વૈશ્વિક સ્તરે નરમાઈ પાછળ માર્કેટમાં સુધારો અટક્યો
કોરિયન માર્કેટમાં 2 ટકાથી વધુનો ઘટાડો
એનર્જી, એફએમસીજી, રિઅલ્ટી, મિડિયામાં પોઝીટીવ ટ્રેડ
બેંકિંગ, મેટલ, આઈટી, ફાર્મા નરમ
ઈન્ડિયા વિક્સમાં સાધારણ મજબૂતી
બ્રોડ માર્કેટનું આઉટપર્ફોર્મન્સ
ફર્ટિલાઈઝર એન્ડ કેમિકલ્સ ઓલ-ટાઈમ ટોચે
ગ્લેન્ડ ફાર્માએ નવું તળિયું બનાવ્યું
ચાલુ સપ્તાહના શરૂઆતી બે સત્રોમાં મજબૂતી દર્શાવનાર શેરબજાર બુધવારે સાંકડી રેંજમાં અથડાયેલું જોવા મળ્યું હતું. વૈશ્વિક સ્તરે નરમાઈ પાછળ સ્થાનિક બજાર કામકાજની આખરમાં સાધારણ ઘટાડે બંધ રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 17 પોઈન્ટ્સ નરમાઈએ 60910ની સપાટીએ જ્યારે નિફ્ટી 10 પોઈન્ટ્સ ગગડી 10123ની સપાટીએ બંધ રહ્યાં હતાં. ચાલુ સિરિઝમાં પ્રથમવાર નિફ્ટી ફ્યુચર્સ ડિસ્કાઉન્ટમાં બંધ રહ્યો હતો. કેશની સામે 9 પોઈન્ટ્સ ડિસ્કાઉન્ટમાં ફ્યુચર્સ 18114 પર બંધ રહ્યો હતો. લાર્જ-કેપ્સમાં ઊપરના મથાળે વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું અને તેને કારણે બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50માંથી 29 કાઉન્ટર્સ તેમના અગાઉના બંધની સરખામણીમાં ઘટીને બંધ આવ્યાં હતાં. જ્યારે 21 કાઉન્ટર્સ જ પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જોકે મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં મજબૂતી પાછળ બ્રોડ માર્કેટમાં બ્રેડ્થ પોઝીટીવ રહી હતી અને તેને આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 0.65 ટકાના સાધારણ સુધારે બંધ જોવા મળ્યું હતું.
બુધવારે માર્કેટે નેગેટિવ ઓપનીંગ દર્શાવ્યું હતું. અગાઉના 18132ના બંધની સરખામણીમાં નિફ્ટી 18085ની સપાટીએ ખૂલી ઉપરમાં 18173 પર ટ્રેડ થઈ સાધારણ રેડિશ બંધ જોવા મળ્યો હતો. માર્કેટ એનાલિસ્ટ્સના મતે બેન્ચમાર્કને 18200નો અવરોધ છે. જે પાર કરવામાં મુશ્કેલી નડી શકે છે. ડિસેમ્બર એક્સપાયરી પાછળ રોલઓવર પર પાંખુ જોવા મળતું હતું. વૈશ્વિક સ્તરે એશિયન બજારોમાં હોંગ કોંગ અને ચીનને બાદ કરતાં ટોન નરમ હતો. કોરિયન માર્કેટ 2.25 ટકા ઘટાડે બંધ રહ્યું હતું. જ્યારે તાઈવાન પણ એક ટકાથી વધુ ઘટાડો દર્શાવતું હતું. બપોરે યુરોપિયન માર્કેટ્સ પણ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યાં હતાં. મંગળવારે યુએસ ખાતે નાસ્ડેક તેના છેલ્લાં ઘણા સપ્તાહોના તળિયા પર બંધ જોવા મળ્યો હતો. જેની પાછળ સેન્ટીમેન્ટ ખરડાયું હતું. ભારતીય બજારની વાત કરીએ તો એનર્જી, એફએમસીજી, રિઅલ્ટી, મિડિયામાં ધીમી ખરીદી જોવા મળી હતી અને સેક્ટરલ ઈન્ડાઈસિસ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જોકે બેંકિંગ, મેટલ, આઈટી, ફાર્મા સેક્ટર નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. નિફ્ટી કાઉન્ટર્સમાં ટાઈટન કંપની 3 ટકા સુધારા સાથે ટોચ પર જોવા મળ્યો હતો. જે ઉપરાંત એમએન્ડએમ, પાવર ગ્રીડ કોર્પોરેશન, મારુતિ સુઝુકી, યૂપીએલ અને ઈન્ડસઈન્ડ બેંક એક ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે ઘટાડો દર્શાવનાર નિફ્ટી શેર્સમાં એપોલો હોસ્પિટલ 1.2 ટકા નરમાઈ સાથે ટોચ પર હતો. આ સિવાય હિંદાલ્કો, તાતા સ્ટીલ, બજાજ ફિનસર્વ, સિપ્લા, ડિવિઝ લેબ્સ, અદાણી પોર્ટ્સમાં પણ નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 0.66 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં ટીવીએસ મોટર 4 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. અશોક લેલેન્ડ, બોશ અને આઈશર મોટર્સ પણ પોઝીટીવ ટ્રેન્ડ સૂચવતાં હતાં. જ્યારે અમરરાજા બેટરીઝમાં બીજા દિવસે નોંધપાત્ર વેચવાલી જોવા મળી હતી અને તે 3.24 ટકા ગગડ્યો હતો. આ ઉપરાંત તાતા મોટર્સ, ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ્સ, હીરો મોટોકોર્પ પણ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટિ એનર્જી 0.33 ટકા ગગડ્યો હતો. જેમાં પાવર ગ્રીડ કોર્પોરેશન 1.46 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. ગેઈલ, એનટીપીસી અને તાતા પાવર પણ ગ્રીન ઝોનમાં જોવા મળ્યાં હતાં. નિફ્ટી મિડિયા ઈન્ડેક્સ 0.62 ટકા સાથે મજબૂત રહ્યો હતો. નિફ્ટી એફએમસીજી પોઝીટીવ બંધ જળવાયો હતો. જોકે જ્યુબિલિઅન્ટ ફૂડ, ડાબર ઈન્ડિયા, ઈમામી, કોલગેટ, યુનાઈટેડ સ્પિરિટ્સ, એચયૂએલ જેવા કાઉન્ટર્સ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. છેલ્લાં બે સત્રોમાં ભારે લેવાલી દર્શાવ્યાં બાદ પીએસયૂ બેંક ઈન્ડેક્સ ઈન્ટ્રા-ડે ટોચ બનાવી ઊંધા માથે પડકાયો હતો અને નેગેટિવ જોવા મળ્યો હતો. જેમાં યુનિયન બેંક 4 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત બેંક ઓફ ઈન્ડિયા, આઈઓબી, યૂકો બેંક, ઈન્ડિયન બેંક અને સેન્ટ્રલ બેંક પણ 3 ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. મેટલ સેક્ટરમાં સ્ટીલ અને એલ્યુમિનિયમ શેર્સ પાછળ નરમાઈ જોવા મળી હતી. હિંદાલ્કો અને તાતા સ્ટીલ, બંને એક ટકાથી વધુ ઘટાડો સૂચવતાં હતાં. જે સિવાય વેદાંત, જેએસડબલ્યુ સ્ટીલ, નાલ્કો અને સેઈલ નરમ જળવાયાં હતાં. કોવિડ પાછળ મજબૂત બનેલાં ફાર્મા શેર્સમાં સુસ્તી જોવા મળી હતી. જેની પાછળ નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 0.56 ટકા તૂટ્યો હતો. જેમાં આલ્કેમ લેબોરેટરીઝ 1.5 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત લ્યુપિન, ઝાયડસ લાઈફ, સિપ્લા, ડિવિઝ લેબ્સ, બાયોકોનમાં નરમાઈ જોવા મળી હતી. આઈટી કાઉન્ટર્સમાં એલએન્ડટી ટેક્નોલોજી 2 ટકા સાથે ઘટવામાં અગ્રણી હતો. જ્યારે એલટીઆઈ માઈન્ડટ્રી, ઈન્ફોસિસ, એચસીએલ ટેક, એમ્ફેસિસ, ટીસીએસ પણ રેડિશ જોવા મળ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં જીએનએફસી 5 ટકાથી વધુ મજબૂતી સાથે સુધરવામાં ટોચ પર હતો. આ સિવાય અતુલ, આરબીએલ બેંક, કેનેરા બેંક, ચંબલ ફર્ટિલાઈઝર, બેંક ઓફ બરોડા, પેજ ઈન્ડસ્ટ્રીઝ, પિડિલાઈટ ઈન્ડસ્ટ્રીઝ, તાતા કેમિકલ્સ, એમએન્ડએમમાં એક ટકાથી ચાર ટકા સુધીનો સુધારો નોંધાયો હતો. બીજી બાજુ અમરરાજા બેટરીઝ 3.2 ટકા સાથે તૂટવામાં ટોચ પર હતો. આ ઉપરાંત હનીવેલ ઓટોમેશન, જીએસપીસી, બંધન બેંક, પર્સિસ્ટન્ટ, સિટી યુનિયન બેંક, ભારતી એરટેલ, તાતા કોમ્યુનિકેશન, મેક્સ ફાઈનાન્સિયલ, બિરલા સોફ્ટમાં પણ નરમાઈ જોવા મળી હતી. ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સનો શેર 10 ટકાની અપર સર્કિટમાં બંધ રહેવા સાથે સર્વોચ્ચ સપાટી પર બંધ રહ્યો હતો. આ સિવાય કલ્યાણ જ્વેલર્સ, આરબીએલ બેંક, જિંદાલ સ્ટીલ અને કેપ્રિ ગ્લોબલ પણ તેમની વાર્ષિક ટોચ પર બંધ રહ્યાં હતાં. બીજી બાજુ સીઈ ઈન્ફોસિસ્ટમ અને ગ્લેન્ડ ફાર્મા તેમના 52-સપ્તાહના તળિયા પર બંધ રહ્યાં હતાં.
બુલિયને 2022માં રિટર્નની બાબતમાં શેરબજારને પાછળ રાખી દીધું
MCX ગોલ્ડનું કેલેન્ડરમાં 14 ટકાનું રિટર્ન જ્યારે નિફ્ટીમાં 4.35 ટકા વળતર જોવાયું
એમસીએક્સ સિલ્વરે 11 ટકાનું રિટર્ન રળી આપ્યું
નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સમાં 15 ટકાનું નેગેટિવ રિટર્ન જોવા મળ્યું
કેલેન્ડર 2022ની વિદાયમાં બે ટ્રેડિંગ સત્રો બાકી રહ્યાં છે ત્યારે વળતરની બાબતમાં બુલિયને શેરબજારની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. ગોલ્ડ અને સિલ્વરે વર્ષ દરમિયાન ઊંચી વધ-ઘટ વચ્ચે પણ પોઝીટીવ રિટર્ન જાળવ્યું છે. જોકે વૈશ્વિક ગોલ્ડ અને સિલ્વરના ભાવ લગભગ ફ્લેટ જોવા મળી રહ્યાં છે. જ્યારે ડોલર સામે રૂપિયામાં 10 ટકાથી વધુના ઘટાડા પાછળ સ્થાનિક કોમેક્સ ખાતે કિંમતી ધાતુઓ પોઝીટીવ રિટર્ન દર્શાવી રહી છે.
ડિસેમ્બર 2021ના બંધ ભાવથી જોઈએ તો એમસીએક્સ ગોલ્ડ કન્ટિન્યૂઅસ ચાર્ટ પર 14 ટકાનું નોંધપાત્ર રિટર્ન દર્શાવી રહ્યો છે. ગયા કેલેન્ડરના આખરી સત્રમાં તે રૂ. 48099ની સપાટીએ બંધ રહ્યો હતો. જ્યારે બુધવારે તે રૂ. 54750ની સપાટી આસપાસ ટ્રેડ દર્શાવી રહ્યો હતો. આમ 14 ટકા વળતર સૂચવતો હતો. આ અગાઉ ગોલ્ડમાં કેલેન્ડર 2019માં ઊંચું રિટર્ન જોવા મળ્યું હતું અને તેણે ઈક્વિટી માર્કેટને વળતર બાબતમાં પાછળ રાખી દીધું હતું. 2019માં ગોલ્ડે 20 ટકાનું રિટર્ન દર્શાવ્યું હતું. જોકે તે વખતે વૈશ્વિક બજારમાં પણ ગોલ્ડના ભાવમાં પોઝીટીવ સુધારો જોવા મળ્યો હતો. જ્યારે ચાલુ વર્ષે વૈશ્વિક બજારમાં ગોલ્ડ 1840 ડોલર આસપાસના ઓપનીંગ સામે દોઢેક ટકા નીચે ટ્રેડ દર્શાવી રહ્યું છે. બુધવારે તે 1810 ડોલર આસપાસ અથડાતું જોવા મળ્યું હતું. ભારતીય કોમેક્સ એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદામાં રૂ. 6000 આસપાસના સુધારાનું મુખ્ય કારણ ડોલર સામે રૂપિયામાં નરમાઈ છે. ભારતીય ચલણે કેલેન્ડર 2013 બાદ ડોલર સામે સૌથી વધુ ધોવાણ દર્શાવ્યું છે. રૂપિયો ડોલર સામે વાર્ષિક ધોરણે 11 ટકા આસપાસનો ઘટાડો સૂચવી રહ્યો છે. સ્થાનિક ઈક્વિટી બેન્ચમાર્ક નિફ્ટીની વાત કરીએ તો ડિસેમ્બર 2022ના 17354ના બંધ સામે બુધવારે તે 18109ની સપાટી પર બંધ રહ્યો હતો. તે 4.35 ટકાનું રિટર્ન દર્શાવતો હતો. વૈશ્વિક સ્તરે હરિફ બજારોની સરખામણીમાં ભારતીય બજારનો દેખાવ ચઢિયાતો રહ્યો છે પરંતુ સ્થાનિક ગોલ્ડ સામે તેનો દેખાવ ઊણો જોવા મળી રહ્યો છે. ચાલુ ડિસેમ્બરના પ્રથમ સત્ર દરમિયાન નિફ્ટીએ 18888ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જે તબક્કે તે 8 ટકા રિટર્ન દર્શાવી રહ્યો હતો. જોકે ત્યારબાદ વેચવાલી પાછળ ગયા સપ્તાહે તે 18 હજારની સપાટી નીચે ઉતરી ગયો હતો. કેલેન્ડર પૂરું થવામાં બે ટ્રેડિંગ સત્રો બાકી છે ત્યારે તે નેગેટિવ બનવાની શક્યતાં નથી. જોકે તેમાં નોંધપાત્ર વૃદ્ધિના પણ સંકેતો નથી અને તે ફ્લેટ જોવા મળે તેમ એનાલિસ્ટ્સ જણાવે છે. છેલ્લાં એક દાયકાની વાત કરીએ તો 2016 અને 2019ને બાદ કરતાં ગોલ્ડમાં શેરબજારની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ જોવા મળ્યું હતું. 2016માં યુએસ-ચીન વચ્ચે ટ્રેડ વોર પાછળ ગોલ્ડમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે 2019માં શેરબજારનો દેખાવ ફ્લેટિશ જળવાયો હતો. જેને કારણે ગોલ્ડનો દેખાવ સારો જણાતો હતો.
ઈક્વિટી માર્કેટના ત્રણ સેગમેન્ટ્સની વાત કરીએ તો લાર્જ-કેપ્સ અને મીડ-કેપ્સ સૂચકાંકોએ પોઝીટીવ રિટર્ન દર્શાવ્યું હતું. જોકે સ્મોલ-કેપ સેગમેન્ટનો દેખાવ નેગેટિવ જોવા મળ્યો હતો. નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ બુધવારના બંધ ભાવે 15 ટકા જેટલો ગગડ્યો હતો. જ્યારે મીડ-કેપ ઈન્ડેક્સ 3 ટકાનો સુધારો સૂચવતો હતો. બુલિયનમાં ગોલ્ડ સાથે સિલ્વરનો દેખાવ પણ મજબૂત રહ્યો હતો. ડિસેમ્બર 2021ની આખરમાં રૂ. 62660ની સપાટીએ બંધ રહેનાર સિલ્વર બુધવારે રૂ. 69225ની સપાટી પર ટ્રેડ થઈ રહી હતી. સોમવારે તે રૂ. 70 હજારનું સ્તર પાર કરી ગઈ હતી. વર્ષ દરમિયાન નીચામાં તેણે રૂ. 54 હજારનું સ્તર પણ દર્શાવ્યું હતું. જોકે છેલ્લાં બે મહિના દરમિયાન તે ગોલ્ડની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવી રહી છે. જેને જોતાં આગામી કેલેન્ડરમાં પણ તેનો ચઢિયાતો દેખાવ જળવાય શકે તેવી શક્યતાં એનાલિસ્ટ્સ જોઈ રહ્યાં છે.
વિવિધ એસેટ ક્લાસનો 2022નો દેખાવ
એસેટ ક્લાસ 2021નો ક્લોઝિંગ ભાવ બુધવારનો બજારભાવ ફેરફાર(ટકામાં)
MCX ગોલ્ડ 48099 54750 14
MCX સિલ્વર 62660 69225 11
નિફ્ટી-50 17354 18109 4.3
નિફ્ટી મીડ-કેપ 30443 31303 2.9
નિફ્ટી સ્મોલ-કેપ 11289 9628 15
મુકેશ અંબાણીના બે દાયકાના નેતૃત્વમાં RILની આવકમાં 17 ગણી વૃદ્ધિ
સૌથી ઊંચું માર્કેટ-કેપ ધરાવતી કંપનીના નફામાં 20 ગણી વૃદ્ધિ જોવા મળી
બુધવારે RILના સુકાની તરીકે મુકેશ અંબાણીએ 20 વર્ષ પૂરા કર્યાં હતાં
ધૂરંધર બિઝનેસમેન ધીરુભાઈ અંબાણીના આકસ્મિક અવસાન બાદ મુકેશ અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનું સુકાન સંભાળ્યું હતું. જેને બુધવારે 20 વર્ષ પૂરા થયાં હતાં. તેમની આગેવાની હેઠળ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આવકમાં 17 ગણો જ્યારે નફામાં 20 ગણી વૃદ્ધિ જોવા મળી છે. જ્યારે તે એક ગ્લોબલ કોંગ્લોમેરટ તરીકે ઊભરી છે.
2002માં ધીરુભાઈની વિદાય બાદ મુકેશ અને તેમના નાના ભાવ અનિલે રિલાયન્સમાં મહત્વના હોદ્દા સંભાળ્યા હતા. જેમાં મુકેશ અંબાણીએ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનું પર ગ્રહણ કર્યું હતું. જ્યારે અનિલ અંબાણીએ વાઈસ ચેરમેન અને જોઈન્ટ એમડી તરીકેનો હવાલો સંભાળ્યો હતો. જોકે બંને ભાઈઓ વચ્ચે કેટલાંક વર્ષોમાં જ વિવાદ ઊભો થયો હતો. જે જૂથના વિભાજન તરફ દોરી ગયો હતો. જેમાં મૂકેશ અંબાણીએ આરઆઈએલ તરીકે ગેસ, ઓઈલ અને પેટ્રોકેમિકલ્સ બિઝનેસનો અંકુશ સંભાળ્યો હતો. જ્યારે અનિલના ફાળામાં ટેલિકોમ્યુનિકેશન્સ, પાવર જનરેશન અને ફાઈનાન્સિયલ સર્વિસિસ બિઝનેસ ગયા હતાં. ત્યારથી લઈને 20-વર્ષ વીતી ગયા છે. જે દરમિયાન સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ડ્રોપ આઉટ એવા 65-વર્ષીય મુકેશ અંબાણીની આગેવાનીમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે ટેલિકોમ બિઝનેસમાં પુનઃ પ્રવેશ કર્યો છે. તેમજ રિટેલ અને ન્યૂ એનર્જી સેગમેન્ટમાં ડાયવર્સિફેકેશન પણ હાથ ધર્યું છે. કોવિડ લોકડાઉન દરમિયાન નવા બિઝનેસિસમાં લઘુમતી હિસ્સાના વેચાણ મારફતે તેમણે રૂ. 2.5 લાખ કરોડ ઊભા કર્યાં હતાં. કંપનીએ 20235 સુધીમાં નેટ કાર્બન ન્યૂટ્રલ બનવાનો ટાર્ગેટ બાંધ્યો છે. કંપની તેની પાવરની જરૂરિયાત ગ્રીન હાઈડ્રોજનમાંથી પૂરી કરવાનું આયોજન ધરાવે છે. જેમાં તે જંગી રોકાણ કરી રહી છે. કંપનીના સ્થાપક ધીરુભાઈ અંબાણીની 90મી જન્મજયંતિ નિમિત્તે રિલાયન્સ ફાઉન્ડેશને દેશમાં ઉચ્ચ અભ્યાસ ઈચ્છતાં વિદ્યાર્થીઓ માટે આગામી 10 વર્ષોમાં 50 હજાર સ્ટુડન્ટ્સને સ્કોરલશીપ્સ આપવાની જાહેરાત કરી હતી. જેમાં રૂ. 2 લાખથી લઈ રૂ. 6 લાખ સુધીની રેંજમાં મેરિટ આધારે શિષ્યવૃત્તિ આપવામાં આવશે.
છેલ્લાં 20 વર્ષોમાં RILની સફર પર એક નજર
• માર્કેટ કેપિટલાઈઝેશન સરેરાશ 20.6 ટકાના દરે વધ્યું
• રેવન્યૂમાં વાર્ષિક સરેરાશ 15.4 ટકા વૃદ્ધિ નોંધાઈ
• 2001-02માં રૂ. 45,411 કરોડની આવક 2021-22માં રૂ. 7,92,756 કરોડ રહી.
• નેટ પ્રોફિટમાં સરેરાશ વાર્ષિક 16.3 ટકા વૃદ્ધિ જોવા મળી.
• 2001-02માં રૂ. 3280 કરોડ સામે 2021-22માં પ્રોફિટ રૂ. 67,845 કરોડ પર રહ્યો.
• કંપનીની નિકાસમાં વાર્ષિક સરેરાશ 16.9 ટકા વૃદ્ધિ નોંધાઈ અને તે રૂ. 11,200 કરોડ પરથી રૂ. 2.55 લાખ કરોડે પહોંચી.
• કુલ એસેટ્સ વાર્ષિક સરેરાશ 18.7 ટકાના દરે વધી રૂ. 49 હજાર કરોડ પરથી રૂ. 15 લાખ કરોડે પહોંચી.
• નેટ વર્ષ વાર્ષિક સરેરાશ 17 ટકાના ધોરણે વધી રૂ. 28 હજાર કરોડ પરથી રૂ. 6.45 લાખ કરોડ રહી.
• RILએ રોકાણકારોની વેલ્થમાં રૂ. 17.4 લાખ કરોડનો ઉમેરો કર્યો.
• ઈન્વેસ્ટર્સ વેલ્થમાં વાર્ષિક સરેરાશ રૂ. 87 હજાર કરોડની વૃદ્ધિ નોંધાઈ.
તાતા જૂથનું એકમાત્ર ઈ-કોમર્સ વેન્ચર તાતા ડિજિટલ બની રહેશે
તાતા જૂથે ગયા સપ્તાહે તાતા ડિજિટલની ઓથોરાઈઝ્ડ કેપિટલને રૂ. 20 હજાર કરોડ પરતી વધારી રૂ. 21 હજાર કરોડ કરી હતી અને રૂ. 750 કરોડ ઈનફ્યૂઝ કર્યાં હતાં. આમ કરવા પાછળનું કારણ ડેટ રિપેમેન્ટ અને બિઝનેસનું વિસ્તરણ હતું. સપ્ટેમ્બરમાં જૂથે કંપનીનું ઓથોરાઈઝ્ડ કેપિટલ રૂ. 15 હજાર કરોડથી વધારી રૂ. 20 હજાર કરોડ કર્યું હતું. જ્યારે માર્ચમાં શેર કેપિટલને રૂ. 11 હજાર કરોડ પરથી વધારી રૂ. 15 હજાર કરોડ કર્યું હતું. તાતા ઈન્ડસ્ટ્રીઝ અને ટ્રેન્ડ મળીને તાતા યુનિસ્ટોરની સંયુક્ત માલિકી ધરાવે છે. જેનું રૂ. 750 કરોડનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે. તાતા ડિજિટલ તાતા ઈન્ડસ્ટ્રીઝ અને ટ્રેન્ડને પ્રેફરન્સ શેર્સ ઓફર કરશે. તાતા ડિજીટલ એમેઝોન, ફ્લિપકાર્ટ અને મિંત્રા તેમજ રિલાયન્સ રિટેલ સાથે ઈ-કોમર્સ સ્પેસમાં સ્પર્ધા કરશે.
ડોલર ઈન્ડેક્સ મક્કમ રહેતાં ગોલ્ડ-સિલ્વરમાં ઘટાડો
વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો અટકતાં અને તે મક્કમ બની રહેવાથી કિંમતી ધાતુના મૂલ્યમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેની અસર સ્થાનિક બજાર પર પણ જોવા મળી હતી. કોમેક્સ ગોલ્ડ વાયદો પોણા ટકાના ઘટાડે 1810 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. જ્યારે સિલ્વર ફ્યુચર્સ 1.25 ટકા ઘટાડે 23.92 ડોલરની સપાટી પર જોવા મળતો હતો. એમસીએક્સ ખાતે પણ સિલ્વર ફ્યુચર્સ લગભગ એક ટકા ઘટાડા સાથે રૂ. 69160ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે ગોલ્ડ ફ્યુચર્સ 0.54 ટકા ઘટાડા સાથે રૂ. 54700ની સપાટી આસપાસ અથડાઈ રહ્યો હતો. બેઝ મેટલ્સમાં પણ નરમાઈ જોવા મળતી હતી. જેમાં નીકલ 3 ટકા જ્યારે કોપર 1.2 ટકા ઘટાડો સૂચવતાં હતાં. નેચરલ ગેસમાં 5 ટકાનો જ્યારે ક્રૂડમાં 2 ટકા નરમાઈ જોવા મળતી હતી.
કોર્પોરેટ હેડલાઈન્સ
રિલાયન્સ રિટેલઃ રિલાયન્સ જૂથની કંપની મેટ્રો કેશ એન્ડ કેરી ઈન્યા સ્ટોર્સને તેના પોતાના બીટુબી સ્ટોર્સમાં કન્વર્ટ કરશે. જે બલ્ક બાયર્સ અને કિરાણા સ્ટોર્સને સામગ્રી પૂરી પાડશે. મેટ્રો સ્ટોર્સને રિલાયન્સ માર્કેટ તરીકે નવેસરથી તૈયાર કરવામાં આવશે. તે રિલાયન્સના ગ્રાહકો માટે ફૂલફિલમેન્ટ સેન્ટર્સ તરીકે પણ ઉપયોગમાં લેવાશે. રિલાયન્સ માર્કેટે 2011માં તેની કામગીરી શરૂ કરી હતી અને હાલમાં તે 52 સ્ટોર્સ તથા 40 લાખ સભ્યો ધરાવે છે.
વિસ્ટારાઃ તાતા જૂથ અને સિંગાપુર એરલાઈન્સે વિસ્ટારાના એર ઈન્ડિયા સાથે મર્જર પહેલાં તેમાં રૂ. 650 કરોડનું નવું રોકાણ કર્યું છે. બંને ભાગીદારોએ વર્કિંગ કેપિટલના હેતુથી આ નવું ફંડ રોક્યું છે. 2015માં શરૂઆતથી લઈ બંને કંપનીઓએ અત્યાર સુધીમાં વિસ્ટારામાં રૂ. 9900 કરોડનું રોકાણ કર્યું છે. વિસ્ટારામાં તાતા જૂથ 51 ટકા જ્યારે સિંગાપુર એરલાઈન્સ 49 ટકા હિસ્સો ધરાવે છે.
રેલીગેર ફિનવેસ્ટઃ ઊંચા ડેટમાં ડૂબેલી રેલીગેર ફિનવેસ્ટ નવા કેલેન્ડરમાં તેના બિઝનેસ ઓપરેશન્સને ફરીથી શરૂ કરે તેવી શક્યતાં છે. કંપનીના લેન્ડર્સ તરફથી રેલીગેરના રૂ. 2300 કરોડની વન ટાઈમ સેટલમેન્ટના પ્રસ્તાવને પોઝીટીવ પ્રતિસાદ બાદ આમ જોવા મળી રહ્યું છે.
આઈઈએક્સઃ ઈન્ડિયન એનર્જી એક્સચેન્જે વોલ્યુન્ટરી કાર્બન માર્કેટમાં બિઝનેસ તકોને એક્સપ્લોર કરવા માટે ઈન્ટરનેશનલ કાર્બન એક્સચેન્જ પ્રા. લિ. નામે સંપૂર્ણ માલિકીની સબસિડિયરીની સ્થાપના કરી છે. જે વોલ્યુન્ટરી કાર્બન ક્રેડિટ્સના બાય અને સેલમાં ભાગ લેવા માટે સક્ષમ હશે.
ફાર્મા કંપનીઝઃ નાણા વર્ષ 2021-22માં 7 ટકા વૃદ્ધિ દર દર્શાવ્યાં બાદ ફાર્માસ્યુટિલ ઈન્ડસ્ટ્રી ચાલુ નાણા વર્ષ દરમિયાન 9-11 ટકા વૃદ્ધિ દર દર્શાવે તેવી શક્યતાં જોવામાં આવી રહી છે. જેમાં સ્થાનિક માગમાં વૃદ્ધિ મુખ્ય ભૂમિકા ભજવશે. આ ઉપરાંત તમામ થેરાપ્યુટીક સેક્ટર્સમાં ભાવ વૃદ્ધિનો પણ લાભ મળશે. બીજી બાજુ યુએસ સહિતના મુખ્ય બજારોમાં માગમાં સાધારણ વૃદ્ધિ જળવાય તેવી અપેક્ષા છે. આ બજારોમાં નવા લોંચિંસને કારણે લાભ મળશે તેમ માનવામાં આવે છે.
પૂનાવાલા ફિનકોર્પઃ એનબીએફસી કંપની આગામી પાંચ વર્ષોમાં કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટ રૂ. 50 હજાર કરોડ પર પહોંચે તેવો ટાર્ગેટ રાખી રહી છે. કંપનીના જણાવ્યા મુજબ આગામી વર્ષોમાં તે માત્ર ઓર્ગેનિક ધોરણે ગ્રોથ કરવાનો ઈરાદો ધરાવે છે. હાલમાં કંપની માસિક ધોરણે રૂ. 1200 કરોડનો બિઝનેસ દર્શાવી રહી છે.
આરવીએનએલઃ રેલ્વેની સબસિડિયરી કંપનીએ માલદિવ્સ ખાતે યુટીએચ હાર્બર પ્રોજેટના અમલીકરણ માટે રૂ. 1544.60 કરોડના મૂલ્ય માટેનો એલઓએ મેળવ્યો છે.
પંજાબ એન્ડ સિંધ બેંકઃ પીએસયૂ બેંકનું બોર્ડ ઈક્વિટી અને ડેટ ઈન્સ્ટ્રુમેન્ટ્સ મારફતે રૂ. 250 કરોડ ઊભા કરવાના પ્રસ્તાવ પર વિચારણા માટે શુક્રવારે મળશે.