Market Summary 26 April 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

વૈશ્વિક બજારોમાં બાઉન્સ પાછળ રિલીફ રેલી જોવાઈ
નિફ્ટી 17200ના સ્તર પર બંધ આપવામાં સફળ
ચીનને બાદ કરતાં સાર્વત્રિક સુધારો
વોલેટિલિટી ઈન્ડેક્સ 10 ટકા ગગડી 19.18ના સ્તરે
ઓટો, એનર્જી, એફએમસીજીમાં ભારે લેવાલી
હેવીવેઈટ રિલાયન્સ સર્વોચ્ચ સપાટી નજીક
વૈશ્વિક બજારોમાં બાઉન્સ પાછળ સ્થાનિક બજારમાં શોર્ટ કવરિંગ પાછળ લગભગ દોઢ ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક્સ સેન્સેક્સ 777 પોઈન્ટ્સ ઉછળી 57357ના સ્તરે જ્યારે નિફ્ટી 246 પોઈન્ટ્સ ઉછળી 17200ના સ્તરે બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 10 ટકા ગગડી 19.18ના સ્તરે જોવા મળ્યાં હતાં. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 42 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે માત્ર આંઠ કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટમા પણ ધીમી ખરીદી જોવા મળી હતી અને માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી.
સોમવારે નવા સપ્તાહની નરમાઈ સાથે શરૂઆત બાદ મંગળવારે તેજીવાળાઓએ વળતો પ્રહાર કર્યો હતો અને ઈન્ટ્રા-ડે બે બાજુની વધ-ઘટ વચ્ચે આખરે દિવસની ટોચ નજીક બંધ આપવામાં સફળતા મેળવી હતી. વૈશ્વિક સ્તરે ચીન સિવાય મોટાભાગના બજારો પોઝીટીવ જોવા મળ્યાં હતાં. યુરોપ બજારો એક ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. જોકે એશિયન બજારો સામાન્ય પોઝીટીવ જોવા મળ્યાં હતાં. સોમવારે યુએસ ખાતે નાસ્ડેકે 1.3 ટકાનો સુધારો દર્શાવ્યો હતો. માર્કેટ એનાલિસ્ટ્સના મતે બજાર ફેડ તરફથી 50 બેસીસ પોઈન્ટ્સની રેટ વૃદ્ધિને ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે. વૈશ્વિક બજારો ઓવરસોલ્ડ છે અને તેથી તેઓ બાઉન્સ દર્શાવી શકે છે. ભારતીય બજાર તેમને અનુસરે તેવી શક્યતાં છે. જોકે સ્થાનિક બજારમાં ચોથા ક્વાર્ટરના પરિણામો અપેક્ષા મુજબના જોવા નથી મળ્યાં અને તેથી બજારમાં સેન્ટિમેન્ટ જોઈએ તેટલું અપબીટ જોવા મળી રહ્યું નથી. નિફ્ટી માટે 16800નો સપોર્ટ મહત્વનો છે. જે તૂટશે તો વધુ ખરાબી જોવા મળી શકે છે. જ્યારે બીજી બાજુ 17400નું સ્તર પાર કરશે તો 17800 ફરીથી દર્શાવી શકે છે.
મંગળવારે બજારને મુખ્ય સપોર્ટ ઓટો, એફએમસીજી, એનર્જી અને મેટલ્સ તરફથી સાંપડ્યો હતો. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 2.8 ટકા ઉછળ્યો હતો. જેમાં ટુ-વ્હીલર્સ કંપનીઓના શેર્સે સારો દેખાવ દર્શાવ્યો હતો. નિફ્ટી એફએમસીજી 1.88 ટકા, નિફ્ટી એનર્જી 1.65 ટકા અને નિફ્ટી ફાર્મા 1.11 ટકાનો ઉછાળો સૂચવતાં હતાં. નિફ્ટી પીએસયૂ બેંક પણ 2.32 ટકા જેટલી મજબૂતી દર્શાવતો હતો. નિફ્ટી આઈટી 0.3 ટકા સુધારો સૂચવી રહ્યો હતો. નિફ્ટી રિઅલ્ટી 3.57 ટકા સાથે દેખાવમાં ટોચ પર હતો. હેવીવેઈટ રિલાયન્સ પણ લગભગ 3 ટકા સુધારા સાથે રૂ. 2776ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. કંપની આગામી એકાદ-બે દિવસોમાં રૂ. 19 લાખ કરોડના માર્કેટ-કેપને પાર કરે તેવી પૂરી શક્યતા જોવા મળી રહી છે. નિફ્ટી કાઉન્ટર્સમાં અદાણી પોર્ટ્સ 5.8 ટકા સાથે સુધારામાં ટોચ પર હતો. સાથે બજાજ ઓટો 5.7 ટકા, હીરો મોટોકોર્પ 5 ટકા, એમએન્ડએમ 4 ટકા, પાવર ગ્રીડ કોર્પો. 4 ટકા, ટાઈટન કંપની 4 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં ચોલા ઈન્વેસ્ટમેન્ટ 7 ટકા સુધારા સાથે ટોચ પર હતો. એપોલો ટાયર્સ 6.33 ટકા, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 6 ટકા અને મધરસન સુમી 5.8 ટકા સુધારો દર્શાવતાં હતાં.
બ્રોડ માર્કેટમાં બીએસઈ ખાતે કુલ 3502 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1907 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1502 નેગેટિવ જોવા મળ્યાં હતાં. જ્યારે 154 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ નોંધાવી હતી. બીજી બાજુ 17 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1.62 ટકા જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.17 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. નિફ્ટી મીડ-કેપ કાઉન્ટર્સમાં બોમ્બે બર્માહ 9 ટકા સાથે ટોચનો દેખાવ દર્શાવતો હતો. જ્યારે સ્મોલ-કેપ કાઉન્ટર્સમાં ટીવી18 બ્રોડકાસ્ટ 7 ટકા સાથે ટોચ પર હતો. આ સિવાય તાન્લા પ્લેટફોર્મ્સ 7 ટકા, જીએનએફસી 5 ટકા, ઈઆઈડી પેરી 4.4 ટકા, સ્ટ્રાઈડ્સ ફાર્મા 3.6 ટકા અને આઈઈએક્સ 3.5 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં.


અદાણી વિલ્મેરે રૂ. એક લાખ કરોડનું M-cap કૂદાવ્યું
અદાણી જૂથની ફેબ્રુઆરી મહિનામાં લિસ્ટ થયેલી અદાણી વિલ્મેરે રૂ. એક લાખ કરોડનું માર્કેટ-કેપ પાર કર્યું છે. કંપનીનો શેર મંગળવારે એનએસઈ ખાતે 5 ટકાની અપર સર્કિટમાં રૂ. 803.15ના સ્તરે બંધ રહ્યો હતો. જે ભાવે તેનું માર્કેટ-કેપ રૂ. 1.04 લાખ કરોડ પર જવા મળ્યું હતું. કંપનીનો શેર તેના બે મહિના અગાઉના લિસ્ટીંગ બાદના રૂ. 227ના તળિયાના સ્તરેથી 200 ટકા કરતાં વધુ વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. સોમવારે અદાણી જૂથની અદાણી પાવરે રૂ. 1 લાખ કરોડનું માર્કેટ-કેપ પાર કર્યું હતું. જ્યારબાદ અદાણી વિલ્મેર એકમાત્ર કંપની રૂ. 1 લાખ કરોડથી નીચું માર્કેટ-કેપ ધરાવતી હતી. જેણે મંગળવારે તે સીમાચિહ્ન હાંસલ કરતાં જૂથની તમામ સાતેય કંપનીઓ રૂ. 1 લાખ કરોડથી વધુનું મૂલ્ય ધરાવે છે.
2021-22માં ક્રૂડની આયાત મૂલ્ય સંદર્ભમાં આંઠ વર્ષોની ટોચ પર
વિશ્વમાં ઓઈલના ત્રીજા સૌથી મોટા વપરાશકાર ભારતે નાણાકિય વર્ષ 2021-22માં 2.12 કરોડ ટન ક્રૂડ આયાત નોંધાવી હતી. મૂલ્યની રીતે તે 119.2 અબજ ડોલર જેટલી હતી. જે નાણાકિય વર્ષ 2013-14 પછીની ટોચ પર જોવા મળી હતી. 2013-14 દરમિયાન દેશમાં 143 અબજ ડોલરના મૂલ્યની ક્રૂડ આયાત જોવા મળી હતી. માર્ચ 2022માં ક્રૂડ આયાતમાં 5.4 ટકા જ્યારે સમગ્ર વર્ષ દરમિયાન ક્રૂડ આયાતમાં 8 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. વાર્ષિક ધોરણે ક્રૂડની આયાત 92 ટકા ઉછળી હતી. 2021-22માં ક્રૂડ આયાત 62.2 અબજ ડોલર પર જોવા મળી હતી. માસિક ધોરણે ભારતમાં ક્રૂડ માર્ચ 2022માં વિક્રમી સ્તરે જોવા મળ્યો હતો. ડિઝલ અને પેટ્રોલના ભાવ પણ તેમની વિક્રમી સપાટી પર પહોંચ્યાં હતાં.
છ વર્ષોમાં ભારતીય કંપનીઓએ 1.38 લાખ ટેક પેટન્ટ્સ ફાઈલ કરી
કેલેન્ડર 2015થી 2021 દરમિયાન ભારતીય કંપનીઓએ 1.38 લાખ ટેક પેટન્ટ્સ ફાઈલ કરી હોવાનું નાસ્કોમે જણાવ્યું છે. જે સૂચવે છે કે ભારતમાં ટેક્નોલોજી ઈનોવેશન ગતિ મેળવી રહ્યું છે. નાસ્કોમની ઈમર્જિંગ ટેક્નોલોજિ-ફોકસ્ડ રિપોર્ટ્સ સિરિઝમાંનો એક રિપોર્ટ આમ જણાવે છે. આ રિપોર્ટનો હેતુ ભારતીય ટેક્નોલોજિ કંપનીઓ તેમના સૌથી મોટા માર્કેટમાં કેવી રીતે આઈપી એસેટ્સ ઊભી કરી રહી છે તે સમજાવવાનો છે. રિપોર્ટ મુજબ યુએસ ભારત માટે મુખ્ય નિકાસ બજાર બની રહ્યું છે. 2015-2021 વચ્ચે ભારતીય કંપનીઓએ 9500 પેટન્ટ્સ ફાઈલ કરી છે.

અદાણી જૂથ અંબુજા સિમેન્ટની ખરીદી માટે મંત્રણાના આખરી તબક્કામાં
દેશમાં હોલ્સિમ બિઝનેસની ખરીદી માટે ટૂંકમાં જ કરાર પર સાઈન થવાના અહેવાલ
ગૌતમ અદાણીનું કોંગ્લોમેરટ જૂથ હોલ્સિમ લિમિટેડના ભારતના બિઝનેસની ખરીદી માટે આખરી તબક્કાની મંત્રણામાં પહોંચ્યું હોવાના અહેવાલ છે. ટૂંક સમયમાં જ અદાણી જૂથ હોલ્સિમ પાસેથી અંબુજા સિમેન્ટ્સમાં બહુમતી હિસ્સો ખરીદવા માટેના કરાર સાઈન કરે તેવી શક્યતાં વર્તુળો જણાવે છે. હોલ્સિમના સિમેન્ટ બિઝનેસમાં જીએસડબલ્યુ જૂથે પણ રસ દર્શાવ્યો હોવાનું જાણવા મળે છે.
એપ્રિલ મહિનામાં અત્યાર સુધીમાં અંબુજા સિમેન્ટનો શેર 26 ટકા જેટલો ઉછળ્યો છે અને તેનું માર્કેટ-કેપ રૂ. 77 હજાર કરોડ નજીક પહોંચ્યું છે. મંગળવારે અંબુજા સિમેન્ટનો શેર 2.34 ટકા ઉછળી રૂ. 385.15ની સપાટી પર બંધ રહ્યો હતો. હાલમાં અંબુજા સિમેન્ટમાં હોલ્સિમ પાસે 63.1 ટકા હિસ્સો રહેલો છે. કંપની તેના સમગ્ર હિસ્સાનું વેચાણ કરી ભારતમાંથી એક્ઝિટ ઈચ્છી રહી છે. અંબુજાની પેટાકંપનીમાં એસીસીનો પણ સમાવેશ થાય છે. જાણકાર વર્તુળોના મતે હજુ સુધી આખરી નિર્ણય લેવામાં આવ્યો નથી. જોકે મંત્રણા આખરી તબક્કામાં પહોંચી ચૂકી છે. હોલ્સિમના અને જેએસડબલ્યુ જૂથના પ્રતિનિધિઓએ કશું કહેવાનો ઈન્કાર કર્યો હતો. જ્યારે અદાણી અને અંબુજાના પ્રતિનિધિઓનો સંપર્ક થઈ શક્યો નહોતો. હોલ્સિમ તાજેતરમાં વિશ્વભરમાં તેની નોન-કોર એસેટ્સનું વેચાણ કરી રહી છે. ગયા સપ્ટેમ્બરમાં તેણે બ્રાઝિલના યુનિટનું એક અબજ ડોલરમાં વેચાણ કર્યું હતું. જ્યારે ઝીમ્બાબ્વેના બિઝનેસનું પણ વેચાણ કરવા વિચારી રહી છે. અંબુજા સિમેન્ટની સ્થાપના 1983માં થઈ હતી. કંપની 3.1 કરોડ ટનની સિમેન્ટ ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. તેની પાસે કુલ છ ઈન્ટિગ્રેટેડ મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટ આવેલા છે. જ્યારે આંઠ સિમેન્ટ ગ્રાઈન્ડિંગ યુનિટ્સ ધરાવે છે. અદાણી જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઇઝિસ બે સિમેન્ટ પેટાકંપનીઓ ધરાવે છે. જેમાં અદાણી સિમેન્ટેશન ગુજરાતમાં ઈન્ટિગ્રેટેડ ફેસિલિટી માટે વિચારી રહી છે એમ નવેમ્બરમાં કોમ્પ્લાયન્સ રિપોર્ટમાં જણાવાયું હતું. જ્યારે જૂન 2021માં જૂથે અદાણી સિમેન્ટ લિમિટેડની સ્થાપના કરી હતી.

MSCI EMમાં ત્રણ ભારતીય કંપનીઓની એન્ટ્રી, બેની એક્ઝિટની શક્યતા
ટાટા એલેક્સી, જિન્દાલ સ્ટીલ પાવર અને અદાણી પાવર ઈન્ડેક્સમાં ઉમેરાય શકે

એમએસસીઆઇ ઇએમ ઇન્ડેક્સમાં ત્રણ ભારતીય સ્ટોક્સ સામેલ થાય તેમજ આગામી મહિને ગ્લોબલ ઇન્ડેક્સ પ્રોવાઇડર્સના સેમી-એન્યુઅલ ઇન્ડેક્સ રિવ્યૂ (એસએઆઇઆર) દરમિયાન બે સ્થાનિક સ્ટોક્સ દૂર કરવામાં આવે તેવી શક્યતા છે. આ પગલાંથી ઇન્ડેક્સના ફંડ ટ્રેકિંગ દ્વારા રૂ. 6,900 કરોડ જેટલાં ઉભા થવાની સંભાવના છે.
એક અંદાજ મૂજબ ટાટા એલેક્સી, જિન્દાલ સ્ટીલ પાવર અને અદાણી પાવર એમએસસીઆઇ ઇએમ ઇન્ડેક્સમાં સ્થાન હાંસલ કરવામાં અગ્રેસર છે. તેના પરિણામે ટાટા એલેક્સીમાં રૂ. 2,150 કરોડ, જિન્દાલ સ્ટીલ પાવરમાં રૂ. 1,649 કરોડ તથા અદાણી પાવરમાં રૂ. 1,502 કરોડના પ્રવાહની સંભાવના રહેશે. બીજી તરફ એચડીએફસી એસેટ મેનેજમેન્ટ ઇન્ડેક્સમાંથી બહાર થઇ શકે છે, જેના પરિણામે પેસિવ ફંડ્સ દ્વારા રૂ. 820 કરોડની વેચવાલી થઇ શકે. જાહેરક્ષેત્રની ઇન્દ્રપ્રસ્થ ગેસ પણ તેમાંથી બહાર થઇ શકે છે, પરંતુ તેના બહાર નીકળવાની સંભાવનાઓ ઓછી છે. વધુમાં એમએસસીઆઇ ઇએમ ઇન્ડેક્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનું ભારણ વધી શકે છે. તેનું કારણ નવેમ્બર 2021માં પાર્ટલી પેઇડ-અપ શેર્સનું ઓર્ડનિરી શેર્સમાં કન્વર્ઝન પણ છે. ઉલ્લેખનીય છે કે પ્રાદેશિક સૂચકાંકો (નિફ્ટી અને સેન્સેક્સ)એ પહેલેથી જ એડજસ્ટમેન્ટ્સ કર્યાં છે અને હવે એમએસસીઆઇના મે રિવ્યૂ દરમિયાન તેનું અનુકરણ થઇ શકે છે. ઇનફ્લોનું સ્તર અંદાજે રૂ. 1,500 કરોડ રહી શકે છે. એમએસસીઆઇ 12 મેના રોજ મે 2022 એસએઆઇઆરના પરિણામો જાહેર કરશે. તેમાં જાહેર કરાયેલા ફેરફાર 31 મે સુધીમાં લાગુ કરવામાં આવશે.

LIC 4મેના રોજ 21K કરોડના IPO સાથે બજારમાં પ્રવેશવાની શક્યતાં
સરકાર શરૂઆતી યોજનાના માત્ર ત્રીજા ભાગની રકમ એકત્ર કરશે
કંપનીનું બોર્ડ પ્રાઈસ બેન્ડ અને પોલિસીધારક રિઝર્વેસન તથા ડિસ્કાઉન્ટ અંગે મંગળવારે નિર્ણય લેશે
દેશમાં સૌથી મોટી જીવન વીમા કંપની તથા સરકારી સાહસ લાઈફ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા 4 મેના રોજ આઈપીઓ સાથે બજારમાં પ્રવેશે તેવી શક્યતાં છે. ઈસ્યુ 9 મે સુધી સબસ્ક્રિપ્શન માટે ઓપન રહેશે. પીએસયૂ કંપનીનું બોર્ડ મંગળવારે આઈપીઓ માટે પ્રાઈસ બેન્ડ, લોટ સાઈઝ, પોલીસીહોલ્ડર રિઝર્વેશન અને ડિસ્કાઉન્ટ અંગે નિર્ણય લેવાનું હતું.
સરકારે અગાઉ માર્ચ મહિનામાં રૂ. 60-65 હજારના કદના આઈપીઓ સામે હવે માત્ર ત્રીજા ભાગની રકમ એકત્ર કરશે. અગાઉ 5 ટકા હિસ્સા સામે રૂ. 60 હજાર સામે હવે 3.5 ટકા હિસ્સામાંથી માત્ર રૂ. 21 હજાર ઊભા કરવાની વાત છે. અગાઉ સરકાર લગભગ 32 કરોડ શેર્સનું વેચાણ કરવાની હતી. જ્યારે હવે તે 22 કરોડ શેર્સનું વેચાણ કરે તેવી અપેક્ષા છે. 6 લાખ કરોડના વેલ્યૂએશને લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશનનો આઈપીઓ કરવામાં આવશે. જે અગાઉ રૂ. 12 લાખના વેલ્યૂએશનની વાત હતી. આમ વેલ્યૂએશન્સમાં પણ તે મોટું સમાધાન કરવા જઈ રહી છે. 30 સપ્ટેમ્બર 20221ના રોજ એલઆઈસીની એમ્બેડેડ વેલ્યૂ રૂ. 5.4 લાખ કરોડ નિર્ધારિત કરવામાં આવી હતી. સામાન્યરીતે એમ્બેડેડ વેલ્યૂના 2-3 ગણા વેલ્યૂએશને જીવન વીમા કંપનીઓ ટ્રેડ થતી હોય છે. જોકે તાજા વેલ્યૂએશનને જોતાં આ રેશિયો જોવા મળતો નથી. સરકારે ગયા સપ્તાહે જ માર્કેટ રેગ્યુલેટર સેબી પાસે 5 ટકાથી ઓછા હિસ્સાના વેચાણ માટે મંજૂરી માગી હતી. નિયમ મુજબ રૂ. 1 લાખ કરોડથી વધુનું મૂલ્ય ધરાવતી કંપનીમાં 5 ટકાથી ઓછા હિસ્સાનું વેચાણ થઈ શકે નહિ.
એલઆઈસીએ તેના પોલિસીધારકો માટે ઈસ્ય કદના 10 ટકા હિસ્સો રિઝર્વ રાખ્યો છે. જ્યારે 5 ટકા હિસ્સો કર્મચારીઓ માટે રિઝર્વ રાખ્યો છે. તેમજ તેમને પૂરું ડિસ્કાઉન્ટ દેવાનું પણ વિચાર્યું છે. પોલિસીધારકો તથા કર્મચારીઓ માટે 5-10 ટકાની રેંજમાં ડિસ્કાઉન્ટની શક્યતા છે. એલઆઈસીએ રિટેલ ઈન્વેસ્ટર્સ માટે 35 ટકા હિસ્સો રિઝર્વ રાખ્યો છે. એલઆઈસી હાલમાં 13 લાખ એજન્ટ્સનું નેટવર્ક ધરાવે છે. તે 29 કરોડ પોલિસીધારકો ધરાવે છે. જ્યારે દેશના જીવન વીમા બજારમાં તેનો હિસ્સો 61.6 ટકા જેટલો છે. 2021-22ના ઈકોનોમિક સર્વે મુજબ લાઈફ ઈન્શ્યોરન્સ પ્રવેશ 2020માં વધીને 3.2 ટકા પર જોવા મળ્યો હતો. જે વૈશ્વિક સરેરાશની નજીકનો છે.

મોટા વિદેશી રોકાણકારો LIC ઓફરથી દૂર રહેવાની શક્યતા
લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (એલઆઇસી)ના આઇપીઓ માટે કેન્દ્ર સરકાર મોટા વૈશ્વિક રોકાણકારો સાથે સંપર્ક કર્યો છે, જેમાંથી કેટલાંકે કોઇપણ ભારતીય આઇપીઓમાં એન્કર કર્યાં નથી, તેઓ આ ઇશ્યૂમાં સામેલ ન થાય તેવી સંભાવના છે. જોકે, કેન્દ્ર સાથે તેમના સંવાદમાં તેમણે લિસ્ટેડ કંપનીના પ્રદર્શનને આધારે ઇશ્યૂરની ભાવિ ઓફરિંગ્સમાં રોકાણ કરવા અંગે વિચારણા કરવાની ખાતરી આપી છે. એલઆઇસીના આઇપીઓના રોડશો દરમિયાન કેન્દ્રએ 180-200 જેટલાં મોટા રોકાણકારોનો સંપર્ક કર્યો હતો, જેમાં સોવરિન વેલ્થ ફંડ્સ તથા વૈશ્વિક સ્તરે મોટા આઇપીઓ ઉપર કેન્દ્રિત રોકાણકારો તથા એનવાયર્નમેન્ટ, સોશિયલ અને ગવર્નન્સ (ઇએસજી) આધારિત રોકાણનો નિક્ણય કરનાર વગેરેનો સમાવેશ થાય છે.
ઉલ્લેખનીય છે કે એલઆઇસીના બોર્ડે એલઆઇસીના આઇપીઓનું કદ ઘટાડીને 3.5 ટકા અથવા રૂ. 21,000 કરોડ કરવાનો નિર્ણય કર્યો છે ત્યારે કેન્દ્ર કેટલાંક મોટા વિદેશી રોકાણકારો સાથે હજૂપણ સંપર્કમાં રહીને તેમનો પ્રતિસાદ જાણવા પ્રયાસ કરી રહ્યું છે. જો તેઓ આઇપીઓમાં સામેલ થવા ઇચ્છુક હોય તો કદ વધારીને 5 ટકા કરી શકાય. યુક્રેન યુદ્ધને કારણે પેદા થયેલી પરિસ્થિતિના કારણે રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર થઇ છે અને તેઓ ઉભરતાં બજારોમાં રોકાણ કરવામાં સાવચેતી દાખવી રહ્યાં છે. યુએસ ફેડરલ રિઝર્વના આકરા વલણને કારણે સુરક્ષિત રોકાણ પ્રત્યેનું પણ આકર્ષણ વધ્યું છે. જોકે, મોટાભાગના રોકાણકારોએ કેન્દ્રને ખાતરી આપી છે કે તેઓ લિસ્ટેડ કંપની તરીકે એલઆઇસીના પ્રદર્શનનું મૂલ્યાંકન કરીને તેની ભાવિ ઓફરિંગ્સમાં રોકાણ કરવાની વિચારણા કરશે.
આથી સરકારે મોટા રોકાણકારોની અનુપસ્થિતિમાં પણ આઇપીઓ લાવવામાં આગળ વધવાનો નિર્ણય કર્યો છે કારણકે સ્થાનિક રોકાણકારો અને કેટલાંક વિદેશી રોકાણકારોનો પ્રતિસાદ ખૂબજ સકારાત્મક છે. મહત્વપૂર્ણ છે કે સ્થાનિક રોકાણકારોની ખરીદીને કારણે ભારતીય ઇક્વિટી બજારોમાં મજબૂતાઇ જળવાઇ રહી છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

મહિન્દ્રા સીઆઈઈઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2599 કરોડની આવક દર્શાવી છે. જે અગાઉના વર્ષે સમાનગાળામાં રૂ. 2081 કરોડ પર હતી. કંપનીનો નફો ત્રિમાસિક ધોરણે રૂ. 80.2 કરોડ પરથી ઉછળી 161 કરોડ જોવા મળ્યો હતો.
જીએમડીસીઃ ગુજરાત સરકારના પીએસયૂએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1057 કરોડની આવક દર્શાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 566 કરોડ સામે 87 ટકા વૃદ્ધિ દર્શાવતી હતી. જ્યારે કંપનીનો નફો રૂ. 177 કરોડ પર જોવા મળ્યો હતો. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 177 કરોડની ખોટ નોંધાવી હતી.
રામ્કો સિમેન્ટઃ કંપની વેસ્ટ હીટ રિકવરી ટેક્નોલોજિના ઉપયોગ વડે 39.15 મેગાવોટની પાવર જનરેશન ક્ષમતા હાંસલ કરશે.
બેંક ઓફ મહારાષ્ટ્રઃ જાહેર ક્ષેત્રની બેંક પર બેંક રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ રૂ. 1.12 કરોડની પેનલ્ટી લાગુ પાડી છે.
એવરેડીઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 38 કરોડની ખોટ દર્શાવી છે. તેણે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 443 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 273 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે રૂ. 241 કરોડ પર જોવા મળી હતી.
વરુણ બેવરેજીસઃ એફએમસીજી કંપનીનું બોર્ડ 28 એપ્રિલે બોનસ શેર્સના ઈસ્યુને લઈને વિચારણા હાથ ધરશે.
લેમન ટ્રીઃ કંપનીએ ચંદીગઢ નજીક ખરાર ખાતે લેમન ટ્રી હોટેલ બ્રાન્ડ નામ હેઠળ 60 રૂમની હોટેલ માટે લાયસન્સ એગ્રીમેન્ટ સાઈન કર્યો છે.
વાટેકઃ વર્તમાન જીઓ-પોલિટીકલ અનિશ્ચિતતાઓને જોતાં ગ્રાહકોએ રશિયા ખાતે પ્રોજેક્ટમાં વધુ કામગીરીને સસ્પેન્ડ કર્યાંનું જણાવ્યું છે.
તત્વ ચિંતન ફાર્માઃ સ્પેશ્યાલિટી કેમિકલ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 17.51 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 17 ટકા ઘટાડો દર્શાવે છે.
ઝી લર્નઃ કંપનીએ જણાવ્યું છે કે યસ બેંકે કંપનીની સામે રેઝોલ્યુશન પ્રક્રિયા શરૂ કરી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage