Market Summary 28 April 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

મે સિરિઝને પોઝીટીવ બંધ સાથે આવકારતું બજાર
વૈશ્વિક બજારોમાં પણ જોવા મળેલી મજબૂતી
વોલેટિલિટી ઈન્ડેક્સ 6 ટકા ગગડી 19.37ના સ્તરે
એફએમસીજી, એનર્જી અને પીએસઈ શેર્સમાં લેવાલી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે રૂ. 2851ની સર્વોચ્ચ સપાટી દર્શાવી
બ્રોડ માર્કેટમાં જોકે ખરીદીનો અભાવ

વૈશ્વિક બજારોમાં સ્થિરતા વચ્ચે ભારતીય બજારે મે ડેરિવેટિવ્સ સિરિઝનું પોઝીટીવ બંધ આપીને સ્વાગત કર્યું હતું. બીએસઈ સેન્સેક્સ 702 પોઈન્ટ્સના સુધારે 57521 પર જ્યારે નિફ્ટી 207 પોઈન્ટ્સ સુધરી 17245 પર બંધ રહ્યાં હતાં. શોર્ટ કવરિંગ પાછળ બજારમાં શરૂઆતી ટ્રેડિંગ બાદ ઉછાળો નોંધાયો હતો અને બેન્ચમાર્ક્સ નવી ટોચ પર પહોંચ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ વિક્સ 6 ટકા ગગડી 19.37ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 42 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 8 કાઉન્ટર્સ નેગેટિવ બંધ સૂચવતાં હતાં. જોકે બ્રોડ માર્કેટમાં ખરીદીનો અભાવ હતો અને માર્કેટ-બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. વૈશ્વિક બજારોમાં પણ 2 ટકા સુધીનો સુધારો જોવા મળતો હતો.
લાર્જ-કેપ્સમાં એફએમસીજી, એનર્જી અને પીએસઈ કાઉન્ટર્સમાં લેવાલી જોવા મળી હતી. હિંદુસ્તાન યુનિલીવરનો શેર 4.5 ટકા ઉછળી રૂ. 2241.85ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે એચડીએફસી લાઈફ 4.34 ટકા, એસબીઆઈ લાઈફ 4 ટકા, યૂપીએલ 3.24 ટકા અને એશિયન પેઈન્ટ્સ 3.16 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. બીજી બાજુ બજાજ ઓટો, હિંદાલ્કો, ભારતી એરટેલ, એમએન્ડએમ, એચસીએલ ટેક જેવા કાઉન્ટર્સ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. હેવી વેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો શેર દિવસ દરમિયાન રૂ. 2851ની તેની સર્વોચ્ચ સપાટી દર્શાવી 1.5 ટકા સુધારે રૂ. 2819.85ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ભાવે તેનું માર્કેટ-કેપ રૂ. 19.07 લાખ કરોડ પર જોવા મળતું હતું. ડોલર સંદર્ભમાં તે 250 અબજ ડોલરથી વધુ જોવા મળતું હતું.
ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં કોરોમંડલ ઈન્ટરનેશનલ 6 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. સરકારે યુરિયા સહિતની સબસિડીમાં વૃદ્ધિ કરતાં ફર્ટિલાઈઝર કંપનીઓના શેર્સમાં મજબૂતી જોવા મળી હતી. પર્સિસ્ટન્ટ સિસ્ટમ 6 ટકા, ઈન્ડિયન હોટેલ્સ 5 ટકા, યુનાઈટેડ બ્રૂઅરીઝ 4.3 ટકા અને ઈન્ફો એજ 4 ટકાનો સુધારો સૂચવતાં હતાં. બીજી બાજુ ડો. લાલ પેથલેબ્સ 3.8 ટકા, બાલક્રિષ્ણ ઈન્ડ. 2.75 ટકા, આઈઈએક્સ 1.94 ટકા, એમએન્ડએમ ફાઈ. 1.8 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટની વાત કરીએ તો બીએસઈ ખાતે 3518 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1621 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1788 નેગેટિવ જોવા મળી રહ્યાં હતાં. 149 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ જ્યારે 19 કાઉન્ટર્સે વાર્ષિક તળિયું નોંધાવ્યું હતું. એનએસઈ મીડ-કેપ ઈન્ડેક્સ 0.6 ટકા સુધારા સાથે જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.36 ટકા સુધારા સાથે બંધ દર્શાવી રહ્યાં હતાં. કેટલાંક સ્મોલ-કેપ કાઉન્ટર્સમાં ફાઈન ઓર્ગેનિક્સ 5.16 ટકા, કેઈઆઈ ઈન્ડસ્ટ્રીઝ 4.75 ટકા, સિક્વેન્ટ સાઈન્ટિફિક 4 ટકા, સેન્ચૂરી પ્લાયબોર્ડ 3.44 ટકા, કાર્બોરેન્ડમ 3.36 ટકા અને એજિસ લોજિસ્ટીક્સ 3.11 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. વૈશ્વિક બજારોમાં હોંગ કોંગ 1.65 ટકા સાથે સૌથી મજબૂતી દર્શાવતું હતું. કોરિયન માર્કેટ પણ 1 ટકાથી વધુ સુધારો દર્શાવતું હતું. યુરોપ બજારોમાં જર્મની 1.6 ટકા જ્યારે યૂકે 1.1 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝે 250 અબજ ડોલરનું માર્કેટ-કેપ નોંધાવ્યું
દેશના શેરબજાર પર લિસ્ટેડ કંપનીઓમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ પ્રથમ કંપની છે જેણે 250 અબજ ડોલરના માર્કેટ-કેપને પાર કર્યું છે. ગુરુવારે કંપનીનો શેર ઈન્ટ્રા-ડે ધોરણે રૂ. 2851ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. જ્યારે કામકાજની આખરમાં રૂ. 2819ની સપાટીએ બંધ રહ્યો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 19.07 લાખ કરોડ જોવા મળતું હતું. ડોલર સંદર્ભમાં તે 250 અબજ ડોલરને પાર કરી ગયું હતું. આમ ભારતીય બજારમાં આટલું ઊંચું માર્કેટ-કેપ ધરાવતી તે પ્રથમ કંપની બની હતી.
માર્ચ ક્વાર્ટરમાં ભારતની ગોલ્ડ માગમાં તીવ્ર ઘટાડો નોંધાયો
સોનામાં રોકાણ માટે ટોચનું સ્થાન ધરાવતાં ભારતે માર્ચ ક્વાર્ટરમાં ગોલ્ડની ખરીદીમાં તીવ્ર ઘટાડો નોંધાવ્યો છે. 2022ના પ્રથમ ક્વાર્ટરમાં દેશમાં સોનાની માગ 18 ટકા ગગડી 135.5 ટન પર રહી હતી. સોનાની માગમાં ઘટાડા પાછળ જ્વેલરીની માગમાં ઘટાડો મુખ્ય કારણ હતું. જ્વેલરી માગ વાર્ષિક ધોરણે 26 ટકા ગગડી 94.2 ટન પર રહી હતી. સ્થાનિક બજારથી ઊલટું વૈશ્વિક બજારમાં સોનાની માગમાં વૃદ્ધિ જોવા મળી હતી અને તે વાર્ષિક ધોરણે 34 ટકા ઉછળી 1234 ટન પર રહી હતી. જે કેલેન્ડર 2018ના ચોથા ક્વાર્ટર પછીની સર્વોચ્ચ હતી. વૈશ્વિક માગમાં વૃદ્ધિનું કારણ ઈન્વેસ્ટમેન્ટ માગમાં વૃદ્ધિ હતું. જે 203 ટકા ઉછળી 550.7 ટન પર રહી હતી. આની સરખામણીમાં ભારતમાં ઈન્વેસ્ટમેન્ટ માગ માત્ર 3 ટકા જ વધી હતી. દરમિયાન 2022ની શરૂઆતથી સોનાના ભાવમાં મજબૂતી જોવા મળી હતી. એમસીએક્સ ખાતે ગોલ્ડ ફ્યુચર્સ રૂ. 55 હજારની સપાટી પાર કરી ગયાં હતાં. જોકે તાજેતરમાં તે રૂ. 51 હજાર આસપાસ ટ્રેડ થઈ રહ્યાં છે.
BOBએ મર્યાદિત ગાળા માટેની હોમ લોનના રેટ ઘટાડ્યાં
જાહેર ક્ષેત્રની અગ્રણી એવી બેંક ઓફ બરોડાએ મર્યાદિત ગાળા માટેના હોમ લોન પરના રેટમાં 25 બેસીસ પોઈન્ટ્સનો ઘટાડો કર્યો હતો. ફેરફાર બાદ વાર્ષિક 6.75 ટકાના સ્થાને વાર્ષિક 6.50 ટકાના રેટ લાગુ પડશે. આ વિશેષ દર 30 જૂન 2022 સુધી અમલી રહેશે. ઉપરાંત બેંકે આ સમયગાળા દરમિયાન પ્રોસેસિંગ ફી પર સંપૂર્ણપણે માફીની જાહેરાત પણ કરી છે. એકબાજુ ફુગાવાને કારણે રિઝર્વ બેંક રેપો રેટમાં વૃદ્ધિ કરે તેવી પ્રબળ શક્યતાં છે ત્યારે બેંક ઓફ બરોડાએ હોમ લોન રેટમાં ઘટાડો કરી ઉદ્યોગમાં સૌથી ઓછા અને સૌથી વધુ સ્પર્ધાત્મક હોમ લોન રેટ ઓફર કર્યો છે.
યુનિપાર્ટ્સ ઇન્ડિયાએ IPO માટે DRHP ફાઇલ કર્યું
એન્જિનીયર્ડ સિસ્ટમ્સ અને સોલ્યુશન્સની આંતરરાષ્ટ્રીય ઉત્પાદક યુનિપાર્ટ્સ ઇન્ડિયા લિમિટેડે મૂડીબજારમાં આઈપીઓ સાથે પ્રવેશવા માટે માર્કેટ રેગ્યુલેટર સેબી સમક્ષ ડીઆરએચપી ફાઈલ કર્યું છે. કંપની કૃષિ અને નિર્માણ, ફોરેસ્ટ્રી અને માઇનિંગ અને આફ્ટરમાર્કેટ સેક્ટર્સમાં ઓફ-હાઇવે માર્કેટ માટે સિસ્ટમ્સ અને ઘટકોની અગ્રણી સપ્લાયર્સ પૈકીની એક છે. તે વિશ્વના 25થી વધારે દેશોમાં કાર્યરત છે. આઈપીઓમાં પ્રમોટર જૂથ તથા અન્ય શેરધારકો શેર્સ ઓફર કરશે.

LICમાં લિસ્ટીંગ લાભની શક્યતા સૂચવતું ગ્રે માર્કેટ પ્રિમીયમ
વીમા જાયન્ટના રૂ. 902-949ના પ્રાઈસ બેન્ડ પર જોવાતું 5-6 ટકા પ્રિમીયમ

ભારત સરકારની માલિકીની જીવન વીમા કંપની એલઆઈસીના આઈપીઓને લઈને ગ્રે-માર્કેટ ત્રણ દિવસોથી સક્રિય બની ચૂક્યું છે. બિનસત્તાવાર એવા ગ્રે માર્કેટમાં એલઆઈસીના શેર પર રૂ. 45-50નું પ્રિમીયમ ક્વોટ થઈ રહ્યું છે. જે સૂચવે છે કે રિટેલ રોકાણકારોને ઈસ્યુના લિસ્ટીંગ પર 5 ટકા લાભ તો મળશે જ. લાંબા સમયગાળા બાદ એલઆઈસીનો આઈપીઓ ગ્રે માર્કેટ માટે વરદાનરૂપ સાબિત થાય તેવી શક્યતાં છે. ગ્રે માર્કેટ પ્રાઈસ એ આઈપીઓ કયા ભાવે લિસ્ટ થશે તેનો સંકેત આપતો હોય છે.
સરકાર તરફથી એલઆઈસી આઈપીઓની જાહેરાત કરવામાં આવી તે દિવસે ગ્રે માર્કેટમાં કંપનીના શેરનું પ્રિમીયમ રૂ. 25 પર જોવા મળતું હતું. જોકે ગુરુવારે 90-100 ટકા ઉછાળો નોંધાયો હતો અને તે રૂ. 45-50ના સ્તરે બોલાઈ રહ્યું હતું. જે સૂચવે છે કે માર્કેટમાં એલઆઈસીના આઈપીઓને લઈને માહોલ બની રહ્યો છે. જે રિટેલ રોકાણકારોને મોટા પ્રમાણમાં આકર્ષશે. કેમકે આઈપીઓનું કદ મોટું છે. જેને કારણે એલોટમેન્ટની શક્યતાં ઊંચી છે. જોકે ગ્રે માર્કેટ પ્રિમીયમમાં આગામી દિવસોમાં ફેરફાર થઈ શકે છે અને તેથી અત્યારથી આઈપીઓમાં રિટેલ હિસ્સો કેટલા ગણો ભરાશે તે અંગે ગ્રે માર્કેટ વર્તુળોમાં સ્પષ્ટતા નથી. સરકારે બજારની વર્તમાન વોલેટિલિટીને ધ્યાનમાં રાખીને આઈપીઓનું કદ ઘટાડવા સાથે વેલ્યૂએશન્સ પણ અગાઉની અપેક્ષા કરતાં ઘણુ નીચું રાખ્યું છે. જેથી સંસ્થાકિય રોકાણકારો તેમજ રિટેલ રોકાણકારો તરફથી ઊંચું પાર્ટિસિપેશન જોવા મળે. સરકારે રૂ. 60 હજાર કરોડના અગાઉના આઈપીઓ કદ સામે હવે માત્ર રૂ. 21 હજાર કરોડ જ એકત્ર કરવાનું નક્કી કર્યું છે. જ્યારે અગાઉના રૂ. 17 લાખ કરોડના વેલ્યૂએશન સામે હવે તે માત્ર રૂ. 6 લાખ કરોડના વેલ્યૂએશન પર આઈપીઓ સાથે પ્રવેશવા જઈ રહી છે.
નિષ્ણાતોના જણાવ્યા મુજબ જેમ આઈપીઓ નજીક આવતો જશે તેમ ગ્રે માર્કેટ પ્રિમીયમમાં મજબૂતી જોવા મળે તેવી શક્યતા વધુ છે. કેમકે કંપનીએ નિર્ધારિત કરેલો પ્રાઈસ બેન્ડ ખૂબ આકર્ષક છે. હાલમાં ભારતીય બજારમાં ટ્રેડિંગ ધરાવતી ખાનગી જીવન વીમા કંપનીઓની સરખામણીમાં એલઆઈસી વાજબી ભાવે શેર્સ ઓફર કરી રહી છે અને તેથી પ્રિમીયમ વધુ મજબૂતી દર્શાવી શકે છે. વીમા જાયન્ટે તેના પોલિસીધારકોને પ્રતિ શેર રૂ. 60નું જ્યારે કર્મચારીઓને રૂ. 45નું ડિસ્કાઉન્ટ ઓફર કરવાનું નક્કી કર્યું છે. આમ તેમના તરફથી પણ ઈસ્યુમાં ઊંચા પાર્ટિસિપેશનની શક્યતાં છે. રિટેલ રોકાણકાર માટે લઘુત્તમ 15 શેર્સની અરજી કરવાની રહેશે. એલઆઈસીના પોલિસીધારકો માટે 2.2 કરોડ શેર્સ રિઝર્વ રાખવામાં આવ્યાં છે. જ્યારે કર્મચારીઓ માટે 1.58 કરોડ શેર્સ રિઝર્વ રખાયાં છે.


ક્રેડિટ રિસ્ક ફંડ્સે 17.4 ટકા વળતર આપ્યું
ડેટ ફંડ ક્ષેત્રે મહ્દઅંશે નબળા દેખાવ વચ્ચે ક્રેડિટ રિસ્ક ફંડ્સનો મજબૂત દેખાવ

છેલ્લાં એક વર્ષમાં મોટાભાગની ડેટ ફંડ કેટેગરીએ નિરાશાજનક વળતર આપ્યું હોય તેમ છતાં ક્રેડિટ રિસ્ક ફંડ્સની ઉત્કૃષ્ટ કામગીરી જળવાઇ રહી છે. તેમણે સરેરાશ 17.4 ટકા વળતર આપ્યું છે, જે ડેટ ફંડ કેટેગરીમાં સૌથી વધુ છે.
છેલ્લાં કેટલાંક મહિનાઓમાં ઘણાં ડેટ ફંડે નબળું વળતર ડિલિવર કર્યું છે, જેનું કારણ બોન્ડની ઉપજમાં વધારો છે. ઉપલબ્ધ આંકડાઓ મૂજબ ક્રેડિટ ફંડ્સે છેલ્લાં ત્રણ મહિનામાં સરેરાશ 10.11 ટકા વળતર આપ્યું છે, જ્યારે કે બીજા ઘણાં ડેટ ફંડ્સે એક ટકાથી નીચું વળતર આપ્યું છે. બજારના ખેલાડીઓના અંદાજ મૂજબ ગત વર્ષે કેટલીક ક્રેડિટ રિસ્ક સ્કીમ દ્વારા ઓફર કરાતાં સ્પ્રેડ તેની સમાન મુદ્દત ધરાવતા શોર્ટ-ટર્મ બોન્ડની તુલનામાં આશરે 100-150 બેઝિસ પોઇન્ટ્સ હતાં, જેનાથી ક્રેડિટ રિસ્ક ફંડ્સને સકારાત્મક વળતર હાંસલ કરવામાં મદદ મળી હતી.
ઉલ્લેખનીય છે કે બીજી ડેટ કેટેગરીની સરખામણીમાં ક્રેડિટ રિસ્ક ફંડ્સની યિલ્ડ ટુ મેચ્યોરિટી (વાયટીએમ) ઉંચી હતી. સામાન્ય રીતે રોકાણકારો ક્રેડિટ રિસ્ક ફંડ્સમાંથી ઉંચા વળતરની આશા રાખે છે, પરંતુ સપ્ટેમ્બર 2018 અને માર્ચ 2020 દરમિયાન વિવિધ નાદારીઓને કારણે આ ફંડ્સના વળતરને અસર થઇ છે. આઇએલએન્ડએફએસની ઘટના બાદ ક્રેડિટ રિસ્ક ફંડ્સ ઉપર સતત ધ્યાન રહ્યું છે. ઘણીવાર ક્રેડિટ રિસ્ક ફંડ્સે ડેટ પેપર્સ ઉપર નાદારીને કારણે પીછેહઠ અનુભવી છે. જોકે, ગત વર્ષે ક્રેડિટ રિસ્ક ફંડ્સે કોઇ મોટી નાદારીઓનો સામનો કર્યો નથી.

ટોચના પર્ફોર્મર્સ
ફંડ એક વર્ષમાં રિટર્ન(ટકામાં)
બીઓઆઈ એક્સા ક્રેડિટ રિસ્ક ફંડ 149.17
યૂટીઆઈ ક્રેડિટ રિસ્ક ફંડ 22.16
આઈડીબીઆઈ ક્રેડિટ રિસ્ક ફંડ 16.50
બરોડા બીએનપી પારિબા ક્રેડિટ રિસ્ક ફંડ 14.26
નિપ્પોન ઈન્ડિયા ક્રેડિટ રિસ્ક ફંડ 12.76


વૈશ્વિક સૂચકાંકોને ટ્રેક કરતાં ETFsમાં રોકાણ હવે મોંઘું બનશે
મ્યુચ્યુલ ફંડ્સ નવા યુનિટ્સ ઈસ્યુ નહિ કરી શકવાને કારણે એનએવીથી પ્રિમીયમમાં ટ્રેડ થતાં ઈટીએફ્સ
વિશ્વના કેટલાંક મહત્વપૂર્ણ સૂચકાંકોની મૂવમેન્ટને ટ્રેક કરતાં મુંબઈમાં લિસ્ટેડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ (ઇટીએફ)માં હાલના તબક્કે ખરીદી કરવું જોખમી બની શકે છે. તેમાંથી કેટલાંક ઇટીએફ તેમની નેટ એસેટ વેલ્યુ (એનએવી) કરતાં પ્રીમિયમ ઉપર ટ્રેડ કરી રહ્યાં છે કારણકે મ્યુચ્યુઅલ ફંડ્સ નિયામકીય નિયંત્રણોને કારણે ફ્રેશ યુનિટ જનરેટ કરવામાં અક્ષમ રહ્યાં છે.
વિવિધ ઇટીએફ 1 ટકાથી 18 ટકાની રેન્જમાં ટ્રેડ કરી રહ્યાં છે, જે તેમના મૂલ્ય કરતાં વધુ છે. ઉદાહરણરૂપે, મોતિલાલ ઓસ્વાલ નાસ્ડેક 100 ઇટીએફ રૂ. 6 ,130 કરોડની એસેટ સથા તેમજ નિપ્પોન ઇન્ડિયા ઇટીએફ હેંગસેંગ બીઇઇએસ રૂ. 88 કરોડની એસેટ સાથે તેમની એનએવી કરતાં 5 ટકા અને 18 ટકા વચ્ચે ટ્રેડ કરી રહ્યાં છે. ઉલ્લેખનીય છે કે છેલ્લાં કેટલાંક સમયમાં નિયામકીય નિયંત્રણોને કારણે નવા યુનિટ્સ જનરેટ કરી શકાયા નથી. મ્યુચ્યુઅલ ફંડ્સે 2 ફેબ્રુઆરીથી ઇન્ટરનેશનલ ફંડ્સમાં નવા રોકાણને સ્વિકારવાનું બંધ કર્યું છે કારણકે ઇન્ડસ્ટ્રી વિદેશી સિક્યુરિટીઝમાં રોકાણ કરવાની 7 બિલિયન ડોલરની મર્યાદાની નજીક હતો.
રોકાણકારો માટે ઇટીએફ ખરીદવા ઉપર કોઇ નિયંત્રણ નથી કારણકે તેઓ એક્સચેન્જ ઉપર ટ્રેડ કરે છે. જોકે, ફંડ હાઉસ પાસે વિદેશી સિક્યુરિટીઝમાં રોકાણ કરવાની મંજૂરી ન હોવાથી તેઓ નવા યુનિટ્સ જનરેટ કરી શકતા નથી. જાણકારોનું માનવું છે કે પ્રીમિયમ ઉપર ખરીદી કરવાથી એનએવી વળતર ઓછું કરી નાખશે. રોકાણકારોએ સાવચેતી રાખવી જરૂરી છે અને તેમણે સુનિશ્ચિત કરવું જોઇએ કે તેઓ એનએવી નજીક હોય તેવા ઇટીએફ ખરીદે. કેટલાંક અન્ય ઈન્ટરનેશનલ ઈટીએફ્સમાં મિરાઈ હેંગ સેંગ ટેક ઈટીએફ, મિરાઈ એનવાયએસઈ ફેંગ પ્લસ ઈટીએફ અને મિરાઈ એસએન્ડપી500 ટોપ 50 ઈટીએફનો સમાવેશ થાય છે. જેઓ 1-2 ટકા પ્રિમીયમ્સ પર ટ્રેડ થઈ રહ્યાં છે.


કોર્પોરેટ હેડલાઈન્સ



ઈન્ડિયન હોટેલ્સઃ તાતા જૂથની કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 74.19 કરોડનો નફો દર્શાવ્યો છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 91.3 કરોડની ખોટ નોંધાવી હતી. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 615.02 કરોડની સરખામણીમાં ચાલુ વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 872.1 કરોડ રહી હતી.
બજાજ ઓટોઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1469 કરોડનો નફો નોંધાવ્યો છે. જે એનાલિસ્ટ્સના રૂ. 1024 કરોડના અંદાજની સરખામણીમાં ઊંચો છે. કંપનીની આવક રૂ. 7611 કરોડની અપેક્ષા સામે રૂ. 7975 કરોડ રહી હતી.
એચયૂએલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 2327 કરોડનો નફો દર્શાવ્યો છે. જે એનાલિસ્ટ્સના રૂ. 2165 કરોડના અંદાજ કરતાં ઊંચો છે. કંપનીની આવક પણ રૂ. 12900 કરોડની અપેક્ષા સામે રૂ. 13462 કરોડ પર જોવા મળી હતી.
સિન્જિનઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 147.8 કરોડનો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગામાં રૂ. 160.6 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 658.6 કરોડ પરથી 15.1 ટકા વધી રૂ. 758.1 કરોડ પર જોવા મળી હતી.
એચડીએફસી એએમસીઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 344 કરોડનો નફો નોઁધાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગામાં રૂ. 316 કરોડ સામે લગભગ 8 ટકા વૃદ્ધિ દર્શાવે છે. કંપનીની આવક પણ ગયા વર્ષે રૂ. 503 કરોડ પરથી 2 ટકા વધી રૂ. 516 કરોડ જોવા મળી હતી.
ટ્રેન્ટઃ તાતા જૂથની કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 20.87 કરોડની ખોટ દર્શાવી છે. ગયા વર્ષે સમાનગાળામાં તેણે રૂ. 17.44 કરોડનો નફો નોંધાવ્યો હતો. કંપનીની આવક ગયા વર્ષે રૂ. 905.6 કરોડ સામે ચાલુ વર્ષે 46.7 ટકા ઉછળી રૂ. 1328.9 કરોડ રહી હતી.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage