Market Summary 27 jan 2021

માર્કેટ સમરી

નિફ્ટીએ 14000નો સાયકોલોજિકલ સપોર્ટ તોડ્યો

બેન્ચમાર્ક નિફ્ટીએ બુધવારે 14000નો મહત્વનો સપોર્ટ તોડ્યો હતો અને 13967ના સ્તર પર બંધ રહ્યો હતો. નિફ્ટી તેણે 21 જાન્યુઆરીએ દર્શાવેલી 14753ની સર્વોચ્ચ ટોચથી 5.3 ટકા તૂટી ચૂક્યો છે. નિફ્ટીએ 14000નું 34-ડીએમએનો સપોર્ટ તોડીને બજારમાં ટૂંકાગાળા માટે ટ્રેન્ડ રિવર્સલ દર્શાવ્યું છે. આમ નિફ્ટી વધુ ઘટે તેવી પૂરી શક્યતા છે. નિફ્ટીએ ચાર મહિના બાદ 34-ડીએમએની સપાટી તોડી હતી.

નિફ્ટીને 13700નો મહત્વનો સપોર્ટ

એનાલિસ્ટ્સના મતે નિફ્ટીને હવે 13700નો મહત્વનો સપોર્ટ છે. જે તૂટતાં તે 13130 સુધી તૂટી શકે છે. આ સ્તર ડિસેમ્બરમાં નિફ્ટીએ દર્શાવેલા એક દિવસીય 3.5 ટકાના ઘટાડાનું તળિયું છે. જ્યાંથી તે પરત ફર્યો હતો.

સેક્ટરલ સૂચકાંકો તેમની તાજેતરની ટોચથી 10 ટકા જેટલાં તૂટ્યાં

 

બેન્ચમાર્ક નિફ્ટી 21 જાન્યુઆરીએ દર્શાવેલી ટોચથી 5.3 ટકા જેટલો તૂટ્યો

 

નિફ્ટી પીએસયૂ બેંકમાં સૌથી ઝડપી ઘટાડો નોંધાયો, જ્યારબાદ રિઅલ્ટી અને મેટલ પણ 9 ટકાથી વધુ તૂટ્યાં

 

 

શેરબજારમાં અંતિમ ચાર ટ્રેડિંગ સત્રોથી જોવા મળી રહેલી મંદીમાં વિવિધ સેક્ટરલ સૂચકાંકોએ તીવ્ર ઘટાડો નોઁધાવ્યો છે. તેઓ તાજેતરમાં 21 જાન્યુઆરીએ બનેલી નિફ્ટીની ટોચ વખતના તેમના સ્તરથી 9.8 ટકા જેટલાં તૂટી ચૂક્યાં છે. બેન્ચમાર્ક નિફ્ટી સમાનગાળામાં તેની ટોચથી 5.3 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યો છે. બુધવારે તેણે 14000ની મહત્વની સાયકોલોજિકલ સપાટી તોડી હતી અને શોર્ટ ટર્મ માટે વધુ કરેક્શનની શક્યતા ઊભી કરી હતી.

 

જો અંતિમ પાંચ ટ્રેડિંગ સત્રોનો અભ્યાસ કરીએ તો જણાય છે કે તેજીના દોરમાં પાછળથી જોડાયેલા અને ઝડપથી ઉછળેલા કેટલાક સેક્ટરલ સૂચકાંકોમાં ઊંચા મથાળે તીવ્ર વેચવાલી જોવા મળી છે. જેમકે નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ તેની ગયા ગુરુવારની ટોચથી બુધવારના બંધ ભાવે 9.82 ટકાનો ઘટાડો દર્શાવતો હતો. જ્યારે નિફ્ટી રિઅલ્ટી સમાનગાળામાં 9.17 ટકા જેટલો ઘસાઈ ચૂક્યો છે. આ બંને ક્ષેત્રો બજારની વર્તમાન તેજીમાં વિલંબથી જોડાયાં હતાં. તેઓ લાંબા સમયથી બ્રોડ માર્કેટની સરખામણીમાં અન્ડરપર્ફોર્મર પણ હતાં. જોકે માર્કેટમાં પડતી વખતે ઘટવામાં તેઓ અગ્રણી રહ્યાં છે. જે સૂચવે છે કે બજારમાં હજુ પણ આ ક્ષેત્રોની તેજીને લઈને આત્મવિશ્વાસનો અભાવ જોવા મળી રહ્યો છે. જોકે સૌથી વધુ આશ્ચર્ય મેટલ ઈન્ડેક્સમાં જોવા મળેલા તીવ્ર ઘટાડાનું છે. સ્ટીલ સહિતના મેટલ ક્ષેત્રે છેલ્લા મહિનાઓમાં જોવા મળેલી તીવ્ર માગ વૃદ્ધિ અને ભાવ વૃદ્ધિ પાછળ કંપનીઓએ અપેક્ષાથી સારા પરિણામો દર્શાવ્યાં છતાં મેટલ શેર્સ તેમની ટોચથી 30 ટકા જેટલા તૂટી ચૂક્યાં છે. આમ માર્કેટમાં પ્રોફિટ બુકિંગ નોંધાવનારા ક્ષેત્રોમાં મેટલ અગ્રણી રહ્યું છે.

 

પીએસયૂ બેંક્સ સાથે પ્રાઈવેટ બેંકિંગમાં પણ વેચવાલી જોવા મળી છે અને નિફ્ટી પ્રાઈવેટ બેંક 8 ટકાથી વધુ ઘટાડો સૂચવે છે. પીએસયૂ અને પ્રાઈવેટ બેંકનું સંયુક્ત પ્રતિનિધિત્વ ધરાવતો અને નિફ્ટીમાં સૌથી વધુ વેઈટેજ ધરાવતો બેંકેક્સ નિફ્ટી બેંક 7.75 ટકા જેટલો તૂટ્યો છે. તેની સર્વોચ્ચ ટોચ બનાવ્યાના બીજા જ દિવસથી તે ઘટાડાતરફી રહ્યો છે. જ્યારે રિલાયન્સ જેવા હેવીવેઈટ સહિત ઓએમસીનું પ્રતિનિધિત્વ ધરાવતો નિફ્ટી એનર્જિ 7.7 ટકા ગગડ્યો છે. ઓએનજીસી, કોલ ઈન્ડિયા અને એનટીપીસીમાં ઘટાડા પાછળ નિફ્ટી પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝ પણ 7 ટકા જેટલો ઘટ્યો છે. આમ નિફ્ટીના વર્તમાન રકાસમાં ઓલ્ડ ઈકોનોમીનું યોગદાન ઊંચું છે. ન્યૂ ઈકોનોમીની વાત કરીએ તો નિફ્ટી આઈટી તેની ટોચથી 3.73 ટકા જેટલો તૂટ્યો છે. જ્યારે નિફ્ટી એફએમસીજી 1.76 ટકાના ઘટાડા સાથે સૌથી ઓછું વેચાણ સૂચવે છે. આઈટીસી, નેસ્લે જેવી અગ્રણી એફએમસીજી કંપનીઓના શેર્સ બુધવારે પણ પોઝીટીવ ટ્રેડ સૂચવતાં હતાં.

 

 

તાજેતરની ટોચની સેક્ટરલ સૂચકાંકોમાં 21 જાન્યુ.ની ટોચથી ઘટાડો

 

નિફ્ટી સૂચકાંકો         ઘટાડો(%)

 

પીએસયૂ બેંક           -9.82

રિઅલ્ટી                -9.17

મેટલ                   -9.10

પ્રાઈવેટ બેંક            -8.17

બેંક નિફ્ટી              -7.75

એનર્જી                 -7.69

પીએસઈ                -7.20

સીપીએસઈ             -7.05

મીડકેપ-50             -6.97

ફાઈનાન્સિયલ સર્વિ.     -6.46

કોમોડિટીઝ             -6.34

 

ટેક મહિન્દ્રા, અલ્ટ્રા-ટેક અને આઈટીસી મક્કમ રહ્યાં

 

સેન્સેક્સમાં 1000થી વધુ પોઈન્ટ્સના ગાબડાં વચ્ચે બેન્ચમાર્કમાં સમાવિષ્ટ ત્રણ શેર્સ જ મંદીવાળાઓને શરણે નહોતા થયાં જેમાં ટેક મહિન્દ્રા, અલ્ટ્રા-ટેક અને આઈટીસીનો સમાવેશ થાય છે. જેમાં ટેક મહિન્દ્રાનો શેર અગાઉની સરખામણીમાં 2 ટકાથી વધુનો સુધારો દર્શાવતો હતો. જ્યારે અલ્ટ્રા-ટેક સિમેન્ટ અને આઈટીસીના શેર્સમાં એક-એક ટકાથી વધુનો સુધારો જોવા મળતો હતો.

 

સાયન્ટ લિ.નો શેર વધુ 19 ટકા ઉછળ્યો

 

બજારમાં 2 ટકાથી વધુના તીવ્ર ઘટાડા વચ્ચે આઈટી કંપની સાયન્ટ લિ.નો શેર બુધવારે 19 ટકા જેટલો ઉછળ્યો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 573ના બંધ સામે રૂ. 105ના ઉછાળે રૂ. 678 પર ટ્રેડ થયો હતો. જે સ્તરે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 7000 કરોડને પાર કરી ગયું હતું. કંપનીનો શેર માર્ચ મહિનામાં રૂ. 184ના તળિયાથી સુધરતો લઈ લગભગ ત્રણ ગણાથી વધુ રિટર્ન દર્શાવી રહ્યો છે.

 

ખરાબ પરિણામ પાછળ ચેન્નાઈ પેટ્રો 20 ટકા તૂટ્યો

 

ડિસેમ્બર ક્વાર્ટરમાં તીવ્ર ખોટ દર્શાવીને બજારને આંચકારૂપ પરિણામ પાછળ પીએસયૂ સાહસ ચેન્નાઈ પેટ્રોલિયમનો શેર બુધવારે 20 ટકાની નીચલી સર્કિટને સ્પર્શ્યો હતો અને દિવસ દરમિયાન આ સ્તર નજીક ટ્રેડ થતો રહ્યો હતો. કંપનીનો શેર તેના અગાઉના રૂ. 119.45ના બંધ સામે રૂ. 22થી વધુના ઘટાડે રૂ. 100નું સ્તર તોડી રૂ. 95.70ના સ્તરે ટ્રેડ થયો હતો.

 

છેલ્લા ઘણા સપ્તાહોની સૌથી ખરાબ માર્કેટ-બ્રેડ્થ

 

બુધવારે બ્રોડ બેઝ્ડ વેચવાલી પાછળ માર્કેટમાં અંતિમ ઘણા સપ્તાહોની સૌથી ખરાબ માર્કેટ-બ્રેડ્થ જોવા મળી હતી. જેમાં બીએસઈ ખાતે 3011 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1890 કાઉન્ટર્સ ઘટાડો દર્શાવતાં હતાં. જ્યારે માત્ર 980 કાઉન્ટર્સમાં અગાઉના બંધ સામે પોઝીટીવ બંધ જોવા મળ્યો હતો. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1.6 ટકા તૂટ્યો હતો. જોકે નિફ્ટી સ્મોલ-કેપ સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યો હતો. ઈન્ડિયન વીક્સ પણ 4.6 ટકા ઉછળી રૂ. 24.32ના સ્તરે ટ્રેડ થતો હતો.

 

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage