Market Summary 27 April 2021

માર્કેટ સમરી

નિફ્ટીએ આસાનીથી 14600 પાર કર્યું

ભારતીય બજારમાં સતત બીજો દિવસ પોઝીટીવ બની રહ્યો હતો. બેન્ચમાર્ક નિફ્ટી 168 પોઈન્ટ્સ ઉછળી 14653 પર બંધ રહ્યો હતો. હવે બજાર માટે 14700 મહત્વનો અવરોધ છે. જે પાર થતાં તે 15000ની સપાટી તરફ આગળ વધી શકે છે. મંગળવારે બજારમાં બ્રોડ બેઝ લેવાલી હતી અને લાર્જ-કેપ્સ કરતાં મીડ અને સ્મોલ-કેપ્સમાં વધુ ખરીદી જોવા મળી હતી. જે સૂચવે છે કે માર્કેટ ઓપરેટર્સ ફરી બજારમાં ધૂમ ખરીદી કરી રહ્યાં છે.

ડિવિઝ લેબોરેટરીઝનો શેર સર્વોચ્ચ સપાટીએ

દેશમાં અગ્રણી બલ્ક ડ્રગ્ઝ ઉત્પાદક ડિવિઝ લેબોરેટરીઝનો શેર નવી ટોચ પર પહોંચ્યો છે. મંગળવારે તે અગાઉના બંધ સામે લગભગ 4 ટકા સુધારા સાથે સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 3783.25ના બંધ સામે રૂ. 140 સુધરી રૂ. 3925 પર જોવા મળ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.04 લાખ કરોડ પર પહોંચ્યું હતું. આમ સન ફાર્મા પછી ડિવિઝ લેબોરેટરીઝ બીજી કંપની છે જેનું માર્કેટ-કેપ રૂ. એક લાખ કરોડથી વધુ જોવા મળી રહ્યું છે. કંપનીનો શેર વાર્ષિક રૂ. 2095ના તળિયા સામે લગભગ 90 ટકા સુધારો દર્શાવી રહ્યો છે.

થર્મેક્સનો શેર નવી ટોચ પર પહોંચ્યો

હેવી ઈલેક્ટ્રીકલ ઈક્વિપમેન્ટ્સ ઉત્પાદક થર્મેક્સનો શેર નવી ટોચ પર જોવા મળ્યો હતો. લાંબા સમયબાદ કંપનીના શેરમાં રોકાણકારોનો રસ વધતો જોવા મળ્યો હતો અને શેર મંગળવારે લગભગ 6 ટકા જેટલો સુધરી રૂ. 1490ની ટોચ પર ટ્રેડ થયો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 17000 કરોડને પાર કરી ગયું હતું. છેલ્લા કેટલાક વર્ષોથી કેપિટલ ગુડ્ઝ કંપનીઓના શેર્સમાં તીવ્ર અન્ડરપર્ફોર્મન્સ જોવા મળતું હતું. જેમાંથી તેઓ બહાર આવી રહેલા જણાય છે.

યુએસ ડોલર સામે રૂપિયો 7 પૈસા સુધર્યો

મંગળવારે રૂપિયામાં બીજા દિવસે સુધારો જોવા મળ્યો હતો. યુએસ ડોલર સામે તે 74.66ના સ્તરે બંધ રહ્યો હતો. સોમવારે 29 પૈસાના સુધારે 74.73 પર બંધ રહેલો રૂપિયો સવારે 74.67 પર ખૂલ્યો હતો અને વધુ સુધારે 74.51ની સપાટી પર જોવા મળ્યો હતો. જ્યારે નીચામાં તે 74.73ના અગાઉનું બંધ દર્શાવતો હતો. જોકે આખરે તે 74.66 પર બંધ રહ્યો હતો. ઈક્વિટી માર્કેટ્સમાં બીજા દિવસે સેન્ટિમેન્ટ મજબૂત રહેતાં રૂપિયા પર તેની અસર પડી હતી. જોકે વિદેશી રોકાણકારોએ સોમવારે રૂ. 1100 કરોડથી વધુની વેચવાલી દર્શાવી હતી. જેને સ્થાનિક સંસ્થાઓના સપોર્ટથી માર્કેટે પચાવી હતી.

 સ્પેશ્યાલિટી કેમિકલ્સ-એપીઆઈ ઉત્પાદકોના શેર્સમાં ભારે લેવાલી પાછળ ઉપલી સર્કિટ્સ

આલ્કિલ એમાઈન્સ, બાલાજી એમાઈન્સ, સુદર્શન કેમિકલ્સ, જીએનએફસી, હિકલ, નવીન ફ્લોરિન, દિપક નાઈટ્રેટના શેર્સ સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યાં

આલ્કિલ એમાઈન્સનો શેર 52-સપ્તાહના રૂ. 1650ના તળિયા સામે રૂ. 8144ના સ્તરે બોલાયો

શેરબજારમાં સતત બીજા દિવસે મજબૂતી વચ્ચે બ્રોડ માર્કેટ્સમાં ભારે ખરીદી જોવા મળી હતી. જેમાં કેમિકલ્સ અને એક્ટિવ ફાર્મા ઈન્ગ્રિડિએન્ટ્સ ઉત્પાદક કંપનીઓના શેર્સમાં તીવ્ર લેવાલી વચ્ચે 20 ટકા સુધીની ઉપલી સર્કિટ્સમાં ભાવ બંધ રહ્યાં હતાં. નાની ફાર્મા કંપનીઓના શેર્સમાં પણ બીજા સપ્તાહે ખરીદી જળવાયેલી જોવા મળે છે અને તેઓ નવી ટોચ દર્શાવી રહ્યાં છે.

મંગળવારે બજારમાં બે સ્પેશ્યાલિટી કેમિકલ્સ ઉત્પાદક કંપનીઓ આલ્કિલ એમાઈન્સ અને બાલાજી એમાઈન્સના શેર્સ 20 ટકાની સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. આમાં આલ્કિલ એમાઈન્સે 11 મેના રોજ સ્ટોક સ્પ્લિટની જાહેરાત કરી છે. કંપની શેરની ફેસ વેલ્યૂ રૂ. 5 પરથી રૂ. 2ની કરી રહી છે. કંપનીએ જણાવ્યું છે કે રૂ. 5માંથી રૂ. 2ની ફેસવેલ્યૂ કરતી વખતે બચેલા ટુકડાને સંપૂર્ણ શેરમાં કોન્સોલિડેટ કરવામાં આવશે અને તેને માર્કેટ પ્રાઈસ પર ડિસ્પોઝ કરી મળતી રકમ પ્રમાણસર રીતે વિતરીત કરવામાં આવશે. કંપની લિક્વિડીટી વધારવા સ્ટોક સ્પ્લિટ કરી રહી છે. મંગળવારે શેરનો ભાવ 20 ટકા ઉછળી રૂ. 6787ના અગાઉના બંધ સામે રૂ. 8144.40ના ભાવે બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 16626 કરોડ પર જોવા મળ્યું હતું. છેલ્લાં છ મહિના દરમિયાન કંપનીના શેરે 109 ટકાનું રિટર્ન આપ્યું છે. જ્યારે ત્રણ વર્ષમાં તેણે 900 ટકા રિટર્ન દર્શાવ્યું છે. એક અન્ય એમાઈન્સ ઉત્પાદક બાલાજી એમાઈન્સનો શેર પણ 20 ટકાની ઉપલી સર્કિટમાં જોવા મળ્યો હતો. કંપનીનો શેર રૂ. 2076.60ના અગાઉના બંધ સામે રૂ. 2491.90ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થઈ લગભગ ત્યાં જ બંધ રહ્યો હતો. વાર્ષિક રૂ. 358ના તળિયાથી કંપનીના શેરનો ભાવ છ ગણાથી વધુ સુધારો દર્શાવી રહ્યો છે.

તીવ્ર સુધારો દર્શાવનાર અન્ય કેમિકલ કાઉન્ટર્સમાં હિકલ કેમિકલ્સનો શેર 19 ટકા ઉછળી હતો. કંપનીનો શેર રૂ. 218ના અગાઉના બંધ સામે રૂ. રૂ. 260ની ટોચ પર ટ્રેડ થયો. છેલ્લા એક મહિનામાં કંપીનો શેર રૂ. 142ના સ્તરેથી રૂ. 100થી વધુનો સુધારો દર્શાવી રહ્યો છે. કંપની એપીઆઈ ઉત્પાદનમાં સક્રિય છે. સુદર્શન કેમિકલ્સનો શેર પણ રૂ. 554.40ના અગાઉના બંધ સામે 19 ટકા ઉછળી રૂ. 662 પર ટ્રેડ થયો હતો. જ્યારે ગુજરાત સરકારની પીએસયૂ કંપની જીએનએફસીનો શેર 13 ટકા ઉછળી રૂ. 353.30ના સ્તરે બંધ રહ્યો હતો. કંપનીનીની પ્રોડક્ટ્સના ભાવમાં અવિરત વૃદ્ધિ પાછળ શેરમાં મજબૂતી જોવા મળી રહી છે અને તે રૂ. 124ના 52-સપ્તાહના તળિયા સામે લગભગ ત્રણ ગણા ભાવે ટ્રેડ થઈ રહ્યો છે. ગુજરાત ફ્લોરોકેમિકલ્સનો શેર પણ 11 ટકા જેટલો ઉછળ્યો હતો. જ્યારે નવીન ફ્લોરિન 9 ટકાથી વધુ ઉછળી રૂ. 3490ના સ્તરે ટ્રેડ થયો હતો. ફિનોલ ક્ષેત્રે મોટો બજાર હિસ્સો ધરાવતી દિપક નાઈટ્રેટનો શેર 9 ટકા ઉછળી રૂ. 1803ની ટોચ પર ટ્રેડ થયો હતો. કંપનીએ રૂ. 24000 કરોડના માર્કેટ-કેપને હાંસલ કર્યું હતું. ડીસીડબલ્યુ લિ.નો શેર 10 ટકા છળ્યો હતો અને રૂ. 38.90 પર બંધ રહ્યો હતો. જ્યારે નાની ફાર્મા કંપનીઓમાં બાલ ફાર્માનો શેર વધુ 10 ટકા ઉછળી રૂ. 125.45 પર બંધ રહ્યો હતો. ઈન્ડોગો રેમેડિઝ, ક્રેબ્સ બાયોકેમ, ઈન્ડસ્વિફ્ટ લેબ. જેવી કંપનીઓ શેર્સમાં પણ સુધારો જોવા મળ્યો હતો.

મંગળવારે કેમિકલ શેર્સનો દેખાવ

કંપની          ભાવમાં વૃદ્ધિ(%)

આલ્કિલ એમાઈન્સ      20

બાલાજી એમાઈન્સ      20

હિકલ લિ.               19

સુદર્શન કેમિકલ્સ        19

જીએનએફસી           13

ગુજરાત ફ્લોરો         11

નવીન ફ્લોરિન         9

ડીસીડબલ્યુ             10

દિપક નાઈટ્રેટ          9

એસએચ કેલકર        7

 

 

 

 

 

મારુતિનો માર્ચ ક્વાર્ટરમાં નફો 10 ટકા ઘટી રૂ. 1166 કરોડ રહ્યો

અગાઉન વર્ષની સરખામણીમાં નીચા વેચાણ તથા કોમોડિટીના ભાવમાં વૃદ્ધિને કારણે કંપનીના માર્જિન પર પડેલી અસર

દેશમાં સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકી ઈન્ડિયાએ માર્ચ(2021) ક્વાર્ટર માટે રૂ. 1166.1 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો છે. જે માર્ચ(2020) ક્વાર્ટરમાં નોંધાયેલા રૂ. 1291.7 કરોડના નફાની સરખામણીમાં 9.72 ટકાનો ઘટાડો દર્શાવે છે. કંપનીના નફામાં ઘટાડાના મુખ્ય કારણોમાં વાહનોના વેચાણમાં ઘટાડા ઉપરાંત કોમોડિટીઝના ભાવમાં વૃદ્ધિ તથા વિદેશી હૂંડિયામણમાં પ્રતિકૂળ મૂવમેન્ટનો સમાવેશ થાય છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 1941.4 કરોડનો ચોખ્ખો નફો નોંધાવ્યો હતો.

સમગ્ર વર્ષ માટે કંપનીએ રૂ. 66562.1 કરોડની આવક નોંધાવી હતી. જે 7.2 ટકાનો ઘટાડો દર્શાવતી હતી. જ્યારે કંપનીનો ચોખ્ખો નફો 25.1 ટકા ઘટી રૂ. 4229.7 કરોડ રહ્યો હતો. મારુતિનો શેર બીએસઈ ખાતે 1.5 ટકા ઘટી રૂ. 6558 પર બંધ રહ્યો હતો.

માર્ચ ક્વાર્ટરમાં કંપનીની સ્ટેન્ડઅલોન રેવન્યૂ રૂ. 24023.7 કરોડ રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 18198.7 કરોડન સરખામણીમાં 32 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જોકે ત્રિમાસિક ધોરણે રેવન્યૂમાં 2.4 ટકા વૃદ્ધિ જોવા મળી હતી. ડિસેમ્બર ક્વાર્ટરમાં કંપનીએ રૂ. 23457.8 કરોડની આવક નોંધાવી હતી. કંપનીએ એનાલિસ્ટ્સની અપેક્ષા કરતાં ઊણા પરિણામ દર્શાવ્યાં હતાં. સ્ટ્રીટના અંદાજ મુજબ કંપની ચોખ્ખા નફામાં 37 ટકાથી વઈ 51 ટકા સુધીની તીવ્ર વૃદ્ધિ દર્શાવશે. જ્યારે તેની આવકમાં વાર્ષિક ધોરણે 30 ટકા વૃદ્ધિ જોવા મળશે. જોકે તેમની ધારણા ખોટી ઠરી હતી. કેમકે કંપનીના વેચાણમાં માર્ચ ક્વાર્ટરમાં અપેક્ષિત વૃદ્ધિ નહોતી નોંધાવી. કંપનીએ ક્વાર્ટર દરમિયાન 4,92,235 વેહીકલ્સનું વેચાણ કર્યું હતું. જે અગાઉના વર્ષે સમાનગાળાની સરખામણીમાં 27.8 ટકા વધુ હતું. કંપનીનું સ્થાનિક વેચાણ 4,56,707 વાહનો સાથે 26.7 ટકા વૃદ્ધિ સૂચવતું હતું. જ્યારે નિકાસ 44.4 ટકા વધી 35,528 યુનિટ્સ રહી હતી. જોકે આમ છતાં કંપનીનો એબિટા ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2226.1 કરોડ સામે 10.56 ટકા ઘટી રૂ. 1991 કરોડ રહ્યો હતો. ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1671.4 કરોડ સામે તે ઊંચો રહ્યો હતો. કંપનીના એબિટા માર્જિન વાર્ષિક ધોરણે તથા ત્રિમાસિક ધોરણે 8.3 ટકા પર રહ્યાં હતાં. જે ડિસેમ્બર ક્વાર્ટરમાં 9.5 ટકા પર હતાં. જ્યારે માર્ચ 2020 ક્વાર્ટરમાં  9.2 ટકા પર હતાં.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage