માર્કેટ સમરી
કોવિડને નજરઅંદાજ કરી વૈશ્વિક બજારોના સપોર્ટથી સેન્સેક્સ 789 પોઈન્ટ્સ ઉછળ્યો
બેન્ચમાર્ક નિફ્ટી ત્રણ ટ્રેડિંગ સત્રોમાં 400થી વધુ પોઈન્ટ્સ સુધરી 14850ના સ્તરને પાર કરી ગયો
બેંકિંગ અને ઓટોમોબાઈલ શેર્સે બજારને પૂરો પાડેલો મજબૂત સપોર્ટ
બેંકિંગ અને નાણાકીય સર્વિસ કંપનીઓના સપોર્ટથી ભારતીય બજારમાં તીવ્ર સુધારો નોંધાયો હતો. બીએસઈ સેન્સેક્સ 789 પોઈન્ટ્સ ઉછળી 49734ના સ્તરે બંધ રહ્યો હતો જ્યારે નિફ્ટી 212 પોઈન્ટ્સ ઉછળી 14865ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50માંથી 15 શેર્સ ગ્રીન ઝોનમાં બંધ રહ્યાં હતાં. જ્યારે મીડ-કેપ અને સ્મોલ-કેપ્સમાં પણ એક ટકા આસપાસનો સુધારો નોંધાયો હતો. રોકાણકારોની વેલ્થમાં એક દિવસમાં રૂ. 2.22 લાખ કરોડની વૃદ્ધિ જોવા મળી હતી.
યુએસ ફેડ રિઝર્વની મોનેટરી સમીક્ષા બેઠક અગાઉ વૈશ્વિક બજારોમાં મિશ્ર માહોલ જોવા મળતો હતો. જોકે ભારતીય બજારે સતત ત્રીજા દિવસે તેજીની ચાલ જાળવી હતી. એનાલિસ્ટ્સના મતે બજારમાં સુધારાના મુખ્ય કારણોમાં વૈશ્વિક બજારોમાં સતત જળવાયેલી મજબૂતી તથા સ્થાનિક બજારમાં લોકડાઉન જેવી ઘટનાઓનું ડિસ્કાઉન્ટ થઈ જવું છે. સાથે અત્યાર સુધીની પરિણામ સિઝન અપેક્ષા મુજબ જોવા મળી છે. ખાસ કરીને બેંકિંગે માર્કેટને પોઝીટીવ સરપ્રાઈઝ આપી છે અને તેથી તેના સપોર્ટ પાછળ બજાર ત્રણ દિવસથી સુધારો દર્શાવી રહ્યું છે. બુધવારે બજારને ઓટોમોબાઈલ સેક્ટર તરફથી પણ સપોર્ટ સાંપડ્યો હતો. જ્યારે છેલ્લા કેટલાંક સત્રોથી સતત તેજી દર્શાવતાં રહેલાં મેટલ્સમાં પ્રોફિટ બુકિંગ પાછળ નરમાઈ જોવા મળી હતી. ફાર્મા શેર્સ પણ ઊંચા મથાળે વેચવાલીનું દબાણ અનુભવી રહેલા જણાયા હતાં. જોકે આમ છતાં બજાર ઓપનીંગથી લઈને બંધ થયું ત્યાં સુધી સતત સુધારાતરફી જળવાયું હતું.
દેશ કોવિડના બીજા રાઉન્ડથી ઘેરાયેલો છે ત્યારે આર્થિક વૃદ્ધિ દરને લઈને રેટિંગ એજન્સી એસએન્ડપી ગ્લોબલે ઘટાડો કરવાની વ્યક્ત કરેલી શક્યતાને પણ બજારે ગ્રાહ્ય રાખી નહોતી. એજન્સીએ જણાવ્યું હતું કે નાણા વર્ષ 2021-22 માટે આર્થિક વૃદ્ધિ દરને અગાઉના 11 ટકાના દરેથી ઘટાડી શકે છે. અગાઉ અન્ય એજન્સીઓ તેમના જૂના અંદાજમાં ઘટાડો કરી ચૂકી છે. તાજેતરની એક નોંધમાં આઈએચએસ માર્કિટે જણાવ્યું હતું કે ભારતીય અર્થતંત્ર 2021-22માં 9.6 ટકાના દરે વૃદ્ધિ દર્શાવે તેવી અપેક્ષા છે. જોકે બજાર હાલમાં આ તમામ નેગેટિવ બાબતો ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું હોવાનું એનાલિસ્ટ્સ માની રહ્યાં છે. તેમજ તેઓ ઉમેરે છે કે જો નિફ્ટી 15000ના સ્તરને પાર કરશે તો મે મહિનામાં જ ભારતીય બજાર તેની સર્વોચ્ચ ટોચ દર્શાવે તેવી શક્યતા પણ છે. બુધવારે યુએસ ખાતે બોન્ડ યિલ્ડ 50 બેસીસ પોઈન્ટ્સ વધ્યાં હતાં અને તેને પણ બજારે અવગણ્યું હતું. આમ બજાર પર તેજીવાળાઓએ મજબૂત પકડ જમાવી છે. જે ગુરુવારે એપ્રિલ એક્સપાયરી સુધી જળવાય રહેવાની શક્યતા એનાલિસ્ટ વ્યક્ત કરી રહ્યાં છે.
સોનું-ચાંદી ઊંધા માથે પટકાયાં, બેઝ મેટલ્સમાં પણ નરમાઈ
વૈશ્વિક બજારમાં નરમાઈને પગલે સ્થાનિક બજારમાં કિંમતી ધાતુઓમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. ઉપરાંત રૂપિયામાં ડોલર સામે મજબૂતીએ પણ આયાતી ધાતુઓના ભાવ પર અસર કરી હતી. એમસીએક્સ ખાતે જૂન ગોલ્ડ વાયદો લગભગ એક ટકો અથવા રૂ. 430ના ઘટાડે રૂ. 46873 પર ટ્રેડ થતો હતો. આમ છેલ્લા બે સપ્તાહથી રૂ. 47 હજારની સપાટી પર ટ્રેડ થતું સોનું ફરી તેની નીચે ઉતરી ગયું હતું. વૈશ્વિક કોમેક્સ ખાતે ગોલ્ડ ફ્યુચર્સ 13 ડોલર નરમાઈએ 1766 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે સિલ્વર ફ્યુચર 1.65 ટકાના ઘટાડે 25.97 ડોલર પર ટ્રેડ થતો હતો. જેની પાછળ એમસીએક્સ સિલ્વર મે વાયદો 1.7 ટકા થવા રૂ. 1200થી વધુ ઘટી રૂ. 67787 પર ટ્રેડ થતો હતો. છેલ્લા કેટલાક સત્રોથી નવી ટોચ બનાવી રહેલાં કોપરમાં પણ ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ જાવ મળતું હતું. જોકે એલ્યુમિનિયમના ભાવ નવી ટોચ પર જળવાયાં હતા.
બેંકિંગ શેર્સમાં ચોતરફી લેવાલી પાછળ બેંક નિફ્ટી 3 ટકા ઉછળ્યો
ઈન્ડેક્સ સપ્તાહ અગાઉના તેના 30500ના તળિયેથી 10 ટકાથી વધુ સુધારા સાથે 33723ની સપાટી પર બંધ આવ્યો
કોવિડના બીજા રાઉન્ડ પાછળ નિયંત્રિત લોકડાઉન પાછળ ગભરાટમાં સૌથી વધુ ઘટાડો દર્શાવનાર બેંકિંગ સેક્ટરમાં છેલ્લા ત્રણ દિવસોમાં તીવ્ર બાઉન્સ જોવા મળ્યું છે. ખાનગી બેંકિંગ કંપનીઓએ માર્ચ ક્વાર્ટરમાં દર્શાવેલા અપેક્ષાથી સારા પરિણામોને કારણે સમગ્ર બેંકિંગ સેક્ટર સાર્વત્રિક ખરીદીનો અનુભવ કરી રહ્યું છે. બુધવારે માર્કેટને મુખ્ય સપોર્ટ તેણે જ પૂરો પાડ્યો હતો. નિફ્ટી બાદ બીજા ક્રમે ટ્રેડ થતો બેંક નિફ્ટી દિવસના અંતે 3 ટકાથી વધુ સુધરી બંધ દર્શાવી રહ્યો હતો. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિઝે પણ 2 ટકાથી વધુનો સુધારો નોંધાવ્યો હતો.
જો અંતિમ પાંચ ટ્રેડિંગ સત્રોની વાત કરીએ તો બેંક નિફ્ટી તેના 30500ના તળિયાથી 10 ટકા કરતાં વધુ સુધારો દર્શાવી રહ્યો છે. બુધવારે 33723 પોઈન્ટ્સના બાધ ભાવે તે 3200 પોઈન્ટ્સથી વધુની વૃદ્ધિ સૂચવી રહ્યો હતો. બેંક નિફ્ટીના સપોર્ટ પાછળ જ નિફ્ટી પણ છેલ્લા ત્રણ ટ્રેડિંગ સત્રોમાં લગભગ 400 પોઈન્ટ્સનો સુધારો દર્શાવી રહ્યો છે. બુધવારે નિફ્ટી 1.44 ટકા અથવા 212 પોઈન્ટ્સ સુધર્યો હતો. જ્યારે સેક્ટરલ સૂચકાંકોમાં બેંક નિફ્ટી 3 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. બેંક નિફ્ટીને પ્રાઈવેટ તથા પીએસયૂ, બંને ક્ષેત્રના બેંક શેર્સનો સપોર્ટ સાંપડ્યો હતો. ખાનગી બેંકિંગ ક્ષેત્રે એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંકનો શેર 6 ટકા સાથે સૌથી વધુ સુધર્યો હતો. નોંધપાત્ર સુધારો દર્શાવતાં અન્ય ખાનગી બેંકિંગ કાઉન્ટર્સમાં ઈન્ડસઈન્ડ બેંક(5 ટકા), આરબીએલ(4 ટકા), આઈસીઆઈસીઆઈ બેંક(3.8 ટકા), ફેડરલ બેંક(3.6 ટકા) અને કોટક મહિન્દ્રા બેંક(3.5 ટકા) સમાવેશ થાય છે. પીએસયૂ બેંક શેર્સમાં બેંક ઓફ બરોડા(3.8 ટકા), બેંક ઓફ ઈન્ડિયા(3.25 ટકા) અને એસબીઆઈ(3 ટકા) મુખ્ય હતાં. ચાલુ પરિણામ સિઝનમાં પ્રાઈવેટ બેંક્સ તરફથી ત્રણ મુખ્ય પરિણામો જાહેર થઈ ચૂક્યાં છે. જેણે બજારની અપેક્ષાથી સારો દેખાવ રજૂ કર્યો છે. આમ બેંકિંગ ક્ષેત્રે ઓચિંતો કરંટ જોવા મળ્યો છે. ખાસ કરીને આઈસીઆઈસીઆઈ બેંક અને એક્સિસ બેંકના પરિણામોએ બજારને પોઝીટીવ સરપ્રાઈઝ આપી છે. જેમની પાછળ નાની પ્રાઈવેટ બેંક્સમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી છે. પીએસયૂ બેંક્સ તરફથી જોકે હજુ પરિણામો જાહેર નથી થયાં. જોકે તેઓ ટ્રેઝરી સેગમેન્ટમાં લોસ દર્શાવે તેવી શક્યતા છે. જે પ્રાઈસમાં ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યું છે. આમ પીએસયૂ શેર્સમાં પણ સારી ખરીદી જોવા મળી રહી છે. માર્કેટ એનાલિસ્ટ્સના મતે બેંક નિફ્ટી તેના 33 હજારના મહત્વના સાયકોલોજિકલ રેસિસ્ટન્સને પાર કરી ગયો છે અને તેથી તેમાં વધુ સુધારાની શક્યતા છે. આગામી દિવસોમાં તે અન્ય સેક્ટરલ સૂચકાંકોની સરખામણીમાં આઉટપર્ફોર્મન્સ દર્શાવી શકે છે. કોવિડ-2ને કારણે બેંકિંગ પર ગંભીર અસરની શક્યતા નથી. બીજી બાજુ મર્યાદિત લોકડાઉનને કારણે બિઝનેસ એક્ટિવિટી મહદઅંશે જળવાય છે. આમ અર્થતંત્રની બેકબોન એવું બેંકિંગ સેક્ટર એકાદ કવાર્ટરને બાદ કરતાં તેનો સારો દેખાવ જાળવી રાખશે એમ માનવામાં આવે છે.
બુધવારે બેંકિંગ શેર્સનો દેખાવ
બેંક ભાવમાં વૃદ્ધિ(%)
એયૂ સ્મોલ ફાઈ. 6.0
ઈન્ડસઈન્ડ બેંક 5.0
આરબીએલ બેંક 4.0
આઈસીઆઈસીઆઈ 3.8
બેંક ઓફ બરોડા 3.8
ફેડરલ બેંક 3.6
કોટક મહિન્દ્રા 3.5
બેંક ઓફ ઈન્ડિયા 3.25
બંધન બેંક 3.0
એસબીઆઈ 3.0
એચડીએફસી બેંક 2.7
સારા પરિણામો પાછળ બજાજ ફિનસર્વનો શેર નવી ટોચે
બજાજ જૂથની એનબીએફસી કંપની બજાજ ફિનસર્વનો શેર માર્ચ ક્વાર્ટરના સારા પરિણામો પાછળ બુધવારે તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર અગાઉના રૂ. 10086ના બંધ ભાવ સામે 6 ટકા ઉછળી રૂ. 10616ની નવી ટોચ પર ટ્રેડ થયો હતો. જે ભાવે કંપનીએ રૂ. 1.67 લાખ કરોડનું માર્કેટ-કેપ નોંધાવ્યું હતું. કંપનીનો શેર રૂ. 4000ના વાર્ષિક તળિયા સામે 150 ટકાથી વધુનું રિટર્ન દર્શાવી રહ્યો છે.
ટીવીએસ મોટરનો શેર 16 ટકા ઉછળ્યો
દેશમાં અગ્રણી ટુ-વ્હીલર્સ ઉત્પાદક કંપનીનો શેર 16 ટકા ઉછળી નવી ટોચ પર જોવા મળ્યો હતો. શેરમાં તીવ્ર વૃદ્ધિનું કારણ માર્ચ ક્વાર્ટર માટે અપેક્ષા કરતાં સારી કામગીરી હતું. કંપનીનો શેર અગાઉના રૂ. 566.30ના બંધ ભાવ સામે 16 ટકાથી વધુની વૃદ્ધિ સાથે રૂ. 661.10ની ટોચ પર ટ્રેડ થયો હતો. આમ તેણે લગભગ રૂ. 95ની વૃદ્ધિ દર્શાવી હતી. કંપનીએ રૂ. 31 હજાર કરોડનું માર્કેટ-કેપ પણ હાંસલ કર્યું હતું. કંપનીનો શેર રૂ. 291ના વાર્ષિક તળિયાના ભાવ સામે 250 ટકાથી વધુ રિટર્ન દર્શાવી રહ્યો છે.
યુએસ ડોલર સામે રૂપિયો 30 પૈસા સુધર્યો
ભારતીય રૂપિયામાં સતત ત્રીજા દિવસે સુધારો નોંધાયો હતો. યુએસ ડોલર સામે રૂપિયો 30 પૈસા સુધરી 74.36ના સ્તરે બંધ રહ્યો હતો. ભારતીય શેરબજારમાં સતત ત્રીજા દિવસે સુધારા પાછળ રૂપિયાએ પણ હેટ્રીક મારી હતી. રૂપિયો અગાઉના 74.66ના બંધ સામે 74.52ના સ્તરે મજબૂત ખૂલી વધુ સુધરી 74.30 પર બોલાયો હતો. જ્યાંથી સાધારણ ઘટાડે 74.365 પર બંધ રહ્યો હતો. ગયા સપ્તાહના 75.02ના બંધ સામે ત્રણ સત્રોમાં તેણે સારો સુધારો નોંધાવ્યો છે.
સતત ત્રીજા દિવસે માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ
સ્થાનિક શેરબજારમાં છ સપ્તાહ બાદ સતત ત્રણ દિવસ મજબૂતી જોવા મળવા સાથે બ્રોડ બેઝ ખરીદી જળવાય હતી. બીએસઈ ખાતે 3144 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1783 કાઉન્ટર્સ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1178 કાઉન્ટર્સ નરમાઈ સાથે ટ્રેડ થઈ રહ્યાં હતાં. ચાલુ સપ્તાહના ત્રણેય ટ્રેડિંગ સત્રો દરમિયાન માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી છે. મીડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકોમાં પણ સમાંતર સુધારો નોંધાયો છે. બુધવારે નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1.11 ટકા સાથે તેની સર્વોચ્ચ સપાટીથી લગભગ એક ટકો નીચે બંધ રહ્યો હતો. જ્યારે સ્મોલકેપ ઈન્ડેક્સ 0.64 ટકા સુધરી 8585ની ઈન્ટ્રા-ડે ટોચ પર ટ્રેડ થયો હતો. જે તેની ઓલ-ટાઈમ હાઈ 8587થી માત્ર 2 પોઈન્ટ્સ છેટે હતું.