Market Summary 26 October 2020

  • યુરોપ-યુએસ ખાતે કોવિડના બીજા વેવ પાછળ સેન્સેક્સ 500 પોઈન્ટ્સ તૂટ્યો
  • યુએસ ખાતે સ્ટીમ્યુલસને લઈને થઈ રહેલા વિલંબની પણ સેન્ટિમેન્ટ પર નેગેટિવ અસર
  • સિંગાપુર આર્બિટ્રેડરે ફ્ચુચર્સ ગ્રૂપ ખરીદી સોદામાં એમેઝોનની તરફેણમાં આપેલા ચૂકાદાની અસરે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં 4 ટકા ઘટાડાએ પણ બજારને અસર કરી
  • એચડીએફસી બેંક 2 ટકા ઘટ્યો
  • જર્મનીનો ડેક્સ 2 ટકાથી વધુના ઘટડા સાથે અન્ડરપર્ફોર્મર
  • ડાઉ જોન્સ ફ્યુચર્સ 250 પોઈન્ટ્સ ડાઉન
  • યુએસ ખાતે દૈનિક 80 હજાર કેસિસ, ફ્રાન્સ ખાતે 54 હજાર કેસિસ સાથે એક દિવસમાં સૌથી વધુ નવા કેસ

 

યુએસ અને યુરોપ ખાતે કોવિડ સંક્રમણના બીજા રાઉન્ડને લઈને ઊભા થયેલા ગભરાટ તેમજ યુએસ ખાતે પ્રમુખ પદ માટેની ચૂંટણી અગાઉ સ્ટીમ્યુલસને લઈને જોવા મળી રહેલા વિલંબને લીધે શેરબજારોમાં સપ્તાહની શરૂઆત ઘટાડા સાથે જોવા મળી હતી. ભારતીય બજારે ચાલુ મહિને બીજો મોટો ઘટાડો દર્શાવ્યો હતો અને સેન્સેક્સ 1.33 ટકા અથવા 540 પોઈન્ટ્સના ઘટાડે 40145ની સપાટી પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 1.36 ટકા અથવા 163 પોઈન્ટ્સ તૂટી 11766 પર બંધ રહ્યો હતો. ભારત ઉપરાંત જર્મનીનું બજાર પણ 2 ટકાથી વધુનો ઘટાડો દર્શાવતું હતું. જ્યારે ભારતીય બજાર બંધ રહ્યું ત્યારે ડાઉ જોન્સ ફ્યુચર્સ એક ટકો અથવા 250 પોઈનટ્સથી વધુનો ઘટાડો દર્શાવતો હતો. આ અગાઉ ભારતીય બજારે 15 ઓક્ટોબરના રોજ 1000 પોઈન્ટ્સથી વધુનો ઘટાડો દર્શાવ્યો હતો.

કોવિડ કેસિસની વાત છે તો સપ્તાહાંતે યુએસ ખાતે દૈનિક 80 હજાર નવા કેસિસનો વિક્રમ નોંધાયો હતો. જ્યારે ફ્રાન્સ ખાતે પ્રથમવાર 54 હજાર કેસિસ જોવા મળ્યા હતાં. યુરોપના અન્ય દેશો જેવાકે ઈટાલી, સ્પેન ખાતે પણ શિયાળાની શરૂઆત સાથે કોવિડ સંક્રમણમાં વૃદ્ધિ જોવા મળી છે અને લગભગ તમામ દેશોએ આંશિક લોકડાઉનના પગલા હાથ ધર્યાં છે. જેની પાછળ વૈશ્વિક આર્થિક રિકવરીને લઈને ચિંતા ઊભી થઈ છે. પશ્ચિમના દેશોમાં જોવા મળી રહેલા કોવિડના બીજા રાઉન્ડને લઈને સોમવારે એવા અહેવાલ પણ હતાં કે એસ્ટ્રેઝેનેકા અને ઓક્સફર્ડ યુનિવર્સિટીની હાલમાં પરીક્ષણ હેઠળ વેક્સિનને ક્રિસમસ વખતે ઈમર્જન્સી મંજૂરી આપવામાં આવી શકે છે. જોકે બજારે આવા અહેવાલને કોઈ પોઝીટીવ પ્રતિસાદ આપ્યો નહોતો ઊલટાનું ભારતીય બજાર દિવસ દરમિયાન સતત ઘસાતું રહ્યું હતું. જ્હોન હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા મુજબ અત્યાર સુધી વૈશ્વિક સ્તરે 4.29 કરોડથી વધુ લોકો સંક્રમિત બન્યાં છે. જ્યારે 11,52,990 લોકોના મોત નીપજ્યાં છે. જોકે છેલ્લા પખવાડિયામાં ભારતમાં કોવિડ કેસિસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે અને ટોચ પર 98 હજાર કેસિસના સામે રવિવારે 45 હજાર નવા કેસિસ જોવા મળ્યાં હતાં. જોકે વૈશ્વિક અહેવાલોની વચ્ચે સ્થાનિક પરિબળને બજારે અવગણ્યું હતું અને સોમવારે બજારે ખૂલતાંથી અંત સુધી ઘટાડો જાળવ્યો હતો. આખરી એક કલાકમાં ઘટાડો અટક્યો હતો અને સાધારણ રિકવરી સાથે માર્કેટ બંધ રહ્યાં હતાં. મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં પણ વેચવાલી જોવા મળી હતી. જેને કારણે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ હતી.

રિલાયન્સ-ફ્યુચર ગ્રૂપ ડિલ અંગે એમેઝોનની સિંગાપુર આર્બિટ્રેડર સમક્ષની ફરિયાદમાં રિલાયન્સ વિરુધ્ધના ચુકાદા પાછળ શેરમાં 4 ટકાના ઘટાડાને કારણે પણ સ્થાનિક બજારમાં ઘટાડો મોટો બન્યો હતો. નિફ્ટીના 162 પોઈન્ટ્સના ઘટાડામાં 60 પોઈન્ટ્સ એટલેકે લગભગ 40 ટકા હિસ્સો રિલાયન્સનો હતો. એ ઉપરાંત હેવીવેઈટ એચડીએફસી બેંકમાં બે ટકાનો ઘટાડો નોંધાયો હતો. નવરાત્રી દરમિયાન વાહનોના વેચાણમાં અપેક્ષાથી ઓછા વેચાણના અહેવાલે ઓટો ક્ષેત્રે સાર્વિત્રક વેચવાલી જોવા મળી હતી અને નિફ્ટી ઓટો 3 ટકાથી વધુ તૂટ્યો હતો. ઉપરાંત મેટલ ઈન્ડેક્સ પણ 3.5 ટકાનો ઘટાડો દર્શાવતો હતો.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage