Market Summary 28 Jan 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

તેજીવાળાઓમાં વિશ્વાસના અભાવે માર્કેટે સુધારો ગુમાવ્યો
નિફ્ટી દિવસની ટોચના સ્તરેથી 300 પોઈન્ટ્સ પટકાયો
વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા ઘટી 20.69ની સપાટીએ
સેન્સેક્સ 750 પોઈન્ટ્સનો સુધારો ગુમાવી 77 પોઈન્ટ્સ નરમ બંધ રહ્યો
બ્રોડ માર્કેટમાં લેવાલીએ માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી
એશિયા અને યુરોપ બજારોમાં 2 ટકા સુધીનો ઘટાડો

તેજીવાળાઓમાં આત્મવિશ્વાસના અભાવે સપ્તાહના આખરી ટ્રેડિંગ દિવસે ભારતીય બજારે દિવસભર જળવાયેલા સુધારાને ગુમાવી સાધારણ નેગેટિવ બંધ આપ્યું હતું. એક તબક્કે બીએસઈ સેન્સેક્સ 1.5 ટકા અથવા 750 પોઈન્ટ્સના સુધારા સાથે ટ્રેડ દર્શાવી રહ્યો હતો, જે આખરે 76.71 પોઈન્ટ્સ ગગડી 57200.23ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 8.20 પોઈન્ટ્સના ઘટાડે રૂ. 17101.95ના સ્તરે બંધ જોવા મળ્યો હતો. તે 17373.50ની દિવસની ટોચથી લગભગ 300 પોઈન્ટ્સ નીચે પટકાયો હતો. જોકે નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 30 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ 1.8 ટકા નરમાઈ સાથે 20.69 પર બંધ રહ્યો હતો.
એશિયન બજારોમાં મિશ્ર માહોલ વચ્ચે ભારતીય બજારમા કામકાજની શરૂઆત ગેપ-અપ જોવા મળી હતી. તેમજ બજારો વધુ સુધરીને મધ્યાહને તેમની ટોચ પર ટ્રેડ થયા બાદ સ્થિર જોવા મળી રહ્યાં હતાં. જોકે બંધ થવાના કલાક અગાઉ માર્કેટ ઊંધા માથે પટકાયું હતું. બેન્ચમાર્ક્સે તેમનો દિવસ દરમિયાનનો તમામ સુધારો ગુમાવ્યો હતો અને સાધારણ નેગેટિવ બંધ દર્શાવ્યું હતું. એશિયન બજારોમાં ચીન અને હોંગ કોંગમાં એક-એક ટકાનો ઘટાડો નોઁધાયો હતો. જ્યારે જાપાન અને કોરિયા 2 ટકા સુધીનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. યુરોપ ખાતે જોકે વેચવાલી જળવાય હતી અને જર્મનીનો ડેક્સ 2 ટકા નીચે ટ્રેડ થઈ રહ્યો હતો. ગુરુવારે યુએસ બજારો પણ તેમની દિવસની ટોચ પરથી ગગડીને નેગેટિવ બંધ રહ્યાં હતાં.
એનાલિસ્ટ્સના મતે હાલ પૂરતાં નેગેટિવ કારણો ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યાં છે. જોકે બજારમાં રોકાણકારોનો વિશ્વાસ પરત ફરતાં થોડો સમય લાગશે. જે દરમિયાન માર્કેટ કોન્સોલિડેશનમાં જોવા મળશે. ભારતીય બજાર માટે મંગળવારે બજેટ જેવી ઘટનાને જોતાં શોર્ટ ટર્મમાં ઊંચી વધ-ઘટની સંભાવના છે. આમ ટ્રેડર્સને લેવરેજ પોઝીશન હળવી રાખવાની ભલામણ પણ તેઓ કરે છે. નિફ્ટી માટે 16820ના સપોર્ટને મહત્વનો ગણવામાં આવે છે. આ સ્તરને સ્ટોપલોસ બનાવી લોંગ પોઝીશન જાળવી શકાય. નિફ્ટી માટે 17300-17400નો ઝોન અવરોધ ઝોન છે. જે પાર થશે તો 17600-17700ના સ્તર સુધી સુધારો સંભવ છે. બજેટને લઈને માર્કેટની કોઈ ઊંચી અપેક્ષા નહિ જોતાં તેને નિરાશા સાંપડવાની શક્યતાં ઓછી છે. જોકે તેમ છતાં કેપિટલ ગેઈન્સ ટેક્સ સંબંધી કોઈ નવી જોગવાઈ બજારમાં વેચવાલીનું કારણ બની શકે છે.
શુક્રવારે બ્રોડ માર્કેટમાં સારો સુધારો જોવા મળ્યો હતો. બીએસઈ ખાતે 3458 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1947 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. જ્યારે 1417 નેગેટિવ બંધ રહ્યાં હતાં. 167 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 13 કાઉન્ટર્સે તળિયું નોંધાવ્યું હતું. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 1.5 ટકા વૃદ્ધિ સાથે જ્યારે સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.95 ટકા સુધારે બંધ રહ્યાં હતાં. સેક્ટરલ સૂચકાંકોમાં છેલ્લાં કેટલાંક સત્રોથી નિફ્ટી સામે આઉટપર્ફોર્મન્સ દર્શાવતાં બેંક નિફ્ટીએ અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. પ્રાઈવેટ બેંકિંગ કંપનીઓ જેવીકે આરબીએલ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, બંધન બેંક અને એક્સિસ બેંકમાં ઘટાડા પાછળ બેંક નિફ્ટી 0.8 ટકા નરમ બંધ રહ્યો હતો. અન્ય સેક્ટરલ સૂચકાંકો પોઝીટીવ જોવા મળતાં હતાં. જેમાં આઈટીમાં 1.13 ટકાનો બાઉન્સ જોવા મળ્યો હતો. ફાર્મા ઈન્ડેક્સ 1.05 ટકા, પીએસઈ ઈન્ડેક્સ 1.03 ટકા અને એફએમસીજી 0.62 ટકા સુધારો સૂચવતાં હતાં. જાહેર સાહસોમાં એનટીપીસી, આઈઆરસીટીસી, કન્ટેનર કોર્પોરેશન, એનએમસીડી અને નાલ્કોમાં 3-4 ટકાની રેંજમાં સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી કાઉન્ટર્સમાં મારુતિ 3 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવતો હતો.

લાર્સન એન્ડ ટુબ્રોએ રૂ. 2055 કરોડનો નફો નોંધાવ્યો
અગ્રણી કેપિટલ ગુડ્ઝ કંપની લાર્સન એન્ડ ટુબ્રોએ ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 2055 કરોડનો કોન્સોલિડેટેડ પ્રોફિટ દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળાની સરખામણીમાં 17 ટકા ઘટાડો સૂચવે છે. ગયા વર્ષે સમાનગાળામાં તે રૂ. 2466.71 કરોડ પર જોવા મળ્યો હતો. કંપનીની આવક 11 ટકા વધી રૂ. 39563 કરોડ પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 35596 કરોડ પર જોવા મળતી હતી. રેવન્યૂમાં વૃદ્ધિ પાછળનું મુખ્ય કારણ પ્રોજેક્ટ એક્ઝીક્યૂશનમાં સુધારા સાથે આઈટીએન્ડટીએસ પોર્ટફોલિયોમાં મજબૂત વૃદ્ધિ હતું. કંપનીનો ઈન્ટરનેશનલ બિઝનેસ રૂ. 14541 કરોડ પર જોવા મળ્યો હતો. જે કુલ બિઝનેસના 37 ટકા જેટલો હતો. કંપનીએ રૂ. 50359 કરોડના મૂલ્યના ઓર્ડર્સ મેળવ્યાં હતાં. જેમાં તેણે ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્પેસમાં મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલનો સૌથી મોટો ઈપીસી કોન્ટ્રેક્ટ મેળવ્યો હતો. કંપનીએ હાઈડ્રોકાર્બન ઓફશોર, મેટ્રો, રુરલ વોટર સપ્લાય, મિનરલ્સ એન્ડ મેટલ અને હેલ્થ ઈન્ફ્રા ક્ષેત્રે પણ ઓર્ડર્સ મેળવ્યાં હતાં.

ગોલ્ડે રૂ. 48 હજારની સપાટી તોડી
યુએસ ફેડે ટૂંક સમયમાં રેટ વૃદ્ધિની શક્યતાં દર્શાવતાં તથા સ્ટીમ્યુલસને પણ બે મહિનામાં સમાપ્ત કરવાની વાત કરતાં ગોલ્ડમાં સતત બીજા દિવસે વેચવાલી જોવા મળી હતી. કોમેક્સ ગોલ્ડ વાયદો તાજેતરની 1742 ડોલરની ટોચથી 60 ડોલર જેટલો ગગડી 1780 ડોલરની નજીક ટ્રેડ થયો હતો. જેની પાછળ એમસીએક્સ ગોલ્ડ વાયદો રૂ. 48 હજારની સપાટી નીચે ઉતરી ગયો હતો અને સાંજે રૂ. 302ની નરમાઈ સાથે રૂ. 47608ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. સોના પાછળ ચાંદી પણ રૂ. 365ના ઘટાડે રૂ. 61579ના સ્તરે ટ્રેડ થઈ રહી હતી. બેઝ મેટલ્સમાં પણ સાર્વત્રિક ઘટાડો જોવા મળતો હતો. જ્યારે નેચરલ ગેસ 4 ટકાથી વધુનો ઉછાળો દર્શાવતો હતો.

કોટક બેંકે ત્રીજા ક્વાર્ટરમાં રૂ. 3403 કરોડનો નફો દર્શાવ્યો
પ્રાઈવેટ સેક્ટરની કોટક મહિન્દ્રા બેંકે ડિસેમ્બર ક્વાર્ટરમાં રૂ. 3403 કરોડનો ચોખ્ખો નફો દર્શાવ્યો છે. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 2602 કરોડની સરખામણીમાં 31 ટકા વૃદ્ધિ દર્શાવે છે. બેંકના લેન્ડિંગ ઓપરેશન્સની વાત કરીએ તો તેણે નેટ પ્રોફિટમાં વાર્ષિક 15 ટકા વૃદ્ધિ દર્શાવી હતી અને તે રૂ. 2131 કરોડ પર રહ્યો હતો. જે વર્ષ અગાઉ રૂ. 1854 કરોડ પર હતો. કંપનીની નેટ ઈન્ટરેસ્ટ ઈન્કમ 12 ટકા વધી રૂ. 4334 કરોડ પર રહી હતી. જ્યારે નેટ ઈન્ટરેસ્ટ માર્જિન 17 બેસીસ પોઈન્ટ્સના સુધારે 4.62 ટકા પર જોવા મળ્યાં હતાં. કંપનીની એસેટ ક્વોલિટીમાં પણ સુધારો જોવા મળ્યો હતો અને તેની જીએનપીએ સપ્ટેમ્બર ક્વાર્ટરના 3.19 ટકાના સ્તરેથી સુધરી 2.71 ટકા પર રહી હતી.

ગૂગલ ભારતી એરટેલમાં એક અબજ ડોલરનું રોકાણ કરશે
વૈશ્વિક ટેક જાયન્ટ 70 કરોડ ડોલરમાં એરટેલમાં 1.28 ટકા હિસ્સો ખરીદશે

ગૂગલ ભારતીય ટેલિકોમ ક્ષેત્રે તેના બીજા રોકાણમાં ભારત એરટેલમાં એક અબજ ડોલર સુધીનું રોકાણ કરશે. કંપની ભારતી એરટેલમાં ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ અને તેની સાથે એફોર્ડેબલ ડિવાઈસિસમાં કમર્સિયલ પાર્ટનરશીપના મિશ્રણ થકી રોકાણ કરશે. ગૂગલ રિલાયન્સ જીઓમાં 7.73 ટકા હિસ્સો ધરાવે છે. તેણે લગભગ દોઢેક વર્ષ અગાઉ આ રોકાણ કર્યું હતું. બંને કંપનીઓ જીઓફોન નેક્સ્ટ નામે અફોર્ડેબલ સ્માર્ટફોન બનાવવામાં પણ ભાગીદારી ધરાવે છે.
અગ્રણી ટેક જાયન્ટ તરફથી એક અબજ ડોલરના રોકાણમાં 70 કરોડ ડોલર(રૂ. 5224 કરોડ)નું ઈક્વિટી ઈન્વેસ્ટમેન્ટ રહેશે. જેમાં કંપની પ્રેફરન્શિયલ બેસીસ પર રૂ. 734 પ્રતિ શેરના ભાવે ભારતી એરટેલના શેર્સ મેળવશે. તે કંપનીમાં 1.28 ટકા હિસ્સો ધરાવતી હશે. આ ઉપરાંત ગૂગલ 30 કરોડ ડોલરનું રોકાણ એરટેલ્સની ઓફરિંગ્સનો સ્કેલ વધારવામાં કરશે. જેમાં શ્રેણીબધ્ધ ડિવાઈસિસનો સમાવેશ થતો હશે. એરટેલ અને ગૂગલે જણાવ્યું હતું કે તેઓ સાથે મળીને એરટેલના ઓફરિંગ્સને વિસ્તૃત બનાવશે. જેમાં એન્ડ્રોઈડ-અનેબલ્ડ ડિવાઈસિસનો સમાવેશ થતો હતો. તેઓ ઈનોવેટિવ એફોર્ડેબિલિટી પ્રોગ્રામ્સ મારફતે આમ કરશે. વ્યાપક વ્યૂહાત્મક ઉદ્દેશો હેઠળ બંને કંપનીઓ સાથે મળીને 5જી માટે ઈન્ડિયા-સ્પેસિફિક નેટવર્ક ડોમેઈન પણ ઊભું કરશે. સાથે બંને કંપનીઓ ભારતમાં ક્લાઉડ ઈકોસિસ્ટમને આકાર આપવામાં તથા તેની વૃદ્ધિ પર પણ ભાર મૂકશે અને તેમની ડિજિટલ ટ્રાન્સફોર્મેશન પ્રક્રિયાને વેગ આપશે.

વૈશ્વિક સ્તરે ગોલ્ડની માંગ બે વર્ષની ટોચે પહોંચીઃ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ
કેલેન્ડર 2021માં ગોલ્ડની માગ 4021 ટન પર પહોંચી ગઈ
સોનાની લગડી અને સિક્કાની માગ 1180 ટન પર આંઠ વર્ષોની ટોચે જોવા મળી

ગોલ્ડની માગને લઈને વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના તાજેતરના એક રિપોર્ટમાં જણાવાયું છે કે તે છેલ્લાં બે વર્ષોની ટોચ પર રહી હતી. કેલેન્ડર 2021માં તે 4,021 ટન સુધી પહોંચી ગઇ હતી. કેલેન્ડરના ચોથા ક્વાર્ટરમાં ગોલ્ડની માગ 50 ટકા જેટલી વધારે જોવા મળી હતી અને 1147 ટન પર રહી હતી.
કાઉન્સિલે ગ્લોબલ ડિમાન્ડ ટ્રેન્ડ અંગેના રિપોર્ટમાં નોંધ્યું છે કે ઓટીસી બજારોને બાદ કરતાં અન્ય બજારોમાં કેલેન્ડર 2020માં કોવિડને કારણે થયેલા નુકસાનમાંથી સંપૂર્ણપણે રિકવરી જોવા મળી હતી. જેની પાછળ માગ બે વર્ષોની ટોચ પર પહોંચી હતી. જેમાં સોનાની લગડી અને સિક્કાની માંગ તો 31 ટકા વધીને 8 વર્ષની ઊંચી સપાટી પર જોવા મળી હતી અને તે 1,180 ટન પર રહી હતી. વિકસિત દેશોમાં વધતાં જતાં ફુગાવા અને કોવિડના નવા વેરિઅન્ટ્સ પાછળ જોવા મળતી અનિશ્ચિતતાને પગલે રોકાણકારો સેફ હેવન શોધી રહ્યાં છે.
દરમિયાનમાં વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલની ડેટા સિરીઝમાં 2021માં ગોલ્ડ-બેઝ્ડ ઇટીએફમાંથી 173 ટનનો આઉટફ્લો નોંધવામાં આવ્યો હતો. અગ્રણી વ્યૂહાત્મક રોકાણકારોએ વેક્સિનેશનને કારણે તેમની પોઝીશનમાં ઘટાડો કરવાથી આમ થયું હતું. જોકે આ આઉટફ્લો વૈશ્વિક ગોલ્ડ ઈટીએફ્સ પાસે પડેલા મોટી માત્રામાં ગોલ્ડનો નાનો હિસ્સો છે. છેલ્લાં પાંચ વર્ષોમાં જ ઈટીએફ્સે 2200 ટન ગોલ્ડની ખરીદી કરી હતી. આમ આઉટફ્લોનું પ્રમાણ તેના 10 ટકા જેટલું પણ નથી. 2021માં સૌથી મહત્વની બાબત કન્ઝ્યૂમર માગનું પરત ફરવું હતું. જ્વેલરી સેક્ટરની માગ 2124 ટન પર જોવા મળી હતી. જે અગાઉ 2019માં જોવા મળેલી માગ જેટલી જ છે. જ્યારે ડિસેમ્બર ક્વાર્ટરમાં તો જ્વેલરી ડિમાન્ડ કેલેન્ડર 2013ના બીજા ક્વાર્ટર પછીના ઊંચા સ્તર પર જોવા મળી હતી. જોકે તે વખતે ગોલ્ડની કિંમત 2021ના સરેરાશ પ્રાઈસ કરતાં 25 ટકા જેટલી નીચી ટ્રેડ થતી હતી.
વૈશ્વિક સેન્ટ્રલ બેંક્સે સતત 12મા વર્ષે સોનાની ખરીદી દર્શાવી હતી. જેની પાછળ તેમના કુલ ગોલ્ડ રિઝર્વ્સમાં 463 ટનનો ઉમેરો થયો હતો. જે 2020ની સરખામણીમાં 82 ટકા જેટલો ઊંચો છે. આશ્ચર્યની બાબત એ છે કે ઈમર્જિંગ દેશોની સેન્ટ્રલ બેંક્સ સાથે વિકસિત અર્થતંત્રોની સેન્ટ્રલ બેંક્સે પણ પોતાના ગોલ્ડ રિઝર્વ્સમાં વૃદ્ધિ કરી હતી. ટેક્નોલોજી ક્ષેત્રે ગોલ્ડ વપરાશ 9 ટકા વધી 330 ટનની ત્રણ વર્ષની ટોચ પર જોવા મળ્યો હતો. જોકે અન્યો ક્ષેત્રોની સરખામણીમાં ટેક ક્ષેત્રે સોનાનો વપરાશ નીચો છે. મુખ્યત્વે તે મોબાઈલ ડિવાઈસિસથી લઈ ટેલિસ્કોપ સહિતના ઈલેક્ટ્રોનિક્સ ડિવાઈસિસમાં વપરાય છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો સિનિયર એનાલિસ્ટ ઇએમઇએ લુઇસ સ્ટ્રીટના જણાવ્યા મુજબ ઊંચા ફુગાવાને કારણે ફેડ દ્વારા રેટ વૃદ્ધિની શક્યતાં પાછળ ઈટીએફ્સ આઉટફ્લો જોવા મળ્યો છે પરંતુ બીજી બાજુ સેફહેવનરૂપી માગ વધી છે. આમ તે સરભર બની છે.

માર્ચ સુધીમાં રૂ. 50 હજાર કરોડની એસેટ્સ NARCLને ટ્રાન્સફર કરવામાં આવશે
લેન્ડર્સે અત્યાર સુધીમાં રૂ. 82845 કરોડના કુલ 38 બેડ એકાઉન્ટ્સને ટ્રાન્સફર કરવા માટે ઓળખી કાઢ્યાં છે
આઈડીઆરસીએલ ડેટ રેઝોલ્યુશન પ્રોસેસની કામગીરી સંભાળશે
ભારતની પ્રથમ બેડ બેંકે તમામ પ્રકારની નિયમનકારી મંજૂરીઓ મેળવી લીધી છે અને લેન્ડર્સ 31 માર્ચ સુધીમાં ઓછામાં ઓછી રૂ. 50 હજાર કરોડની એનપીએને ટ્રાન્સફર કરવાનું વિચારી રહ્યાં છે એમ એસબીઆઈ ચેરમેને જણાવ્યું છે. બેડ બેંક બનાવવાની તથા બેંકોની બેલેન્સ શીટ્સની સફાઈ કરવાની યોજના ગયા વર્ષે બજેટમાં રજૂ કરવામાં આવી હતી. જોકે બેંક રેગ્યુલેટર આરબીઆ આ પ્રકારના પ્રસ્તાવિત માળખાથી નારાજ હોવાના કારણે બેડ બેંકની રચનામાં વિલંબ થયો હતો. લેન્ડર્સે બેડ બેંકના સ્વરૂપમાં થોડો ફેરફાર કરવો પડ્યો હતો અને રેગ્યુલેટર સમક્ષ સુધારેલો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
આરબીઆઈએ મંજૂરી આપેલા માળખા હેઠળ નેશનલ એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની(એનએઆરસીએલ) બેંક્સ તરફથી ઓળખી કાઢવામાં આવેલા બેડ લોન એકાઉન્ટ્સને ખરીદી કરશે. જ્યારે ઈન્ડિયા ડેટ રેઝોલ્યુશન કંપની લિ.(આઈડીઆરસીએલ) વિશેષ ગોઠવણ હેઠળ ડેટ રેઝોલ્યુશન પ્રોસેસની કામગીરી સંભાળશે. એનએઆરસીએલને ટ્રાન્સફર કરવા માટે રૂ. 82845 કરોડના કુલ 38 એકાઉન્ટ્સ ઓળખી કાઢવામાં આવ્યાં છે. એસબીઆઈ ચેરમેનના જણાવ્યા અનુસાર બેટ એસેટ ટ્રાન્સફર તબક્કાવાર રીતે કરવામાં આવશે. જેમાં પ્રથમ તબક્કામાં રૂ. 50 હજાર કરોડના 15 એકાઉન્ટ્સ એનએઆરસીએલને ટ્રાન્સફર કરવામાં આવે તેવી શક્યતાં છે. અમે તમામ જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ કરીને ચાલુ નાણાકિય વર્ષ દરમિયાન જ આ એકાઉન્ટ્સ ટ્રાન્સફર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ એમ એસબીઆઈ ચેરમેન ઉમેરે છે.
બેંકિંગ કંપનીઓએ અગાઉ જણાવ્યું હતું કે તેઓ રૂ. 2 લાખ કરોડના મૂલ્યના સ્ટ્રેસ્ટ લોન એકાઉન્ટ્સને ટ્રાન્સફર કરશે. જોકે આમાંથી કેટલાંક એકાઉન્ટ્સનો ઉકેલ ગયા વર્ષે જ આવી ગયો હતો અને રૂ. 82845 કરોડના એકાઉન્ટ્સ એવા ખાતાંઓ છે જ્યાં જોઈન્ટ લેન્ડર્સ ફોરા(જેએલએફ્સ)એ મળીને તેમને ટ્રાન્સફર કરવાનો નિર્ણય લીધો હતો.
એસબીઆઈના એમડીના જણાવ્યા મુજબ બાકીના એકાઉન્ટ્સ માટે તબક્કાવાર રીતે પ્રક્રિયા ચાલી રહી છે અને તે આગામી એક વર્ષમાં પૂરી થશે. તેમના મતે બેંકિંગ સિસ્ટમની સ્ટ્રેસ્ટ એસેટ્સ બુકમાં રૂ. 500 કરોડ અને તેની ઉપરના કટ-ઓફને આધારે રૂ. 2 લાખ કરોડની રકમ નિર્ધારિત કરવામાં આવી હતી. આમ જ્યાં સુધી ઉકેલ નહિ આવે અથવા તેને એનએઆરસીએલને ટ્રાન્સફર કરવામાં નહિ આવે ત્યાં સુધી આ બુકની કામગીરી ચાલુ રહેશે એમ તેઓ ઉમેરે છે. આઈડીઆરસીએલ ચઢિયાતી રેઝોલ્યુશન યુક્તિઓ લાવવા સાથે વેલ્યૂ જાળવી રાખે તેમજ સ્થાનિક તેમજ વિદેશી રોકાણકારો અને અલ્ટરનેટીવ ઈન્વેસ્ટમેન્ટ ફંડ્સ(એઆઈએફ્સ)ને બ્રાઉનફિલ્ડ એસેટ્સ દર્શાવી આકર્ષે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. આમ થવાની ભાગીદારોની વેલ્યૂ મહત્તમ બનશે. તેને કારણે લેન્ડિંગ બેન્કર્સ માટે મહત્તમ વેલ્યૂ ઊભી થશે. સાથે લેન્ડર્સ માટે મૂડી પણ છૂટશે. જેનો ઉપયોગ નવા બિઝનેસમાં થઈ શકશે. એનએઆરસીએલની સ્થાપના 7 જુલાઈએ રૂ.100 કરોડના ઓથોરાઈઝ્ડ કેપિટલ સાથે કરવામાં આવી હતી. તેની યુનિયન ગવર્મેન્ટ કંપની તરીકે રચના કરવામાં આવી છે. સંસ્થા 15:85ના કેશ અને સિક્યૂરિટી રિસિટ્સ(એસઆર) બેસીસ પર એસેટ્સની ખરીદી કરશે. તે લેન્ડર્સની તરફેણમાં એસઆર ઈસ્યુ કરશે. જે સરકાર તરફથી સંપૂર્ણ સિક્યોર્ડ ગણાશે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage