Market Summary 27/07/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં પ્રોફિટ બુકિંગ પાછળ સુધારો અલ્પજીવી નીવડ્યો
વૈશ્વિક બજારોમાં રેટ વૃદ્ધિ છતાં મજબૂતી
વોલેટિલિટી ઈન્ડેક્સ 0.5 ટકા સુધરી 10.51ના સ્તરે
સિપ્લા પાછળ નિફ્ટી ફાર્મા 3 ટકા ઉછળ્યો
રિઅલ્ટી, પીએસઈમાં મજબૂતી
ઓટો, આઈટી, મેટલમાં નરમાઈ
સિપ્લા, આરઈસી, રેમન્ડ, કોલગેટ, બિરલા સોફ્ટ નવી ટોચે
કેમ્પસ એક્ટિવ નવા તળિયે

યુએસ ફેડ તરફથી 25 બેસીસની અપેક્ષિત રેટ વૃદ્ધિ પાછળ વૈશ્વિક શેરબજારોમાં મજબૂતી જોવા મળી હતી. જોકે, ભારતીય બજાર ગુરુવારે શરૂઆતી સુધારો જાળવી શક્યો નહોતો અને જુલાઈ સિરિઝ એક્સપાયરી વચ્ચે વેચવાલીના દબાણ પાછળ એક તબક્કે એક ટકા જેટલો ઘટાડો દર્શાવતું હતું. જે તળિયેથી સાધારણ રિકવરી પાછળ 0.6 ટકા નેગેટિવ બંધ જોવા મળ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 440.38 પોઈન્ટ્સ ગગડી 66,266.82ની સપાટીએ જ્યારે નિફ્ટી 118.40 પોઈન્ટ્સના ઘટાડે 19,659.90ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં વેચવાલી પાછળ બ્રેડ્થ નરમ રહી હતી. નિફ્ટી 50માં સમાવિષ્ટ 50માંથી 33 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. જ્યારે 17 કાઉન્ટર સુધારા સાથે બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે બ્રેડ્થ લગભગ ન્યૂટ્રલ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3703 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1799 કાઉન્ટર્સ નેગેટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1765 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. 254 કાઉન્ટર્સે વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 31 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 8 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 5 કાઉન્ટ્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 0.5 ટકા સુધરી 10.51ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે ભારતીય બજારની શરૂઆત મજબૂત જોવા મળી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 19,778.30ના બંધ સામે 19,850.90ની સપાટીએ ગેપ-અપ ખૂલી ઉપરમાં 19,867.55ની ટોચ પર ટ્રેડ થઈ એકાએક નરમાઈમાં સરી પડ્યું હતું અને મોટાભાગનો સમય ઘસાતું જોવા મળ્યું હતું. નિફ્ટી કેશની સરખામણીમાં એક્સપાયર થયેલો જુલાઈ ફ્યુચર 2 પોઈન્ટ્સ ડિસ્કાઉન્ટમાં બંધ રહ્યો હત. જ્યારે ઓગસ્ટ ફ્યુચર 180 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19840ની સપાટી પર બંધ રહ્યો હતો. જે સૂચવે છે કે લોંગ પોઝીશનમાં ઊંચું રોલઓવર થયું હોય શકે છે. જોકે બજારમાં 19800ની સપાટી મહત્વનો અવરોધ બની ચૂક્યું છે અને તેથી માર્કેટ જ્યાં સુધી આ સપાટી પર બંધ આપે નહિ ત્યાં સુધી નવી લોંગ પોઝીશન લેવી જોઈએ નહિ. ટેકનિકલ એનાલિસ્ટ્સ 19600ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવવા કહે છે. જે તૂટશે તો બજારમાં ઝડપી ઘટાડો શક્ય છે. ગુરુવારે નિફ્ટીને સપોર્ટ કરનારા ઘટકોમાં સિપ્લા, સન ફાર્મા, ડિવિઝ લેબ્સ, એપોલો હોસ્પિટલ, ભારતી એરટેલ, એચડીએફસી લાઈફ, ડો. રેડ્ડીઝ લેબ્સ, હિંદાલ્કો અને લાર્સનનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એમએન્ડએમમાં 6.3 ટકાનો તીવ્ર ઘટાડો બોલાઈ ગયો હતો. આ ઉપરાંત, ટેક મહિન્દ્રા, તાતા કન્ઝ્યૂમર, બ્રિટાનિયા, નેસ્લે, બીપીસીએલ, બજાજ ફાઈનાન્સ, એક્સિસ બેંક, અદાણી એન્ટરપ્રાઈઝિસ, આઈટીસી, જેએસડબલ્યુ સ્ટીલ, કોટક મહિન્દ્રા, એચડીએફસી બેંક અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝમાં નોંધપા ઘટાડો જોવા મળ્યો હતો.
સેક્ટરલ પર્ફોર્મન્સિસની વાત કરીએ તો રિઅલ્ટી, પીએસઈમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી રિઅલ્ટી 2.1 ટકા ઉછળી નવી ટોચે બંધ રહ્યો હતો. જેમાં ટોચનો સુધારો દર્શાવનાર કાઉન્ટર્સમાં ડીએલએફ, ફિનિક્સ મિલ્સ, ઓબેરોય રિઅલ્ટી, ગોદરેજ પ્રોપર્ટીઝ, હેમિસ્ફિઅર, બ્રિગેડ એન્ટરપ્રાઈઝનો સમાવેશ થતો હતો. નિફ્ટી ફાર્મા 3 ટકા ઉછળી નવી ટોચે બંધ રહ્યો હતો. જેમાં સિપ્લાનું યોગદાન મુખ્ય હતું. કાઉન્ટર 10 ટકા ઉછળી નવી ટોચે બંધ રહ્યું હતું. આ ઉપરાંત ઓરોબિંદો ફાર્મા, ઝાયડસ લાઈફ, લ્યુપિન, બાયોકોન, સન ફાર્મા, ડિવિઝ લેબ્સ, ટોરેન્ટ ફાર્મા અને આલ્કેમ લેબ.નો સમાવેશ થતો હતો. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ પણ નવી ટોચે બંધ રહ્યો હતો. જેમાં કેનેરા બેંક, યુનિયન બેંક, આઈઓબી, બેંક ઓફ બરોડા, યૂકો બેંક, બેંક ઓફ ઈન્ડિયા અને પંજાબ એન્ડ સિંધ બેંકનો સમાવેશ થતો હતો. જોકે, ઓટો, આઈટી, મેટલમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 1.21 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જેમાં એમએન્ડએમ 6 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત બોશ, ટીવીએસ મોટર, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, સોના બીએલડબલ્યુ, આઈશર મોટર્સ અને બજાજ ઓટોમાં પણ નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં સિપ્લા, આરઈસી, રેમન્ડ, કોલગેટ, બિરલા સોફ્ટ, સિન્જિન ઈન્ટરનેશનલ, ઓરોબિંદો ફાર્મા, ચેલેત હોટેલ્સ, નેટ્કો ફાર્મા અને પાવર ફાઈનાન્સનો સમાવેશ થતો હતો. જ્યારે રાજેશ એક્સપોર્ટ્સ અને કેમ્પસ એક્ટિવે વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું.

દેશની સ્પેસ ઈકોનોમી 2040 સુધીમાં 100 અબજ ડોલરે પહોંચે તેવી શક્યતાં
હાલમાં વૈશ્વિક સ્પેસ ઈકોનોમીમાં ભારતનો હિસ્સો માંડ 2 ટકા છે, જેને દાયકાની આખર સુધીમાં 9 ટકા કરવાનો સરકારનો ટાર્ગેટ
હાલમાં દેશનું સ્પેસ માર્કેટ 8 અબજ ડોલર જેટલું છે. જે વૈશ્વિક સ્તરે 2 ટકા વૃદ્ધિની સરખામણીમાં સરેરાશ 4 ટકાના દરે વધી રહ્યું છે

વિશ્વમાં સૌથી ઝડપી વધી રહેલા સેગમેન્ટ્સમાં સમાવેશ પામતું ભારતનું સ્પેસ અર્થતંત્ર વૈશ્વિક સ્પેસ ઉદ્યોગમાં 100 અબજ ડોલરનો મોટો હિસ્સો જબ્બે કરવાની શક્યતાં ધરાવે છે એમ આર્થર ડી લીટલનો બુધવારે રજૂ થયેલો એક રિપોર્ટ જણાવે છે.
વર્તમાન અંદાજ મુજબ હાલમાં વૈશ્વિક સ્પેસ ઈકોનોમીમાં ભારતનો હિસ્સો માંડ 2 ટકા છે, જેને દાયકાની આખર સુધીમાં 9 ટકા સુધી લઈ જવા માટે સરકારનો ટાર્ગેટ છે. કેન્દ્ર સરકારે 2020માં સુધારાઓ જાહેર કર્યાં પછી ભારતની સ્પેસ ઈકોનોમીમાં નોંધપાત્ર ગ્રોથ જોવા મળ્યો છે. સરકારે સ્પેસ સેક્ટરમાં પ્રાઈવેટ સેક્ટરની ભાગીદારીને પ્રવેશ આપ્યો હતો. અત્યાર સુધીમાં 100થી વધુ સ્ટાર્ટ-અપ્સ વિવિધ સ્પેસ સંબંધી કામગીરીમાં સક્રિય છે. જેમાં લોંચ વેહીકલ્સ બનાવવા કે રોકેટ્સ બનાવવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. ઉપરાંત એડવાન્સ્ડ સેટેલાઈટ્સનું ડિઝાઈનીંગ અને સ્પેસ ટેક્નોલોજીને આધારે એપ્લિકેશન બનાવવા માટે સ્પેસ સિચ્યુએશ્નલ અવેરનેસ સોલ્યુશન્સ પર કામ કરી રહ્યાં છે. સેક્ટર માટે સરકાર તરફથી ફાળવણીમાં વૃદ્ધિ, પ્રાઈવેટ સેક્ટરના ઊંચા પાર્ટિસિપેશન અને નવી સેટેલાઈટ ટેક્નોલોજીના ઉદયને કારણે અગ્રણી ઈન્વેસ્ટમેન્ટ બેંક્સ અને ફાઈનાન્સિયલ સર્વિસિઝ પ્રોવાઈડર જેમકે મોર્ગન સ્ટેનલી, સિટી અને યુબીએસની અપેક્ષા મુજબ 2040 સુધીમાં વૈશ્વિક સ્પેસ ઈન્ડસ્ટ્રી 1 ટ્રિલિયન ડોલરનું કદ દર્શાવી શકે છે. જે 2021માં 386 અબજ ડોલર પર જોવા મળતું હતું.
જો વાર્ષિક સ્તરે ગ્રોથની વાત કરીએ તો ભારતની સ્પેસ ઈકોનોમી 2040 સુધીમાં 100 અબજ ડોલરે પહોંચે તેવી શક્યતાં છે. હાલમાં તેનું કદ 8 અબજ ડોલર જેટલું છે અને તે છેલ્લાં કેટલાંક વર્ષોથી વાર્ષિક સરેરાશ 4 ટકાના દરે વૃદ્ધિ દર્શાવી રહ્યું છે. જે વૈશ્વિક સ્તરે જોવા મળતાં 2 ટકાના સરેરાશ વૃદ્ધિ દર કરતાં બમણું છે. કન્સલ્ટન્સી ખાતેના ઈન્ડિયા એન્ડ સાઉથ એશિયા માટેના મેનેજિંગ ડિરેક્ટક બાર્નિક મૈત્રાના જણાવ્યા મુજબ ભારત પ્રાઈવેટ પ્લેયર્સ માટે વિપુલ તકો સાથે એક ખૂબ જ આકર્ષક માર્કેટ રજૂ કરે છે. ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન(ઈસરો) સ્પેસ સેક્ટર માટે ભારત માટે એક અદભૂત એમ્બેસેડર છે.

ગોલ્ડ-સિલ્વર સહિતની કોમોડિટીઝમાં રેટ વૃદ્ધિ પછી જોવા મળેલી મજબૂતી

યુએસ ફેડ તરફથી રેટમાં 25 બેસીસ વૃદ્ધિ પછી વૈશ્વિક બજારમાં ગોલ્ડ-સિલ્વરમાં મજબૂતી જોવા મળી હતી. કોમેક્સ ખાતે ગોલ્ડ વાયદો 1975 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ પર ટ્રેડ દર્શાવતું હતું. જ્યારે સિલ્વર વાયદો ફરી 25 ડોલરને પાર નીકળી ગયો હતો. જ્યારે કોપર, ક્રૂડ પણ એક ટકાથી વધુ મજબૂતી સૂચવી રહ્યાં હતાં. બ્રેન્ટ ક્રૂડ વાયદો 83 ડોલર પ્રતિ બેરલ પર ટ્રેડ થઈ રહ્યું હતું.
ભારતીય કોમેક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 70ના સુધારે રૂ. 59550 પર જ્યારે સિલ્વર વાયદો રૂ. 500ની મજબૂતી સાથે રૂ. 75800 આસપાસ ટ્રેડ થઈ રહ્યાં હતાં. આમ ચાંદી તેની નવી ટોચ બનાવવા તરફ આગળ વધી રહી છે. એમસીએક્સ કોપર વાયદો મહિનાની ટોચ પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. જ્યારે ક્રૂડ વાયદો રૂ. 6500ની સપાટી પાર કરી ગયો હતો. બેઝ મેટલ્સમાં એલ્યુમિનિયમ, ઝીંક અને લેડમાં પણ અડધાથી એક ટકાનો સુધારો જોવા મળ્યો હતો. એકમાત્ર નેચરલ ગેસમાં એક ટકાનો ઘટાડો નોંધાયો હતો.

2023ના પ્રથમ છ મહિનામાં લક્ઝરી હોમ્સના વેચાણમાં 130 ટકા વૃદ્ધિ
દિલ્હી-એનસીઆરમાં 2900 સાથે સૌથી વધુ લક્ઝરી ઘરોનું વેચાણ નોંધાયું

દેશમાં લક્ઝરી ઘરોના વેચાણમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે. કેલેન્ડર 2023ના પ્રથમ છ મહિનામાં લક્ઝરી હોમ્સનું વેચાણ વાર્ષિક 130 ટકા જેટલું ઉછળ્યું હતું. જાન્યુઆરીથી જૂન સુધીના અર્ધવાર્ષિક સમયગાળામાં 6900 જેટલા લક્ઝરી હોમ્સનું વેચાણ નોંધાયું હતું એમ રિઅલ્ટી કન્સલ્ટન્ટ સીબીઆરઈ સાઉથ એશિયા જણાવે છે. રૂ. 4 કરોડથી વધુનું મૂલ્ય ધરાવતાં ઘરને લક્ઝરી હોમ્સ ગણવામાં આવે છે. 2022માં સમાનગાળામાં આવા 3000 ઘરોનું વેચાણ જોવા મળ્યું હતું.
રિપોર્ટ મુજબ લક્ઝરી ઘરોના વેચાણમાં વૃદ્ધિ પાછળ મુખ્ય કારણ વધુ સુવિધાઓની અપેક્ષા છે. સાથે વિશાળ લિવીંગ એરિયાની વધતી માગ છે. ઉપરાંત એક એસ્પિરેશ્નલ ક્લાસ ઊભો થઈ રહ્યો છે જે લક્ઝરી હોમ્સની અભિપ્સા વધી રહી છે. સાથે નોન-રેસિડેન્ટ ઈન્ડિયન્સ(બિનનિવાસી ભારતીયો) તરપથી પણ લક્ઝરી હોમ્સમાં રોકાણ જોવા મળે છે. જો દેશના મુખ્ય શહેરોની વાત કરીએ તો દિલ્હી-એનસીઆર લક્ઝરી હોમ્સના વેચાણમાં ટોચ પર છે. જાન્યુઆરીથી જૂનમાં દિલ્હી-એનસીઆરમાં 2900 લક્ઝરી હોમ્સનું વેચાણ નોંધાયું હતું. જ્યારપછીના ક્રમે મુંબઈમાં 1900 મકાનો અને હૈદરાબાદમાં 1400 મકાનોનું વેચાણ જોવા મળ્યું હતું. જો ટકાવારીમાં વૃદ્ધિની રીતે જોઈએ તો હૈદરાબાદ ખાતે લક્ઝરી હોમ્સનું વેચાણ વાર્ષિક ધોરણે 14 ગણુ વધ્યું હતું. 2022માં સમાનગાળામાં હૈદરાબાદ ખાતે માત્ર 100 લક્ઝરી મકાનો વેચાયાં હતાં. પૂણેમાં વેચાણ 600 ટકા વધી 300 યુનિટ્સ પર પહોંચ્યું હતું. જે 2022માં માત્ર 50 યુનિટ્સ પર હતું. જ્યારે દિલ્હી-એનસીઆરમાં તે ગયા વર્ષે 950 યુનિટ્સ પર જોવા મળ્યું હતું.
એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં લક્ઝરી હોમ્સ વેચાણમાં 121 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 1400 યુનિટ્સનું વેચાણ નોંધાયું હતું. દિલ્હી-એનસીઆર, મુંબઈ અને હૈદરાબાદ લક્ઝરી હોમ્સ માટે મહત્વના બજારો તરીકે ઊભર્યાં છે. જોકે, મુંબઈ અને બેંગલૂરુંએ ત્રિમાસિક ધોરણે વેચાણમાં ઘટાડો દર્શાવ્યો હતો. મુંબઈમાં તે 800 યુનિટ્સ પરથી ઘટી 750 યુનિટ્સ પર જ્યારે બેંગલૂરુંમાં 100 યુનિટ્સ પરથી ગગડી 50 યુનિટ્સ જ જોવા મળ્યું હતું. બીજી બાજુ ચાર મહાનગરોમાં સમાવિષ્ટ કોલકોતા અને ચેન્નાઈ, બંને ખાતે માત્ર 50-50 લક્ઝરી યુનિટ્સ જ વેચાયાં હતાં.

સિપ્લા પ્રમોટર્સની PE ઈન્વેસ્ટર્સ સાથે હિસ્સા વેચાણ માટે ચર્ચા-વિચારણા
બ્લેકસ્ટોન, બેરિંગ એશિયા સાથે ડિલને સંભવ બનાવવા કંપનીના પ્રમોટર્સની મંત્રણા
કંપનીમાં પ્રમોટર્સ હિસ્સો હાલમાં 33.47 ટકા, સિપ્લાનો શેર ગુરુવારે 12 ટકા ઉછળ્યો

ટોચની ફાર્માસ્યુટિકલ કંપની સિપ્લાના પ્રમોટર્સે અગ્રણી પ્રાઈવેટ ઈક્વિટી પ્લેયર્સ સાથે તેમનો બહુમતી હિસ્સો વેચવા માટે ચર્ચા-વિચારણા શરૂ કરી હોવાનું વર્તુળો જણાવે છે. તેમના કહેવા મુજબ કંપનીના પ્રમોટર્સ યુએસ પીઈ જાયન્ટ બ્લેકસ્ટોન સહિત બેરિંગ એશિયા અને અન્યો સાથે ડિલની શક્યતાં ચકાસી રહ્યાં છે.
હાલમાં કંપનીમાં પ્રમોટર્સ 33.47 ટકા હિસ્સો ધરાવે છે. આ પગલાંને કંપનીમાં ઉત્તરાધિકારીની યોજના તરીકે જોવામાં આવી રહ્યું હોવાનું વર્તુળો સૂચવે છે. જોકે, સિપ્લા તેમજ કંપનીના પ્રમોટર્સને પાઠવવામાં આવેલા ઈ-મેઈલનો કોઈ પ્રતિભાવ નથી મળ્યો. પીઈ પ્લેયર્સ તરફથી પણ કોઈ પ્રતિક્રિયા સાંપડી નહોતી. વર્તુળોના જણાવ્યા મુજબ પ્રમોટર્સ કંપનીના બોર્ડમાં સ્ટ્રેટેજિક ઈન્વેસ્ટરને લાવવાના વિકલ્પને ચકાસી રહ્યાં છે. આમ કરવા પાછળ તેઓ ભવિષ્યમાં કંપનીમાં કેપિટલ એલોકેશનને વેગ અપવા સાથે કામકાજી કાર્યદક્ષતામાં સુધારો ઈચ્છી રહ્યાં છે. જાણકારોના કહેવા પ્રમાણે બીજી પેઢીના પ્રમોટર્સ એવા ચેરમેન વાયકે હમીદ અને વાઈસ ચેરમેન એમકે હમીદ તેમના જીવનના આંઠમા દાયકામાં પ્રવેશી ચૂક્યાં છે ત્યારે એક્ઝિક્યૂટીવ વાઈસ ચેરમેન સમીના હમીદ એકમાત્ર બીજી પેઢીના સભ્ય છે જે કંપનીનું નેતૃત્વ કરી શકે તેમ છે. જેને જોતાં કંપની કંપની માટે એક સક્સેશન પ્લાનની જરૂરિયાત છે. વર્તુળોના મતે પ્રમોટર્સ એકબીજા સાથે સારુ કો-ઓર્ડિનેશન ધરાવે છે કંપનીના ઓપરેશન્સમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યાં છે.
હાલમાં કંપનીનું માર્કેટ-કેપિટલાઈઝેશન 10 અબજ ડોલરથી ઊપર જોવા મળે છે. કંપનીમાં કોઈ મોટા ઈન્વેસ્ટરે 25 ટકા હિસ્સો ખરીદવા માટે 2.5 અબજ ડોલરની જરૂરિયાત રહે છે એમ વર્તુળોનું કહેવું છે. પીઈ કંપનીઓ કોન્સોર્ટિયમ રચીને મોટો હિસ્સો ખરીદવા માટે ફંડ્સ ઊભું કરતાં હોય છે. ફાર્મા એ તેમના માટે પસંદગીનું સેક્ટર છે અને તેમજ ખૂબ જ આકર્ષક પણ છે. ખાસ કરીને જેબી કેમિકલ્સમાં કેકેઆરના સફળ બેટ પછી તે વધુ આકર્ષક બન્યું છે. ગુરુવારે આ અહેવાલ પાછળ સિપ્લાનો શેર 12 ટકા ઉછળી એક તબક્કે રૂ. 1200ની સપાટી કૂદાવી ગયો હતો અને દિવસ દરમિયાન 10-11 ટકા વૃદ્ધિ સાથે ટ્રેડ દર્શાવતો જોવા મળ્યો હતો. કંપનીમાં એફઆઈઆઈ 25.5 ટકા જ્યારે સ્થાનિક સંસ્થાકિય રોકાણકારો 24.33 ટકા હિસ્સો ધરાવે છે. પબ્લિક પાસે 16.7 ટકા હિસ્સો રહેલો છે.

સરકાર કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ માટે PLI સ્કિમ માટે વિચારશેઃ નાણાપ્રધાન

ભારત સરકાર કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ સેક્ટર્સ માટે પ્રોડક્શન-લિંક્ડ ઈન્સેન્ટિવ(પીએલઆઈ) સ્કિમ લોંચ કરવા માટે વિચારણા કરશે એમ કેન્દ્રિય નાણાપ્રધાન નિર્મળા સીતારામણે જણાવ્યું હતું. આ ક્ષેત્રે અનેક પ્રોડક્ટ્સના સ્થાનિક સ્તરે મેન્યૂફેક્ચરિંગને પ્રોત્સાહન આપવા માટે આમ કરવામાં આવશે.
ફેડરેશન ઓફ ઈન્ડિયાન ચેમ્બર્સ ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી સાથે મળીને રસાયણ અને પેટ્રોરસાયણ વિભાગે મળીને ગ્લોબલ કેમિકલ્સ એન્ડ પેટ્રોકેમિકલ્સ મેન્યૂફેક્ચરિંગ હબ્સ પર આયોજિત સેમિનારમાં બોલતાં સીતારામણે આમ જણાવ્યું હતું. કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ સેક્ટરને તેમણે ભારતની નેટ ઝીરોના ટાર્ગેટની દિશામાં સહયોગ આપવા માટે પણ કહ્યું હતું. ભારત સરકારે 2047 સુધીમાં એનર્જી ક્ષેત્રે સ્વતંત્ર બનાવાનો ટાર્ગેટ નિર્ધારિત કર્યો છે. જ્યારે 2070 સુધીમાં નેટ ઝીરોનો ટાર્ગેટ જાળવ્યો છે. સીતારામણે જણાવ્યું હતું કે કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ સહિત જ્યાં સુધી તમામ સેક્ટર્સ યોગદાન નહિ આપે ત્યાં સુધી નેટ ઝીરો એમિશન્સનો ટાર્ગેટ હાંસલ કરવો અશક્ય છે. ભારત ગ્રીન ગ્રોથ માટે ખૂબ જ ફોકસ્ડ છે અને કાર્બન ઉત્સર્જનમાં પણ ઘટાડો કરી રહ્યું છે. સરકાર 500 ગીગાવોટ નોન-ફોસિલ ઈલેક્ટ્રિસિટી જનરેશન ક્ષમતા ઉમેરવાની અપેક્ષા રાખે છે. ભારત સરકાર અત્યાર સુધીમાં 14 પીએલઆઈ સ્કિમ્સ જાહેર કરી ચૂકી છે. જેનો હેતુ સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવાનો અને આયાતમાં ઘટાડાનો છે. હાલમાં ભારત કેમિકલ અને પેટ્રોકેમિકલ્સ ક્ષેત્રે 13.33 અબજ ડોલરની નિકાસ ધરાવે છે. દેશમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ 80 હજાર પ્રોડક્ટ્સ બનાવે છે. જે બાંધકામ, પેકેજિંગ, ટેક્સટાઈલ્સ અને એગ્રીકલ્ચર સેક્ટર પર અસર કરે છે. સ્પેશ્યાલિટી કેમિકલ્સ દેશમાં કેમિકલ્સ અને પેટ્રોકેમિકલ્સ માર્કેટનો 22 ટકા હિસ્સો ધરાવે છે અને 32 અબજ ડોલરનું મૂલ્ય પણ ધરાવે છે.

ફેડ તરફથી 25 બેસીસ પોઈન્ટ વૃદ્ધિ પછી વ્યાજ દર 22 વર્ષોની ટોચે પહોંચ્યાં
બુધવારે યુએસ સેન્ટ્રલ બેંકરે દોઢ વર્ષમાં 11મી રેટ વૃદ્ધિ નોંધાવી
યુએસ ફેડ રિઝર્વે બુધવારે વધુ એક 25-બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિ સાથે બેન્ચમાર્ક રેટને 2001 પછીની ટોચ પર પહોંચાડ્યાં છે. છેલ્લાં દોઢ વર્ષમાં ફેડ 11 વાર રેટ વૃદ્ધિ દર્શાવી ચૂકી છે. તાજેતરમાં ઈન્ફ્લેશનનો ડેટા અપેક્ષાથી નીચો જોવા મળ્યો હોવા છતાં ફેડ રેટમાં એક રાઉન્ડ વૃદ્ધિ દર્શાવે તેવી પ્રબળ અપેક્ષા હતી. જે સાચી ઠરી છે. જોકે જુલાઈમાં રેટ વૃદ્ધિ પછી ફેડ પોઝની જાહેરાત કરે તેમ મનાતું હતું. જોકે ફેડ ચેરમેન જેરોમ પોવેલે ડેટાને ધ્યાનમાં રાખી ભાવિ નીતિ ઘડવામાં આવશે એમ જણાવ્યું હતું. આમ, ટોન હજુ પણ હોકિશ જ જોવા મળ્યો હતો. અગાઉ 14 જૂને રેટમાં પોઝ જાળવ્યાં પછી ફેડે બે વધુ રેટ વૃદ્ધિ રાઉન્ડ્સની વાત કરી હતી.
ફેડે માર્ચ 2022માં લાંબા સમયગાળા પછી રેટ વૃદ્ધિની શરૂઆત કરી હતી અને તેને 5.25-5.50ની 2008 પછીની ટોચ પર લાવી દીધાં હતાં. તેણે જૂનમાં એક પોઝ રાખ્યો હતો. જોકે, હવે તે 22-વર્ષોની ટોચ પર પહોંચ્યાં છે. ફેડ તરફથી સતત રેટ વૃદ્ધિ છતાં યુએસ ખાતે બેરોજગારી ઐતિહાસિક તળિયા પર જોવા મળે છે. સાથે ઈન્ફ્લેશન લેવલ ફેડના કમ્ફર્ટ લેવલથી ઘણું ઊંચું જળવાયું છે. ફેડના 2 ટકાથી નીચેના ટાર્ગેટ સામે જૂન મહિના માટેનો સીપીઆઈ ડેટા 3 ટકા પર જોવા મળ્યો હતો. રિટેલ કન્ઝ્યૂમર સ્પેન્ડિંગ પણ મજબૂત જોવા મળી રહ્યું છે. આમ તેના માટે રેટ વૃદ્ધિમાં પોઝ જાળવવો કઠિન છે. જોકે, જુલાઈ સિરિઝમાં વૃદ્ધિ પછી ફેડ સપ્ટેમ્બર બેઠકમાં ન્યૂટ્રલ જોવા મળશે તેમ એક વર્ગ માને છે. સીએમઈ ફેડવોચનો સર્વે સૂચવે છે કે માત્ર 20 ટકા લોકો જ સપ્ટેમ્બરમાં રેટ વૃદ્ધિની શક્યતાં જોઈ રહ્યાં છે. કેમકે તેઓ માને છે કે શ્રેણીબધ્ધ રેટ વૃદ્ધિની આગામી સમયગાળામાં પોઝીટીવ અસર જોવા મળશે. ફેડ એફઓઓમસીના સભ્યો જોકે હજુ પણ રેટ વૃદ્ધિનું સમર્થન કરી રહ્યાં છે. સતત ઊંચા ઈન્ફ્લેશનને જોતાં તેઓ હોકિશ વલણને છોડવા તૈયાર નથી.

ટોચની 10 IT કંપનીઓએ જૂન ક્વાર્ટરમાં 21 હજાર કર્મીઓને છૂટાં કર્યાં
જૂન 2022 ક્વાર્ટરમાં તેમણે 69 હજારથી વધુ કર્મચારીઓને હાયર કર્યાં હતાં

દેશની ટોચની 10 કંપનીઓએ જૂન ક્વાર્ટરમાં 21,327 કર્મચારીઓને નોકરીમાંથી છૂટાં કર્યાં હતાં. ગયા વર્ષે સમાનગાળામાં તેમણે કુલ 69,634 કર્મચારીઓનો ઉમેરો કર્યો હતો. આમ વૈશ્વિક સ્તરે જોવા મળી રહેલાં પડકારોની અસર કંપનીઓની કામગીરી પર પડતી જોવાઈ રહી છે. દેશમાં આવકની રીતે ટોચની 10-કંપનીઓમાંથી છ કંપનીઓએ કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો નોંધાવ્યો હતો. જ્યારે ચાર કંપનીઓએ નવી નિમણૂંકો દર્શાવી હતી.
ભારતીય આઈટી સેક્ટર દેશમાં રોજગાર પૂરું પાડનાર સૌથી મોટું ખાનગી સેક્ટર છે. તે ઉત્તર અમેરિકા અને યુરોપ ખાતે તેની મોટાભાગની સર્વિસિઝની નિકાસ કરે છે. માર્ચમાં નાસ્કોમના એક રિપોર્ટ મુજબ ભારતનું ટેક્નોલોજી સેક્ટર 54 લાખ લોકોને રોજગારી પૂરી પાડે છે. નવા કર્મચારીઓનો ઉમેરો કરનાર કંપનીઓમાં ટીસીએસ, એલએન્ડટી ટેક્નોલોજી સર્વિસિઝ, પર્સિસ્ટન્ટ અને કોફોર્જનો સમાવેશ થાય છે. જ્યારે ટેક મહિન્દ્રા, વિપ્રો, એલટીઆઈમાઈન્ડટ્રી અને એમ્ફેસિસે કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો નોંધાવ્યો છે. ટીસીએસે 523 કર્મચારીઓ ઉમેર્યાં હતાં. જ્યારે પર્સિસ્ટન્ટે 241 કર્મચારીઓ અને કોફોર્જે 1000 કર્મીઓને ઉમેર્યાં હતાં. એલટીટીએસે 1100થી વધુ નવા કર્મચારીઓ નોંધાવ્યાં હતાં.

યુએસ GDP બીજા ક્વાર્ટરમાં 2.4 ટકા વૃદ્ધિ દર્શાવી

વિશ્વમાં સૌથી મોટા અર્થતંત્રે જૂન ક્વાર્ટરમાં 2.4 ટકાનો વૃદ્ધિ દર દર્શાવ્યો છે. જે અર્થશાસ્ત્રીઓની 1.8 ટકાની અપેક્ષાની સરખામણીમાં નોંધપાત્ર ઊંચો જોવા મળ્યો હતો. અગાઉ યુએસ જીડીપીએ 2 ટકાનો વૃદ્ધિ દર દર્શાવ્યો હતો. ફેડ તરફથી રેટ વૃદ્ધિ છતાં યુએસ ખાતે ઊંચી માગ જોવા મળી રહી છે. ગુરુવારે સાંજે ડેટા રજૂ થયાં પછી ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી જોવા મળી હતી અને તે ઉછળીને 101ની સપાટી નજીક પહોંચ્યો હતો. જ્યારે ગોલ્ડમાં વેચવાલી જોવા મળી હતી. કોમેક્સ ગોલ્ડ 1975 ડોલર પરથી 15 ડોલર પટકાઈ 1960 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યું હતું. જ્યારે ક્રૂડમાં મજબૂતી જોવા મળી હતી.

બીડીકે વાલ્વ્સે થેઈસ પ્રિસિઝન સ્ટીલની ખરીદી પૂર્ણ કરી
અગાઉ તાતા સ્ટીલની માલિકીની એવી થેઈસ પ્રિસિઝનની બીડીકે વાલ્સ્વ અને ગુરુકૃપા ગ્રૂપે સફળતાપૂર્વક ખરીદી કરી છે. નવસારી સ્થિત કંપનીમાં તેમણે 100 ટકા હિસ્સો ખરીદ્યો છે. થેઈસ પ્રિસિઝન ભારતમાં હાઈ/મીડિયમ કાર્બન સ્ટીલ્સના સ્પેશિયલ્ટી કોલ્ડ રોલિંગમાં અગ્રણી છે. તે દેશમાં અગ્રણી સ્પેશિયલ્ટી કોલ્ડ રોલ્ડ સ્ટીલ સ્ટ્રીપ્સ ઉત્પાદક છે. તેમજ એક અનોખી પ્રોસેસ દ્વારા પ્રિસિઝન હોટ રોલ્ડ સોલિડ સ્ટીલ પ્રોફાઈલ સેક્શનનું એકમાત્ર ઉત્પાદક છે અને ઊંચી અપેક્ષા ધરાવતા ગ્રાહકોની જરૂરિયાતો સંતોષે છે.

કોર્પોરેટ રાઉન્ડ અપ

RVNL OFS ઓવરસબસ્ક્રાઈબ્ડ થયો
સરકાર તરફથી રેલ વિકાસ નિગમ(આરવીએનએલ)માં 5.36 ટકા હિસ્સાના ઓફર-ફોર-સેલને રોકાણકારો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો. ઓફરના પ્રથમ દિવસે રૂ. 1900 કરોડનું બીડીંગ જોવા મળ્યું હતું. કંપનીનો શેર 6.77 ટકા ગગડી રૂ. 125.25ની સપાટીએ બંધ રહ્યો હતો. સરકાર પાસે હાલમાં કંપનીનો 78.20 ટકા હિસ્સો રહેલો છે. ઓએફએસમાં સરકાર 11.17 કરોડ શેર્સનું વેચાણ કરી રહી છે. ઓફરમાં 4.08 કરોડના ગ્રીનશૂ ઓપ્શનનો પણ સમાવેશ થતો હતો. જે કંપનીના 1.96 ટકા હિસ્સા જેટલો થવા જાય છે. શેરવેચાણના પ્રથમ દિવસે 6.38 કરોડના ઈસ્યુ સાઈઝ સામે કુલ 15.64 કરોડ શેર્સના બીડ્સ આવ્યાં હતાં. રૂ. 121.17 પ્રતિ શેરના ભાવે બીડ્સ રૂ. 1900 કરોડનું મૂલ્ય ધરાવતાં હતાં. 2003માં કંપની રેલ મંત્રાલયની 100 ટકા કંપની તરીકે સ્થાપિત થઈ હતી. ચાલુ વર્ષે સરકારે અત્યાર સુધીમાં રૂ. 4,235 કરોડ ઊભા કર્યાં છે. જેમાં કોલ ઈન્ડિયાના શેર્સ વેચાણમાંથી રૂ. 4,185 કરોડની રકમનો સમાવેશ થાય છે.

નામમાં ‘AI સર્વિસિઝ’ પ્રોવાઈડર ઉમેરવાની યુક્તિ
વિશ્વભરમાં ઝડપથી ઊભરી રહેલા આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ(એઆઈ) સેગમેન્ટને જોતાં કેટલાંક પ્રમોટર્સ તેમની કંપનીઓના નામમાં એઆઈને ઉમેરવાનો પ્રયાસ કરી રહ્યાં છે. હાલમાં બીએસઈએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રિઅલ્ટી તરીકે રજિસ્ટર્ડ કંપનીના બોર્ડે 25 જુલાઈએ કંપનીનું નામ બદલીને બીએસઈએલ અલ્ગો લિમિટેડ અથવા બીએસઈએલ આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સ લિમિટેડ અથવા બીએસઈએલ એઆઈ અલ્ગો લિમિટેડ અથવા આ પ્રકારના ભળતાં નામ માટે ફાઈલીંગ કર્યું છે. જેને રજિસ્ટ્રારની મંજૂરી મળશે તો જ આમ થશે. એ વાત ઉલ્લેખનીય છે કે કંપની અગાઉ પણ બે વાર નામ બદલી ચૂકી છે. 1995માં બેલ સાઉથ એન્ટરપ્રાઈઝિસ લિમિટેડે 1998માં આઈટી બૂમ પાછળ નામ બીએસઈએલ ઈન્ફોર્મેન્શન સિસ્ટમ લિમિટેડ કર્યું હતું. 2003માં રિઅલ્ટીમાં તેજી પાછળ નામ બદલી બીએસઈએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર રિઅલ્ટી લિમિટેડ કર્યું હતું. જૂન 2023ની આખરમાં પ્રમોટર્સ પાસે કંપનીમાં માત્ર 16.5 ટકા હિસ્સો જ જોવા મળતો હતો. જ્યારે પબ્લિક પાસે 68.34 ટકા હિસ્સો હતો.

એક્વાફાર્મને ખરીદવામાં ત્રણ કંપનીઓ મેદાનમાં
પૂણે સ્થિત એક્વાફાર્મને ખરીદવા માટે કોલકોત્તા સ્થિત આરપી-સંજીવ ગોએન્કા, બેઈન કેપિટલ અને ડોર્ફ કેટલ સ્પર્ધામાં હોવાનું જાણવા મળે છે. કંપનીનું પ્રમોટર મંગવાણી પરિવાર તેનો સમગ્ર હિસ્સો વેચે તેવી શક્યતાં છે. કંપનીનું વેલ્યૂએશન રૂ. 4500 કરોડથી ઊંચું જોવા મળી રહ્યું છે. એક્વાફાર્મ વોટર ટ્રિટમેન્ટ કેમિકલ્સનું ઉત્પાદન કરે છે. એક્વાફાર્માએ સ્ટીફલ ફાઈનાન્સિયલ કોર્પને બેંકર તરીકે નિમી છે. વૈશ્વિક ખરીદારો તરફથી ચીન ઉપરાંત અન્ય દેશો ખાતેથી સોર્સિંગની વધતી માગને કારણે ભારતીય કંપનીઓની ખરીદીનો રસ વધી રહ્યો છે. કંપની મુખ્યત્વે યુરોપ અને નોર્થ અમેરિકા ખાતે નિકાસ કરે છે. તેમજ તે યુએસ, સાઉદી અરેબિયા, યુરોપ અને હોંગ કોંગ ખાતે સબસિડિયરીઝ ધરાવે છે. કંપનીએ યુએસ સ્થિત એક્વાફાર્મા કેમિકલ્સ એલએલસીની 2018માં ખરીદી કરી હતી. જ્યારે પાછળથી તેણે સાઉદી અરેબિયા ખાતે યૂનિક સોલ્યુશન્સ ફોર કેમિકલ ઈન્ડસ્ટ્રીઝ કંપનીની ખરીદી કરી હતી.

કોર્પોરેટ હેડલાઈન્સ

ACC: અદાણી જૂથની સિમેન્ટ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 466.1 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં રૂ. 227 કરોડની સરખામણીમાં બમણાથી વધુ વૃદ્ધિ દર્શાવે છે. કંપની આવક રૂ. 5201.1 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 4,468 કરોડ પર જળવાય હતી. કંપનીનો એબિટા વાર્ષિક ધોરણે 77 ટકા ઉછળી રૂ. 848 કરોડ પર રહ્યો હતો. જ્યારે એબિટા માર્જિન 10.7 ટકા પરથી સુધરી 16.3 ટકા પર જોવા મળ્યાં હતાં.
કોલગેટઃ એફએમસીજી કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 273.7 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે એનાલિસ્ટ્સના રૂ. 250 કરોડના અંદાજની સરખામણીમાં ઊંચો જોવા મળ્યો હતો. કંપનીની રેવન્યૂ રૂ. 1,275 કરોડના અંદાજ સામે રૂ. 1,323.7 કરોડ પર નોંધાઈ હતી. કંપનીના શેરે ગુરુવારે નવી ટોચ દર્શાવી હતી.
આરઈસીઃ પીએસયૂ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 2,968 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 23 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. કંપનીએ રૂ. 11091 કરોડની રેવન્યૂ દર્શાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 9506 કરોડ પર જોવા મળી હતી.
જિંદાલ સ્ટેનલેસઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 746 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 50 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 321.32 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો કંપનીએ રૂ. 10184 કરોડની રેવન્યૂ દર્શાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતી રૂ. 5,474.2 કરોડની આવક સામે 90 ટકા વૃદ્ધિ સૂચવે છે.
ગોડફ્રે ફિલિપ્સઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 221 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 70 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 131 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. કંપનીએ રૂ. 1245 કરોડની રેવન્યૂ દર્શાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતી રૂ. 982 કરોડની આવક સામે 30 ટકા વૃદ્ધિ સૂચવે છે.
કેપીઆઈટી ટેક્નોલોજીઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 134.43 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો છે. જે વાર્ષિક ધોરણે 53.37 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ત્રિમાસિક ધોરણે કંપનીનો પ્રોફિટ 20.48 ટકા વધ્યો છે. કંપનીની કોન્સોલિડેટેડ રેવન્યૂ વાર્ષિક ધોરણે 60 ટકા જ્યારે ત્રિમાસિક ધોરણે 7.9 ટકા સુધારી રૂ. 1097 કરોડ રહી હતી.
શેફલરઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 237 કરોડનો નેટ પ્રોફિટ દર્શાવ્યો હતો. જે વાર્ષિક ધોરણે 10 ટકા વૃદ્ધિ દર્શાવે છે. ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 226 કરોડનો નેટ પ્રોફિટ નોંધાવ્યો હતો. કંપનીએ રૂ. 1829 કરોડની રેવન્યૂ દર્શાવી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતી રૂ. 1785 કરોડની આવક સામે 2 ટકા સુધારો દર્શાવે છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage