Market Summary 26/12/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

બુલ્સના સપોર્ટ પાછળ શેરબજારમાં તેજીની હેટ્રીક
નિફ્ટીએ 21400ની સપાટી ફરી હાંસલ કરી
વોલેટિલિટી ઈન્ડેક્સ 7 ટકા ઉછળી 14.67ના સ્તરે
બ્રોડ માર્કેટમાં પણ ભારે લેવાલી જોવાઈ
પીએસઈ, ફાર્મા, મેટલ, ઓટોમાં મજબૂતી
આઈટી, પીએસયૂ બેંક્સમાં નરમાઈ
કેસ્ટ્રોલ, ભારત ડાયનેમિક્સ, આરતી ઈન્ડ., નોસિલ નવી ટોચે

શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆત પોઝીટીવ જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાં ક્રિસમસ વેકેશન વચ્ચે ભારતીય બજારમાં અન્ડરટોન પોઝીટીવ જળવાયો હતો. બેન્ચમાર્ક સેન્સેક્સ 230 પોઈન્ટ્સ મજબૂતી સાથે 71337ની સપાટીએ જ્યારે નિફ્ટી 92 પોઈન્ટ્સની મજબૂતી સાથે 21441ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં સારી ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. જેમાં બીએસઈ ખાતે કુલ 4030 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2331 કાઉન્ટર્સ ગ્રીન ઝોનમાં જોવા મળ્યાં હતાં. જ્યારે 1557 કાઉન્ટર્સ નેગેટીવ જોવા મળતાં હતાં. 327 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 25 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 10 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 3 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 7 ટકા ઉછળી 14.67ના સ્તરે જોવા મળ્યાં હતાં.
સોમવારે એશિયન બજારોમાં ચીનનું બજાર પોણા ટકા ઘટાડા સાથે તેના વાર્ષિક તળિયા પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે જાપાન, કોરિયન બજારોમાં સાધારણ વૃદ્ધિ જોવા મળી હતી. જેની વચ્ચે ભારતીય બજાર સાધારણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવી શરૂઆતી બે કલાકમાં સુધારો દર્શાવતું રહ્યું હતું. ઈન્ટ્રા-ડે ધોરણે નિફ્ટી 21477ની દિવસની ટોચે પહોંચ્યાં પછી કોન્સોલિડેટ થયો હતો અને 21400 પર બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 46 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 21499ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 36 પોઈન્ટ્સના પ્રિમીયમમાં 10 પોઈન્ટ્સ વૃદ્ધિ સૂચવે છે. આમ, માર્કેટમાં ઘટાડે લોંગ પોઝીશનમાં વૃદ્ધિ જોવા મળી છે. જોકે, નવી ખરીદીમાં સાવચેતી દાખવવી જરૂરી છે. નિફ્ટીને 21 હજારનો મહત્વનો સપોર્ટ છે. જેના સ્ટોપલોસે લોંગ પોઝીશન જાળવી શકાય છે. મંગળવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય ઘટકોમાં ડિવિઝ લેબ્સ, હીરો મોટોકોર્પ, એનટીપીસી, અદાણી એન્ટરપ્રાઈઝિસ, એમએન્ડએમ, ઓએનજીસી, અપોલો હોસ્પિટલ, હિંદાલ્કો, વિપ્રો, તાતા કન્ઝ્યૂમર, બજાજ ઓટો, બ્રિટાનિયા, કોટક મહિન્દ્રા, એશિયન પેઈન્ટ્સ, તાતા સ્ટીલ, ગ્રાસિમ, બીપીસીએલ, ભારતી એરટેલ મુખ્ય હતાં. બીજી બાજુ, બજાજ ફાઈનાન્સ, બજાજ ફિનસર્વ, ઈન્ફોસિસ, ટીસીએસ, તાતા મોટર્સ, જેએસડબલ્યુ સ્ટીલ, એચસીએલ ટેક્નોલોજી, એચડીએફસી લાઈફમાં નરમાઈ જોવા મળતી હતી.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો પીએસઈ, ફાર્મા, મેટલ, ઓટોમાં મજબૂતી જોવા મળતી હતી. જ્યારે આઈટી, પીએસયૂ બેંક્સમાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ 2 ટકા ઉછળી બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં હિંદુસ્તાન એરોનોટીક્સ, ભારત ઈલેક્ટ્રોનિક્સ,એચપીસીએલ, આઈઓસી, એનએમડીસી, આરઈસી, ઓઈલ ઈન્ડિયા, એનટીપીસી, ભેલ, ઓએનજીસી, ગેઈલ, પાવર ફાઈનાન્સ, કોન્કોર, બીપીસીએલ, આઈઆરસીટીસી, કોલ ઈન્ડિયામાં નોંધપાત્ર મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ એક ટકા ઉછળી સર્વોચ્ચ ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ડિવિઝ લેબ્સ, ટોરેન્ટ ફાર્મા, બાયોકોન, લ્યુપિન, આલ્કેમ લેબ, સિપ્લા, સન ફાર્મામાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ પણ એક ટકા પોઝીટીવ બંધ સૂચવતો હતો. જેના ઘટકોમાં એનએમડીસી, હિંદાલ્કો, તાતા સ્ટીલ, કોલ ઈન્ડિયા, વેદાંત, સેઈલ, હિંદુસ્થાન ઝીંક, જિંદાલ સ્ટીલ અને નાલ્કોમાં મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી એફએમસીજી 0.7 ટકા મજબૂતી દર્શાવતો હતો. જેના ઘટકોમાં કોલગેટ, ગોદરેજ કન્ઝ્યૂમર, ઈમામી, તાતા કન્ઝ્યૂમર, બ્રિટાનિયા, યુનાઈટેડ બ્રૂઅરિઝ, મેરિકો, પીએન્ડજી, વરુણ બેવરેજીસ, નેસ્લે અને એચયૂએલમાં મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી ઓટો એક ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. જેના ઘટકોમાં હીરો મોટોકોર્પ 3 ટકાથી વધુ ઉછાળે નવી ટોચે પહોંચ્યો હતો. આ ઉપરાંત, ભારત ફોર્જ, એમએન્ડએમ, ટીવીએસ મોટર, બજાજ ઓટો, મધરસન સુમી, બોશ, અશોક લેલેન્ડ, આઈશર મોટર્સ, એમઆરએફ, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.41 ટકા ઘટાડો સૂચવતો હતો. જેના ઘટકોમાં ઈન્ફોસિસ, પર્સિસ્ટન્ટ, એમ્ફેસિસ, ટીસીએસ, એચસીએલ ટેક્નોલોજી, કોફોર્જમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ પણ સાધારણ નરમાઈ સાથે બંધ દર્શાવતો હતો. જેના ઘટકોમાં બેંક ઓફ ઈન્ડિયા, જેકે બેંક, યુનિયન બેંક, પીએનબી, બેંક ઓફ મહારાષ્ટ્ર, યૂકો બેંકમં નરમાઈ જોવા મળતી હતી.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો તાતા કેમિકલ્સ 7 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. જે ઉપરાંત, આરતી ઈન્ડસ્ટ્રીઝ, લૌરસ લેબ્સ, ડિવિઝ લેબ્સ, હિંદુસ્તાન એરોનોટીક્સ, ભારત ઈલેક્ટ્રીક, એચપીસીએલ, ઈન્ડિયા સિમેન્ટ્સ, દિપક નાઈટ્રેટ, આઈઓસી, હીરો મોટોકોર્પ, એનએમડીસી, ચંબલ ફર્ટિલાઈઝર, આરઈસી, હિંદ કોપર, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, જીએનએફસી, કોરોમંડલ ઈન્ટરનેશનલ, આઈઈએક્સ, એનટીપીસી, ભેલ, ભારત ફોર્જ, કોલગેટ, દાલમિયા ભારત, વોલ્ટાસ, બાયોકોનમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, આરબીએલ બેંક, મણ્ણાપુરમ ફાઈ., પીવીઆર આઈનોક્સ, સન ટીવી નેટવર્ક, જ્યુબિલિઅન્ટ ફૂડ, વોડાફોન આઇડિયા, બજાજ ફાઈનાન્સ, મૂથૂત ફાઈનાન્સ, પિરામલ એન્ટરપ્રાઈઝિસમાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં કેસ્ટ્રોલ, ભારત ડાયનેમિક્સ, આરતી ઈન્ડ., નોસિલ, કોચીન શીપયાર્ડ, લૌરસ લેબ્સ, એચએફસીએલ, ભારત ઈલે., દિપક નાઈટ્રેટ, હીરો મોટોકોર્પ, એનએમડીસી, ચંબલ ફર્ટિલાઈઝર, હિંદ કોપર, બીઈએમએલ, ટોરેન્ટ ફાર્મા, ભારત ફોર્જ, વોલ્ટાસ, શ્યામ મેટાલિક્સ, ગેઈલ, મેક્રોટેક ડેવલપર્સનો સમાવેશ થતો હતો.

અદાણી ગ્રીનમાં અદાણી જૂથ રૂ. 9350 કરોડનું રોકાણ કરશે

અદાણી જૂથની અદાણી ગ્રીન એનર્જીએ મંગળવારે જણાવ્યું હતું કે કંપનીના બોર્ડે પ્રમોટર્સને પ્રેફરન્શિયલ વોરંટ ઈસ્યુ માટે મંજૂરી આપી છે. કંપની પ્રતિ શેર રૂ. 1480.75ના ભાવે રૂ. 9350 કરોડનો વોરંટ્સ ઈસ્યૂ કરશે. આ ભંડોળનો ઉપયોગ મૂડી ખર્ચમાં કરવામાં આવશે. કંપની હાલમાં 2030 સુધીમાં 45 ગીગાવોટનો ટાર્ગેટ હાંસલ કરવા માટે સંપૂર્ણપણે સજ્જ હોવાનું તેણે ઉમેર્યું હતું. હાલમાં 20.6 ગીગાવોટની કેપેસિટી તૈયાર છે. જ્યારે 2 લાખ એકર્સની લેન્ડ તે ધરાવે છે. જે 40 ગીગાવોટની ક્ષમતા જેટલી છે. ઉપરાંત રૂ. 9350 કરોડનું ઈક્વિટી ઈન્ફ્યૂઝન આ ટાર્ગેટને હાંસલ કરવામાં સહાયરૂપ થશે.
અદાણી જૂથના ચેરમેન ગૌતમ અદાણીએ જણાવ્યું હતું કે ભારત વૈશ્વિક સ્તરે રિન્યૂએબલ એનર્જીમાં લીડર બનવાભણી આગળ વધી રહ્યું છે. જ્યારે અદાણી ગ્રીન એનર્જી આ ક્રાંતિની આગેવાન છે. પ્રમોટર્સ તરફથી પ્રેફરન્શિયલ વોરંટ્સના અહેવાલ પાછળ અદાણી ગ્રીનનો શેર બીએસઈ ખાતે 5 ટકા ઉછળી રૂ. 1617 પર ટ્રેડ થયો હતો.

નવેમ્બરમાં વીજ સેક્ટરની કોલ આયાતમાં 84 ટકા વૃદ્ધિ નોંધાઈ

દેશમાં વીજ ક્ષેત્રની કોલની આયાતમાં નવેબરમાં વાર્ષિક ધોરણે 84 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. દેશના થર્મલ વીજ પાવર પ્લાન્ટ્સના કુલ ઉત્પાદનમાં આયાતી કોલનો ઉપયોગ 6 ટકા જેટલો જોવા મળે છે. જોકે, નવેમ્બરમાં માસિક ધોરણે કોલની આયાત 21 ટકા ઘટાડો સૂચવતી હતી. કેમકે કોલ ઈન્ડિયા તરફથી સ્થાનિક સ્તરે ઊંચો પુરવઠો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો હતો. એક તાજા આંકડા મુજબ થર્મલ પાવર પ્લાન્ટ્સે 59 લાખ ટન કોલની આયાત કરી હતી. જે ઓક્ટોબર 2023માં 75 લાખ ટન પર હતી. જોકે, નવેમ્બર, 2022માં તે 32 લાખ ટન પર હતી. વર્તુળોના મતે ઊંચી આયાત પાછળનું કારણ વીજ મંત્રાલયના આદેશને કારણે પણ કોલની આયાત વધી હતી. મંત્રાલયે થર્મલ પાવર પ્લાન્ટ્સને 4 ટકા પરથી આયાતી કોલનો વપરાશ 6 ટકા કરવા માટે જણાવ્યું છે. નવેમ્બરમાં સ્થાનિક કંપનીઓ તરફથી 6.77 કરોડ ટનનો કોલ સપ્લાય જોવા મળ્યો હતો. જે ઓક્ટોબરના 6.55 કરોડ કરતાં ઊંચો હતો.

રાયડાનું ઉત્પાદન 1.31 કરોડ ટનને પાર કરી જાય તેવી શક્યતાં
અગાઉના ચાર વર્ષોમાં 40 ટકા વૃદ્ધિ દર સામે ચાલુ વર્ષે 4 ટકા વૃદ્ધિ જોવા મળી શકે

પાક વર્ષ 2019-20થી 2022-23 દરમિયાન લગભગ 40 ટકા ઉત્પાદન વૃદ્ધિ હાંસલ કર્યાં પછી રાયડામાં ચાલુ વર્ષે 4 ટકા ઉત્પાદન વૃદ્ધિની સંભાવના જોવા મળે છે. જે સાથે નવી સિઝનમાં રવિ તેલિબિયાંનું ઉત્પાદન 1.31 કરોડ ટનના અંદાજને પાર કરી જાય તેવી શક્યતાં છે. રાયડાનું ઊંચું વાવેતર કરતાં રાજસ્થાન જેવા રાજ્યમાં વાવેતરમાં વૃદ્ધિના અભાવે ઊંચો ઉત્પાદન ગ્રોથ જોવા મળે તેવી શક્યતાં ઓછી છે. એક માત્ર ઉત્તર પ્રદેશમાં રાયડાના વાવેતરમાં 22 ડિસેમ્બર સુધીમાં 32 ટકાની ઊંચી વૃદ્ધિ જોવા મળતી હતી. જેની પાછળ તેલિબિયાંના સમગ્રતયા વાવેતરમાં વૃદ્ધિ નોંધાઈ છે.
ચાલુ રવિ સિઝનમાં રાડયાનું વાવેતર 95.23 લાખ હેકટરમાં નોંધાયું છે. જે ગયા વર્ષે જોવા મળતાં 93.46 લાખ હેકટર કરતાં 2 ટકા ઊંચું છે. રાજસ્થાનમાં રાયડાના વાવેતરમાં 1.6 લાખ હેકટરનો ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં તેમાં 4.3 લાખ હેકટરની વૃદ્ધિ નોંધાઈ છે. જ્યારે અન્ય રાજ્યોમાં કોઈ મોટો ફેરફાર જોવા મળ્યો નથી. ચાલુ વર્ષે લદાખ, મહારાષ્ટ્ર, મણિપુર, ત્રિપુરા અને અન્ય રાજ્યોમાં રાયડાનું વાવેતર નથી થયું. જોકે, આ રાજ્યો મળીને એક લાખ હેકટર વિસ્તાર પણ નથી ધરાવતાં એમ વર્તુળો જણાવે છે. જોકે, સરકાર ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં રાયડાનું વાવેતર વધે તે માટેની યોજના ધરાવે છે. જોકે, ચાલુ વર્ષે તેમ થઈ શક્યું નથી. આસામ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મેઘાલય, સિક્કિમ, મિઝોરમ અને મણિપુરમાં શુક્રવાર સુધીમાં રાયડાનું વાવેતર 3.67 લાખ હેકટરમાં જોવા મળતું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 3.28 લાખ હેકટરમાં નોંધાયું હતું. જ્યારે ત્યાં સામાન્ય વાવેતર વિસ્તાર 3.82 લાખ હેકટરનો જોવા મળે છે.
ચાલુ વર્ષે વાવેતરમાં ઊંચો વૃદ્ધિ દર હાંસલ નથી કરી શકાયો પરંતુ પાક માટે સાનૂકૂળ વાતાવરણ જોતાં ઉત્પાદન માટે નિર્ધારિત ટાર્ગેટ હાંસલ થઈ શકે તેમ જણાય છે તેવું ભરતપુર સ્થિત રેપસીડ-મસ્ટર્ડ રિસર્ચના ડિરેક્ટર જણાવે છે. ચાલુ વર્ષે રાયડાના પાકમાં જીવાતોના કોઈ અહેવાલ નથી. અલ નીનોની પણ કોઈ અસર હજુ સુધી જોવા મળી નથી. જો, આગામી બે મહિના સુધી વાતાવરણ ચાલુ જળવાય રહેશે તો અંદાજિત ઉત્પાદન હાંસલ કરી શકાશે એમ તેઓ માને છે. કેન્દ્રિય કૃષિ મંત્રાલયે 2023-24(જૂન-જુલાઈ)માં 1.314 કરોડ ટન રાયડાના ઉત્પાદનનો અંદાજ બાંધ્યો છે. જે 2022-23ના 1.26 કરોડ ટન કરતાં ઊંચો છે. 2019-20માં દેશમાં 91.24 લાખ ટન રાયડાનું ઉત્પાદન જોવા મળ્યું હતું.

ઓક્ટોબર સુધીમાં એજ્યૂકેશન લોન પાંચ-વર્ષોની ટોચે નોંધાઈ
ચાલુ નાણા વર્ષના પ્રથમ આંઠ મહિનામાં 20.6 ટકા વૃદ્ધિ સાથે રૂ. 1.11 લાખ કરોડની લોન લેવાઈ

એજ્યૂકેશન લોનમાં વાર્ષિક ધોરણે વિક્રમી વૃદ્ધિ જોવા મળી છે. ચાલુ નાણા વર્ષ 2023-24માં એપ્રિલથી ઓક્ટોબર સુધીના આંઠ મહિનાઓમાં શિક્ષણ લોન વાર્ષિક ધોરણે 20.6 ટકા વધી રૂ. 1,10,715 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 96,853 કરોડ પર જોવા મળતી હતી. રિઝર્વે બેંક ઓફ ઈન્ડિયાના ડેટા મુજબ છેલ્લાં પાંચ વર્ષોમાં ચાલુ નાણા વર્ષમાં એજ્યૂકેશન લોનમાં સૌથી ઊંચી વૃદ્ધિ જોવા મળી છે. ગયા વર્ષે સમાનગાળામાં સેગમેન્ટમાં 12.3 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જ્યારે 2021-22માં વાર્ષિક 3.1 ટકા ઘટાડો જોવા મળ્યો હતો.
એજ્યૂકેશન લોનમાં વૃદ્ધિ પાછળ ઘણા પરિબળો જવાબદાર હોવાનું નિષ્ણાતોનું કહેવું છે. દેશમાં ટોચના લેન્ડર એસબીઆઈના અર્થશાસ્ત્રી જણાવે છે કે નીચો બેઝ અને ઓફલાઈન કેમ્પસ કોર્સિસમાં રિવાઈવલ પાછળ એજ્યૂકેશન લોન્સમાં વૃદ્ધિ નોંધાઈ હતી. છેલ્લાં એક વર્ષમાં રૂ. 40-65 લાખની સરેરાશ ટિકીટ સાઈઝ ધરાવતી એજ્યૂકેશન લોન્સ વિતરીત કરવામાં આવી છે. જે કુલ લોન્સના 65 ટકા હિસ્સો દર્શાવે છે. ઉપરાંત, તાજેતરમાં આરબીઆઈ તરફથી કેટલાંક રિટેલ સેગમેન્ટ્સ માટે રિસ્ક વેઈટેજ વધારતાં એજ્યૂકેશન લોન્સમાં ઉછાળો નોંધાયો છે. બેંક્સને થઈ રહેલી ઈન્કવાયરીઝ સૂચવે છે કે યુએસ માટે એજ્યૂકેશન લોન્સ ટોચ પર જોવા મળે છે. યૂએસ એમ્બસી અને તેના ભારતમાંના કોન્સ્યૂલેટ્સે જણાવ્યું હતું કે ઓક્ટોબર 2022 અને સપ્ટેમ્બર 2023 વચ્ચે ભારતે 1.4 લાખ સ્ટુડન્ટ વિઝા ઈસ્યુ કર્યાં છે. આમાંની નોંધપાત્ર સંખ્યા એજ્યૂકેશન લોન્સનો સપોર્ટ ધરાવે છે. જેણે પણ બેંક્સ માટે પોર્ટફોલિયોને વેગ પૂરો પાડ્યો છે એમ ટોચની પીએસયૂ બેંકના અધિકારી જણાવે છે. એજ્યૂકેશન લોન્સમાં સૌથી પોઝીટીવ બાબત કોઈપણ અડચણ વગરની એપ્લિકેશન અને વિતરણ પ્રક્રિયા છે. જે પણ લોન સેગમેન્ટની ઝડપી વૃદ્ધિ માટેનું મહત્વનું કારણ છે. આ સેગમેન્ટમાં બેંક્સ ઉપરાંત એનબીએફસી પણ સક્રિય છે. જેમાં એચડીએફસી ક્રેડિલાનો સમાવેશ થાય છે. તે રૂ. 50 લાખ સુધીની કોલેટરલ વિનાની એજ્યૂકેશન લોન પૂરી પાડે છે. જ્યારે સમગ્ર પ્રક્રિયા સંપૂર્ણપણે ડિજીટાઈઝ્ડ હોય છે. રેટિંગ એજન્સીઝના ડેટા મુજબ એનબીએફસીની એજ્યૂકેશન લોન્સમાં નાણા વર્ષ 2022-23માં 100 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.

યુએસ ખાતે ‘સોફ્ટ લેન્ડિંગ’ પાછળ 2024માં ગોલ્ડનું આકર્ષણ જળવાય રહે તેવી શક્યતાં
અગાઉ જ્યારે પણ ઈન્ટરેસ્ટ રેટ નીચા હતાં ત્યારે ગોલ્ડનો દેખાવ ચઢિયાતો જોવા મળ્યો હતો

કેલેન્ડર 2023માં ઊંચા ઈન્ટરેસ્ટ રેટ વચ્ચે ગોલ્ડે મજબૂત રિટર્ન આપ્યું છે તેમજ અન્ય કોમોડિટીઝ તથા એસેટ ક્લાસિસ જેવાકે બોન્ડ્સ અને ઈક્વિટીઝની સરખામણીમાં ચઢિયાતો દેખાવ જાળવ્યો છે. આ પાછળના કારણોમાં જીઓપોલિટિકલ રિસ્ક્સ તથા સેન્ટ્રલ બેંક્સની ખરીદી મુખ્ય હતું. જોકે, 2024માં યુએસ ખાતે ઈન્ટરેસ્ટ રેટમાં ઘટાડા પાછળ સોફ્ટ લેન્ડિંગની શક્યતાં પાછળ ગોલ્ડનું આકર્ષણ જળવાય રહેવાની શક્યતાં એક્સપર્ટ્સ વ્યક્ત કરે છે. છેલ્લાં પાંચ કેલેન્ડર્સમાં એક સિવાય ચારમાં ગોલ્ડે પોઝીટીવ રિટર્ન દર્શાવ્યું છે. તાજેતરમાં વૈશ્વિક સ્પોટ ગોલ્ડ 2050 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે તૈયાર કરેલા ગોલ્ડ આઉટલૂક 2024 રિપોર્ટમાં નોંધ્યા મુજબ અર્થશાસ્ત્રીઓ હવે યુએસ ખાતે સોફ્ટ લેન્ડિંગની શક્યતાં જોઈ રહ્યાં છે. યુએસ ફેડ રિઝર્વ આર્થિક વૃદ્ધિ દરમાં મંદી વિના ફુગાવાને તેના ટાર્ગેટ નજીક લઈ આવી છે. જે વૈશ્વિક અર્થતંત્ર માટે પોઝીટીવ બાબત છે. ઐતિહાસિક રીતે જ્યારે પણ સોફ્ટ લેન્ડિંગનો માહોલ જોવા મળ્યો છે ત્યારે રોકાણકારોમાં સોનાનું આકર્ષણ જળવાયું છે. આમ જણાવવા સાથે રિપોર્ટ નોંધે છે કે દરેક સાઈકલ એ અગાઉથી ભિન્ન છે. વર્તમાન સમયમાં અગ્રણી અર્થતંત્રોમાં ચાવીરૂપ ચૂંટણીના વર્ષ દરમિયાન ઊંચા જીઓપોલિટીકલ તણાવો તથા સેન્ટ્રલ બેંક્સ તરફથી સતત ખરીદી ગોલ્ડને સપોર્ટ પૂરો પાડી શકે છે. ઉપરાંત, વૈશ્વિક અર્થતંત્રમાં મંદીની ચિંતા હજુ ઊભી છે. જે રોકાણકારોને તેમના પોર્ટફોલિયોમાં ગોલ્ડ જાળવીને અસરકારક હેજ માટે પ્રેરી શકે છે એમ રિપોર્ટ નોંધે છે.
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ મુજબ 2024માં વૈશ્વિક અર્થતંત્ર ત્રણ પરિસ્થિતિ દર્શાવી શકે છે. જેમાં વૈશ્વિક ગ્રોથમાં મંદી સિવાય આર્થિક વિસ્તરણ ગોલ્ડના ભાવ પર દબાણ લાવી શકે છે. જોકે, આવી સ્થિતિ માટેની શક્યતાં માત્ર પાંચથી દસ ટકા જેટલી જ છે એમ રિપોર્ટ જણાવે છે. વધુ શક્યતાં સોફ્ટ લેન્ડિંગની છે. જે ધીમા પણ સતત આર્થિક વૃદ્ધિ દરને સૂચવે છે. જ્યારે એક અન્ય શક્યતાં આર્થિક દરમાં વૃદ્ધિ સાથે હાર્ડ લેન્ડિંગની છે. આમાં સોફ્ટ લેન્ડિંગની શક્યતાં 45-65 ટકા જેટલી ઊંચી છે. જે સ્થિતિમાં ગોલ્ડના ભાવ સ્થિર જળવાય શકે છે અથવા સુધારો નોંધાવી શકે છે. જોકે, આ ત્રણેય ભિન્ન સ્થિતિઓ દરમિયાન વર્તમાન અનિશ્ચિતતા ગોલ્ડની માગને જાળવી રાખશે એમ કાઉન્સિલનો રિપોર્ટ જણાવે છે.
કેલેન્ડર 2023માં ગોલ્ડને સપોર્ટ પૂરો પાડનારી બે મહત્વની ઘટનામાં એક તો યુએસ ખાતે નાની પ્રાદેશિક બેંક સિલિકોન વેલી બેંકનું પતન હતું. જ્યારે બીજી ઘટના ઈઝરાયેલ પર ત્રાસવાદી સંગઠન હમાસનો હુમલો હતું. જેને કારણે ગોલ્ડમાં ઓક્ટોબરથી ડિસેમ્બરના સમયગાળામાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી. કેલેન્ડરના ત્રીજા ક્વાર્ટર સુધીમાં સેન્ટ્રલ બેંક્સે કુલ 800 ટન સોનું ખરીદ્યું હતું. જે વાર્ષિક ધોરણે 14 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જે કોઈએક વર્ષમાં જોવા મળેલી નોંધપાત્ર માગ વૃદ્ધિ દર્શાવે છે. 2023માં કોમેક્સ ખાતે ગોલ્ડના ભાવ 11 ટકા વૃદ્ધિ દર્શાવી રહ્યાં છે. જ્યારે એમસીએક્સ ખાતે તે 12 ટકા વૃદ્ધિ સૂચવે છે. ભારતીય બજારમાં સોનામાં સાધારણ ઊંચા રિટર્નનું કારણ ડોલર સામે રૂપિયામાં ધીમો ઘસારો છે. ફેડ તરફથી ચાર વાર રેટ વૃદ્ધિ તથા વૈશ્વિક સ્તરે બોન્ડ યિલ્ડ્સમાં ઊંચી વૃદ્ધિ છતાં ગોલ્ડ મજબૂત જળવાય રહ્યું હતું. જે ગોલ્ડ માટે એક અવપાદરૂપ ઘટના હતી.

એપ્રિલથી ઓક્ટો.માં NRI ડિપોઝીટ બમણી થઈ 6.1 અબજ ડોલર પર જોવાઈ
મુખ્યત્વે ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ FCNR(B) એકાઉન્ટ્સ ડિપોઝીટ્સમાં વૃદ્ધિ નોંધાઈ

દેશમાં ચાલુ નાણા વર્ષના પ્રથમ આઁઠ મહિના દરમિયાન વિવિધ નોન-રેસિડેન્ટ ડિપોઝીટ્સ સ્કિમ્સ હેઠળ ડિપોઝીટ્સ બમણી વૃદ્ધિ સાથે 6.1 અબજ ડોલર પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 3.05 અબજ ડોલર પર નોંધાઈ હતી.
એનઆરઆઈ ડિપોઝીટ્સમાં સૌથી ઊંચી વૃદ્ધિ ફોરેન કરન્સી નોન-રેસિડેન્ટ એફસીએનઆર(બી) એકાઉન્ટ્સમાં જોવા મળી હતી. જેને કારણે સમગ્રતયા એનઆરઆઈ ડિપોઝીટમાં ઊંચી વૃદ્ધિ જળવાય હતી. એપ્રિલથી ઓક્ટોબર 2023માં એફસીએનઆર(બી) ડિપોઝીટ્સ ઉછળી 2.06 અબજ ડોલર પર નોંધાઈ હતી. જ્યાં ગયા વર્ષની સરખામણીમાં કુલ 81.4 કરોડ ડોલરનું વિથ્ડ્રોઅલ જોવા મળ્યું હતું. નોન-રેસિડેન્ટ એક્સટર્નલ રૂપિ એકાઉન્ટ્સ અથવા NR(E)RA એકાઉન્ટ્સમાં ડિપોઝીટ્સ ગયા વર્ષે એપ્રિલથી ઓક્ટોબરમાં 1.67 અબજ ડોલર સામે વધી 1.95 અબજ ડોલર પર જોવા મળી હતી. ગણતરીમાં લીધેલા સમયગાળા દરમિયાન સૌથી મોટી વધુ ડિપોઝીટ્સ નોન-રેસિડેન્ટ ઓર્ડિનરી(એનઆરઓ) એકાઉન્ટ્સમાં જોવા મળી હતી. જેનું કુલ મૂલ્ય 2 અબજ ડોલર પર હતું. એનઆરઓ ડિપોઝીટ્સમાં કુલ ફ્લો ગયા વર્ષે સમાનગાળામાં 2.19 અબજ ડોલરનો ફ્લો જોવા મળ્યો હતો. એનઆરઓ એકાઉન્ટ્સ સ્થાનિક આવકના સંચાલન માટે ઉપયોગમાં લેવાય છે. જ્યારે એનઆરઈ એકાઉન્ટનો ઉપયોગ નોન-રેસિડેન્ટ ભારતીય તરફથી વિદેશમાં નફાને ભારતમાં ટ્રાન્સફર કરવામાં ઉપયોગમાં લેવાય છે. બંને એકાઉન્ટ્સમાં ડિપોઝીટ્સને રૂપિયામાં જાળવવામાં આવે છે. જ્યારે ફોરેન કરન્સીમાં જાળવવામાં આવતી ફિક્સ્ડ ડિપોઝીટને એફસીએનઆર(બી) એકાઉન્ટ કહેવામાં આવે છે. આ પ્રકારના એકાઉન્ટમાં કરન્સીના અવમૂલ્યનની કોઈ શક્યતાં રહેતી નથી કેમકે એનઆરઆઈને વિદેશી ચલણમાં નાણા જાળવવાની તક મળે છે. પ્રિન્સિપલ અમાઉન્ટ(મુદલ) તેમજ વ્યાજની આવકને સમગ્રપણે પરત લઈ જવાની છૂટ હોય છે. ડોલર, પાઉન્ડ સ્ટર્લિંગ, યુરો સહિત અન્ય ચલણોમાં એફસીએનઆર(બી) ડિપોઝીટ્સ રાખી શકાય છે. વિવિધ એનઆરઈ ડિપોઝીટ્સ હેઠળ રૂ. 2 કરોડથી નીચી રકમ પર સ્થાનિક બેંક્સ 6.5થી 7.5 ટકાનો ઈન્ટરેસ્ટ રેટ ઓફર કરે છે. દેશમાં સૌથી મોટો લેન્ડર એસબીઆઈ 400 દિવસની મુદત માટે એનઆરઈ ટર્મ ડિપોઝીટ્સ પૂરી પાડે છે. જેમાં રૂ. 2 કરોડથી નીચેની રકમ પર 7.1 ટકા વ્યાજ દર ચૂકવે છે.

ડુંગળીના ભાવમાં બે સપ્તાહમાં 50 ટકા ઘટાડો
સરકારે કોમોડિટીની નિકાસ પર પ્રતિબંધ મૂકતાં તેમજ નવો પાક બજારમા આવતાં ભાવો ગગડ્યાં
ગોંડલ ખાતે રૂ. 600-700 પર બોલાતાં ભાવ રૂ. 51-331 પર જોવા મળ્યાં
મહુવા ખાતે રૂ. 100-500 પ્રતિ મણના ભાવ રૂ. 100-362 બોલાયા

સરકારે ડિસેમ્બરના બીજા સપ્તાહમાં દેશમાંથી ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યાં પછી કોમોડિટીના ભાવમાં લગભગ 50 ટકા જેટલો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે. સોમવારે રાજ્યમાં ડુંગળીના બે મહત્વના યાર્ડ્સમાં ભાવ નોંધપાત્ર નીચે જોવા મળતાં હતાં. જેમાં ગોંડલ યાર્ડ ખાતે ભાવ રૂ. 51-331 પ્રતિ મણ જોવા મળતાં હતાં. જે પખવાડિયા અગાઉ રૂ. 600-700 પર બોલાતાં હતાં. જ્યારે મહુઆ ખાતે ડુંગળીના ભાવ રૂ. 100-362ની રેંજમાં જોવા મળી રહ્યાં હતાં. જે બે સપ્તાહ અદાઉ રૂ. 100-500ની રેંજમાં ટ્રેડ થઈ રહ્યાં હતાં. આમ, નવા પાકની આવકો તેમજ સરકારી પગલાની અસરે ગરીબોની કસ્તૂરીના ભાવ નીચાં આવ્યાં છે. જેને કારણે છૂટક બજાર ભાવ પણ રૂ. 70-80 પ્રતિ કિગ્રા પરથી ઘટી રૂ. 30-40 પર જોવા મળી રહ્યાં છે. અલબત્ત, ચાલુ સિઝનમાં ક્વોલિટીને લઈ સમસ્યા હોવાનું વેપારીઓ જણાવી રહ્યાં છે. તેમના મતે નવેમ્બરમાં કમોસમી વરસાદને કારણે ક્વોલિટી બગડી અને અને તેને કારણે પણ નવા પાકના ભાવ નીચા જળવાયાં છે.
સામાન્યરીતે શિયાળુ સિઝનમાં આવતો પાક લાંબો સમય સુધી ટકતો નથી અને તેથી તેને સંગ્રહી શકાતો નથી. આ સ્થિતિમાં જે ભાવ મળે તે ભાવે તેનું વેચાણ કરવાનું રહે છે. ચાલુ સિઝનમાં દેશમાં પાકમાં 20 ટકા ઘટાડાનો અંદાજ છે. જ્યારે ગુજરાતમાં પણ 25 ટકા પાક નીચો રહેશે એમ બજાર વર્તુળોનું કહેવું છે. જેને કારણે ભાવ પર અગાઉના વર્ષોમાં જોવા મળેલું તેટલું તીવ્ર દબાણ જોવા નથી મળ્યું. સામાન્યરીતે, નવેમ્બર-ડિસેમ્બરમાં નવી આવકો આવે ત્યારે ભાવ પર દબાણ સામાન્ય છે. ભૂતકાળમાં શિયાળુ ડુંગળીના ભાવ રૂ. 20-100ની રેંજમાં પણ જોવા મળ્યાં છે. દેશમાં ડુંગળીના મુખ્ય કેન્દ્ર મહારાષ્ટ્રના નાસિક ખાતે હજુ સુધી આવકો શરૂ થઈ નથી. જે ટૂંક સમયમાં શરૂ થશે. જેની અસરે ભાવ પર થોડું વધુ દબાણ સંભવ છે. જોકે, ત્યાં પણ પાકમાં બગાડના અહેવાલ પાછળ પાક નીચો રહેવાની સંભાવના છે. જે ભાવ માટે પોઝીટીવ બાબત બની શકશે. સરકારી સંસ્થા નાફેડ ઉપરાંત એનસીસીએફ તરફથી ખરીદી શરૂ થવાથી ભાવને સપોર્ટ સાંપડ્યો છે. જોકે, ડુંગળીમાં એમએસપી જેવી કોઈ જોગવાઈ નથી હોતી અને સંસ્થાઓ છેલ્લાં ત્રણ દિવસના સરેરાશ ભાવે ખરીદી કરતી હોય છે. જે ભાવની રીતે કોઈ લાભદાયી નથી બની રહેતી એમ ખેડૂત પ્રતિનિધિ જણાવે છે.

ઓઈલમિલની નિકાસ 45 લાખ ટનને પાર કરી જાય તેવી શક્યતાં

રાયડા ખોળની વિક્રમી નિકાસ પાછળ ચાલુ નાણાકિય વર્ષ(2023-24) દરમિયાન દેશમાંથી તેલ ખોળની નિકાસ વિક્રમી સપાટીને પાર કરી જાય તેવી શક્યતાં સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન રાખી રહ્યું છે. જેમાં 25 લાખ ટન રાયડા ખોળની જ્યારે 15 લાખ ટન સોયા ખોળની નિકાસ જોવા મળશે. ગયા વર્ષે દેશમાંથી 43.4 લાખ ટન તેલ ખોળની નિકાસ થઈ હતી. ચાલુ વર્ષે તેનાથી ઊંચી નિકાસ જોવા મળે તેવી શક્યતાં છે. ગયા વર્ષે રાઈસબ્રાન ખોળની નિકાસ પર પ્રતિબંધ છતાં ઊંચી નિકાસ જોવા મળી હતી.
એપ્રિલથી નવેમ્બર સુધીનો ડેટા જોઈએ તો તેલ ખોળની નિકાસમાં વાર્ષિક 21 ટકા વૃદ્ધિ જોવા મળે છે અને તે 28 લાખ ટનનો આંકડો વટાવી ગઈ છે. હાલમાં ભારતીય સોયા ખોળ સ્પર્ધાત્મક બનતાં તેની ઊંચી માગ જોવા મળી રહી છે. બીજી બાજુ, આર્જેન્ટીના ખાતેથી તેની સપ્લાય નીચી જોવા મળી રહી છે. તેમજ ભારત ખોળના મુખ્ય બજારોથી નજીક હોવાથી લોજીસ્ટીક્સ સંદર્ભમાં પણ લાભ મળે છે. રાયડા ખોળની નિકાસ ગયા વર્ષે 23 લાખ ટનની સર્વોચ્ચ સપાટીએ જોવા મળી હતી. જે વલણ ચાલુ વર્ષે પણ જળવાયું હતું અને નવેમ્બર સુધીમાં 16 લાખ ટનની રાયડા ખોળની નિકાસ થઈ ચૂકી હતી. એરંડા ખોળની નિકાસ પણ ટ્રેક પર છે અને તે ગયા વર્ષના સ્તરેથી ઊંચી જોવા મળે તેવી શક્યતાં છે. ચાલુ રવિ સિઝનમાં રાયડાનું ઊંચું વાવેતર જોતાં નવા વર્ષે પણ રાયડા ખોળની ઊંચી પ્રાપ્તિ જોવા મળી શકે છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

હિકલ લિમિટેડઃ ફાર્મા કંપનીના શેરધારકોએ બાબા કલ્યાણીને કંપનીના ડિરેક્ટર્સ તરીકે ચાલુ રાખવાના સ્પેશ્યલ રેઝોલ્યુશનને ફગાવી દીધું છે. બાબા કલ્યાણી 7 જાન્યુઆરી, 2024ના રોજ 75-વર્ષની વય પૂરી કરશે, જેને ધ્યાનમાં રાખી શેરધારકોએ આ મુજબ નિર્ણય લીધો હોવાનું રેગ્યુલેટરી ફાઈલીંગમાં જણાવાયું છે. કંપનીના જણાવ્યા મુજબ રેઝોલ્યુશનની તરફેણમાં માત્ર 51.99 વોટ્સ પડ્યાં હતાં. જ્યારે 48 ટકા વોટ્સ વિરુધ્ધમાં પડ્યાં હતાં.
એર ઈન્ડિયાઃ વૈશ્વિક એરલાઇન કંપની એર ઇન્ડિયાને મંગળવારે નવી બ્રાન્ડ લિવરી સાથેનું ભારતનું પ્રથમ એરબસ A350 એરક્રાફ્ટ પ્રાપ્ત થયું હતું. નવી ડિલિવરીમાં 20 એરબસ A350-900 એરક્રાફ્ટમાંથી પ્રથમ રજિસ્ટર્ડ VT-JRAનું સ્વાગત કર્યું હતું. જે કંપનીની ટ્રાન્સફોર્મેશન સ્ટોરીમાં મહત્વનો ટર્નિંગ પોઇન્ટ સૂચવે છે. એર ઈન્ડિયા 2012માં બોઈંગ 787 ડ્રીમલાઈનર ફ્લીટ પ્રકારનો સમાવેશ કરનારી પણ પ્રથમ ભારતીય એરલાઈન હતી.
ગોદરેજ પ્રોપર્ટીઝઃ કંપનીએ ગુરુગ્રામ ખાતે રૂ. 2600 કરોડમાં 600 ફ્લેટ્સનું વેચાણ કર્યું છે. તેણે એપ્રિલથી સપ્ટેમ્બર 2023ના છ મહિનામાં આ વેચાણ હાથ ધર્યું હતું. તેણે સમાનગાળામાં 48 ટકા વૃદ્ધિ સાથે કુલ રૂ. 7288 કરોડનું બુકિંગ મેળવ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 4929 કરોડ પર જોવા મળતું હતું. કુલ બુકિંગ્સમાં દિલ્હી-એનસીઆરનો હિસ્સો રૂ. 3186 કરોડનો હતો.
ઈન્ડિગોઃ એરલાઈન કંપનીએ એવિએશન સેફ્ટી રેગ્યુલેટર ડીજીસીએને સુધારેલી પેનલ્ટીના ભાગરૂપે રૂ. 20 લાખ ચૂકવ્યાં છે. કંપનીએ તેના કેટલાંક એરક્રાફ્ટ્સને લઈ ચાર ટેઈલ સ્ટ્રાઈક્સ માટે આ દંડ ભરવો પડ્યો હતો. કંપનીએ અગાઉ ડીજીસીએ તરફથી ફટકારવામાં આવેલી રૂ. 30 લાખની પેનલ્ટી સામે અપીલ કરી હતી. જેને વિચારણામાં લઈ રેગ્યુલેટરે દંડમાં રૂ. 10 લાખનો ઘટાડો કર્યો હતો.
જેએસડબલ્યુ એનર્જીઃ કંપનીની સંપૂર્ણ માલિકીની સબસિડીયરી જેએસડબલ્યુ રિન્યૂ એનર્જીએ તમિલનાડુ ખાતે 810 મેગાવોટ વિન્ડ એનર્જી પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં 51 મેગાવોટ ક્ષમતાને કાર્યાન્વિત કરી છે. આ પ્રોજેક્ટ સોલાર એનર્જી કોર્પોરેશન સાથે 25-વર્ષ માટેનો પાવર પરચેઝ એગ્રીમેન્ટ ધરાવે છે. કંપની 2030 સુધીમાં 20 ગીગાવોટ ક્ષમતાનો ટાર્ગેટ ધરાવે છે.
ICICI સિક્યૂરિટીઝઃ કંપનીએ મુંબઈમાં જૂઈનગર ખાતે 1.9 લાખ ચોરસ ફીટ સ્પેસ લીઝ પર લીધી છે. તેણે માઈન્ડસ્પેસ ખાતે આ જગ્યા લીધી છે. જે માટે લીઝનો સમયગાળો 144 મહિનાઓનો છે. જે 1 જાન્યુઆરી, 2024થી શરૂ થશે. કંપની માસિક ધોરણે પ્રતિ ચો. ફીટ રૂ 49નું રેંટ ચૂકવશે.
આઈનોક્સ વિન્ડઃ કંપનીએ મોટા કમર્સિયલ અને ઈન્ડસ્ટ્રીઅલ પ્લેયર તરફથી 279 મેગાવોટ પ્રોજેક્ટ માટેનો ઓર્ડર મેળવ્યો છે. ઓર્ડરમાં લિમિટેડ સ્કોપ ઈપીસી સાથે 180 મેગાવોટ માટે ઈક્વિપમેન્ટ સપ્લાયનો તથા 99 મેગાવોટ માટે એન્ડ-ટુ-એન્ડ ટર્નકી એક્ઝિક્યૂશનનો સમાવેશ થાય છે. ઓર્ડરમાં 3 મેગાવોટના વિન્ડ ટર્બાઈન જનરેટર્સનો તથા તે કાર્યાન્વિત થયા પછી ઓપરેશન્સ એન્ડ મેન્ટેનન્સ સર્વિસિઝનો સમાવેશ થાય છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage