Market Summary 27 September 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


ઈન્ટ્રા-ડે વધ-ઘટ વચ્ચે માર્કેટે ફ્લેટ બંધ દર્શાવ્યું
એશિયન બજારો ઈન્ટ્રા-ડે તળિયેથી પરત ફર્યાં
આઈટી, ફાર્મા અને એફએમસીજી તરફથી સપોર્ટ સાંપડ્યો
મેટલ, ઓટો, બેંકિંગ અને રિઅલ્ટીમાં નરમાઈ
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.51 ટકા ગગડી 21.56ની સપાટીએ
સિમેન્ટ શેર્સમાં બે બાજુની વધ-ઘટ વચ્ચે નરમાઈ
ચીનનું માર્કેટ 1.5 ટકા સુધરી બંધ આવ્યું
એક્સપાયરી પાછળ આગામી બે દિવસ ઊંચી વધ-ઘટની શક્યતાં


ભારતીય શેરબજારમાં મંગળવારે ઘટાડો અટક્યો હતો. જોકે ઈન્ટ્રા-ડે બે બાજુની વધ-ઘટ વચ્ચે બજાર સાધારણ નરમાઈ સાથે ફ્લેટ બંધ જોવા મળ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 38 પોઈન્ટ્સ ઘટાડે 57107.5ની સપાટીએ જ્યારે નિફ્ટી 9 પોઈન્ટ્સ ગગડી 17007ની સપાટીએ બંધ રહ્યો હતો. સતત બીજા દિવસે ઈન્ટ્રા-ડે 17 હજારની નીચે ઉતરી ગયા બાદ તે 17 હજારની સપાટી જાળવી રાખવામાં સફળ રહ્યો હતો. લાર્જ-કેપ્સમાં નીચા સ્તરે લેવાલી પાછળ નિફ્ટી કાઉન્ટર્સ પોઝીટીવ બ્રેડ્થ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટીના 50 શેર્સમાંથી 27 સુધારા સાથે બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 23 ઘટાડો સૂચવતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી અને તેથી રિટેલ રોકાણકારોને રાહત મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.51 ટકા ગગડી 21.56ની સપાટીએ જોવા મળ્યો હતો.
યુએસ બજારોએ સોમવારે પણ ઘટાડો જાળવતાં એશિયન બજારોએ સપ્તાહના બીજા દિવસે નરમાઈ સાથે કામગીરીની શરૂઆત દર્શાવી હતી. જોકે ધીમે-ધીમે શોર્ટ કવરિંગ પાછળ બજારો સુધર્યાં હતાં અને સામાન્ય વધ-ઘટ સાથે બંધ રહ્યાં હતાં. ચીનનું બજાર 1.5 ટકાના નોઁધપાત્ર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. હોંગ કોંગ માર્કેટ પણ તેના વાર્ષિક તળિયા પરથી સુધરી પોઝીટીવ જોવા મળ્યું હતું. યુરોપ બજારોમાં યૂકેને બાદ કરતાં જર્મની અને ફ્રાન્સના બજારો પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. ટેકનિકલ એનાલિસ્ટના મતે ભારતીય બજાર 17000ના સ્તર આસપાસ સપોર્ટ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું છે. નિફ્ટીને 20-ડીએમએનો 16800 અને 34-ડીએમએનો 16880નો સપોર્ટ છે. આમ 16880-16800ની રેંજમાં તે સપોર્ટ મેળવે તેવી શક્યતાં છે. જ્યારે ઉપરમાં નિફ્ટીને 16460નો અવરોધ છે. ત્યાં સુધી એક પુલબેક સંભવ છે. બે ટ્રેડિંગ સત્રોથી ડિફેન્સિવ્સ તરફથી બજારને સપોર્ટ મળી રહ્યો છે. મંગળવારે પણ આઈટી, ફાર્મા અને એફએમસીજી કાઉન્ટર્સ મજબૂતી સૂચવતાં હતાં. જ્યારે બીજી બાજુ બેંકિંગ, મેટલ, એનર્જી, રિઅલ્ટી જેવા સેક્ટર્સ વેચવાલીનું દબાણ અનુભવી રહ્યાં છે. ડોલર સામે રૂપિયામાં ઘટાડાને પગલે પણ નિકાસલક્ષી આઈટી અને ફાર્મા સેક્ટર્સમાં લેવાલી જોવા મળી રહી છે. મંગળવારે જોકે રૂપિયો ડોલર સામે સાધારણ સુધારે બંધ આવ્યો હતો. વૈશ્વિક ડોલરમાં નરમાઈને કારણે સ્થાનિક ચલણને રાહત મળી હતી. સોમવારે વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સે ભારતીય બજારમાં રૂ. 5100 કરોડનું જંગી વેચાણ દર્શાવ્યું હતું.
મંગળવારે નિફ્ટી આઈટી એક ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. તે દિવસની ટોચની સપાટીએ જ બંધ જોવા મળ્યો હતો. સુધારો દર્શાવવામાં મીડ-કેપ આઈટી શેર્સ અગ્રણી હતાં. જેમાં માઈન્ડટ્રી, એલએન્ડટી ઈન્ફોટેક, એચસીએલ ટેક્નોલોજી, ઈન્ફોસિસ, વિપ્રો, એલએન્ટડી ટેક્નોલોજી અને ટીસીએસનો સમાવેશ થાય છે. એકમાત્ર ટેક મહિન્દ્રા એક ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. આઈટી સેક્ટર્સ તેમની વર્ષ અગાઉની સર્વોચ્ચ સપાટીએથી 40 ટકા જેટલો ઘટાડો દર્શાવી રહ્યાં છે. ફાર્મા સેક્ટરે પણ સત્રની શરૂઆતથી મજબૂત દેખાવ જાળવ્યો હતો અને દિવસની ટોચ પર બંધ આપવામાં સફળ રહ્યું હતું. ફાર્મા કાઉન્ટર્સમાં સિપ્લા 3 ટકાથી વધુ મજબૂતી સાથે બંધ જોવા મળ્યો હતો. તે પ્રથમવાર રૂ. 1100ની સપાટીને ઈન્ટ્રા-ડે ધોરણે પાર કરી રૂ. 1098.70ના સ્તરે બંધ રહ્યો હતો. નોંધપાત્ર સુધારો દર્શાવનાર અન્ય આઈટી કાઉન્ટર્સમાં બાયોકોન, ટોરેન્ટ ફાર્મા, ડો. રેડ્ડીઝ, ઝાયડસ લેબ્સ, લ્યુપિન, ડિવિઝ લેબ, આલ્કેમ લેબનો સમાવેશ થાય છે. એકમાત્ર સન ફાર્મા નબળો રહ્યો હતો. નિફ્ટી એફએમસીજી ઈન્ડેક્સ 0.64 ટકા સુધારે બંધ રહ્યો હતો. દિવસની શરૂઆતમાં ટોચ બનાવ્યાં બાદ તે સમગ્ર દિવસ દરમિયાન કોન્સોલિડેશનમાં જોવા મળ્યો હતો. ટોચનો સુધારો દર્શાવનાર એફએમસીજી કાઉન્ટર્સમાં ટાટા કન્ઝ્યૂમર્સ 2 ટકાથી વધુ સુધર્યો હતો. આ ઉપરાંત મેરિકો, યુનાઈટેડ સ્પિરિસ્ટ્સ, ગોદરેજ કન્ઝ્યૂમર, નેસ્લે, બ્રિટાનિયા, ડાબર ઈન્ડિયા, જ્યુબિલિઅન્ટ ફૂડ, કોલગેટ, એચયૂએલ અને આઈટીસીનો સમાવેશ થાય છે. એફએમસીજી સાથે નિફ્ટી મિડિયા પણ 0.34 ટકા સુધારો સૂચવી રહ્યો હતો. જોકે મેટલ, બેંકિંગ અને ઓટોમાં નરમાઈ લંબાઈ ગઈ હતી. નિફ્ટી મેટલ એક ટકા ઘટાડો દર્શાવતો હતો. જેમાં ઘટવામાં સ્ટીલ શેર્સ મુખ્ય હતાં. ટાટા સ્ટીલ 2.2 ટકા ઘટાડે સૌથી વધુ ગગડ્યો હતો. જેએસડબલ્યુ સ્ટીલ પણ 1.4 ટકા તૂટ્યો હતો. જ્યારે વેદાંત, અદાણી એન્ટરપ્રાઈઝ અને કોલ ઈન્ડિયા પણ નરમ જોવા મળ્યાં હતાં. મેટલ શેર્સમાં એનએમડીસી 1.22 ટકા અને હિંદુસ્તાન ઝીંક 0.6 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. નિફ્ટી બેંક 0.7 ટકા ઘટાડે સતત ચોથા દિવસે નરમ રહ્યો હતો. ટોચના બેંકિંગ શેર્સમાં ઘટાડા પાછળ બેન્ચમાર્ક તૂટ્યો હતો. તેના ઘટકોમાં કોટક બેંક 1.62 ટકા, એસબીઆઈ 1.25 ટકા, આઈસીઆઈસીઆઈ બેંક એક ટકા, એચડીએફસી બેંક એક ટકા અને એક્સિસ બેંક 0.7 ટકા નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ નાની બેંક્સ સુધારો દર્શાવતી હતી. જેમાં ફેડરલ બેંક 3 ટકા જ્યારે પીએનબી 2 ટકા સુધરી બંધ રહી હતી. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસ ઈન્ડેક્સ પણ 0.8 ટકા ગગડ્યો હતો. જેમાં પિરામલ એન્ટરપ્રાઈઝ, એસબીઆઈ લાઈફ, આરઈસી, શ્રીરામ ટ્રાન્સપોર્ટ ફાઈનાન્સ, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ જેવા કાઉન્ટર્સ ઘટાડો દર્શાવવામાં ટોચ પર હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં આઈજીએલ 7 ટકા સાથે સૌથી વધુ સુધારો દર્શાવતો હતો. અન્ય બે સિટિ ગ્રૂપ પ્લેયર્સ મહાનગર ગેસ અને ગુજરાત ગેસના શેર્સ પણ 6 ટકાથી વધુ મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. આ ઉપરાંત મૂથૂત ફાઈનાન્સ, ઈન્ફો એજ, ઈન્ડિયન હોટેલ્સ, જીએસપીસી, આઈડીએફસી, એસબીઆઈ કાર્ડ, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, ડો. લાલ પેથલેબ્સ, અબોટ ઈન્ડિયા, લૌરસ લેબ્સ, વોલ્ટાસમાં 2 ટકાથી ઊંચો સુધારો જોવા મળતો હતો. એફએન્ડઓ સેગમેન્ટમાં ઘટાડો દર્શાવનાર કાઉન્ટર્સમાં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ 4 ટકાથી વધુ ગગડ્યો હતો. આ ઉપરાંત કેનફિન હોમ્સ 3.4 ટકા, હીરો મોટોકોર્પ 3 ટકા, એમસીએક્સ ઈન્ડિયા 3 ટકા, ભારત ફોર્જ 3 ટકા, હિંદુસ્તાન એરોનોટિક્સ 2.5 ટકા, અશોક લેલેન્ડ 2.3 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. અનેક કંપનીઓએ તેમના વાર્ષિક તળિયા દર્શાવ્યાં હતાં. બીએસઈ ખાતે કુલ ટ્રેડેડ 3540 કંપનીઓમાંથી 1868 પોઝીટીવ બંધ દર્શાવતી હતી. જ્યારે 1639 ઘટાડો સૂચવતી હતી. 87 કંપનીઓએ વાર્ષિક ટોચ જ્યારે 62 કંપનીઓએ વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું.

નિફ્ટી-500ના અડધાંથી વધુ કાઉન્ટર્સ 200-DMA નીચે ઉતર્યાં
જૂથના 268 કાઉન્ટર્સ તેમના મહત્વના ટેકનિકલ સપોર્ટ નીચે ટ્રેડ થઈ રહ્યાં છે

ભારતીય શેરબજારમાં છેલ્લાં સપ્તાહમાં તીવ્ર ઘટાડા પાછળ ટ્રેડર્સ તથા મ્યુચ્યુલ ફંડ્સ માટે મહત્વના ઈન્વેસ્ટમેન્ટ બાસ્કેટ એવા નિફ્ટી-500 જૂથના અડધાંથી વધુ શેર્સ તેમના મહત્વના ટેકનિકલ સપોર્ટ 200-ડીએમએની નીચે ઉતરી ગયાં છે. કેલેન્ડર 2022 માટે બેન્ચમાર્ક નિફ્ટી નેગેટિવ ઝોનમાં સરી પડ્યો છે અને લાર્જ-કેપ્સમાં સરેરાશ 10 ટકા વેલ્યૂ ધોવાણ નોંધાયું છે.
નિફ્ટી-500 જૂથના દેખાવનો અભ્યાસ કરીએ તો જણાય છે કે નિફ્ટી-500 જૂથના 500માંથી 268 કાઉન્ટર્સ 200-ડે મૂવીંગ એવરેજની નીચે ઉતરી ગયા છે. લાંબાગાળાના રોકાણકારો તેમના રોકાણના નિર્ણય લેવા માટે 200-ડીએમએને મહત્વના માપદંડ તરીકે ગણનામાં લેતાં હોય છે. જો શેર તેની 200-ડીએમએથી ઉપર ટ્રેડ થતો હોય તો તે ભવિષ્યમાં સુધારાતરફી રહેવાની શક્યતાં રહે છે. જ્યારે આ લેવલની નીચે તેણે બ્રેકડાઉન દર્શાવ્યું હોવાનું ગણવામાં આવે છે અને તેથી ટેકનિકલ એનાલિસ્ટ્સ આવા કાઉન્ટર્સમાં રોકાણ ટાળવાની સલાહ આપતાં હોય છે. ટ્રેડર્સ પણ એવા જ સ્ટોક્સ પસંદ કરતાં હોય છે જે તેમની 200-ડીએમએની સપાટી પર ટ્રેડ કરતાં હોય છે. કેમકે તેઓ વધુ સારા દેખાવની શક્યતાં ધરાવે છે.
એનાલિસ્ટ્સના મતે ગયા સપ્તાહે યુએસ ફેડ તરફથી સતત ત્રીજી વાર 75 બેસીસ પોઈન્ટ્સની રેટ વૃદ્ધિ બાદ ઈન્વેસ્ટર્સ તરફથી પેનિક સેલીંગને કારણે અનેક કાઉન્ટર્સ 5-10 ટકાની રેંજમાં તૂટી ચૂક્યાં છે. જ્યારે કેટલાંક કાઉન્ટર્સે આનાથી પણ વધુ ઘટાડો નોંધાવ્યો છે. આ જ કારણથી તેઓ મે-જૂન બાદ ફરી એકવાર 200-ડીએમએના સ્તરની નીચે ટ્રેડ થઈ રહ્યાં છે. તેમના મતે વિદેશમાં ઘટી રહેલી ઘટનાઓ પાછળ ભારતીય બજારને શિક્ષા મળી છે. ઘણી રેટિંગ એજન્સીઝે 2022-23 માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરમાં અગાઉના અંદાજમાં ઘટાડો કર્યો છે, તેમ છતાં ભારત વિશ્વમાં સૌથી ઝડપે વૃદ્ધિ દર્શાવનાર અર્થતંત્ર બની રહેશે તે નિશ્ચિત છે. ઉપરાંત વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં ઘટાડો, ઘરઆંગણે સારા ચોમાસા પાછળ સારી ખરિફ સિઝન જેવા પરિબળો ભારતીય અર્થતંત્રને મહત્વનો સપોર્ટ પૂરો પાડી રહ્યાં છે. જોકે તાજેતરમાં વૈશ્વિક ડોલરમાં મજબૂતી પાછળ રૂપિયામાં ઝડપી ઘટાડાએ વિદેશી રોકાણકારોને ફરી વેચવાલ બનાવ્યાં છે. જે સ્થાનિક બજાર માટે ચિંતાનો વિષય છે.
200-ડીએમએથી નીચે ટ્રેડ દર્શાવી રહેલાં કેટલાંક નામી કાઉન્ટર્સમાં બીપીસીએલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, શ્રી સિમેન્ટ, એચડીએફસી બેંક, એચડીએફસી, યૂપીએલ, જિંદાલ સ્ટીલ એન્ડ પાવર, એપોલો હોસ્પિટલ્સ, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક, પીએનબી હાઉસિંગ ફાઈનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાટા કોમ્યુનિકેશન્સનો સમાવેશ થાય છે.


ટોરેન્ટ ફાર્માએ ક્યૂરેશ્યો હેલ્થકેરની ખરીદી કરી
આ ખરીદીથી ઝડપથી વિકસી રહેલાં ડર્મેટોલોજી સેગમેન્ટમાં ટોરેન્ટ ફાર્માની હાજરી વધશે

અમદાવાદ મુખ્યાલય ધરાવતી ટોરેન્ટ ફાર્માએ ક્યૂરેશ્યો હેલ્થકેરની ખરીદી કરી છે. કંપનીએ રૂ. 2000 કરોડમાં ક્યૂરેશ્યો હેલ્થકેર(આઈ) પ્રાઈવેટ લિમિટેડ(ક્યૂરેશ્યો)માં 100 ટકા હિસ્સો ખરીદવા માટે ડેફિનેટીવ એગ્રીમેન્ટમાં પ્રવેશ કર્યો છે. જે હેઠળ સાઈનીંગ તારીખે રૂ. 115ની કેશ અને ખરિદેલા બિઝનેસમાં રૂ. 1885 કરોડની એન્ટરપ્રાઈઝ વેલ્યૂને સૂચવતાં કેશ ઈક્વિવેલન્ટ્સનો સમાવેશ થાય છે. ક્યૂરેશ્યો કોસ્મેટીક ડર્મેટોલોજિ સેગમેન્ટમાં ભારતમાં 50થી બ્રાન્ડ્સ સાથે મજબૂત હાજરી ધરાવે છે. ક્યૂરેશ્યોના પોર્ટફોલિયોમાં ટેડિબાર, એટોગ્લા, સ્પૂ, બી4 નેપ્પી અને પર્મિટ જેવી બ્રાન્ડનો સમાવેસ થાય છે. જે તેમના કવર્ડ માર્કેટમાં ટોચની પાંચ બ્રાન્ડ્સ છે. ક્યૂરેશ્યોની ટોચની 10 બ્રાન્ડ્સ કુલ રેવન્યૂનો 75 ટકા હિસ્સો ધરાવે છે. આ ખરીદી સાથે ટોરેન્ટ ફાર્માના ફિલ્ડ ફોર્સમાં 600 એમઆરનો ઉમેરો થશે. જ્યારે 900 સ્ટોકિસ્ટ્સના ડિસ્ટ્રીબ્યુશન નેટવર્કનો ઉમેરો પણ થશે. નાણા વર્ષ 2021-22માં ક્યૂરેશ્યોએ રૂ. 224 કરોડની આવક દર્શાવી હતી. ચાલુ વર્ષે અત્યાર સુધીમાં વેચાણમાં 25 ટકા વૃદ્ધિને જોતાં ક્યૂરેશ્યો 2022-23માં રૂ. 275 કરોડની રેવન્યૂની અપેક્ષા ધરાવે છે. ક્યૂરેશ્યોની આવકમાં ડર્મેટોલોજિ 82 ટકા હિસ્સો ધરાવે છે. છેલ્લાં એક દાયકામાં કોસ્મેટીક ડર્મેટોલોજીએ સરેરાશ વાર્ષિક 18 ટકા વૃદ્ધિ દર નોંધાવ્યો છે. આ ખરીદી સાથે ટોરેન્ટ ફાર્મા ડર્મેટોલોજિમાં ટોચના 10 પ્લેયર્સમાં સમાવેશ પામશે. તે કંપનીને ડર્મેટોલોજી સેક્ટરમાં તેની હાજરી મજબૂત બનાવવાની તક પૂરી પાડશે. કંપનીના ડિરેક્ટર અમન મહેતાએ જણાવ્યું હતું કે અમે ક્યૂરેશ્યો સાથેના ડીલથી ખૂશીની લાગણી અનુભવીએ છીએ. આ ખરીદી ટોરેન્ટને મજબૂત વ્યૂહાત્મક ઉપસ્થિતિની તક પૂરી પાડશે. ટ્રાન્ઝેક્શન્સ એક મહિનામાં ક્લોઝ થવાની અપેક્ષા છે.
ગોલ્ડમાં સાધારણ બાઉન્સ, રૂપિયામાં નજીવો સુધારો
વૈશ્વિક ગોલ્ડના ભાવ તેના અઢી વર્ષના તળિયેથી બાઉન્સ દર્શાવી રહ્યાં છે. મંગળવારે કોમેક્સ ગોલ્ડ વાયદો 1628 ડોલરના તળિયા પર ટ્રેડ થયા બાદ સુધરી 1645.65 ડોલરની સપાટી પર ટ્રેડ દર્શાવી રહ્યું હતું. છેલ્લાં ચાર સપ્તાહ દરમિયાન ગોલ્ડમાં તીવ્ર વેચવાલી જોવા મળી હતી અને તે ઓવરસોલ્ડ ઝોનમાં જોવા મળતું હતું. સોમવારે ડોલર ઈન્ડેક્સ 114ની સપાટી કૂદાવી 22-વર્ષોની ટોચ પર ટ્રેડ દર્શાવતો હતો. જોકે મંગળવારે તે સાધારણ નરમાઈ સાથે સાંકડી રેંજમાં જોવા મળ્યો હતો અને તેને કારણે અન્ય એસેટ માર્કેટ્સને રાહત મળી હતી. જેમાં ઈક્વિટી બજારોમાં વધુ ઘટાડો અટક્યો હતો. જ્યારે ગોલ્ડ અને ક્રૂડ જેવી કોમોડિટીઝના ભાવ પણ પોઝીટીવ ઝોનમાં જોવા મળ્યાં હતાં. ભારતીય ચલણ અગાઉની બંધ સામે 5 પૈસા સુધારે 81.58ની સપાટી પર બંધ રહ્યો હતો.
રાજ્યમાં 85 લાખ હેકટરમાં ખરિફ વાવેતર સંપન્ન
ત્રણ વર્ષના સરેરાશ 86.32 લાખ હેકટર સામે 85.34 લાખ હેકટરમાં 99 ટકા વિસ્તાર આવરી લેવાયો
ગઈ સિઝનમાં સમાનગાળાની સરખામણીમાં 92 હજાર હેકટરમાં ઊંચું વાવેતર
એરંડાનું વાવેતર 6.92 લાખ હેકટરની ત્રણ વર્ષની ટોચે

ગુજરાતમાં ખરિફ વાવેતર વિસ્તાર 85 લાખ હેકટરને પાર કરી ગયો છે. ગયા સપ્તાહે વધુ 42 હજાર હેકટરના ઉમેરા સાથે વાવેતર વિસ્તાર 85.34 લાખ હેકટર પર નોંધાયો હતો. જે ગઈ સિઝનમાં સમાનગાળાની સરખામણીમાં 92 હજાર હેકટરની વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે છેલ્લા ત્રણ વર્ષોમાં 86.32 લાખ હેકટરના સરેરાશ વાવેતર વિસ્તાર સામે 99 ટકા વિસ્તાર આવરી લેવાયો હોવાનું સૂચવે છે. સપ્ટેમ્બર સમાપ્ત થવા સાથે ખરિફ વાવેતર કાર્ય પૂર્ણ થયું છે અને હવે તેમાં કોઈ નોંધપાત્ર ઉમેરાની શક્યતાં નથી.
ગયા સપ્તાહે એરંડા, ઘાસચારા, શાકભાજી અને તમાકુના વાવેતરમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. જેમાં અખાદ્ય તેલિબિયાં એવા એરંડાનું વાવેતર 8 હજાર હેકટરની વૃદ્ધિ સાથે 6.92 લાખ હેકટરે પહોંચ્યું હતું. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 6.13 લાખ હેકટરની સરખામણીમાં 79 હજાર હેકટરની વૃદ્ધિ દર્શાવે છે. સાથે છેલ્લાં ત્રણ વર્ષોમાં સરેરાશ 6.77 લાખ હેકટરની સરખામણીમાં 15 હજાર હેકટર જેટલું ઊંચું છે. એરંડાના ભાવ સારા હોવાથી ખેડૂતોએ પાક પર પસંદગી ઉતારી છે. વર્તુળોના મતે વાવેતર સાત લાખ હેકટર સુધી પહોંચી શકે છે. જે છેલ્લાં ત્રણ વર્ષોમાં સૌથી ઊંચું વાવેતર હશે. ઘાસચારા પાકોનું વાવેતર ગયા સપ્તાહે 7 હજાર હેકટર વધી 10.90 લાખ હેકટરે પહોંચ્યું હતું. જે ત્રણ વર્ષોની 12.06 લાખ હેકટરની સરેરાશ કરતાં નોંધપાત્ર નીચું જોવા મળી રહ્યું છે. વિતેલા સપ્તાહે શાકભાજીના વાવેતરમાં 13 હજાર હેકટરની વૃદ્ધિ નોંધાઈ હતી અને તે 2.51 લાખ હેકટર પર પહોંચ્યું હતું. જ્યારે તમાકુનું વાવેતર પણ 13 હજાર હેકટર ઉમેરા સાથે 42 હજાર હેકટર પર જોવા મળ્યું હતું. દરમિયાનમાં રાજ્યમાં મુખ્ય ખરિફ પાક કપાસની પ્રગતિ ઘણી સારી જોવા મળી રહી છે. તાજેતરમાં કેટલાંક વિસ્તારોમાં છૂટા-છવાયાં વરસાદથી ઊભા પાકને કોઈ નુકસાન નથી પરંતુ રાહત મળી હોવાનું માનવામાં આવે છે. હાલમાં રાજ્યની મંડીઓમાં નવા કપાસની આવકો શરૂ થઈ ચૂકી છે અને દશેરા સુધીમાં આવકો 10 હજાર ગાંસડી સુધી પહોંચે તેવી શક્યતાં છે.


કોર્પોરેટ હેડલાઈન્સ

ટેલિકોમ કંપનીઓઃ ટેલિકોમ કંપનીઓ તેમના બ્રોડબેન્ડ બિઝનેસના વિસ્તરણ માટે ફાઈબર-ટુ-હોમ ફિક્સ્ડ બ્રોડબેન્ડમાં 1.5 અબજ ડોલરથી 2.5 અબજ ડોલરનું જંગી રોકાણ કરશે. ઓપ્ટિક ફાઈબર ઉત્પાદક કંપનીઓના મતે આગામી વર્ષોમાં ફાઈબરની માગ બેથી ત્રણ ગણી વધશે.
કોલ ઈન્ડિયાઃ પાવર ઉત્પાદક કંપનીઓએ કોલ ઈન્ડિયા તરફથી કોલની આયાત માટે મૂકવામાં આવેલા ટેન્ડરના 5.8 ટકા ઓર્ડર વેલ્યૂને ખરીદી લીધી છે. સીઆઈએલના અધિકારીના જણાવ્યા મુજબ 1.2 કરોડના ટેન્ડરમાંથી જનરેશન કંપનીઓએ 7 લાખ ટન સપ્લાયની માગણી કરી હતી.
બીપીસીએલઃ ઓઈલ માર્કેટિંગ કંપની બીપીસીએલ ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન ગ્રોસ માર્કેટિંગ લોસ નોંધાવશે એમ ફિચ રેટિંગ્સે જણાવ્યું છે. ક્રૂડના ભાવમાં વૃદ્ધિને કારણે ઓએમસી કંપનીઓ પર ઊંચો બોજો પડશે.
ઈન્ફોસિસઃ આઈટી સર્વિસ અગ્રણી કંપનીએ કેનેડામાં અબેર્ટા સ્ટેટમાં કાલ્ગેરી ખાતે ડિજીટલ સેન્ટરની શરૂઆત કરી છે. કંપની આ સેન્ટર ખાતે આગામી બે વર્ષોમાં 1000 જોબ્સનું સર્જન કરશે. કંપની 2024 સુધીમાં કેનેડામાં તેના વર્કફોર્સને 8 હજાર કરવાનો ટાર્ગેટ ધરાવે છે.
ગોલ્ડી સોલારઃ ગોલ્ડી સોલાર કંપની 2025 સુધીમાં તેની મોડ્યૂલ મેન્યૂફેક્ચરિંગ ક્ષમતાને 6 ગીગાવોટ્સ સુધી લઈ જવા માટે રૂ. 5 હજાર કરોડનું રોકાણ કરશે. હાલમાં કંપની પીપોદરા અને નવસારી ખાતે 2.6 ગીગાવોટની ઉત્પાદન ક્ષમતા ધરાવે છે.
એપલઃ આઈફોન ઉત્પાદક કંપનીએ જણાવ્યું છે કે તેણે તેના લેટેસ્ટ આઈફોન 14 સિરિઝનું તમિલનાડુમાં ફોક્સકોન ફેકટરીમાં ઉત્પાદન શરૂ કરી દીધું છે. જેની સ્થાનિક બજારમાં પ્રાપ્તિ પણ શરૂ થઈ ચૂકી છે. કંપનીએ વૈશ્વિક લોંચ સાથે જ ભારતમાં ઉત્પાદન શરૂ કર્યું છે.
બીએસઈઃ દેશમાં સૌથી જૂના સ્ટોક એક્સચેન્જને તેના પ્લેટફોર્મ પર ઈલેક્ટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ(ઈજીઆર) સેગમેન્ટ લોંચ કરવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબી તરફથી મંજૂરી મળી છે.
મહિન્દ્રા લોજીસ્ટીક્સઃ મહિન્દ્રા જૂથનીએ કંપની રિવીગો સર્વિસિસ અને તેના પ્રમોટર સાથે તેમના બીટુબી એક્સપ્રેસ બિઝનેસ માટે બિઝનેસ ટ્રાન્સફર એગ્રીમેન્ટ કર્યો છે.
જ્યોતિ સ્ટ્રક્ચર્સઃ કેપિટલ ગુડ્ઝ કંપનીએ સ્ટરલાઈટ પાવર ટ્રાન્સમિશન પાસેથી 400 કેવી અને 220 કેવીના ટર્નકી સપ્લાય અને કન્સ્ટ્રક્શન માટે કોન્ટ્રેક્ટ મેળવ્યો છે.
આરતી ઈન્ડસ્ટ્રીઝઃ કંપનીએ તેના કેમિકલ્સ બિઝનેસમાં નવી કેમિસ્ટ્રી અને વેલ્યૂ એડિશન સાથે 40થી વધુ પ્રોડક્ટ્સ ઉમેરી રહી છે જ્યારે ફાર્મા સેગમેન્ટમાં 50થી વધુ પ્રોડક્ટ્સનો ઉમેરો કરશે.
અમર રાજા બેટરીઝઃ ઓટો બેટરી ઉત્પાદક કંપનીએ સ્કીમ ઓફ એરેન્જમેન્ટ હેઠળ મંગલ ઈન્ડસ્ટ્રીઝના શેર ધારકોને તેમની પાસેના 74 શેર્સ સામે અમર રાજા બેટરીઝના 65 શેર્સ મળશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage