Market Summary 27/06/2023

બુલ્સ પરત ફરતાં શેરબજારમાં ઘટાડો અટક્યો
સેન્સેક્સ 63 હજાર પર જ્યારે નિફ્ટી 18800 પર પરત ફર્યાં
વોલેટિલિટી ઈન્ડેક્સ 5.5 ટકા ગગડી 10.77ના સ્તરે
બેંકિંગ, રિઅલ્ટી, મેટલ, આઈટીમાં નોંધપાત્ર લેવાલી
એકમાત્ર એફએમસીજીમાં નરમાઈ
ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલ, એબી કેપિટલ, એચડીએફસી લાઈફ નવી ટોચે

શેરબજારમાં બુલ્સ પરત ફરતાં ત્રણ સપ્તાહોથી નરમાઈ દર્શાવી રહેલાં બેન્ચમાર્ક્સમાં સુધારો જોવા મળ્યો હતો અને તેઓ તાજેતરની ટોચ નજીક બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 446 પોઈન્ટ્સ ઉછળી 63,416ની સપાટીએ જ્યારે નિફ્ટી 126.20 પોઈન્ટ્સ મજબૂતી સાથે 18,187.40ની સપાટીએ બંધ રહ્યાં હતાં. મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં ખરીદી પરત ફરતાં માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3638 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2019 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1472 નેગેટિવ જોવા મળતાં હતાં. 133 કાઉન્ટર્સ 52-સપ્તાહની ટોચ પર બંધ રહ્યાં હતાં. જ્યારે 27-કાઉન્ટર્સ વાર્ષિક ઘટાડો દર્શાવતાં હતાં. 15 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 4 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ જોવા મળતાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 5.5 ટકા ગગડી 10.77ના સ્તરે બંધ રહ્યો હતો.
મંગળવારે શેરબજારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યાં પછી સુધારો જાળવી રાખ્યો હતો. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 18691ના બંધ સામે 17749ની સપાટીએ ખૂલી ઉપરમાં 18829 પર ટ્રેડ થઈ તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 2 પોઈન્ટ્સ ડિસ્કાઉન્ટમાં બંધ જોવા મળ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 30 પોઈન્ટ્સ આસપાસના પ્રિમીયમ સામે નોંધપાત્ર ઘટાડો સૂચવે છે. આમ, માર્કેટમાં ઊંચા મથાળે લોંગ પોઝીશન હળવી થયાંનો સંકેત છે. જે બજારમાં સાવચેતી રાખવા જણાવે છે. સપ્તાહના બીજા સત્રમાં બેન્ચમાર્કને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં એચડીએફસી લાઈફ, એપોલો હોસ્પિટલ, જેએસડબલ્યુ સ્ટીલ, એસબીઆઈ, એસબીઆઈ લાઈફ, એચડીએફસી, ભારતી એરટેલ, એચડીએફસી બેંક, ડિવિઝ લેબ્સ, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફિનસર્વનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ઘટાડો દર્શાવવામાં સિપ્લા, બ્રિટાનિયા, તાતા કન્ઝ્યૂમર્સ, યૂપીએલ, અદાણી પોર્ટ્સ, અદાણી એન્ટરપ્રાઈઝિસ, આઈશર મોટર્સમાં ઘટાડો જોવા મળતો હતો. સેક્ટરલ સૂચકાંકોની વાત કરીએ તો બેંકિંગ, રિઅલ્ટી, મેટલ, આઈટીમાં નોંધપાત્ર લેવાલી જોવા મળી હતી. બેંકનિફ્ટી 1 ટકાથી વધુ ઉછળી 44 હજારની સપાટી પર પરત ફર્યો હતો. જેને એસબીઆઈ, ફેડરલ બેંક, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, પીએનબી, આઈસીઆઈસીઆઈ બેંક તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. નિફ્ટી રિઅલ્ટી 1.24 ટકા મજબૂતી સાથે બંધ દર્શાવતો હતો. જેને ગોદરેજ પ્રોપર્ટીઝ, ડીએલએફ, પ્રેસ્ટીજ એસ્ટેટ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ જેવા કાઉન્ટર્સ તરફથી સપોર્ટ મળ્યો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ પણ પોણો ટકા સુધારો સૂચવતો હતો. જેમાં એલટીઆઈમાઈન્ડટ્રી, કોફોર્જ, એમ્ફેસિસ, એલએન્ડટી ટેક્નોલોજી, ટેક મહિન્દ્રા સુધારો દર્શાવવામાં ટોચ પર હતાં. એકમાત્ર એફએમસીજી ઈન્ડેક્સ સાધારણ નરમાઈ સાથે બંધ રહ્યો હતો. એનએસઈ ડેરિવેટીવ્સ ઈન્ડેક્સની વાત કરીએ તો એબી કેપિટલ 6.1 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત એચડીએફસી લાઈફ, કેન ફિન હોમ્સ, મેટ્રોપોલીસ, આરબીએલ બેંક, મેક્સ ફાઈનાન્સિયલ, પાવર ફાઈનાન્સ, ડેલ્ટા કોર્પ, એલએન્ડટી ફાઈનાન્સ, બિરલોસોફ્ટમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, ભારત ઈલેક્ટ્રીક, વોડાફોન આઈડિયા, આઈજીએલ, ઈન્ડસ ટાવર્સ, બલરામપુર ચીની, એચપીસીએલ, દિપક નાઈટ્રેટ, દાલમિયા ભારત, રેઈન ઈન્ડસ્ટ્રીઝ અને એસઆરએફમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. વાર્ષિક અથવા સર્વોચ્ચ સપાટી દર્શાવનારા કાઉન્ટર્સમાં ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલ, એબી કેપિટલ, એચડીએફસી લાઈફ, કેન ફિન હોમ્સ, ગુજરાત પીપાવાવ, વી-ગાર્ડનો સમાવેશ થતો હતો.

સેબીએ તાતા ટેકનોલોજીસના IPOને મંજૂરી આપી
જૂથ 20 વર્ષના સમયગાળા પછી આઈપીઓ સાથે બજારમાં પ્રવેશશે
આઈપીઓ પ્રમોટર્સ અ શેરધારકો તરફથી સંપૂર્ણપણ OFS હશે

માર્કેટ રેગ્યુલેટરે સેબીએ તાતા ટેક્નોલોજિસને આઈપીઓ માટે મંજૂરી આપી દીધી છે. જે છેલ્લાં બે દાયકામાં કોંગ્લોમેરટ તરફથી પ્રથમ આઈપીઓ બની રહેશે. આ ઉપરાંત સેબીએ એસબીએફસી ફાઈનાન્સ લિમિટેડ અને ગંધાર ઓઈલ રિફાઈનરી લિમિટેડના આઈપીઓને મંજૂરી આપી છે.
તાતા ટેક્નોલોજીએ માર્ચમાં સેબી સમક્ષ ડ્રાફ્ટ પેપર્સ ફાઈલ કર્યાં હતાં. કંપનીનો આઈપીઓ સંપૂર્ણપણે ઓફર-ફોર-સેલ હશે. જેમાં પ્રમોટર્સ તથા અન્ય શેરધારકો તરફથી 9.571 કરોડ સુધીના શેર્સનું વેચાણ કરવામાં આવશે. જેમાં 8.113 કરોડ શેર્સ સુધીનું વેચાણ તાતા જૂથ તરફથી થશે. જ્યારે 97.2 લાખ શેર્સનું વેચાણ આલ્ફા ટીસી હોલ્ડિંગ્સ અને 48.6 લાખ શેર્સનું વેચાણ તાતા કેપિટલ ગ્રોથ ફંડ 1 તરફથી થશે. જ્યારે 48.6 લાખ શેર્સનું વેચાણ તાતા કેપિટલ ગ્રોથ ફંડ 1 તરફથી કરવામાં આવશે. હાલમાં તાતા ટેક્નોલોજીસમાં તાતા મોટર્સ 74.69 ટકા હિસ્સો ધરાવે છે. જ્યારે આલ્ફા ટીસી હોલ્ડિંગ્સ 7.26 ટકા હિસ્સો તથા તાતા કેપિટલ ગ્રોથ ફંડ 1 3.63 ટકા હિસ્સો ધરાવે છે. જેએમ ફાઈનાન્સિયલ લિમિટેડ, બોફા સિક્યૂરિટીઝ અને સિટીગ્રૂપ ગ્લોબલ માર્કેટ્સ ઈન્ડિયા ઈસ્યુના લીડ મેનેજર્સ છે. એસબીએફસી ફાઈનાન્સે પણ માર્ચમાં સેબી સમક્ષ ડ્રાફ્ટ પેપર્સ ફાઈલ કર્યાં હતાં. લેન્ડરે તેના આઈપીઓનું કદ રૂ. 1600 કરોડથી ઘટાડી રૂ. 1200 કરોડ કર્યું હતું. જેમાં રૂ. 750 કરોડનો ફ્રેશ ઈસ્યૂ જ્યારે રૂ. 450 કરોડનો ઓએફએસ રહેશે. ગંધાર ઓઈલ રિફાઈનરીના આઈપીઓમાં રૂ. 357 કરોડનો ફ્રેશ ઈસ્યુ તથા 1.2 કરોડ શેર્સ સુધી ઓએફએસનો સમાવેશ થતો હશે. કંપની દેશમાં વ્હાઈટ ઓઈલ્સની અગ્રણી ઉત્પાદક છે.

SP જૂથની અફકોન્સે IPO માટે પાંચ ઈન્વેસ્ટમેન્ટ બેંકર્સ શોર્ટ લિસ્ટ કર્યાં
શાપુરજી પાલોનજી જૂથ સમર્થિત કંપનીની રૂ. 5000-8000 કરોડનો આઈપીઓ લાવવાની વિચારણા

ડાયવર્સિફાઈડ કોંગ્લોમેરટ શાપુરજી પાલોનજી સમર્થિત કન્સ્ટ્રક્શન અને એન્જિનીયરીંગ પ્લેયર અફકોન્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરે રૂ. 5000-8000 કરોડના મેગા આઈપીઓ માટે ઓછામાં ઓછી પાંચ ઈન્વેસ્ટમેન્ટ બેંક્સને શોર્ટલિસ્ટ કરી હોવાનું એકથી વધુ વર્તુળો જણાવે છે. જૂથ તરફથી અગાઉ ઓગસ્ટ 2019માં સ્ટર્લિંગ એન્ડ વિલ્સન સોલારનું શેરબજાર પર લિસ્ટીંગ કરાવાયું હતું.
વર્તુળોના જણાવ્યા મુજબ અફકોન્સે સ્થાનિક તેમજ વિદેશી બેંક્સને આઈપીઓ માટે પસંદ કરી છે. જેમાં આઈસીઆઈસીઆઈ સિક્યૂરિટીઝ, ડીએએમ કેપિટલ, નોમુરા, જેફરિઝ અને એસબીઆઈ કેપિટલનો સમાવેશ થાય છે. અન્ય બે વર્તુળો પણ ઉપરોક્ત નામનું સમર્થન કરે છે અને જણાવે છે કે હાલમાં અન્ય આઈ-બેંકર્સ સાથે ચર્ચા-વિચારણા ચાલુ છે. જેમને પાછળથી ઉમેરવામાં આવી શકે છે. આઈપીઓ મુખ્યત્વે પ્રમોટર્સ એસપી જૂથ તરફથી ઓફર-ફોર-સેલનો બનેલો હશે. સાથે નાનો પ્રાઈમરી હિસ્સો પણ વિચારાઈ રહ્યો છે. આઈપીઓમાંથી મળનારી રકમનો ઉપયોગ જૂથના ડેટ બોજાને હળવો કરવાનો છે. ડીલ ચાલુ સપ્તાહે જ શરૂ થવાની શક્યતાં છે એમ વર્તુળોનું કહેવું છે. એક વર્તુળના મતે એલએન્ડટી પછી કદ અને પ્રોજેક્ટ્સની કોમ્પ્લેક્સિટી જોતાં અફકોન્સ રોકાણકારો માટે સારુ બેટ બની શકે છે. હાલમાં એસપી ગ્રૂપની હોલ્ડિંગ કંપની શાપૂરજી પાલોનજી એન્ડ કંપની કુલ રૂ. 20000 કરોડનું ડેટ ધરાવે છે. કંપની તાતા સન્સમાં 18.37 ટકા હિસ્સો ધરાવે છે. કંપનીની વેબસાઈટ પરથી પ્રાપ્ય માહિતી મુજબ અફકોન્સ 1.25 અબજ ડોલરની કંપની છે. તેમજ તે ભારતની સૌથી ઝડપે વૃદ્ધિ દર્શાવી રહેલી કંપનીઓમાંની છે. તે એશિયા, આફ્રિકા, મધ્યપૂર્વ સહિત 25થી વધુ દેશોમાં પ્રોજેક્ટ્સ ધરાવે છે.

HDFC-HDFC બેંકનું મર્જર 1 જુલાઈ સુધીમાં પૂરું થવાની અપેક્ષાઃ દિપક પારેખ
જૂથે 4 એપ્રિલ, 2022ના રોજ બંને કંપનીઓના મર્જરના નિર્ણયની જાહેરાત કરી હતી
એચડીએફસી બેંકમાં એચડીએફસના વર્તમાન શેરધારકો 41 ટકા હિસ્સો ધરાવતાં હશે
એચડીએફસી અને એચડીએફસી બેંકના બોર્ડની 30 જૂને અલગ-અલગ મિટિંગ મળશે
એચડીએફસીનું 13 જુલાઈએ શેરબજાર પરથી ડિલિસ્ટીંગ થશે

દેશમાં ખાનગી ક્ષેત્રની સૌથી મોટી એવી એચડીએફસી બેંક અને સૌથી મોટા મોર્ગેજ લેન્ડર એચડીએફસી લિમિટેડનું મર્જર 1 જુલાઈ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા હોવાનું હાઉસિંગ ડેવલપમેન્ટ ફાઈનાન્સ કોર્પોરેશન(એચડીએફસી)ના ચેરમેન દિપક પારેખે જણાવ્યું છે.
પારેખે જણાવ્યું હતું કે મર્જર 1 જુલાઈ સુધીમાં પૂર્ણ થવાની અપેક્ષા છે. એચડીએફસી બેંક અને એચડીએફસી, બંને કંપનીઓના બોર્ડ્સ 30 જૂને અલગ બેઠક હાથ ધરશે. મર્જર પછી બેંકની દરેક શાખા મોર્ગેજિસ વેચવાનું શરૂ કરશે. એચડીએફસી બેંકની શાખાઓ નોંધપાત્ર પ્રમાણમાં કામ કરશે અને તેથી હાઉસિંગ પોર્ટફોલિયો ઊંચો રહેશે એમ પારેખે જણાવ્યું હતું. તેમના મતે તમામ મંજૂરીઓ લેવાઈ ગઈ છે. એચડીએફસી લિમિટેડનો શેર 13 જુલાઈએ અનલિસ્ટ થશે. એચડીએફસી અને એચડીએફસી બેંકે 4 એપ્રિલ, 2022ના રોજ મર્જરની જાહેરાત કરી હતી. યોજના મુજબ મર્જર મારફતે એચડીએફસી બેંકમાં એચડીએફસી 41 ટકા હિસ્સો ખરીદશે. જો થોડા દૂર જઈએ તો 2015માં જ પારેખે જણાવ્યું હતું કે જો સંયોગો તરફેણ કરશે તો તેમની કંપની એચડીએફસી બેંકમાં મર્જર માટે વિચારણા કરી શકે છે. જોકે, મર્જર માટે લાંબી રાહ જોવાની થઈ હતી. કેમકે પેરન્ટ કંપનીએ મર્જરના વિચારને અભરાઈએ મૂકી દીધો હતો. પારેખનું કહેવું હતું કે મર્જર કરવાનો અર્થ ત્યારે જ છે જ્યારે શેરધારકોની વેલ્યૂમાં કોઈ નુકસાન ના થવાનું હોય.
એચડીએફસી બેંકના એમડી શશીધર જગદિશને 24 મેના રોજ એનાલિસ્ટ કોલમાં જણાવ્યું હતું કે મર્જર હવે માત્ર એક મહિનો દૂર છે. મર્જરના દિવસ અગાઉ ચારથી પાંચ સપ્તાહ રહ્યાં છે એમ જગદિશને કહ્યું હતું. 10 માર્ચે એચડીએફસીના વાઈસ ચેરમેન અને સીઈઓ કેકી મિસ્ત્રીએ જણાવ્યું હતું કે મર્જર સંયુક્ત કંપની માટે મોટી વૃદ્ધિની તકો લાવશે. તબક્કાવાર રીતે અમારો હેતુ વધુને વધુ બેંક શાખાઓ તરફથી હાઉસિંગ લોન્સના વિસ્તરણનો છે. એચડીએફસી બેંક ખાતે હાઉસિંગ લોન્સની વૃદ્ધિ માટે ઊંચી તકો રહેલી છે એમ મિસ્ત્રીએ ઉમેર્યું હતું. એકવાર મર્જર અમલમાં આવશે ત્યારપછી એચડીએફસી બેંક સંપૂર્ણપણે પબ્લિક શેરધારકોની માલિકીની બનશે. જ્યારે એચડીએફસીના વર્તમાન શેરધારકો બેંકમાં 41 ટકા હિસ્સો ધરાવતાં હશે. પેરન્ટ કંપનીના આખરે બેંક સાથે મર્જર પછી બનનારી કંપની ભારતીય બેંકિંગ ઉદ્યોગ ક્ષેત્રે એક પાવરહાઉસ તરીકે ઊભરશે એમ વર્તુળોનું માનવું છે.

IIFL સિક્યૂરિટીઝ પરના સેબીના પ્રતિબંધ પર SATનો સ્ટે
માર્કેટ રેગ્યુલેટર સેબી તરફથી બ્રોકરેજ કંપની આઈઆઈએફએલ સિક્યૂરિટીઝ પર ક્લાયન્ટ ફંડ્સના દૂરૂપયોગના કારણ પાછળ લેવામાં આવેલા નિર્ણય પર સિક્યૂરિટીઝ એપલેટ ટ્રિબ્યુનલ(સેટ)એ સ્ટે લાગુ પાડ્યો છે. સેબીએ આઈઆઈએફએલ સિક્યૂરિટીઝને બે વર્ષ માટે નવા ક્લાયન્ટ્સ સ્વીકારવા પર પ્રતિબંધ મૂક્યો હતો. મંગળવારે બપોરે 12 વાગ્યા આસપાસ સેટના નિર્ણયની જાણ થતાં આઈઆઈએફએલ સિક્યૂરિટીઝના શેરમાં 6 ટકા આસપાસનો સુધારો જોવા મળ્યો હતો. સેબીએ એપ્રિલ 2011 અને જાન્યુઆરી 2017 વચ્ચે વિવિધ સમયગાળામાં હાથ ધરેલા ઈન્સપેક્શન્સને આધારે આ નિર્ણય લીધો હતો. જેને બ્રોકરેજ કંપનીએ સેટમાં પડકાર્યો હતો.

HDFC બેંક, ONGC સહિતના કાઉન્ટર્સમાં 12.5 કરોડ ડોલરના ઈનફ્લોની શક્યતાં
NSE ઈન્ડેક્સ રિબેલેન્સિંગના ભાગરૂપે બીઈએસ, ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, રિલાયન્સ ઈન્ડ., BOB, NHPCમાં 11.6 કરોડ ડોલરનો આઉટફ્લો સંભવ

NSE સૂચકાંકોમાં ત્રિમાસિક ધોરણે હાથ ધરવામાં આવતાં ઈન્ડેક્સ રિબેલેન્સિંગના ભાગરૂપે HDFC બેંક, ONGC, આઈસીઆઈસીઆઈ બેંક અને અદાણી પોર્ટ્સ એન્ડ સેઝ જેવા કાઉન્ટર્સમાં 12.5 કરોડ ડોલરના ઈનફ્લોની શક્યતાં છે. 28 જૂને બુધવારે રિબેન્સેલિંગ હાથ ધરાશે. આ ઉપરાંત એનટીપીસી, કોલ ઈન્ડિયા અને એચડીએફસી લાઈફ ઈન્શ્યોરન્સમાં પણ આ રિબેલેન્સિંગના કારણે ઈનફ્લો જોવા મળે તેવો અંદાજ છે એમ નૂવામા અલ્ટરનેટીવ એન્ડ ક્વોન્ટેટેટિવ રિસર્ચનું કહેવું છે. આનાથી ઊલટું, બીઈએલ, ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, બેંક ઓફ બરોડા, એનએચપીસી અને જેએસડબલ્યુ સ્ટીલ જેવા કેટલાંક કાઉન્ટર્સમાં 11.6 કરો ડોલરના આઉટફ્લોની શક્યતાં હોવાનું નુવામા નોંધે છે.
બ્રોકરેજે ત્રણ મહત્વના નિફ્ટી સૂચકાંકો નિફ્ટી50, નિફ્ટી બેંક અને સીપીએસઈ ઈન્ડેક્સમાં ફેરફારને કારણે થનારી અસરનો અભ્યાસ કર્યો હતો. આ સૂચકાંકોને ભારત સ્થિત પેસિવ ફંડ્સ તરફથી ટ્રેક કરવામાં આવે છે. જો કાઉન્ટર દીઠ વાત કરીએ તો એચડીએફસી બેંક 2.9 કરોડ ડોલરનો ઈનફ્લો નોંધાવે તેવી અપેક્ષા છે. જ્યારપછી અદાણી એન્ટરપ્રાઈઝિસ 2.9 કરોડ ડોલર અને ઓએનજીસી 2.7 કરોડ ડોલરનો જ્યારે આઈસીઆઈસીઆઈ બેંક 2.5 કરોડ ડોલર અને અદાણી પોર્ટ્સ 2.1 કરોડ ડોલરનો ઈનફ્લો મેળવે તેવી અપેક્ષા છે. કોલ ઈન્ડિયા, એચડીએફસી લાઈફ અને એનટીપીસી અનુક્રમે 1.9 કરોડ ડોલર, 1.8 કરોડ ડોલર અને 1.7 કરોડ ડોલરનો ફ્લો મેળવી શકે છે.
બીજી બાજુ ભેલ જેવુ નાનુ પીએસયૂ કાઉન્ટર 2.8 કરોડ ડોલરનો આઉટફ્લો નોંધાવી શકે તેવી શક્યતાં છે. જ્યારે ઈન્ડસઈન્ડ બેંક અને એક્સિસ બેંક અનુક્રમે 2.5 કરોડ ડોલર અને 1.6 કરોડ ડોલરનું વેચાણ જોઈ શકે છે. હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ 1.2 કરોડ ડોલરનો આઉટફ્લો જ્યારે એયૂ બેંક, બેંક ઓફ બરોડા, એનએચપીસી અને જેએસડબલ્યુ સ્ટીલમાં અનુક્રમે 1 કરોડ ડોલર, 1 કરોડ ડોલર, 80 લાખ ડોલર અને 70 લાખ ડોલરના આઉટફ્લોની શક્યતાં છે.

RBIએ નોન-PPI કંપનીઓને કો-બ્રાન્ડેડ UPI સર્વિસ બંધ કરવા જણાવ્યું
બેંક રેગ્યુલેટર આરબીઆઈએ પ્રિપેઈડ પેમેન્ટ ઈન્સ્ટ્રૂમેન્ટ(પીપીઆઈ) પ્લેયર્સને રેગ્યુલેટ કરવા માટે તથા નોન-પીપીઆઈને લાયસન્સ મેળવવા પ્રોત્સાહન આપવાના ભાગરૂપે ડ્રીમએક્સ અને ફેમપે જેવી કંપનીઓને તેમની યૂપીઆઈ સર્વિસિઝ બંધ કરવા માટેનો નિર્દેશ આપ્યો છે. આ કંપનીઓ કો-બ્રાન્ડેડ એરેન્જમેન્ટ મારફતે સક્રિય હતી. આરબીઆઈનું આ પગલું કો-બ્રાન્ડેડ પીપીઆઈ એપ્સ પર તેમના પ્લેટફોર્મ પર યૂપીઆઈ સર્વિસિઝ ઓફર કરવા પર નિયંત્રણ લાદશે. જેમાં નોન-બેંક અને નોન-પીપીઆઈ લાયન્સ હોલ્ડર્સનો સમાવેશ થાય છે. પીપીઆઈ એ વોલેટ અથવા પ્રિપેઈડ કાર્ડ જેવું ઈન્સ્ટ્રુમેન્ટ છે. જે ગુડ્ઝ અને સર્વિસિઝની ખરીદીમાં સહાયતા કરે છે. જેમાં ફાઈનાન્સિયલ સર્વિસિઝ, રેમિટન્સિસ અને ફંડ ટ્રાન્સફર્સ જેવી બાબતોનો સમાવેશ થાય છે.

ખરિફના પ્રથમ મહિનાની આખર સુધી 25 લાખ હેકટરમાં વાવેતર પૂર્ણ
ગયા સપ્તાહમાં 14.55 લાખ હેકટરની વૃદ્ધિ જોવા મળી
કપાસનું વાવેતર 13 લાખ હેકટર સાથે 55 ટકા વિસ્તારમાં પૂર્ણ
મગફળીનું વાવેતર 9.2 લાખ હેકટર સામે 49 ટકા વિસ્તારમાં નોંધાયું
ગઈ સિઝનમાં સમાનગાળાની સરખામણીમાં વાવેતર 5.64 લાખ હેકટર વધુ જોવા મળ્યું

ખરિફ સિઝનનો પ્રથમ મહિનો પૂર્ણ થવામાં છે ત્યારે રાજ્યમાં વાવણીનું કાર્ય પૂરજોશમાં જોવા મળી રહ્યું છે. 27 જૂન સુધીમાં કુલ 25.33 લાખ હેકટરમાં ચોમાસુ પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે. જે છેલ્લાં ત્રણ વર્ષોમાં જોવા મળતાં સરેરાશ 85.97 લાખ હેકટર વિસ્તારની સરખામણીમાં 29.5 ટકા જેટલું થાય છે. જ્યારે ગઈ સિઝનમાં સમાનગાળામાં જોવા મળતાં 19.69 લાખ હેકટર સામે 5.64 લાખ હેકટરની વૃદ્ધિ દર્શાવે છે. વાવાઝોડા બિપરજોયને કારણે રાજ્યના તમામ તાલુકાઓમાં વરસાદને કારણે વાવેતર કાર્યમાં છેલ્લાં 10 દિવસોમાં વેગ આવ્યો છે.
મુખ્ય ચોમાસુ પાકોની વાત કરીએ તો કપાસનું વાવેતર તેના સરેરાશ વાવેતર વિસ્તારના 55 ટકા વિસ્તારમાં પૂર્ણ થઈ ચૂક્યું છે. સોમવારે સુધીમાં રાજ્યમાં 13.07 લાખ હેકટરમાં કપાસ વવાયો છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં જોવા મળતાં 10.86 લાખ હેકટરની સરખામણીમાં 2.21 લાખ હેકટર વધુ વિસ્તાર દર્શાવે છે. છેલ્લાં સપ્તાહમાં કપાસના વાવેતરમાં 6.2 લાખ હેકટરથી વધુ વૃદ્ધિ જોવા મળી છે. કપાસ પછી બીજા ક્રમના ચોમાસુ પાક મગફળીનું વાવેતર 9.2 લાખ હેકટર સાથે 49 ટકા વિસ્તારમાં સંપન્ન થઈ ચૂક્યું છે. જે ગઈ સિઝનમાં સમાનગાળમાં 6.88 લાખ હેકટરમાં જ જોવા મળતું હતું. છેલ્લાં એક સપ્તાહમાં મગફળીનું વાવેતર 6.17 લાખ હેકટરની વૃદ્ધિ દર્શાવી રહ્યું છે. ખરિફ ઘાસચારાનું વાવેતર 1.21 લાખ હેકટર(ગઈ સિઝનમાં 78472 હેકટર)માં જ્યારે શાકભાજીનું વાવેતર 52000 હેકટર(40000 હેકટર)માં જોવા મળે છે. સોયાબિનનું વાવેતર પણ ગઈ સિઝનમાં અત્યાર સુધીમાં 43398 હેકટર સામે ચાલુ સિઝનમાં 97,309 હેકટરમાં થઈ ચૂક્યું છે. જોકે, હજુ ખરિફ અનાજ અને કઠોળના પાકોના વાવેતરમાં ખાસ પ્રગતિ નથી જોવાઈ. ખરિફ અનાજ પાકોનું કુલ વાવેતર 16232 હેકટરમાં જોવા મળે છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 12475 હેકટરમાં જોવા મળતું હતું. આમ તે વૃદ્ધિ સૂચવે છે. જોકે આમાં મુખ્ય હિસ્સો 11008 હેકટર સાથે બાજરીનો છે. કઠોળ પાકોનું વાવેતર ગઈ સિઝનના 17578 હેકટરની સરખામણીમાં ઘટીને 9622 હેકટરમાં જોવા મળી રહ્યું છે. આમ ચાલુ સિઝનમાં ખેડૂતો કઠોળ પાકોથી દૂર જઈ રહ્યાં હોવાનો સંકેત સાંપડી રહ્યો છે.

ઔડીના ભૂતપૂર્વ વડાને ડિઝલ કૌભાંડમાં મળેલી સજા
રુપર્ટ સ્ટેડલર જર્મન કાર ઉત્પાદક ફોક્સવેગનનો સજા મેળવનાર પ્રથમ બોર્ડ મેમ્બર બન્યો

લક્ઝરી કાર ઉત્પાદક ઔડીના ભૂતપૂર્વ સીઈઓ રુપર્ટ સ્ટેડલરને મ્યુનિક કોર્ટે મંગળવારે એક વર્ષ અને નવ મહિના માટેની સજા ફટકારી હતી. 2015માં ડિઝલ કૌભાંડમાં બેદરકારીના કૌભાંડ બદલ આ સજા આપવામાં આવી હતી. સ્ટેડલર જર્મન કાર ઉત્પાદક ફોક્સવેગનનો સજા મેળવનાર પ્રથમ બોર્ડ મેમ્બર બન્યો હતો.
ઔડીના ભૂતપૂર્વ બોસને 11 લાખ યુરો(1.2 લાખ ડોલર)નો દંડ પણ ફટકારાયો હતો. જે રકમ દેશની તિજોરીમાં તથા બિન-સરકારી સંસ્થાઓ પાસે જશે એમ કોર્ટે જણાવ્યું હતું. જજે નોંધ્યું હતું કે સજા 1.5-2 વર્ષના મધ્યકાળ માટે રહેશે. સ્ટેડલરના વકિલે જણાવ્યું હતું કે તેના ક્લાયન્ટને વેહીકલ્સમાં ગેરરિતી આચરાઈ હોવાનો અને ખરીદારોને નુકસાન થઈ રહ્યાંનો ખ્યાલ નહોતો. જોકે તેણે આવી શક્યતાંને સ્વીકારી હતી અને વધુ કાળજી રાખવાની જરૂર હતી તેમ પણ સ્વીકાર્યું હતું. કાર્યવાહી કરનારાઓએ સ્ટેડલરના ઔડી અને ફોક્સવેગન ખાતેના વેતનને તથા તેની નાણાકિય અને રિઅલ એસ્ટેટ એસેટ્સને ધ્યાનમાં લઈ અગાઉ 20 લાખ યુરોના દંડની ઈચ્છાં દર્શાવી હતી. સ્ટેડલરની કોર્ટ કાર્યવાહી ડિઝલ સ્કેન્ડલ બહાર આવ્યાં પછી 2020ના વર્ષથી ચાલી રહી હતી. ઔડીની પેરન્ટ કંપની ફોક્સવેગન અને ઔડીએ 2015માં એમિશન પરીક્ષણોમાં છેતરપિંડી માટે ગેરકાયદે સોફ્ટવેરના ઉપયોગની વાત સ્વીકારી હતી.

કોર્પોરેટ હેડલાઈન્સ

વોડાફોન આઈડિયાઃ દેશમાં ત્રીજા ક્રમની ટેલિકોમ કંપની ત્રણથી ચાર પ્રાઈવેટ ઈક્વિટી ફંડ્સ સાથે રૂ. 20 હજાર કરોડ ઊભા કરવા માટે મંત્રણા ચલાવી રહી હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં આદિત્ય બિરલા જૂથના ચેરમેન કુમાર મંગલમ બિરલા સાથેની બેઠકમાં ટેલિકોમ ડિપાર્ટમેન્ટના અધિકારીઓને આમ જણાવવામાં આવ્યું હતું. વર્તુળોના મતે કંપની ટૂંક સમયમાં ટર્નએરાઉન્ડ દર્શાવે તેવી શક્યતાં છે. બિરલા તરફથી કેટલાંક વધુ ડેટને ઈક્વિટીમાં ફેરવવા માટે જણાવાયું હતું કે કેમ તેમ પૂછાતાં અધિકારીઓએ નકારમાં જવાબ પાઠવ્યો હતો.
બાઈજુસઃ ટોચની એડટેક કંપની નવા શેરધારકો માટે શોધ ચલાવી રહી છે. કંપની તેમની પાસેથી 1 અબજ ડોલર ઊભા કરવા માગે છે. કંપનીના વર્તમાન શેરધારકો તરફથી બળવાની સ્થિતિને ટાળવા માટે કંપની આમ કરવા જઈ રહી છે. કંપની સંભવિત રોકાણકારોને લિક્વિડેશનના કિસ્સામાં પ્રેફરન્શિયલ ટ્રિટમેન્ટ જેવી ઓફર કરી રહી છે એમ બ્લૂમબર્ગનો એક અહેવાલ જણાવે છે. કંપનીના વર્તમાન શેરધારકોમાંથી કોઈની પાસે આવા લિક્વિડેશનની પસંદગી નથી.
અમરા રાજા ગ્રૂપઃ અમરા રાજા ગ્રૂપની અમરાજ રાજા ઈન્ફ્રાએ બાંગ્લાદેશ ખાતે 13 કરોડ ડોલરના મૂલ્યનો નવો સોલાર પ્રોજેક્ટ મેળવ્યો છે. જે સાથે કંપનીની આંતરરાષ્ટ્રીય બજારમાં પ્રવેશી છે. આ પ્રોજેક્ટમાં 100 મેગાવોટ સોલાર પીવી પાવર પ્લાન્ટના એન્જિનીયરીંગ, ડિઝાઈન, સપ્લાય, ઈન્સ્ટોલેશન અને કમિશનીંગનો સમાવેશ થશે. જેનું ફંડીંગ એક્ઝિમ બેંક ઓફ ઈન્ડિયા કરશે.
સોનાટા સોફ્ટવેરઃ ઈન્ફર્મેશન ટેક્નોલોજી કંપનીએ જર્મનીની લેઝર, ટ્રાવેલ અને ટુરિઝમ કંપની ટીયુઆઈ ગ્રૂપ સાથે ભાગીદારીને લંબાવી છે. તેણે ભારતમાં ‘ડિજીટલ હબ’ ઊભું કરવા માટે આમ કર્યું છે. બંને કંપનીઓ બે દાયકા જૂની ભાગીદારી ધરાવે છે. ડિજીટલ હબની રચના તેમના ગ્રાહકોને ડિજીટલ પ્રોડક્ટ્સ અને કસ્ટમર એક્સપિરિયન્સ ડિલિવર કરવા સક્ષમ બનાવશે.
ICICI સિક્યૂરિટીઝઃ કંપનીના શેર્સને શેરબજાર પરથી ડિલિસ્ટ કરાવવા અંગે વિચારણા માટે કંપનીનું બોર્ડ 29 જૂને બેઠક કરશે. આઈસીઆઈસીઆઈ બેંક સાથે એરેન્જમેન્ટના આધારે આમ કરવામાં આવશે. પ્રમોટર આઈસીઆઈસીઆઈસી બેંક કંપનીમાં 74.85 ટકા સાથે બહુમતી હિસ્સો ધરાવે છે. અહેવાલ પાછળ બે સત્રોમાં કંપનીના શેરમાં તીવ્ર વૃદ્ધિ નોંધાઈ હતી.
આવાસ ફાઈનાન્સિઅર્સઃ કંપનીમાં સ્મોલકેપ વર્લ્ડ ફંડે લગભગ 1 ટકા હિસ્સાનું વેચાણ કર્યું છે. જે મારફતે તેણે રૂ. 111 કરોડ ઊભાં કર્યાં છે. ફંડે રૂ. 1437.74 પ્રતિ શેરના ભાવે બ્લોક ડીલ મારફતે આ હિસ્સાનું વેચાણ હાથ ધર્યું હતું.
સિટી યુનિયન બેંકઃ પ્રાઈવેટ સેક્ટર બેંકે ક્વોવિફાઈડ ઈન્સ્ટીટ્યૂશ્નલ પ્લેસમેન્ટ મારફતે રૂ. 500 કરોડ ઊભા કરવા માટેની મંજૂરી આપી છે. જોકે આ માટે શેરધારકોની મંજૂરી મેળવવાની બાકી છે. જે આગામી વાર્ષિક સાધારણ સભામાં મેળવવામાં આવશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage