Market Summary 27/09/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

સપ્ટેમ્બર એક્સપાયરી પૂર્વે માર્કેટમાં શોર્ટ કવરિંગના સંકેતો
ઈમર્જિંગ માર્કેટ્સનું ડેવલપ્ડ માર્કેટ સાથે ડિકપલીંગ
વોલેટિલિટી ઈન્ડેક્સ 3.5 ટકા ઉછળી 11.58ના સ્તરે
ફાર્મા, એફએમસીજી, પીએસઈ, આઈટીમાં મજબૂતી
બેંકિંગ, ફાઈ. સર્વિસિઝમાં નરમાઈ
પીએફસી, આરઈસી, પોલીકેબ, હૂડકો, થર્મેક્સ નવી ટોચે
વેદાંત, ગુજરાત ગેસમાં નવા તળિયા

સપ્ટેમ્બર એક્સપાયરીના એક દિવસ અગાઉ સ્થાનિક શેરબજારમાં નીચા મથાળે શોર્ટ કવરિંગના સંકેત પાછળ મજબૂતી જોવા મળી હતી. ડેવલપ્ડ માર્કેટમાં ઘટાડા વચ્ચે ઈમર્જિંગ માર્કેટ્સમાં મજબૂતીને કારણે પણ સપોર્ટ સાંપડ્યો હતો અને બેન્ચમાર્ક્સ પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 173.22 પોઈન્ટ્સ સુધારે 66,118.69ની સપાટીએ જ્યારે નિફ્ટી 51.75ની વૃદ્ધિ સાથે 19,716ની સપાટીએ બંધ રહ્યો હતો. બ્રોડ માર્કેટમાં ખરીદી જળવાતાં માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3799 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2008 સુધારા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 1640 કાઉન્ટર્સ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. 185 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 35 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 3.5 ટકા ઉછળી 11.58ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે બેન્ચમાર્ક નિફ્ટીએ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું અને શરૂઆતી બે કલાક દરમિયાન તે નેગેટિવ ઝોનમાં ટ્રેડ દર્શાવતો રહ્યો હતો. અગાઉના 19665ના બંધ સામે તે 19637ની સપાટીએ ખૂલી ઉપરમાં 19731ની ટોચ બનાવી 19554નું તળિયું બનાવી ટોચ નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 4 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19720ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રના ફ્લેટ પ્રિમીયમ સામે સાધારણ સુધારો દર્શાવતો હતો. જેનો અર્થ થાય છે કે માર્કેટમાં લોંગ રોલઓવર સારુ જોવા મળ્યું હતું. જોકે, હજુ પણ નિફ્ટી 19800ની ઉપર બંધ આપે નહિ ત્યાં સુધી નવી લોંગ પોઝીશન બનાવવાથી દૂર રહેવું જોઈએ. સુધારે માર્કેટમાં પ્રોફિટ બુકની તક ઝડપવી જોઈએ. બુધવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનાર ઘટકોમાં લાર્સન, કોલ ઈન્ડિયા, આઈટીસી, સિપ્લા, એલટીઆઈમાઈન્ડટ્રી, સન ફાર્મા, મારુતિ સુઝુકી, અદાણી પોર્ટ્સ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એક્સિસ બેંક, અદાણી એન્ટરપ્રાઈઝિસ, એપોલો હોસ્પિટલ અને ઈન્ડસઈન્ડ બેંકનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ટાઈટન કંપની, ગ્રાસિમ, હીરો મોટોકોર્પ, એસબીઆઈ, બીપીસીએલ, બજાજ ઓટો, એચડીએફસી બેંક, તાતા સ્ટીલ અને નેસ્લેમાં નરમાઈ જોવા મળતી હતી.
સેક્ટરલ દેખાવની વાત કરીએ તો ફાર્મા, એફએમસીજી, પીએસઈ, આઈટી મજબૂતી દર્શાવતાં હતાં. જ્યારે બેંકિંગ, ફાઈનાન્સિયલ સર્વિસિઝમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 1.2 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ઓરોબિંદો ફાર્મા, લ્યુપિન, સિપ્લા, સન ફાર્મા, ઝાયડસ લાઈફ, બાયોકોન, ટોરેન્ટ ફાર્મા, આલ્કેમ લેબ, ડો. રેડ્ડીઝ લેબ્સમાં સુધારો જોવા મળતો હતો. નિફ્ટી એફએમસીજી 0.8 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં પીએન્ડજી, ગોદરેજ કન્ઝ્યૂમર, આઈટીસી, જ્યુબિલિઅન્ટ ફૂડ, ડાબર ઈન્ડિયા, એચયૂએલ, બ્રિટાનિયા, યુનાઈટેડ સ્પિરિટ્સમાં સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી રિઅલ્ટીમાં પણ 0.73 ટકા સુધારો નોંધાયો હતો અને ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, સોભા, ડીએલએફ, ઓબેરોય રિઅલ્ટી, ફિનિક્સ મિલ્સ, ગોદરેજ પ્રોપર્ટીઝમાં મજબૂતી જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ કાઉન્ટર્સમાં પાવર ફાઈનાન્સ 7 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત આરઈસી, મણ્ણાપુરમ ફાઈનાન્સ, પોલીકેબ, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, ડિક્સોન ટેક્નોલોજી, એબી કેપિટલ, એસ્કોર્ટ્સ, આરબીએલ બેંક, બલરામપુર ચીની, પીએનબીમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. બીજી બાજુ, વેદાંત, ગુજરાત ગેસ, આઈઓસી, ટ્રેન્ટ, ટાઈટન કંપની, એચપીસીએલ, ગ્રાસિમ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, હીરો મોટોકોર્પ, મહાનગર ગેસ, હિંદુસ્તાન એરોનોટીક્સ, કોલગેટમાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં પીએફસી, આરઈસી, પોલીકેબ, હૂડકો, થર્મેક્સ, ડિક્સોન ટેક્નોલોજી, થર્મેક્સ, પીએનબી, ફેડરલ બેંક, કોલ ઈન્ડિયા, ઈન્ડિયન બેંક, સનટેક રિઅલ્ટીનો સમાવેશ થતો હતો. જ્યારે વેદાંત, ગુજરાત ગેસમાં નવા તળિયા જોવા મળ્યાં હતાં.

ગિફ્ટ નિફ્ટીમાં 15.25 અબજ ડોલરનું વિક્રમી ટર્નઓવર
26 સપ્ટેમ્બરે વિક્રમી 3,86,350 ગિફ્ટ નિફ્ટી કોન્ટ્રેક્ટ્સ ટ્રેડ થયાં
ઓપન ઈન્ટરેસ્ટ 12.19 અબજ ડોલર પર જોવા મળ્યું

ગાંધીનગર સ્થિત આઈએફએસસી ખાતે ટ્રેડેડ ગિફ્ટ નિફ્ટીમાં નવો વિક્રમ રચાયો છે. 26 સપ્ટેમ્બરે મંગળવારે ગિફ્ટ નિફ્ટીમાં કુલ 15.25 બિલિયન યુએસ ડોલર (રૂ. 1,26,930 કરોડ)નું સર્વોચ્ચ ટર્નઓવર નોંધાયું હતું. લોટ સાઈઝની રીતે જોઈએ તો કુલ 3,86,350 કોન્ટ્રાક્ટની ઓલ-ટાઇમ હાઇ સિંગલ ડે ટ્રેડિંગ એક્ટિવિટી પર જોવા મળી હતી. ગિફ્ટ નિફ્ટીએ એક મહિનામાં તેનો અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો. તે વખતે 29 ઓગસ્ટ, 2023ના રોજ 12.98 અબજ યુએસ ડોલરનું વિક્રમી ટર્નઓવર નોંધાયું હતું.
અગાઉ 3 જુલાઈના રોજ એનએસઈ ઈન્ટરનેશનલ એક્સચેન્જ ખાતે ગિફ્ટ નિફ્ટીનું ટ્રેડિંગ શરૂ થયું હતું. જ્યાર પછી તેની ટ્રેડિંગ કામગીરીમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. ફુલ-સ્કેલ કામગીરીના પ્રથમ દિવસથી જ ગિફ્ટ નિફ્ટીએ અત્યાર સુધીમાં કુલ 178.54 બિલિયન યુએસ ડોલરનું ટર્નઓવર નોંધાવ્યું છે. જ્યારે લોટ સાઈઝની રીતે કુલ 45.9 લાખ કોન્ટ્રેક્ટ્સથી વધુનું ટ્રેડિંગ થઈ ચૂક્યું છે. ગિફ્ટ નિફ્ટીએ દેશના સૌથી મોટા પ્લેટફોર્મ એનએસઈ અને સિંગાપુર એક્સચેન્જની સંયુક્ત પ્રોડક્ટ છે. જે અગાઉ એસજીએક્સ નિફ્ટી તરીકે જાણીતી હતી. ગિફ્ટ નિફ્ટીમાં દિવસમાં બે સત્રોમાં 22 કલાક ટ્રેડિંગ થઈ શકે છે. આમ કોઈપણ ટાઈમઝોનમાં તેનું ટ્રેડિંગ શક્ય છે.

ટોયોટા ભારતમાં ત્રીજું ઉત્પાદન યુનિટ સ્થાપશે
કંપની દસ-વર્ષ પછી ભારતમાં નવો પ્લાન્ટ બનાવશે
નવા પ્લાન્ટની ક્ષમતા 2 લાખ યુનિટ્સ પ્રતિ વર્ષ સુધીની રહેશે

જાપાની ઓટો જાયન્ટ ટોયોટા મોટર ભારતમાં તેના ત્રીજા કાર પ્લાન્ટની સ્થાપના માટે વિચારી રહી છે એમ જાણકારોનું કહેવું છે. કંપની છેલ્લાં દાયકામાં પ્રથમવાર ઉત્પાદન ક્ષમતા વિસ્તરણ માટે જઈ રહી છે. કંપનીએ ભારતમાં સ્થાનિક વોલ્યુમને વેગ આપવા સુઝુકી મોટર સાથે ભાગીદારી કરી છે.
વિશ્વમાં સૌથી મોટી કાર ઉત્પાદક કંપની શરૂઆતમાં તેના ત્રીજા પ્લાન્ટ ખાતે 80000-120000 વેહીકલ્સ ઉત્પાદનની ક્ષમતા રાખવાની ઈચ્છા ધરાવે છે. જેને પાછળથી વધારીને 2 લાખ યુનિટ્સ પ્રતિ વર્ષ સુધી લઈ જવામાં આવશે એમ આ ડેવલપમેન્ટ સાથે સીધી રીતે સંકળાયેલા વર્તુળોનું કહેવું છે. નવા પ્લાન્ટની પ્રસ્તાવિત ક્ષમતા સાથે ભારતમાં ટોયોટાની કુલ ઉત્પાદન ક્ષમતામાં 30 ટકા જેટલી વૃદ્ધિ થશે. હાલમાં કંપની દેશમાં 4 લાખ યુનિટ્સની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. કંપનીએ નવા સ્પોર્ટ યુટિલિટી વેહીકલનું ડેવલપમેન્ટ પણ શરૂ કરી દીધું છે. જે 2026ની શરૂઆતમાં લોંચ કરવામાં આવશે. તે નવી ફેક્ટરી માટે પ્રથમ પ્રોડક્ટ હશે એમ જાણકાર વર્તુળ ઉમેરે છે. હાલમાં ટોયોટાના કુલ વેચાણનો 40 ટકા હિસ્સો મૂળ મારુતિ સુઝુકીના અગાઉના મોડેલ્સ જેવાકે ગ્લાન્ઝા, અર્બન ક્રૂઝર, હાયરાઈડર એસયૂવીમાંથી આવે છે. ટોયેટાની 66 ટકા વર્તમાન ક્ષમતાનો ઉપયોગ મારુતિ સુઝુકી કરી રહી છે.

2023માં મકાનોનું વેચાણ 10-વર્ષની ટોચ દર્શાવવાના માર્ગે
નવા રેસિડેન્શિયલ લોંચિંગ પણ દસ વર્ષોની ટોચ પર રહેવાની અપેક્ષા
જાન્યુઆરીથી જૂન 2023 સુધીમાં દેશમાં કુલ 1.5 લાખ યુનિટ્સ મકાનોનું વેચાણ નોંધાયું
છેલ્લાં પાંચ વર્ષોમાં દેશમાં સરેરાશ 1.87 લાખ મકાનોનું વેચાણ જોવા મળ્યું હતું

કેલેન્ડર 2023ના પ્રથમ છ મહિના દરમિયાન 1.5 લાખ યુનિટ્સના વેચાણને જોતાં ચાલુ વર્ષે દેશમાં મકાનોનું વેચાણ છેલ્લાં 10-વર્ષોની ટોચ દર્શાવે તેવી શક્યતાં છે એમ એક રિપોર્ટ જણાવે છે. ‘ઈન્ડિયન રિઅલ એસ્ટેટઃ ટેકિંગ જાયન્ટ્સ સ્ટ્રાઈડ્સ-2023-મીડ-યર આઉટલૂક’ નામના રિપોર્ટમાં જણાવ્યા મુજબ ચાલુ વર્ષે નવી સ્કિમ્સનું લોંચિંગ પણ 10-વર્ષની ટોચ પર જોવા મળે તેવી અપેક્ષા છે. આમ, ચાલુ વર્ષે વેચાણ અને લોંચિંગ, બંને છેલ્લાં પાંચ વર્ષોની અનુક્રમે 1.87 યુનિટ્સ અને 1.84 લાખ યુનિટ્સની સરેરાશ કરતાં નોંધપાત્ર ઊંચું જોવા મળે તેવી શક્યતાં રાખવામાં આવે છે.
જાન્યુઆરી 2023થી જૂન 2023 સુધીમાં દેશમાં કુલ 1.5 લાખ યુનિટ્સ મકાનોનું વેચાણ થઈ ચૂક્યું છે. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતાં વેચાણની સરખામણીમાં 4 ટકા જેટલું ઊંચું છે. જ્યારે 2022ના બીજા અર્ધવાર્ષિક ગાળામાં જોવા મળેલા વેચાણની સરખામણીમાં તે 6 ટકા વૃદ્ધિ દર્શાવે છે. સીબીઆરઈનો રિપોર્ટ જણાવે છે કે મકાનોની માગમાં સતત મોમેન્ટમને કારણે ડેવલપર્સ નવા લોંચ માટે પ્રેરાયાં છે. તેમણે 2023ના પ્રથમ છ મહિનામાં 1.5 લાખ યુનિટ્સથી વધુ નવા લોંચિંગ કર્યા હતાં. જે વાર્ષિક ધોરણે 11 ટકા વૃદ્ધિ સૂચવે છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ બાંધકામ પાછળનો ખર્ચ વધવાથી મધ્યમ રેંજના મકાનની કિંમત ચાલુ વર્ષે રૂ. 1 કરોડને પાર કરી ગઈ છે. આ સેગમેન્ટની માગ સૌથી ઊંચી જોવા મળી રહી છે. આગામી મહિનાઓ દરમિયાન રૂ. 1-1.5 કરોડની રેંજમાં મકાનોની કિંમતમાં મજબૂત માગ જોવા મળે તેવી શક્યતાં જોવાઈ રહી છે. જાન્યુઆરીથી જૂનમાં આ રેંજના મકાનોએ કુલ વેચાણમાં 50 ટકા હિસ્સો દર્શાવ્યો હતો. રિપોર્ટ મુજબ પશ્ચિમી દેશોની સરખામણીમાં ભારતમાં હોમ લોન રેટ્સ પ્રમાણમાં સ્થિર જળવાયા છે. જેને કારણે પણ મકાનોની માગ ઊંચી જોવા મળી છે.

UPI પેમાં મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન્સનો હિસ્સો 2025માં 75 ટકા પર પહોંચશે
હાલમાં દેશમાં યૂપીઆઈ ટ્રાન્ઝેક્શન્સમાં પીટુએમનો હિસ્સો 56.1 ટકા જેટલો જોવા મળે છે
પર્સન-ટુ-મર્ચન્ટ ટ્રાન્ઝેક્શન્સમાં પર્સન-ટુ-પર્સન ટ્રાન્ઝેક્શન્સની સરખામણીમાં બમણાથી વધુ વૃદ્ધિ
2022ના શરૂઆતી છ મહિનાની સરખામણીમાં ચાલુ કેલેન્ડરમાં સમાનગાળામાં એવરેજ ટિકિટ સાઈઝમાં ઘટાડો

ઝીરો ટ્રાન્ઝેક્શન ફી અને પેમેન્ટ સ્વીકૃતિની રીતે ઊંડાણ જોતાં કેલેન્ડર 2025 સુધીમાં દેશમાં કુલ યુનાઈટેડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ(UPI) ટ્રાન્ઝેક્શન્સમાં પર્સન-ટુ-મર્ચન્ટ(P2M) ટ્રાન્ઝેક્શન્સનું પ્રમાણ 75 ટકા સુધી પહોંચવાની અપેક્ષા છે એમ નેશનલ પેમેન્ટ્સ કોઓપરેશન ઓફ ઈન્ડિયા(NPCI)નો ડેટા જણાવે છે. હાલમાં દેશમાં યૂપીઆઈ ટ્રાન્ઝેક્શન્સમાં પીટુએમનો હિસ્સો 56.1 ટકા જેટલો જોવા મળે છે.
કેલેન્ડર 2023ના પ્રથમ છ મહિના માટેના ‘ઈન્ડિયા ડિજીટલ પેમેન્ટ્સ રિપોર્ટ’ મુજબ કેલેન્ડરના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સની સંખ્યા વાર્ષિક ધોરણે 62 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. જેનો મોટો હિસ્સો પીટુએમ ટ્રાન્ઝેક્શન્સનો છે એમ ગ્લોબલ પેમેન્ટ સર્વિસ પ્રોવાઈડર વર્લ્ડલાઈનનો રિપોર્ટ નોંધે છે. જાન્યુઆરી 2023થી જૂન 2023 સુધીના સમયગાળામાં કુલ 51.91 અબજ યુપીઆઈ ટ્રાન્ઝેક્શન્સમાંથી 29.15 અબજ ટ્રાન્ઝેક્શ્સ પીટુએમ પેમેન્ટ્સ હતાં. જે કુલ ટ્રાન્ઝેક્શન્સના 56.1 ટકા જેટલો હિસ્સો સૂચવે છે. જ્યારે બાકીના 22.75 અબજ ટ્રાન્ઝેક્શન્સ પર્સન-ટુ-પર્સન(P2P) ટ્રાન્ઝેક્શન્સ હતાં. વધુમાં, પીટુએમ ટ્રાન્ઝેક્શન્સ ઝડપી ગતિએ વૃદ્ધિ પામી રહ્યાં છે. 2023ના પ્રથમ છ મહિનામાં પીટુપી ટ્રાન્ઝેક્શનમાં 41 ટકા વાર્ષિક વૃદ્ધિ નોંધાઈ હતી. જ્યારે પીટુએમ ટ્રાન્ઝેક્શન્સમાં 119 ટકાનો તીવ્ર ઉછાળો નોંધાયો હતો.
રિપોર્ટમાં નોંધ્યા મુજબ પીટુએમ ટ્રાન્ઝેક્શન્સમાં તીવ્ર વૃદ્ધિનું કારણ ઝીરો ટ્રાન્ઝેક્શન ફીને આભારી છે. હાલમાં મર્ચન્ટ્સ પાસેથી કોઈપણ પ્રકારનો ચાર્જ વસૂલવામાં આવતો નથી. જે ખરીદાર તથા વેચાણકાર તરફથી આ પેમેન્ટ મિકેનીઝમના સ્વીકૃતિનું ઊંડાણ દર્શાવે છે. નીચી ફી ઉપરાંત મર્ચન્ટ્સ સિક્યૂરિટી, સમયસર પેમેન્ટ્સ જેવી બાબતોને પણ મહત્વની ગણી રહ્યાં છે. પીટુએમ ટ્રાન્ઝેક્શન્સના પ્રભુત્વને જોતાં યૂપીઆઈ લોકો સાથે વધુ નજીક જઈ રહ્યું છે અને ભવિષ્યમાં તે ઝડપી વૃદ્ધિ દર જાળવી રાખે તેવું જણાય છે. રિપોર્ટમાં નોંધ્યા મુજબ 2023ના પ્રથમ છ મહિના દરમિયાન યૂપીઆઈની સરેરાશ ટિકિટ સાઈઝ(એટીએસ) રૂ. 1604 પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળતી રૂ. 1774ની એટીએસની સરખામણીમાં 10 ટકા જેટલી નીચી હતી. યૂપીઆઈ ટ્રાન્ઝેક્શન્સમાં વાર્ષિક 62 ટકા વૃદ્ધિ જોતાં કહી શકાય કે યૂપીઆઈનું પેનિટ્રેશન વધ્યું છે અને તેનો ઉપયોગ નાના પેમેન્ટ્સ માટે વધી રહ્યો છે. જો વેલ્યૂની રીતે જોઈએ તો 2023ના પ્રથમ છ મહિનામાં યૂપીઆઈ ટ્રાન્ઝેક્શન્સમાં 47 ટકા વૃદ્ધિ નોંધાઈ છે અને તે રૂ. 83.17 લાખ કરોડે જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 56.59 લાખ કરોડ પર હતું. એટીએસમાં ઘટાડા પાછળનું કારણે પીટુએમ ટ્રાન્ઝેક્શન્સમાં એટીએસમાં ઘટાડો કારણભૂત છે. જ્યારે બીજી બાજુ પીટુપી ટ્રાન્ઝેક્શન્સમાં એટીએસ ગયા વર્ષના રૂ. 2442ની સરખામણીમાં 15 ટકા વધી રૂ. 2812 પર જોવા મળી હતી. સમાનગાળામાં પીટુએમ ટ્રાન્ઝેક્શન્સ માટે એટીએસ ગયા વર્ષના રૂ. 839 પરથી 21 ટકા ઘટી રૂ. 659 પર જોવા મળી હતી. આમ ધીરે-ધીરે યુપીઆઈનો ઉપયોગ માઈક્રો ટ્રાન્ઝેક્શન્સ માટે વધી રહ્યો છે અને તેને સારા સંકેત તરીકે જોવામાં આવી રહ્યું છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ સ્થાનિક ફિનટેક કંપની પેટીએમ ગુગલ પે પાસેથી બજાર હિસ્સો ઝૂંટવી રહી છે. દેશમાં કુલ યૂપીઆઈ ટ્રાન્ઝેક્શન્સના 95.68 ટકા હિસ્સો ફોનપે, ગૂગલ પે અને પેટીએમનો હતો. જ્યારે મૂલ્યની રીતે તે 93.65 ટકા જેટલો જોવા મળ્યો હતો.

સપ્ટેમ્બરમાં છેલ્લાં 13-વર્ષોમાં સૌથી વધુ IPO પ્રવેશ્યાં
મીડ-કેપ અને સ્મોલ-કેપમાં તેજી પાછળ પ્રાઈમરી માર્કેટમાં જુવાળ જોવાયો
અગાઉ સપ્ટે. 2010માં આઈપીઓ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં 14 આઈપીઓ જોવા મળ્યાં
મે 2022 પછી પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓ મારફતે કંપનીઓએ રૂ. 11,800 કરોડનું સૌથી મોટું ફંડ રેઈઝીંગ

ચાલુ સપ્ટેમ્બરમાં છેલ્લાં 13-વર્ષોમાં સૌથી વધુ આઈપીઓ જોવા મળ્યાં છે. સેકન્ડરી માર્કેટમાં મીડ-કેપ અને સ્મોલ-કેપમાં ભરપૂર તેજી વચ્ચે રિટેલ રોકાણકારોની સક્રિયતાને જોતાં કોર્પોરેટ્સે સમયનો ઉપયોગ કર્યો છે. અત્યાર સુધીમાં સપ્ટેમ્બરમાં 14 કંપનીઓ બજારમાં નાણા એકત્ર કરવા પ્રવેશી ચૂકી છે. જે સંખ્યા સપ્ટેમ્બર 2010માં 15 કંપનીઓની હતી. ચાલુ મહિને આરંભિક જાહેર ભરણા મારફતે કંપનીઓએ રૂ. 11,800 કરોડનું ફંડ મેળવ્યું છે. જે ગયા વર્ષે મે 2022માં કંપનીઓ તરફથી ઊભા કરવામાં આવેલા રૂ. 29,511 કરોડના ભંડોળ પછી માસિક ધોરણે સૌથી ઊંચું છે. મે 2022માં સરકારી કંપની એલઆઈસીએ એકે જ રૂ. 22 હજાર કરોડનું વિક્રમી ફંડ મેળવ્યું હતું. આમ, ચાલુ સપ્ટેમ્બરમાં નોંધપાત્ર સમયગાળા પછી પ્રાઈમરી માર્કેટ માટે બમ્પર બની રહ્યો છે.
સપ્ટેમ્બરમાં મોટાભાગના આઈપીઓ પ્રમાણમાં નાની ટિકિટ સાઈઝના જોવા મળ્યાં છે. તેમણે રૂ. 300 કરોડથી લઈ રૂ. 1000 કરોડની રેંજમાં નાણા ઊભાં કર્યાં છે. બજારમાં પ્રવેશેલાં 14 આઈપીઓમાંથી માત્ર ચાર આઈપીઓએ જ રૂ. 1000 કરોડથી વધુની રકમ મેળવી છે. જેમાં જેએસડબલ્યુ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો આઈપીઓ રૂ. 2800 કરોડ સાથે સૌથી મોટો હતો. કુલ રૂ. 11800 કરોડની રકમમાંથી 68 ટકા જેટલી એટલેકે રૂ. 8023 કરોડની રકમ ફ્રેશ કેપિટલ તરીકે ઊભી કરવામાં આવી છે. જ્યારે ઓફર-ફોર-સેલ મારફતે રૂ. 3797 કરોડ મેળવવામાં આવ્યાં છે.
કેલેન્ડર 2023માં પ્રાઈમરી માર્કેટની શરૂઆત મંદ જોવા મળી હતી. જાન્યુઆરીથી લઈ મે સુધી પાંચ મહિનામાં માત્ર પાંચ આઈપીઓ બજારમાં પ્રવેશ્યાં હતાં. જોકે, ઓગસ્ટથી તેમાં વેગ આવ્યો હતો. ઓગસ્ટમાં સાત આઈપીઓએ મળી રૂ. 4759 કરોડની રકમ ઊભી કરી હતી. આઈસીઆઈસીઆઈ સિક્યૂરિટીઝના ઈન્વેસ્ટમેન્ટ બેંકિંગ હેડના મતે ચાલુ મહિને બજારમાં પ્રવેશેલી કેટલીક કંપનીઓ છેલ્લાં 15-18 મહિનાઓથી બજારમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહી હતી. છેલ્લાં ત્રણ મહિનામાં મીડ-કેપ અને સ્મોલ-કેપ સેગમેન્ટમાં જોવા મળેલી તેજીને પગલે તેમને પ્રવેશવાની તક સાંપડી હતી. ચાલુ નાણાકિય વર્ષમાં રોકાણકારોએ મીડ અને સ્મોલ-કેપ ફંડ્સમાં રૂ. 28000 કરોડનો ફ્લો નોંધાવ્યો છે. જેમાંથી રૂ. 13906 કરોડનું ફંડ તો છેલ્લાં ત્રણ મહિનામાં જ જોવા મળ્યું છે. નિષ્ણાતોના મતે બજારમાં પૂરતી લિક્વિડીટી જોવા મળી રહી છે. જે વાજબી ભાવ ધરાવતાં આઈપીઓની ઊંચી માગ પાછળનું કારણ છે. સેન્ટ્રમ કેપિટલના ઈન્વેસ્ટમેન્ટ બેંકરના જણાવ્યા મુજબ હજુ પણ 2021 જેવી સ્થિતિ નથી. તે વખતે બજારમાં ઉન્માદ હતો. જોકે હાલમાં રોકાણકારો માર્કેટને દોરી રહ્યાં છે. જેને કારણે જ કેટલીક કંપનીઓએ તેમના ઈસ્યુના કદને ઘટાડવા સાથે વેલ્યૂએશન્સ પણ વાજબી જાળવવાની ફરજ પડી છે. 30 સપ્ટેમ્બર અગાઉ કંપનીઓને ગયા વર્ષાંતના પરિણામોના આધારે બજારમાં પ્રવેશી શકે છે. જ્યારપછી તેમણે જૂન મહિનાના પરિણામો દર્શાવવા ફરજિયાત બની રહે છે.
છેલ્લાં ત્રણ મહિનામાં બેન્ચમાર્ક્સમાં 5 ટકા જેટલી તેજી જોવા મળી છે. સમાનગાળામાં નિફ્ટી મીડ-કેપ 100 ઈન્ડેક્સે 14.8 ટકાનું જ્યારે નિફ્ટી સ્મોલકેપ 100 ઈન્ડેક્સે 17.4 ટકાનું રિટર્ન નોંધાવ્યું છે. નિષ્ણાતોના મતે પ્રાઈમરી માર્કેટમાં આગામી ત્રણથી ચાર મહિના દરમિયાન તેજીનું માહોલ જળવાયેલું રહેવાની શક્યતાં છે. હાલમાં 28 કંપનીઓ સેબી તરફથી આઈપીઓ માટે મંજૂરી સાથે બજારમાં પ્રવેશવા તૈયાર છે. જેઓ કુલ મળીને રૂ. 38 હજાર કરોડ જેટલી રકમ ઊભી કરવાનું આયોજન ધરાવે છે.

અદાણી પોર્ટ્સ રૂ. 1623 કરોડના વધુ 2024 બોન્ડ્સનું બાયબેક કરશે

અદાણી જૂથની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઈકોનોમિક ઝોન વધુમાં વધુ રૂ. 1623 કરોડના 2024 બોન્ડ્સનું બાયબેક કરશે. કંપની તરફથી 11 ઓક્ટોબર સુધીમાં રૂ. 83,215.70 કરોડની પ્રિન્સિપલ સામે રૂ. 81,135 કરોડની ચૂકવણી કરશે તેવા અહેવાલ પાછળ 3.375 ટકા કૂપન રેટ ધરાવતી નોટ્સમાં એપ્રિલ પછીનો સૌથી મોટો ઉછાળો નોંધાયો હતો. અદાણી પોર્ટ્સે જણાવ્યું હતું કે તે બોન્ડ્સની ખરીદી તેના આંતરિક નાણા સ્રોતોમાંથી કરશે. આ બોન્ડ રૂ. 4328 કરોડનું પ્રિન્સિપલ આઉટસ્ટેન્ડિંગ ધરાવે છે. જૂથ તરફથી એક્વિઝીશન માટે લેવામાં આવેલા રૂ. 29,133 કરોડના ડેટના રિફાઈનાન્સની ઈચ્છા વચ્ચે આ જાહેરાત જોવા મળી છે. કંપનીઓ બોન્ડ હોલ્ડર્સ પાસેથી ટેન્ડર ઓફર મારફતે ડેટ પ્રોડક્ટસની પરત ખરીદી કરી શકે છે. જે તેમને આંશિક અથવા તો સંપૂર્ણપણે ડેટ નાબૂદ કરવા સક્ષમ બનાવે છે. કંપની કેટલાંક મહિનાઓના સમયગાળામાં તેના 2024 બોન્ડ્સમાં બીજીવાર પરત ખરીદી કરી રહી છે. જે તેની આંતરિક મજબૂતી સૂચવે છે.

બાઈજુસ 4500 કર્મચારીઓની છટણી કરશે
એડટેક સ્ટાર્ટ-અપ બાઈજુસના નવનિયુક્ત સીઈઓ અર્જુન મોહન કંપનીના ત્રીજા ભાગના સ્ટાફને નોકરીમાંથી દૂર કરવાની તૈયારી કરી રહ્યાં છે. કંપનીમાં ખર્ચને નિયંત્રણમાં જાળવવા માટે તેઓ 4000-4500 કર્મચારીઓની છટણી કરશે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે. મોહન માટે બાઈજુસમાં કારકિર્દીનો આ બીજો તબક્કો છે. વચગાળામાં તેઓ હરિફ એડટેક કંપની અપગ્રેડનું સુકાન સંભાળી ચૂક્યાં છે.
ગયા સપ્તાહે બાઈજુસનું સુકાન સંભાળનાર મોહને કંપનીના અધિકારીઓને ચાલુ સપ્તાહની આખરમાં કે આગામી સપ્તાહની શરૂમાં હાથ ધરાનારા ફેરફાર અંગે માહિતીમાં આમ જણાવ્યું હતું. નવો જોબ કાપ બાઈજુસની પેરન્ટ કંપની થીંક એન્ડ લર્નના કાયમી કર્મચારીઓ સહિત કોન્ટ્રેક્ચ્યૂલ સ્ટાફમાંથી કરવામાં આવશે. જ્યારે કંપનીની સબસિડિયરીઝમાંથી કોઈ ઘટાડો કરવામાં આવશે નહિ એમ વર્તુળોએ ઉમેર્યું હતું. જોકે, કંપનીમાં નોંધપાત્ર સંખ્યામાં સિનિયર ભૂમિકાને નાબૂદ કરવામાં આવશે.

રિલાયન્સ રિટેલમાં ADIA વધુ 60 કરોડ ડોલર રોકવા તૈયાર
અગાઉ ત્રણ વર્ષ પહેલાં કંપનીએ રૂ. 5513 કરોડમાં 1.2 ટકા હિસ્સો ખરીદ્યો હતો

કતાર સ્થિત સોવરિન વેલ્થ ફંડ QIA પછી એક વધુ ઓઈલ-રિચ ગલ્ફ સોવરિન ફંડ અબુધાબી ઈન્વેસ્ટમેન્ટ ઓથોરિટી(ADIA) મુકેશ અંબાણીની રિટેલ કંપનીમાં અધિક 60 કરોડ ડોલરનું રોકાણ કરવા ઈચ્છી રહ્યું હોવાનું વર્તુળો જણાવે છે. કંપની તેણે ત્રણ વર્ષ અગાઉ કરેલા ઈન્વેસ્ટમેન્ટ રાઉન્ડની સરખામણીમાં નોંધપાત્ર ઊંચા ભાવે દેશની સૌથી મોટી રિટેલ કંપનીમાં રોકાણ કરવાની ઈચ્છા વ્યક્ત કરી ચૂકી છે.
અગાઉ એડીએઆઈ તરફથી રિલાયન્સ રિટેલ વેન્ચર્સ(આરઆરવીએલ)માં 1.2 ટકા હિસ્સો ખરીદવામાં આવ્યો હતો. તેણે ઓક્ટોબર 2022માં રૂ. 5512.50 કરોડ(75.1 કરોડ ડોલર)ના ભાવે આ હિસ્સો ખરીદ્યો હતો. તે વખતે રિલાયન્સ રિટેલ કંપનીનો 10.09 ટકા હિસ્સો વેચી રૂ. 47,265 કરોડની રકમ ઊભી કરી હતી. કંપનીએ તે વખતે સાઉદી પીઆઈએફ, મુબાદલા, જીઆઈસી, સિલ્વરલેક, ટીપીજી અને જીએને હિસ્સાનું વેચાણ કર્યું હતું. અગાઉના રોકાણકારોમાંથી કેકેઆરે રિલાયન્સ રિટેલમાં ફરીવાર રોકાણ કર્યું છે. તેણે રૂ. 8.361 લાખ કરોડ(100 બિલિયન)ના મૂલ્ય સાથે રૂ. 2069.50 કરોડનું રોકાણ કર્યું છે. તાજેતરમાં ક્યૂઆઈએ તરફથી કંપનીમાં કરવામાં આવેલું રોકાણ એ ફ્રેશ રોકાણ હતું. ત્રણ વર્ષ અગાઉ કંપની જે વેલ્યૂએશન પર ફંડ એકત્ર કર્યું હતું. તેની સરખામણીમાં હાલમાં 60 ટકા ઊંચા વેલ્યૂએશન સાથે હિસ્સો વેચ્યો છે. જોકે, એનાલિસ્ટ્સના જણાવ્યા મુજબ રિટેલ બિઝનેસનું મૂલ્ય મોટાભાગના એનાલિસ્ટ્સની માન્યતા કરતાં નીચું જોવા મળી રહ્યું છે.

દિલીપ સંઘવી એન્ડ એસોસિએટ્સે સુઝલોન સાથેનો કરાર નાબૂદ કર્યો
જોકે, સુઝલોનમાં રોકાણકાર તરીકે ચાલુ રહેશે

સન ફાર્માના પ્રમોટર દિલિપ સંઘવી એન્ડ એસોસિએટ્સે સુઝલોન એનર્જી સાથે ફેબ્રુઆરી 2022માં સાઈન કરેલા સુધારેલા શેરહોલ્ડર્સ એગ્રીમેન્ટને નાબૂદ કરવાનો નિર્ણય લીધો છે. એક રેગ્યુલેટરી ફાઈલીંગમાં સુઝલોને જણાવ્યું છે કે કંપનીમાં ઈન્વેસ્ટર એવા દિલીપ સંઘવી એન્ડ એસોસિએટ્સે તેની સાથેના એગ્રીમેન્ટને દૂર કર્યો છે.
રિન્યૂએબલ કંપની સુઝલોન અને દિલીપ સંઘવી એન્ડ એસોસિએટ્સે વચ્ચે 28 ફેબ્રુઆરી, 2020ના રોજ આ કરાર હાથ ધરવામાં આવ્યો હતો. કંપનીએ એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યું હતું કે પ્રમોટર્સ અને પ્રમોટર્સ ગ્રૂપ કંપની સાથે હાથ ધરેલા સુધારેલા શેરહોલ્ડર્સ એગ્રીમેન્ટમાંથી પોતે બહાર નીકળી રહ્યાંનું દિલીપ સંઘવી એન્ડ એસોસિએટ્સે જણાવ્યું છે. જોકે, આ ઘટનાને કારણે કંપનીની કામગીરી પર કોઈપણ પ્રકારની અસર નહિ પડે એમ સુઝલોને જણાવ્યું હતું. આ કોન્ટ્રેક્ટ દૂર થવાથી ઈન્વેસ્ટર ગ્રૂપના પ્રતિનિધિ ડિરેક્ટર હિતેન ટીમ્બડિયાએ 26 સપ્ટેમ્બરથી અમલી બને તે રીતે સુઝલોનના બોર્ડમાંથી રાજીનામું આપ્યું છે. એક અલગ નિવેદનમાં દિલીપ સંઘવીએ જણાવ્યું હતું તે તેમણે સુઝલોન અને તેના પ્રમોટર્સ સાથે મૂળે ફેબ્રુઆરી 2015માં કોન્ટ્રેક્ટ કર્યો હતો. જેનો હેતુ રિન્યૂએબલ એનર્જી સેક્ટરમાં કંપનીને મૂડી પ્રાપ્ત બનાવી તકોનો લાભ લેવા માટે સક્ષમ બનાવવાનો હતો. તેમણે ઉમેર્યું હતું કે કપરા કાળમાં કંપનીએ ટર્નએરાઉન્ડ હાથ ધર્યું છે. જે પોઝીટીવ બાબત છે. સંઘવીના મતે તેઓ સુઝલોનમાં રોકાણકાર તરીકે ચાલુ રહેશે પરંતુ શેરહોલ્ડર એગ્રીમેન્ટમાંથી બહાર આવવાનો નિર્ણય લીધો છે.

કોર્પોરેટ હેડલાઈન્સ

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચીફ મુકેશ અંબાણીના સંતાનો કંપનીના બોર્ડ મેમ્બર્સ તરીકે કોઈપણ પ્રકારનો સેલરી નહિ લે અને તેઓ માત્ર બોર્ડ મિટિંગ અને કમિટિ મિટિંગ્સમાં હાજર રહેવા બદલ મળતી ફીનો સ્વીકાર કરશે એમ કંપનીએ જણાવ્યું છે. કંપનીએ શેરધારકોની મંજૂરી માટેના ઠરાવમાં આ વાત જાહેર કરી હતી. મુકેશ અંબાણી 2020-21થી કંપનીમાંથી કોઈ વળતર લઈ રહ્યાં નથી.
શ્રી રેણુકા સુગર્સઃ ટોચની સુગર કંપનીએ રૂ. 235.5 કરોડમાં અનામિકા સુગર મિલ્સનો 100 ટકા હિસ્સો ખરીદવા માટે એગ્રીમેન્ટ સાઈન કર્યો છે. આમ કરવાનું કારણ કંપનીની દેશમાં સુગર ઉત્પાદનમાં ટોચ પર આવતાં ઉત્તર પ્રદેશમાં હાજરી ઊભી કરવાનું છે. આમ કરવાથી કંપની ઉત્તર અને પૂર્વ ભારતના બજારોમાં પ્રવેશ કરી શકશે. અનામિકાની ખરીદીથી શેરડીની ખરીદી માટેનો ટાઈમ ઘટશે.
પીએનબીઃ મુંબઈ સ્થિત ડેટ રિકવરી ટ્રિબ્યુનલ-1એ ભાગેડૂ નિરવ મોદી પાસેથી રૂ. 2348 કરોડની રિકવરીના ભાગરૂપે તેની માલિકીના સોલાર પ્લાન્ટને વેચાણ માટે મૂક્યો છે. મહારાષ્ટ્રના ખાંડેલ સ્થિત આ પ્લાન્ટ 5.247 મેગાવોટની ક્ષમતા ધરાવે છે. જેનું મૂલ્ય રૂ. 12.40 કરોડ થાય છે. મોદીએ રૂ. 8526 કરોડનું ફ્રોડ આચર્યું હતું. મોદીના પેડર રોડ ફ્લેટનું પણ વેચાણ કરાશે.
બીએસઈઃ દેશના સૌથી જૂના એક્સચેન્જ ખાતેથી બે ટોચના અધિકારીઓએ રાજીનામા આપ્યાં છે. આ અધિકારીઓમાં એક્સચેન્જના ચીફ ઈન્ફોર્મેશન ઓફિસર શિવકુમાર પાંડે અને ચીફ ઓફ સ્પેશ્યલ પ્રોજેક્ટ્સ નયન મહેતાનો સમાવેશ થાય છે. પાંડેનું રાજીનામું 4 ડિસેમ્બરથી જ્યારે મહેતાનું રાજીનામું 12 ઓક્ટોબરથી અમલમાં આવશે.
વેદાંતાઃ રેટીંગ એજન્સી મૂડીઝે અનિલ અગ્રવાલની માલિકીની વેદાંતા રિસોર્સિસના કોર્પોરેટ રેટિંગને વધુ ડાઉનગ્રેડ કર્યું છે. કંપનીના તેના વર્તમાન ડેટને રિફાઈનાન્સિંગના પ્રયાસોમાં કોઈ અર્થપૂર્ણ પ્રગતિને અભાવે મૂડીઝે આમ કર્યું છે. રેટિંગ એજન્સીએ વેદાંતા રિસોર્સિઝના રેટીંગને Caa1 પરથી ઘટાડી Caa2 કર્યું છે. સીએએ રેટિંગ કંપનીની નબળી નાણાકિય સ્થિતિ દર્શાવે છે.
શ્રેયસ શીપીંગઃ કંપનીની ડિલિસ્ટીંગ માટેની બુકબિલ્ડીંગની પ્રક્રિયા પૂર્ણ થઈ છે. જેમાં કંપનીના શેરધારકો તરફથી 43 લાખ શેર્સ ટેન્ડર કરવામાં આવ્યાં છે. જે લઘુત્તમ 40.7 લાખ શેર્સની જરૂરિયાતને પાર કરી ગયા હતા. શ્રેયસ શીપીંગની પ્રમોટર કંપની ટાન્સવર્લ્ડ હોલ્ડિંગ્સે પબ્લિક શેરધારકો પાસેથી શેર ખરીદીની ઓફર કરી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage