યું છે. ભારતનું ડિફેન્સ એક્સપોર્ટ 2022-23માં રૂ. 15920 કરોડ પર નોંધાયું હતું. જે 2016-17માં રૂ. 1521 કરોડ પર જ હતું. જે વાર્ષિક સરેરાશ 48 ટકાનો વૃદ્ધિ દર દર્શાવે છે.

ઝેરોધાનો પ્રોફિટ 39 ટકા ઉછળી રૂ. 2907 કરોડ રહ્યો
સૌથી મોટી બ્રોકિંગ કંપનીએ રૂ. 6875 કરોડની આવક દર્શાવી

દેશમાં સૌથી મોટી બ્રોકિંગ કંપની ઝેરોધાએ નાણા વર્ષ 2022-23 માટે રૂ. 6875 કરોડની આવક દર્શાવી છે. જે વાર્ષિક ધોરણે 38.5 ટકા વૃદ્ધિ સૂચવે છે. જ્યારે કંપનીનો નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 39 ટકા ઉછળી રૂ. 2907 કરોડ પર નોંધાયો હતો. બેંગલૂરૂ સ્થિત ઓનલાઈન સ્ટોક ટ્રેડિંગ કંપનીએ 2021-22માં રૂ. 4964 કરોડની આવક અને રૂ. 2094 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો.
ઓગસ્ટમાં ટોચની બ્રોકરેજે 64 લાખનો એક્ટિવ ક્લાયન્ટ બેઝ નોંધાવ્યો હતો. જોકે, છેલ્લાં 18-મહિનાથી આ આંકડો સ્થિર જોવા મળી રહ્યો છે. જેને જોતાં એવું માનવામાં આવે છે કે ચાલુ નાણાકિય વર્ષમાં તેની આવક અને નફો સ્થિરતા જોવા મળશે. ઝેરોધાના સ્પર્ધકોમાંના એક એવા ગ્રોએ ઓગસ્ટમાં 62 લાખ એક્ટિવ કસ્ટમર્સની સંખ્યા પાર કર હતી. દેશમાં ટેક્નોલોજી સ્ટાર્ટઅપની વાત કરીએ તો ઝેરોધાએ ઊંચો નફો દર્શાવ્યો છે. તેમજ તેના સૌથી નજીકના હરિફ અને ડિસ્કાઉન્ટ બ્રોકર એંજલ વન કરતાં ઘણો ઊંચો છે. ગ્રો અને અપસ્ટોક્સ માટે 2022-23ના પરિણામો હજુ પ્રાપ્ય નથી. 2021-22માં ગ્રો અને અપસ્ટોક્સે અનુક્રમે રૂ. 427 કરોડ અને રૂ. 766 કરોડની રેવન્યૂ દર્શાવી હતી. જે યુઝર બેઝ અને રેવન્યૂ વચ્ચે મોટો ગાળો સૂચવે છે.

RBIએ SBI, ઈન્ડિયન બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંકને દંડ ફટકાર્યો
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પર કેટલાંક નિર્દેશોનું પાલન નહિ કરવા બદલ રૂ. 1.3 કરોડની પેનલ્ટી
ફેડરલ બેંકની એનબીએફસી પર પણ રૂ. 8.8 લાખનો દંડ લાગુ કર્યો

બેંક રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોમવારે જાહેર ક્ષેત્રની ત્રણ બેંક્સ પર પેનલ્ટી લાગુ પાડી હતી. જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક અને પંજાબ એન્ડ સિંધ બેંકનો સમાવેશ થતો હતો. પીએસયૂ બેંક્સ તરફથી વિવિધ નિયમોના ભંગ બદલ આ દંડ વસૂલવામાં આવ્યો હતો.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા પર રૂ. 1.3 કરોડની પેનલ્ટી લાગુ પાડવામાં આવી હતી. બેંક તરફથી આરબીઆઈ નિર્દેશિત લોન્સ અને એડવાન્સિસ સંબંધી સ્ટેચ્યુટરી અને અન્ય નિયંત્રણો તથા ‘ગાઈડલાઈન્સ ઓન મેનેજમેન્જ ઓફ ઈન્ટ્રા-ગ્રૂપ ટ્રાન્ઝેક્શન્સ એન્ડ એક્સપોઝર્સ’ પરના કેટલાંક નિયમોનું પાલન નહિ કરવા બદલ આ દંડ ફટકારાયો હતો એમ બેંકે નિવેદનમાં જણાવ્યું હતું. એક અન્ય યાદીમાં આરબીઆઈએ જણાવ્યું હતું કે તેણે ઈન્ડિયન બેંક પર રૂ. 1.62 કરોડની પેનલ્ટી લાગુ પાડી છે. આ પેનલ્ટી ‘લોન્સ એન્ડ એડવાન્સિસ-સ્ટેચ્યુટરી એન્ડ અધર રિસ્ટ્રીક્શન્સ’, કેવાયસી અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(ઈન્ટરેસ્ટ રેટ ઓન ડિપોઝીટ્સ) ડિરેક્શન્સ, 2016ના ભંગ બદલ લાગુ પડાઈ હતી. પંજાબ એન્ડ સિંધ બેંક જેવી પ્રમાણમાં નાની પીએસયૂ બેંક પર પણ રૂ. 1 કરોડનો નાણાકિય દંડ ફટકારાયો હતો. બેંક તરફથી ડિપોઝીટર એજ્યૂકેશન અને અવેરનેસ ફંડ સ્કિમની કેટલીક જોગવાઈઓનો ભંગ કરાતાં આ પેનલ્ટી લાગુ પડી હતી. આ ઉપરાંત આરબીઆઈએ પ્રાઈવેટ બેંક ફેડરલ બેંકની સબસિડિયરી ફેડબેંક ફાઈનાન્સિયલ સર્વિસિઝ લિમિટેડ પર એનબીએફસીમાં મોનીટરીંગ ફ્રોડ પરના નિર્દેશોની કેટલીક જોગવાઈઓનું પાલન નહિ કરતાં રૂ. 8.8 લાખનો દંડ ફટકાર્યો હતો. આરબીઆઈએ જણાવ્યું હતું કે બેંક્સ અને એનબીએફસી પરનો દંડ કાયદાકિય પાલનની બાબતમાં તેમના તરફથી દર્શાવવામાં આવેલી ખામીને આધારે નિર્ધારિત કરાઈ હતી.

NPSના એસેટ અન્ડર મેનેજમેન્ટમાં વાર્ષિક 27 ટકા ઉછાળો નોંધાયો
અગાઉ 25 ઓગસ્ટે નેશનલ પેન્શન સ્કીમ હેઠળ એયૂએમ રૂ. 10 લાખ કરોડ પાર કરી ગયું હતું
કોર્પોરેટ NPS સબસ્ક્રિપ્શન ગયા વર્ષે રૂ. 1.02 કરોડ સામે 36 ટકા ઉછળી રૂ. 1.39 કરોડ પર જોવા મળ્યું

બિનસરકારી સેક્ટર તરફથી મજબૂત સપોર્ટ પાછળ નેશનલ પેન્શન સિસ્ટમ(NPS)નું એસેટ અન્ડર મેનેજમેન્ટ 16 સપ્ટેમ્બરે રૂ. 10.22 લાખ કરોડે પહોંચ્યું હતું. તેમાં વાર્ષિક ધોરણે 27 ટકાની તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી એમ પીએફઆરડીએનો ડેટા સૂચવે છે.
અગાઉ 25 ઓગસ્ટે નેશનલ પેન્શન સ્કીમ હેઠળ એયૂએમ રૂ. 10 લાખ કરોડ પાર કરી ગયું હતું. ગયા નાણા વર્ષની આખરમાં એનપીએસનું એયૂએમ રૂ. 8.98 લાખ કરોડ પર જોવા મળતું હતું. પીએફઆરડીએના મતે માર્ચ 2024ની આખર સુધીમાં નેશનલ પેન્શન સ્કીમ હેઠળ એયૂએમ રૂ. 11-12 લાખ કરોડની વચ્ચે જોવા મળશે. તમામ નાગરિકો માટેના મોડેલ હેઠળ 16 સપ્ટેમ્બરના રોજ 23.85 ટકાની મજબૂત વૃદ્ધિ નોંધાઈ હતી અને સબસ્ક્રાઈબર બેઝ ઉછળી 30.82 લાખ પર પહોંચ્યો હતો. એયૂએમ રૂ. 49018 કરોડ પર જોવા મળ્યું હતું.
કોર્પોરેટ એનપીએસ સબસ્ક્રિપ્શન 17 ટકા ઉછળી 18.31 લાખ સબસ્ક્રાઈબર્સ પર પહોંચ્યું હતું. જે એક વર્ષ અગાઉ 15.66 લાખ સબસ્ક્રાઈબર્સ પર જોવા મળતું હતું. જ્યારે એસેટ અન્ડર મેનેજમેન્ટ રૂ. 1,02,154 કરોડની સરખામણીમાં 36 ટકા ઉછળી રૂ. 1,39,375 કરોડ પર નોંધાયું હતું. એનપીએસ એયૂએમ માત્ર બે વર્ષ અને 10 મહિનાના સમયગાળામાં રૂ. 5 લાખ કરોડ પરથી બમણું થઈ રૂ. 10 લાખ કરોડને પાર કરી ગયું છે. એનપીએસે 2009માં તેના અમલીકરણ પછી રૂ. 1 લાખ કરોડના એયૂએમ પર પહોંચવામાં છ વર્ષ અને છ મહિનાનો લાંબો સમય લીધો હતો. જ્યારે રૂ. 5 લાખ કરોડ પર પહોંચવા માટે તેને 4 વર્ષ અને 11 મહિનાનો સમયગાળો લાગ્યો હતો.

ટેસ્લા સહિતના કાર ઉત્પાદકોનો EUની સબસિડી સામેની તપાસમાં સમાવેશ

યુએસ ઈલેક્ટ્રીક કાર ઉત્પાદક ટેસ્લા સહિત ચીન ખાતેથી યુરોપમાં વેહીકલ્સની નિકાસ કરતાં અન્ય યુરોપિયન કાર ઉત્પાદકોનો યુરોપિયન યુનિયન(ઈયૂ)ની સબસિડી વિરોધી તપાસમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ઈયુ એ બાબતની તપાસ કરી રહ્યું છે કે સ્થાનિક કંપનીઓની ચીનમાંથી નિકાસ ચીનના ઈલેક્ટ્રીક વેહીકલ ઉદ્યોગને ગેરવાજબી સબસિડિઝમાંથી લાભ કરાવી રહ્યું છે કે કેમ. ફાઈનાન્સિયલ ટાઈમ્સના રિપોર્ટ મુજબ બ્રૂસેલ્સ સ્થિત સિનિયર ટ્રેડ અધિકારીના મતે ચાઈનીઝ ઈવી ઉત્પાદકો કોઈ સાનૂકૂળતા મેળવી વૈશ્વિક ઈલેક્ટ્રીક વેહીકલ માર્કેટમાં સ્પર્ધાને તોડી રહ્યાં છે કે કેમ તેના પર તપાસનો મુખ્ય ભાર રહેશે. આ અહેવાલ પાછળ ટેસ્લાના શેરમાં માર્કેટ શરૂ થાય તે અગાઉના ટ્રેડિંગમાં 1.5 ટકાનો ઘટાડો નોંધાયો હતો.

કોર્પોરેટ હેડલાઈન્સ

ફ્યુચર રિટેલઃ દેવામાં ડૂબેલી કંપનીના પ્રમોટર કિશોર બિયાણીએ કંપનીના ફોરેન્સિક ઓડિટની પ્રક્રિયાની વિરુધ્ધમાં મુંબઈ હોઈ કોર્ટમાં અરજી કરી છે. બેંક ઓફ ઈન્ડિયાએ ફોરેન્સિક ઓડિટમાં મળેલી વિગતોને લઈ કિશોર બિયાણી અને તેના ભાઈ રાકેશ બિયાણીનો જવાબ માગ્યો હતો.
એમટીએનએલઃ જાહેર ક્ષેત્રની ખોટ કરતી ટેલિકોમ કંપની મહાનગર ટેલિકોમ સરકારની ગેરંટી ધરાવતાં ડેટ બોન્ડ્સ મારફતે રૂ. 3126 કરોડ ઊભા કરવા માટે શેરધારકોની મંજૂરી માગશે એમ રેગ્યુલેટરી ફાઈલીંગમાં જણાવ્યું છે. કેન્દ્ર સરકારે તેની ટેલિકોમ કંપનીઓ માટે રૂ. 1.64 લાખ કરોડના પેકેજને મંજૂરી આપી હતી.
ટીસીએસઃ ટોચની આઈટી સર્વિસ કંપનીએ સ્ટાન્ડર્ડ બેંક ગ્રૂપ સાથેના જોડાણને મજબૂત બનાવ્યું છે. જે હેઠળ ટીસીએસ બેંકના તમામ માર્કેટ્સમાં કસ્ટડી અને સિક્યૂરિટીઝ સેટલમેન્ટ ઓપરેશન્સને સેન્ટ્રલાઈઝ અને સ્ટાન્ડર્ડાઈઝ બનાવશે. ટીસીએસના BaNCS ગ્લોબલ સિક્યૂરિટીઝ પ્રોસેસિંગ પ્લેટફોર્મનો ઉપયોગ કરતાં તમામ 15 માર્કેટ્સમાં આ કામગીરી હાથ ધરવામાં આવશે.
ઈન્ફોસિસઃ આઈટી કંપનીઓ ટેક્નોલોજી જાયન્ટ માઈક્રોસોફ્ટ સાથે ભાગીદારી કરી છે. તેણે જનરેટીવ એઆઈના એન્ટરપ્રાઈઝ એડોપ્શનની સ્થાપના માટે આમ કર્યું છે. ઈન્ફોસિસ તેના એઆઈ ઓફરિંગ ટોપાઝનો ઉપયોગ કરીને સોલ્યુશન્સ તૈયાર કરવા માટે માઈક્રોસોફ્ટ સાથે મળીને કામ કરશે.
સિપ્લાઃ ફાર્મા કંપનીએ હિમાચલ પ્રદેશ ખાતે ક્રિટિકલ મેડિસીનની ડિલિવરી માટે ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યો છે. આવી દવાઓમાં કાર્ડિયાર, રેસ્પિરેટરી અને અન્ય આવશ્યક ક્રોનિક થેરાપી સંબંધી દવાઓ ડિલીવરી કરવામાં આવશે. કંપનીએ આ માટે સ્કાય એર મોબિલિટી સાથે ભાગીદારી કરી છે.
પાવર ગ્રીડ કોર્પોરેશનઃ પીએસયૂ ગ્રીડ કંપનીએ બોન્ડ્સ મારફતે રૂ. 2250 કરોડ એકત્ર કરવા માટે મંજૂરી મેળવી છે. કંપનીના બોર્ડે સોમવારે આ પ્રસ્તાવને મંજૂરી આપી હતી. કંપની 10 સમાન ઈન્સ્ટોલમેન્ટ્સમાં રિડિમેબલ બોન્ડ્સ ઈસ્યુ કરશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage