Market Summary 28/11/2023

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

બુલ્સ મક્કમ રહેતાં બેન્ચમાર્ક્સ અઢી-મહિનાની ટોચે પહોંચ્યાં
નિફ્ટી ઓલ-ટાઈમ હાઈથી દોઢ ટકા નીચે
વોલેટિલિટી ઈન્ડેક્સ 7.5 ટકા ઉછળી 12.17ના સ્તરે
બ્રોડ માર્કેટમાં જળવાયેલી ખરીદી
એનર્જી, પીએસયૂ બેંક્સ, મેટલ, રિઅલ્ટી, ઓટોમાં લેવાલી
ફાર્મા, એફએમસીજીમાં નરમાઈ
અદાણી પાવર, એચપીસીએલ, એમસીએક્સ ઈન્ડિયા નવી ટોચે

શેરબજારમાં તેજીવાળાઓ મક્કમ બની રહેતાં બેન્ચમાર્ક્સ તેમની અઢી મહિનાની ટોચ નજીક પહોંચ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 204 પોઈન્ટ્સ વધી 66174ની સપાટીએ જ્યારે નિફ્ટી 95 પોઈન્ટ્સ મજબૂતી સાથે 19890ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં માફકસરની ખરીદી જળવાતાં બ્રેડ્થ સાધારણ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3972 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1906 પોઝીટીવ બંધ જળવાયાં હતાં. જ્યારે 1894 કાઉન્ટર્સ નેગેટિવ રહ્યાં હતાં. 316 કાઉન્ટર્સે તેમની વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 34 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટીલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 7.5 ટકા ઉછળી 12.17ના સ્તરે બંધ રહ્યો હતો.
મંગળવારે એશિયન બજારોમાં મિશ્ર માહોલ વચ્ચે ભારતીય બજારે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 19795ના બંધ સામે 19845ની સપાટીએ ખૂલી મોટાભાગનો સમય સ્થિર ટ્રેડ દર્શાવતો રહ્યો હતો. જોકે, આખરી દોઢ કલાકમાં ઓચિંતી ખરીદી નીકળી હતી અને જોત-જોતામાં તે 19917ની સપાટી પર ટ્રેડ થયો હતો. જોકે, 19900 પર બંધ આપી શક્યો નહોતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 63 પોઈન્ટ્સ પ્રિમીયમ સામે 19953ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 30 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં ઊંચી વૃદ્ધિ સૂચવે છે. જેનો અર્થ એવો થાય છે કે બજારમાં લોંગ પોઝીશન્સમાં ઉમેરો થયો છે. જોકે, બીજી બાજુ વોલેટિલિટી ઈન્ડેક્સ પણ વધ્યો છે અને તેથી નવી ટ્રેડ પોઝીશનમાં સાવચેતી દાખવવી જરૂરી છે. ટ્રેડર્સ 19700ના સ્ટોપલોસ સાથે તેમના ટ્રેડિંગ લોંગ્સ જાળવી શકે છે. સપ્તાહાંતે એક્ઝિટ પોલ પછી માર્કેટમાં કોઈ એકબાજુની મૂવમેન્ટ જોવા મળશે. જો પોલ્સ એનડીએની તરફેણ સૂચવશે તો બેન્ચમાર્ક 20 હજારની સપાટી નવા સપ્તાહે કૂદાવી શકે છે.
નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, અદાણી પોર્ટ્સ, તાતા મોટર્સ, બીપીસીએલ, કોલ ઈન્ડિયા, ઓએજીસી, બજાજ ફિનસર્વ, હીરો મોટોકોર્પ, અલ્ટ્રાટેક સિમેન્ટ, હિંદાલ્કો, બજાજ ફાઈનાન્સ, બ્રિટાનિયા, એનટીપીસી, ગ્રાસિમ, ટાઈટન કંપની, એક્સિસ બેંક, ભારતી એરટેલ, બજાજ ઓટોનો સમાવેશ થતો હતો. જ્યારે એપોલો હોસ્પિટલ, આઈટીસી, આઈશર મોટર્સ, સિપ્લા, આઈસીઆઈસીઆઈ બેંક, સન ફાર્મા, એચડીએફસી બેંક, એચયૂએલમાં નરમાઈ જોવા મળી હતી. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો એનર્જી, પીએસયૂ બેંક્સ, મેટલ, રિઅલ્ટી, ઓટોમાં લેવાલી જોવા મળી હતી. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 2.5 ટકા ઉછળી નવી ટોચ પર બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં અદાણી ગ્રીન એનર્જી, એચપીસીએલ, તાતા પાવર, આઈઓસી, બીપીસીએલ, ઓએનજીસી, એનટીપીસીમાં મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.9 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, એનએમડીસી, કોલ ઈન્ડિયા, સેઈલ, મોઈલ, હિંદાલ્કો, જિંદાલ સ્ટીલ, નાલ્કો, વેદાંત મજબૂતી દર્શાવતાં હતાં. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ એક ટકા ઉછળી નવી ટોચે બંધ દર્શાવતો હતો. જેના ઘટકોમાં તાતા મોટર્સ, મધરસન સુમી, હીરો મોટોકોર્પ, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, ટીવીએસ મોટર, બજાજ ઓટો, બોશ, એમએન્ડએમમાં મજબૂતી જોવા મળતી હતી. પીએસયૂ બેંક ઈન્ડેક્સ 1.4 ટકા મજબૂત રહ્યો હતો. જેમાં પીએનબી, બેંક ઓફ મહારાષ્ટ્રી, બેંક ઓફ બરોડા, કેનેરા બેંક, બેંક ઓફ ઈન્ડિયા, યુનિયન બેંકમાં મજબૂતી જોવા મળી હતી. ફાર્મા, એફએમસીજીમાં નરમાઈ જોવા મળી હતી. ઓરોબિંદો ફાર્મા, ઝાયડસ લાઈફ, બાયોકોન, ટોરેન્ટ ફાર્મા, સિપ્લા, સન ફાર્મામાં નરમાઈ જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો અદાણી એન્ટરપ્રાઈઝ 9 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત એચપીસીએલ, એમસીએક્સ ઈન્ડિયા, અદાણી પોર્ટ્સ, તાતા પાવર, એનએમડીસી, આઈઓસી, ઈન્ડિયા સિમેન્ટ્સ, અંબુજા સિમેન્ટ્સ, મેક્સ ફાઈનાન્સિયલ, તાતા મોટર્સ, એલએન્ડટી ફાઈનાન્સ, પીએનબીમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, તાતા કોમ, ડેલ્ટા કોર્પ, ગ્લેનમાર્ક, ભારત ફોર્જ, ઓરોબિંદો ફાર્મા, ઝાયડસ લાઈફ, પોલીકેબ, ડો. લાલ પેથલેબ્સમાં નરમાઈ જોવા મળી હતી. અદાણી પાવર, એચપીસીએલ, એમસીએક્સ ઈન્ડિયા નવી ટોચ દર્શાવી હતી.

અદાણી જૂથ કંપનીઓના શેર્સમાં 20 ટકા સુધી ઉછાળો નોઁધાયો
જૂથના માર્કેટ-કેપિટલાઈઝેશનમાં રૂ. 1.03 લાખ કરોડનો 11 મહિનાનો સૌથી મોટો ઉછાળો નોંધાયો
અદાણી પરિવારના હિસ્સાનું મૂલ્ય રૂ. 71799 કરોડ ઉછળ્યું

ગયા સપ્તાહે સુપ્રીમ કોર્ટ તરફથી અદાણી જૂથને આપવામાં આવેલી ક્લિનચિટને મંગળવારે શેરબજારે ઉત્સાહપૂર્વક વધાવી હતી. જેની પાછળ અદાણી જૂથની લિસ્ટેડ કંપનીઓના શેર્સમાં 20 ટકા સુધીનો તીવ્ર ઉછાળો નોઁધાયો હતો. તેમજ કંપનીઓના કુલ માર્કેટ-કેપમાં રૂ. 1.03 લાખ કરોડ(અંદાજે 12.5 અબજ ડોલર)ની વૃદ્ધિ જોવા મળી હતી. અદાણી પ્રમોટર્સની સંપત્તિ પણ રૂ. 71,799 કરોડ જેટલી ઉછળી હતી. જે છેલ્લાં 11 મહિનાઓમાં સૌથી ઊંચી વૃદ્ધિ હતી. સુપ્રીમ કોર્ટે તેની સુનાવણીમાં યુએસ સ્થિત શોર્ટ સેલર હિંડેનબર્ગના રિપોર્ટને સાચો માનવાનો ઈન્કાર કર્યો હતો અને તેનો ચૂકાદો રિઝર્વ રાખ્યો હતો.
જોકે, સોમવારે ભારતીય શેરબજાર બંધ હોવાથી આ ચુકાદાની પ્રતિક્રિયા મંગળવારે જોવા મળી હતી. અદાણી જૂથના તમામ શેર્સે ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું અને ત્યારપછી તેમાં ઓર ખરીદી નીકળી હતી. જેની પાછળ તેઓ દિવસની ટોચની સપાટી નજીક જ બંધ રહ્યાં હતાં. અદાણી જૂથની સિટી ગેસ કંપની અદાણી ટોટલનો શેર 20 ટકા ઉછળી રૂ. 644.15ની અપર સર્કિટમાં બંધ રહ્યો હતો. જ્યારે અદાણી એનર્જીનો શેર પણ 19 ટકા જેટલો ઉછળ્યો હતો અને રૂ. 868.15ની સપાટીએ બંધ દર્શાવતો હતો. અદાણી પાવરનો શેર 12 ટકા ઉછળી વર્ષની ટોચે ટ્રેડ થયો હતો. અદાણી વિલ્મેર, અદાણી એન્ટરપ્રાઈઝ, અદાણી પોર્ટ્સ અને અંબુજા સિમેન્ટ્સના શેર્સમાં પણ મજબૂત વૃદ્ધિ જોવા મળી હતી. જેની પાછળ અદાણી જૂથનું કુલ માર્કેટ-કેપિટલાઈઝેશન રૂ. 1.03 લાખ કરોડ વધ્યું હતું. જે સાથે કુલ માર્કેટ-કેપ રૂ. 11.29 લાખ કરોડે પહોંચ્યું હતું. જેમાં પ્રમોટર્સના હિસ્સાનું મૂલ્ય રૂ. 7.71 લાખ કરોડ જેટલો થતો હતો. અદાણી જૂથની ફ્લેગશિપ કંપની અદાણી એન્ટરપ્રાઈઝિસનું માર્કેટ-કેપ રૂ. 2.76 લાખ કરોડ સાથે સૌથી ઊંચું જોવા મળ્યું હતું. જેમાં મંગળવારે રૂ. 22 હજાર કરોડનો ઉમેરો થયો હતો.

અદાણી જૂથ કંપનીઓનો દેખાવ

સ્ક્રિપ્સ બજારભાવ(રૂ.) વૃદ્ધિ(ટકામાઁ)
અદાણી ટોટલ 644.15 20.00
અદાણી એનર્જિ 868.15 19.06
અદાણી પાવર 445.80 12.32
અદાણી ગ્રીન 1052.45 12.27
અદાણી વિલ્મેર 348.45 9.96
અદાણી એન્ટર. 2423.70 8.66
અદાણી પોર્ટ્સ 837.80 5.20
અંબુજા સિમેન્ટ 431.20 4.22
ACC 1868.55 2.62

તાતા ટેક્નોલોજિસનો બીજો સૌથી મોટો ક્લાયન્ટ મોટી મુશ્કેલીમાં
તાતા જૂથ કંપનીના વિયેટનામ સ્થિત ક્લાયન્ટના શેરમાં 80 ટકાનો તીવ્ર ઘટાડો નોઁધાયો
વિનફાસ્ટ સહિતના ટોચના પાંચ ક્લાયન્ટ્સનું ટાટા ટેક્નો.ની આવકમાં 57 ટકાનું યોગદાન

તાજેતરમાં આઈપીઓ સાથે બજારમાં પ્રવેશેલી તાતા જૂથ કંપની તાતા ટેક્નોલોજિસના ટોચના પાંચ ગ્રાહકોમાં સમાવેશ પામતી વિયેટનામી ઈવી ઉત્પાદક વિનફાસ્ટ મોટી મુશ્કેલીનો સામનો કરી રહી છે. તાજેતરમાં કંપનીના શેરમાં તીવ્ર વધ-ઘટને કારણે તેણે બજારનું ધ્યાન ખેંચ્યું છે. જગુઆર લેન્ડ રોવર(જેએલઆર) અને તાતા મોટર્સ સાથે વિનફાસ્ટ પણ તાતા ટેક્નોલોજિસમાં ટોચનું યોગદાન આપે છે. તેમજ તે બીજા ક્રમની રેવન્યૂ પૂરી પાડે છે.
છેલ્લાં છ મહિનામાં વિનફાસ્ટ ઓટોનો શેર 80 ટકા જેટલો તૂટી ચૂક્યો છે. હાલમાં તે 22 ડોલરના લિસ્ટીંગ ભાવ નીચે ટ્રેડ થઈ રહ્યો છે. કંપનીનું માર્કેટ-કેપ 15.46 અબજ ડોલર જોવા મળે છે. ટોચના ભાવે કંપનીનો શેર 200 અબજ ડોલરનું વેલ્યૂએશન દર્શાવતો હતો. જે ફોર્ડ અને જનરલ મોટર્સના સંયુક્ત વેલ્યૂએશન્સ જેટલું જોવા મળતું હતું.
તાતા ટેક્નોલોજીસના ટોચના પાંચ ગ્રાહકો તેની કુલ આવકમાં 57 ટકા અને સર્વિસિઝ રેવન્યૂમાં 71 ટકાનો મોટો હિસ્સો ધરાવે છે. આમાંથી નોંધપાત્ર આવક વિનફાસ્ટ પાસેથી આવે છે. જે 2018થી તાતા ટેક્નોલોજિસનો ગ્રાહક છે. નાસ્ડેક પર લિસ્ટીંગ ધરાવતી વિનફાસ્ટને લઈને એનાલિસ્ટ્સે તાજેતરમાં ચિંતા વ્યક્ત કરી હતી. કેમકે કંપનીનું વેલ્યૂએશન સતત ઘટી રહ્યું છે. તેમજ કંપની ગ્રાહકોનું આકર્ષણ પણ ગુમાવી રહી છે. યુએસ સિક્યૂરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશનને જુલાઈ-સપ્ટેમ્બર માટેના ફાઈલીંગમાં નોંધ્યા મુજબ સપ્ટેમ્બરમાં પૂરા થયેલાં 2023ના પ્રથમ નવ મહિનામાં વિનફાસ્ટનું નોંધપાત્ર વેચાણ રિલેટેડ પાર્ટીઝ અથવા કંપનીના પેરન્ટ સાથે સંકળાયેલું હતું. આ ટ્રેન્ડે કંપનીની મજબૂત માર્કેટ હાજરી ઊભી કરવાની ક્ષમતાને લઈ શંકા ઊભી કરી છે.
ડેટા સૂચવે છે કે ચાલુ વર્ષે વિનફાસ્ટના 50 ટકાથી વધુ ઈવીનું વેચાણ રિલેટેડ પાર્ટીને થયું છે. જે કંપનીના મોડેલ્સને લઈ મર્યાદિત માર્કેટ માગ સૂચવે છે. ચાલુ વર્ષે કંપનીએ કુલ 11,300 વેહીકલ્સનું વેચાણ કર્યું હતું. જેમાંથી 7100 વાહનોનું વેચાણ તો કાર ઉત્પાદક વિનફાસ્ટની પેરન્ટ વિનગ્રૂપની માલિકીની ટેક્સી કંપની ગ્રીન એન્ડ સ્માર્ટ મોબિલિટીને કરાયું હતું એમ બેરોન્સનો રિપોર્ટ સૂચવે છે.
વિનફાસ્ટ મોટી આંતરરાષ્ટ્રીય મહત્વાકાંક્ષા ધરાવે છે. જોકે, યુએસ કાર સમીકક્ષો તરફથી વિનફાસ્ટના ઈવીને લઈ શરૂઆતી સમીક્ષા ખૂબ નબળી જોવા મળી રહી છે. યુએસ ખાતે તેની કાર્સના શરૂઆતી શીપમેન્ટ્સ વિલંબિત જોવા મળ્યાં છે. તેમજ યુએસ નેશનલ હાઈવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશને કંપનીની કારમાં સોફ્ટવેર એરર પડક્યાં પછી કારને પરત બોલાવવાનું પણ બન્યું છે.

કેન્દ્ર સરકારનો રશિયા ખાતેથી કોલ આયાત વધારવાનો વિચાર
રશિયાથી આયાત થતો કોલ ઓસ્ટ્રેલિયાના સપ્લાય કરતાં સસ્તો હોય છે તેમજ રશિયાન સપ્લાયર્સ ભાવને વધુ ઘટાડવા તૈયાર

ભારત સરકાર મેન્યૂફેક્ચરિંગ માટે ચાવીરૂપ મટિરિયલ એવા કૂકીંગ કોલની રશિયાથી આયાત વધારવા માટે વિચારી રહી છે. કેમકે હાલમાં ટોચના સપ્લાયર એવા ઓસ્ટ્રેલિયા ખાતેથી સપ્લાય ઘટ્યો છે અને સ્ટીલ ઉત્પાદકો વધતાં ભાવ સાથે સંઘર્ષ કરી રહ્યાં છે એમ ટોચના ત્રણ સરકારી વર્તુળો તથા ઉદ્યોગ સંસ્થાના અધિકારી જણાવે છે.
ભારતમાં સ્ટીલ ઉત્પાદકો ઓસ્ટ્રેલિયાથી અનિયમિત સપ્લાયને કારણે સંઘર્ષનો સામનો કરી રહ્યાં છે. ઓસ્ટ્રેલિયા ભારતના 7 કરોડ ટનની વાર્ષિક આયાતનો 50 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. ભારત વિશ્વમાં ક્રૂડ સ્ટીલનું બીજું સૌથી મોટું ઉત્પાદક છે. ગયા મહિને ઓસ્ટ્રેલિયન કોકીંગ કોલના ભાવમાં 50 ટકા વૃદ્ધિ જોવા મળી હતી અને તે 350 ડોલર પ્રતિ ટનને પાસ કરી ગયાં હતાં. આ માટે મેઈન્ટેનન્સને કારણે ઉત્પાદન બંધ થવાથી લઈ ક્વિન્સલેન્ડ ખાતેથી સામાન્ય કરતાં નીચો સપ્લાય અને ધીમા ટ્રેન નેટવર્ક જેવી બાબતોનો સમાવેશ થતો હતો. ચાલુ મહિને, ઓસ્ટ્રેલિયાએ ભારતને કોમોડિટીના સ્થિર સપ્લાયની ખાતરી આપી હતી એમ બે સરકારી વર્તુળો જણાવે છે. જોકે, ભારત ઓસ્ટ્રેલિયા ઉપરાંત અન્યત્રથી પણ સપ્લાય માટે વિચારી રહ્યો છે. જેથી આયાત બાસ્કેટને ડાયવર્સિફાઈ કરી શકાય. ગયા વર્ષે ભારતની સ્ટીલ મિલ્સે રશિયા ખાતેથી કોકીંગ કોલ આયાતના પ્રયાસો કર્યાં હતાં. જોકે, મોસ્કો પર કડક આર્થિક પ્રતિબંધોને કારણે ભારતમાં રશિયન સપ્લાય પર અસર પડી હતી. જોકે, ભારતીય ખરીદારો અને રશિયા સપ્લાયર્સ વચ્ચે પેમેન્ટ મિકેનીઝમને લઈને સમજૂતીને જોતાં ભારતની સ્ટીલ મિલ્સ ત્યાંથી કોકિંગ કોલ સપ્લાયને વધારવા માટે તૈયાર છે. રશિયન કોકિંગ કોલ કાર્ગો ઓસ્ટ્રેલિયન સપ્લાય કરતાં સસ્તાં છે. તેમજ કેટલાંક રશિયન સપ્લાયર્સ તેમના ભાવ નીચા કરવા માટે તૈયારી પણ દર્શાવી રહ્યાં છે એમ વર્તુળોનું કહેવું છે. આ ઘટનાને નજીકથી જોઈ રહેલા સરકારી અધિકારી જણાવે છે કે કોલના ભાવમાં ડિસ્કાઉન્ટ્સ અને રૂપિયામાં પેમેન્ટ્સને કારણે ભારતીય કંપનીઓને વૈકલ્પિક સ્રોત તરીકે રશિયા તરફ નજર દોડાવવામાં સહાયતા મળી છે. ભારત સરકારની સ્ટીલ કંપનીઓ સેઈલ અને રાષ્ટ્રીય ઈસ્પાત નિગમે રશિયન કોકિંગ કોલ માટે રૂપી સેટલમેન્ટ અપનાવ્યું છે. વર્તુળના મતે રૂપિયામાં વ્યવહાર આ કંપનીઓ માટે ટ્રેડને સાકાર કરી રહ્યો છે. સેઈલ ડિસેમ્બર ક્વાર્ટરમાં 75 હજાર ટન રશિયન કોકિંગ કોલની આયાત દર્શાવે તેવી અપેક્ષા છે. સપ્ટેમ્બરમાં રશિયાની ટોચની બેંક્સે જણાવ્યું હતું કે તેઓ રૂપિયાને રુબલ્સમાં કન્વર્ટ કરવાની તેમની ક્ષમતાને સુધારી રહ્યાં છે. જેણે નિકાસકારોને ભારતમાં ફસાયેલા તેમના નાણાને અસરકારક રીતે મેળવવામાં સહાયતા કરી હતી.

એડવાઈઝરી ફર્મની રેમન્ડના પ્રમોટર્સથી કંપની બચાવવાની અપીલ
IiASએ કંપનીના ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સને તપાસ દરમિયાન ગૌતમ સિંઘાનિયા અને તેમની પત્નિને બોર્ડમાંથી દૂર રાખવા જણાવ્યું

પ્રોક્સિ એડવાઈઝરી કંપનીએ રેમન્ડ લિમિટેડના સીએમડી ગૌતમ સિંઘાનિયાની સામે તેમના પત્નિ નવાઝ મોદીએ કરેલા આક્ષેપોની તપાસ કરવા કંપનીના ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સને વિનંતી કરવા સાથે આ તપાસ દરમિયાન દંપતિને બોર્ડમાંથી દૂર કરવા પણ જણાવ્યું છે.
ઈન્સ્ટીટ્યુશ્નલ ઈન્વેસ્ટર એડવાઈઝરી સર્વિસિસ(IiAS)એ ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સને ઉદ્બોધીને લખેલા એક પત્રમાં નોંધ્યું છે કે જરૂર પડ્યે તમે કંપનીના પ્રમોટર્સથી કંપનીને બચાવશો એવી અપેક્ષા અમે રાખીએ છીએ. આ પત્ર મુકિતા ઝવેરી, આશિષ કાપડિયા, દિનેશ લાલ, કે નરસિંહા મૂર્થી અને શિવ સુરિન્દર કુમારને લખવામાં આવ્યો છે. તેઓ કંપનીના બોર્ડમાં ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ તરીકે સેવા આપી રહ્યાં છે. એડવાઈઝરી ફર્મે ડિરેક્ટર્સને એક સ્વતંત્ર લીગલ કાઉન્સેલ રાખવા માટે પણ સૂચન કર્યું છે. જેથી તેઓ કોઈપણ પ્રકારના આક્ષેપોથી પોતાને બચાવી શકે.
રેમન્ડના એમડી ગૌતમ સિંઘાનિયાની વાઈફ નવાઝ મોદીએ ઘરેલુ હિંસા અને કંપનીના ફંડ્સના દૂરૂપયોગનો આક્ષેપ મૂક્યો છે. LiASએ પત્રમાં નોંધ્યું છે કે બોર્ડના એક સભ્ય તરફથી અન્ય સભ્ય પર આટલા ગંભીર પ્રકારના આક્ષેપ છતાં તમે ચૂપ કેમ છો. રોકાણકારો ચિંતિત છે. જે છેલ્લાં કેટલાંક ટ્રેડિંગ સત્રોમાં શેરના ભાવમાં નોંધપાત્ર ધોવાણમાં પ્રતિબિંબિત થાય છે. તમારી ચૂપકિદીને ખોટી રીતે લેવામાં આવી શકે છે એમ પત્રમાં ઉમેર્યું છે. કંઈ નહિ તો ઈન્ડિપેન્ડન્ટ ડિરેક્ટર્સ તરીકે તમારે રોકાણકારો અને ભાગીદારો સાથે કોમ્યુનિકેટ કરવું જોઈએ. જેનાથી તેમની ચિંતાઓને હળવી કરી શકાય. તમારા પગલાથી તમારે પ્રમોટર્સ પરિવારના આંતરિક વિવાદથી કંપનીને બચાવવાનો પ્રયાસ કરવો જોઈએ એમ એડવાઈઝરી કંપનીએ નોંધ્યું છે.

શિયાળુ પાકોનું વાવેતર હજુ પણ પાંચ લાખ હેકટર નીચું
રવિ સિઝનનો મધ્યાંતર પૂરો થવા છતાં રાજ્યમાં વાવેતરમાં વેગ આવી રહ્યો નથી
ઘઉં, ચણા, રાયડા જેવા મહત્વના પાકોના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો
માત્ર જીરું, વરિયાળીનું વાવેતર ઊંચું

શિયાળુ વાવેતર સિઝન તેનો મધ્યાંતર પાર કરી ચૂકી છે તેમ છતાં વાવેતરમાં વેગ જોવા મળી રહ્યો નથી. સોમવાર સુધીમાં ગુજરાતમાં 20.22 લાખ હેકટર વિસ્તારમાં રવિ વાવેતર નોંધાયું હતું. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં જોવા મળતાં 25.19 લાખ હેકટરની સરખામણીમાં 4.97 લાખ હેકટરનો ઘટાડો સૂચવે છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં શિયાળુ વાવેતર 44.75 લાખ હેકટરમાં નોંધાયું હતું. આમ, ચાલુ સિઝનમાં તેનું 50 ટકા વાવેતર પણ હજુ સુધી સંભવ બન્યું નથી. રાજ્યમાં ડિસેમ્બરની આખર સુધીમાં શિયાળુ વાવેતર જોવા મળતું હોય છે. આમ, હજુ વાવેતર પૂરું થવાને એક મહિનો બાકી છે. જોકે, ઘઉં અને ચણા જેવા પાકોનું વાવેતર ડિસેમ્બર મધ્ય સુધીમાં પૂર્ણ થયું હોય છે.
રાજ્યમાં સૌથી મોટા રવિ પાક ઘઉંની વાત કરીએ તો હજુ સુધી માત્ર 3.95 લાખ હેકટર વિસ્તારમાં જ તેનું વાવેતર નોંધાયું છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 5.76 લાખ હેકટરમાં સંભવ બન્યું હતું. છેલ્લી ત્રણ સિઝનોમાં રાજ્યમાં સરેરાશ 13.39 લાખ હેકટરમાં ઘઉંનું વાવેતર થયું હતું. વાવેતરમાં બીજો ક્રમ ધરાવતાં ચણાની વાત કરીએ તો વાવેતર 3.14 લાખ હેકટરમાં સંભવ બન્યું છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 4.65 લાખ હેકટરમાં થઈ ચૂક્યું હતું. આમ ચણાના વાવેતરમાં પણ નોંધપાત્ર ઘટાડો જોવા મળી રહ્યો છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં જોવા મળેલા 7.75 લાખ હેકટરના સરેરાશ વાવેતર સામે ચણાનું વાવેતર માત્ર 41 ટકા વિસ્તારમાં જોવા મળી રહ્યું છે. મસાલા પાકોની વાત કરીએ તો જીરુનું વાવેતર 2.45 લાખ હેકટરમાં સંપન્ન થયું છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં જોવા મળતાં 1.13 લાખ હેકટરની સરખામણીમાં નોંધપાત્ર વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે છેલ્લી ત્રણ સિઝનના સરેરાશ 4.21 લાખ હેકટર વાવેતરના 58 ટકા વિસ્તારમાં થઈ ચૂક્યું છે. જીરાનાં ભાવ ઊંચા હોવાના કારણે ખેડૂતો મસાલા પાક તરફ વળ્યાં હોય તે સંભવ છે. તેમજ ચાલુ સિઝનમાં તે સરેરાશ કરતાં ઊંચું જોવા મળવા ઉપરાંત નવો વિક્રમ પણ દર્શાવી શકે છે. તાજેતરમાં વરસાદને કારણે હવે થનારા શિયાળુ વાવેતરને લાભ થઈ શકે છે. વરિયાળીનું વાવેતર પણ ગઈ સિઝનના 28 હજાર હેકટર સામે ચાલુ સિઝનમાં 69 હજાર હેકટરમાં સંપન્ન થઈ ચૂક્યું છે. જે છેલ્લાં ત્રણ વર્ષોના સરેરાશ 41 હજાર હેકટર વાવેતરની સરખામણીમાં 69 ટકા વૃદ્ધિ દર્શાવે છે.
કેટલાંક પરચૂરણ પાકોની વાતો કરીએ તો ડુંગળીનું વાવેતર ગઈ સિઝનના 42 હજાર હેકટરની સરખામણીમાં 29 હજાર હેકટરમાં જોવા મળે છે. જ્યારે બટાટાનું વાવેતર ગઈ સિઝનના 93 હજાર હેકટર સામે ચાલુ સિઝનમાં 74 હજાર હેકટરમાં નોંધાયું છે. શાકભાજી પાકોનું વાવેતર પણ ગઈ સિઝનના 92 હજાર હેકટર સામે માત્ર 69 હજાર હેકટરમાં જોવા મળે છે. જ્યારે ઘાસચારા પાકોનું વાવેતર ગઈ સિઝનના 3.1 લાખ હેકટર સામે 2.67 લાખ હેકટરમાં સંભવ બન્યું છે. ગયા ચોમાસામાં પાછોતરા વરસાદને અભાવે જમીનમાં ભેજનો અભાવ રવિ વાવેતરમાં ઘટાડા પાછળનું સૌથી મોટું કારણ છે. જેણે ખેડૂતોને શિયાળુ વાવેતરથી દૂર રાખ્યાં છે.
રવિ પાકોનું વાવેતર(એરિયા લાખ હેકટરમાં)

પાક 2022 2023
ઘઉં 5.76 3.95
ચણા 4.65 3.14
રાયડો 2.81 2.21
જીરું 1.13 2.45
ધાણા 1.57 0.57
ડુંગળી 0.42 0.29
બટાટા 0.93 0.74
શાકભાજી 0.93 0.69
ઘાસચારો 3.10 2.67
કુલ 25.19 20.22

તહેવારોની સિઝનમાં રિટેલ ઓટો વેચાણે નવો વિક્રમ રચ્યોઃ ફાડા
વાર્ષિક ધોરણે ટુ-વ્હીલર્સની માગ 21 ટકા અને થ્રી-વ્હીલર્સની માગમાં 41 ટકા વૃદ્ધિ નોંધાઈ
ગયા વર્ષે 31.95 લાખ યુનિટ્સ સામે ચાલુ વર્ષે 37.93 લાખ યુનિટ્સ વાહનોનું વેચાણ જોવા મળ્યું

દેશમાં ચાલુ વર્ષે ફેસ્ટીવલ સિઝનમાં ઓટોમોબાઈલના રિટેલ વેચાણમાં નવો વિક્રમ નોંધાયો હતો. તહેવારો દરમિયાન દેશમાં કુલ 37.93 લાખ યુનિટ્સ વાહનોનું વેચાણ જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં જોવા મળેલા 31.95 લાખ યુનિટ્સની સરખામણીમાં 19 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. 42-દિવસનો ફેસ્ટીવલ પિરિયડ નવરાત્રિના દિવસે શરૂ થયો હતો અને ધનતેરસ પછી 15 દિવસે સમાપ્ત થયો હતો.
ટુ-વ્હીલર્સ, થ્રી-વ્હીલર્સ, કમર્સિયલ વેહીકલ અને પેસેન્જર વેહીકલ સેગમેન્ટમાં વાર્ષિક ધોરણે અનુક્રમે 21 ટકા, 41 ટકા, 8 ટકા અને 10 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી. જ્યારે ટ્રેકટર સેગમેન્ટમાં 0.5 ટકાની વેચવાલી નોંધાઈ હતી એમ ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડિલર્સ એસોસિએશન્સ(ફાડા)નો ડેટા સૂચવે છે. સંસ્થાના પ્રમુખ રાજ સિંઘાનિયાના મતે કેટલીક કેટેગરીઝમાં વિક્રમી વેચાણ જોવા મળ્યું હતું. જેમાં ખાસ કરીને ટુ-વ્હીલરની ખરીદીમાં ગ્રામીણ વિસ્તારમાં ઊંચી માગ નીકળી હતી. નવરાત્રીના શરૂઆતી દિવસોમાં અન્ડરપર્ફોર્મન્સ જોવા મળ્યું હતું. જેમાં પેસેન્જર વેહીકલ્સમાં ખાસ નિરાશા સાંપડી હતી. જોકે, પાછળથી સ્થિતિ સુધરી હતી. દિવાળીના તહેવારોમાં કાર્સનું વેચાણ મજબૂત જળવાયું હતું. તેણે 10 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. તહેવારોમાં એસયૂવીમાં સૌથી ઊંચી માગ જોવા મળી હતી. પેસેન્જર વેહીકલ્સમાં ઈન્વેન્ટરી લેવલ્સને લઈ નોંધપાત્ર ચિંતાને જોવા મળી હતી. કેમકે ઓઈએમ્સ તરફથી ઊંચી રવાનગી જાળવી રાખવામાં આવી હતી. જેણે ઈન્વેન્ટરી લેવલ ઊંચા સ્તરે જાળવી રાખ્યું હતું. નવરાત્રિ દરમિયાન ટ્રેકટર્સના વેચાણમાં 8.3 ટકા ઘટાડો નોંધાયો હતો. જેમાં પાછળથી નોંધપાત્ર રિકવરી જોવા મળી હતી અને સમગ્ર સિઝન દરમિયાન તે 0.5 ટકા વેચાણ ઘટાડો દર્શાવતું હતું. ટ્રેકટર્સના વેચાણમાં જોવા મળેલી રિકવરી ગ્રામીણ વિસ્તારોમાં મજબૂત ખરીદશક્તિ પ્રદર્શિત કરે છે એમ ફાડા પ્રેસિડેન્ટનું કહેવું છે.
તહેવારોની સિઝનમાં પેસન્જર વેહીકલ્સનું વેચાણ 5,47,246 યુનિટ્સ પર નોંધાયું હતું. જે ગયા વર્ષે સમાનગાળમાં નોંધાયેલા 4,96,047 યુનિટ્સ સામે 10 ટકા વૃદ્ધિ દર્શાવતાં હતાં. આ જ રીતે ટુ-વ્હીલર્સનું વેચાણ 28,93,107 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 23,96,665 યુનિટ્સ પર નોંધાયું હતું. કમર્સિયલ વેહીકલ્સનું વેચાણ 8 ટકા વધી 1,23,784 યુનિટ્સ પર જોવા મળ્યું હતું. જ્યારે ટ્રેકરર્સનું વેચાણ ગયા વર્ષના 86,951 યુનિટ્સની સરખામણીમાં 86,572 યુનિટ્સ પર નોંધાયું હતું.

ભારતમાં હાજરી વધારવા ફોક્સકોન વધુ 1.6 અબજ ડોલર રોકશે
કંપનીએ તાઈવાન એક્સચેન્જને ફાઈલીંગમાં જણાવ્યા મુજબ કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટ્સમાં રોકાણ કરશે

આઈફોન ઉત્પાદન હોન હાઈ પ્રિસિશન ઈન્ડસ્ટ્રી ભારતમાં તેની હાજરી વધારવા માટે આયોજન કરી રહી છે. આ માટે કંપની દેશમાં વધુ 1.6 અબજ ડોલરનું રોકાણ કરશે. જે કન્સ્ટ્ર્કશન પ્રોજેક્ટ્સમાં કરવામાં આવશે એમ ફોક્સકોને તાઈવાન એક્સચેન્જને ફાઈલીંગમાં જણાવ્યું છે.
કંપનીએ સોમવારે સાંજે કરેલા ફાઈલીંગમાં વધુ વિગતો નહોતી આપી અને જણાવ્યું હતું કે તેની કામકાજી જરૂરિયાત માટે આ રોકાણ કરવામાં આવશે. કંપનીના પ્રવક્તાએ ભારતમાં કયા સ્થળે નવું રોકાણ કરવામાં આવશે તે જણાવવાનો પણ ઈન્કાર કર્યો હતો. તેમજ તેઓ શું બાંધશે તે પણ નહોતું જણાવ્યું. હોન હાઈ સહિતના તાઈવાનીઝ કંપનીઓ ચીન બહાર તેમની કામગીરીને વિસ્તારવામાં પડી છે અને તેઓ
ભારતમાં રોકાણ કરીને તેમની હાજરી વધારી રહી છે. ફોક્સકોનની અડધા જેટલી આવક એપલ સાથેના બિઝનેસમાંથી આવે છે. તે છેલ્લાં કેટલાંક વર્ષોથી ભારતમાં આઈફોન્સ અને અન્ય પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરે છે. જેમાં લેટેસ્ટ આઈફોન 15 મોડેલનો સમાવેશ પણ થાય છે. અગાઉ કર્ણાટક સરકારે જણાવ્યું હતું કે ફોક્સકોન રાજ્યમાં બે કોમ્પોનેન્ટ્સ ફેક્ટરીઝમાં 60 કરોડ ડોલરનું રોકાણ કરશે. જેમાં આઈફોન્સ માટે મિકેનીકલ ડિસ્ક્લોઝર્સ અને સેમીકંડક્ટર ઈક્વિપમેન્ટ ઉત્પાદન પ્લાન્ટનો સમાવેશ થાય છે. આ રોકાણ બેંગલૂરૂ સાથે ફોક્સકોનના 70 કરોડ ડોલરના રોકાણ ઉપરાંતનું રહેશે.

અદાણી ટોટલે ગ્રીન હાઇડ્રોજન બ્લેન્ડિંગ પાયલોટ પ્રોજેક્ટ લોન્ચ કર્યો
અદાણી જૂથ ટોટલ એનર્જીઝની ઊર્જા અને સીટી ગેસ ડિસ્ટ્રીબ્શન કંપની અદાણી ટોટલ ગેસ લિ. (ATGL) દ્વારા ‘ગ્રીન હાઇડ્રોજન સંમિશ્રણ પાયલોટ પ્રોજેક્ટ’ની પહેલ કરવામાં આવી છે. યુએઈમાં 30 નવેમ્બરથી 12 ડિસેમ્બર 2023 સુધી યોજાનાર યુએન ક્લાઈમેટ ચેન્જ કોન્ફરન્સ (COP 28)માં ગ્લોબલ લિડર્સની હાજરીમાં તેનો સૌપ્રથમ પ્રારંભ કરવામાં આવશે. ATGLના આ પાયલટ પ્રોજેક્ટમાં અમદાવાદ ખાતે 4,000થી વધુ રહેણાંક અને વ્યાપારી ગ્રાહકો માટે ગ્રીન હાઇડ્રોજન (GH2) ને કુદરતી ગેસ સાથે મિશ્રિત કરવા નવીનતમ તકનીકોનો ઉપયોગ કરાશે. જેમાં ઈલેક્ટ્રોલીસીસથી પુનઃપ્રાપ્ય ઉર્જા દ્વારા ઉત્પન્ન થતી વીજળીનો ઉપયોગ કરીને GH2 બનાવવામાં આવે છે. હાઇડ્રોજન સંમિશ્રણ ગેસ દ્વારા સમાન હીટિંગ માટે પ્રમાણમાં ઓછો કાર્બન ઉત્પન્ન થાય છે.
આ પ્રોજેક્ટ Q1 FY24-25 સુધીમાં શરૂ થવાની અપેક્ષા છે અને નિયમનકારી મંજૂરીઓ પ્રમાણે મિશ્રણમાં ગ્રીન હાઇડ્રોજનની ટકાવારી ધીમે ધીમે 8% કે તેથી વધુ કરવામાં આવશે. સફળતાપૂર્વક પાયલોટ પૂર્ણ કર્યા પછી, હાઇડ્રોજન મિશ્રિત ઇંધણ શહેરના મોટા ભાગો અને AGTL ના અન્ય લાયસન્સ વિસ્તારોમાં તબક્કાવાર સપ્લાય કરવામાં આવશે. અભ્યાસ મુજબ, 8% સુધીનું હાઇડ્રોજન મિશ્રણ 4% સુધી ઉત્સર્જન ઘટાડે છે.

TCSની બાયબેક ઓફરમાં તાતા સન્સ રૂ. 12,284 કરોડનું બીડ કરશે
કંપનીની બાયબેક ઓફર 1-7 ડિસેમ્બર સુધી ચાલશે
રિટેલ રોકાણકાર માટે છ શેર્સમાંથી એક શેર પરત ખરીદવામાં આવશે

દેશમાં સૌથી મોટી સર્વિસ નિકાસકાર કંપની ટીસીએસ 1 ડિસેમ્બરથી બાયબેક ઓફર શરૂ કરશે. જે 7 ડિસેમ્બર સુધી ચાલશે. કંપની રૂ. 4150 પ્રતિ શેરના ભાવે 4.09 કરોડ શેર્સની ખરીદી કરશે. જે કુલ ઈક્વિટી કેપિટલનો 1.1 ટકા હિસ્સો સૂચવે છે. કુલ રૂ. 17 હજાર કરોડના શેર્સ પરત ખરીદશે. રિટેલ શેરધારક માટે કંપનીએ રેકર્ડ ડેટના રોજ પડેલાં છ શેર્સમાંથી એક શેર પરત ખરીદવાની જાહેરાત કરી છે. જ્યારે અન્ય યોગ્યતા ધરાવતાં રોકાણકારો પાસેથી 209 શેર્સમાંથી બે શેર્સ પરત ખરીદશે.
કંપનીમાં સૌથી મોટા રોકાણકાર તાતા સન્સે પણ બાયબેક ઓફરમાં રૂ. 12,284 કરોડનું ટેન્ડરિંગ કરશે એમ જણાવ્યું છે. એટલે કે તે કુલ 2.96 લાખ કરોડ શેર્સ ઓફર કરશે. તાતા સન્સ કંપનીમાં 70 ટકાથી વધુ હિસ્સો ધરાવે છે. બાયબેક રેગ્યુલેશન્સ મુજબ પ્રમોટર્સ અથવા પ્રમોટર્સ કંપનીને બાયબેકમાં ભાગ લેવાનો અધિકાર છે. એક અન્ય પ્રમોટર કંપની ટીઆઈસી 11,358 શેર્સ ટેન્ડર કરશે.
કોર્પોરેટ હેડલાઈન્સ

ઝી એન્ટરટેઈનમેન્ટઃ સોની ગ્રૂપ કોર્પોરેશનના ભારતીય યુનિટ અને ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝિસના મેગા મર્જરના ભાવિનો ખ્યાલ આગામી સપ્તાહની શરૂમાં આવશે એમ જાણકારો માને છે. કેમકે કંપનીઓ વચ્ચે હાલમાં મર્જર પછી બનનારી કંપનીની લીડરશીપને લઈને વિવાદ ચાલી રહ્યો છે. 10 અબજ ડોલરની મિડિયા જાયન્ટને લઈ ઝી ઈચ્છે છે કે પુનિત ગોએન્કા નવી કંપનીનું સુકાન સંભાળે. 2021માં બંને કંપનીઓ વચ્ચે ડીલ વખતે આ અંગે સહમતિ સ્થપાઈ હતી.
સ્પાઈસજેટઃ કંપનીના પ્રમોટર અજય સિંઘ ક્રેડિટ ફંડ્સ મારફતે 10 કરોડ ડોલરનું ફંડ ઊભું કરવા પ્રયાસ કરી રહ્યાં છે. આ માટે તેઓ ગ્લોબલ પ્રાઈવેટ ક્રેડિટ ફંડ્સ સાથે મંત્રણા કરી રહ્યાં છે. તેઓ પ્રમોટર ડેટ અને ઈક્વિટી ઈન્ફ્યૂઝનને રિફાઈનાન્સ કરવાના ભાગરૂપે આમ કરશે. હાલમાં કંપનીમાં અજય સિંઘ 56.5 ટકા હિસ્સો ધરાવે છે. જેમાંથી 37.9 ટકા હિસ્સો તેમણે પ્લેજ કરેલો છે.
IOC: જાહેર ક્ષેત્રની માલિકીની આઈઓસીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને તેના ભાગીદાર બીપી તરફથી કેજી-ડી6 ગેસની કરેલી હરાજીનો ત્રીજા ભાગથી વધુ હિસ્સો મેળવ્યો છે. પ્રતિ દિવસ કુલ 40 એમએસસીએમડી ગેસની હરાજીમાંથી આઈઓસીએ 14.5 લાખ એમએસસીએમડી ગેસ લીધો છે. અગાઉ હાથ ધરવામાં આવેલી બે હરાજીમાં પણ ઓઈલ રિફાઈનીંગ અને માર્કેટિંગ કંપની ટોચની બીડર બની રહી હતી. અન્ય સિટી ગેસ કંપનીઓએ પણ ગેસ ખરીદ્યો હતો.
ડિશ ટીવીઃ ડીટીએસ ઓપરેટર ડીશ ટીવીએ કંપનીના બોર્ડ ડિરેક્ટર્સની નિમણૂંકને મંજૂરી આપવા માટે એક્સ્ટ્રાઓર્ડિનરી જનરલ મિટિંગ બોલાવી છે. અગાઉ કંપનીએ લઘુમતી શેરધારકો તરફથી જુલાઈમાં કરવામાં આવેલી ઈજીએમની માગણીને ફગાવી હતી. તેણે એજીએમ બોલાવવા માટે જરૂરી લઘુત્તમ શેરધારકોનું કારણ આપી ઈજીએમ યોજી નહોતી. જોકે, સોમવારે કંપનીના બોર્ડે ઈજીએમ માટે મંજૂરી આપી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage