Market Summary 27 July 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી


ફેડ રેટ વૃદ્ધિ અગાઉ વૈશ્વિક બજારોમાં મજબૂતીનો માહોલ
હોંગ કોંગ અને ચીન સિવાય શેરબજારો સુધારા સાથે બંધ
ફાર્મા, આઈટી, બેંકિંગ, પીએસઈમાં સાર્વત્રિક લેવાલી
વોલેટિલિટી ઈન્ડેક્સ સાધારણ ઘટાડે 18.13ની સપાટીએ
તાન્લા પ્લેટફોર્મ્સમાં 20 ટકાની નીચલી સર્ક્ટિસ લાગી
ઝોમેટોમાં 5.5 ટકાનો બાઉન્સ જોવા મળ્યો, પીબી ઈન્ફોટેક વધુ 3 ટકા સાથે નવા તળિયે
બ્રોડ માર્કેટમાં ધીમી લેવાલી પાછળ બ્રેડ્થ પોઝીટીવ

જુલાઈ ડેરિવેટિવ્સ સિરિઝ એક્સપાયર થવાના આગલા દિવસે માર્કેટમાં તેજીવાળાઓએ પકડ પરત મેળવી હતી અને ભારતીય બેન્ચમાર્ક્સ એક ટકાથી વધુ સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. યુએસ ફેડ રિઝર્વ તરફથી અપેક્ષિત 75 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિની દ્રઢ શક્યતાને કારણે પણ બજારોમાં ઘટાડો અટક્યો હોવાનું વર્તુળો જણાવતા હતાં. બીએસઈ સેન્સેક્સ 548 પોઈન્ટ્સ ઉછળી 55816ની સપાટીએ જ્યારે નિફ્ટી 158 પોઈન્ટ્સ ઉછળી 16642ની સપાટીએ બંધ રહ્યાં હતાં. નિફ્ટીમાં 50 કાઉન્ટર્સમાંથી 41 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ આપ્યું હતું. જ્યારે માત્ર 9 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. બ્રોડ માર્કેટમાં વેચવાલી અટકી હતી અને પસંદગીના કાઉન્ટર્સમાં ધીમી લેવાલી પાછળ બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ બની રહી હતી. જેણે રિટેલ વર્ગને રાહત આપી હતી.
મંગળવારે યુએસ ખાતે નરમાઈ છતાં બુધવારે એશિયન બજારોમાં હોંગ કોંગ-ચીનને બાદ કરતાં સુધારો જોવા મળ્યો હતો. હોંગ કોંગમાં એક ટકાથી વધુનો જ્યારે ચીન ખાતે સામાન્ય નેગેટિવ બંધને બાદ કરતાં અન્ય તમામ બજારો પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. યુરોપ બજારો સાધારણ ગ્રીન જોવા મળતાં હતાં. ભારતીય બજારે સાધારણ નેગેટિવ શરુઆત દર્શાવ્યાં બાદ શરૂઆતમાં થોડો વધુ ઘટાડો નોંધાવ્યો હતો. જોકે ત્યારબાદ તેજીવાળાઓ પરત ફર્યાં હતાં અને બજાર પર પકડ મેળવી હતી. જેણે શોર્ટ સેલર્સને પોઝીશન કવર કરવા માટે દબાણ પાડતાં નિફ્ટી જોતજોતામાં 16600ની સપાટી પાર કરી ગયો હતો અને બે દિવસમાં જોવા મળેલા ઘટાડાનો નોંધપાત્ર હિસ્સો કવર થયો હતો. નિફ્ટી કેશ સામે ફ્યુચર્સ લગભગ 19 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે બંધ દર્શાવતો હતો. જે સૂચવે છે કે એક્સપાયરી દિવસે પણ સુધારો આગળ વધે તેવી સંભાવના ઊંચી છે. એનાલિસ્ટ્સના મતે બેન્ચમાર્ક 16800ના સ્તરને પાર કરે તો 17000 અને 17200ના ટાર્ગેટ્સ રહેશે. જ્યારે નીચામાં 16440નો સપોર્ટ મહત્વનો બની રહેશે. જેની નીચે તે 16100 સુધી ગગડી શકે છે. માર્કેટને મુખ્ય સપોર્ટ ફાર્મા, આઈટી, બેંકિંગ અને પીએસઈ તરફથી સાંપડ્યો હતો. નિફ્ટી ફાર્મા 2.33 ટકા ઉછળી બંધ જોવા મળ્યો હતો. જેમાં સન ફાર્મા 3 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. તે સિવાય ઓરોબિંદો ફાર્મા 3 ટકા, ડિવિઝ લેબ્સ 2.7 ટકા, ઝાયડસ લાઈફ 2.6 ટકા, લ્યુપિન 2 ટકા, આલ્કેમ લેબ 2 ટકા અને સિપ્લા 2 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. આઈટી કાઉન્ટર્સમાં પણ 1.7 ટકાની મજબૂતી નોંધાઈ હતી. જેમાં લાર્જ-કેપ કાઉન્ટર્સ ટીસીએસ 2.4 ટકા અને ઈન્ફોસિસ 1.4 ટકા સુધારો દર્શાવતાં હતાં. આ સિવાય માઈન્ડટ્રી 3 ટકા, કોફોર્જ 2.3 ટકા, એલએન્ડટી ઈન્ફોટેક 2.3 ટકા, એમ્ફેસિસ 2 ટકા અને એચસીએલ ટેક 1.6 ટકા સુધારો દર્શાવતાં હતાં. બેંકનિફ્ટી એક ટકા સુધારા સાથે તાજેતરની ટોચ નજીક સરક્યો હતો. બેંકિંગમાં તેજીનું સુકાર એસબીઆઈએ લીધું હતું અને તેણે 2.7 ટકા સુધારો દર્શાવ્યો હતો. બંધન બેંક 2.4 ટકા, ઈન્સઈન્ડ બેંક 2 ટકા, એક્સિસ બેંક 2 ટકા, ફેડરલ બેંક 1.7 ટકા, બેંક ઓફ બરોડા 1.5 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. જાહેર સાહસોમાં મજબૂતી પાછળ નિફ્ટી પીએસઈ પણ 1 ટકા સુધારો નોઁધાવતો હતો. જેમાં હિંદુસ્તાન એરોનોટિક્સ 3 ટકા સાથે તેની સર્વોચ્ચ સપાટી નજીક સરક્યો હતો. નાલ્કો 2.4 ટકા, ભારત ઈલે. 2.4 ટકા, કોન્કોર 2.2 ટકા, આરઈસી 2.2 ટકા અને ગેઈલ 2 ટકા સુધારો દર્શાવતો હતો. તમામ સેક્ટર્સ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. નિફ્ટી રિઅલ્ટી 1 ટકાથી વધુ મજબૂતી દર્શાવતો હતો.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો કોરોમંડલ ઈન્ટરનેશનલ 6.2 ટકા ઉછળ્યો હતો. જ્યારે લૌરસ લેબ્સ 6.2 ટકા, જીએનએફસી 5 ટકા, ડો. લાલ પેથલેબ 4.36 ટકા, ગ્લેનમાર્ક 4 ટકા, એક્સાઈડ ઈન્ડ. 4 ટકા, કેન ફિન હોમ્સ 4 ટકા અને રામ્કો સિમેન્ટ્સ 4 ટકા ઉછાળો દર્શાવી રહ્યાં હતાં. આનાથી ઊલટું યુનાઈટેડ સ્પિરિટ્સ 7 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવતો હતો. એમએન્ડએમ ફાઈનાન્સ 3.7 ટકા, ટાટા પાવર 3.6 ટકા, શ્રીરામ ટ્રાન્સપોર્ટ 1.9 ટકા, યુનાઈટેડ બ્રૂઅરિઝ 1.8 ટકા અને ટીવીએસ મોટર્સ 1.7 ટકા ઘટાડે બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં હળવી ખરીદી પાછળ બીએસઈ ખાતે બ્રેડ્થ પોઝીટીવ હતી. પ્લેટફોર્મ ખાતે 3465 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1755 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. આમ લગભગ 50 ટકા કાઉન્ટર્સમાં સુધારો નોંધાયો હતો. જ્યારે 1565 કાઉન્ટર્સ ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. 103 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ નોંધાવી હતી. જ્યારે 30 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું બનાવ્યું હતું. 14 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ આવ્યાં હતાં. જ્યારે 2 કાઉન્ટર્સે નીચલી સર્કિટ નોંધાવી હતી. 145 કાઉન્ટર્સ તેમના અગાઉના બંધના સ્તરે ફ્લેટ જોવા મળ્યાં હતાં.
મારુતિ સુઝુકીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 1013 કરોડનો નફો નોંધાવ્યો
દેશમાં સૌથી મોટી કાર ઉત્પાદક મારુતિ સુઝુકીએ એપ્રિલથી જૂનના સમયગાળામાં રૂ. 1013 કરોડનો નફો દર્શાવ્યો છે. માર્ચ ક્વાર્ટરમાં તેણે રૂ. 1838.9 કરોડનો નફો નોંધાવ્યો હતો. કોન્સોલિડેટેડ બેસીસ પર કંપનીનો નફો વાર્ષિક ધોરણે 118 ટકા ઉછળી રૂ. 1036.2 કરોડ રહ્યો હતો. ગયા વર્ષે પ્રથમ ક્વાર્ટરમાં કોવિડના બીજા રાઉન્ડને કારણે લોકડાઉન હતું અને તેથી તેની સાથે સરખામણી કરી શકાય નહિ. ગયા વર્ષે જૂન ક્વાર્ટરમાં તેણે રૂ. 441 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો હતો. કંપનીનો એબિટા વાર્ષિક ધોરણે રૂ. 821 કરોડ પરથી ઉછળી રૂ. 1912 કરોડ રહ્યો હતો. જ્યારે માર્જિન 2.6 ટકા સુધરી 7.2 ટકા પર જોવા મળ્યું હતું. 30 જૂન 2022ના રોજ પૂરા થતાં ક્વાર્ટર દરમિયાન કંપનીએ કુલ 4,67,931 યુનિટ્સ વાહનોનું વેચાણ કર્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 3,53,616 યુનિટ્સ પર હતું. કંપનીએ ક્વાર્ટર દરમિયાન 49 ટકા વૃદ્ધિ સાથે રૂ. 26499.8 કરોડની સ્ટેન્ડઅલોન રેવન્યૂ દર્શાવી હતી. કાર ઉત્પાદકે જૂન ક્વાર્ટરમાં 69437 યુનિટ્સ કાર્સની અત્યાર સુધીની સૌથી ઊંચી નિકાસ કરી હતી.
ઘઉંની આવકો ઘટતાં મહિનામાં ભાવમાં 5 ટકા વૃદ્ધિ
દેશના માર્કેટ યાર્ડ્સમાં ઘઉંની આવકોમાં ઘટાડાને પગલે છેલ્લાં એક મહિનામાં કોમોડિટીના ભાવમાં પાંચ ટકા વૃદ્ધિ જોવા મળી છે. વપરાશકારોના જણાવ્યા પ્રમાણે ઘઉંની આવકમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. એગમાર્કેટ ડેટા મુજબ મોટાભાગના ટ્રેડ જે ભાવે થયાં છે તેની વેઈટેજ એવરેજ મોડેલ પ્રાઈસ મુજબ ઘઉંના ભાવ 27 જૂનના રોજ રૂ. 2050 પ્રતિ ક્વિન્ટલ પરથી વધી ગયા સોમવારે રૂ. 2176 પ્રતિ ક્વિન્ટલ પર જોવા મળ્યાં હતાં. દેશમાં 20 જુલાઈ સુધી ઘઉંની આવક 60 હજાર ટન ઉપર અથવા તો તેની આસપાસ જોવા મળી રહી હતી. જોકે પછીથી આવકમાં સતત ઘટાડો નોંધાયો છે અને સોમવારે તે 48500 ટન પર જોવા મળતો હતો. કન્ઝ્યૂમર અફેર્સ મિનિસ્ટ્રીનો ડેટા સૂચવે છે કે માસિક ધોરણે ઘઉંના રિટેલ ભાવ પ્રતિ કિગ્રા રૂ. 4.37ની વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે આટાનો ભાવ કિગ્રાએ 3.28 ટકા વધી રૂ. 34.31 પર પહોંચ્યો છે.


વોલમાર્ટે અર્નિંગ્સ આઉટલૂક ઘટાડતાં વોલ્ટન ફેમિલીએ 11.4 અબજ ડોલર ગુમાવ્યાં
યુએસમાં ટોચની રિટેલ કંપનીની માલિક આર્કાન્સાસ સ્થિત બેન્ટોનવિલેનો શેર 7.6 ટકા તૂટ્યો
કેનેડિયન ઈ-કોમર્સ કંપની શોપિફાઈનો શેર પણ મંગળવારે 14 ટકા ગબડ્યો

યુએસ ખાતે સૌથી મોટા રિટેલર વોલમાર્ટ ઈન્કે ચાલુ વર્ષે બીજી વાર તેના અર્નિંગ્સ આઉટલૂકમાં ઘટાડો કરતાં વોલ્ટન પરિવારની માર્કેટ વેલ્થમાં મંગળવારે 11.4 અબજ ડોલરનું ગાબડું પડ્યું હતું. પરિવારની માલિકીની એવી આર્કાન્સાસ સ્થિત રિટેલર બેન્ટોનવિલેનો શેર ન્યૂ યોર્ક ટ્રેડિંગ દરમિયાન 7.6 ટકા જેટલો તૂટ્યો હતો. કંપનીએ ચાલુ વર્ષે તેની એડજસ્ટેડ અર્નિંગ્સ પ્રતિ શેરમાં 13 ટકા સુધીના ઘટાડાની શક્યતા દર્શાવતાં વેચવાલી જોવા મળી હતી. રિટેલ ફુગાવામાં ઊંચી વૃદ્ધિને કારણે ગ્રાહકો બિગ-ટિકિટ આઈટમ્સ ખરીદવાથી દૂર રહી હોવાના કારણે આમ થશે તેમ કંપનીએ જણાવ્યું હતું. બે મહિના અગાઉ તેણે પ્રતિ શેર અર્નિગ્સમાં 1 ટકા ઘટાડાની સંભાવના વ્યક્ત કરી હતી. જ્યારે ફેબ્રુઆરીમાં તેણે મધ્યમસરની વૃદ્ધિની શક્યતાં દર્શાવી હતી.
વોલ્ટન ફેમિલીના સ્વર્ગસ્થ સેમ વોલ્ટને ડિસ્કાઉન્ટ કલ્ચર સાથે બિઝનેસને ઊભો કર્યો હતો અને તેને કારણે મંદીના સમયમાં પણ શેરમાં ખરીદી જોવા મળી હતી. વોલમાર્ટે અર્નિંગ્સ આઉટલૂકમાં ઘટાડા પાછળના કારણમાં ચાર દાયકાના ઊંચા ફુગાવાને કારણે ગ્રાહકોમાં ખરીદીમાં ઘટાડાને દર્શાવ્યું હતું. વોલ્ટનના ત્રણ સંતાનો અને પુત્ર વધુ અને તેનો દિકરો રિટેલરમાં અડધાથી સહેજ ઓછો હિસ્સો ધરાવે છે. જે સંયુક્તપણે તેમની નેટવર્થ 199.3 અબજ ડોલર હોવાનું સૂચવે છે. જે ચાલુ વર્ષમાં 11 ટકા જેટલો ઘટાડો દર્શાવે છે. માત્ર વોલમાર્ટ એક જ રિટેલર નથી જેના શેરમાં ગાબડું જોવા મળ્યું છે. વિવિધ ટ્રસ્ટ્સ મારફતે વોલમાર્ટમાં હિસ્સો ધરાવતા વોલ્ટન ફેમિલે તાજેતરના વર્ષોમાં તેના હિસ્સામાં વેચાણ દર્શાવ્યું છે. ગયા વર્ષે તેમણે 6.2 અબજ ડોલરના શેર્સ વેચ્યાં હતાં. જે કંપનીમાં પરિવારનો હિસ્સો 50 ટકાથી નીચો જાળવવાની સ્ટ્રેટેજીના ભાગરૂપે લીધેલો નિર્ણય હોવાનું પરિવારે જણાવ્યું હતું. કેનેડિયન ઈ-કોમર્સ કંપની શોપીફાઈનો શેર મંગળવારે 14 ટકા તૂટ્યો હતો. કંપનીના સીઈઓએ વર્કફોર્સમાં 10 ટકા ઘટાડો કરવાનું જણાવતાં શેર ગગડ્યો હતો. ઓટાવા સ્થિત કંપનીનો શેર ચાલુ વર્ષે 77 ટકા જેટલું ધોવાણ દર્શાવી ચૂક્યો છે.


રશિયન સીબોર્ન ક્રૂડનું સૌથી મોટું ખરીદાર બનતું ભારત
જુલાઈમાં પ્રતિ દિવસ 10 લાખ બેરલ્સથી વધુની આયાત સાથે ચીનને પાછળ રાખ્યું

રશિયાના ડિસ્કાઉન્ટમાં મળી રહેલા યુરલ ગ્રેડ્સ ક્રૂડ ઓઈલ માટે ભારતનો એપેટાઈટ સતત વધી રહ્યો છે. જુલાઈ મહિનામાં તેણે રશિયન સીબોર્ન ખરીદીમાં ચીનને પણ પાછળ રાખી દીધું હોવાનું ટોચની એનર્જી કંપની જણાવે છે. પૂરા થવા જઈ રહેલા જુલાઈમાં ભારતે પ્રતિ દિવસ 10 લાખથી વધુ રશિયન સીબોર્ન ઓઈલની ખરીદી કરી હોવાનું તેનું કહેવું છે. જે ચીનની ખરીદી કરતાં પણ વધુ છે.
લંડન સ્થિત એનર્જી એનાલિટીક્સ કંપનની વોર્ટેક્સે જણાવ્યા મુજબ જુલાઈમાં ભારતની કુલ રશિયન ઓઈલ ખરીદી પ્રતિ દિવસ 10 લાખ બેરલ્સને પાર કરી જશે. મહિનાના પ્રથમ 25 દિવસની આયાત પર નજર નાખીએ તો પ્રતિ દિવસ 8.8 લાખ બેરલ ઓઈલ રશિયન યુરલ્સ ક્રૂડ હતું. જુલાઈની આખર સુધીમાં ભારતની રશિયન સીબોર્ન ક્રૂડની ખરીદી ચીનને પાછળ રાખી દેશે એમ તે ઉમેરે છે. જોકે ચીન તરફથી આયાતના સ્પષ્ટ આંકડાઓ પ્રાપ્ય નથી એમ તેનું કહેવું છે. કંપનીનાના ચાઈના એનાલિસ્ટ જણાવે છે કે ભારત અને ચીન, બંને સીબોર્ન માર્કેટમાં રશિયન ક્રૂડની મોટાપાયે ખરીદી કરી રહ્યાં છે. જેમાં ભારત હવે ચીનને પાછળ રાખી દે તેવી પૂરી શક્યતા છે. પ્રથમવાર ભારત રશિયન સીબોર્ન ક્રૂડની ખરીદીમાં ચીનને પાછળ રાખે તેવું બની રહ્યું છે એમ તેઓ ઉમેરે છે. જુલાઈમાં ચીન માટે 3 લાખ બેરલ્સ પ્રતિ દિવસ રશિયન યૂરલ્સનું શીપીંગ જોવા મળી રહ્યું છે. ચીને સીબોર્નની સામે રશિયન એસ્પો બ્લેન્ડ ક્રૂડની વધુ ખરીદી કરી છે. ચીન સ્થિત ઈન્ડિપેન્ડન્ટ રિફાઈનર્સ એસ્પો બ્લેન્ડ ક્રૂડની વધુ માગ કરતાં હોય છે. ચીન ડેડિકેટેડ પાઈપલાઈન્સ મારફતે પણ એસ્પો બ્લેન્ડની ખરીદી કરતું હોય છે. જોકે રશિયા ખાતેથી મોટાભાગની નિકાસ શીપ્સ મારફતે થતી હોય છે.
રશિયા-યૂક્રેન સંઘર્ષ બાદ ભારત માટે રશિયા ટોચના ત્રણ ક્રૂડ સપ્લાયર્સમાંના એક તરીકે ઉભર્યું છે. રશિયા તેના યુરલ્સ ક્રૂડ માટે પ્રતિ બેરલ 30 ડોલરનું ડિસ્કાઉન્ટ ઓફર કરી રહ્યું છે. એનાલિસ્ટના જણાવ્યા મુજબ ઈરાક અને સાઉદી અરેબિયા ઉપરાંત હવે યુએઈ, યુએસ અને મેક્સિકો પણ તેમના તરફથી જોવા મળતો કેટલોક ફ્લો હવે રશિયન ક્રૂડથી રિપ્લેસ થાય તેમ જોઈ શકે છે. મે મહિનામાં યુએઈ તરફથી ભારતમાં આયાત એપ્રિલની સરખામણીમાં પ્રતિ દિવસ અડધી થઈને 3.87 લાખ બેરલ્સ પર જોવા મળી હતી. જ્યારે મે મહિનામાં યુએસનો ઓઈલ સપ્લાય ફેબ્રુઆરીની સરખામણીમાં 71 ટકા જેટલો ગગડ્યો હતો.

કોર્પોરેટ હેડલાઈન્સ
તાતા પાવરઃ યુટિલિટી કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 794.6 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 391 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 10132.4 કરોડ પરથી 43.1 ટકા ઉછળી રૂ. 14495.5 કરોડ પર રહી હતી.
રિલેક્સો ફૂટવેરઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 30.9 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 38.6 કરોડ સામે 25 ટકા ઊંચો છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 497.1 પરથી 34.2 ટકા ઉછળી રૂ. 667.2 પર રહી હતી.
શોપર્સ સ્ટોપઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 22.8 કરોડનો નફો દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 105 કરોડની ખોટ દર્શાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 205.2 કરોડ પરથી ચાર ગણી ઉછળી રૂ. 948.4 કરોડ પર રહી હતી.
સાઉથ ઈન્ડિયન બેંકઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 603.4 કરોડની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ દર્શાવી છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 542 કરોડની સરખામણીમાં 11 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીનો નફો ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 32.3 કરોડ સામે ઘટી રૂ. 30.6 કરોડ પર રહ્યો હતો.
યુટીઆઈ એએમસીઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 94 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 155 કરોડની સરખામણીમાં 40 ટકા ઘટાડો દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 344 કરોડ પરથી 15 ટકા ગગડી રૂ. 293 કરોડ પર રહી હતી.
એબીએએમસીઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 102.8 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 154.9 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 303.2 કરોડ પરથી સાધારણ વૃદ્ધિ સાથે રૂ. 304.5 કરોડ પર રહી હતી.
સનોફીઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 120.4 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 178.3 કરોડ સામે 32.4 ટકા ઘટાડો દર્શાવે છે. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 789.1 કરોડ પરથી 11.4 ટકા ગગડી રૂ. 699 કરોડ પર રહી હતી.
ઓએનજીસીઃ પીએસયૂ હાઈડ્રોકાર્બન કંપનીએ રિન્યૂએબલ્સ, ગ્રીન હાઈડ્રોજન ક્ષેત્રે સંયુક્તપણે તકો શોધવા માટે રિન્યૂએબલ એનર્જી કંપની ગ્રીનકો ઝીરોસી સાથે એમઓયૂ સાઈન કર્યાં છે.
ઈપીએલઃ કંપનીએ જૂન ક્વાર્ટરમાં રૂ. 33.4 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 57.9 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 799.1 કરોડ પરથી 4.1 ટકા વૃદ્ધિ સાથે રૂ. 831.8 કરોડ પર રહી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage