માર્કેટ સમરી
સેન્સેક્સ 53000ની સપાટી પરથી ફરી પાછો પડી 189 પોઈન્ટ્સના ઘટાડે બંધ
નિફ્ટી 15916ની ઈન્ટ્રા-ડે ટોચ બનાવ્યાં બાદ 46 પોઈન્ટ્સ નરમાઈ સાથે 15815ના સ્તરે બંધ રહ્યો
અગ્રણી હેવીવેઈટ્સમાં રિલાયન્સ, ટીસીએસ અને એચડીએફસી ઘટીને બંધ આવ્યાં જ્યારે મેટલ્સમાં નોંધપાત્ર તેજી જોવા મળી
લાર્જ-કેપ્સમાં કોન્સોલિડેશન વચ્ચે મીડ-કેપ્સ અને સ્મોલ-કેપ્સમાં ખરીદી જળવાય
ભારતીય શેરબજાર બેન્ચમાર્ક્સ સોમવારે સપ્તાહની શરૂઆતે નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. બેન્ચમાર્ક સેન્સેક્સ વધુ એકવાર 53000ના સ્તર પર ટકવામાં અસમર્થ રહ્યો હતો અને 53127ની
ટોચ બનાવી 189 પોઈન્ટ્સના ઘટાડે 52736 પર બંધ રહ્યો છે. એનએસઈનો નિફ્ટી-50 પણ 15916ની સર્વોચ્ચ ટોચ દર્શાવ્યાં બાદ 46 પોઈન્ટ્સ ગગડી 15815ના સ્તરે બંધ રહ્યો હતો. માર્કેટમાં લાર્જ-કેપ્સમાં નરમાઈ વચ્ચે મીડ અને સ્મોલ-કેપ્સમાં ખરીદી જળવાય હતી અને નિફ્ટી મીડ-કેપ અને નિફ્ટી સ્મોલ-કેપ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં.
નાણાપ્રધાન નિર્મળા સીતારામને શેરબજાર ચાલુ હતું ત્યારે અર્થતંત્રને સપોર્ટ કરવા માટે કેટલાક રાહત પગલાંઓ જાહેર કર્યાં છતાં બજાર સુધારા સાથે બંધ આપવામાં નિષ્ફળ રહ્યું હતું. બેન્ચમાર્ક સેન્સેક્સ તેની દિવસની ટોચથી 391 પોઈન્ટ્સ જેટલો નીચે ઉતરી ગયો હતો. બજારને હેવીવેઈટ્સ પણ સપોર્ટ કરવામાં નિષ્ફળ રહ્યાં હતાં. ટીસીએસ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ભારતી એરટેલે ઘટાડો દર્શાવવામાં અગ્રણી રહ્યાં હતાં. જ્યારે બીજી બાજુ ડો. રેડ્ડીઝ લેબોરેટરીઝ, ટાટા સ્ટીલ, ટેક મહિન્દ્રા, સન ફાર્મા અને હિંદુસ્તાન યુનિલીવરે બજારને સપોર્ટ પૂરો પાડ્યો હતો. બેંકિંગ ક્ષેત્રે એકમાત્ર એક્સિસ બેંકનો શેર પોઝીટીવ બંધ જોવા મળ્યો હતો. સેક્ટરલ સૂચકાંકોમાં નિફ્ટી પીએસયૂ બેંક 2.4 ટકા સાથે સૌથી વધુ સુધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી ફાર્મા 1.3 ટકા અને નિફ્ટી મેટલ પણ 1.3 ટકા પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી આઈટી અડધો ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી એનર્જિ પણ લગભગ તેટલી જ નરમાઈ દર્શાવતો હતો.
જોકે મીડ અને સ્મોલ-કેપ સેગમેન્ટ્સમાં સારી ખરીદી જોવા મળી હતી. નરમ બજારમાં પણ બીએસઈ ખાતે માર્કેટ-કેપ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે 3474 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1821 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 1504 કાઉન્ટર્સે નેગેટીવ બંધ આપ્યું હતું. નોંધપાત્ર વાત એ છે કે 512 કાઉન્ટર્સ અપર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 448 કાઉન્ટર્સ 52-સપ્તાહની ટોચ પર ટ્રેડ થયાં હતાં. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.53 ટકા સુધારા સાથે જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ 0.4 ટકા સુધરી બંધ રહ્યાં હતાં. માર્કેટમાં સુધારો દર્શાવનારા અગ્રણી કાઉન્ટર્સમાં નાલ્કો(9 ટકા), બેંક ઓફ બરોડા(5 ટકા), ગુજરાત ગેસ(4.4 ટકા), બંધન બેંક(4 ટકા), આઈજીએલ(4 ટકા), એપોલો ટાયર્સ(3.6 ટકા), યુનાઈટેડ બ્રુવરીઝ(3.5 ટકા)નો સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ મેટ્રોપોલીસ હેલ્થકેર(4.28 ટકા), એચડીએફસી લાઈફ(-4 ટકા), આઈડીએફસી ફર્સ્ટ બેંક(-2.23 ટકા)નો સુધારો દર્શાવતાં હતાં. વિશ્વ બજારમાં રશિયાએ મેટલ એક્સપોર્ટ પર ડ્યુટી લાગુ પાડતાં ભારતીય મેટલ કંપનીઓને લાભ થવાની શક્યતા પાછળ મેટલ શેર્સમાં મજબૂતી જોવા મળી હતી.
સુધારો દર્શાવનારા અગ્રણી શેર્સ
નાલ્કો 9 ટકા
બેંક ઓફ બરોડા 5 ટકા
ગુજરાત ગેસ 4.3 ટકા
બંધન બેંક 4.1 ટકા
આઈજીએલ 4.1 ટકા
એપોલો ટાયર્સ 3.6 ટકા
ઘટાડો દર્શાવનારા અગ્રણી શેર્સ
મેટ્રોપોલીસ હેલ્થ 4.3 ટકા
એચડીએફસી લાઈફ 4.1 ટકા
આઈડીએફસી ફર્સ્ટ 2.3 ટકા
એલએન્ડટી ઈન્ફોટેક 2.1 ટકા
સિટી યુનિયન બેંક 1.8 ટકા
પ્રાઈમરી માર્કેટમાં બે વધુ સારા લિસ્ટીંગ્સ જોવાયાં
સોમવારે પ્રાઈમરી માર્કેટ માટે સપ્તાહની શરૂઆત સારી રહી હતી. કેઆઈએમએસ હોસ્પિટલ્સ અને ડોડલા ડેરી, બંને કંપનીઓએ ઓફર ભાવ સામે પોઝીટીવ લિસ્ટીંગ્સ દર્શાવ્યાં હતાં. જેમાં ડોડલા ડેરીનો શેર રૂ. 428ના ઓફરભાવ સામે રૂ. 550 પર ખૂલી દિવસ દરમિયાન રૂ. 652ની ટોચ દર્શાવી રૂ. 609.90ના ભાવે બંધ રહ્યો હતો. જે ઓફરભાવ સામે 42.50 ટકા અથવા રૂ. 181.90નો લાભ સૂચવતો હતો. કેઆઈએમએસ હોસ્પિટલ્સનો શેર રૂ. 825ના ઓફરભાવ સામે રૂ. 1009ના સ્તરે ખૂલી દિવસ દરમિયાન રૂ. 1059ની ટોચ બનાવી રૂ. 996.95ના સ્તરે બંધ રહ્યો હતો. જે ઓફરભાવ સામે 21 ટકા અથવા રૂ. 171.95નો સુધારો દર્શાવતો હતો. ગયા સપ્તાહે પણ શ્યામ મેટાલિક્સ અને સોના બીએલડબલ્યુએ પોઝીટીવ લિસ્ટીંગ્સ નોંધાવ્યાં હતાં.
આવાસ ફાઈનાન્સિયર્સનો શેર 5 ટકા ઉછળી નવી ટોચ પર
હાઉસિંગ ફાઈનાન્સ કંપની આવાસ ફાઈનાન્સિયર્સનો શેર સર્વોચ્ચ સપાટી પર ટ્રેડ થયો હતો. સોમવારે તે અગાઉના રૂ. 2532ના બંધ સામે રૂ. 2694ની ટોચ પર 7 ટકા જેટલો સુધારો દર્શાવતો હતો. જ્યાંથી કામકાજના અંતે 5 ટકા સુધારા સાથે રૂ. 2650 પર બંધ રહ્યો હતો. કંપનીએ રૂ. 21000 કરોડનું માર્કેટ-કેપ નોંધાવ્યું હતું અને લાર્જ-કેપ્સમાં એચડીએફસીને બાદ કરતાં તે ખાનગી ક્ષેત્રની બીજા ક્રમની હાઉસિંગ ફાઈનાન્સ કંપની બની હતી. માર્ચ ક્વાર્ટર માટે હાઉસિંગ ફાઈનાન્સ કંપનીઓએ સારા પરિણામો જાહેર કર્યાં છે અને તેથી તેમના શેર્સમાં સારી ખરીદી જોવા મળી રહી છે.
ફાર્મઈઝી 6-18 મહિનામાં આઈપીઓ લાવશે
તાજેતરમાં ડાયગ્નોસ્ટીક્સ કંપની થાયરોકેરમાં પ્રમોટર્સ પાસેથી બહુમતી હિસ્સો ખરીદનાર ઓનલાઈન દવા વિક્રેતા ફાર્મઈઝી આગામી 6-18 મહિનામાં આઈપીઓ લાવવાની વિચારણા કરી રહી છે. કંપનીએ થાયરોકેરની ખરીદી માટે ફંડ મેળવવા માટે તેના વર્તમાન રોકાણકારો પાસેથી 30 કરોડ ડોલર પણ ઊભા કર્યાં છે. જ્યારે એપ્રિલ 2021થી અત્યાર સુધીમાં તેણે કુલ 65 કરોડ ડોલરનું ભંડોળ ઊભું કર્યું છે. કંપનીના જણાવ્યા મુજબ એકવાર થાયરોકેરનું એક્વિઝીશન પૂર્ણ થશે એટલે કંપની 6-18 મહિનામાં આઈપીઓ લાવવાનો લક્ષ્ય ધરાવે છે. કંપનીએ થાયરોકેરમાં 66 ટકાથી વધુ હિસ્સો ખરીદ્યો છે. તેણે શુક્રવારે માર્કેટ ભાવ કરતાં નીચા ભાવે ખરીદીની જાહેરાત કરી હતી અને તેની પાછળ થાયરોકેરના શેરમાં ઘટાડો નોંધાયો હતો.
રૂપિયો સાધારણ મજબૂતી સાથે બંધ આવ્યો
નવા સપ્તાહની શરૂઆત ભારતીય ચલણ માટે સારી રહી હતી. રૂપિયો 74.25ના સ્તરે સાધારણ નરમ ખૂલ્યાં બાદ વધુ ઘટાડે 74.26ના સ્તરે જોવા મળ્યો હતો. જ્યાંથી સુધરીને તે 74.1750 પર ટ્રેડ થયાં બાદ આખરે એક પૈસાના સાધારણ સુધારા સાથે 74.19 પર બંધ રહ્યો હતો. ગયા શુક્રવારે સપ્તાહાંતે તે 74.20ના સ્તરે બંધ રહ્યો હતો.
કંપની ન્યૂઝઃ
ઈન્ડિયા ગ્લાયકોલઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 71 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 18 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 1350 કરોડ પરથી વધી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1604 કરોડ રહી હતી.
એમએસટીસીઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 79.8 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 7 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 158 કરોડ પરથી વધી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 311 કરોડ રહી હતી.
ટેક્ષ્માકો પાઈપ્સઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 4.7 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 96 લાખ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 83 કરોડ પરથી વધી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 153 કરોડ રહી હતી.
પૂર્વંકારાઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 8.8 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 35 લાખ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 369 કરોડ પરથી વધી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 310 કરોડ રહી હતી.
વોલ્ટેમ્પઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 31 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 11.5 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 225 કરોડ પરથી વધી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 283 કરોડ રહી હતી.
બજાજ એલિયાન્ઝઃ જનરલ ઈન્શ્યોરન્સ કંપનીએ જાનકીદેવી બજાજ ગ્રામ વિકાસ સંસ્થા સાથે સહયોગમાં 17 શહેરમાં 17 આધુનિક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સોનું વિતરણ કર્યું હતું. તેણે કર્મચારીઓ માટે પણ હેલ્પલાઈન ફિચર નિર્માણ કર્યું છે.
રતન ઈન્ડિયાઃ ઈ-બાઈક મેકર્સની રિવોલ્ટ મોટર્સ 1 જુલાઈથી ગુજરાત સરકારની નીતિ મુજબ દરેક ઈવી બાઈક પર ગ્રાહકને ડાયરેક્ટ બેનિફીટ ટ્રાન્સફર હેઠળ KWh દીઠ 10,000 રૂપિયા ચુકવશે. આ ઈન્સેન્ટિવ ઈવીની બેટરી સાથે સંકળાયેવું હશે.
એનસીએલ ઈન્ડઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 29 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 7.7 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 283 કરોડ પરથી વધી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 450 કરોડ રહી હતી.
આહલુવાલિયા કોન્ટ્રેઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 37 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 8 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 549 કરોડ પરથી વધી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 762 કરોડ રહી હતી.
એન્ટોની વેસ્ટઃ કંપનીએ માર્ચ ક્વાર્ટરમાં રૂ. 15.5 કરોડનો નફો નોંધાવ્યો હતો. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 1.9 કરોડ પર હતો. કંપનીની આવક ગયા વર્ષે માર્ચ ક્વાર્ટરમાં રૂ. 118 કરોડ પરથી વધી ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 134 કરોડ રહી હતી.
ઈરકોનઃ કંપનીએ એનએફઆર પાસેથી રૂ. 659 કરોડના રેલ્વે ઈલેક્ટ્રિફિકેશન માટેનો ઓર્ડર મેળવ્યો છે.
ઝુઆરી એગ્રોઃ સીસીઆઈએ ઝુઆરી એગ્રો કેમિકલ્સના ગોઆ પ્લાન્ટને ખરીદવાની પારાદીપ ફોસ્ફેટ્સ લિમિટેડને મંજૂરી આપી છે.
મોઈલઃ મધ્યપ્રદેશ સરકારે મોઈલ માટે બાલાઘાટ અને છીંદવારા જિલ્લાઓમાં અનુક્રમે 850 ચો. કિમી. અને 487 ચો.કિમી. વિસ્તાર મેનેનીઝ એક્સપ્લોરેશન માટે અનામત રાખ્યો છે.