બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
સેન્સેક્સે 64 હજાર, નિફ્ટીએ 19 હજારની સપાટીઓ ગુમાવી
વૈશ્વિક શેરબજારમાં બ્લડબાથ, કોરિયન બજાર ત્રણ ટકા તૂટ્યું
માર્ચ એક્સપાયરી પછી ઓક્ટોબર એક્સપાયરી સૌથી ખરાબ
વોલેટિલિટી ઈન્ડેક્સ 4 ટકા વધી 11.73ના સ્તરે
ઓટો, બેંક, મેટલ, ફાર્મા, આઈટીમાં ભારે વેચવાલી
નિફ્ટીના 50માંથી માત્ર પાંચ કાઉન્ટર્સ પોઝીટીવ
બ્રોડ માર્કેટમાં વેચવાલી યથાવત
સોનાટા, પ્રેસ્ટીજ એસ્ટેટ, બીએસઈ નવી ટોચે
યૂપીએલ, પોલીપ્લેક્સ, અદાણી ટોટલ નવા તળિયે
ઈઝરાયેલ અને ત્રાસવાદી સંગઠન હમાસ વચ્ચે જંગ પાછળ વૈશ્વિક શેરબજારોમાં બ્લડબાથ જોવા મળ્યો છે. ગુરુવારે ભારતીય બજારમાં સપ્તાહના સતત ત્રીજા સત્રમાં ભારે વેચવાલી પાછળ બેન્ચમાર્ક્સમાં એક ટકાથી વધુ ઘટાડો નોંધાયો હતો. જેમાં સેન્સેક્સ 901 પોઈન્ટ્સ ગગડી 63148ની સપાટીએ બંધ રહ્યો હતો. તેણે 64 હજારની સપાટી ગુમાવી હતી. જ્યારે નિફ્ટી 265 પોઈન્ટ્સ તૂટી 18857ની સપાટીએ બંધ રહ્યો હતો. તેણે 19 હજારની સપાટી ગુમાવી હતી. બ્રોડ માર્કેટમાં પણ વેચવાલી જળવાય હતી. જેની પાછળ બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3800 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2235 નેગેટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1422 પોઝીટીવ જોવા મળતાં હતાં. 78 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ જ્યારે 104 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું બનાવ્યું હતું. 13 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 6 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 4 ટકા વધી 11.73ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે ભારતીય બજારની શરૂઆત ગેપ-ડાઉન જોવા મળી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 19122ના બંધ સામે 19027ની સપાટીએ ખૂલ્યાં પછી સતત ઘટતો રહ્યો હતો અને 18838ના ચાર મહિનાના તળિયા પર ટ્રેડ થયો હતો. અગાઉ આ લેવલ જૂનમાં જોવા મળ્યું હતું. જોકે, આખરી ત્રણ કલાકમાં માર્કેટ રેંજ બાઉન્ડ જોવા મળ્યું હતું. નિફ્ટીએ 19 હજારનું સાયકોલોજિકલ લેવલ ગુમાવતાં હવે ટેકનિકલ એનાલિસ્ટ્સ તેમાં વધુ ઘટાડાની શક્યતાં જોઈ રહ્યાં છે. નજીકમાં 18800નો એક સપોર્ટ છે. જે તૂટશે તો 18500 સુધીનો ઘટાડો અપેક્ષિત છે. ગુરુવારે નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી માત્ર પાંચ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. બજાર ખૂલ્યૂં ત્યારે એકમાત્ર એક્સિસ બેંક જ પોઝીટીવ જોવા મળતો હતો. પાછળથી આઈટીસી, એચસીએલ ટેક, અદાણી પોર્ટ્સ અને ઈન્ડ્સઈન્ડ બેંક પણ ગ્રીન ઝોનમાં બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. બીજી બાજુ એમએન્ડએમ, બજાજ ફાઈનાન્સ, એશિયન પેઈન્ટ્સ, બજાજ ફિનસર્વ, નેસ્લે, ટાઈટન કંપની, જેએસડબલ્યુ સ્ટીલ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, ટેક મહિન્દ્રા અને એચડીએફસી બેંકમાં 2-4 ટકાની રેંજમાં વેચવાલી જોવા મળી હતી.
સેક્ટરલ દેખાવ જોઈએ તો મોટાભાગના સેક્ટર્સ એક ટકાથી વધુ ઘટાડા સાથે બંધ જોવા મળ્યાં હતાં. જેમાં ઓટો, બેંક, મેટલ, ફાર્મા, આઈટી મુખ્ય હતાં. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 1.6 ટકા તૂટ્યો હતો. જેના મુખ્ય ઘટકોમાં એમએન્ડએમ ચાર ટકાથી વધુ ગગડ્યો હતો. ઉપરાંત, તાતા મોટર્સ, અશોક લેલેન્ડ, આઈશર મોટર્સ, બજાજ ઓટો, મારુતિ સુઝુકી, ભારત ફોર્જ, એમઆરએફ, હીરો મોટોકોર્પમાં ઘટાડો નોંધાયો હતો. નિફ્ટી મેટલ પણ 1.62 ટકા ગગડ્યો હતો. જેના ઘટકોમાં જેએસડબલ્યુ સ્ટીલ, અદાણી એન્ટરપ્રાઈઝ, વેદાંત, નાલ્કો, હિંદુસ્તાન ઝીંક, કોલ ઈન્ડિયા, તાતા સ્ટીલ, સેઈલમાં વેચવાલી જોવા મળી હતી. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ પણ એક ટકાથી વધુ ગગડ્યો હતો. જેના ઘટકોમાં અદાણી ગ્રીન, ઓએનજીસી, આઈઓસી, એપીસીએલ, બીપીસીએલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ગેઈલમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ એક ટકાથી વધુ ગગડ્ય હતો. જેના ઘટકોમાં પાવર ફાઈનાન્સ, આરઈસી, આઈઆરસીટીસી, ઓએનજીસી, નાલ્કો, કોલ ઈન્ડિયા, આઈઓસીમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં જોઈએ તો ટ્રેન્ટ 2 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત, એક્સિસ બેંક, કેનેરા બેંક, વોલ્ટાસ, ભેલ, ઈન્ડિયા સિમેન્ટ્સ, સીજી કન્ઝ્યૂમર, એસ્કોર્ટ્સ કૂબોટા, એબીબી ઈન્ડિયા, લૌરસ લેબ્સ, બિરલા સોફ્ટમાં ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, ડેલ્ટા કોર્પ, બર્ગર પેઈન્ટ્સ, જ્યુબિલિઅન્ટ ફૂડ, આરબીએલ બેંક, કોરોમંડલ ઈન્ટરનેશનલ, ઈન્ડિયન હોટેલ્સ, એચડીએફસી એએમસી, બજાજ ફાઈનાન્સ, યૂપીએલ, એશિયન પેઈન્ટ્સ, આઈજીએલમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો હતો. સોનાટા, પ્રેસ્ટીજ એસ્ટેટ, બીએસઈ નવી ટોચ દર્શાવી હતી. જ્યારે યૂપીએલ, પોલીપ્લેક્સ, અદાણી ટોટલ નવા તળિયે ટ્રેડ થયાં હતાં.
રવિ વાવણીના આરંભમાં 22.53 લાખ હેકટર્સ વિસ્તાર આવરી લેવાયો
રાયડા, બાજરી, ચણાનુ ઊંચું વાવેતર
ઘઉંનું વાવેતર શરૂ થવાનું બાકી
દેશમાં રવિ વાવેતરની શરૂઆત વહેલી જોવા મળી રહી છે. 20 ઓક્ટોબર સુધીમાં દેશમાં કુલ 22.53 લાખ હેકટર વિસ્તારમાં શિયાળુ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે. જેમાં રાયડો, મસૂર, ચણા, બાજરી, જુવાર જેવા પાકો મુખ્ય છે. સૌથી વધુ વિસ્તાર ધરાવતાં ઘઉંનું વાવેતર હજુ શરૂ થવાનું બાકી છે. ગઈ સિઝનમાં સમાનગાળામાં 21.87 લાખ હેકટરની સરખામણીમાં ચાલુ સિઝનમાં સાધારણ વૃદ્ધિ જોવા મળે છે.
સરકારી અધિકારીના જણાવ્યા મુજબ હાલમાં રવિ વાવેતર માટે સારુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ઉત્તર ભારતના વિસ્તારોમાં દિવસનું તાપમાન ઘટવાની શરૂઆત થઈ ચૂકી છે. જે વાવણીકાર્યમાં સહાયરૂપ બનશે. જમીનમાં ભેજનું પ્રમાણ પણ સારું છે. જ્યારે ઉત્તર ભારતના જળાશયોમાં જળસંગ્રહ સામાન્ય સ્તરે છે જે પણ શિયાળુ વાવેતર માટે પોઝીટીવ બાબત છે. ઉત્તર ભારતમાં હિમાચલ પ્રદેશ, પંજાબ અને રાજસ્થાનના 10 ડેમોમાં 80.9 ટકા જેટલો જળ સંગ્રહ જોવા મળે છે. જે ગયા વર્ષે 89 ટકા પર હતું. છેલ્લાં 10 વર્ષોમાં આ જળાશયોમાં સરેરાશ સંગ્રહ 81.3 ટકા પર નોંધાયો હતો. શિયાળુ વાવેતરમાં અત્યાર સુધીમાં 2.18 લાખ હેકટરમાં ડાંગરનું વાવેતર જોવા મળ્યું છે. જે ગયા વર્ષે 2.71 લાખ હેકટર પર હતું. તમિલનાડુમાં 2.08 લાખ હેકટરમાં અને કેરળમાં 10 હજાર હેકટરમાં ડાંગરની વાવણી થઈ ચૂકી .
કઠોળ પાકો હેઠળ કુલ 3.71 લાખ હેકટર વિસ્તાર આવરી લેવાયો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં 4.3 લાખ હેકટર પર હતો. ચણાના વાવેતર હેઠળનો વિસ્તાર ગયા વર્ષે 3.51 લાખ હેકટર પરથી ઘટી 3.03 લાખ હેકટરમાં જોવા મળે છે. જેમાં રાજસ્થાનમાં 1.55 લાખ હેકટર, કર્ણાટકમાં 1.52 લાખ હેકટર વાવેતર જોવા મળે છે. જાડાં ધાન્યો હેઠળનો વિસ્તાર ગયા વર્ષે 2.88 લાખ હેકટર પરથી વધી 3.71 લાખ હેકટરે પહોંચ્યો છે. જેમાં મહારાષ્ટ્રમાં 2.31 લાખ હેકટરમાં જ્યારે તમિલનાડુ અને કર્ણાટકમાં અનુક્રમે 76 હજાર હેકટર અને 64 હજાર હેકટરમાં વાવણી જોવા મળે છે. તેલિબિયાંની વાત કરીએ તો વાવેતર 12.93 લાખ હેકટરમાં નોંધાઈ ચૂક્યું છે. જે ગઈ સિઝનમાં 11.97 લાખ હેકટરમાં જોવા મળતું હતું. આમાં રાયડાનું વાવેતર ગઈ સિઝનના 11.76 લાખ હેકટર પરથી વધી 12.71 લાખ હેકટરે પહોંચ્યું છે.
રવિ વાવેતરનું ચિત્ર
પાક 2023-24 2022-23
ચોખા 2.18 2.71
ચણા 3.03 3.51
બાજરી 3.71 2.88
જુવાર 2.90 2.04
રાયડો 12.71 11.76
કુલ 22.53 21.87
વિઝિંજામ ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ સમુદ્ર વેપારમાં ભારતનું પ્રભુત્વ વધારશે
કેરળ સ્થિત પોર્ટનો વાર્ષિક 10 લાખ કન્ટેનર હેન્ડલ કરવાનો ટાર્ગેટ
અદાણી જૂથ સ્થાપિત કેરળ સ્થિત વિઝિંજામ પોર્ટ દેશના પોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં પરિવર્તનમાં અગ્રેસર છે. જૂથના વિઝિંગમ પોર્ટ પર સૌપ્રથમ ટ્રાન્સશિપમેન્ટ પહોંચતાં જ ભારત દુનિયાના નકશામાં મહાકાય જહાજોને લાંગરી શકતાં પોર્ટ પૈકી એક બન્યું છે. તે ટ્રાન્સશિપમેન્ટ ક્લબમાં ભારતના પ્રવેશને ચિહ્નિત કરે છે, જે અત્યાર સુધી વિશ્વ સાથે વધતા વેપાર છતાં એક ખૂટતી બાબત હતી.
ભારતના દક્ષિણપશ્ચિમ કિનારે મોકાનું બંદર વિઝિંજામ ભારતના દરિયાઈ વેપારને વૈશ્વિકસ્તરે મજબૂત કરશે. ભારતનો વર્તમાન કન્ટેનર ટ્રાફિક ચીનની સરખામણીમાં 10 ટકાથી પણ ઓછો છે. વિઝિંજામ પોર્ટ વધુ જહાજોને આકર્ષવામાં સક્ષમ રહેશે તો તે ભારતના દરિયાઈ વેપારને વૈશ્વિકસ્તરે વધુ મજબૂત સ્થાન અપાવશે. તે હિંદ મહાસાગરમાં આંતરરાષ્ટ્રીય શિપિંગ માર્ગથી માત્ર 10 નોટિકલ માઇલ દૂર છે. ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ ખૂબ જ મહત્વપૂર્ણ હબ તરીકે કામ કરે છે, જ્યાં શીપીંગ રૂટમાં એક મહાકાય જહાજમાંથી કાર્ગોને નાના કદના જહાજોમાં અનલોડ કરી ટ્રાન્સફર કરવામાં આવે છે. ભારતની આસપાસના મુખ્ય ટ્રાન્સશિપમેન્ટ હબમાં દુબઈ નજીક સિંગાપોર, શાંઘાઈ, બુસાન અને જેબેલ અલી જેવા બંદરોનો સમાવેશ થાય છે. કન્ટેનર જહાજ જેન હુઆ 15 પૂર્વ ચીન સમુદ્રથી વિઝિંગમ બંદરે પહોંચનાર પ્રથમ કાર્ગો કેરિયર છે.
વિઝિંજામ ભારતનું સૌપ્રથમ એવું ટ્રાન્સશિપમેન્ટ પોર્ટ છે જેની કુદરતી ઊંડાઈ 18-20 મીટર છે. મહાકાય જહાજો માટે તે અત્યંત આવશ્યક છે. અત્યાર સુધી વિશ્વના કેટલાક મોટા કન્ટેનર જહાજો ભારતમાં આવી શક્યાં નથી. કારણ કે દેશના બંદરો આવા જહાજોને લાંગરી શકે એટલા ઊંડા નહોતા. એ જહાજો ભારતને બદલે કોલંબો, દુબઈ કે સિંગાપોર જેવા બંદરો પર પહોંચતાં હતા. હવે તે વિદેશ નહીં પણ ભારતના વિઝિંજામ પોર્ટ પર આવી શકશે. અદાણી પોર્ટ્સ દ્વારા સંચાલિત વિઝિંજામ પોર્ટનો લક્ષ્યાંક વાર્ષિક 10 લાખ કન્ટેનર હેન્ડલ કરવાનો છે. આનાથી રોજગારીની તકો વધશે અને વધુ રોકાણ પણ આકર્ષિત થશે.
સેબીએ ‘બાપ ઓફ ચાર્ટ’ને રૂ. 17 કરોડના રિફંડનો આદેશ આપ્યો
મોહમ્મદ અંસારી, રાહુલ રાઓ અને ગોલ્ડન સિન્ડિકેટ વેન્ચર્સના સિક્યૂરિટીઝ માર્કેટ એક્સેસ પર પણ પ્રતિબંધ
કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ્સમાં ‘બાપ ઓફ ચાર્ટ’ના માલિક મોહમ્મદ નસિરુદ્દીન અંસારી અને છ અન્યોને રિફંડ પેટે એસ્ક્રો એકાઉન્ટમાં રૂ. 17.21 કરોડ ડિપોઝીટ કરવાનો આદેશ કર્યો હતો. આ લોકોએ સેબી પાસે નોંધણી નહિ ધરાવતી અને ગેરકાયદે છેતરપિંડી સાથેની એડવાઈઝરી સર્વિસ ચાલી કરી હતી. જે હેઠળ નાણા ઉઘરાવ્યાં હતાં. નાસિરની @બાપઓફચાર્ટ નામની યુટ્યુબ ચેનલના 4.43 લાખ સબસ્ક્રાઈબર્સ છે અને તે સાત કરોડથી વધુ વ્યૂ ધરાવે છે.
સેબીએ અંસારી, રાહુલ રાઓ પદામતી અને ગોલ્ડન સિન્ડિકેટ વેન્ચર્સના સિક્યૂરિટીઝ માર્કેટ એક્સેસ પર પણ પ્રતિબંધ લાગુ પાડ્યો છે. રેગ્યુલેટરે રોકાણકારોના હિતમાં અનરજિસ્ટર્ડ અથવા ગેરરિતીપૂર્ણ કામગીરીને અટકાવવા માટે વચગાળાનો આદેશ પસાર કર્યો છે. જે હેઠળ ગેરરિતી આચરનારાઓ ખોટી રીતે મેળવેલા નાણાને તેમની પાસે જાળવી શકશે નહિ. સેબીના જણાવ્યા મુજબ એક્સ(અગાઉ ટ્વિટ) પર તથા ટેલિગ્રામ પર કેટલીક ટ્વિટ્સમાં મોહમ્મદ નસિરુદ્ધિન અંસારી ‘બાપ ઓફ ચાર્ટ’ નામ હેઠળ બાય-સેલની ભલામણો કરતો માલૂમ પડ્યો હતો. તે સિક્યૂરિટીઝ માર્કેટમાં એજ્યૂકેશ્નલ ટ્રેનીંગના નામે આમ કરી રહ્યો હતો. સેબીએ 1 જાન્યુઆરી, 2021થી લઈ 7 જુલાઈ, 2023 સુધીના સમયગાળા માટે નાસિર સામે તપાસ હાથ ધરી હતી. જેમાં તે કોઈપણ પ્રકારના રજિસ્ટ્રેશન વિના એડવાઈઝરી સર્વિસ પૂરી પાડતો જોવા મળ્યો હતો. તપાસમાં જણાયું હતું કે નાસિર પોતાને વિવિધ સોશ્યલ મિડિયા પ્લેટફોર્મ્સ પર સ્ટોક માર્કેટ એક્સપર્ટ તરીકે રજૂ કરતો હતો અને ક્લાયન્ટ્સને વિવિધ એજ્યૂકેશ્નલ કોર્સિસ માટે આકર્ષતો હતો. તેમજ તેમને શેરબજારમાં વળતરની ખાતરી આપી રોકાણ માટે લલચાવતો હતો.
સપ્ટેમ્બરમાં ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગમાં ચાર ટકા ઘટાડો નોંધાયો
જોકે, કુલ ક્રેડિટ કાર્ડ્સની સંખ્યા 9.3 કરોડની વિક્રમી સપાટીએ જોવા મળી
ઓગસ્ટમાં વિક્રમી રૂ. 1.48 લાખ કરોડના ખર્ચ પછી ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગમાં સપ્ટેમ્બરમાં ચાર ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે રૂ. 1.42 લાખ કરોડ પર નોંધાયું હતું. જે અગાઉ જુલાઈમાં જોવા મળેલા રૂ. 1.45 લાખ કરોડના સ્પેન્ડિંગ કરતાં પણ નીચું હતું.
ઈન્ડસઈન્ડ બેંક સિવાય તમામ ટોચના ક્રેડિટ કાર્ડ ઈસ્યુઅર્સે સપ્ટેમ્બરમાં ખર્ચમાં ઘટાડો અનુભવ્યો હતો. જેમાં ટોચના ચાર ક્રેડિટ કાર્ડ ઈસ્યુઅરે 2-9 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. પીએસયૂ લેન્ડર એસબીઆઈએ 8.9 ટકા સાથે તીવ્ર ઘટાડો જોયો હતો. જ્યારે પ્રાઈવેટ લેંડર એક્સિસ બેંકે 8.4 ટકા ઘટાડો દર્શાવ્યો હતો એમ આરબીઆઈ ડેટા સૂચવે છે. ઉદ્યોગ વર્તુળોના મતે ખર્ચ ઘટાડા પાછળનું કારણ ગ્રાહકો તરફથી તહેવારોની સિઝનમાં ઊંચા ખર્ચની અપેક્ષા પાછળ ટ્રાન્ઝેક્શન્સમાં ઘટાડો હતો. તહેવારોની સિઝન ઓક્ટોબરમાં શરૂ થઈ હતી. જે દરમિયાન ખર્ચમાં વૃદ્ઘિ જોવા મળશે. ઊંચા ફુગાવાના દબાણને કારણે પણ ડિસ્ક્રિશ્નરી સ્પેન્ડિંગમાં ઘટાડો જોવા મળ્યો હોવાનું વર્તુળો જણાવે છે. આરબીઆઈની ઓક્ટોબરની મોનેટરી પોલિસીમાં આરબીઆઈના ડેપ્યૂટી ગવર્નર માઈકલ પાત્રાએ જણાવ્યું હતું કે વધતાં ઈન્ફ્લેશન પાછળ ડિસ્ક્રિશ્નરી સ્પેન્ડિંગ ઘટતાં કોર્પોરેશન્સનું વેચાણ ધીમું પડી રહ્યું છે.
આરબીઆઈ ડેટા મુજબ સપ્ટેમ્બરમાં ક્રેડિટ કાર્ડ તરફથી 65.3 ટકા ખર્ચ ઈ-કોમર્સ પેમેન્ટ્સ પાછળ કરવામાં આવ્યો હતો. જે ઓગસ્ટમાં જોવા મળતાં 64.4 ટકાની સરખામણીમાં સાધારણ ઊંચો હતો. બીજી બાજુ પીઓએસ(પોઈન્ટ-ઓફ-સેલ) ટ્રાન્ઝેક્શન્સ ઘટી 34.7 ટકા પર રહ્યું હતું. જે ઓગસ્ટમાં 35.6 ટકા પર હતું. ઈન્ડ્સઈન્ડ બેંકે માસિક ધોરણે 10.9 ટકાની ખર્ચ વૃદ્ધિ દર્શાવી હતી. જ્યારે કેનેરા બેંક, યુનિયન બેંક અને ડીબીએસ બેંકે 4-8 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. ક્રેડિટ કાર્ડ ખર્ચમાં ઘટાડા વચ્ચે સપ્ટેમ્બરમાં વિક્રમી ક્રેડિટ કાર્ડ વપરાશમાં જોવા મળ્યાં હતાં. ઓગસ્ટમાં પ્રથમવાર ક્રેડિટ કાર્ડની સંખ્યા 9 કરોડનો આંક પાર કરી ગઈ હતી. જે સપ્ટેમ્બરમાં 9.3 કરોડ પર પહોંચી હતી. આઉટસ્ટેન્ડિંગ કાર્ડ્સની સંખ્યા 1.9 ટકા વધી 17.4 લાખ પર પહોંચી હતી. જે ઓગસ્ટના 14.1 લાખ કરતાં 1.6 ટકા ઊંચી હતી. ક્રેડિટ કાર્ડ ઈસ્યુ કરવામાં આઈસીઆઈસીઆઈ બેંક સતત બીજા મહિને ટોચ પર જોવા મળી હતી. મહિના દરમિયાન વધુ 3.5 લાખ કાર્ડ્સ ઈસ્યુ કરવા સાથે તેની કાર્ડ્સની સંખ્યા 1.56 કરોડ પર પહોંચી હતી. ઓગસ્ટમાં બેંકે 3.09 લાખ કાર્ડ્સનો ઉમેરો દર્શાવ્યો હતો.
RBIએ પ્રાઈવેટ બેંક્સને લઘુત્તમ બે હોલટાઈમ ડિરેક્ટર્સ રાખવા જણાવ્યું
જે બેંક્સ આ જરૂરિયાત પૂરી નથી કરતી તેમને ચાર મહિનાની મુદત આપવામાં આવી
પ્રાઈવેટ સેક્ટર બેંક્સ તથા વિદેશી બેંક્સની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીઓમાં કોર્પોરેટ ગવર્નન્સને મજબૂત બનાવવાના પગલાંરૂપે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તેમને ઓછામાં ઓછા બે હોલટાઈમ ડિરેક્ટર્સ જાળવવા માટે નિર્દેશ કર્યો છે. જે પ્રાઈવેટ બેંકર્સ આ જરૂરિયાતનું હાલમાં પાલન નથી કરી રહ્યાં તેમને આરબીઆઈએ ચાર મહિનાનો સમય આપ્યો છે. જે દરમિયાન તેમણે આરબીઆઈની મંજૂરી મેળવવાની રહેશે. બેંકોએ હોલટાઈમ ડિરેક્ટર્સની નિમણૂંક અગાઉ રેગ્યુલેટર્સ આગોતરી મંજૂરી મેળવવાની રહે છે.
જે પ્રાઈવેટ બેંક્સ બે હોલટાઈમ ડિરેક્ટર્સ નથી ધરાવતી તેમાં ઈન્ડસઈન્ડ બેંક, તમિલનાડ મર્કેન્ટાઈલ બેંક, સીએસબી બેંક, ડીસીબી બેંક, ધનલક્ષ્મી બેંક, સિટી યુનિયન બેંક અને સાઉથ ઈન્ડિયન બેંકનો સમાવેશ થાય છે. વિદેશી બેંક્સની સંપૂર્ણ માલિકીની સબસિડિયરીઝમાં માત્ર એસબીએમ બેંક એક હોલટાઈમ ડિરેક્ટર ધરાવે છે. આ બેંક્સના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યૂટીવ ઓફિસરને જ તેમના હોલટાઈમ ડિરેક્ટર છે. તમિલનાડ મર્કેન્ટાઈલ બેંક અને એસબીએમ બેંકના સીઈઓએ રાજીનામાં આપ્યાં છે. બેંક્સ હાલમાં આ જગ્યા પર નવી નિમણૂંકની પ્રક્રિયા હાથ ધરી રહી છે.
આરબીઆઈના સર્ક્યૂલરના દાયરામાંથી પેમેન્ટ્સ બેંક્સ અને સ્થાનિક એરિયા બેંક્સને બહાર રાખવામાં આવી છે પરુંત નવો નિર્દેશ સ્મોલ ફાઈનાન્સ બેંક્સને લાગુ પડશે. હાલમાં કેટલીક સ્મોલ ફાઈનાન્સ બેંક્સ આરબીઆઈના નવા નિયમનું પાલન નથી કરી રહી. રેગ્યુલેટરે બેંકિંગ ક્ષેત્રે વધી રહેલી જટિલતાને જોતાં બેંક્સને હાલમાં ચાલી રહેલાં તથા નવા ઊભા થઈ રહેલાં પડકારો પર નજર રાખવા માટે અસરકારક સિનિયર મેનેજમેન્ટ ટીમ્સ રચવા માટે પણ જણાવ્યું છે. આરબીઆઈના જાહેરનામામાં જણાવ્યા મુજબ આ પ્રકારની ટીમની રચના સક્સેશન પ્લાનીંગની સુવિધા પણ પૂરી પાડી શકે છે. ખાસ કરીને બેંકની એમડી અને સીઈઓની પોઝીશન માટે મહત્તમ મર્યાદા અને નિયમનકારી જોગવાઈઓને ધ્યાનમાં રાખતાં તે મહત્વની બની રહેશે. પ્રાઈવેટ બેંકના સીઈઓએ નામ નહિ આપવાની શરતે જણાવ્યું હતું કે આ આરબીઆઈનો નિર્ણય હોવાથી તેનું પાલન કરવાનું રહેશે. અમે તત્કાળ આ અંગે કામગીરી શરૂ કરીશું અને નામ નિર્ધારિત કરી સેન્ટ્રલ બેંકને મંજૂરી માટે મોકલીશું.
ડોલરમાં મજબૂતી છતાં સોનું ફરી 2000 ડોલરની સપાટીએ
એમસીએક્સ ખાતે સોનું રૂ. 61000ની સપાટી પર પહોંચ્યું
ગુરુવારે ચાંદીએ રૂ. 72000ની સપાટી પાર કરી
મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા જંગ પાછળ ગોલ્ડના ભાવમાં મજબૂતી યથાવત છે. ગયા સપ્તાહે કોમેક્સ વાયદો 2008 ડોલરની ટોચ બનાવી ચાલુ સપ્તાહની શરૂમાં 1970 ડોલર સુધી નીચે ઉતરી ગયો હતો. જોકે, છેલ્લાં બે સત્રોમાં મજબૂતી પાછળ ગુરુવારે તે ફરી 2000 ડોલરની સપાટી પર ટ્રેડ દર્શાવતો હતો. ભારતીય કોમેક્સ એમસીએક્સ ખાતે પણ ગોલ્ડ વાયદો રૂ. 200ના ઉછાળે રૂ. 61000ની સપાટી પાર કરી ગયો હતો. જ્યારે સિલ્વર વાયદો રૂ. 350ની મજબૂતી સાથે રૂ. 72150 પર ટ્રેડ દર્શાવતો હતો. આશ્ચર્યની વાત એ હતી કે વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સ અને યુએસ ટ્રેઝરી યિલ્ડ્સમાં મજબૂતી છતાં ગોલ્ડમાં ખરીદી જળવાય હતી. છેલ્લાં બે સપ્તાહમાં ગોલ્ડે અન્ય એસેટ ક્લાસિસની સરખામણીમાં તીવ્ર આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. એનાલિસ્ટ્સના મતે નજીકના સમયગાળામાં ગોલ્ડ 1980 ડોલરથી 1995 ડોલરની રેંજમાં ટ્રેડ દર્શાવી શકે છે. એમસીએક્સ ખાતે તે રૂ. 60500-61200ની રેંજમાં ટ્રેડ દર્શાવી શકે છે. તેમના મતે આગામી મહિને મળનારી બેઠકમાં ફેડની એફઓએમસી ઈન્ટરેસ્ટ રેટને સ્થિર જાળવી રાખે તેવી શક્યતાં ઊંચી છે. જેની પાછળ પણ ગોલ્ડમાં અન્ડરટોન મજબૂત જોવા મળી રહ્યો છે. ગોલ્ડને એકથી વધુ પરિબળોનો સપોર્ટ મળી રહ્યો છે અને તેથી હાલમાં તે સૌથી આકર્ષક એસેટ ક્લાસ બન્યું છે. ઈઝરાયેલ-હમાસ જંગ વકરશે તો ગોલ્ડ દિવાળી સુધીમાં તેની સર્વોચ્ચ ટોચ દર્શાવી શકે છે. જે સ્થિતિમાં ભારતીય બજારમાં તે રૂ. 63000થી રૂ. 64000ની સપાટી પર જોવા મળશે. સોના પાછળ ચાંદીમાં પણ અન્ડરટોન મજબૂત છે અને વૈશ્વિક બજારમાં તે 23 ડોલરની સપાટી પર કોન્સોલિડેટ થઈ રહી છે. જો તે 23.50 ડોલર પર ટકશે તો અગાઉ જોવા મળેલી 25-26 ડોલરની રેંજમાં પ્રવેશી શકે છે. જે વખતે ભારતીય બજારમાં રૂ. 78 હજાર સુધીનો ઉછાળો જોવા મળે તેવી શક્યતાં છે.
સપ્ટેમ્બરમાં યુએસ ખાતે નવા ઘરોનું વેચાણ 19-મહિનાની ટોચ પર જોવા મળ્યાંના અહેવાલ પાછળ યુએસ બોન્ડ યિલ્ડ્સમાં ઉછાળો નોંધાયો હતો અને ગુરુવારે તે 4.99 ટકા પર મજબૂત જોવા મળી રહ્યાં હતાં. આમ, ડોલર ઈન્ડેક્સ અને યુએસ ટ્રેઝરીમાં મજબૂતી છતાં ગોલ્ડમાં ખરીદી સૂચવે છે કે તે વધ-ઘટે આગેકૂચ જાળવી શકે છે.
સપ્ટેમ્બરમાં ક્રૂડ ઓઈલની આયાત 1.78 કરોડ ટન પર વર્ષના તળિયે
ચોમાસુ, રિફાઈનરી મેન્ટેનન્સ અને ક્રૂડ ઓઈલના ભાવમાં વૃદ્ધિ જેવા કારણો જવાબદાર
દેશમાં ક્રૂડ ઓઈલની આયાત 12-મહિનાના તળિયા પર જોવા મળી છે. સપ્ટેમ્બરમાં કુલ આયાત 1.78 કરોડ ટન પર રહી હતી. આયાતમાં ઘટાડા પાછળનું કારણ રિફાઈનરી મેન્ટેનન્સ અને ચોમાસા દરમિયાન નીચો વપરાશ હતું.
પેટ્રોલિયમ પ્લાનીંગ એન્ડ એનાલિસિસ સેલ(PPAC)ના જણાવ્યા મુજબ પ્રોવિઝ્નલ બેસીસ પર ક્રૂડ ઓઈલની આયાત માસિક ધોરણે પાંચ ટકા ઘટી હતી. જોકે, વાર્ષિક ધોરણે તે 6 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. આ અગાઉ સપ્ટેમ્બર 2022માં 1.677 કરોડ ટનની સૌથી નીચી આયાત જોવા મળી હતી. ગ્લોબલ ક્રૂડ શીપમેન્ટ્સ રિસર્ચ કંપની વોર્ટેક્સના મતે ભારતે સપ્ટેમ્બરમાં 41.96 લાખ બેરલ્સ પ્રતિ દિવસ ક્રૂડ ઓઈલની ખરીદી કરી હતી. જે 2023-24માં સૌથી નીચી હતી. ઘટાડાને ઈરાકના બસરાહ ખાતેથી વધુ ખરીદીથી કેટલેક અંશે સરભર કરવામાં આવ્યો હતો. જે એક મિડિયમ સૌર ગ્રેડ ઓઈલ છે અને ભારતીય રિફાઈનર્સની પસંદગી ધરાવે છે. જોકે, દેશમાં ક્રૂડની કુલ આયાતમાં રશિયા 38 ટકા હિસ્સો ધરાવે છે. ઓપેકે તેના માસિક ઓઈલ માર્કેટ રિપોર્ટમાં નોંધ્યું હતું કે સપ્ટેમ્બરમાં ભારતની ક્રૂડ આયાત નીચી જોવા મળશે. જેનું મુખ્ય કારણ ચોમાસું ગણાવ્યું હતું. ચોમાસામાં સામાન્યરીતે દેશમાં ક્રૂડનો વપરાશ ઘટતો હોય છે. જે ઓક્ટોબરથી તહેવારોની સિઝનમાં ફરીથી વધવાતરફી રહે છે. ભારત વિશ્વમાં ત્રીજા ક્રમનો સૌથી મોટો ઓઈલ વપરાશકાર છે. ઓઈલની આયાતમાં ઘટાડા પાછળનું એક કારણ ક્રૂડના ભાવમાં વૃદ્ધિ પણ હતું. સાઉદી સહિતના દેશોએ ક્રૂડ ઉત્પાદનમાં કાપનો નિર્ણય લેતાં ક્રૂડના ભાવમાં મજબૂતી જોવા મળી હતી અને તે વર્ષની ટોચ પર જોવા મળ્યાં હતાં.
ECBએ દોઢ વર્ષ પછી રેટ સ્થિર જાળવ્યાં
જુલાઈ 2022થી બેંકે 10 વાર રેટમાં વૃદ્ધિ કરી
યુરોપિયન સેન્ટ્રલ બેંકે ગુરુવારે મોનેટરી પોલિસી સમીક્ષામાં ઈન્ટરેસ્ટ રેટને સ્થિર જાળવ્યાં હતાં. જે સાથે તેણે સતત 10-મિટિંગ્સમાં રેટ વૃદ્ધિના ક્રમ પર વિરામ મૂક્યો હતો. બેંકે જુલાઈ 2022થી રેટમાં વૃદ્ધિની શરુઆત કરી હતી. ત્યારબાદ શરૂઆતમાં તેણે આક્રમક રેટ વૃદ્ધિ દર્શાવી હતી.
ઈસીબીએ જણાવ્યું હતું કે ઈન્ફ્લેશન હજુ પણ ઊંચા દરે જળવાયું છે અને તે પણ લાંબા સમય સુધી ઊંચા દરે રહેવાની શક્યતાં છે. સાથે તેણે નોંધ્યું હતું કે હેડલાઈન રેટમાં ઘટાડો થયો છે અને ભાવનું દબાણ ઘટવાતરફી જોવા મળી રહ્યું છે. ગયા વર્ષની આખરમાં દ્વીઅંકી ટોચ પર પહોંચ્યાં પછી યુરોઝોન ઈન્ફ્લેશન સપ્ટેમ્બરમાં 4.3 ટકાના દરે નોંધાયું હતું. જોકે, આ આંકડો ઈસીબીના ટાર્ગેટ કરતાં બમણો છે. વધતાં બોરોઈંગ ખર્ચ પાછળ આર્થિક કામગીરી ધીમી પડી રહી હોય તેમ જણાય રહ્યું છે. ઈસીબીના મતે માગમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જે ઈન્ફ્લેશનને ઘટાડવામાં સહાયરૂપ બની રહ્યું છે. એથેન્સ ખાતે યોજાયેલી ઈસીબીની બેઠકમાં મુખ્ય ડિપોઝીટ રેટ ચાર ટકા પર જાળવવામાં આવ્યાં હતાં. બેંકે યુરોઝોન માટે તેના ગ્રોથ અંદાજને ઘટાડી 0.7 ટકા કર્યો હતો.
કોર્પોરેટ હેડલાઈન્સ
એશિયન પેઈન્ટ્સઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટર માટે રૂ. 1232.39 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 803.83 કરોડના પ્રોફિટની સરખામણીમાં 53.31 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીનો નફો ત્રિમાસિક ધોરણે 21.74 ટકા ઘટાડો દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે બીજા ક્વાર્ટરમાં રૂ. 8457.57 કરોડ સામે 0.03 ટકા વધી રૂ. 8478.57 કરોડ પર રહી હતી.
કેનેરા બેંકઃ પીએસયૂ બેંકે સપ્ટેમ્બર ક્વાર્ટર માટે રૂ. 3606 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 43 ટકા વૃદ્ધિ સૂચવે છે. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ વાર્ષિક ધોરણે 19 ટકા વધી રૂ. 8903 કરોડ પર જોવા મળી હતી. બેંકની ગ્રોસ એનપીએ ગયા વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 6.37 ટકા પરથી ઘટી 4.76 ટકા પર નોંધાઈ હતી. જ્યારે નેટ એનપીએ લેવલ 2.19 ટકા પરથી ઘટી રૂ. 1.41 ટકા પર રહ્યું હતું.
પીએનબીઃ બીજા ક્રમની પીએસયૂ બેંકે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1756 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 411.27 કરોડના પ્રોફિટ કરતાં 327 ટકા વૃદ્ધિ સૂચવે છે. જૂન ક્વાર્ટરમાં રૂ. 1255.41 કરોડના પ્રોફિટ સામે તે 40 ટકા ઊંચો છે. બેંકની કુલ ઈન્ટરેસ્ટ ઈન્કમ 30.7 ટકા ઉછળી રૂ. 26,354,92 કરોડ પર જોવા મળી હતી.
કોલગેટઃ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 340.05 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 278 કરોડના પ્રોફિટ સામે વાર્ષિક ધોરણે 22.31 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 1378.4 કરોડની સરખામણીમાં 6 ટકા વધી રૂ. 1462.38 કરોડ પર નોંધાઈ હતી.
એસીસીઃ અદાણી જૂથની સિમેન્ટ કંપનીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 388 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. કંપનીએ ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 87 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીનું વેચાણ ગયા વર્ષે રૂ. 3987 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે 11.23 ટકા વધી રૂ. 4435 કરોડ પર જોવા મળ્યું હતું. કંપનીનો એબિટા ગયા વર્ષના રૂ. 86 કરોડ પરથી વધી રૂ. 759 કરોડ પર જોવા મળ્યો હતો.