શેરબજારમાં બે બાજુની વધ-ઘટ વચ્ચે પોઝીટીવ બંધ
નિફ્ટી 17 હજાર પર બંધ આપવામાં નિષ્ફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.3 ટકા વધી 15.44ના સ્તરે
ફાર્મા, એફએમસીજી, આઈટી, બેંકિંગ પોઝીટીવ
ઓટો, એનર્જી, રિઅલ્ટીમાં વેચવાલી
એઆઈએ એન્જી., સિમેન્સ નવી ટોચે
એબીએસએલ એએમસી, બોરોસીલ રિન્યૂ. નવા તળિયે
બીએસઈ ખાતે 612 કાઉન્ટર્સે વાર્ષિક લો બનાવ્યું
શેરબજારમાં નવા સપ્તાહની શરૂઆત પોઝીટીવ જોવા મળી હતી. જોકે આખરી કલાકમાં ઊંચા મથાળે વેચવાલી પાછળ મોટાભાગનો સુધારો ભૂંસાયો હતો અને બેન્ચમાર્ક્સ સાધારણ પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 127 પોઈન્ટ્સ સુધરી 57,654ની સપાટીએ જ્યારે નિફ્ટી 41 પોઈન્ટ્સ સુધરી 16986ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ખરીદી પાછળ બ્રેડ્થ સાધારણ પોઝીટીવ જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 28 ગ્રીન બંધ દર્શાવતાં હતાં. જ્યારે 22 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. જોકે, બ્રોડ માર્કેટમાં સ્થિતિ વિપરીત જોવા મળતી હતી. મીડ-કેપ અને સ્મોલ-કેપમાં ભારે વેચવાલી પાછળ બ્રેડ્થ ખૂબ નેગેટિવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3788 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2718 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે માત્ર 919 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. આનાથી પણ વધુ ખરાબ સ્થિતિ એ હતી કે 612 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. જ્યારે બીજી બાજુ 74 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી.
સોમવારે એશિયન બજારોમાં જાપાન અને સિંગાપુરને બાદ કરતાં સાર્વત્રિક નરમાઈ વચ્ચે ભારતીય બજારે પોઝીટીવ ઓપનીંગ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 16945ના બંધ સામે 16984ની સપાટી પર ખૂલી ઉપરમાં 17091ની ટોચ પર ટ્રેડ થયો હતો. જ્યારે ઈન્ટ્રા-ડે તેણે 16919નું તળિયું બનાવ્યું હતું. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર્સ 39 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 17025ની સપાટી પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 7 પોઈન્ટ્સના ડિસ્કાઉન્ટ સામે નોંધપાત્ર વૃદ્ધિ સૂચવે છે. આનો અર્થ એ થાય છે કે માર્કેટમાં નીચા સ્તરે લોંગ બિલ્ટ-અપ થયું છે. જે બજારને આગામી સત્રમાં મજબૂતી આપી શકે છે. જોકે, ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટી 17200ની સપાટી પર બંધ આપે નહિ ત્યાં સુધી શોર્ટ પોઝીશન જાળવી રાખવી જોઈએ. નીચામાં 16850નું સ્તર તૂટશે તો 16700ની સપાટી જોવા મળી શકે છે. સોમવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા મુખ્ય કાઉન્ટર્સમાં ગ્રાસિમ ટોચ પર હતો. શેર 2.3 ટકા સુધારે બંધ રહ્યો હતો. આ ઉપરાંત રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, સિપ્લા, સન ફાર્મા, એપોલો હોસ્પિટલ, ડિવિઝ લેબ્સ, કોટક મહિન્દ્રા બેંક અને એચયૂએલ પણ મજબૂતી દર્શાવતાં હતાં. બીજી બાજુ, અદાણી પોર્ટ્સ 1.4 ટકા સાથે સૌથી વધુ ઘટ્યો હતો. આ ઉપરાંત એસબીઆઈ લાઈફ, એમએન્ડએમ, તાતા મોટર્સ, પાવર ગ્રીડ કોર્પોરેશન, અદાણી એન્ટરપ્રાઈઝિસ, બજાજ ફાઈનાન્સ, એનટીપીસી અને આઈશર મોટર્સમાં પણ નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો ડિફેન્સિવ સેક્ટર્સ જેવાકે ફાર્મા, એફએમસીજી, આઈટીમાં ખરીદી જોવા મળી હતી. બેંકિંગ ક્ષેત્રે પણ પીએસયૂ શેર્સમાં ખરીદી પાછળ સુધારો જોવા મળ્યો હતો. જ્યારે ઓટો, એનર્જી, રિઅલ્ટીમાં વેચવાલી નીકળી હતી. નિફ્ટી ફાર્મા એક ટકાથી વધુ સુધારો દર્શાવતો હતો. જેમાં બાયોકોન, લ્યુપિન, આલ્કેમ લેબ, ઓરોબિંદો ફાર્મા, સિપ્લા, ટોરેન્ટ ફાર્મા, સન ફાર્મા, ડિવિઝ લેબ્સ, અને ડો. રેડ્ડીઝ લેબ્સ સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સના ઘટકોમાં ગોદરેજ કન્ઝ્યૂમર, ડાબર ઈન્ડિયા, એચયૂએલ, મેરિકો, આઈટીસીમાં સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ ઈમામી, યુનાઈટેડ સ્પિરિટ્સ, યુનાઈટેડ બ્રૂઅરિઝ, નેસ્લે, જ્યુબિલિઅન્ટ ફૂડ અને કોલગેટમાં નરમાઈ જોવા મળતી હતી. નિફ્ટી પીએસયૂ બેંક શેર્સમાં કેનેરા બેંક 1.2 ટકા સુધારો સૂચવતો હતો. એસબીઆઈ, બેંક ઓફ બરોડા, ઈન્ડિયન બેંક અને પીએનબી પણ ગ્રીન ઝોનમાં બંધ દર્શાવતાં હતાં. નિફ્ટી આઈટીમાં ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, ટીસીએસમાં સુધારો જોવા મળ્યો હતો. એનએસઈ ડેરિવેટીવ્સ કાઉન્ટર્સની વાત કરીએ તો બાયોકોન 4 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત ગ્લેનમાર્ક, લ્યુપિન, ઈન્ફો એજ, મેટ્રોપોલીસ, હિંદુસ્તાન એરોનોટિક્સ, આલ્કેમ લેબ્સ, ઓરોબિંદો ફાર્મા, દાલમિયા ભારતમાં મજબૂતી જોવા મળતી હતી. જ્યારે આઈઈએક્સ, વોડાફોન આઈડિયા, તાતા પાવર, ટોરેન્ટ પાવર, આઈઆરસીટીસી, જીએનએફસીમાં નરમાઈ જોવા મળી હતી. એઆઈએ એન્જીનીયરીંગ, ગોદરેજ કન્ઝ્યૂમર, સાયન્ટ, સિમેન્સે તેમની સર્વોચ્ચ અથવા વાર્ષિક ટોચ બનાવી હતી. બીજી બાજુ, એબીએસએલ એએમસી, ધાની સર્વિસિઝ, ટ્રાઈડન્ટ, વોખાર્ટ, બોરોસીલ રિન્યૂ, તાન્લા પ્લેટફોર્મ્સ, જ્યુબિલિઅન્ટ ઈન્ગ્રે, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટીમાં નોંધપાત્ર વેચવાલી જોવા મળતી હતી.
સરકારનો PSU બેંક્સને કંપનીઓના પ્લેજ્ડ શેર સામે પ્રોવિઝન કરવા નિર્દેશ
બેંકોને માઈક્રો-ક્લસ્ટર લેવલે સર્વગ્રાહી સ્ટ્રેસ ટેસ્ટીંગ માટે પણ જણાવ્યું
નાણા મંત્રાલયે જાહેર ક્ષેત્રની બેંક્સને માર્કેટમાં પ્રાપ્ય ડેટાને મેળવીને કંપનીઓના પ્લેજ્ડ શેર્સ પર યોગ્ય દેખરેખ રાખવા તથા પ્રોવિઝન કરવા માટે નિર્દેશ કર્યો છે. સાથે આવી કંપનીઓના સમગ્રતયા એક્સપોઝરનું સંચાલન કરવા પણ જણાવ્યું છે. જેથી તકલીફના સમયે તેઓ સમયસર પગલાં લઈ શકે.
નાણાપ્રધાન નિર્મલા સીતારામનની અધ્યક્ષતામાં શનિવારે જાહેર ક્ષેત્રની બેંક્સની કામગીરીની સમીક્ષા દરમિયાન આ નિર્દેશો કરવામાં આવ્યાં હતાં. વૈશ્વિક સ્તરે યુએસ અને યુરોપ ખાતે કેટલીક બેંક્સના પતનને લઈને ઊભી થયેલી વૈશ્વિક નાણાકિય કટોટીની સ્થિતિને જોતાં આ સમીક્ષા યોજવામાં આવી હતી. જેમાં પીએસયૂ બેંક્સના કેટલાંક નાણાકિય તંદુરસ્તીના માપદંડોને લઈ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં હાજર રહેલા અધિકારીના જણાવ્યા મુજબ નાણા મંત્રાલયે પીએસબીને માઈક્રો-ક્લસ્ટર લેવલે પોર્ટફોલિયોના સર્વગ્રાહી સ્ટ્રેસ ટેસ્ટીંગ હાથ ધરવા માટે જણાવ્યું હતું. હાલમાં 12 પીએસયૂ બેંસમાંથી માત્ર છ બેંક્સ જ માઈક્રો-ક્લસ્ટર લેવલે સ્ટ્રેટ ટેસ્ટીંગ હાથ ધરે છે. જેમાં પ્રોડ્ક્ટ-લોન કેટેગરીઝ, ડેમોગ્રાફિક ડિટેલ્સ, લોન કેરેક્ટરિસ્ટીક્સ જેવા પરિબળોનો સમાવેશ થતો હતો. જોકે હજુ સુધી એકપણ પીએસયૂ બેંકે EASE 5.0ની ભલામણોને આધારે સર્વગ્રાહી મેચ્યોર સ્ટ્રેટ ટેસ્ટીંગ મોડેલ ઊભું કર્યું નથી એમ અધિકારીએ ઉમેર્યું હતું. આ પ્રકારનું સર્વગ્રાહી સ્ટ્રેસ ટેસ્ટીંગ વધતાં ઈન્ટરેસ્ટ રેટના સમયગાળામાં બેંક્સને જોખમ સામે તૈયાર કરે છે. સિલિકોન વેલી બેંકના કિસ્સામાં તેની એસેટ્સ લોંગ-ટર્મ એચટીએમ બોન્ડ્સમાં લોક હતી. જ્યારે ડિપોઝીટ ઉપાડમાં વૃદ્ધિને કારણે એસેટ-લાયેબિલિટી વચ્ચે અસંતુલન ઊભું થયું હતું. જેને કારણે બેંકનું પતન જોવા મળ્યું હતું. નાણા મંત્રાલયે જાહેર ક્ષેત્રની બેંક્સને બલ્ક અને સર્ટિફિકેટ્સ ઓફ ડિપોઝીટ્સ સામે હાઈ-ક્વોલિટી કરન્ટ એકાઉન્ટ સેવિંગ્ઝ એકાઉન્ટ(કાસા) પર ભાર આપવા માટે જણાવ્યું હતું. તેણે 2021-22માં પીએસબીના ઘટેલાં કાસા રેશિયોને લઈ ચિંતા પણ વ્યક્ત કરી હતી. 2013-14માં 70 ટકા પરથી પીએસયૂ બેંક્સનો કાસા ગયા નાણા વર્ષે ઘટી 58 ટકા પર જોવા મળ્યો હતો. જે સમયગાળામાં બેંકિંગ ઈન્ડસ્ટ્રીનો કાસા 34 ટકા પરથી વધી 45 ટકા પર રહ્યો હતો.
નાણા મંત્રાલયે કરેલા સૂચનો
• હાઈ-ક્વોલિટી કરન્ટ એકાઉન્ટ સેવિંગ્ઝ એકાઉન્ટ(કાસા) પર ભાર આપવો.
• કટોકટીના સમયે ગ્રાહક સાથે કોમ્યુનિકેટ માટે ક્રાઈસિસ પ્લેબુકની જરૂર.
• ઈબીએલઆર-લિંક્ડ એડવાન્સિસનો હિસ્સો વધારવો.
• મજબૂત લિક્વિડીટી પોઝીશન, ડાયવર્સિફાઈડ ડિપોઝીટ્સ અને એસેટ બેઝ અને મજબૂત રેગ્યુલેટરી ફ્રેમવર્ક સ્થાપવું.
RBIએ પણ બેંક્સને ટોપ 20 બિઝનેસ હાઉસિસ માટે વધારાના પ્રોવિઝન માટે જણાવ્યું
બેંક રેગ્યુલેટર આરબીઆઈએ બેંકોને ભારતના ટોચના 20 કોંગ્લોમેરટ માટે તેમના એક્સપોઝર સામે ચોક્કસ પ્રોવિઝનીંગ માટે જણાવ્યું હોવાનું વર્તુળોનું કહેવું છે. ઉચ્ચસ્તરીય વર્તુળોના જણાવ્યા મુજબ આ પગલું એ સાવચેતીના પગલાં તરીકે લેવાયું છે અને તેને રેગ્યુલેટર તરફથી કોઈ ‘વોર્નિંગ સિગ્નલ’ તરીકે જોવાની જરૂર નથી. આ ઘટનાથી માહિતગાર સિનિયર બેંકર જણાવે છે કે હાલના તબક્કે પીએસયૂ બેંક્સ અને પ્રાઈવેટ બેંક્સ ઘણી સારી સ્થિતિમાં છે. જેને જોતાં રેગ્યુલેટરને લાગી રહ્યું છે કે બેંક્સે સિસ્ટમને વધુ મજબૂત બનાવવા માટે ટોચના બિઝનેસ ગૃહોને ધ્યાનમાં રાખી કેટલાંક અધિક પગલાં હાથ ધરવાં જોઈએ.
હિંદુજાની પાછીપાનીને કારણે રિલાયન્સ કેપિટલના લેન્ડર્સ ફસાયાં
ટોરેન્ટની ઓફર પછી નવેસરથી સુધારેલી ઓફર કરનાર હિંદુજાએ પારોઠના પગલાં ભર્યાં
એડીએજી જૂથની નાદાર કંપની રિલાયન્સ કેપિટલની એસેટ ખરીદવા માટે ટોરેન્ટ જૂથ સાથે સ્પર્ધામાં ઉતરેલા હિંદુજા જૂથે તેની સુધારેલી ઓફરમાંથી પાછીપાની કરતાં કંપનીના લેન્ડર્સ ફસાયાં છે. હિંદુજાએ પ્રથમ રાઉન્ડનું ઓક્શન પૂરું થયાં પછી સુધારેલી ઓફર કરતાં લેન્ડર્સે ઓક્શનનો બીજો રાઉન્ડ યોજવા માટેનો કોલ લીધો હતો. જોકે, હવે હિંદુજા જૂથ તેની રૂ. 8950 કરોડની લઘુત્તમ ઓફરમાંથી પરત ફર્યું છે. ડિસેમ્બરમાં ટોરેન્ટ જૂથ આરકેપ માટે સૌથી મોટા બીડર તરીકે ઊભર્યું હતું.
હિંદુજાના તાજા પગલાંને કારણે રૂ. 24000 કરોડનું એક્સપોઝર ધરાવતાં ભારતીય લેન્ડર્સની સ્થિતિ ફસાઈ ગયા જેવી થઈ છે. બેંકિંગ વર્તુળોના જણાવ્યા મુજબ રિલાયન્સ કેપિટલના કેટલાંક લેન્ડર્સની બીડર્સ-ટોરેન્ટ જૂથ અને હિંદુજા જૂથ સાથે શુક્રવારે મંત્રણા યોજાઈ હતી. જેમાં હિંદુજાએ તેનું વલણ બદલ્યું હતું. હવે, રિલાયન્સ કેપિટલની કમિટી ઓફ ક્રેડિટર્સની બેઠક સોમવારે યોજવામાં આવી છે. ટોરેન્ટ જૂથે પ્રથમ ઓક્શનમાં રૂ. 8649 કરોડનું સૌથી ઊંચું બીડ કર્યું હતું. જોકે, ઓક્શન પૂરું થયાંના બીજા દિવસે હિંદુજાએ સુધારેલી ઓફર કરી હતી. જેને કારણે લેન્ડર્સે બીજા રાઉન્ડના ઓક્શન માટે પ્લાન બનાવ્યો હતો. જેને કારણે ટોરેન્ટ જૂથે કોર્ટના દ્વાર ખખડાવવાના બન્યાં હતાં. હાલમાં આ મુદ્દો સુપ્રીમ કોર્ટની વિચારણામાં છે.
વર્તુળોના જણાવ્યા મુજબ શુક્રવારે મળેલી બેઠકમાં હિંદુજા ગ્રૂપે પારોઠના પગલાં ભરતાં જણાવ્યું હતું લેન્ડર્સે તેની રૂ. 8950 કરોડની સુધારેલી ઓફરને સ્થાને અગાઉના રૂ. 8110 કરોડના બીડને ગણનામાં લેવાનું રહેશે.
રાધાકૃષ્ણ દામાણીના પોર્ટફોલિયોમાં રૂ. 32 હજાર કરોડનું ધોવાણ
જાણીતા શેરબજાર રોકાણકાર રાધાકૃષ્ણ દામાણીના પોર્ટફોલિયોમાં છેલ્લાં ત્રણ મહિનામાં રૂ. 32000 કરોડનું ધોવાણ નોંધાયું છે. જાન્યુઆરી 2023થી લઈ માર્ચ આખર સુધીમાં તેમના પોર્ટફોલિયોનું મૂલ્ય રૂ. 1.85 લાખ કરોડ પરથી ઘટી રૂ. 1.52 લાખ કરોડ પર આવી ગયું છે.
ડી-માર્ટના ફાઉન્ડર એવા રાધાકૃષ્ણ દામાણી ઉપરાંત અન્ય જાણીતા રોકાણકારોએ પણ માર્કેટમાં નોંધપાત્ર વેલ્થ ધોવાણ નોંધાવ્યું છે. જેમાં અનિલકુમાર ગોયલનો પોર્ટફોલિયોમાં 22 ટકા ઘટાડો નોંધાયો છે. જ્યારે રાકેશ ઝૂનઝૂનવાલાના પત્નિ રેખા ઝૂનઝૂનવાલા અને મુકુલ અગ્રવાલના પોર્ટફોલિયોએ બેન્ચમાર્ક સેન્સેક્સની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. જોકે, તેમના પોર્ટફોલિયોના મૂલ્યમાં સમગ્રતયા ઘટાડો જોવા મળ્યો છે. રાધાકૃષ્ણ દામાણીના પોર્ટફોલિયોના મૂલ્યમાં 18 ટકા ઘટાડો નોંધાયો છે. જેમાં ડી-માર્ટની માલિક એવન્યૂ સુપરમાર્ટ્સના શેરમાં 18 ટકા ઘટાડાએ નોંધપાત્ર યોગદાન આપ્યું છે. આ ઉપરાંત ઈન્ડિયા સિમેન્ટના શેરમાં 22 ટકા ઘટાડો જોવા મળ્યો છે. જેને કારણે પણ અસર પડી છે. અનિલ કુમાર ગોયલના પોર્ટફોલિયોમાં 23 ટકા ઘટાડા પાછળ કેઆરબીએલના શેરમાં ઘટાડો મુખ્ય છે. ઉપરાંત ટીપીસીએલ પેકેજિંગનો શેર પણ 16 ટકા ગગડ્યો છે. જેની પાછળ ગોયલનો પોર્ટફોલિયો રૂ. 1897 કરોડ પરથી ઘટી રૂ. 1463 કરોડ પર જોવા મળી રહ્યો છે. રેખા ઝૂનઝૂનવાલાના પોર્ટફોલિયોનું કદ રૂ. 33230 કરોડ પરથી ઘટી રૂ. 31853 કરોડ પર રહ્યું છે. તેમને ટાઈટન, સ્ટાર હેલ્થ જેવા કાઉન્ટર્સમાં ઘટાડાને કારણે નુકસાન થયું છે.
ભારતીય બજારનું માર્કેટ-કેપ 3 ટ્રીલીયન ડોલર નીચે નવ-મહિનાના તળિયે
અગાઉ 23 જૂન, 2022ના રોજ તે આ સ્તરે જોવા મળ્યું હતું.
ભારતીય શેરબજારનું માર્કેટ-કેપ નવ મહિનામાં પ્રથમવાર 3 ટ્રિલિયન ડોલર નીચે ઉતરી ગયું છે. બજારમાં સતત વેચવાલીના દબાણ પાછળ જૂન-2022 પછી તે ફરી આ સ્તર પર જોવા મળ્યું છે. યુએસ અને યુરોપ ખાતે બેંકિંગ કંપનીઓને લઈ જોવા મળી રહેલી ચિંતા પાછળ છેલ્લાં મહિનામાં બજારોમાં સેન્ટિમેન્ટ ખરડાયું છે. ક્રેડિટ સ્વીસને યૂબીએસ તરફથી ટેકઓવર કર્યાં બાદ માંડ રાહત મળી હતી ત્યાં ડોઈશે બેંકને લઈ ચિંતા જોવા મળી છે. જેણે યુરોપિયન બેંકિંગ ઉદ્યોગની તંદુરસ્તીને લઈ ફરી રોકાણકારોમાં અકળામણ ઊભી કરી છે.
સોમવારે ભારતીય બજારનું માર્કેટ-કેપ 2.99 અબજ ડોલર પર નોંધાયું હતું. અગાઉ 23-જૂન 2022ના રોજ તે આ સપાટી પર જોવા મળ્યું હતું. હાલમાં ટોચના 10-શેરબજારોમાં ભારતીય શેરબજાર 6ઠ્ઠા ક્રમનું માર્કેટ-કેપ ધરાવે છે. ચાલુ કેલેન્ડરની શરૂઆતથી ભારતીય બજારના એમ-કેપમાં 300 અબજ ડોલરનો ઘટાડો નોઁધાયો છે. વૈશ્વિક સ્તરે યુનાઈટેડ સ્ટેટ્સ 41.83 ટ્રિલીયન ડોલરના માર્કેટ-કેપ સાથે ટોચના ક્રમે આવે છે. જ્યારબાદ ચીન 10.67 ટ્રિલીયન ડોલરનું એમ-કેપ ધરાવે છે. જાપાન અને હોંગ કોંગ અનુક્રમે 5.59 ટ્રિલીયન ડોલર અને 5.35 ટ્રિલીયન ડોલર સાથે ત્રીજા અને ચોથા ક્રમે આવે છે. જ્યારે ફ્રાન્સ 3.06 ટ્રિલીયન ડોલર સાથે પાંચમા ક્રમે જોવા મળે છે.
વાર્ષિક ધોરણે ભારતીય બેન્ચમાર્ક્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેમાં સેન્સેક્સ 5.45 ટકા જ્યારે નિફ્ટી 6.41 ટકા ઘટાડો સૂચવે છે. ઉપરાંત, બીએસઈ મીડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકો પણ અનુક્રમે 6.64 ટકા અને 7.47 ટકાનો ઘટાડો દર્શાવે છે. સમાનગાળામાં વિદેશી રોકાણકારોએ 3.34 અબજ ડોલરની વેચવાલી નોંધાવી છે. જ્યારે સ્થાનિક સંસ્થાઓએ રૂ. 75 હજાર કરોડથી વધુ ખરીદી કરી છે.
રિલાયન્સે સોફ્ટ ડ્રિંક્સથી સોપ્સ સુધી પ્રાઈસ વોર છેડ્યું
સોફ્ટ ડ્રિંક ક્ષેત્રે કેમ્પાના રિલોંચિંગ સાથે પ્રાઈસ વોર શરુ કરનાર રિલાયન્સે એફએમસીજી સેગમેન્ટમાં પર્સનલ અને હોમ કેર કેટેગરીઝમાં 30-35 ટકા નીચાં ભાવે પ્રોડક્ટ્સ ઓફર કરી પ્રાઈસ વોરની શરૂઆત કરી છે. માર્કેટ નિષ્ણાતોના મતે રિલાયન્સ તેનો પ્લાન ખોલી ચૂકી છે. તેનાં સસ્તાં ઓફરિંગ્સને જોતાં એકવાર ગ્રાહકો તેની પ્રોડક્ટ્સના ઉપયોગ માટે આકર્ષાશે. તેઓ સ્થાપિત બ્રાન્ડ્સ સાથે તેની સરખામણી કરશે. રિલાયન્સ રિટેલ વેન્ચર્સની સંપૂર્ણ માલિકીની એફએમસીજી પાંખ રિલાયન્સ કન્ઝ્યૂમર પ્રોડક્ટસના ઉત્પાદનો હજુ પસંદગીના માર્કેટ્સમાં જ પ્રાપ્ય છે. જોકે, કંપની ભારતભરમાં ડિલર નેટવર્ક સ્થાપી રહી છે. કંપની તેની પ્રોડક્ટ્સને મોડર્ન તથા જનરલ ટ્રેડ ચેનલ્સમાં ઉપલબ્ધ કરાવશે. ઉદ્યોગ વર્તુળોના મતે હાલમાં આરસીપીએલ બીટુબી ચેનલ્સ તૈયાર કરી રહી છે. દેશમાં 110 અબજ ડોલરના એફએમસીજી માર્કેટમાં મહત્વના ખેલાડી તરીકે સ્થાપિત થવાની મહત્વાકાંક્ષા કંપની ધરાવે છે. હાલમાં એચયૂએલ, પીએન્ડજી, રેકિટ અને નેસ્લે જેવી બહુરાષ્ટ્રીય કંપનીઓ એફએમસીજી ક્ષેત્રે મજબૂત હાજરી ધરાવે છે.
વૈશ્વિક ગોલ્ડમાં 30 ડોલરનું ગાબડું
ઉઘડતાં સપ્તાહે ગોલ્ડના ભાવમાં વેચવાલી જોવા મળી હતી. જેની પાછળ કોમેક્સ ગોલ્ડ વાયદો 30 ડોલર ઘટાડે 1970 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. યુએસ ખાતે બોન્ડ યિલ્ડ્સમાં મજબૂતી પાછળ ગોલ્ડમાં નરમાઈ જોવા મળી હતી. છેલ્લાં બે સપ્તાહથી ગોલ્ડ ઈન્ટ્રા-ડે સહિત ઊંચી વધ-ઘટ દર્શાવી રહ્યું છે. સ્થાનિક બજારમાં એમસીએક્સ ખાતે ગોલ્ડ રૂ. 625ના ઘટાડે રૂ. 58650 પર ટ્રેડ થઈ રહ્યું હતું. ચાંદીમાં જોકે ગોલ્ડની સરખામણીમાં ઓછી નરમાઈ જોવા મળતી હતી. સિલ્વર ફ્યુચર રૂ. 306ના ઘટાડે રૂ. 70105 પર ટ્રેડ દર્શાવતો હતો. આ ઉપરાંત નેચરલ ગેસમાં 4 ટકાનું ગાબડું પડ્યું હતું.
કોટનમાં ખાંડીએ રૂ. 800નો ઘટાડો નોંધાયો
મિલ્સ તરફથી પાંખી માગ પાછળ કોટનના ભાવમાં નરમાઈ જોવા મળી રહી છે. સોમવારે ઉઘડતાં સપ્તાહે ખાંડીના ભાવ રૂ. 800ના ઘટાડે રૂ. 60000 નીચે ઉતરી ગયાં હતાં. ગયા સપ્તાહાંતે રૂ. 60400-60700 પર જોવા મળતાં ભાવ સોમવારે રૂ. 59700-60100 પર બોલાતાં હોવાનું વર્તુળોએ જણાવ્યું હતું. વૈશ્વિક સ્તરે બેંકિંગ કટોકટી પાછળ છેલ્લાં બે સપ્તાહમાં ક્રૂડ જેવી કોમોડિટીઝમાં મોટા ઘટાડા સાથે કૃષિ જણસોમાં પણ અન્ડરટોન નરમ બન્યો છે. જેમાં સોયાબિન અને કોટન મુખ્ય છે. એકમાત્ર ઘઉંમાં મજબૂતી જોવા મળી છે. બીજી બાજુ, સ્થાનિક સ્તરે વર્ષાંત હોવાના કારણે પણ માગ સુસ્ત જોવા મળે છે. વર્તુળોના મતે વૈશ્વિક માગમાં રિવાઈવલ પાછળ જ કોટનમાં મજબૂતી સંભવ છે.
પાંચ કરોડ સાથે વિશ્વમાં 5 ટકા 5-જી સબસ્ક્રાઈબર્સ ધરાવતું ભારત
દેશમાં 5-જી ટેલિકોમ સર્વિસ લોંચ થયાના છ-મહિનામાં વપરાશકારોની સંખ્યા 5 કરોડ પર પહોંચી છે. જે વિશ્વમાં 5-જી સબસ્ક્રાઈબર્સના કુલ 5 ટકા જેટલી થવા જાય છે એમ ડિપોર્ટમેન્ટ ઓફ ટેલિકોમનો ડેટા જણાવે છે. વિશ્વમાં કુલ 100 કરોડ 5-જી સબસ્ક્રાઈબર્સ જોવા મળે છે. ભારતમાં કુલ ટેલિકોમ સબસ્ક્રાઈબર્સ બેઝના તે 4.37 ટકા જેટલો થવા જાય છે. દેશમાં કુલ 77.3 કરોડ 4-જી સબસ્ક્રાઈબર્સ રહેલાં છે. પશ્ચિમ યુરોપ 6.3 કરોડ 5-જી વપરાશકારો ધરાવે છે. જ્યારે ગલ્ફ દેશોમાં 5-જી ગ્રાહકોની સંખ્યા 1.5 કરોડ પર છે. ચીન 38 ટકા વૈશ્વિક હિસ્સા સાથે 64.4 કરોડ 5-જી ગ્રાહકો ધરાવે છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
એચડીએફસીઃ દેશમાં સૌથી મોટો મોર્ગેજ ફાઈનાન્સર એચડીએફસી બેંક સાથે મર્જર અગાઉ રૂ. 57000 કરોડના મૂલ્યના નોન-કન્વર્ટિબલ ડિબેન્ટર્સ ઈસ્યુ કરશે. આ માટે કંપનીના બોર્ડે સોમવારે મંજૂરી આપી હતી. બોર્ડે એચડીએફસીના બોરોઈંગ પાવર્સને રૂ. 6 લાખ કરોડ પરથી વધારી રૂ. 6.5 લાખ કરોડ કર્યો હતો. કંપની રૂ. 5.7 લાખ કરોડનું કુલ બોરોઈંગ ધરાવે છે.
ભારત ઈલેટ્રોનિક્સઃ સરકારી સાહસે ભારતીય આર્મી અને નેવી પાસેથી રૂ. 4300 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે. જે સાથે કંપની ચાલુ અને નવા નાણા વર્ષ 2023-24 મળી કુલ રૂ. 20 હજાર કરોડના મૂલ્યની ઓર્ડર બુકની અપેક્ષા રાખે છે. આ ઓર્ડર ઈન્ટીગ્રેટેડ ઈલેક્ટ્રોનિક વોરફેર સિસ્ટમ્સ સપ્લાય માટેનો છે.
એસબીઆઈઃ દેશમાં સૌથી મોટા લેન્ડરે નાદાર બનેલી અતીબીર ઈન્ડસ્ટ્રીઝની રૂ. 341 કરોડની આઉટસ્ટેન્ડિંગ લોનનું સીએફએમ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીને રૂ. 250 કરોડમાં વેચાણ કર્યું છે. બેંકે સ્વીસ ચેલેન્ડ ઓક્શન મારફતે આ વેચાણ હાથ ધર્યું હતું. ઓલ-કેશ વેચાણમાં બેંકે રૂ. 1ની મુદલ પર 73 પૈસા રિકવર કર્યાં હતાં.
એસકેએસ પાવર જનરેશનઃ અદાણી જૂથ અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે એસકેએસ પાવર જનરેશનની ખરીદી માટે સુધારેલું બીડ રજૂ નથી કર્યું. આમ બંને કંપનીઓ પાવર કંપનીની ખરીદીમાંથી બહાર નીળી ચૂકી છે. હવે 600 મેગાવોટની ક્ષમતા ધરાવતી કંપની માટે પાંચ કંપનીઓ વચ્ચે સ્પર્ધા જોવા મળશે. જેમાં ટોરેન્ટ પાવર, એનટીપીસી, જિંદાલ પાવરનો સમાવેશ થાય છે.
ગ્રાસિમઃ આદિત્ય બિરલા જૂથની કંપનીએ ગુજરાતમાં જૂથની અન્ય કંપની સેન્ચૂરી ટેક્સટાઈલ્સ પાસેથી ભરૂચ જિલ્લામાં રૂ. 255 કરોડના ખર્ચે 220-એકર જમીન લીઝ પર લીધી છે. આ જમીનનો ઉપયોગ કંપની ભવિષ્યમાં મેન્યૂફેચરિંગ સુવિધાની સ્થાપના માટે કરી શકશે.
સન ફાર્માઃ ટોચની ફાર્મા કંપનીએ વિવાલ્ડીસ હેલ્થ એન્ડ ફૂડ્સમાં 60 ટકા હિસ્સા ખરીદવાની જાહેરાત કરી છે. તે રૂ. 143.30 કરોડમાં આ હિસ્સાની ખરીદી કરશે. સોમવારે સન ફાર્માના શેરમાં આ અહેવાલ પાછળ મજબૂતી જોવા મળી હતી.
નાયકાઃ ફેશન સહિતની એસેસરીઝ વેચાણકર્તા કંપનીમાંથી નોંધપાત્ર પ્રમાણમાં વોલ્યુન્ટરી તેમજ ઈનવોલ્યુન્ટરી એક્ઝિટની અપેક્ષા રાખવામાં આવી રહી છે. કંપની 3000થી વધુ ઓન-રોલ કર્મચારીઓ ધરાવે છે.
ક્રોમ્પ્ટન ગ્રિવ્ઝઃ કન્ઝ્યૂમર ઈલેક્ટ્રીક કંપની અને બટરફ્લાય ગાંધીમથીના મર્જરને કંપનીના બોર્ડે મંજૂરી આપી દીધી છે. મર્જરના ભાગરૂપે બટરફ્લાય ગાંધીમથીના શેરધારકોને કંપનીના પાંચ શેર્સ સામે ક્રોમ્પ્ટન ગ્રિવ્ઝના 22 શેર્સ ફાળવવામાં આવશે. મર્જર માટે એનસીએલટીની મંજૂરી જરૂરી રહેશે.
જેકેઆઈએલઃ કંપનીના જેપી એઆઈસીપીએલે બેંગલૂરૂં મેટ્રો રેઈલ કોર્પોરેશન તરફથી રૂ. 249.2 કરોડના મૂલ્યના કોન્ટ્રેક્ટ માટે લેટર ઓફ એસ્સેપ્ટેન્સ મેળવ્યો છે.
શ્રીરામ ફાઈનાન્સઃ એનબીએફસીએ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ મારફતે રૂ. 341 કરોડ મેળવ્યાં છે. કંપનીએ એનસીડી પર 9 ટકાનો કૂપન રેટ ઓફર કર્યો છે.
એમએન્ડએમઃ ઓટો અગ્રણી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ સબસિડિયરી મહિન્દ્રા એરોસ્પેસમાં તેનો હિસ્સો 91.59 ટકા પરથી વધારી 100 ટકા કરવાનો નિર્ણય લીધો છે.
જેએસડબલ્યુ એનર્જીઃ જેએસડબલ્યુ ફ્યુચર એનર્જીના જેએસડબલ્યુ નીઓ એનર્જી સાથેનું મર્જર 1 એપ્રિલ, 2022થી અમલમાં આવેલું ગણાશે.