Market Summary 27 September 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
માર્કેટમાં ડબલ-ટોપ બની રહ્યાંની શક્યતા
ભારતીય માર્કેટ સોમવારે પોઝીટીવ બંધ રહ્યું હતું. જોકે બેન્ચમાર્ક નિફ્ટી શુક્રવારની તેની 17947.65ની ટોચને પાર કરવામાં અસમર્થ રહ્યો હતો. ગેપ-અપ ઓપનીંગ બાદ તે 17943.50ના સ્તરને સ્પર્શી ગગડ્યો હતો. તેણે 17802.90ના સ્તરે નેગેટિવ ટ્રેડ દર્શાવ્યો હતો. જોકે આખરે 1.9 ટકા સુધારા સાથે ગ્રીન બંધ દર્શાવી રહ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સ માને છે કે નિફ્ટી ડબલ ટોપ પેટર્ન બનાવે તેવી પૂરી શક્યતાં છે. તેણે અગાઉના સપ્તાહના 17630ના બંધ સામે ગયા શુક્રવારે 17853નું બંધ દર્શાવ્યું હતું. નિફ્ટીમાં 18050-18100નો એક અવરોધ ઝોન છે. જે પાર થતાં 18250નું ટાર્ગેટ બેસે છે. જ્યારે નીચામાં 17600નો મહત્વનો સપોર્ટ છે. જેની નીચે 17300નો સપોર્ટ છે. માર્કેટને મુખ્ય સપોર્ટ બેંકિંગ તરફથી સાંપડ્યો હતો. જ્યારે આઈટીમાં 3 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. રિઅલ્ટીએ સતત ચોથા દિવસે 3 ટકાનો સુધારો નોંધાવ્યો હતો. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પાછળ એનર્જીમાં પણ મજબૂતી હતી.
ગોદાવરી બાયોરિફાઇનરીસે ડીઆરએચપી ફાઇલ કર્યું
દેશમાં ઓર્ગેનાઈઝ્ડ ક્ષેત્રે સૌથી મોટી ઈન્ટિગ્રેટેડ બાયો-રિફાઇનરી તથા દેશમાં ઇથનોલની સૌથી મોટી ઉત્પાદક પૈકીની એક અને ઇથેનોલ-આધારિત રસાયણોનું ઉત્પાદન કરવામાં પ્રથમ ગોદાવરી બાયોરિફાઇનરીસ લિમિટેડએ સેબી સમક્ષ ડીઆરએચપી ફાઇલ કર્યું છે. ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઇ પર થશે. કંપની ઓર્ગેનિક રસાયણો, ખાંડ, રેક્ટિફાઇડ ઉત્પાદનો, ઇથેનોલ, આલ્કોહોલ અને પાવરના અન્ય ગ્રેડનો પ્રોડક્ટ પોર્ટફોલિયો ધરાવે છે. તે વૈશ્વિક સ્તરે એમપીઓની સૌથી મોટી ઉત્પાદક છે, દુનિયામાં કુદરતી 1, 3 બ્યુટિલીન ગ્લાયકોલની બે ઉત્પાદકો પૈકીની એક છે, ભારતમાં ઇથાઇલ એસિટેટની ચોથી સૌથી મોટી ઉત્પાદક છે અને બાયો ઇથાઇલ એસિટેટનું ઉત્પાદન કરતી ભારતમાં એકમાત્ર કંપની છે.
એચડીએફસી બેંક ગ્રામીણ પહોંચને બમણી બનાવશે
ખાનગી ક્ષેત્રની અગ્રણી એવી એચડીએફસી બેંક આગામી 18 થી 24 મહિનામાં તેનો ગ્રામ્ય સંપર્ક વધારીને 2 લાખ ગામડાં સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક ધરાવે છે. હાલમાં રૂરલ બેંકીંગ સર્વિસીસમાં 1 લાખ ગામડાં સુધી પહોંચે છે. બેંક તેની શાખાઓનું નેટવર્ક, બિઝનેસ કોરસપોન્ડન્ટસ, બિઝનેસ ફેસિલીટેટર્સ, સીએસસી પાર્ટનર્સ, વર્ચ્યુઅલ રિલેશનશીપ મેનેજમેન્ટ અને ડીજીટલ આઉટરીચ પ્લેટફોર્મ્સ મારફતે આ સંપર્ક વધારવાનું આયોજન ધરાવે છે. આ આયોજનથી બેંક દેશના અંદાજે એક તૃતિયાંશ ગામડાં સુધી પહોંચશે. હાલમાં બેંક દેશના 550થી વધુ જીલ્લાઓમાં એસએમઈ ક્ષેત્રને તેની સેવા પહોંચાડી રહી છે.

રૂપિયો 15 પૈસા ગગડીને 73.83 પર બંધ થયો

યુએસ ડોલર સામે ભારતીય ચલણમાં સપ્તાહની શરૂઆત નરમાઈ સાથે જોવા મળી હતી. ગ્રીનબેક સામે તેણે 73.70નો મહત્વનો સપોર્ટ તોડ્યો હતો. યુએસ ડોલર સામે તે શુક્રવારના 73.68ના બંધ ભાવથી 15 પૈસા ગગડ્યો હતો અને 73.83 ડોલર પર બંધ રહ્યો હતો. ગયા સપ્તાહે પણ તે ચોખ્ખા ઘસારા સાથે બંધ જોવા મળ્યો હતો.

નેચરલ ગેસમાં 5 ટકાનો ઉછાળો નોંધાયો
કોમોડિટી માર્કેટમાં ગોલ્ડ અને ઝીંક સિવાય સિવાય સપ્તાહની શરૂઆત મજબૂતી સાથે જોવા મળી હતી. જેમાં નેચરલ ગેસમાં સૌથી વધુ 4.9 ટકાનો ઉછાળો નોંધાયો હતો. જ્યારે ક્રૂડ ઓઈલમાં 1.41 ટકા, ચાંદીમાં એક ટકાનો જ્યારે કોપરમાં અડધા ટકાનો સુધારો જોવા મળતો હતો.

વર્ષના અંત સુધીમાં ક્રૂડ 90 ડોલર પર પહોંચશેઃ ગોલ્ડમેન સાચ
ગયા સપ્તાહે વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ ત્રણ વર્ષની ટોચ પર પહોંચ્યાં હતાં
વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ ચાલુ વર્ષના અંત સુધીમાં 90 ડોલર પ્રતિ બેરલની સપાટીને સ્પર્શે તેવી શક્યતા ગોલ્ડમેન સાચે વ્યક્ત કરી છે. ડેલ્ટા વેરિઅન્ટમાંથી ઝડપી રિકવરી અને તથા હરિકેન ઈડાને કારણે વૈશ્વિક સપ્લાય પર થયેલી અસરને જોતાં ક્રૂડના ભાવમાં મજબૂતીની શક્યતાં જણાય રહી છે. વૈશ્વિક બજારમાં સોમવારે બ્રેન્ટ ક્રૂડના ભાવ 79.19 ડોલર પ્રતિ બેરલની ત્રણ વર્ષની ટોચ પર જોવા મળતાં હતાં. જ્યારે યુએસવ વેસ્ટ ટેક્સાસ ઈન્ટરમિડિએટ ક્રૂડન ભાવ 75.08 ડોલર પર જોવા મળી રહ્યાં હતાં.
ગોલ્ડમેન સાચે તેના રિપોર્ટમાં જણાવ્યું છે કે અમે લાંબા સમયથી ઓઈલમાં તેજીનો મત ધરાવીએ છીએ. જોકે ડેલ્ટા વેરિઅન્ટમાંથી અપેક્ષા કરતાં ઝડપી રિકવરીને જોતાં વર્તમાન ગ્લોબલ સપ્લાય-ડિમાન્ડ ખાધ અમારી અપેક્ષા કરતાં ઊંચી છે. જેને જોતાં વૈશ્વિક સપ્લાય અમારી ધારણા કરતાં નીચો રહેશે એમ તેણે જણાવ્યું છે. મહિનાની શરૂઆતમાં ઓપેક અને અન્ય સહયોગીઓએ જુલાઈ મહિનામાં તેમણે નક્કી કરેલા વિક્રમી ઉત્પાદન કાપના નિર્ણયને વળગી રહેવા અંગે સહમતિ દર્શાવી હતી. જોકે જુલાઈ બાદ ઓપેક સહિતના દેશોની ઉત્પાદન વૃદ્ધિ કરતાં હરિકેન ઈડાને કારણે વધુ સપ્લાય ખોરવાયો હતો અને તેથી નોન-શેલ ઉત્પાદનાં હજુ પણ તકલીફ ચાલુ રહેશે એમ ગોલ્ડમેન સાચ જણાવે છે. ચાલુ મહિનાની શરૂમાં યુએસ ખાતે ગલ્ફ ઓફ મેક્સિકોમાઁથી પસાર થયેલા ઈડા અને નિકોલસ નામના વાવાઝોડાને કારણે પ્લેટફોર્મ્સ અને પ્રોસેસિંગ હબ્સને નુકસાન થયું હતું અને તેને કારણે સપ્તાહો સુધી ઓફશોર પ્રોડક્શન પર અસર જળવાશે. ગોલ્ડમેનના જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે ગેસની તંગની કારણે ઓઈલ ચલિત પાવર જનરેશન પ્લાન્ટની માગમાં ઓર વૃદ્ધિ થશે. જોકે ભવિષ્યમાં નવા વાઈરસના ખતરા તથા ઓપેક સહિતના ઉત્પાદકોની આક્રમક ઉત્પાદન વૃદ્ધિ હાલની પુરવઠા તંગીને ઝડપથી હળવી કરશે એમ તેણે જણાવ્યું છે.

લોકડાઉનમાં વધુ રાહતો પાછળ હોટેલ્સ કંપનીઓના શેર્સમાં આગેકૂચ જારી
ઓક્ટોબરથી ઘણા શહેરોમાં આંશિક લોકડાઉન દૂર થશે જ્યારે ફ્લાઈટ ક્ષમતા પણ વધવાથી પેસેન્જર ટ્રાફિક વધશે
આગામી મહિનાની શરૂઆતથી મુંબઈ સહિત દેશના ઘણા શહેરોમાં આંશિકપણે જોવા મળતાં નિયંત્રણો પર દૂર થવા પાછળ હોટેલ ઉદ્યોગ ક્ષેત્રે સેન્ટિમેન્ટમાં સુધારો જળવાયો છે. સોમવારે બ્રોડ માર્કેટમાં મોટી હલચલના અભાવ વચ્ચે હોટેલ અને રિસોર્ટ કંપનીઓના શેર્સમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી અને તેમણે 12 ટકા સુધીનો સુધારો દર્શાવ્યો હતો.
માર્કેટ નિરીક્ષકોના મતે છેલ્લાં બે વર્ષોમાં બ્રોડ માર્કેટમાં અવિરત સુધારા વચ્ચે સૌથી વધુ અન્ડરપર્ફોર્મન્સ દર્શાવનાર હોટેલ કંપનીઓના શેર્સ તરફ આખરે રોકાણકારો વળ્યાં છે. તેનું કારણ તેઓ હાલમાં સસ્તાં વેલ્યૂએશન પર પ્રાપ્ય છે. બાકીનું બજાર ઊંચા વેલ્યૂએશન પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે હોટેલ્સ શેર્સ તેમની સર્વોચ્ચ સપાટીથી ઘણા નીચે મળી રહ્યાં છે. સરકારે ઉડ્ડયન કંપનીઓને 82 ટકા ક્ષમતા સાથે ઉડાનની આપેલી છૂટને કારણે પણ દેશમાં પેસેન્જર ટ્રાફિક વધશે. આ ઉપરાંત આગામી ત્રણ મહિના તહેવારોના રહેશે. જેને કારણે એર ટ્રાફિક ઊંચો રહેશે. જેનો સીધો લાભ હોટેલ ઉદ્યોગને મળશે. છેલ્લાં બે વર્ષોથી દેશમાં નહિ આવેલા એનઆરઆઈ પણ દેશની મુલાકાત લેશે અને તેઓ હોટેલ્સમાં રહેવાનું પસંદ કરશે. જે પણ હોટેલ ઉદ્યોગની ઓક્યૂપન્સીને છેલ્લાં ઘણા વર્ષોની પીક પર લઈ જાય તેવી શક્યતા છે. જેઓ લેઝર ટ્રિપ નથી કરી શક્યાં તેઓ પણ આગામી મહિનાઓમાં વેકેશન પર જઈ શકે છે. જેને કારણે મહિન્દ્રા હોટેલ્સ એન્ડ રિસોર્ટ્સ જેવી કંપનીનો શેર સોમવારે તેની બે વર્ષોની ટોચ પર જોવા મળ્યો હતો. કંપનીનો શેર 3.22 ટકા સુધરી રૂ. 246.95ના સ્તરે બંધ રહ્યો હતો. 52-સપ્તાહના રૂ. 107ના તળિયેથી તે નોંધપાત્ર સુધારો દર્શાવી ચૂક્યો છે. પ્યોર હોટેલ પ્લે એવા ઈઆઈએચ હોટેલનો શેર 12 ટકાથી વધુના ઉછાળે રૂ. 140.95ની તેની વાર્ષિક ટોચ પર જોવા મળ્યો હતો. ઈન્ટ્રા-ડે દરમિયાન તેણે રૂ. 150.95ની સપાટી દર્શાવી હતી. કંપનીનો શેર રૂ. 72ના તળિયા સામે લગભગ 100 ટકા રિટર્ન આપી ચૂક્યો છે. ચલેત હોટેલ્સનો શેર 11 ટકા જેટલો ઉછળ્યો હતો. જ્યારે લેમન ટ્રી હોટેલ્સનો શેર 7 ટકાનો સુધારો દર્શાવતો હતો. ટાટા જૂથની ઈન્ડિયન હોટેલ્સનો શેર વધુ 6 ટકા સુધારા સાથે છેલ્લા સપ્તાહમાં 25 ટકા જેટલો ઉછાળો સૂચવી રહ્યો છે.

હોટેલ શેર્સનો સોમવારનો દેખાવ
સ્ક્રિપ્સ વૃદ્ધિ(ટકામાં)
EIH 12.04
ચલેત હોટેલ્સ 10.53
લેમન ટ્રી હોટેલ 7.00
ઈન્ડિયન હોટેલ્સ 6.00
મહિન્દ્રા હોલિડેઝ 3.22
RILનું માર્કેટ-કેપ રૂ. 17 લાખ કરોડના સ્તરને પાર કરી ગયું
મુકેશ અંબાણીની માર્કેટ વેલ્થ રૂ. 8.6 લાખ કરોડ અથવા 117 અબજ ડોલર પર પહોંચી
સોમવારે કંપનીનો શેર 1.7 ટકાના ઉછાળે રૂ. 2525.20ની સર્વોચ્ચ સપાટી પર બંધ જોવા મળ્યો
2020માં 40 ટકાથી વધુના વાર્ષિક વળતર બાદ સતત બીજા વર્ષે હેવીવેઈટનું આઉટપર્ફોર્મન્સ
કંપનીનો શેર માર્ચ 2020ના રૂ. 850ના તળિયા સામે લગભગ ત્રણ ગણા ભાવ પર પહોંચ્યો

ભારતીય શેરબજારમાં હેવીવેઈટ ગણાતાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર સોમવારે તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. જે સાથે જ કંપનીનું માર્કેટ-કેપ રૂ. 17 લાખ કરોડના સ્તરને પાર કરી રૂ. 17.07 લાખ કરોડ પર જોવા મળ્યું હતું. કંપનીમાં 50.6 ટકા હિસ્સા સાથે પ્રમોટર મુકેશ અંબાણી પરિવારની માર્કેટ વેલ્થ રૂ. 8.6 લાખ કરોડ અથવા 116.88 અબજ ડોલર પર જોવા મળતી હતી.
ચાલુ કેલેન્ડરમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર 27 ટકાથી વધુનું રિટર્ન દર્શાવી રહ્યો છે. બીએસઈ ખાતે સોવારે તેણે રૂ. 42.25નો સુધારો દર્શાવ્યો હતો અને પ્રથમવાર રૂ. 2500ના સ્તર પર બંધ આપવામાં સફળ રહ્યો હતો. 31 ડિસેમ્બરે કંપનીનો શેર રૂ. 1984.65ના સ્તરે બંધ જોવા મળતો હતો. કેલેન્ડર 2020માં 40 ટકાથી વધુના રિટર્ન બાદ સતત બીજા વર્ષે કંપનીના શેરે બ્રોડ માર્કેટની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. જો માર્ચ 2020ના રૂ. 850ના તળિયાના ભાવથી જોઈએ તો કંપનીનો શેર લગભગ ત્રણ ગણા ભાવે ટ્રેડ દર્શાવી રહ્યો છે. તેણે ચાલુ સપ્ટેમ્બરની શરૂઆતમાં એક વર્ષ અગાઉ તેણે દર્શાવેલી રૂ. 2369ની સર્વોચ્ચ સપાટીને પાર કરી હતી. જ્યારબાદ કેટલાંક ટ્રેડિંગ સત્રો સુધી કોન્સોલિડેટ થયા બાદ સોમવારે મહત્વનું બ્રેકઆઉટ દર્શાવ્યું હતું. માર્કેટ એનાલિસ્ટ્સના મતે ફ્રેશ બ્રેકઆઉટ બાદ રિલાયન્સ માટે હવેનું નજીકનું ટાર્ગેટ રૂ. 2620નું રહેશે. મધ્યમગાળામાં તે રૂ. 3000 સુધીની તેજી દર્શાવે તેવી શક્યતા તેઓ વ્યક્ત કરી રહ્યાં છે. લોંગ ટ્રેડર્સને તેઓ રૂ. 2430ના સ્ટોપલોસ પાલન કરવાનું પણ તેઓ જણાવે છે.
ફંડામેન્ટલ્સની વાત કરીએ તો ક્રૂડના ભાવોમાં મજબૂતીને કારણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેર પર પોઝીટીવ અસર જોવા મળી રહી છે. વિશ્વમાં એક લોકેશન પર સૌથી મોટી રિફાઈનીંગ ક્ષમતા ધરાવતી કંપનીના ગ્રોસ રિફાઈનીંગ માર્જિનમાં નોંધપાત્ર વૃદ્ધિની સંભાવના જોવાઈ રહી છે. સાથે કંપનીમાં સાઉદી અરામ્કો તરફથી કોઈપણ સમયે હિસ્સો ખરીદવાની જાહેરાત કરવામાં આવે તેવું પણ બજાર કેટલાક સમયથી અપેક્ષા રાખી રહ્યું છે. જોકે આ કારણ ઘણે અંશે ડિસ્કાઉન્ટ છે. જોકે અરામ્કો કયા ભાવે કંપનીમાં હિસ્સો ખરીદે છે તેને ધ્યાનમાં રાખી બજાર પ્રતિક્રિયા આપશે એમ વર્તુળો જણાવે છે. કંપનીનો ટેલિકોમ બિઝનેસ પણ ઝડપથી વૃદ્ધિ દર્શાવી રહ્યો છે અને જુલાઈ મહિનામાં રિલાયન્સ જિઓએ 65 લાખ નવા સબસ્ક્રાઈબર્સનો ઉમેરો કર્યો હતો. જે જૂન મહિનામાં 55 લાખ જ્યારે મે મહિનામાં 35 લાખના સ્તરે જોવા મળતાં હતાં. આમ જીઓના બેઝમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે. કંપનીએ તાજેતરમાં રિન્યૂએબલ બિઝનેસમાં પ્રવેશવાની જાહેરાત પાછળ પણ કંપનીના શેરમાં રોકાણકારોનો રસ વધ્યો છે. કંપની આ ક્ષેત્રે આગામી સમયગાળામાં એક્વિઝીશન્સ પણ કરી શકે તેવી સંભાવના છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage