બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
ઈન્ટ્રા-ડે વધ-ઘટ વચ્ચે નિફ્ટીએ 18200ની સપાટી પાર કરી
ઓટો, મેટલ્સ અને એનબીએફસી તરફથી સાંપડેલો મજબૂત સપોર્ટ
સપ્તાહના બીજા સત્ર દરમિયાન બજારમાં પોઝીટીવ ટ્રેન્ડ જળવાય રહ્યો હતો. પોઝીટીવ ઓપનીંગ બાદ એક તબક્કે રેડ ઝોનમાં સરી પડ્યા બાદ બેન્ચમાર્ક નિફ્ટી ફરી ગ્રીન ઝોનમાં પરત ફર્યો હતો અને 0.79 ટકા સુધારા સાથે 18268.40ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સ પણ 383.21ના સુધારે 61350.26ના સ્તરે બંધ રહ્યો હતો. માર્કેટને ઓટો, મેટલ્સ, એફએમસીજી અને એનર્જિ તરફથી મહત્વનો સપોર્ટ સાંપડ્યો હતો. બેંકિંગ શેર્સ થાક ખાતા જોવા મળ્યાં હતાં. જોકે તેમણે બંધ તો પોઝીટીવ જ દર્શાવ્યું હતું.
વૈશ્વિક બજારોમાં એકંદરે પોઝીટીવ ટ્રેન્ડ જળવાયો હતો. સવારે એશિયામાં મિશ્ર માહોલ જોવા મળતો હતો. જે પાછળથી પોઝીટીવ બન્યો હતો. એકમાત્ર હોંગ કોંગને બાદ કરતાં અન્ય બજારો સુધારા સાથે બંધ રહ્યાં હતાં. બપોર બાદ યુરોપ બજારોમાં પણ ટ્રેન્ડ પોઝીટીવ હતો અને તેથી સ્થાનિક બજારને સપોર્ટ જોવા મળ્યો હતો. નિફ્ટી કાઉન્ટર્સમાં ટાટા મોટર્સ 6 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતું હતું. જ્યારે ટાટા સ્ટીલમાં 3.9 ટકા, એસબીઆઈ લાઈફમાં 3.75 ટકા, ટાઈટન કંપનીમાં 3.18 ટકા અને જેએસડબલ્યુ સ્ટીલમાં 3 ટકાનો નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ ઈન્ડસઈન્ડ બેંક 2 ટકા તથા આઈસીઆઈસીઆઈ બેંક 1.5 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવી રહી હતી. એચયૂએલ અને એનટીપીસ જેવા કાઉન્ટર્સ પણ ઘટવામાં અગ્રણી હતાં. સેક્ટરલ સૂચકાંકોમાં મેટલ ઈન્ડેક્સે 2.66 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવ્યો હતો. જ્યારે ઓટો ઈન્ડેક્સે 2 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. રિઅલ્ટી ઈન્ડેક્સ 3.62 ટકા જેટલો ઉછળ્યો હતો. જ્યારે એફએમસીજી 0.9 ટકા સુધારો દર્શાવી રહ્યો હતો. નિફ્ટી કોમોડિટીઝમાં 1.91 ટકા જ્યારે કન્ઝમ્પ્શનમાં 1.35 ટકાનો સુધારો જોવા મળતો હતો. નિફ્ટી પીએસઈ પણ 0.85 ટકા સુધારો દર્શાવતો હતો. બેંક નિફ્ટી સતત ચાર દિવસોના નોંધપાત્ર સુધારા બાદ 0.11 ટકાના સાધારણ સુધારે બંધ રહ્યો હતો. જોકે આઈડીએફસી ફર્સ્ટ બેંકનો શેર 7 ટકા જ્યારે એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંકનો શેર પણ 5 ટકાનો નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યાં હતાં. મીડ-કેપ કાઉન્ટર્સમાં રામ્કો સિમેન્ટ, ડિક્સોન ટેક્નોલોજી, દિપક નાઈટ્રેટ, ચોલા ઈન્વેસ્ટમેન્ટ સારો સુધારો દર્શાવી રહ્યાં હતાં.
ઈન્ડિયા વિક્સમાં 5 ટકા ઘટાડો નોંધાયો
ભારતીય બજારમાં સતત બીજા દિવસે મજબૂતી પાછળ વોલેટિલિટી ઈન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો. ઈન્ડિયા વીક્સ 5 ટકા ગગડી 16.75ના સ્તરે જોવા મળ્યો હતો. ગયા સપ્તાહે સતત ચાર ટ્રેડિંગ સત્રો દરમિયાન નરમાઈ બાદ ચાલુ સપ્તાહે બે સત્રોથી બજારમાં સુધારો જોવા મળી રહ્યો છે. જેની પાછળ વોલેટિલિટી ઘટી છે. ઓક્ટોબર સિરિઝમાં વીક્સ 13ના સ્તરેથી ઉછળી 18 પર જોવા મળ્યો હતો.
માર્કેટમાં બ્રોડ બેઝ ખરીદી નીકળી
સતત ચારેક સત્રની નરમાઈ બાદ મીડ અને સ્મોલ-કેપ સેગમેન્ટમાં ભારે ખરીદી જોવા મળી હતી. જેની પાછળ છેલ્લાં કેટલાક દિવસોની સૌથી સારી માર્કેટ બ્રેડ્થ જોવા મળી હતી. બીએસઈ ખાતે 3419 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2218 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1056 કાઉન્ટર્સે તેમના અગાઉના બંધ સામે ઘટાડા સાથે બંધ આપ્યું હતું. આમ બે શેર્સમાં સુધારા સામે એક શેર્સમાં નરમાઈ જોવા મળી હતી. જ્યારે 333 કાઉન્ટર્સે 52-સપ્તાહની ટોચ દર્શાવી હતી. જ્યારે 27 કાઉન્ટર્સ વાર્ષિક તળિયા પર જોવા મળ્યાં હતાં. 333 કાઉન્ટર્સે અપર સર્કિટ્સમાં જ્યારે 206 કાઉન્ટર્સે નીચલી સર્કિટમાં બંધ આપ્યું હતું.
રેટિંગ એજન્સીઝે કાર માર્કેટ વૃદ્ધિ દરમાં ઘટાડો કર્યો
ક્રેડિટ રેટિંગ એજન્સી ક્રિસિલ અને ઈન્ડિયા રેટિંગ્સે દેશમાં પેસેન્જર કાર વ્હીકલ માર્કેટના વૃદ્ધિ દરમાં ઘટાડો કર્યો છે. જેમાં ક્રિસિલના મતે પેસેન્જર કાર માર્કેટમાં 4 ટકાનો જ્યારે ઈન્ડિયા રેટિંગ્સના મતે 3 ટકાનો ઘટાડો થશે. સેમીકંડક્ટર્સની અછત તીવ્ર બનતાં ઓટો ઉત્પાદક કંપનીઓના પ્રોડક્શન લોસમાં વૃદ્ધિ થઈ છે. વૈશ્વિક સ્તરે ચીપની અછતને કારણે નવી ક્ષમતા બનવાનું કામ અવરોધાયું છે. જેને કારણે સપ્લાય પર અસર પડશે એમ કંપનીઓએ જણાવ્યું છે. તેમના મતે કેલેન્ડરના બીજા અર્ધવાર્ષિક ગાળામાં જ સ્થિતિ સામાન્ય બનશે. ક્રિસિલના મતે પીવી માર્કેટ 2021-22માં વાર્ષિક ધોરણે અગાઉના 14-16 ટકા સામે 11-13 ટકા વૃદ્ધિ દર્શાવશે. જ્યારે ઈન્ડિયા રેટિંગ્સના મતે તે અગાઉના 22 ટકાની અપેક્ષા સામે 18 ટકા વૃદ્ધિ નોંધાવશે.
સોનું-ચાંદીમાં સાધારણ નરમાઈ જોવા મળી
સોમવારે વૈશ્વિક બજારમાં 1800 ડોલરના અવરોધને પાર કરી મહત્વનો બ્રેકઆઉટ દર્શાવનાર ગોલ્ડમાં મંગળવારે કોન્સોલિડેશન જોવા મળ્યું હતું. એમસીએક્સ ખાતે સોનુ રૂ. 80ના ઘટાડે રૂ. 48120ના સ્તરે ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે ચાંદી રૂ. 254ના ઘટાડે રૂ. 65885 પર જોવા મળતી હતી. વૈશ્વિક બજારમાં સોનું 2 ડોલરના સાધારણ ઘટાડે 1805 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ પર ટ્રેડ દર્શાવતું હતું. તેણે 1810 ડોલરની ટોચ બનાવી હતી.
લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓએ કોવિડ મૃત્યુના ભાગરૂપે રૂ. 11 હજાર કરોડ ચૂકવ્યાં
ચાલુ નાણાકિય વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કુલ રૂ. 12948.98 કરોડના કોવિડ ડેથ ક્લેમ્સમાંથી 85.42 ટકા સેટલ કર્યાં
2020-21માં કુલ 22,205 કોવિડ ડેથ ક્લેમ્સ સામે ચાલુ વર્ષે જૂન ક્વાર્ટરમાં 1.4 લાખ ડેથ ક્લેમ્સ મેળવ્યાં હતાં
અમદાવાદ
જીવનવીમા કંપનીઓએ કોવિડ સંબંધી મૃત્યુના કિસ્સામાં અત્યાર સુધીમાં કુલ રૂ. 11060.5 કરોડનું ચૂકવણું કર્યું છે. જેમાંનો મોટાભાગનો હિસ્સો ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન બીજા વેવ દરમિયાન જોવા મળ્યો હોવાનું લાઈફ ઈન્શ્યોરન્સ કાઉન્સિલે તૈયાર કરેલો ડેટા સૂચવે છે.
ઈન્શ્યોરર કંપનીઓનું પ્રતિનિધિત્વ ધરાવતી કાઉન્સિલના જણાવ્યા મુજબ 21 ઓક્ટોબર સુધીમાં વીમા કંપનીઓએ કોવિડ સંબંધી ડેથના 1.3 લાખથી વધુ ક્લેમ્સ સેટલ કર્યાં હતાં. અત્યાર સુધીમાં રૂ. 12948.98 કરોડનું મૂલ્ય ધરાવતાં કુલ 1,40,000 કોવિડ સંબંધી જાનહાનિના ક્લેમ્સ કરવામાં આવ્યાં હતાં. જેમાંથી વોલ્યુમની રીતે 93.57 ટકા અને વેલ્યૂની રીતે 85.42 ટકાનું સેટલમેન્ટ કરવામાં આવ્યું છે. ગયા નાણાકિય વર્ષ 2020-21 દરમિયાન ઉદ્યોગે આ પ્રકારના કુલ 22,205 ક્લેમ્સ મેળવ્યાં હતાં. જેનું કુલ મૂલ્ય રૂ. 1644.56 કરોડ જેટલું થતું હતું. જે વર્ષ દરમિયાન મેળવેલી કુલ પ્રિમીયમ રકમનો 0.3 ટકા હિસ્સો ધરાવતો હતો. આમાંથી 21854 ક્લેમ્સ સેટલ કરવામાં આવ્યાં હતાં. જેનું કુલ મૂલ્ય રૂ. 1492.02 કરોડ જેટલું હતું.
ડેથ ક્લેમ્સને કારણે ઈન્શ્યોરર્સની સોલ્વન્સી પર કોઈ અસર નથી પડી પરંતુ તેમની નફાકારક્તા પર અસર પડી છે. વીમા કંપનીઓ અધિક મોર્ટાલિટી રિઝર્વ્સ જાળવી રહી છે અને એકસ્ટ્રા પ્રોવિઝનીંગને કારણે તેમની નફાકારક્તા પર અસર પડી છે. જેમાં ખાસ કરીને ચાલુ નાણા વર્ષના એપ્રિલ-જૂનના પ્રથમ ક્વાર્ટર દરમિયાન બીજા વેવ વખતે તેમના પર ગંભીર અસર પડી હતી. ચાલુ વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કોવિડ ડેથ ક્લેમ્સ સમગ્ર 2020-21ના નાણાકિય વર્ષની સરખામણીમાં ઊંચા જોવા મળ્યાં હતાં. જેને કારણે ટોચની ત્રણ લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીઓએ તેમના નફામાં તીવ્ર ઘટાડો નોંધાવ્યો હતો. તેમણે ઊંચા ક્લેમ્સની ધારણામાં પ્રોવિઝનીંગમાં નોંધપાત્ર વૃદ્ધિ કરતાં આમ બન્યું હતું. તાજેતરમાં ક્લેમ્સનું ભારણ ઘટ્યું હોવા છતાં વીમા કંપનીઓએ તેમની પાસે પર્યાપ્ત રિઝર્વ્સ જાળવી રહી છે. જેથી ભવિષ્યમાં કોવિડ-19 સંબંધી મહામારીને કારણે કોઈ જોખમની સ્થિતિમાં બેલેન્સ શીટ પર કોઈ આકસ્મિક બોજો ના પડે. આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ લાઈફ ઈન્શ્યોરન્સે સપ્ટેમ્બર ક્વાર્ટરના અંતે ભવિષ્યના ક્લેમ્સને ધ્યાનમાં રાખી રૂ. 412 કરોડનું અધિક મોર્ટાલિટિ રિઝર્વ્સ જાળવ્યું હતું. જ્યારે એચડીએફસી લાઈફે બીજા ક્વાર્ટરના અંતે રૂ. 204 કરોડનું રિઝર્વ્સ રાખ્યું હતું. એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સે હજુ બીજા ક્વાર્ટરના પરિણામ જાહેર કરવાના બાકી છે. એચડીએફસી લાઈફના એમડી અને સીઈઓ જણાવે છે કે બીજા ક્વાર્ટરમાં વ્યક્તિગત ક્લેમ્સમાં ઘટાડો નોંધાયો હતો. જોકે ગ્રૂપ ક્લેમ ઈન્ટિમેશન ઊંચું જોવા મળ્યું હતું. સમગ્રતયા ક્લેમ્સ અમારા અંદાજોની અંદર જ રહ્યો હતો.
ખાનગી ક્ષેત્રની આંઠ બેંકોએ રૂ. 28 હજાર કરોડની લોનનું રિસ્ટ્રક્ચરિંગ કર્યું
ઓટીઆર-2 હેઠળ કુલ પુનર્ગઠિત લોન્સમાં પર્સનલ લોનનો 80 ટકા જેટલો ઊંચો હિસ્સો
એચડીએફસી બેંકે રૂ. 17395 કરોડ સાથે સૌથી ઊંચું પુનર્ગઠન દર્શાવ્યું
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લાગુ પાડેલા વન ટાઈમ રિસ્ટ્રક્ચરિંગ(ઓટીઆર-2)ના બીજા તબક્કા હેઠળ ખાનગી ક્ષેત્રની આંઠ બેંકોએ રૂ. 27708નું રિસ્ટ્રક્ચરિંગ કર્યું છે. જેમાં 80 ટકા હિસ્સો પર્સનલ લોન્સનો છે. એટલેકે ઓટીઆર-2માં મોટાભાગનું રિસ્ટ્રક્ચરિંગ રિટેલ લોનનું જોવા મળ્યું છે. જ્યારે ત્યારબાદ સ્મોલ બિઝનેસ લોન્સનું પુનર્ગઠન કરવામાં આવ્યું છે.
અત્યાર સુધીમાં આંઠ ખાનગી બેંક્સે સપ્ટેમ્બર ક્વાર્ટર માટેના પરિણામો રજૂ કર્યાં છે. જેનો અભ્યાસ કરતાં જણાય છે કે કુલ રૂ. 27708 કરોડનું રિસ્ટ્રક્ચરિંગ કર્યું છે. જેમાં સૌથી મોટા ખાનગી લેન્ડર એચડીએફસી બેંકે રૂ. 17395 કરોડની લોન પુનર્ગઠિત કરી છે. જેમાં રૂ. 14102 કરોડ વ્યક્તિગત બોરોઅર્સે લીધેલી પર્સનલ લોનનો સમાવેશ થાય છે. જ્યારે રૂ. 1506 કરોડ વ્યક્તિગત બિઝનેસ લોન્સ તથા રૂ. 1787 કરોડ સ્મોલ બિઝનેસ લોન્સનો સમાવેશ થાય છે. આમ જૂન ક્વાર્ટર બાદ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં પણ રિટેલ એસેટ્સમાં નબળાઈ જોવા મળી છે. બીજા ક્રમે આવતી આઈસીઆઈસીઆઈ બેંકે રૂ. 3029 કરોડની પર્સનલ લોન્સનું પુનર્ગઠન હાથ ધર્યું હતું. જ્યારે વ્યક્તિગત બિઝનેસ લોન સેગમેન્ટમાં રૂ. 442 કરોડ અને સ્મોલ બિઝનેસ લોન સેગમેન્ટમાં રૂ. 685 કરોડ સાથે કુલ રૂ. 4156 કરોડની લોન પુનર્ગઠિત કરી હતી. સ્મોલ પ્રાઈવેટ બેંક ફેડરલ બેંકે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1099 કરોડની પર્સનલ લોન સાથે કુલ રૂ. 1548 કરોડની લોન રિસ્ટ્રક્ચર કરી હતી. આઈડીબીઆઈ બેંકે રૂ. 1771 કરોડ પર્સનલ લોન સાથે કુલ રૂ. 1830 કરોડની લોન પુનર્ગઠિત કરી હતી.
કુલ લોન રિસ્ટ્રક્ચરિંગમાં 80 ટકા પર્સનલ લોન્સ બાદ 20 ટકા હિસ્સો પર્સનલ બિઝનેસ લોન્સ તથા એમએસએમઈ લોન્સનો હતો. બેંકર્સના જણાવ્યા મુજબ મે 2021માં નોકરી ગુમાવનાર, વેતનમાં કાપ અનુભવનાર તથા બિઝનેસમાં નુકસાનને કારણે કેશ ફ્લોમાં તંગી અનુભવનાર પરિવારો તથા વ્યક્તિઓ માટે રિસ્ટ્રક્ચરિંગ સ્કીમ બનાવવામાં આવી હતી. જેને કારણે કુલ રિસ્ટ્રક્ચર્ડ લોન્સમાં વ્યક્તિગત લોનનો હિસ્સો ઘણો ઊંચો છે. એમએસએમઈનો હિસ્સો હોવાનું કારણ તેમને માટે ઉપલબ્ધ ઈમર્જન્સી ક્રેડિટ ફેસિલિટીઝની સુવિધા જેવા કારણો છે. રિટેલ, માઈક્રો, સ્મોલ અને મિડિયમ એન્ટરપ્રાઈઝ સેગમેન્ટ્સમાં લેન્ડર્સ માટે ઓવરડ્યૂ લોન બુકનો હિસ્સો હજુ પણ ઊંચો છે. આનાથી ઊલટું કોર્પોરેટ સેગમેન્ટમાં ઓવરડ્યૂ લોન્સનો હિસ્સો સ્થિર રહ્યો છે અથવા ઘટ્યો છે.
રેટિંગ એજન્સી ઈકરાના જણાવ્યા મુજબ કોવિડના બીજા વેવની અસરને પ્રથમ રાઉન્ડની સરખામણીમાં સારી રીતે નિયંત્રણમાં રાખવામાં આવી હતી. પ્રથમ વેવમાં લોન બુકનો 30-40 ટકા હિસ્સો મોરેટોરિયમ હેઠળ હતો. જૂન 2021ના અંતે કુલ રિસ્ટ્રક્ચરિંગ અંદાજ રૂ. 2 લાખ કરોડનો હતો. તેના જણાવ્યા મુજબ એસેટ ક્વોલિટીમાં આગળ પર સુધારો ચાલુ રહેશે. જોકે તેનો આધાર ઓવરડ્યૂ અને રિસ્ટ્રક્ચર્ડ લોન્સ પર રહેશે. રિસ્ટ્રક્ચર્ડ લોનનો હિસ્સો અગાઉ અંદાજિત 5-6 ટકાની સરખામણીમાં ઘણો નીચો રહ્યો હતો એમ ઈકરાએ નોંધ્યું છે.
બેંકોની રિસ્ટ્રક્ચર્ડ લોન્સ
બેંક કુલ લોન(રૂ. કરોડમાં)
એચડીએફસી બેંક 17395
આઈસીઆઈસીઆઈ બેંક 4156
આઈડીબીઆઈ બેંક 1830
ફેડરલ બેંક 1548
બેંક ઓફ મહારાષ્ટ્ર 1602
યસ બેંક 856
સાઉથ ઈન્ડિયન બેંક 291
સીએસબી બેંક 30
કુલ 27708
Market Summary 26 October 2021
October 26, 2021