Market Summary 27/02/2023

સતત સાતમા સત્રમાં શેરબજારમાં નરમાઈ
નિફ્ટીએ 17400નું લેવલ તોડ્યું
એશિયન બજારોમાં સાર્વત્રિક ઘટાડો જોવાયો
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.3 ટકા ગગડી 13.87ની સપાટીએ
બેંકિંગ, ફાઈનાન્સિયલ સર્વિસિઝ અને રિઅલ્ટીમાં મજબૂતી
મેટલ, આઈટી, ઓટોમાં વેચવાલી
બ્રોડ માર્કેટમાં વેચવાલીએ બ્રેડ્થ નરમ
અદાણી જૂથ શેર્સમાં ઘટાડો યથાવત
યૂફ્લેક્સ, તાતા ટેલિસર્વિસિઝ, રોસારી નવા તળિયે

શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆત નરમાઈ સાથે જોવા મળી હતી. જે સાથે સતત સાતમા સત્રમાં બજાર ઘટાડા સાથે બંધ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 176 પોઈન્ટ્સ ઘટાડે 59,331ની સપાટીએ જ્યારે નિફ્ટી 73 પોઈન્ટ્સ ગગડી 17,393ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં વેચવાલી પાછળ નિફ્ટીમાં સમાવિષ્ટ 50-કાઉન્ટર્સમાંથી 34 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે માત્ર 16 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. મીડ અને સ્મોલ-કેપ્સમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો હતો. જેને કારણે બ્રેડ્થ ખૂબ નેગેટિવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3735 કાઉન્ટર્સમાંથી 2581 કાઉન્ટર્સ અગાઉના બંધની સરખામણીમાં નેગેટિવ જોવા મળ્યાં હતાં. જ્યારે 971 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. 364 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું બનાવ્યું હતું. જ્યારે 55 કાઉન્ટર્સે વાર્ષિક અથવા સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2.3 ટકા ગગડી 13.87ની સપાટીએ બંધ રહ્યો હતો.
ગયા સપ્તાહાંતે યુએસ શેરબજારમાં નરમાઈ પાછળ એશિયાઈ બજારોમાં કામકાજની શરૂઆત નરમાઈ સાથે જોવા મળી હતી. મહત્વના તમામ એશિયાઈ સૂચકાંકો નેગેટિવ કામગીરી દર્શાવી રહ્યાં હતાં. જેની પાછળ ભારતીય બજારની શરૂઆત પણ નેગેટિવ જોવા મળી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 17466ના બંધ સામે 17429ની સપાટી પર ખૂલી 17452ની ટોચ બનાવી ઝડપથી ગગડ્યો હતો અને ઈન્ટ્રા-ડે 17299ના તળિયા પર પટકાયો હતો. જ્યાંથી તે પરત ફર્યો હતો અને દિવસભર રેંજ બાઉન્ડ ટ્રેડ દર્શાવતો રહ્યો હતો. બંધ ભાવે નિફ્ટી 17300નું સ્તર જાળવી રાખવામાં સફળ રહ્યો હતો અને બજેટ દિવસના ઈન્ટ્રા-ડે લોનો સપોર્ટ પણ જાળવી રાખ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 116 પોઈન્ટ્સ પ્રિમીયમે 17509ની સપાટીએ બંધ રહ્યો હતો. જે શુક્રવારે 105 પોઈન્ટ્સના પ્રિમીયમ સામે વૃદ્ધિ દર્શાવે છે. આમ નીચા સ્તરે સાધારણ લોંગ બિલ્ડ-અપ થયાનો સંકેત મળે છે. જોકે ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે જ્યાં સુધી નિફ્ટી 17700નું સ્તર પાર ના કરે ત્યાં સુધી તેમાં શોર્ટ પોઝીશન જાળવી રાખવી જોઈએ. તેમજ સુધારે નવી શોર્ટ પોઝીશન પણ લઈ શકાય. સોમવારે સુધારો દર્શાવનાર નિફ્ટી કાઉન્ટર્સમાં આઈસીઆઈસીઆઈ બેંક, પાવર ગ્રીડ કોર્પોરેશન, કોટક મહિન્દ્રા બેંક, એસબીઆઈ, એચડીએફસી લાઈફ, બીપીસીએલ, એનટીપીસી, એસબીઆઈ લાઈફ અને એચડીએફસીનો સમાવેશ થતો હતો. જ્યારે બીજી બાજુ તીવ્ર ઘટાડો દર્શાવનાર કાઉન્ટર્સમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, બજાજ ઓટો, યૂપીએલ, તાતા સ્ટીલ, ઈન્ફોસિસ, આઈશર મોટર્સ, તાતા મોટર્સ અને ટીસીએસનો સમાવેશ થતો હતો.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો બેંકિંગ, ફાઈનાન્સિયલ સર્વિસિઝ અને રિઅલ્ટી સેગમેન્ટમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બેંકિંગ કાઉન્ટર્સમાં બેંક ઓફ બરોડા 2.85 ટકા ઉછળી સૌથી સારો દેખાવ દર્શાવતો હતો. ઉપરાંત આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એસબીઆઈ, ફેડરલ બેંક, પીએનબી, એક્સિસ બેંક અને ઈન્ડસઈન્ડ બેંકમાં પણ સુધારો જોવા મળ્યો હતો. માત્ર બંધન બેંક અને એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિઝ ઈન્ડેક્સ 0.77 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સમાં 2.2 ટકાનો સુધારો જોવા મળ્યો હતો. જેમાં સોભા ડેવલપર્સ 2.5 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ઈન્ડિયાબુલ્સ રિઅલ એસ્ટેટ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, ગોદરેજ પ્રોપર્ટીઝ, ડીએલએફ, ઓબેરોય રિઅલ્ટી, ફિનિક્સ મિલ્સમાં પણ ખરીદી જોવા મળી હતી. જ્યારે બીજી બાજુ સનટેક રિઅલ્ટી, હેમિસ્ફિઅર, પ્રેસ્ટીજ એસ્ટેટ નરમાઈ દર્શાવતાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં અબોટ ઈન્ડિયા, આઈસીઆઈસીઆઈ બેંક, પાવર ગ્રીડ કોર્પોરેશન, કેનેરા બેંક, ઈન્ડિયન હોટેલ્સ, કોટક મહિન્દ્રા બેંક, હિંદુસ્તાન એરોનોટિક્સ, બાયોકોન અને આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલમાં સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ અદાણી એન્ટરપ્રાઈઝ 9 ટકા સાથે ઘટાડામાં ટોચ પર હતો. આ ઉપરાંત એમ્ફેસિસ, ઝી એન્ટરટેઈનમેન્ટ, બજાજ ઓટો, મધરસન સુમી, અંબુજા સિમેન્ટ્સ, પીવીઆર, યૂપીએલ અને હનીવેલ ઓટોમેશનમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી. એનએસઈ ખાતે એક પણ અગ્રણી કાઉન્ટરે 52-સપ્તાહની ટોચ દર્શાવી નહોતી. જ્યારે અનેક કાઉન્ટર્સે તેમના વાર્ષિક બોટમ બનાવ્યાં હતાં. જેમાં યૂફ્લેક્સ 17 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત તાતા ટેલિસર્વિસિઝ, રોઝારી, એમએમટીસી, વેરોક એન્જિનીયર્સ, એલઆઈસી ઈન્ડિયા, લક્સ ઈન્ડસ્ટ્રીઝ, ગ્રેફાઈટ ઈન્ડિયા, ટીવી18 બ્રોડકાસ્ટ, એસીસી, બાટા ઈન્ડિયા, નેટવર્ક 18, પોલીપ્લેક્સ કોર્પ, મોતીલાલ ઓસ્વાલ, જીઆર ઈન્ફ્રાએ તેમના વાર્ષિક તળિયા દર્શાવ્યાં હતાં.

ડિસેમ્બર ક્વાર્ટરમાં ઊંચા ફુગાવા પાછળ પ્રોફિટ માર્જિનમાં ઘટાડો
વાર્ષિક ધોરણે ગયા ક્વાર્ટરમાં પ્રોફિટ માર્જિન 2.37 ટકા ઘટી 16.3 ટકા પર રહ્યાં
જોકે સપ્ટેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં ત્રીજા ક્વાર્ટરમાં માર્જિનમાં 1.8 ટકાનું વિસ્તરણ

ભારતીય કોર્પોરેટ કંપનીઓ માટે ડિસેમ્બર ક્વાર્ટર નફાકારક્તાની રીતે અપેક્ષાથી ઉણો જોવા મળ્યું હતું. કંપનીઓએ ત્રીજા ક્વાર્ટરમાં વાર્ષિક ધોરણે નફામાં 2.37 ટકાનો ઘટાડો દર્શાવ્યો હતો અને 16.3 ટકાનું પ્રોફિટ માર્જિન નોંધાવ્યું હતું. આ માટેનું મુખ્ય કારણ ઊંચું ઈન્ફ્લેશન હતું. તેમાં પણ એનર્જી ખર્ચ ઊંચો જળવાતાં કંપનીઓના અર્નિંગ્સ પર પ્રતિકૂળ અસર પડી હતી એમ રેટિંગ એજન્સી ઈકરાનો અભ્યાસ સૂચવે છે.
જો ત્રિમાસિક ધોરણે જોઈએ તો કંપનીઓની નફાકારક્તામાં સુધારો જોવા મળ્યો હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરની સરખામણીમાં ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીઓના પ્રોફિટ માર્જિનમાં 1.8 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જેનું મુખ્ય કારણ કાચી સામગ્રીના ખર્ચમાં ઘટાડા ઉપરાંત કંપનીઓ તરફથી કરવામાં આવેલી ભાવ વૃદ્ધિ જવાબદાર હતી. આગામી સમયગાળામાં કંપનીઓ તરફથી કરવામાં આવેલી ભાવ વૃદ્ધિ અને ખર્ચમાં ઘટાડાને કારણે માર્જિનમાં સુધારો થવાની સંભાવના રહેલી છે. જોકે જીઓપોલિટિકલ તણાવો, આર્થિક મંદીની ચિંતા અને ફોરેક્સ રેટમાં ફેરફારને કારણે જોખમ ઊભું રહેશે એમ રેટિંગ એજન્સીનું માનવું છે. ફાઈનાન્સિય સેક્ટરમાં હોય તેવી કંપનીઓને બાકાત રાખીને જોઈએ તો કુલ કોર્પોરેટ આવકમાં 17.2 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. જે અપેક્ષા મુજબની હતી. તેમાં હોટેલ્સ, ઓઈલ એન્ડ ગેસ, ઓટો, એરલાઈન્સ અને પાવર સેક્ટર્સે આગેવાની લીધી હતી એમ ઈકરા નોંધે છે. જોકે ઈન્ફ્લેશનને કારણે કન્ઝ્યૂમર સેન્ટિમેન્ટ્સ પર અસરને કારણે ત્રિમાસિક ધોરણે રેવન્યૂ ગ્રોથ માત્ર 1.4 ટકા જોવા મળ્યો હતો. ભારતીય કંપનીઓની માર્જિન્સમાં સુધારા માટેની ક્ષમતા એનર્જી કોસ્ટ ઈન્ફ્લેશન, વિકસિત દેશોમાં ઊભરી રહેલા મંદીના ટ્રેન્ડ અને ફોરેન એક્સચેન્જમાં વધ-ઘટ પર રહેલાં છે એમ અભ્યાસ જણાવે છે. એજન્સીએ અભ્યાસમાં લીધેલી કંપનીઓનો ઈન્ટરેસ્ટ કવરેજ રેશિયો ત્રિમાસિક ધોરણે 5.1 ગણા પરથી ઘટી 4.3 ગણા પર જોવા મળ્યો હતો. જેમાં આઈટી, એફએમસીજી અને ફાર્મા જેવી પ્રમાણમાં નીચું ડેટ ધરાવતી કંપનીઓનો સમાવેશ થતો હતો. રિપોર્ટના જણાવ્યા મુજબ ત્રિમાસિક ધોરણે ક્રેડિટ મેટ્રીક્સમાં વધુ સુધારો થવાની શક્યતાં છે. જેનું કારણ તાજેતરમાં કોમોડિટીઝના ભાવમાં જોવા મળેલો ઘટાડો તથા કંપનીઓ તરફથી જોવા મળેલી ભાવ વૃદ્ધિ અને એનર્જી ખર્ચમાં ઘટાડો છે.

તાપમાન વધતાં ઘઉંના પાકને લઈને ઊભી થયેલી ચિંતા
જોકે પેનિક કરવાની કોઈ જરૂરિયાત નહિ હોવાનું નિષ્ણાતોનું સૂચન
ખેડૂતોએ નાની સિંચાઈ કરતાં રહેવાની ભલામણ
ઘઉંના પાક પર વધતાં તાપમાનની અસર પર દેખરેખ માટે કેન્દ્ર સરકારે બનાવેલી નિષ્ણાતોની કમિટિએ ઉત્તર ભારતમાં ગરમીને કારણે ઘઉના પાકને લઈને ચિંતા વ્યક્ત કરી છે. આ રાજ્યોમાં હરિયાણા, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને દિલ્હીનો સમાવેશ થાય છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ વ્હીટ એન્ડ બાર્લે રિસર્ચ ખાતે બેઠકમાં તેમણે એક એડવાઈઝરી પણ જારી કરી હતી.
જોકે કમિટીનું કહેવું હતું કે ખેડૂતોએ પેનિક કરવાની જરૂર નથી. જેનું મુખ્ય કારણ 50 ટકા વિસ્તારમાં ક્લાયમેન્ટ-રેઝિલિઅન્ટ વેરાયટીઝનું વાવેતર કરવામાં આવ્યું છે. બીજી બાજુ હાલમાં મહત્તમ તાપમાન એક સ્તરે જળવાયું છે જ્યારે લઘુત્તમ તાપમાન સરેરાશથી નીચું છે. જે એક હકારાત્મક પાસુ છે. લગભગ 75 ટકા વાવેતર ગયા વર્ષની સરખામણીમાં વહેલું કરવામાં આવ્યું હતું અને તેથી તાપમાનમાં ચઢાવ-ઉતારને કારણે સમયસર વવાયેલા પાકને નુકસાન થવાની શક્યતાં ઓછી છે એમ નિષ્ણાતોનું કહેવું છે. તેમના મતે ઘઉંની ઉત્પાદક્તા પર કોઈ મોટી અસર નહિ જોવા મળે. ભારતીય હવામાન વિભાગે સાપ્તાહિક ધોરણે આ કમિટિને હવામાનની આગાહી પૂરી પાડવાની રહે છે. જેને આધારે કમિટિ ક્રોપ એડવાઈઝરી જાહેર કરે છે. જે તમામ કૃષિ સંબંધી સંસ્થાઓને ઉપબલ્ધ બનાવવામાં આવે છે. કમિટિના ચેરમેનના જણાવ્યા મુજબ તેઓ સ્થિતિ પર ચાંપતી નજર નાખી રહ્યાં છે. તેમનો હેતુ જો આગામી સપ્તાહોમાં તાપમાન એક લેવલથી વધી જાય તો રાજ્ય વહીવટીતંત્ર અને ખેડૂતોમાં જાગૃતિ વધારવાનો તથા તેમણે કયા ઉપાયો હાથ ધરવા તે અંગેનો છે. કમિટિના સભ્ય અને કૃષિ વિજ્ઞાનીના જણાવ્યા મુજબ જરૂરિયાત મુજબ ઘઉંના પાકને નાની સિંચાઈ આપવાની ભલામણ કરવામાં આવી છે. ઉપરાંત ખેડૂતો 15-દિવસોના સમયાંતરે પોટાશના 0.2 ટકા મ્યુરિટેટનો અથવા 15 દિવસના ઈન્ટરવલ સાથે બે વાર પોટેશ્યમ નાઈટ્રેટનો સ્પ્રે પણ કરી શકે છે.
ગયા વર્ષે ગરમીએ બાજી બગાડી હતી
ગઈ રવિ કાપણી સિઝનમાં તાપમાનમાં ઓચિંતા વધારાને કારણે ઘઉઁની ઉત્પાદક્તા પર ગંભીર અસર જોવા મળી હતી અને ખેડૂતો માટે ઉત્પાદનમાં મોટી ઘટ જોવા મળી હતી. સરકારના 11 કરોડ ટન આસપાસના ઘઉં ઉત્પાદનના અંદાજ સામે 60-70 લાખ ટન જેટલું નીચું ઉત્પાદન જોવા મળ્યું હતું. જેને કારણે કેન્દ્રિય ખાદ્ય વિતરણ વ્યવસ્થા હેઠળ અનાજની ખરીદી છ વર્ષોના તળિયા પર જોવા મળી હતી. તેમજ ઘઉઁના ભાવમાં વર્ષ દરમિયાન સતત વૃદ્ધિ નોંધાઈ હતી. સરકારે મે મહિનાથી નિકાસ પર પ્રતિબંધ મૂકવા છતાં ભાવ વધતાં રહ્યાં હતાં. જેણે ફુગાવા પર દબાણ ઊભું કર્યું હતું. ચાલુ સિઝનમાં સરકાર 11.2 કરોડ ટન ઘઉં ઉત્પાદનનો અંદાજ ધરાવે છે. જે પૂરો થશે એમ કમિટિના સભ્યોનું કહેવું છે.

માર્કેટ રિસ્કને જોતાં બેંકોને 20 ટકા વધુ ફંડ્સ જોઈશે
RBIની લઘુત્તમ મૂડીની જરૂરિયાત અંગે નવી માર્ગદર્શિકાઓ બેંક્સને વધુ ફ્લેક્સિબિલિટી પૂરી પાડશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં લઘુત્તમ મૂડી જરૂરિયાત પર રજૂ કરેલી રૂપરેખાઓ(ડ્રાફ્ટ ગાઈડલાઈન્સ)એ બેંક્સને કેટલાંક ઈન્સ્ટ્રુમેન્ટ્સ માટે વધુ ફ્લેક્સિબિલિટી પૂરી પાડી છે પરંતુ માર્કેટ રિસ્કને જોતાં લેન્ડર્સને 15-20 ટકા વધુ મૂડીની જરૂર પડશે એમ બેંકિંગ વર્તુળો જણાવે છે.
આરબીઆઈએ 17 ફેબ્રુઆરીએ બેસલ થ્રી સ્ટાન્ડર્ડ્સને આધારે લઘુત્તમ કેપિટલ જરૂરિયાત પર ડ્રાફ્ટ ગાઈડલાઈન્સ રજૂ કરી હતી. તેણે 15 એપ્રિલ સુધીમાં આ રૂપરેખાઓ પર તમામ ભાગીદારોની ટિપ્પણી માગી છે. આ ગાઈડલાઈન્સમાં ટ્રેડિંગ બુકમાં ટ્રેડ થનારા ઈન્સ્ટ્રુમેન્ટ્સ અને બેંકિંગ બુક વચ્ચે સ્પષ્ટ ભેદરેખા ઊભી કરવામાં આવી છે. ટ્રેડિંગ બુકમાં ટ્રેડ થનારા ઈન્સ્ટ્રુમેન્ટ્સને માર્કેટ કેપિટલ રિસ્ક જરૂરિયાતોને આધીન બનાવવામાં આવ્યાં છે. જ્યારે બેંકિંગ બુકને ક્રેડિટ રિસ્ક કેપિટલ જરૂરિયાતોને આધીન બનાવાયાં છે. બેંકના માર્કેટ રિસ્ક ડિપાર્ટમેન્ટના અધિકારીના જણાવ્યા મુજબ વિગતોમાં જ પરેશાની રહેલી છે. નવો સર્ક્યુલર અસરકાર રીતે બેઝલની એફઆરટીબી(ફંડામેન્ટલ રિવ્યૂ ઓફ ટ્રેડિંગ બુક)ને આધારે તૈયાર કરાયો છે. સર્ક્યુલર જ્યારે 2019માં આવ્યો ત્યારે તમામ બેંક્સે તે સુધારેલી ગાઈડલાઈન્સને આધારે કોમ્પ્યુટેશન કર્યું હતું અને સમગ્ર બેંકિંગ ઈન્ડસ્ટ્રીમાં કેપિટલ ચાર્જ સામાન્યરીતે બેંક્સ જાળવતી હતી તેના રતાં 50થી 100 ટકા વધુ હતો. વર્તમાન ગાઈડલાઈન્સ વધતે-ઓછે અંશે એફઆરટીબીની દિશામાં છે. માત્ર રિસ્ક વેઈટ્સ ઓછું છે. જોકે એ ભલે ઓછું હોય તેમ છતાં શરૂઆતી અંદાજ મુજબ બેંક્સની મૂડી જરૂરિયાત 15-20 ટકા જેટલી વધુ રહેશે એમ અધિકારી ઉમેરે છે. અગાઉ ફેબ્રુઆરી 2019માં બેંકિંગ સુપરવિઝન પરની બેસેલ કમિટિએ લઘુત્તમ મૂડી જરૂરિયાત અંગેની માર્ગદર્શિકાઓ જાહેર કરી હતી. નિયમો ટ્રેડિંગ બુક અને બેંકિંગ બુકને લઈને સ્પષ્ટ ભેદ પૂરો પાડતાં હતાં અને તેમણે લઘુત્તમ કેપિટલ માટેની અગાઉની જરૂરિયાતોને રિપ્લેસ કરી હતી. નવી આરબીઆઈ ડ્રાફ્ટ ગાઈડલાઈન્સમાં ટ્રેડિંગ બુક અને બેંકિંગ બુકને બેંક્સની ચોક્કસ ઈન્સ્ટ્રુમેન્ટ્સ ટ્રેડ કરવાની ક્ષમતાને ધ્યાનમાં રાખી નિર્ધારિત કરવામાં આવી છે એમ એક અન્ય બેંક અધિકારી જણાવે છે. તેઓ ઉમેરે છે બેંકર્સ પાસે હવે લિક્વિડ ઈન્સ્ટ્રુમેન્ટ્સના ક્લાસિફિકેશનને લઈને ઊંચી ફ્લેક્સિબિલિટી રહેશે.

કોર્પોરેટ્સના એક્સટર્નલ બોરોઈંગમાં 15 ટકા ઘટાડો નોંધાયો
ભારતીય કંપનીઓએ એપ્રિલ-ડિસેમ્બર 2021માં વિદેશમાંથી 23.82 અબજ ડોલર સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 19.76 અબજ ડોલર ઊભા કર્યાં

ભારતીય કોર્પોરેટ્સ માટે એક્સટર્નલ બોરોઈંગ સતત ઘટાડો દર્શાવી રહ્યું છે. એપ્રિલથી ડિસેમ્બર 2022 સુધીમાં સ્થાનિક કંપનીઓએ ઈસીબી મારફતે 19.76 અબજ ડોલર ઊભા કર્યાં હતાં. જે ગયા વર્ષે સમાનગાળામાં તેમણે ઊભા કરેલા 23.82 અબજ ડોલરની સરખામણીમાં 15 ટકા ઘટાડો સૂચવે છે એમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો ડેટા જણાવે છે.
અગ્રણી પ્રાઈવેટ બેંકના અર્થશાસ્ત્રીના જણાવ્યા મુજબ કોવિડના સમય બાદ જ્યારથી ભારતમાં વ્યાજ દરમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને આર્થિક કામગીરીનું સ્તર નીચું હતું ત્યારે કોર્પોરેટેસે નોંધપાત્ર પ્રમાણમાં ઈસીબીનું રિપેમેન્ટ કર્યું હતું. જે માટે તેમણે સ્થાનિક સ્રોત તરફથી રિફાઈનાન્સિંગ કર્યું હતું. બીજી બાજુ યુએસ ખાતે ઊંચાં ફુગાવા બાદ જ્યારે ફેડ રિઝર્વે વ્યાજ દરમાં વૃદ્ધિ શરૂ કરી હતી ત્યારે રૂપિયા પર દબાણને કારણે ઈસીબી મોંઘા સાબિત થયાં હતાં. ગયા વર્ષે એપ્રિલમાં ઈસીબી મારફતે ફંડ રેઈઝીંગ માસિક ધોરણે ઐતિહાસિક સ્તરે પહોંચ્યું હતું. કેમકે યુએસ ફેડ રિઝર્વ અને અન્ય સેન્ટ્રલ બેંકર્સે રેટમાં વૃદ્ધિ કરવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદથી લઈ અત્યાર સુધીમાં ફેડ રિઝર્વે આંઠ વાર રેટ વૃદ્ધિ કરી છે અને બેન્ચમાર્ક રેટને 5 ટકા નજીક લઈ ગઈ છે. તેમજ હજુ પણ બેથી ત્રણ રાઉન્ડ રેટ વૃદ્ધિની શક્યતાં ઊભી છે. આ સ્થિતિમાં વિદેશમાંથી ફંડ ઊભું કરવું મોંઘુ બન્યું છે. સ્થાનિક સ્તરે પણ રેટ વધ્યાં છે. જોકે સ્થાનિક અને વિદેશી બજારમાં ઉપલબ્ધ ફંડ્સ વચ્ચેનો રેટ ગાળો સંકડાયો છે અને તેથી કોર્પોરેટ્સ સ્થાનિક વિકલ્પોનો ઉપયોગ કરી રહ્યાં છે. ખાનગી બેંકર એક અન્ય કારણમાં જણાવે છે કે ભારતીય કોર્પોરેટ્સની બેલેન્સ શીટમાં છેલ્લાં બે વર્ષોમાં મજબૂતી જોવા મળી છે અને તેમને વિસ્તરણ માટે નાણાની જરૂરિયાત નીચી હોવાના કારણે પણ ઈસીબી મારફતે ફંડીંગની જરૂરિયાત નીચી રહી છે.

એસ્સારે 3.6 અબજ ડોલર રોકાણ માટે ઇઇટીની રચના કરી
એનર્જી, મેટલ્સ અને માઈનીંગ, માળખાગત સુવિધા અને ટેકનોલોજી ક્ષેત્રોમાં રોકાણ ધરાવતા એસ્સાર ગ્રૂપે નોર્થ વેસ્ટ ઇંગ્લેન્ડમાં યુકેનું અગ્રણી ઊર્જા પરિવર્તન કેન્દ્ર ઊભું કરવા એસ્સાર એનર્જી ટ્રાન્ઝિશન (ઇઇટી) બનાવવાની જાહેરાત કરી હતી. ઇઇટી આગામી પાંચ વર્ષમાં લૉ કાર્બન ઊર્જા તરફ આગેકૂચ માટે વિવિધ પ્રોજેક્ટ વિકસાવવા માટે કુલ 3.6 અબજ ડોલરનું રોકાણ કરવાની યોજના ધરાવે છે, જેમાંથી 2.4 અબજ ડોલરનું રોકાણ લિવરપૂલ અને માન્ચેસ્ટર વચ્ચે સ્ટેનલૉમાં એની સાઇટમાં થશે અને ભારતમાં 1.2 અબજ ડોલરનું રોકાણ થશે.
ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ પાછળ ગોલ્ડમાં સુધારો
વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પાછળ ગોલ્ડના ભાવમાં સાધારણ સુધારો જોવા મળ્યો હતો. વૈશ્વિક કોમેક્સ ખાતે ગોલ્ડ વાયદો 3 ડોલર સુધારા સાથે 1820 ડોલરની સપાટી પર ટ્રેડ થતો હતો. જોકે એમસીએક્સ ખાતે ગોલ્ડમાં નરમાઈ જળવાઈ હતી અને એપ્રિલ વાયદો રૂ. 90ના ઘટાડે રૂ. 55342 પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. ચાંદીમાં પણ ઘટાડો જોવા મળતો હતો અને માર્ચ વાયદો રૂ. 241ના ઘટાડે રૂ. 63192 પર ટ્રેડ દર્શાવતો હતો. કોપર, ક્રૂડ અને એલ્યુમિનિયમમાં પણ નરમાઈ જોવા મળી રહી હતી.

કોર્પોરેટ હેડલાઈન્સ

પેટીએમઃ ફિનટેક કંપનીની માલિ વન97 કોમ્યુનિકેશન્સમાંથી બે મોટા ઈન્વેસ્ટર્સ તેમનું રોકાણ વેચવા માટે વિચારી રહ્યાં છે. જેમાં સોફ્ટ બેંક અને અલીબાબા સાથે જોડાયેલા એન્ટ ગ્રૂપનો સમાવેશ થાય છે. જાણકારોના મતે બંને કંપનીઓ તેમના હિસ્સાના સેકન્ડરી સેલ માટે મંત્રણા ચલાવી રહી છે. અગાઉ તેમની ઈન્વેસ્ટમેન્ટ બેંક્સે ભારતી એન્ટરપ્રાઈઝના સુનીલ મિત્તલનો સંપર્ક કર્યો હોવાનું માનવામાં આવે છે. જોકે પેટીએમના ફાઉન્ડર અને સીઈઓ બોર્ડ પર સ્ટ્રેટેજિક ઈન્વેસ્ટરનો વિરોધ કરી રહ્યાં હોવાથી આમ થઈ શક્યું નહોતું.
બજાજ ઓટોઃ અગ્રણી ટુ-વ્હીલર્સ ઉત્પાદક બજાજ ઓટોએ જણાવ્યું છે કે તે મોટરસાઈકલ અને થ્રી-વ્હીલર્સના ઉત્પાદનમાં લગભગ 25 ટકા જેટલો કાપ મૂકશે. કંપની તેના એક્સપોર્ટલક્ષી પ્લાન્ટ્સ પર ઉત્પાદન ઘટાડો હાથ ધરશે એમ તેણે જણાવ્યું છે. કંપનીના સૌથી મોટા માર્કેટ નાઈજિરીયા ખાતે અનિશ્ચિતતાને કારણે તેણે આ નિર્ણય લીધો છે. કંપની માર્ચમાં 2.5-2.7 લાખ યુનિટ્સનું ઉત્પાદન કરે તેવી શક્યતાં છે. એપ્રિલથી ડિસેમ્બરના પ્રથમ નવ મહિનામાં તેણે મહિને સરેરાશ 3.38 લાખ યુનિટ્સનું ઉત્પાદન કર્યું હતું.
આઈઓસીઃ પીએસયૂ કંપની ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન તેની તમામ રિફાઈનરીઝ ખાતે ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ્સની સ્થાપના કરશે. કંપની આગામી વર્ષોમાં નેટ-ઝીરો એમિશન્સનો ટાર્ગેટ હાંસલ કરવા માટે રૂ. 2 લાખ કરોડના રોકાણ સાથે ગ્રીન ટ્રાન્ઝિશનની યોજના પર અમલ કરશે.
ગ્રીનકો એનર્જીઃ દેશમાં અગ્રણી ક્લિન એનર્જી કંપનીઓમાંની એક એવી ગ્રીનકો એનર્જિએ 50 કરોડ ડોલરનું મૂલ્ય ધરાવતાં ડોલર બોન્ડ્સના પ્રિપેમેન્ટનો નિર્ણય લીધો છે. કંપની તેના નજીકના સમયગાળાના કેશ ફ્લોનો ઉપયોગ કરી ઓગસ્ટ 2023માં મેચ્યોર થનારા બોન્ડ્સની વહેલી ચૂકવણી કરશે. કંપનીએ 2021-22માં 65.2 કરોડનો એબિટા દર્શાવ્યો હતો.
ભારત ઈલેટ્રોનિક્સઃ ભારત સરકારના જાહેર સાહસો વિશાખાપટ્ટનમ તે નવા સોફ્ટવેર ડેવલપમેન્ટ સેન્ટરની શરૂઆત કરી છે.
પાવર ગ્રીડ કોર્પોરેશનઃ સરકારી પાવર ટ્રાન્સમિશન કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે રૂ. 803.57 કરોડના મૂલ્યના ચાર નવા પ્રોજેક્ટ્સ માટેના પ્રસ્તાવને મંજૂરી આપી છે. કંપની નોંધપાત્ર પ્રમાણમાં કેપેક્સ પ્લાન ધરાવે છે.
એનબીસીસીઃ સરકારી કન્સ્ટ્રક્શન કંપનીએ જાન્યુઆરી 2023માં રૂ. 194.17 કરોડના મૂલ્યના કુલ નવો બિઝનેસ મેળવ્યો હતો. જે સાથે કંપની કુલ રૂ. 350 કરોડના મૂલ્યના ઓર્ડર ધરાવે છે.
ડીસીએમ શ્રીરામઃ કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે વિન્ડ સોલાર હાઈબ્રીડ રિન્યૂએબલ પાવર પ્રોજેક્ટની સ્થાપના માટે સ્પેશ્યલ પરપઝ વેહીકલમાં રૂ. 65 કરોડના ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ માટે મંજૂરી આપી છે.
આઈઆરબી ઈન્ફ્રાઃ ઈન્ફ્રા કંપનીએ ગુજરાતમાં સામખિયાળીથી સાંતલપુર વચ્ચેના એનએચ-27ને અપગ્રેડ કરીને સિક્સ લેનનો કરવા માટેનો ઓર્ડર મેળવ્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage