Market Summary 28 Dec 2020

Market Summary 28 Dec 2020

માર્કેટ સમરી

ટ્રમ્પે 2.3 અબજ ડોલરની નાણાકિય સહાયને મંજરી આપતાં શેરબજારો નવી ટોચ પર

સેન્સેક્સે 47407ની જ્યારે નિફ્ટીએ 13885ની સર્વોચ્ચ સપાટી દર્શાવી

રોકાણકારોની માર્કેટ વેલ્થમાં સોમવારે રૂ. 2 લાખ કરોડની વૃદ્ધિ નોંધાઈ

બજારમાં જંગી લિક્વિડીટીના પ્રવેશની આશાએ એમસીએક્સ ચાંદીમાં રૂ. 2000નો ઉછાળો

યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કોવિડ મહામારી સંબંધી 2.3 અબજ ડોલરના એક વધુ સહાય પેકેજ પર મંજૂરીની મહોર મારતાં અગ્રણી શેરબજારોમાં તેજી જોવા મળી હતી. જેમાં ભારત જેવા ઈમર્જિંગ જ્યારે જર્મની જેવા વિકસિત બજારોએ સોમવારે નવી ટોચ દર્શાવી હતી. આ લખાય છે ત્યારે ડાઉ ફ્યુચર્ચ 170 પોઈન્ટ્સની મજબૂતી સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. જે સૂચવતો હતો કે યુએસ બેન્ચમાર્ક્સ પણ નવી ટોચ દર્શાવે તેવી પૂરી શક્યતા છે. ભારતીય બેન્ચમાર્ક્સમાં સેન્સેક્સે સોમવારે 47407ની સર્વોચ્ચ સપાટી દર્શાવી  380 પોઈન્ટ્સના સુધારે 47354 પર બંધ આપ્યું હતું. જ્યારે નિફ્ટીએ 13885ની ટોચ દર્શાવી 124 પોઈન્ટ્સના સુધારે 13873નું સર્વોચ્ચ બંધ સ્તર દર્શાવ્યું હતું. સ્મોલ-કેપ સેગમેન્ટમાં સૌથી વધુ સુધારો જોવા મળ્યો હતો અને નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.6 ટકા ઉછળી તેની બે વર્ષની ટોચ પર બંધ રહ્યો હતો. ભારતીય બજારમાં રોકાણકારોની વેલ્થ રૂ. 2 લાખ કરોડ વધી 187 લાખ કરોડ પાર કરી ગઈ હતી.

ગયા સપ્તાહે ગુરુવારે યુકે અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલા બ્રેક્સિટ ટ્રેડ ડિલે પણ બજારોના સેન્ટિમેન્ટ પર પોઝીટીવ અસર કરી હતી. શુક્રવારે ક્રિસમસને કારણે બજારો બંધ હતાં અને તેથી સોમવારે બજારો તેની અસરે ગેપ-અપ ખૂલ્યાં હતાં. જોકે એશિયન બજારોમાં હોંગકોંગ અને સિંગાપુર જેવા બજારોમાં સુધારો ટક્યો નહોતો અને તેઓ નેગેટિવ બંધ રહ્યાં હતાં. જયારે કોરિયા, ભારત સહિતના બજારો તેમની સર્વોચ્ચ સપાટી નજીક બંધ આપી શક્યાં હતાં. ક્રિસમસ વેકેશન વચ્ચે વિદેશી સંસ્થાકિય રોકાણકારોએ પોઝીટીવ ફ્લો જાળવ્યો છે. ગુરુવારે તેમણે ભારતીય બજારમાં કેશ સેગમેન્ટમાં રૂ. 1200 કરોડનું ચોખ્ખું રોકાણ નોંધાવ્યું હતુ. જ્યારબાદ 2020માં તેમનું કુલ રોકાણ રૂ. 1.70 લાખ કરોડના વિક્રમી સ્તરે પહોંચ્યું છે.

ભારતીય બજારમાં તેજીની આગેવાની બેંકિંગ સેગમેન્ટે લીધી હતી. બેંક નિફ્ટી 1.57 ટકા થવા 479 પોઈન્ટ્સ ઉછળી 30881 પર બંધ રહ્યો હતો. અંતિમ ત્રણ મહિનામાં તે 43 ટકાનું તીવ્ર રિટર્ન દર્શાવી રહ્યો છે. બેંકિંગ ઉપરાંત નિફ્ટી મેટલ 2.6 ટકા, નિફ્ટી રિઅલ્ટી 2.7 ટકા અને નિફ્ટી પીએસઈ 1.18 ટકા ઉછળ્યાં હતાં. નિફ્ટી ફાર્માને બાદ કરતાં તમામ સેક્ટરલ સૂચકાંકો પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. સોમવારે ખરીદી ખૂબ બ્રોડ બેઝ હતી અને બીએસઈ ખાતે 3197 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1972 કાઉન્ટર્સ અગાઉના બંધની સરખામણીમાં પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1042 કાઉન્ટર્સે નેગેટિવ બંધ આપ્યું હતું.

દરમિયાનમાં યુએસ ખાતે નવા સ્ટીમ્યુલસ પાછળ બજારોમાં જંગી લિક્વિડીટીની અપેક્ષા પાછળ બુલિયન સહિત બેઝ મેટલ્સમાં મજબૂતી જોવા મળી હતી. જેમાં ચાંદીમાં મોટો ઉછાળો નોંધાયો હતો. એમસીએક્સ માર્ચ સિલ્વર ફ્યુચર્સ 2.8 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 69400ના સ્તર પર ટ્રેડ થયો હતો. સોનું પણ પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યું હતું અને રૂ. 50332ની સપાટી પર અડધા ટકાનો સુધારો દર્શાવતું હતું. ક્રૂડ અને કોપર પણ તેમની તાજેતરની ઊંચાઈઓ પર ટ્રેડ થતાં હતાં.

અદાણી જૂથના શેર્સમાં નવેસરથી લેવાલી

અદાણી જૂથની ત્રણ લિસ્ટેડ કંપનીઓ અદાણી એન્ટરપ્રાઈઝિસ, અદાણી પોર્ટ્સ અને અદાણી ટ્રાન્સમિશને સોમવારે તેમની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝિસનો શેર 6 ટકા વૃદ્ધિ સાથે રૂ. 507ની સપાટી પર ટ્રેડ થયો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 55 હજાર કરોડ પર જોવા મળ્યું હતું. અદાણી પોર્ટ્સનો શેર 3 ટકાથી વધુના સુધારે રૂ. 493ની ટોચ પર ટ્રેડ થયો હતો અને કંપનીનું માર્કેટ-રેપ રૂ. 99 હજાર કરોડ પર જોવા મળ્યું હતું. આમ તે રૂ. એક લાખ કરોડથી સહેજ છેટે રહી ગઈ છે. અન્ય કંપની અદાણી ટ્રાન્સમિશનનો શેર પણ 6 ટકા મજબૂતી સાથે રૂ. 455ની ટોચ પર ટ્રેડ થયો હતો. જે ભાવે તેનું માર્કેટ-કેપ રૂ. 49 હજાર કરોડને પાર કરી ગયું હતું.

 

ટીસીએસ રૂ. 11 લાખ કરોડનું માર્કેટ-કેપ પાર કરનાર બીજી કંપની બની

લાર્જ-કેપ્સમાં સ્થિરતા પાછળ સોમવારે સ્મોલ અને મીડ-કેપ આઈટી કંપનીઓમાં તેજીનો ઉકળતો ચરુ

નાની અને મધ્યમ કદની આઈટી કંપનીઓના શેર્સમાં 20 ટકા સુધીનો ઉછાળો

ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સનો શેર સતત પાંચ દિવસમાં 65 ટકા ઉછળ્યો

દેશના શેરબજારો પર રૂ. 11 લાખ કરોડના માર્કેટ-કેપનું પાર કરનાર ટીસીએસ બીજી કંપની બની છે. સોમવારે કંપનીનો શેર એક ટકાથી વધુ સુધરી રૂ. 2949ની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. જે સ્તરે તેણે પ્રથમવાર રૂ. 11 લાખ કરોડનું માર્કેટ-કેપ પાર કર્યું હતું. લગભગ એક વર્ષ અગાઉ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ આ સીમાચિહ્ન હાંસલ કર્યું હતું અને તે રૂ. 15 લાખ કરોડથી વધુના માર્કેટ-કેપ સુધી પહોંચી હતી. હાલમાં પણ તે રૂ. 12 લાખ કરોડથી વધુ માર્કેટ-કેપ ધરાવે છે. ટીસીએસે કેલેન્ડર 2005માં લિસ્ટીંગના 15 વર્ષ બાદ આ નવો લેન્ડમાર્ક હાંસલ કર્યો છે. ટાટા જૂથની તે સૌથી વધુ માર્કેટ-કેપ ધરાવતી કંપની છે. આઈટી કંપનીઓમાં રૂ. 5.3 લાખ કરોડના માર્કેટ-કેપ સાથે ઈન્ફોસિસ ટીસીએસ કરતાં 50 ટકાથી પણ નીચા માર્કેટ-કેપ સાથે બીજા ક્રમે આવે છે.

સપ્તાહની શરૂઆતમાં ટીસીએસના બાદ કરતાં લાર્જ-કેપ આઈટી કંપનીઓએ વિરામ રાખ્યો હતો. ગય સપ્તાહે સતત સુધરનાર ઈન્ફોસિસ અને એસીએલ ટેક જેવા કાઉન્ટર્સ સાઈડલાઈન રહ્યાં હતાં. જોકે નાની અને મધ્યમ કદની આઈટી કંપનીઓમાં તીવ્ર ખરીદી જોવા મળી હતી. જેમાં ઈન્ટ્રા-ડે 20 ટકાની સર્કિટમાં ખરીદી જોવા મળવા સાથે તમામ કંપનીઓ તેમની ઘણા વર્ષોની ટોચ પર અથવા સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ દર્શાવી રહી હતી. તેઓ માર્ચ મહિનાના તેમના તળિયાના ભાવથી ચારથી પાંચ ગણુ રિટર્ન આપી રહી છે.

સ્મોલ-કેપ આઈટી કંપનીઓમાં પંટર્સ સક્રિય જોવા મળ્યાં હતાં. જેની પાછળ ફર્સ્ટસોર્સ સોલ્યુશન્સ(એફએસએલ) જેવી કંપની ગેપ-અપ ખૂલીને એક સમયે 20 ટકા ઉપલી સર્કિટનો ભાવ દર્શાવી પાછળથી 18.55 ટકા વૃદ્ધિ સાથે બંધ જોવા મળી હતી. કંપનીનો શેર અંતિમ પાંચ ટ્રેડિંગ સત્રોમાં 65 ટકા જેટલું તીવ્ર રિટર્ન દર્શાવી રહ્યો છે. ગયા સપ્તાહની શરૂમાં તે રૂ. 66ની સપાટી પર ટ્રેડ થતો હતો. માર્ચ મહિનામાં રૂ. 20ના તળિયા સામે સોમવારે રૂ. 111ની ટોચ પર તે પાંચ ગણુ વળતર દર્શાવી રહ્યો હતો. અન્ય સ્મોલ-કેપ આઈટી કંપની સાસ્કેન ટેકનોલોજિસનો શેર પણ દિવસ દરમિયાન 14 ટકાથી વધુ ઉછળ્યો હતો અને તેની સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. કંપનીનો શેર રૂ. 345ના વાર્ષિક તળિયા સામે લગભગ અઢીગણાથી વધુ વૃદ્ધિ દર્શાવી રહ્યો હતો. કેપીઆઈટી ટેક્નોલોજીનો શેર્સ 10 ટકા ઉછળ્યો હતો. માર્ચમાં રૂ. 34ની સપાટી પર જોવા મળેલો શેર સોમવારે રૂ. 133 પર ટ્રેડ થયો હતો. આ સિવાય માસ્ટેક(6 ટકા), ટાટા એલેક્સિ(5 ટકા), એનઆઈઆઈટી(4 ટકા), સોનાટા સોફ્ટવેર(4 ટકા) અને પર્સિસ્ટન્સ સિસ્ટમ(2 ટકા)નો સુધારો દર્શાવી રહ્યાં હતાં.  આમાં એનઆઈઆઈટીએ રૂ. 237 કરોડના મૂલ્યના શેર્સ બાયબેક કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી છે. કંપનીનું મેનેજમેન્ટ રૂ. 240ના ભાવે શેર પરત ખરીદશે. જ્યારે સોમવારે કંપનીનો શેર 4 ટકા ઉછાળે રૂ. 207ની સપાટી પર બંધ જોવા મળ્યો હતો. આમ બાયબેક ભાવ હજુ પણ 15 ટકા પ્રિમિયમ દર્શાવી રહ્યો છે.

સોમવારે નાની આઈટી કંપનીઓ દેખાવ

સ્ક્રિપ્સ          વૃદ્ધિ(%)

એફએસએલ    19

સાસ્કેન ટેક્નોલોજિસ    13

કેપીઆઈટી ટેક્નોલોજિસ 10

માસ્ટેક  6

ટાટા એલેક્સિ   5

એનઆઈઆઈટી લિ.    4

સોનાટા સોફ્ટવેલ       4

પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ      2

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage