બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
બેંકિંગ, મેટલ પાછળ એક્સપાયરી પૂર્વે માર્કેટમાં નરમાઈ
બેંક નિફ્ટીમાં પાંચ સત્રોથી સુધારા પર બ્રેક, એક્સિસ બેંક 7 ટકા ગગડ્યો
વૈશ્વિક બજારોમાં નરમાઈ વચ્ચે સ્થાનિક બજારમાં પણ બે દિવસથી જોવા મળતો સુધારાનો ટ્રેન્ડ અટક્યો હતો. માર્કેટમાં ઘટાડા પાછળ બેંકિંગ અને મેટલનું યોગદાન મુખ્ય હતું. બેંક નિફ્ટીમાં પાંચ સત્રોથી જોવા મળતા સુધારા પર બ્રેક લાગી હતી અને તે 0.88 ટકા ઘટાડે 40874.35ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે બેન્ચમાર્ક નિફ્ટી 57.41 પોઈન્ટ્સ નરમાઈ સાથે 10210.95 પર અને સેન્સેક્સ 206.93 પોઈન્ટસના ઘટાડે 61643.33ની સપાટી પર બંધ રહ્યાં હતાં.
એક્સિસ બેંકમાં 6.46 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો અને તેની પાછળ બેંક નિફ્ટી ગગડ્યો હતો. એક્સિસનો શેર રૂ. 840.80ની દિવસની ટોચ પરથી ગગડતો રહ્યો હતો અને રૂ. 785.65ના તળિયા પર ટ્રેડ થયા બાદ રૂ. 887.50 પર બોટમ નજીક બંધ આવ્યો હતો. સપ્ટેમ્બર ક્વાર્ટરના સારા પરિણામો પાછળ કાઉન્ટરમાં વેચવાલી જોવા મળી હતી. બંધન બેંક, આરબીએલ, ઈન્ડ્સઈન્ડ બેંક, ફેડરલ બેંક, કોટક મહિન્દ્રા બેંકમાં પણ વેચવાલી જોવા મળી હતી. જોકે પીએસયૂ બેંક્સમાં સુધારો જળવાયો હતો અને પીએસયૂ બેંક ઈન્ડેક્સ 2 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં જેએન્ડકે બેંક 5.5 ટકા, યુનિયન બેંક 4.77 ટકા, કેનેરા બેંક 3.85 ટકા અને બેંક ઓફ બરોડા 2.70 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. એસબીઆઈ પણ રૂ. 526.85ની સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યો હતો.
માર્કેટમાં આઈટી, ફાર્મા, એફએમસીજી અને રિઅલ્ટી ક્ષેત્રો પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જોકે મેટલમાં 1.52 ટકાનો ઘટાડો નોઁધાયો હતો. જેમાં વેદાંત 4.6 ટકા, નાલ્કો 4.6 ટકા અને જિંદાલ સ્ટીલ 3.43 ટકા, સેઈલ 2.42 ટકા અને એપીએલ એપોલો 2.3 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જોકે બ્રોડ માર્કેટમાં ખરીદી જોવા મળી હતી અને તેથી માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ રહી હતી. મીડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકો પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. બીએસઈ ખાતે 3350 ટ્રેડેડ કાઉન્ટર્સમાં 1868 પોઝીટીવ બંધ આવ્યાં હતાં. જ્યારે 1344 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં.
મારુતિનો નફો 65 ટકા ગગડી રૂ. 475 કરોડ
દેશમાં સૌથી મોટી કાર ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 475.3 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1371.6 કરોડની સરખામણીમાં 65.3 ટકા ઘટાડો દર્શાવે છે. ત્રિમાસિક ધોરણે જોઈએ તો કંપનીનો નફો 7.8 ટકા વધી રૂ. 440.8 કરોડ પર રહ્યો હતો. બીજા ક્વાર્ટરમાં કંપનીની આવક રૂ. 20538.9 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષની રૂ. 18744.5 કરોડની સરખામણીમાં 10 ટકાથી વધુ વૃદ્ધિ દર્શાવતી હતી. જૂન ક્વાર્ટરમાં તે રૂ. 17770.7 કરોડ પર જોવા મળી હતી. કંપનીએ એક્સચેન્જને ફાઈલીંગમાં જણાવ્યું હતું કે સ્ટીલ, એલ્યુમિનિયમ અને કિંમતી ધાતુઓના ભાવમાં અસાધારણ વૃદ્ધિ પાછળ ખર્ચ વૃદ્ધિને કારણે નફાકારક્તા પર અસર પડી હતી.
નાયકા બજારમાંથી રૂ. 5300 કરોડ ઊભા કરશે
પ્રાઈમરી માર્કેટમાં આગામી દિવસોમાં પાંચેક આઈપીઓ પ્રવેશી રહ્યાં છે. જેની શરૂઆત ગુરુવારે નાયકાના આઈપીઓથી થશે. બ્યૂટી અને ફેશન ક્ષેત્રે ઓનલાઈન સેલર કંપની રૂ. 5352 કરોડના આઈપીઓ સાથે બજારમાં પ્રવેશશે. કંપની રૂ. 1085-1125ની પ્રાઈસ બેંડમાં શેર ઓફર કરશે. રિટેલ ઈન્વેસ્ટર્સ માટે 10 ટકા હિસ્સો ફાળવવામાં આવ્યો છે.
સિટી બેંકના કન્ઝ્યૂમર બિઝનેસ માટે ત્રણ બેંક્સ મેદાનમાં
સિટી બેંકના કન્ઝ્યૂમર બિઝનેસને ખરીદવા માટે ખાનગી ક્ષેત્રની ત્રણ કંપનીઓએ બીડ કરી છે. જેમાં કોટક બેંક, એક્સિસ બેંક અને ઈન્ડસઈન્ડ બેંકનો સમાવેશ થાય છે એમ વર્તુળો જણાવે છે. સિટી બેંકના કન્ઝ્યૂમર બિઝનેસનું મૂલ્ય 2 અબજ ડોલર આંકવામાં આવે છે. યુએસ મુખ્યાલય ધરાવતી બેંક ભારત સહિત વિશ્વના 13 દેશોમાં તેના કન્ઝ્યૂમર બેંકિંગ બિઝનેસમાંથી બહાર આવવાનું વિચારી રહી છે. સિટી બેંક તમામ બીડર્સ સાથે દ્વિપક્ષીય મંત્રણા શરૂ કર્યાં બાદ નિર્ણય લેશે.
PSBના વેચાણ માટે ખાસ ફ્રેમવર્ક તૈયાર કરવા સરકારની RBI સાથે મંત્રણા
જાહેર ક્ષેત્રની બેંકોના ડિસઈન્વેસ્ટમેન્ટને ઝડપી બનાવવા માટે કોર્પોરેટ માલિકીની એનબીએફસીને પણ બીડીંગ માટે છૂટ આપવાની વિચારણા
મિત્ર દેશોના સોવરિન વેલ્થ ફંડ્સને પણ પીએસયૂ બેંક્સની ખાનગીકરણ પ્રક્રિયામાં ભાગ લેવાની છૂટ આપવામાં આવી શકે
કેન્દ્ર સરકારે જાહેર ક્ષેત્રની બેંક્સના ખાનગીકરણ માટે સ્પેશ્યલ ફ્રેમવર્ક તૈયાર કરવા માટે બેંકિંગ રેગ્યુલેટર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા(આરબીઆઈ) સાથે ચર્ચા-વિચારણા શરૂ કરી છે. સરકાર ઈચ્છે છે કે આરબીઆઈ સાથે મળી એક એવી રૂપરેખા તૈયાર કરવામાં આવે જે હેઠળ કોર્પોરેટ જૂથોની માલિકીની શેડો બેંક્સ જેવીકે બજાજ ફાઈનાન્સ, શ્રીરામ કેપિટલ અને ચોલામંડલમ ફાઈનાન્સ તેમજ ગ્લોબલ સોવરિન વેલ્થ ફંડ્સને પીએસયૂ બેંક્સની ખરીદી માટેના બિડીંગમાં ભાગ લેવાની છૂટ આપી શકાય. આમ કરવાથી પીએસયૂ બેંક્સના ડિસઈન્વેસ્ટમેન્ટી પ્રક્રિયાને ઝડપી બનાવવામાં સહાયતા મળી શકે છે એમ સરકારનું માનવું છે. જો આ પ્રકારના ફ્રેમવર્કને મંજૂરી આપવામાં આવશે તો અત્યાર સુધી ઊંચું રેગ્યુલેશન ધરાવતાં બેકિંગ જેવા ક્ષેત્રે કોર્પોરેટ માલિકી માટેનો માર્ગ મોકળો થશે એમ વર્તુળો જણાવે છે.
આ પ્રકારના ફ્રેમવર્કના મુખ્ય પાસાઓમાં બેંકિંગ કંપનીઓની માલિકીપણા અને મેનેજમેન્ટ અંગેના માપદંડોને હળવા બનાવવા સહિતની બાબતોનો સમાવેશ થતો હશે. જેમાં બેંકોની ખાનગીકરણની પ્રક્રિયામાં વ્યાપક બિડીંગ માટે કોર્પોરેટ ગ્રૂપની માલિકી ધરાવતી એનબીએફસીને છૂટ આપવાની વિચારણા થશે. જો કોર્પોરેટ ગ્રૂપના કુલ બિઝનેસમાં 60 ટકા હિસ્સો ફાઈનાન્સિયલ સર્વિસિસનો હશે તો તેમની માલિકીની એનબીએફસી ડિસઈન્વેસ્ટમેન્ટ પ્રક્રિયામાં ભાગ લઈ શકશે એમ જાણકાર વર્તુળોનું કહેવું છે. આનો અર્થ એ છે કે ટાટા કેપિટલ, એલએન્ડટી ફાઈનાન્સ અથવા આદિત્ય બિરલા ગ્રૂપ બિડીંગમાંથી બાકાત રહી શકે છે. કેમકે તેમના કુલ બિઝનેસમાં ફાઈનાન્સિયલ સર્વિસિસનો હિસ્સો 60 ટકાથી ઓછો છે. આરબીઆઈ આમ કરીને એક પ્રકારની રિંગફેન્સિંગ ઊભી કરી શકે છે એમ વર્તુળો માને છે. સરકારી વર્તુળો એવો મત પણ વ્યક્ત કરી રહ્યાં છે કે જાહેર ક્ષેત્રની બેંક્સના ખાનગીકરણ માટે સ્વતંત્ર ડિસ્પેન્શેશનને કારણે વધુ રોકાણકારો આકર્ષાશે અને આ એસેટ્સની ખરીદી માટે બીડર્સની સંખ્યામાં વ્યાપક વૃદ્ધિ જોવા મળશે. સરકાર અને આરબીઆઈ પ્રમોટર હિસ્સામાં નીચો લાવવા નિયમોમાં છૂટ આપવાની તથા પ્રમોટર્સ શેરહોલ્ડર્સના વોટિંગ રાઈટ્સ પરના નિયંત્રણોને હળવા બનાવવાની વિચારણા કરી રહ્યાં છે. સાથે મિત્ર દેશોના સોવરિન વેલ્થ ફંડ્સને પણ પીએસયૂ બેંક્સના ખાનગીકરણની પ્રક્રિયામાં બીડીંગ માટે છૂટ આપવાની વિચારણા ચાલી રહી છે. વર્તુળો આ વાતનો સમર્થન આપતાં જણાવે છે કે આઈડીબીઆઈ બેંકના ખાનગીકરણને લઈને હાલમાં સરકારી વર્તુળો અને આરબીઆઈ વચ્ચે મંત્રણા ચાલી રહી છે અને તેના પરિણામે તમામ પીએસયૂ બેંક્સના ખાનગીકરણ માટે એક કોમન ફ્રેમવર્ક ઊભરીને બહાર આવશે.
આમાંના કેટલાક સૂચનો આરબીઆઈએ પોતે ઘડેલા ઈન્ટરનલ વર્કિંગ ગ્રૂપે ભલામણ કર્યાં હતાં એમ વર્તુળો જણાવે છે. અમે આ અંગે આરબીઆઈ પાસે વધુ સ્પષ્ટતાની માગણી કરી છે અને તેને લઈને કેટલાંક અન્ય સૂચનો કર્યાં છે એમ તેઓ ઉમેરે છે.
Market Summary 27 October 2021
October 27, 2021