બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
શેરબજારમાં તેજીનો દોર અકબંધ, સેન્સેક્સ-નિફ્ટી નવી ટોચે
સેન્સેક્સે 72 હજાર અને નિફ્ટીએ 21600 પાર કર્યાં
વોલેટિલિટી ઈન્ડેક્સ 6 ટકા ઉછળી 15.55ના સ્તરે બંધ
બેંક નિફ્ટીએ 48 હજારની સપાટી કૂદાવી
મેટલ, ફાર્મા, ઓટો, એફએમસીજી સૂચકાંકો પણ નવી ટોચે
અમર રાજા, એલઆઈસી ઈન્ડિયા, હેગ, હિંદાલ્કો, અલ્ટ્રાટ્રેક નવી ટોચે
શેરબજારમાં તેજીવાળાઓનું પ્રભુત્વ અકબંધ રહેતાં બુધવારે બેન્ચમાર્ક્સ સર્વોચ્ચ સપાટીએ બંધ જોવા મળ્યાં હતાં. જેમાં બીએસઈ સેન્સેક્સ 702 પોઈન્ટ્સ ઉછળી 72038ની સપાટીએ જ્યારે નિફ્ટી 213 પોઈન્ટ્સ ઉછળી 21655ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ મજબૂતી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. જેમાં બીએસઈ ખાતે કુલ 3914 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1993 પોઝીટીવ જોવા મળતાં હતાં. જ્યારે 1815 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. 361 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 18 કાઉન્ટર્સ 52-સપ્તાહના તળિયે જોવા મળ્યાં હતાં. 10 કાઉન્ટર્સ અપર સર્કિટમાં જ્યારે 3 કાઉન્ટર્સ લોઅર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 6 ટકા ઉછળી 15.55ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે વૈશ્વિક બજારોમાં પોઝીટીવ ટોન વચ્ચે ભારતીય બજાર ગેપ-અપ ઓપનીંગ સાથે શરૂઆતી ચાર કલાકોમાં ફ્લેટ ટ્રેડ દર્શાવ્યાં પછી આખરી બે કલાકોમાં ઝડપી વૃદ્ધિ પાછળ નવી ટોચે બંધ આપવામાં સફળ રહ્યું હતું. નિફ્ટી ઈન્ટ્રા-ડે 21676ની ટોચ દર્શાવી તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 35 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 21690 પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 46 પોઈન્ટ્સના પ્રિમિયમ સામે સાધારણ ઘટાડો દર્શાવે છે. આનો અર્થ એવો થઈ શકે છે કે લોંગ પોઝીશનમાં સાધારણ લિક્વિડેશન જોવા મળ્યું છે. જોકે, માર્કેટમાં અન્ડરટોન મજબૂત જળવાયો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સમાં સતત બીજા દિવસે નોંધપાત્ર વૃદ્ધિને જોતાં સાવચેતી દાખવવી જોઈએ. 21100ના સ્ટોપલોસ સાથે લોંગ પોઝીશન જાળવી શકાય. બુધવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં હિંદાલ્કો, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ઓટો, તાતા મોટર્સ, જેએસડબલ્યુ સ્ટીલ, ગ્રાસિમ, ભારતી એરટેલ, આઈશર મોટર્સ, તાતા કન્ઝ્યૂમર, એસબીઆઈ લાઈફ, ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ, લાર્સન, એમએન્ડએમ, ઈન્ફોસિસ, તાતા સ્ટીલ, બજાજ ફિનસર્વ, ડો. રેડ્ડીઝ લેબ્સ અને એચડીએફસી બેંકમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળતી હતી. બીજી બાજુ, એનટીપીસી, ઓએનજીસી, અદાણી એન્ટરપ્રાઈઝ, યૂપીએલ, સિપ્લા, અદાણી પોર્ટ્સ, બ્રિટાનિયામાં નરમાઈ જોવા મળતી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો બેંક નિફ્ટી 48 હજારની સપાટી કૂદાવી સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. આ ઉપરાંત, મેટલ, ફાર્મા, ઓટો, એફએમસીજી સૂચકાંકો પણ તેમની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યાં હતાં. બેંકનિફ્ટી 1.2 ટકા મજબૂતી સાથે 48282ના સ્તરે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં પીએનબી 4 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, બેંક ઓફ બરોડા, ઈન્ડસઈન્ડ બેંક, એસબીઆઈ, બંધન બેંક, એચડીએફસી બેંક, એક્સિસ બેંક, કોટક મહિન્દ્રા બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંકમાં મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.4 ટકા ઉછળી સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં હિંદાલ્કો 4.4 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત, જેએસડબલ્યુ સ્ટીલ, નાલ્કો, સેઈલ, તાતા સ્ટીલમાં પણ મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા 0.6 ટકા સુધારે નવી ટોચે ટ્રેડ થયો હતો. જેના ઘટકોમાં આલ્કેમ લેબ, ઝાયડસ લાઈફ, ડો. રેડ્ડીઝ લેબ્સ, બાયોકોન, ઓરોબિંદો ફાર્મા, ડિવિઝ લેબ્સમાં નોંધપાત્ર સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી એફએમસીજી પણ અડધો ટકો મજબૂતી સાથે નવી ટોચે બંધ દર્શાવતો હતો. જેના ઘટકોમાં તાતા કન્ઝ્યૂમર, પીએન્ડજી, ગોદરેજ કન્ઝ્યૂમર, એચયૂએલ, મેરિકો, ડાબર ઈન્ડિયા, નેસ્લે, યુનાઈટેડ સ્પિરિસ્ટ્સમાં ખરીદી જોવા મળતી હતી. નિફ્ટી ઓટો 1.5 ટકા ઉછળી સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં બજાજ ઓટો, તાતા મોટર્સ, આઈશર મોટર્સ, એમએન્ડએમ, ટીવીએસ મોટર, એમઆરએફ, બોશ, મધરસન સુમીમાં નોંધપાત્ર સુધારો જળવાયો હતો. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 2 ટકાથી વધુ ઉછળ્યો હતો. જેના ઘટકોમાં પીએનબી, બેંક ઓફ બરોડા, યૂકો બેંક, કેનેરા બેંક, એસબીઆઈ, યુનિયન બેંક, ઈન્ડિયન બેંક, બેંક ઓફ ઈન્ડિયામાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ કાઉન્ટર્સ પર નજર કરીએ તો હિંદાલ્કો સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત મજબૂત કાઉન્ટર્સમાં અલ્ટ્રાટેકસિમેન્ટ, બજાજ ઓટો, પીએનબી, દાલમિયા ભારત, તાતા મોટર્સ, બેંક ઓફ બરોડા, રામ્કો સિમેન્ટ્સ, જેએસડબલ્યુ સ્ટીલ, મેક્સ ફાઈનાન્સિયલ, ગ્રાસિમ, એસીસી, અંબુજા સિમેન્ટ્સ, એમએન્ડએમ ફાઈનાન્સિયલ, નાલ્કો, ભારતી એરટેલ, આલ્કેમ લેબ, બલરામપુર ચીની, આરતી ઈન્ડ., એલએન્ડટી ફાઈનાન્સ, વોલ્ટાસનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, વેદાંતા, ક્યુમિન્સ, આરઈસી, પાવર ફાઈનાન્સ, મેટ્રોપોલીસ, કોરોમંડલ, ગેઈલ, ચંબલ ફર્ટિલાઈઝર્સ, ઈન્ડિયા સિમેન્ટ્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ સપાટી દર્શાવનારા કાઉન્ટર્સમાં અમર રાજા, એલઆઈસી ઈન્ડિયા, હેગ, હિંદાલ્કો, અલ્ટ્રાટ્રેક, ભારત ડાયનેમિક્સ, બજાજ ઓટો, કન્સાઈ નેરોલેક, બોમ્બે બર્માહ, ગ્લેન્ડ, તાતા મોટર્સ, બેંક ઓફ બરોડા, જેએસડબલ્યુ સ્ટીલનો સમાવેશ થતો હતો.
ડોલર સામે રૂપિયો 16 પૈસા ગગડી 83.35 પર બંધ રહ્યો
બુધવારે શેરબજારમાં તેજી વચ્ચે ડોલર સામે રૂપિયામાં નરમાઈ જોવા મળી હતી. સ્થાનિક ચલણ ડોલર સામે 16 પૈસા ગગડી 83.35ની સપાટીએ બંધ જોવા મળ્યું હતું. આયાતકારો અને બેંક્સ તરફથી ડોલરની માગ વધવાને પગલે રૂપિયામાં નરમાઈ નોંધાઈ હતી એમ ફોરેક્સ ડિલર્સ જણાવતાં હતાં. તેમના મતે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં મજબૂત ખરીદી છતાં રૂપિયામાં સેન્ટીમેન્ટ ડલ જોવા મળ્યું હતું. ક્રૂડના ભાવ પણ છેલ્લાં બે દિવસમાં મજબૂતી પછી ઠંડા પડ્યાં હતાં. જોકે, રેડ સીમાં તંગદિલીને કારણે તેમાં ઊંચી વધ-ઘટને લઈ ચિંતા જોવા મળી રહી છે. ભારતમાં રશિયા ખાતેથી આવતું ઓઈલ રેડ સી મારફતે આવે છે. બુધવારે રૂપિયો 83.21ની સપાટીએ ખૂલી ઉપરમાં 83.20 પર ટ્રેડ થઈ 83.35ના તળિયે પટકાયો હતો અને ત્યાં જ બંધ રહ્યો હતો. મંગળવારે રૂપિયો 83.19ના સ્તરે બંધ રહ્યો હતો. વિદેશી રોકાણકારોની છેલ્લાં કેટલાંક સત્રોમાં વેચવાલીને કારણે પણ રૂપિયા પર દબાણ જોવા મળ્યું છે.
સદીની આખર સુધીમાં ભારત સૌથી મોટો આર્થિક સુપરપાવર બનશેઃ CEBR
ડેમોગ્રાફિ આધારિત અંદાજ મુજબ 2080 પછી ભારત ચીન અને યુએસને પાછળ રાખી દે તેવી અપેક્ષા
2923 સુધીમાં જાપાન અને જર્મનીને પાછળ રાખી ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે
ભારત ચાલુ સદીની આખર સુધીમાં સૌથી મોટો આર્થિક સુપરપાવર બનવાની દિશામાં આગળ વધી રહ્યો છે. જે વખતે તેનું કુલ ઘરેલું ઉત્પાદન(જીડીપી) ચીન કરતાં 90 ટકા ઊંચું હોવાનો તથા યુએસ કરતાં 30 ટકા ઊંચું હોવાનો અંદાજ છે એમ સેન્ટર ફોર ઈકોનોમિક્સ એન્ડ બિઝનેસ રિઝર્ચ(CEBR) તેના તાજેતરના વર્લ્ડ ઈકોનોમિકસ લીગ ટેબલ રિપોર્ટમાં જણાવે છે. રિપોર્ટ જણાવે છે કે ભારત મજબૂત આર્થિક વૃદ્ધિ દર જાળવી રાખશે. 2024થી 2028 સુધીમાં તે સરેરાશ 6.5 ટકા વૃદ્ધિ દર્શાવશે. 2032 સુધીમાં તે જાપાન અને જર્મનીને પાછળ રાખી વિશ્વમાં ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે. ડેમોગ્રાફિક અંદાજોને આધારે રિપોર્ટ નોંધે છે કે 2080 સુધીમાં ભારત વર્તમાન ટોચના બે અર્થતંત્રો ચીન અને યુએસને પાછળ રાખી દેશે.
ભારતની આર્થિક વૃદ્ધિ માટેના મુખ્ય ચાલકબળોમાં તેની વિશાળ યુવાની વસ્તીનો સમાવેશ થાય છે. ઉપરાંત, સતત વૃદ્ધિ પામતો મધ્યમવર્ગ, મજબૂત સાહસિક્તા તથા વધતું વૈશ્વિક આર્થિક એકિકરણ પણ આ માટે મહત્વના છે. જોકે, અભ્યાસ સૂચવે છે કે ભારતે કેટલાંક પડકારોનો ઉકેલ લાવવો જરૂરી છે. જેમાં ગરીબી ઘટાડો, અસમાનતા, માનવ મૂડી અને માળખાકીય સુધારણા અને પર્યાવરણની જાળવણીનો સમાવેશ થાય છે. રિપોર્ટના મતે આ મુદ્દાઓના ઉકેલ માટે સરકાર, પ્રાઈવેટ સેક્ટર અને સિવિલ સોસાયટી તરફથી આંતરરાષ્ટ્રીય સમુદાય સાથે મળી સતત પ્રયાસોની જરૂર છે. 2022-23માં ભારતનો જીડીપી વૃદ્ધિ દર 7.2 ટકા પર મજબૂત જોવા મળ્યો હતો. સીઈબીઆરે 2023-24માં તે સાધારણ ઘટાડા સાથે 6.4 ટકા રહેશે તેમ અંદાજ્યું છે. વૃદ્ધિ દરમાં ઘટાડાનું કારણ વૈશ્વિક સ્તરે માગમાં ઘટાડો અને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તરફથી ફુગાવા પર નિયંત્રણના હેતુથી ટાઈટ મોનેટરી પોલિસી છે. મજબૂત ઉત્પાદન વૃદ્ધિ છતાં સીઈબીઆર 2023માં ઈન્ફ્લેશન 5.5 ટકા રહેવાનો અંદાજ બાંધે છે. જેનું કારણ ફૂડ અને એનર્જીના ઊંચા ભાવો છે. રિપોર્ટ મુજબ જાહેર ક્ષેત્રનું ડેટ લાંબા ગાળાની વૃદ્ધિ સામે અવરોધ ઊભો કરે છે. 2023માં સરકારી ડેટ જીડીપીના 81.9 ટકા પર પહોંચે તેવી અપેક્ષા છે. જે 2022ના 81 ટકાના લેવલને પાર કરશે. તાજેતરમાં ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ(આઈએમએફ)નો રિપોર્ટ ભારતનો જનરલ ગવર્મેન્ટ ડેટ મધ્યમ સમયગાળામાં જીડીપીના 100 ટકાને પાર કરે તેવી ચેતવણી આપે છે.
2023માં PE અને VC ઈનફ્લો 40 ટકા ગગડી 28 અબજ ડોલરે રહ્યો
જોકે, 2024ને લઈને ઉદ્યોગ વર્તુળો ભારે આશાવાદી જોવા મળી રહ્યાં છે
કેલેન્ડર 2023માં પ્રાઈવેટ ઈક્વિટી તથા વેન્ચર કેપિટલ ફંડ્સ તરફથી સ્થાનિક કંપનીઓમાં રોકાણમાં 40 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. પૂરા થવા જઈ રહેલા વર્ષ દરમિયાન પીઈ અને વીસી તરફથી 27.9 અબજ ડોલરનું રોકાણ જોવા મળ્યું હતું.
વેન્ચર ઈન્ટેલિજન્સે તૈયાર કરેલા આંકડા મુજબ પાઈવેટ ઈક્વિટી અને વેન્ચર કેપિટલ ફંડ્સે 20 ડિસેમ્બર, 2023 સુધીમાં દેશમાં 27.9 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. તેણે કુલ 697 ટ્રાન્ઝેક્શન્સમાં આ રોકાણ દર્શાવ્યું હતું. ગયા વર્ષે તેમણે સમાનગાળામાં 47.62 અબજ ડોલરનું રોકાણ નોંધાવ્યું હતું. જે કુલ 1364 ડિલ્સમાં જોવા મળ્યું હતું. આમ, 2023માં ડિલ્સની સંખ્યામાં પણ નોંધપાત્ર ઘટાડો થયો હતો. વર્ષ દરમિયાન નોંધપાત્ર પ્રમાણમાં પીઈ પ્લેયર્સ તરફથી એક્ઝિટ પણ જોવા મળી હતી. તેમણે કુલ 248 કંપનીઓમાંથી 19.34 અબજ ડોલરની એક્ઝિટ દર્શાવી હતી. જે 2022માં 18.45 અબજ ડોલર પર જોવા મળતી હતી. ગયા વર્ષે પીઈ રોકાણકારોએ 233 કંપનીઓમાંથી એક્ઝિટ લીધી હતી. આમ, 2023નું વર્ષ પીઈ માટે પ્રોફિટ બુકિંગનું બની રહ્યું હતું એમ ડેટા સૂચવે છે. જોકે, ઉદ્યોગ વર્તુળોના મતે આગામી વર્ષે વધુ ફંડીંગ જોવા મળે તેવી ઊંચી શક્યતાં છે.
ચાલુ વર્ષે ફંડીંગમાં નરમાઈ એક હંગામી ઘટના છે. જેમ આપણે નવા વર્ષમાં પ્રવેશીશું તેમ મજબૂત ઈનફ્લો જોવા મળશે એમ ઈન્ડિયન પ્રાઈવેટ ઈક્વિટી એન્ડ વેન્ચર કેપિટાલિસ્ટ એસોસિએશનના પ્રેસિડેન્ટ રજત ટંડનનું કહેવું છે. તેમના મતે ફંડિંગના વર્તમાન ગ્રીન શૂટ્સ સૂચવે છે કે વેન્ચર કેપિટાલિસ્ટ્સ માટે આગામી સમયગાળો ઘણી તકો લાવશે. પીઈ અને વીસી કંપનીઓ ઊભરી રહેલી તકો માટે મૂડીનો પુલ ઊભો કરશે. દેશમં ટેક્નોલોજી સોલ્યુશન્સ ક્ષેત્રે અનેક તકો બની રહી છે. જે પીઈને આકર્ષશે. ઉપરાંત, સસ્ટેનેબલ ગ્રોથ ક્ષેત્રે પણ મજબૂત ઈનોવેશન જોવા ણળી રહ્યાં છે. તેમના મતે ચાલુ વર્ષે રોકાણમાં ઘટાડો નીચી સંખ્યામાં પણ મોટા ઈન્વેસ્ટમેન્ટ્સને સૂચવી રહ્યાં છે. આ બિઝનેસિસ નોંધપાત્ર વેલ્યૂ સર્જનની શક્યતાં ધરાવે છે.
વર્ષ દરમિયાન પાંચ મોટા ઈન્વેસ્ટમેન્ટ્સમાં ટીપીજી કેપિટલ અને ટેમાસેકના મણિપાલ હોસ્પિટલ્સમાં જોવા મળેલા 2.4 અબજ ડોલરના ડીલનો સમાવેશ થાય છે. જે એપ્રિલમાં જોવા મળ્યું હતું. ત્યારપછીના ક્રમે એચડીએફસી ક્રેડિલામાં બેરિંગ એશિયા અને ક્રિસકેપિટલ તરફથી જોવા મળેલા 1.35 અબજ ડોલરના ડિલનો સમાવેશ થાય છે. જે જૂનમાં શક્ય બન્યું હતું. કતાર ઈન્વેસ્ટેમેન્ટ ઓથોરિટા તરફથી રિલાયન્સ રિટેલ વેન્ચર્સમાં 1 અબજ ડોલરનું ડીલ ત્રીજા ક્રમે આવતું હતું. જ્યારે બ્રૂકફિલ્ડ તરફથી આવાડા વેન્ચર્સે મેળવેલા એક અબજ ડોલરનો સમાવેશ પણ ટોચના ડીલ્સમાં થાય છે. ફર્ટિલિટી ક્લિનિક ઈન્દિરા આઈવીએફ ક્લિનિક્સને બેરિંગ એશિયા તરફથી જુલાઈમાં મળેલા 73.2 કરોડ ડોલર પાંચમા ક્રમનું મોટું પીઈ ડીલ હતું. 2023માં હેલ્થકેર અને લાઈફ સાઈન્સિઝમાં 30.2 ટકા સાથે સૌથી ઊંચો પીઈ ઈનફ્લો જોવા મળ્યો હતો. જ્યારપછીના ક્રમે એનર્જી(14.5 ટકા), રિટેલ(98.8 ટકા) અને એડવર્ટાઈઝિંગ એન્ડ માર્કેટિંગનો ક્રમ આવતો હતો. જ્યારે શીપીંગ એન્ડ લોજિસ્ટીક્સમાં રોકાણમાં 60.6 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે એજ્યૂકેશન ક્ષેત્રે 78.4 ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઉપરાંત એફએમસીજીમાં 48.5 ટકા અને એગ્રી બિઝનેસમાં 80.9 ટકાનો ઊંચો ઘટાડો જોવા મળ્યો હતો.
બેંક્સે VRR ઓક્શનમાં નોટીફાઈડ રકમ કરતાં 3.2 ગણુ બીડિંગ કર્યું
માર્કેટ પાર્ટિસિપન્ટ્સની અટકળો મુજબ સેન્ટ્રલ બેંક તરફથી આ છેલ્લું વીઆરઆર ઓક્શન હશે
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(આરબીઆઈ) તરફથી બુધવારે યોજવામાં આવેલા બે દિવસીય વેરિએબલ રેટ રિવર્સ રેપો(વીઆરઆર) ઓક્શનમાં રૂ. 50000 કરોડની નોટિફાઈડ રકમ સામે બેંક્સ તરફથી રૂ. 1.6 લાખ કરોડ એટલેકે લગભગ 3.2 ગણું બીડિંગ કરવામાં આવ્યું હતું. બેંકિંગ સિસ્ટમમાં રૂ. 2.7 લાખ કરોડની લિક્વિડીટી ખાધ પછીના દિવસે આમ જોવા મળ્યું હતું.
તાજેતરમાં 22 ડિસેમ્બરે આરબીઆઈ તરફથી હાથ ધરવામાં આવેલા વીઆરઆર ઓક્શનમાં નોટિફાઈન રકમ કરતાં બીડ્સ 2.5 ગણા જોવા મળ્યાં હતાં. તેની પહેલાં 15 ડિસેમ્બરે સાત દિવસ માટે વીઆરઆર ઓક્શન હાથ ધરાયું હતું. જ્યાં નોટીફાઈડ રકમ કરતાં 2.7 ગણી બીડ્સ આવ્યાં હતાં. નોંધપાત્ર બાબત એ છે કે 15 ડિસેમ્બરની હરાજી છ મહિના પછી આ પ્રકારના ઓક્શનમાં આરબીઆઈનો પુનઃપ્રવેશ દર્શાવતી હતી. અગાઉ 19 જૂને આવુ ઓક્શન હાથ ધરાયું હતું. માર્કેટ પાર્ટિસિપન્ટ્સમાં એવી અફવા ચાલી રહી છે કે સેન્ટ્રલ બેંક તરફથી આ છેલ્લું વીઆરઆર ઓક્શન હોય શકે છે. કેમકે સરકારના ખર્ચને કારણે આગામી કેટલાંક દિવસોમાં લિક્વિડિટીની સ્થિતિમાં સુધારો જોવા મળશે. જાહેર ક્ષેત્રની બેંકના એક ડિલર જણાવે છે કે જીએસટી અને એડવાન્સ્ડ ટેક્સ આઉટફ્લોઝ પતી ગયો હોવાથી અને શુક્રવારથી સરકારી સ્પેન્ડિંગ શરૂ થવાની અપેક્ષા જોતાં આરબીઆઈ તરફથી હાલનું વીઆરઆર છેલ્લું હોવું જોઈએ. જોકે, તેઓ આ માટે સંપૂર્ણપણે ખાતરી નથી આપતાં પરંતુ બે દિવસની વીઆરઆર આગામી સમયગાળામાં લિક્વિડીટીમાં સુધારાની ખાતરી આપે છે એમ તેઓ ઉમેરે છે. એડવાન્સ ટેક્સ આઉટફ્લોને કારણે 18 ડિસેમ્બરે બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડિટી ડેફિસિટ રૂ. 2 લાખ કરોડથી વધી ગઈ હતી. જે જીએસટી આઉટફ્લો પાછળ વધી રૂ. 2.5 લાખ કરોડે પહોંચી હતી એમ માર્કેટ પાર્ટિસિપન્ટ્સ જણાવે છે. ચાલુ ક્વાર્ટરમાં લિક્વિડીટી મોટેભાગે ડેફિસીટ મોડમાં જ જોવા મળી છે.
અદાણી ગ્રીને ટોટલએનર્જીસ સાથે મળી 30 કરોડ ડોલર ઊભા કર્યાં
અદાણી ગ્રીન એનર્જીએ ફ્રાન્સની ટોટલએનર્જીસ સાથે 1050 મેગાવોટનું સંયુક્ત સાહસ સંપ્પન કર્યું હોવાનું જણાવ્યું છે. આ સંયુક્ત સાહસના ભાગરુપે ટોટલએનર્જીસે અદાણી ગ્રીનની પેટા કંપનીના પ્રોજેક્ટમાં 50 ટકા હિસ્સો હસ્તગત કરવા માટે યુએસ ડોલર 30 કરોડ ડોલરનું રોકાણ કર્યું છે.
સપ્ટેમ્બર 2023માં અદાણી ગ્રીન એનર્જી અને ટોટલએનર્જીસે સંયુક્ત સાહસ સ્થાપ્યું હતું. આ સંયુક્ત સાહસ 1050 મેગાવોટનો પોર્ટફોલિઓ ધરાવે છે જેમાં અગાઉથી કાર્યરત 300 મેગાવોટ ઉપરાંત નિર્માણ હેઠળની 500 મેગાવોટ અને 250 મેગાવોટની હાલ ભારતમાં પ્રગતિ હેઠળના સોૌર અને પવન ઉર્જા બન્નેના પ્રોજેક્ટની અસ્ક્યામતોનો સમાવેશ થાય છે.
અદાણી એનર્જી 7 GW રિન્યુ. એનર્જી ઇવેક્યુએશન ટ્રાન્સમિશન નેટવર્ક સ્થાપશે
અદાણી પોર્ટફોલિયોનો ભાગ અને દેશની સૌથી મોટી ખાનગી ટ્રાન્સમિશન અને વિતરણ કંપની અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. (AESL)ને PFC કન્સલ્ટિંગ લિ. (PFCCL) પાસેથી હલવદ ટ્રાન્સમિશન લિમિટેડના સંપાદન માટેનો ઇરાદા પત્ર (LoI) પ્રાપ્ત થયો છે. ખાવડાના રીન્યુએબલ એનર્જી પાર્કમાંથી 7 ગિગાવોટ રીન્યુએબલ એનર્જી PFCCL દ્વારા ખાવડા RE પાર્કમાંથી 7 GW રિન્યુએબલ એનર્જી (RE) બહાર કાઢવા માટે ખાસ ઉદ્દેશથી સ્થાપવામાં આવેલ SPV હલવડ ટ્રાન્સમિશન લિ.ને એ ટેરિફ-આધારિત સ્પર્ધાત્મક બિડિંગ (TBCB) પ્રક્રિયા દ્વારા અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ.એ હસ્તગત કર્યું છે અને તે 24 મહિનામાં BOOM (બિલ્ડ, ઓન ઓપરેટ અને મેન્ટેન) ધોરણે શરુ કરશે.
ગુજરાતના ખાવડા ખાતે વિશ્વનો સૌથી મોટો 30000 મેગાવોટની ગ્રીન એનર્જીની ઉત્પાદન ક્ષમતા ધરાવતો રીન્યુએબલ એનર્જી પાર્ક બની રહ્યો છે. રાષ્ટ્રીય ગ્રીડનો એક ભાગ એવી હળવદ ટ્રાન્સમિશન લાઇન ગુજરાતમાં પણ ખાવડા સાથે હળવદને જોડીને 7 ગિગાવોટ રીન્યુએબલ એનર્જી બહાર કાઢવામાં મદદ કરશે. અદાણી એનર્જી સોલ્યુશન્સ લિ. 35 વર્ષના સમયગાળા માટે 301 કિમીથી વધુ ટ્રાન્સમિશન પ્રોજેક્ટના નિર્માણ, માલિકી, સંચાલન અને જાળવણી માટે આશરે રૂ. 3000 કરોડનું રોકાણ કરશે. આ પ્રોજેક્ટમાં 2×330 MVAr બસ રિએક્ટર સાથે 765 kV હળવદ સ્વિચિંગ સ્ટેશન અને હળવદ ખાતે લાકડિયા-અમદાવાદ 765 kV D/c લાઇનની લાઇન-ઇન અને લાઇન-આઉટનો સમાવેશ થાય છે.
અલ્ટ્રાટેક સિમેન્ટે રૂ. 3 લાખ કરોડનું માર્કેટ-કેપ પાર કર્યું
આદિત્ય બિરલા જૂથની સિમેન્ટ કંપનીએ બુધવારે પ્રથમવાર રૂ. 3 લાખ કરોડનું માર્કેટ-કેપ પાર કર્યું હતું. કંપનીનો શેર એનએસઈ ખાતે 4.17 ટકા ઉછળી રૂ. 10,436.10ની સપાટીએ બંધ રહ્યો હતો. તેણે ઈન્ટ્રા-ડે ધોરણે રૂ. 10470ની ટોચ બનાવી હતી. જ્યારે બંધ ભાવે માર્કેટ-કેપ રૂ. 3.01 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. જે સાથે તે દેશમાં 20મા ક્રમનું સૌથી મોટું માર્કેટ-કેપ ધરાવતી કંપની બની હતી. બુધવારે સિમેન્ટ કંપનીઓના શેર્સમાં 5 ટકા સુધીનો ઉછાળો જોવા મળ્યો હતો. સરકાર તરફથી ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં મોટાપાયે રોકાણ પાછળ સિમેન્ટ કંપનીઓની કામગીરી ખૂબ સારી નોંધાઈ છે.
ભારતીય સિમેન્ટ ઉદ્યોગે 2023-24ના પ્રથમ છ મહિના દરમિયાન 17 ટકા વોલ્યુમ ગ્રોથ દર્શાવ્યો હતો. જે ગતિ બીજા અર્ધવાર્ષિક સમયગાળામાં પણ જળવાય રહેવાની શક્યતાં છે. ઓક્ટોબર 2023થી માર્ચ, 2024 દરમિયાન પ્રથમ છ મહિનાની સામે 11 ટકા વૃદ્ધિની અપેક્ષા છે. જ્યારે વાર્ષિક ધોરણે 13 ટકા વૃદ્ધિનો અંદાજ છે. માર્કેટ એનાલિસ્ટ્સ સિમેન્ટ ઉદ્યોગ 2023-24માં 12 ટકા વોલ્યુમ ગ્રોથ દર્શાવે તેમ જણાવે છે. જે અગાઉ 8 ટકા અંદાજવામાં આવ્યો હતો. નોમુરાએ તેની નોટમાં લખ્યું છે કે 2024-25માં સરકારી ખર્ચ ધીમો પડી શકે છે. જેની પાછળ સિમેન્ટની માગમાં વૃદ્ધિ થોડી ધીમી પડે તેવું બની શકે. જોકે, છેલ્લાં 10 વર્ષોમાં સરેરાશ 4 ટકાની સરખામણીમાં આગામી વર્ષોમાં ઊંચી માગ જળવાય રહેશે એમ રિપોર્ટ નોંધે છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
ડિશ ટીવીઃ ઝી ગ્રૂપની કંપનીના બોર્ડમાં ચાર ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સની નિમણૂંકના ઠરાવને શેર રોકાણકારોએ ફગાવ્યો હતો. વોટિંગના પરિણામ પછી ચારેય ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સે તેમના હોદ્દા પરથી રાજીનામું આપ્યું હતું. કંપનીએ 22 ડિસેમ્બરે એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મિટિંગ યોજી હતી. જેમાં શેરધારકોએ કંપનીના બોર્ડમાં ચાર ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ શંકર અગ્રવાલ, આંચલ ડેવિડ, રાજેશ સાહની અને વિરેન્દ્ર કુમાગ તાગરાની નિમણૂંકના ઠરાવને ફગાવ્યો હતો.
અદાણી એનર્જીઃ ખાનગી ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રિબ્યુશન કંપનીએ એસ્યાસોફ્ટ હોલ્ડીંગ્સ સાથે 49:51ના હિસ્સા સાથેના સંયુક્ત સાહસની રચના કરીને ભારત અને અન્ય દેશોમાં સ્માર્ટ મીટરિંગ પ્રોજેક્ટ્સ લાગુ કરવા માટેના વ્યવસાયને મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે. આ સંયુક્ત સાહસ AESLની વર્તમાન અને ભવિષ્યની સોફ્ટવેર એપ્લીકેશનની જરુરિયાત પૂરી કરશે.
જીયુવીએનએલઃ અતિ સ્પર્ધાત્મક બિડમાં હિન્દુજા રિન્યુએબલ્સે 140 મેગાવોટનો સોલાર પાવર પ્રોજેક્ટ મેળવ્યો છે. તે વધીને 280 મેગાવોટ સુધી થવાની સંભાવના છે કારણ કે જીયુવીએનએલ ગ્રીનશૂ વિકલ્પનો ઉપયોગ કરીને 140 મેગાવોટની વધારાની ક્ષમતાની મંજૂરી આપી શકે છે. આ એવોર્ડ ભારતમાં 500 મેગાવોટના સોલર પાવર પ્રોજેક્ટ્સ સ્થાપવા માટે જીયુવીએનએલ દ્વારા જારી કરાયેલા સોલાર ટેન્ડર ફેઝ-22નો એક ભાગ છે.
એલએન્ડટીઃ કંપનીએ સાઉદી અરેબિયા ખાતે પાવર જનરેશન તથા વોટર સિસ્ટમ્સની સ્થાપના માટે રૂ. 5000 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે. કંપનીએ જણાવ્યું હતું કે સાઉદીના રેડ સી પ્રદેશમાં AMAALA પ્રોજેક્ટ માટે રિન્યૂએબલ એનર્જી જનરેશન અને યુટિલિટીઝ સંબંધિ વિવિધ સિસ્ટમ્સની સ્થાપના માટે ઈપીસી કોન્ટ્રેક્ટનો સમાવેશ થાય છે. AMAALA એ અલ્ટ્રા-લક્ઝરી ડેસ્ટીનેશનલ છે.
પીએનબીઃ પીએસયૂ બેંકે બુધવારે 8.55 ટકાના કૂપન રેટ સાથે બેસલ-3 એટીવન બોન્ડ્સ ઈસ્યુ મારફતે રૂ. 1153 કરોડ ઊભા કર્યાં હતાં. બેંક રૂ. 3000 કરોડ સુધીનું ફંડ મેળવવાનું આયોજન ધરાવતી હતી. ઈસ્યુની બેઝ પ્રાઈઝ રૂ. 500 કરોડની હતી. જ્યારે ગ્રીનશૂ ઓપ્શન રૂ. 2500 કરોડનો હતો. રેટિંગ એજન્સીઓ તરફથી બોન્ડ્સને ડબલએપ્લસનું રેટિંગ અને સ્ટેબલનો આઉટલૂક આપવામાં આવ્યો હતો.