Market Summary 26 Feb 2021

માર્કેટ સમરી

નિફ્ટીએ 14635નો સપોર્ટ તોડ્યો

વૈશ્વિક બજારોની પાછળ ભારતીય બજારમાં તીવ્ર વેચવાલી જોવા મળી હતી. બેન્ચમાર્ક નિફ્ટી 15100ના બંધ પરથી સીધો 145600ની અંદર આવી ગયો હતો. તે 568 પોઈન્ટ્સ તૂટી 14529ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ 1939 પોઈન્ટ્સ તૂટી 49099 પર બંધ રહ્યો હતો. બંને બેન્ચમાર્ક્સ હાલમાં ટ્રેન્ડ રિવર્સલ દર્શાવી રહ્યાં છે એમ કહી શકાય.

હિંદુસ્તાન કોપરનો શેર વધુ 10 ટકા ઉછળ્યો

હિંદુસ્તાન કોપરનો શેર અવિરત સુધારો દર્શાવી રહ્યો છે. કોપરના ભાવમાં મજબૂતીનો લાભ કંપનીને મળી રહ્યો છે. શુક્રવારે કંપનીનો શેર વધુ 10 ટકા ઉછળી રૂ. 154ના સ્તરે જોવા મળ્યો હતો. અંતિમ એક મહિનામાં તે રૂ. 50ના સ્તરેથી સુધરતો રહી ત્રણ ગણો ભાવ દર્શાવી રહ્યો છે. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 14000 કરોડને પાર કરી ગયું છે. માર્ચ 2020ના રૂ. 18 તળિયાથી તે 8 ગણો સુધારો દર્શાવી રહ્યો છે.

બ્લ્યૂસ્ટાર લિ.નો શેર સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થયો

કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સ કંપની બ્લ્યૂસ્ટાર લિ.નો શેર શુક્રવારે નવી ટોચ પર પહોંચ્યો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 839ના બંધ સામે 4 ટકાના સુધારે રૂ. 874 પર ટ્રેડ થયો હતો અને કંપનીનું માર્કેટ-કેપ રૂ. 8300 કરોડને પાર કરી ગયું હતું. કંપનીનો શેર અન્ય કન્ઝ્યૂમર ઈલેક્ટ્રોનિક્સ કંપનીની સરખામણીમાં અન્ડરપર્ફોર્મર રહ્યો છે. માર્ચ 2020ના રૂ. 425ના તળિયા સામે તે લગભગ બમણુ રિટર્ન દર્શાવી રહ્યો છે.

થર્મેક્સનો શેર રૂ. 1400ની સપાટી કૂદાવી ગયો

હેવી ઈલેક્ટ્રીક ઈક્વિપમેન્ટ ઉત્પાદક થર્મેક્સનો શેર 12 ટકા ઉછળી રૂ. 1435 પર ટ્રેડ થયો હતો. જ્યારે કામકાજના અંતે 6 ટકા સુધરી બંધ રહ્યો હતો. કંપનીનો શેર રૂ. 1291ના અગાઉના બંધ સામે રૂ. 140થી વધુનો સુધારો દર્શાવતો હતો. અન્ય કેપિટલ ગુડ્ઝ કંપનીઓના શેર્સની સાથે  થર્મેક્સનો શેર છેલ્લા એક મહિનામાં સારો સુધારો નોંધાવી ચૂક્યો છે. માર્ચ 2020ના રૂ. 644ના તળિયાથી પણ તે બે ગણાથી વધુ વૃદ્ધિ દર્શાવી રહ્યો છે. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 16000 કરોડને પાર કરી ગયું છે.

સોનું-ચાંદી સહિત બેઝ મેટલ્સ નરમ

કોમોડિટીઝમાં ઊંચા સ્તરે પ્રોફિટ બુકિંગ જોવા મળી રહ્યું છે. સોનામાં ઘટેલા ભાવથી રિકવરી ટકતી નથી ત્યારે ચાંદી રૂ. 70 હજાર પર ટકવામાં સતત નિષ્ફળ જઈ રહી છે. શુક્રવારે સોનુ રૂ. 47ના ઘટાડે રૂ. 46194 પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે ચાંદી 1.6 ટકા અથવા રૂ. 1106ના ઘટાડે રૂ. 68170 પર ટ્રેડ થઈ રહી હતી. બેઝ મેટલ્સમાં કોપરમાં 1.5 ટકાનો ઘટાડો જોવા મળતો હતો અને તે બે દિવસમાં તે રૂ. 745ની ટોચ બનાવીને રૂ. 710 સુધીનો ઘટાડો દર્શાવતું હતું. ઝીંક, લેડ અને એલ્યુમિનિયમમાં પણ નરમાઈ જોવા મળતી હતી. એકમાત્ર ક્રૂડ વાર્ષિક ટોચ પર ટ્રેડ થઈ રહ્યું છે.

 

 

 

પ્રાઈમરી માર્કેટ ટ્રેડર્સને સતત બીજા દિવસે પણ સારુ વળતર

રેલટેલ કોર્પોરેશને લિસ્ટીંગ દિવસે 30 ટકાથી વધુ રિટર્ન દર્શાવ્યું

ન્યૂરેકાનો શેર બીજા દિવસે 5 ટકાની ઉપર સર્કિટમાં બંધ રહ્યો

 

સેકન્ડરી માર્કેટમાં ઊંચી વોલેટિલિટી વચ્ચે પ્રાઈમરી માર્કેટ ટ્રેડર્સને સારા રિટર્નથી નવાજી રહ્યું છે. ગુરુવારે ન્યૂરેકા લિ.ના બમ્પર લિસ્ટીંગ બાદ સપ્તાહના આખરી દિવસે ભારત સરકારના મિનિરત્ન એવા રેલટેલ કોર્પોરેશનનું પણ સારુ લિસ્ટીંગ જોવા મળ્યું હતું. કંપનીએ બજાર પર પ્રવેશના પ્રથમ દિવસે 30 ટકાથી વધુ રિટર્ન આવી રિટેલ ટ્રેડર્સને રાહત આપી હતી. સેકન્ડરી માર્કેટમાં 2 ટકાથી વધુના ગેપ-અપ ઓપનીંગને કારણે ટ્રેડર્સને લિસ્ટીંગને લઈને થોડી ચિંતા સતાવતી હતી. જોકે શેર રૂ. ત્રણ આંકડામાં ખૂલીને દિવસ દરમિયાન મજબૂત ટકેલો રહ્યો હતો.

શુક્રવારે કામકાજના અંતે બીએસઈ ખાતે રેલટેલનો શેર 29.10 ટકાના સુધારે રૂ. 121.35ની સપાટી પર બંધ રહ્યો હતો. જે રૂ. 94ના ઈસ્યુ ભાવ સામે રૂ. 27.15નો ચોખ્ખો લાભ દર્શાવે છે. ઈસ્યુને સારો પ્રતિસાદ મળ્યો હતો અને કંપનીનો આઈપીઓ  42.4 ગણો છલકાયો હતો. જેમાં રિટેલ ભરણુ તેના 17 ગણુ ભરાઈ ગયું હતું. આમ રિટેલનો મોટો ભાગ લિસ્ટીંગથી વંચિત રહ્યો હતો. જોકે ગયા મહિને અન્ય રેલ્વે કંપની આઈઆરએફસીનો શેર રૂ. 26ની ઓફર ભાવ સામે ડિસ્કાઉન્ટમાં લિસ્ટ થયો હતો અને હજુ પણ ઓફરભાવને પાર કરી શક્યો નથી. જેને કારણે રોકાણકારોમાં ચિંતા સ્વાભાવિક હતી. જોકે રેલટેલે પ્રોફિટેબલ એક્ઝિટ પૂરી પાડી હતી. નિફ્ટી ઊંચામાં 1800 પોઈન્ટ્સ ડાઉન ટ્રેડ થઈ રહ્યો હોવા છતાં રેલટેલનો શેર દિવસ દરમિયાન મક્કમ રહ્યો હતો. ઊંચામાં તેણે રૂ. 127.85ની ટોચ દર્શાવી હતી. બંધ ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 3900 કરોડ જોવા મળ્યું હતું. ગુરુવારે બજારમાં લિસ્ટ પામેલી ન્યૂરેકા લિ.નો શેર શુક્રવારે સમગ્ર દિવસ દરમિયાન 5 ટકાની અપર સર્કિટમાં બંધ જોવા મળ્યો હતો. રૂ. 400ના ઓફરભાવ સામે તે રૂ. 678 પર બંધ રહ્યો હતો. આમ 70 ટકાથી વધુનું રિટર્ન દર્શાવતો હતો. તેણે 66 ટકા પ્રિમિયમ પર લિસ્ટીંગ દર્શાવ્યું હતું. કંપનીનો આઈપીઓ 40 ગણો છલકાયો હતો.

 

માર્ચ તેજી-મંદીનો નહિ પરંતુ મોટા સ્વીંગનો મહિનો     

કેલેન્ડર 2010થી 2020 સુધીના 11 કેલેન્ડર્સ દરમિયાન 6માં વૃદ્ધિ જ્યારે પાંચ દરમિયાન માર્ચમાં ઘટાડો જોવા મળ્યો છે

2020માં તેણે કોવિડ સમસ્યા પાછળ આક્રમક 23 ટકાનો માસિક ઘટાડો નોંધાવ્યો હતો.

શુક્રવારે માર્ચ સિરિઝના પ્રથમ દિવસે નિફ્ટીએ 4 ટકા તૂટી માર્ચના લક્ષણો દર્શાવ્યાં છે

 

માર્ચ મહિનાને કોઈ એક ટ્રેન્ડ સાથે જોડી શકાય તેમ નથી. કેમકે તે તેજી અને મંદી, બંને સાથે જોડાયેલો જોવા મળે છે. ક્યારેક તે એકાંતરે વર્ષે તેજી-મંદી દર્શાવતો જોવા મળ્યો છે તો ક્યારેક તેણે બે વર્ષ તેજી અને બે વર્ષ મંદીનો ક્રમ જાળવ્યો છે. કેલેન્ડર 2020માં તેણે 23 ટકા સાથે સૌથી આત્યંતિક વલણ દર્શાવ્યું હતું અને તેથી જ ચાલુ વર્ષે પણ માર્ચને લઈને રોકાણકારોમાં અત્યારથી જ ચિંતા જોવા મળી રહી છે. શુક્રવારે માર્ચ સિરિઝની શરૂઆતમાં 4 ટકાના કડાકાએ તેમને સાવચેત પણ કરી દીધાં છે.

છેલ્લા 11 માર્ચ મહિના દરમિયાન શેરબજારના દેખાવનો અભ્યાસ કરીએ તો તે લગભગ 50-50 ટકા તેજી-મંદીમાં વહેંચાયેલો જોવા મળે છે. જોકે તે જે બાજુનો ટ્રેન્ડ દર્શાવે છે તે બાજુ મોટો સુધારો કે ઘટાડો દર્શાવે છે. એટલેકે તે નોંધપાત્ર તેજી અથવા નોંધપાત્ર મંદી નોંધાવતો રહ્યો છે. ગણતરીમાં લીધેલા 11 કેલેન્ડર્સમાંથી 7 દરમિયાન તેણે 5 ટકા કે તેનાથી વધુની વધ-ઘટ દર્શાવી છે. જેમાં કેલેન્ડર 2020માં તેણે 23 ટકા સાથે સૌથી આકરી મૂવમેન્ટ નોંધાવી હતી. બેન્ચમાર્ક નિફ્ટી 11000ના સ્તરેથી તૂટી 8000ની નીચે ઉતરી ગયો હતો. આ સિવાય કેટલીક મોટી વધ-ઘટમાં માર્ચ 2016 દરમિયાન 10.7 ટકાનો નોંધપાત્ર સુધારો દર્શાવ્યો હતો. જે કદાચ નિફ્ટીના કોઈએક મહિના દરમિયાનના સૌથી સારા દેખાવોમાંનો એક હોય શકે છે. સામાન્યરીતે નિફ્ટી સરેરાશ માસિક 2-3 ટકાની મૂવમેન્ટ દર્શાવતો હોય છે. જ્યારે કોઈ ચોક્કસ ઘટના પાછળ તે મોટી વધ-ઘટ દર્શાવતો હોય છે. માર્ચ 2011માં પણ બેન્ચમાર્ક 9.3 ટકા ઉછળ્યો હતો. જ્યારે માર્ચ 2019માં તે 7.7 ટકા, માર્ચ 2014માં 6.8 ટકા અને માર્ચ 2020માં 6.6 ટકા જેટલો ઉછળ્યો હતો. આમ માર્ચ મહિના દરમિયાન તેણે દર્શાવેલા મોટાભાગના સુધારા 5 ટકાથી ઊંચા રહ્યાં છે. 2010થી અત્યાર સુધીમાં તેણે માત્ર એક કિસ્સાઓમાં જ 5 ટકાથી નીચો સુધારો દર્શાવ્યો છે. જેમાં માર્ચ 2017માં 3.3 ટકાનો સમાવેશ થાય છે. જો ઘટાડો દર્શાવતાં માર્ચ પર નજર નાખીએ તો 2020માં 23 ટકાને બાદ કરીએ તો માર્ચ 2015માં 4.6 ટકા, માર્ચ 2018માં 3.61 ટકા, માર્ચ 2012માં 1.66 ટકા અને માર્ચ 2013માં 0.18 ટકાનો સમાવેશ થાય છે. માર્ચ 2009ને ગણતરીમાં નથી લીધો પરંતુ તે દરમિયાન નિફ્ટીએ 9 ટકાનો સુધારો નોંધાવ્યો હતો. 9 માર્ચ 2009ના રોજ નિફ્ટી 2500ના તળિયાથી સુધારાતરફી બન્યો હતો અને ત્યાંથી માર્કેટે યુ-ટર્ન દર્શાવ્યો હતો.

શુક્રવારે બજારમાં તીવ્ર ઘટાડા બાદ હવે રોકાણકારો માટે આગામી માર્ચ મહિનો પણ કળવો અઘરો બની રહેશે. એકંદર તેનું વલણ સુધારાતરફી રહ્યું છે. જોકે તેના દેખાવમાં સ્થાયીત્વ નથી. માર્કેટ નિરીક્ષકોના મતે આ વખતે માર્ચ મહિનો તેજી-મંદી વચ્ચે તીવ્ર ઘર્ષણનો બની રહેશે. શુક્રવારે ઈન્ડિયા વોલેટિલિટી ઈન્ડેક્સમાં 23 ટકાના એક દિવસીય ઉછાળાને જોતાં જણાય છે કે આગામી સત્રો ઊંચી વધ-ઘટથી ભરેલાં હશે. ઈન્ડિયા વીક્સ 22.94 ટકા વધી 28.14ના અંતિમ ઘણા મહિનાઓના ટોચના સ્તરે જોવા મળ્યો હતો. અંતિમ એક મહિનામાં તે 45 ટકા જેટલો ઉછળ્યો છે. જોકે માર્ચ 2020માં તેણે દર્શાવેલી 85ની ટોચથી તે ઘણો નીચે છે.

 

2010થી માર્ચ મહિનાનો દેખાવ

કેલેન્ડર         ફેરફાર(%)

2010           6.6

2011           9.3

2012           -1.66

2013           -0.18

2014           6.8

2015           -4.6

2016           10.7

2017           3.3

2018           -3.61

2019           7.7

2020          -23.0

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage