તેજીવાળાઓ સક્રિય બનતાં માર્કેટમાં બીજા દિવસે પોઝીટીવ મૂડ
ઈન્ડિયા વિક્સ 4 ટકા ગગડી 15.29ની સપાટીએ
મેટલ ઈન્ડેક્સ 4 ટકાથી વધુ ઉછળ્યો
રિઅલ્ટી, મિડિયા ઈન્ડેક્સમાં એક ટકાથી વધુ મજબૂતી
બ્રોડ માર્કેટમાં સતત બીજા દિવસે ઊંચી ખરીદી
જિંદાલ સ્ટીલ, સીસીએલ પ્રોડક્ટ્સ નવી ઊંચાઈએ
લૌરસ લેબ્સે વાર્ષિક તળિયું બનાવ્યું
કેલેન્ડરના આખરી સપ્તાહના બીજા સત્રમાં માર્કેટમાં પોઝીટીવ મૂડ જળવાય રહ્યો હતો. તેજીવાળાઓ પરત ફરતાં બેન્ચમાર્ક્સ અડધા ટકાથી વધુનો સુધારો દર્શાવવામાં સફળ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 361 પોઈન્ટ્સ મજબૂતી સાથે 60,927.43ની સપાટીએ જ્યારે નિફ્ટી 118 પોઈન્ટ્સ ઉછળી 18132ની સપાટીએ બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં નોંધપાત્ર ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 40 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જ્યારે 10 કાઉન્ટર્સ નેગેટિવ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ઊંચી ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે 3631 ટ્રેડેડ કાઉન્ટર્સમાઁથી 2572 પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જ્યારે 926 શેર્સ અગાઉના બંધની સરખામણીમાં ઘટાડો દર્શાવતાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 4 ટકાથી વધુ ગગડી 15.29ની સપાટીએ બંધ રહ્યો હતો.
સોમવારે યુએસ-યૂરોપ માર્કેટમાં રજા વચ્ચે મંગળવારે એશિયન બજારોમાં અન્ડરટોન પોઝીટીવ જોવા મળ્યો હતો. બેન્ચમાર્ક નિફ્ટીએ સતત બીજા દિવસે ગેપ-અપ ઓપનીંગ સાથે કામગીરીનો આરંભ કર્યો હતો. જોકે શરૂઆતી દોરમાં તે એક તબક્કે નેગેટિવ ઝોનમાં સરી પડ્યો હતો. જ્યાંથી તુરંત પરત ફરી તેજીતરફી બની રહ્યો હતો અને બંધ થતાં અગાઉ 18149ની ઈન્ટ્રા-ડે ટોચ પર ટ્રેડ થયાં બાદ તેની નજીક જ બંધ રહેવામાં સફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર્સનું પ્રિમીયમ 12 પોઈન્ટ્સ પર જોવા મળ્યું હતું. માર્કેટ નિરીક્ષકોના મતે કોવિડને લઈને શરૂઆતમાં જોવા મળતો ગભરાટ શમ્યો છે અને તેથી બજારમાં વેચવાલી અટકી છે. બીજી બાજુ સંસ્થાઓ ખરીદી કરી રહી છે. જેને કારણે માર્કેટમાં સ્થિરતા પરત ફરી છે. ટેક્નિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીને 18200નો અવરોધ છે. જો આ સ્તર પાર થશે તો બેન્ચમાર્ક 18400 સુધી સુધારો દર્શાવી શકે છે. ઘટાડે 17800નો મહત્વનો સપોર્ટ બની રહેશે. મંગળવારે બજારને મેટલ સેક્ટર તરફથી મહત્વનો સપોર્ટ મળ્યો હતો. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 4.23 ટકા ઉછળી બંધ રહ્યો હતો. જેમાં જિંદાલ સ્ટીલ 9 ટકા ઉછળી તેની છેલ્લાં ઘણા વર્ષોની ટોચ પર પહોંચ્યો હતો. આ ઉપરાંત નાલ્કો, હિંદાલ્કો, તાતા સ્ટીલ, સેઈલ, જેએસડબલ્યુ સ્ટીલ, વેંદાત, એનએમડીસી, મોઈલ અને હિંદુસ્તાન ઝીંકમાં પણ નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. નિફ્ટી પીએસયૂ બેંકમાં મજબૂતી જળવાય હતી અને ઈન્ડેક્સ 1.3 ટકા સુધર્યો હતો. તેના ઘટકોમાં આઈઓબી 7 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત બેંક ઓફ મહારાષ્ટ્ર, સેન્ટ્રલ બેંક, યુનિયન બેંક, બેંક ઓફ ઈન્ડિયા, યૂકો બેંક અને પીએનબી પણ મજબૂતી દર્શાવતાં હતાં. નિફ્ટી ઓટો, નિફ્ટી આઈટી અને નિફ્ટી બેંકમાં અડધાથી એક ટકા વચ્ચે સુધારો જોવા મળતો હતો. ઓટો કાઉન્ટર્સમાં ટીવીએસ મોટર 3 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત તાતા મોટર્સ, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ, આઈશર મોટર્સ, બજાજ ઓટો, હીરો મોટોકોર્પ, મારુતિ સુઝુકી પણ એક ટકાથી વધુ મજબૂતી દર્શાવતાં હતાં. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.9 ટકા સુધર્યો હતો. તેમાં કોફોર્જ 3 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત વિપ્રો, એમ્ફેસિસ, એલએન્ડટી ટેક્નોલોજી, એલટીઆઈમાઈન્ડટ્રી, ટેક મહિન્દ્રામાં મજબૂતી જોવા મળી રહી હતી. નિફ્ટી ફાર્મા સાધારણ પોઝીટીવ જોવા મળ્યો હતો. જ્યારે નિફ્ટી રિઅલ્ટી અને નિફ્ટી મિડિયા એક-એક ટકાથી વધુ સુધારો સૂચવતાં હતાં. એકમાત્ર નિફ્ટી એફએમસીજી નરમાઈ દર્શાવી રહ્યો હતો. જેમાં વરુણ બેવરેજીસ, એચયૂએલ, ઈમામી, નેસ્લે અને આઈટીસી નેગેટિવ જોવા મળતાં હતાં. રિઅલ્ટી કાઉન્ટર્સમાં હેમિસ્ફિઅર 5 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. જે ઉપરાંત ફિનિક્સ મિલ્સ 4.33 ટકા, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી 3 ટકા, ગોદરેજ પ્રોપર્ટીઝ 2 ટકા અને ઓબેરોય રિઅલ્ટી 1.5 ટકા મજબૂતી દર્શાવતાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, સેઈલ, હિંદ કોપર, જેસડબલ્યુ સ્ટીલ, આરબીએલ બેંક, ઈન્ડિગો, હનીવેલ ઓટો, પીવીઆર, ડિક્સોન ટેક્નોલોજી, એનએમડીસી સહિતના કાઉન્ટર્સ 3 ટકાથી લઈ 6 ટકા સુધીનો ઉછાળો દર્શાવતાં હતાં. જ્યારે બીજી બાજુ અમર રાજા બેટરીઝ 4 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત સીજી કન્ઝ્યૂમર, લૌરસ લેબ્સ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, ડો. લાલ પેથલેબ્સ, સન ટીવી નેટવર્ક, એમસીએક્સ ઈન્ડિયામાં નોઁધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. વાર્ષિક ટોચ દર્શાવવામાં જિંદાલ સ્ટીલ ટોચ પર હતો. આ ઉપરાંત સીસીએલ પ્રોડક્ટ્સ પણ 8 ટકાથી વધુ ઉછળી તેની વર્ષોની ટોચ પર જોવા મળ્યો હતો. બીજી બાજુ લૌરસ લેબ્સમાં 2 ટકા તૂટી વાર્ષિક તળિયા પર ટ્રેડ થયો હતો.
બીજા ક્વાર્ટરમાં પ્રાઈવેટ બેંક્સે ક્રેડિટ ગ્રોથમાં PSU બેંક્સને પાછળ રાખી
પ્રાઈવેટ બેંક્સની 20.6 ટકાના દરે વૃદ્ધિ સામે પીએસયૂ બેંક્સે 18.7 ટકાની લોન વૃદ્ધિ દર્શાવી
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કુલ ક્રેડિટમાં ખાનગી બેંક્સનો હિસ્સો 38.4 ટકા નોંધાયો
ચાલુ નાણા વર્ષ 2022-23ના બીજા ક્વાર્ટરમાં પ્રાઈવેટ સેક્ટર બેંક્સે તેમની હરિફ જાહેર ક્ષેત્રોની બેંક્સને ક્રેડિટ ગ્રોથમાં પાછળ રાખી દીધી છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં કુલ ક્રેડિટમાં ખાનગી બેંક્સનો હિસ્સો વધી 38.4 ટકા પર જોવા મળ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં 37.5 ટકા પરહતો. પાંચ વર્ષ અગાઉ ખાનગી બેંકિંગ સેક્ટરનો ક્રેડિટ હિસ્સો 29.6 ટકા પર જોવા મળતો હતો એમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો અહેવાલ જણાવે છે.
કેર રેટિંગ્સના એસેસમેન્ટ મુજબ પ્રાઈવેટ સેક્ટર બેંક્સનો લોન પોર્ટફોલિયો સપ્ટેમ્બર 2022માં વાર્ષિક 20.6 ટકાના દરે વૃદ્ધિ દર્શાવતો હતો. જ્યારે પીએસયૂ બેંક્સે 18.7 ટકાની લોન વૃદ્ધિ નોંધાવી હતી. આરબીઆઈના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન વાર્ષિક ધોરણે 18 ટકાનો ક્રેડિટ ગ્રોથ જોવા મળ્યો હતો. મહામારીને કારણે ઊભી થયેલી પેન્ટઅપ ડિમાન્ડ તથા આર્થિક સ્તરે ઊંચા વૃદ્ધિ દરને કારણે ક્રેડિટ ગ્રોથમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. ડિસેમ્બરમાં પણ ક્રેડિટ ગ્રોથ ઊંચો જળવાય રહ્યો છે. ડિસેમ્બરના પ્રથમ પખવાડિયામાં વાર્ષિક ધોરણે ક્રેડિટ ગ્રોથ 17.5 ટકા પર જોવા મળ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં 7.3 ટકા પર જોવા મળતો હતો. આરબીઆઈના જણાવ્યા મુજબ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રિટેલ લોન્સમાં 21.9 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જે વાર્ષિક ધોરણે જોવા મળતી કુલ ઈન્ક્રિમેન્ટલ ક્રેડિટ માગની 35 ટકાથી વધુ જોવા મળતી હતી. કુલ ક્રેડિટમાં વ્યક્તિગત લોનનો હિસ્સો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં 44.4 ટકાની સર્વોચ્ચ સપાટી પર પહોંચ્યો હતો. વ્યક્તિગત એકાઉન્ટ્સમાં 22.6 ટકા હિસ્સો મહિલા બોરોઅર્સનો હતો એમ બેંકનો ડેટા જણાવે છે. સતત ચોથા ક્વાર્ટર દરમિયાન ઈન્ડસ્ટ્રીઅલ સેક્ટરમાં ક્રેડિટ મોમેન્ટમ મજબૂત જોવા મળવા સાથે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વિક્રમી દ્વિઅંકી ગ્રોથ દર્શાવતું હતું. માર્ચ 2021માં વર્કિંગ કેપિટલ લોન્સમાં ઘટાડા બાદ બેંક્સ તરફથી વર્કિંગ કેપિટલ લોન્સમાં વાર્ષિક ગ્રોથમાં સતત છઠ્ઠા ક્વાર્ટરમાં વૃદ્ધિ જોવા મળી હતી. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વાર્ષિક 16.5 ટકા વૃદ્ધિ જોવા મળી હતી એમ આરબીઆઈ નોંધે છે.
ભારતમાં બાંધકામમાં તેજીને કારણે વૈશ્વિક સ્ટીલ માગને સપોર્ટ
ચીન સહિતના બજારોમાં સ્ટીલની માગ ઘટી રહી છે ત્યારે એપ્રિલથી ઓક્ટોબરમાં દેશમાં ઈનવર્ડ શીપમેન્ટ્સમાં 15 ટકા વૃદ્ધિ
ચીનનું જંગી બાંધકામ સેક્ટર હાલમાં મંદીમાં જોવા મળી રહ્યું છે અને યુએસ અને યુરોપ પણ મંદી તરફ વળવાની શક્યતાં છે ત્યારે ભારત વૈશ્વિક સ્તરે સ્ટીલ માગ ટકાવી રહ્યું છે. ટૂંક સમયમાં ચીનને વિશ્વના સૌથી વધુ વસ્તી ધરાવતાં દેશ તરીકે પાછળ રાખી દેવા માટે તૈયાર ભારતમાં બાંધકામ ક્ષેત્રે જોવા મળી રહેલી ઊંચી સ્ટીલ માગ પાછળ દેશમાં સ્ટીલની આયાત વધી છે. ભારત સરકાર રોડ્સ, રેલ નેટવર્ક્સ અને પોર્ટ્સના આધુનિકીકરણમાં જંગી રોકાણ કરી રહી છે જેથી દેશને મેન્યૂફેક્ચરિંગ હબ બનાવી શકાય. જેને કારણે 2023માં દેશની સ્ટીલ માગ 6.7 ટકા ઉછળી 12 કરોડ ટન પર જોવા મળશે એમ વર્લ્ડ સ્ટીલ એસોસિએશન જણાવે છે. જે મોટા અર્થતંત્રોમાં સૌથી ઊંચો વૃદ્ધિ દર છે. ચાલુ વર્ષે પણ સ્ટીલની માગમાં ઊંચી વૃદ્ધિ દર્શાવનાર ભારત બે વર્ષ અગાઉ જ યુએસને પાછળ રાખી ચીન પછી બીજા ક્રમનું સ્ટીલ વપરાશકાર બન્યું હતું.
ટોચની સ્ટીલ કંપનીના ઉચ્ચ અધિકારીના જણાવ્યા મુજબ કોઈપણ અર્થતંત્રમાં નેશન-બિલ્ડીંગના તબક્કા દરમિયાન ખૂબ જ સ્ટીલ અને અન્ય કોમોડિટીઝની જરૂરિયાત રહેતી હોય છે. ચાલુ દાયકામાં ભારત આ તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે અને તે દેશમાં સ્ટીલની માગમાં ઊંચી વૃદ્ધિ લાવશે. જે 2030 સુધીમાં સ્ટીલ વપરાશને 20 કરોડ ટનને પાર લઈ જશે એમ તેમનું કહેવું છે. સ્ટીલની માગમાં તેજીને જોતાં આ ક્ષેત્રે ઊંચી કામગીરી જોવા મળી રહી છે. મિત્તલ પરિવાર અને જાપાનીઝ ઉત્પાદકના સંયુક્ત સાહસ આર્સેલરમિત્તલ નિપ્પોન સ્ટીલ ઈન્ડિયા આગામી દસકામાં તેની સ્ટીલ ઉત્પાદક ક્ષમતાને ત્રણ ગણાથી વધુ વધારી 3 કરોડ ટન કરાવવાનું આયોજન ધરાવે છે. દક્ષિણ કોરિયન સ્ટીલ ઉત્પાદક પોસ્કો હોલ્ડિંગ્સ અને ભારતીય બિઝનેસ ટાયકૂન ગૌતમ અદાણી પણ દેશમાં સ્ટીલ મિલ સ્થાપવાની શક્યતાં ચકાસી રહ્યાં છે. ભારત તેના વપરાશ માટે મોટાભાગનું સ્ટીલ જાતે જ ઉત્પાદન કરે છે. તેમ છતાં ઊંચી માગને પહોંચી વળવા માટે તેણે સ્ટીલની આયાત કરવી પડે છે. જેને કારણે ચાલુ નાણા વર્ષે એપ્રિલથી ઓક્ટોબરમાં દેશમાં સ્ટીલની આયાતમાં 15 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને 31 લાખ ટન પર રહી હતી એમ સરકારી ડેટા જણાવે છે. પરંપરાગત સ્ટીલ ઉત્પાદક દેશોમાં માગ ઘટી રહી હોવાના કારણે સ્થાનિક ઉત્પાદકોમાં સસ્તી સ્ટીલ આયાતને લઈને ચિંતા જોવા મળી રહી છે. રશિયા-યૂક્રેન યુધ્ધ બાદ રશિયા ખાતેથી પણ દેશમાં સ્ટીલ પ્રવેશી રહ્યું છે એમ ડેટા સૂચવે છે.
પખવાડિયામાં વધુ 6.75 લાખ હેક્ટરના ઉમેરા સાથે રવિ વાવેતર 43 લાખ હેકટરને પાર
ઘઉઁના વાવેતરમાં ગઈ સિઝનની સરખામણીમાં 1.10 લાખ હેક્ટરની વૃદ્ધિ
જ્યારે ચણાના વાવેતરમાં 2.31 લાખ હેકટરનો ઘટાડો નોઁધાયો
જીરું, રાયડાના વાવેતરમાં ગઈ સિઝનની સરખામણીમાં સાધારણ ઘટાડો
શાકભાજી, ઘાસચારાનું વાવેતર ગયા વર્ષ કરતાં ઊંચું
કુલ શિયાળુ વાવેતર ગઈ સિઝનના 42.80 લાખ હેકટર કરતાં 23 હજાર હેકટર ઊંચું
શિયાળુ વાવેતરમાં ગયા પખવાડિયામાં રાજ્યમાં વધુ 6.75 લાખ હેકટર વિસ્તારનો ઉમેરો જોવા મળ્યો હતો. જે સાથે કુલ વાવેતર 43.03 લાખ હેકટરે પર પહોંચી ગયું હતું. સતત ત્રીજા વર્ષે શિયાળુ વાવેતર 40 લાખ હેકટરનો આંક વટાવી ગયું છે. ગઈ સિઝનમાં સમાનગાળામાં જોવા મળતાં 42.80 લાખ હેકટરની સરખામણીમાં તે 26 હજાર હેકટરની વૃદ્ધિ દર્શાવે છે.
સોમવારે તૈયાર કરવામાં આવેલા વાવેતર આંકડાઓ પર નજર નાખીએ તો જણાય છે કે અગ્રણી શિયાળુ પાકોમાં ઘઉંના વાવેતરમાં ગઈ સિઝનની સરખામણીમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. જ્યારે બીજી બાજુ ચણાના પાકમાં પાછલી બે સિઝન દરમિયાન ઉત્તરોત્તર ઊંચી વૃદ્ધિ બાદ ચાલુ વર્ષે ઘટાડો નોંધાયો છે. જ્યારે તેલિબિયાં પાકોના વાવેતરમાં સાધારણ ઘટાડો જ્યારે મસાલા પાકોમાં ધાણામાં તીવ્ર વૃદ્ધિ સિવાય ખાસ ફેરફાર જોવા મળી રહ્યો નથી. રાજ્યમાં 26 ડિસેમ્બર સુધીમાં ઘઉનું વાવેતર 12.40 લાખ હેકટરમાં સંપન્ન થઈ ચૂક્યું હતું. જે ગઈ સિઝનમાં સમાનગળામાં 11.30 લાખ હેક્ટરમાં જ જોવા મળતું હતું. આમ ઘઉનું વાવેતર 1.1 લાખ હેક્ટરની વૃદ્ધિ દર્શાવે છે. જો છેલ્લાં ત્રણ વર્ષોમાં રાજ્યમાં 13.39 લાખ હેકટરના સરેરાશ વાવેતર સાથે સરખામણી કરીએ તો ચાલુ સિઝનમાં 93 ટકા વિસ્તારમાં ઘઉંનું વાવેતર થઈ ચૂક્યું છે. જ્યારે આગામી બે સપ્તાહમાં તે લગભગ 100 ટકા વિસ્તારમાં જોવા મળે તેવી શક્યતાં છે. ઘઉં બાદ બીજા ક્રમે આવતાં રવિ પાક ચણાના વાવેતરમાં ચાલુ સિઝનમાં 2.31 લાખ હેક્ટરનો નોઁધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લી બે સિઝનમાં ચણાના વાવેતરમાં રાજ્યમાં તીવ્ર ઉછાળો જોવા મળ્યો હતો. રવિ સિઝન 2020માં 4 લાખ હેક્ટરની અંદર જોવા મળતું ચણાનું વાવેતર રવિ 2021માં 8 લાખ હેકટરે પહોંચ્યું હતું. જ્યારે 2022માં તે 11 લાખ હેકટર નજીક જોવા મળ્યું હતું. ચાલુ સિઝનમાં તે 7.49 લાખ હેકટરમાં જોવા મળે છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 9.80 લાખ હેકટરમાં નોંધાયું હતું. રાજ્યમાં ત્રણ વર્ષોમાં ચણાનું સરેરાશ વાવેતર 7.75 લાખ હેકટર પર હતું. આમ ચાલુ સિઝનમાં તે 97 ટકા વિસ્તારમાં થઈ ચૂક્યું છે. રવિ તેલિબિયાં રાયડાનું વાવેતર 3.04 લાખ હેકટર સાથે 125 ટકા વાવણી સૂચવે છે. જે ગઈ સિઝનના 3.27 લાખ હેકટરથી નીચું છે પરંતુ ત્રણ વર્ષના 2.44 લાખ હેકટરની સરેરાશથી 25 ટકા ઊંચું છે. મસાલા પાકોમાં જીરુંનું વાવેતર ગઈ સિઝનની સરખામણીમાં 18 હજાર હેકટરના ઘટાડે 2.69 લાખ હેકટરમાં જોવા મળી રહ્યું છે. જોકે ત્રણ વર્ષોની 4.21 લાખ હેકટરની વાવેતર સરેરાશ કરતાં તે નોંધપાત્ર નીચું જળવાયું છે. બીજી બાજુ ધાણાનું વાવેતર 1.18 લાખ હેકટરની ત્રણ વર્ષની સરેરાશ સામે 86 ટકા ઊંચું 2.20 લાખ હેકટરે પહોંચી ચૂક્યું છે. ગઈ સિઝનમાં સમાનગાળામાં તે 1.23 લાખ હેકટરમાં જોવા મળતું હતું. કેટલાંક પરચૂરણ પાકોમાં બટાટાનું વાવેતર 1.3 લાખ હેકટર સાથે 5 ટકા વિસ્તાર વૃદ્ધિ સૂચવે છે. ગઈ સિઝનમાં 1.25 લાખ હેકટર સામે તે 5 હજાર હેકટર ઊંચું છે. રાજ્યમાં સરેરાશ 1.24 લાખ હેકટરમાં બટાટાની વાવણી જોવા મળતી હોય છે. જોકે ડુંગળીનું વાવેતર 12 હજાર હેકટરના ઘટાડે 69 હજાર હેકટરમાં નોંધાયું છે. જે ગઈ સિઝનમાં 81 હજાર હેકટરમાં જોવા મળી રહ્યું હતું. અન્ય શાકભાજી પાકોનું વાવેતર ગઈ સિઝનના 1.58 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં 1.84 લાખ હેકટરમાં થઈ ચૂક્યું છે. જ્યારે ઘાસચારા પાકોનું વાવેતર 5.23 લાખ હેકટર સામે ચાલુ વર્ષે 5.78 લાખ હેકટરમાં નોંધાયું છે. આમ સમગ્રતયા રવિ સિઝન સારી જોવા મળી રહી છે.
રવિ પાકોના વાવેતરની સ્થિતિ(વાવેતર લાખ હેકટરમાં)
પાક સિઝન 2022 સિઝન 2021
ઘઉં 12.40 11.30
ચણા 7.49 9.80
રાયડો 3.04 3.28
જીરું 2.69 2.87
ધાણા 2.20 1.23
બટાટા 1.30 1.25
ડુંગળી 0.69 0.81
ઘાસચારો 5.78 5.23
શાકભાજી 1.84 1.58
કુલ 43.03 41.28
રાજ્યમાં ઝોનવાર વાવેતરની સ્થિતિ(વાવેતર લાખ હેકટરમાં)
ક્ષેત્ર વાવેતર વિસ્તાર
ઉત્તર ગુજરાત 12.50
મધ્ય ગુજરાત 9.04
સૌરાષ્ટ્ર 16.76
દક્ષિણ ગુજરાત 3.28
કચ્છ 1.42
MCX સિલ્વર ફ્યુચર્સે 70K કૂદાવ્યું
વૈશ્વિક બજારમાં ચાંદીના ભાવમાં મજબૂતી જળવાય રહેવાને પગલે સ્થાનિક બજારમાં પણ ચાંદીના ભાવ ઉછળ્યાં છે. મંગળવારે એમસીએક્સ ખાતે માર્ચ સિલ્વર વાયદો 1.5 ટકા ઉછળી રૂ. 70 હજારની સપાટી પાર કરી ગયો હતો. લગભગ એક વર્ષથી વધુ સમય બાદ તે રૂ. 70 હજારના સ્તર પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. કોમેક્સ ખાતે સિલ્વર ફ્યુચર્સ 2 ટકા ઉછળી 24.375 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસ પર જોવા મળતો હતો. કોમેક્સ ગોલ્ડ વાયદો પણ પોણો ટકા સુધારા સાથે 1818 ડોલર પર ટ્રેડ થતો હતો. જેની પાછળ એમસીએક્સ ગોલ્ડ ફ્યુચર્સ રૂ. 54,920ની ઈન્ટ્રા-ડે ટોચ પર ટ્રેડ થયો હતો. અગાઉના બંધની સરખામણીમાં તે રૂ. 200થી વધુનો સુધારો સૂચવતો હતો. ન્યૂ યોર્ક કોટન વાયદામાં મજબૂતી પાછળ એમસીએક્સ કોટન વાયદો 6 ટકા ઉછળ્યો હતો. જ્યારે ઝીંક, લેડ, કોપર પણ પોઝીટીવ ટ્રેડ દર્શાવતાં હતાં.
ડોલર સામે રૂપિયામાં 20 પૈસાનો ઘટાડો
ઈક્વિટી માર્કેટ્સમાં મજબૂતી વચ્ચે ડોલર સામે રૂપિયામાં નરમાઈ જોવા મળી હતી. મંગળવારે ભારતીય રૂપિયો ડોલર સામે 20 પૈસા ગગડી 82.8550ની સપાટીએ બંધ રહ્યો હતો. સોમવારે તે 82.6512ના લેવલ પર જોવા મળ્યો હતો. વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સ સ્થિર જોવા મળી રહ્યો હતો. તેમ છતાં રૂપિયામાં નરમાઈ જળવાય હતી. કામકાજની શરૂમાં 82.70ની સપાટીએ મજબૂત ઓપનીંગ બાદ રૂપિયો ઘસાયો હતો. ખાસ કરીને ક્રૂડ આયાતકારો તરફથી ડોલરની માગ જળવાવાને પગલે રૂપિયા પર દબાણ જોવા મળ્યું હતું એમ ફોરેક્સ માર્કેટ વર્તુળો જણાવતાં હતાં. નજીકમા રૂપિયાને 83ના સ્તરે સપોર્ટ સાંપડી શકે છે. જેની નીચે ઉતરતાં તે ઓલ-ટાઈમ લો દર્શાવી શકે છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
એચડીએફસી/બજાજ ફાઈનાન્સઃ દેશમાં બે ટોચની એનબીએફસી કંપનીઓએ ચાલુ વર્ષે નવમીવાર ડિપોઝીટ રેટ્સમાં વૃદ્ધિ કરી છે. સતત ઊંચી જળવાયેલી ક્રેડિટ માગ પાછળ બંને કંપનીઓએ તેમના એફડી રેટ્સમાં 10-25 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ નોંધાવી છે. બજાજ ફાઈ.એ 12-23 મહિના માટે એફડીના રેટમાં 25 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ કરી છે. જ્યારે એચડીએફસીએ 45-મહિના માટેની એફડી પર 10 બેસીસ પોઈન્ટ્સનો વધારો કર્યો છે.
એલઆઈસી હાઉ. ફાઈઃ મોર્ગેજ ફાઈનાન્સરે તેના લેન્ડિંગ રેટમાં 35 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ કરી છે. એચડીએફસીએ સપ્તાહ અગાઉ તેના ધિરાણ દરમાં આટલી વૃદ્ધિ કર્યાં બાદ એલઆઈસીએ તેનું અનુકરણ કર્યું છે. રેટ વૃદ્ધિ બાદ લઘુત્તમ રેટ 8.65 ટકા પર પહોંચ્યાં છે. રેપો રેટમાં 2.25 ટકા વૃદ્ધિ પાછળ લેન્ડર્સે તેમના રેટમાં 3 ટકાથી વધુની વૃદ્ધિ દર્શાવી ચૂક્યાં છે.
ટેક્સટાઈલ પીએલઆઈઃ સરકાર તરફથી લોંચ કરાયેલી ટેક્સટાઈલ માટેની પ્રોડક્શન-લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કિમ હેઠળ કુલ રૂ. 1536 કરોડના ઈન્વેસ્ટમેન્ટની જાહેરાત થઈ છે. કુલ 67 એપ્લિકેશન્સમાંથી 54ની પસંદગી કરવામાં આવી છે. સરકારે એમએમએફ એપરલ, એમએમએફ ફેબ્રિક્સ અને ટેકનિકલ ટેક્સટાઈલ પ્રોડક્ટ્સ માટે રૂ. 10683 કરોડની પીએલઆઈ સ્કીમ લોંચ કરી હતી.
તાતા મોટર્સ/એમએન્ડએમઃ સ્વદેશી સ્પોર્ટ્સ યૂટિલિટી વેહીકલ(એસયૂવી) ઉત્પાદક કંપનીઓએ ભેગા મળી ચાલુ કેલેન્ડરમાં હરિફ કોરિયન એસયૂપી ઉત્પાદક હ્યુન્દાઈ કરતાં ઊંચું વેચાણ નોંધાવ્યું છે. ભારતીય કંપનીઓએ નવા મોડેલ્સ લોંચિંગ કરીને તેમના સેલ્સમાં વૃદ્ધિ હાંસલ કરી છે. તાતા મોટર્સ અને એમએન્ડએમે મળી કુલ 6.29 લાખ એસયૂવીનું વેચાણ કર્યું છે. જ્યારે હ્યુન્દાઈએ 3.26 લાખ એસયૂવી વેચી છે એમ એક સ્ટડી સૂચવે છે.
મારુત સુઝુકીઃ દેશમાં સૌથી મોટા કાર ઉત્પાદકે આગામી નાણા વર્ષ દરમિયાન વિક્રમી કાર ઉત્પાદનનો ટાર્ગેટ બાંધ્યો છે. કંપની 2023-24માં 25 લાખ યુનિટ કાર અને એસયૂવી ઉત્પાદન માટે તૈયાર કરી રહી છે. આમાં 2.5 લાખ નંગ ગ્રાન્ડ વિટારાનો સમાવેશ થાય છે. જે ટોયોયા કિર્લોસ્કરની સુવિધા ખાતે ઉત્પાદિત હશે.
એલેમ્બિક ફાર્માઃ ડ્રગ મેન્યૂફેક્ચર કંપનીએ બ્રેસ્ટ કેન્સરની સારવારમાં વપરાતી જેનેરિક દવા ફૂલવેલ્ટ્રાન્ટ ઈન્જેક્શન માટે યુએસએફડીએ તરફથી આખરી મંજૂરી મેળવી છે. સપ્ટેમ્બર 2022માં પૂરા થતાં વર્ષ દરમિયાન યુએસ ખાતે દવાની માર્કેટ સાઈઝ 7.1 કરોડ ડોલરની જોવા મળી હતી.
લાર્સન એન્ડ ટુબ્રોઃ એન્જિનીયરીંગ કંપનીના વોટર એન્ડ એફ્લ્યૂએન્ટ ટ્રીટમેન્ટ બિઝનેસે રૂ. 2500 કરોડનો ઓર્ડર મેળવ્યો છે. તેણે ચેન્નાઈ-બેંગલૂરુ ઈન્ડસ્ટ્રીઅલ કોરિડોર હેઠળ તુમાકુરુ ઈન્ડસ્ટ્રીઅલ ટાઉનશીપ તરફથી આ ઓર્ડર મેળવ્યો છે.
તમિલનાડુ મર્કેન્ટાઈલ બેંકઃ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે તમિલનાડુ મર્કન્ટાઈલ બેંકના ભૂતપૂર્વ ચેરમેન એમજીએમ મારનની રૂ. 205 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. મારન 2007માં બેંકના ચેરમેન હતાં. જે વખતે તેમણે તથા અન્ય ડિરેક્ટર્સે ભારતીય રોકાણકાર પાસેથી ટીએમબીના 23.60 ટકા શેરહિસ્સાને વિદેશ સ્થિત અનઓથોરાઈઝ્ડ વ્યક્તિઓને વેચાણમાં સહાયતા કરી હતી એમ ઈડીએ તેના નિવેદનમાં જણાવ્યું છે.
ફ્લિપકાર્ટઃ ઈકોમર્સ કંપનીને મળનારા 70 કરોડ ડોલરના વન-ટાઈમ કેશ પેઆઉટને કારણે તેના 25 હજાર જેટલા વર્તમાન તથા ભૂતપૂર્વ કર્મચારીઓને લાભ થશે એમ રિપોર્ટ જણાવે છે. આ પેમેન્ટ ફોનપેના એમઝોનમાંથી સંપૂર્ણપણે અલગ થવાના ભાગરૂપે મળશે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ દેશમાં આ સૌથી મોટા વેલ્થ ક્રિએશન તક બની રહી છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીની સબસિડિયરી અને દેશમાં ટોચના ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જીઓએ હવે આંધ્ર પ્રદેશમાં તેની 5જી ટેલિકોમ સર્વિસ લોંચ કરી છે.
સેન્ટ્રલ બેંકઃ પીએસયૂ બેંકના બોર્ડે અનસિક્યોર્ડ બેસેલ-3 કોમ્પ્લાયન્ટ ટીયર-2 બોન્ડ્સના ઈસ્યુ મારફતે રૂ. 1500 કરોડ એકત્ર કરવાની મંજૂરી આપી છે.
આઈનોક્સ ગ્રીન એનર્જીઃ કંપનીએ ઈન્ડિપેન્ડન્ટ વિન્ડ સર્વિસ પ્રોવાઈડરમાં બહુમતી હિસ્સો ખરીદવાની જાહેરાત કરી છે. જે 230 મેગાવોટની વિન્ડ ઉર્જા ઉત્પાદન ક્ષમતા ધરાવે છે. ટ્રાન્ઝેક્શન જાન્યુઆરી 2023ની આખર સુધીમાં પૂર્ણ થશે.
ડીએલએફઃ નોઈડા અર્બન ઓથોરિટીએ ટોચની રિઅલ્ટી કંપનીને જમીન સંબંધી વિવાદના કિસ્સામાં 15 દિવસોમાં રૂ. 235 કરોડ ચૂકવવા માટે જણાવ્યું છે.