Market Summary 28 June 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી

US બજારમાં નરમાઈ છતાં એશિયન બજારોમાં પોઝીટીવ બંધ
ભારત સહિતના બજારો ઈન્ટ્રા-ડે લો પરથી ગ્રીન ઝોનમાં પરત પર્યાં
સ્થાનિક બજારમાં મેટલ, એનર્જી અને ઓટોનો સપોર્ટ
બેંકિંગ અને ફાર્મા સેક્ટરમાં નરમાઈ
એમએન્ડએમ અને ટીવીએસ મોટર્સે તેમની સર્વોચ્ચ સપાટી દર્શાવી
બ્રોડ માર્કેટમાં ખરીદીનો રસ ઓસર્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા વધી 21.45ના સ્તરે

સતત ત્રણ ટ્રેડિંગ સત્રો દરમિયાન સુધારો દર્શાવ્યા બાદ શેરબજારો મંગળવારે કોન્સોલિડેશનમાં જોવા મળ્યાં હતાં. જોકે આમ છતાં ભારત સહિત એશિયાના મોટાભાગના બજારો પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. સોમવારે યુએસ બજારમાં નરમાઈ પાછળ તેઓ ગેપ-ડાઉન ઓપનીંગ બાદ ઈન્ટ્રા-ડે લો પરથી પરત ફર્યાં હતાં અને ગ્રીન ઝોનમાં બંધ નોંધાવ્યું હતું. બીએસઈ સેન્સેક્સ 16 પોઈન્ટ્સ પોઝીટીવ બંધ રહેવા સાથે 53177ની સપાટીએ જ્યારે નિફ્ટી 18 પોઈન્ટ્સ સુધરી 15850ની સપાટી પર બંધ રહ્યાં હતાં. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 32 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 18 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. બ્રોડ માર્કેટની વાત કરીએ તો છેલ્લાં ત્રણ સત્રોની સરખામણીમાં ખરીદીનો રસ ઘટ્યો હતો. જોકે બીએસઈ ખાતે માર્કેટ-બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 2 ટકા વધી 21.45ની સપાટી પર બંધ રહ્યો હતો.
ભારતીય બજારની વાત કરીએ તો તેણે અન્ય એશિયન બજારો સાથે ગેપ-ડાઉન કામકાજની શરૂઆત દર્શાવી હતી. જ્યાંથી તે વધુ ગગડ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી ઈન્ટ્રા-ડે 15711ની સપાટી સુધી ગગડી પરત ફર્યો હતો અને 15800ના સ્તરને જાળવી રાખવામાં સફળ રહ્યો હતો. જે બુલ્સની અડગ માનસિક્તા સૂચવે છે. નિફ્ટી 15900નું સ્તર પાર કરશે તો 16200 સુધીનો સુધારો દર્શાવી શકે છે. જ્યારે નીચામાં 15700નું આજનું તળિયું નજીકનો સ્ટોપલોસ બની રહેશે. એનાલિસ્ટ્સ લોંગ ટ્રેડને જાળવી રાખવાની સલાહ આપે છે. જ્યારે એક વર્ગ હજુ પણ માને છે કે માર્કેટ મુશ્કેલીમાંથી બહાર નથી આવ્યું અને તેથી સમયાંતરે તે આંચકા દર્શાવતું રહેશે. તેમજ નિફ્ટી 15000થી 16500ની રેંજમાં અથડાતો જોવા મળશે. માર્કેટમાં ધીમે-ધીમે સુધારાની શક્યતા વ્યક્ત કરનાર વર્ગનું માનવું છે કે વૈશ્વિક સ્તરે મોટાભાગના નેગેટિવ્સ ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યાં છે. છેલ્લાં સપ્તાહમાં કોમોડિટીઝના ભાવમાં જોવા મળેલો ઘટાડો મધ્યમગાળે ફુગાવા માટે રાહતદાયી બની રહેશે. જે સરવાળે સેન્ટ્રલ બેંકર્સને દરમાં ઘટાડાની ફરજ પણ પાડી શકે છે. આમ રેટ સાઈકલમાં વોલેટાલિટી જોવા મળી શકે છે.
મંગળવારે બજારને સપોર્ટ કરવામાં મેટલ, એનર્જિ અને ઓટોમોબાઈલ સેક્ટર્સ મુખ્ય હતાં. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1.7 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. મેટલ ક્ષેત્ર એલ્યુમિનિયમ અને સ્ટીલ, બંનેમાં મજબૂતી જોવા મળતી હતી. બિરલા જૂથની હિંદાલ્કોનો શેર 4.12 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવી રહ્યો હતો. જ્યારે જિંદાલ સ્ટીલ 3.27 ટકા અને વેદાંત 3 ટકા મજબૂતી સૂચવતો હતો. આ સિવાય ટાટા સ્ટીલ, સેઈલ અને જેએસડબલ્યુ સ્ટીલ પણ એક ટકાથી વધુ સુધારા સાથે બંધ રહ્યાં હતાં. નિફ્ટી ઓટો 1.25 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ 7 ટકા ઉછળ્યો હતો જ્યારે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાનો શેર 2.71 ટકા મજબૂતી સાથે રૂ. 1100ની સપાટીને પાર કરી ગયો હતો. ટુ-વ્હીલર અગ્રણી ટીવીએસનો શેર પણ 2.33 ટકા સુધારા સાથે રૂ. 820.20ની સર્વોચ્ચ ટોચ પર બંધ રહ્યો હતો. અશોક લેલેન્ડ, ભારત ફોર્જ, એમઆરએફ, એક્સાઈડ ઈન્ડ અને બજાજ ઓટો પણ મજબૂતી સૂચવતાં હતાં. એનર્જી સેક્ટરમાં ઓએનજીસી લગભગ 6 ટકા સુધારો દર્શાવતો હતો. જ્યારે ગેઈલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રી અને બીપીસીએલ પણ એક ટકાથી વધુ મજબૂતી સાથે બંધ રહ્યાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટની વાત કરીએ તો સ્ટ્રાઈડ્સ ફાર્મા 4.54 ટકા સુધારો દર્શાવતો હતો. જ્યારે પેટ્રોનેજ એલએનજી 3.7 ટકા, હિંદ કોપર 3.4 ટકા, જિંદાલ સ્ટીલ 3.3 ટકા, નાલ્કો 3.2 ટકા, ડો. લાલ પેથલેબ 3 ટકા, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા 2.7 ટકા સુધારા સાથે બંધ રહ્યાં હતાં. બીજી બાજુ ચંબલ ફર્ટિલાઈઝરમાં ઘટાડો આગળ વધ્યો હતો અને તે 5.2 ટકા ઘટાડા સાથે વાર્ષિક તળિયા પર ટ્રેડ થયો હતો. આ સિવાય આઈઈએક્સ, એસ્ટ્રાલ લિ., ટાઈટન કંપની, એશિયન પેઈન્ટ્સ, બર્ગર પેઈન્ટ્સ, બંધન બેંક, આરબીએલ બેંક અને કેન ફિન હોમ્સ જેવા કાઉન્ટર્સ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટની વાત કરીએ તો બીએસઈ ખાતે 3415 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1745 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1533 નેગેટિવ બંધ રહ્યાં હતાં. 67 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 43 કાઉન્ટર્સે વાર્ષિક બોટમ બનાવ્યું હતું. 137 કાઉન્ટર્સ અગાઉના બંધ ભાવે સ્થિર જોવા મળી રહ્યાં હતાં.

ડોલર સામે રૂપિયો 46 પૈસા ગગડી 78.83ના નવા તળિયે
યુએસ ડોલર સામે રૂપિયામાં નરમાઈનો ટ્રેન્ડ યથાવત છે. મંગળવારે ઈક્વિટી માર્કેટમાં વોલેટિલિટી વચ્ચે ફોરેક્સ માર્કેટમાં રૂપિયો 46 પૈસા ગગડી ડોલર સામે 78.83ના વિક્રમી તળિયા પર બંધ જોવા મળ્યો હતો. વિદેશી રોકાણકારો તરફથી અવિરત વેચવાલી તથા ક્રૂડના ભાવમાં મજબૂતી પાછળ ભારતીય ચલણ પર દબાણ જોવા મળી રહ્યું છે. વૈશ્વિક બજારમાં છ કરન્સિઝ સામેનો ડોલર ઈન્ડેક્સ 0.01 ટકા મજબૂતી સાથે 103.95ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો. જે વાસ્તવમાં ગયા સપ્તાહના સ્તર કરતાં નીચું સ્તર છે. આમ ડોલર ઈન્ડેક્સ ધીમે-ધીમે ઘટાડાતરફી જોવા મળી રહ્યો છે. જોકે તેમ છતાં ઈમર્જિંગ માર્કેટ્સ ચલણોમાં નરમાઈ યથાવત છે. માર્કેટ વર્તુળોના મતે બજાર ચાલુ સપ્તાહની આખરમાં ઈસીબી ખાતે ફેડ રેટ જેરોમ પોવેલના પ્રવચનમાંથી કોઈ સંકેત મેળવશે. નજીકના સમયગાળામાં રૂપિયો 78-79.50ની ટ્રેડિંગ રેંજમાં અથડાઈ શકે તેવી શક્યતા તેઓ વ્યક્ત કરે છે. સોમવારે વિદેશી રોકાણકારોએ ભારતીય બજારમાં રૂ. 1278 કરોડના શેર્સનું વેચાણ કર્યું હતું. જ્યારે ચાલુ કેલેન્ડરમાં તેઓ રૂ. 1.3 લાખ કરોડનું વેચાણ નોંધાવી ચૂક્યાં છે.
વેદાંતનું રૂ. 5 હજાર કરોડ માટે LIC સાથે સીધું ડીલ
વૈશ્વિક બજારમાં ઈન્ટરેસ્ટ રેટ્સમાં વૃદ્ધિ વચ્ચે ફંડીંગ કોસ્ટ વધતાં ભારતીય કંપનીઓએ વૈશ્વિક બજારમાંથી નાણા ઊભા કરવાનું ટાળ્યું છે. સ્થાનિક માઈનીંગ અગ્રણી વેદાંત લિમિટેડે લાઈફ ઈન્શ્યોરન્સ ઈન્ડિયા(એલઆઈસી) સાથે 10-વર્ષની મુદતના બોન્ડ્સ મારફતે રૂ. 4809 કરોડ ઊભા કરવા માટે સીધું ડીલ હાથ ધર્યું હોવાનું વર્તુળો જણાવે છે. એક સિનિયર ટ્રેઝરી અધિકારીના જણાવ્યા મુજબ એલઆઈસી સાથે આ એક સ્ટ્રક્ચર્ડ ટ્રાન્ઝેક્શન છે. વેદાંત એએ રેટેડ કંપની છે. તે 10-વર્ષ માટેના પેપર ઓફર કરી રહી છે. આ એક નોન-કૂપન બીડિંગ સાથેનો સીધો સોદો છે. આ માટેનું પ્રાઈસિંગ લગભગ 10-વર્ષ માટેની સરકારી જામીનગીરીના રિટર્ન ઉપરાંત 100 બેસીસ પોઈન્ટ્સ આસપાસનું છે. જે 8.5 ટકા આસપાસ થવા જાય છે એમ તેઓ ઉમેરે છે. સોમવારે 10-વર્ષ માટેના બેન્ચમાર્ક સરકારી બોન્ડ પર 7.41 ટકાનું યિલ્ડ જોવા મળતું હતું. માઈનીંગ જાયન્ટ આ ઉપરાંત રૂ. 1800 કરોડ તથા રૂ. 2000 કરોડ ઊભા કરવા પણ જઈ રહ્યું છે એમ તેઓ ઉમેરે છે.


મે મહિનામાં ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગે નવો વિક્રમ રચ્યો
એપ્રિલની સરખામણીમાં 8 ટકા વૃદ્ધિ સાથે ક્રેડિટ કાર્ડ ધારકોએ રૂ. 1.4 લાખ કરોડ લાખ ખર્ચ્યાં
મહિના દરમિયાન 17 લાખ નવા ક્રેડિટ કાર્ડ સાથે 27 મહિનામાં સૌથી વધુ કાર્ડ ઈસ્યુ થયાં
દેશમાં ક્રેડિટ કાર્ડથી થતો ખર્ચ મે મહિનામાં વિક્રમી સપાટી પર જોવા મળ્યો છે. એપ્રિલ મહિનામાં થયેલા ખર્ચની સરખામણીમાં 8 ટકા વૃદ્ધિ સાથે મે મહિનામાં ક્રેડિટ કાર્ડ મારફતે કુલ રૂ. 1.4 લાખ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો એમ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો ડેટા જણાવે છે. વાર્ષિક ધોરણે ક્રેડિટ કાર્ડ ખર્ચમાં 18 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.
સેન્ટ્રલ બેંકના રિપોર્ટ મુજબ મે મહિના દરમિયાન કુલ 17 લાખ ક્રેડિટ કાર્ડ ધારકોનો ઉમેરો થયો હતો. જે છેલ્લા 27 મહિનાઓમાં માસિક ધોરણે સૌથી ઊંચો હતો. જ્યારે વાર્ષિક ધોરણે તે 23.2 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. ક્રેડિટ કાર્ડમાં વૃદ્ધિ દર્શાવનારી અગ્રણી બેંક્સમાં એચડીએફસી બેંક, એક્સિસ બેંક, એસબીઆઈ કાર્ડ અને આઈસીઆઈસીઆઈ બેંકનો સમાવેશ થતો હતો. મે મહિનાના ઉમેરા સાથે દેશમાં કુલ ક્રેડિટ કાર્ડ બેઝ વધી 7.69 કરોડ પર પહોંચ્યો છે. જો બેંકવાર સ્થિતિ જોઈએ તો મે મહિનામાં એચડીએફસી બેંકે 38500 કાર્ડ્સનો ઉમેરો કર્યો હતો. જ્યારબાદના ક્રમે એક્સિસ બેંક(21500 કાર્ડસ), આઈસીઆઈસીઆઈ બેંક(21200 કાર્ડ્સ) અને એસબીઆઈ કાર્ડ(20200 કાર્ડ્સ)નો સમાવેશ થાય છે. મે મહિના દરમિયાન ક્રેડિટ કાર્ડથી થતાં ખર્ચમાં તંદુરસ્ત વૃદ્ધિ જોવા મળી હોવાનું એક બ્રોકરેજ એના રિપોર્ટમાં નોંધે છે. આ પાછળનું મુખ્ય કારણ ઈ-કોમર્સ ટ્રાન્ઝેક્શન્સમાં જોવા મળેલી વૃદ્ધિ હોવાનું તે જણાવે છે. તેના મતે દેશમાં ટોચના ચારેય ક્રેડિટ કાર્ડ પ્લેયર્સ આગામી સમયગાળામાં પણ નવા ગ્રાહકોમાં મજબૂત વૃદ્ધિ દર જાળવી રાખશે. જેની પાછળ ક્રેડિટ કાર્ડ મારફતે થનારા ખર્ચમાં સતત વૃદ્ધિ જોવા મળશે. જોકે બેંકવાર ક્રેડિટ કાર્ડ દીઠ થતાં ખર્ચમાં નોંધપાત્ર તફાવત જોવા મળે છે. જેમકે મેક્વેરી રિસર્ચે તેની એક નોંધમાં એક્સિસ બેંકના નીચો કાર્ડ સ્પેન્ડને લઈને ચિંતા વ્યક્ત કરી છે. તેણે બેંકના કાર્ડ પોર્ટફોલિયોની ક્વોલિટી સામે પ્રશ્નાર્થ કર્યો છે. બીજી બાજુ એચડીએફસી બેંક અને એસબીઆઈ કાર્ડ તેમના નવા ગ્રાહકોમાં ઉમેરા સાથે ખર્ચની રીતે પણ મજબૂતી દર્શાવી રહ્યાં છે એમ મેક્વેરિ નોંધે છે. એક્સિસ મોટી સંખ્યામાં ક્રેડિટ કાર્ડનો ઉમેરો કરી રહી છે. જોકે સ્પેન્ડિંગ માર્કેટ શેર ગુમાવી રહી છે. સિટી પણ દર મહિને તેના સ્પેન્ડિંગ માર્કેટ શેરને ગુમાવી રહી છે. ઉદ્યોગ એવરેજની સરખામણીમાં એક્સિસ બેંકનો પ્રતિ કાર્ડ ખર્ચ 30 ટકા જેટલો નીચો છે. ભારત સહિત કેટલાંક અન્ય માર્કેટમાં રિટેલ બેંકિંગ કામગીરીમાંથી બહાર જઈ રહેલી સિટી તેનો પોર્ટફોલિયો એક્સિસ બેંકને વેચી રહી છે. જેમાં ક્રેડિટ કાર્ડ્સનો સમાવેશ પણ થાય છે. સ્પેન્ડિંગ માર્કેટ શેરના સંદર્ભમાં એચડીએફસી બેંક ટોચનું સ્થાન ધરાવે છે. ક્રેડિટ કાર્ડથી થતાં કુલ ખર્ચમાં તે 27.7 ટકા હિસ્સો ધરાવે છે. બીજા ક્રમે 19.2 ટકા હિસ્સા સાથે આઈસીઆઈસીઆઈ બેંક જ્યારે ત્રીજા ક્રમે એસબીઆઈ કાર્ડ્સ 18.7 ટકા હિસ્સો ધરાવે છે. આરબીઆઈના મતે બાઉન્સ રેટ ત્રણ વર્ષના તળિયા પર હતો. જોકે એનાલિસ્ટ્સ વધતાં વ્યાજ દરોને લઈને વર્તમાન સ્પેન્ડિંગ મોમેન્ટમ જળવાઈ રહેશે કે કેમ તેને લઈને ચિંતા વ્યક્ત કરી રહ્યાં છે.


વરસાદ અટવાતાં નવી સિઝનમાં વાવેતરમાં 5.33 લાખ હેકટરનો ઘટાડો
ગઈ સિઝનમાં અત્યાર સુધીમાં 25.02 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં 19.69 લાખ હેકટરમાં વાવેતર નોંધાયું
કપાસ સહિતના પાકોના વાવેતરમાં ગઈ સિઝનની સરખામણીમાં જોવા મળતો ઘટાડો
મગફળીના વાવેતરમાં ગઈ સિઝનની સરખામણીમાં 3 લાખ હેકટરથી વધુનું ગાબડું
ચોમાસુ વિલંબિત બનવાથી રાજ્યમાં ખરિફ વાવણી પર પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે. શરૂઆતી ત્રણ સપ્તાહ સુધી ગઈ સિઝન કરતાં વાવેતરમાં આગળ જોવા મળનાર વર્તમાન સિઝને ગયા સપ્તાહમાં મોમેન્ટમ ગુમાવ્યું છે. 27 જૂનની આખર સુધીમાં ચાલુ સિઝનમાં રાજ્યમાં 19.69 લાખ હેકટરમાં ખરિફ વાવેતર કાર્ય પૂર્ણ થયું છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 25.02 લાખ હેકટરમાં જોવા મળતું હતું. આમ ચાલુ સિઝનમાં ખરિફની શરૂઆતના એક મહિના બાદ વાવેતરમાં 5.33 લાખ હેકટરની નોંધપાત્ર ખાધ ઊભી થઈ છે. કપાસ, મગફળી જેવા મુખ્ય ખરિફ પાકો સહિત મોટાભાગના પાકોનું વાવેતર વાર્ષિક ધોરણે ઘટાડો દર્શાવી રહ્યું છે. એકમાત્ર સોયાબિનના પાકમાં સાધારણ વૃદ્ધિ જોવા મળી રહી છે.
રાજ્ય કૃષિ નિયામક કચેરીના આંકડા મુજબ મુખ્ય ખરિફ પાક કપાસનું વાવેતર 10.86 લાખ હેકટરમાં નોંધાયું છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 11.46 લાખ હેકટરમાં જોવા મળતું હતું. આમ વ્હાઈટ ગોલ્ડ બની ચૂકેલા કપાસનું વાવેતર 70 હજાર હેકટરનો ઘટાડો સૂચવે છે. કોમોડિટીના ભાવ જ્યારે તેની વિક્રમી ટોચ પર ટ્રેડ થઈ રહ્યાં છે ત્યારે રાજ્યમાં કપાસનું વિક્રમી વાવેતર જોવા મળે તેવી શક્યતાં મૂકાઈ રહી છે. જોકે જૂન મહિનો લગભગ પૂરો થવા આવ્યો છતાં વરસાદનું માહોલ બરોબર નહિ જામતાં અનેક વિસ્તારોમાં વાવેતર થઈ શક્યું નથી. જે ખેડૂતો પાસે શરૂઆતી રાઉન્ડ્સ માટે પાણી હતું તેમણે કપાસનું વાવેતર કરી દીધું છે. કેમકે તેમને માર્કેટિંગ સિઝન પહેલાં નવો માલ હાથમાં આવે તો ઊંચો ભાવ મળવાની આશા છે. જોકે છેલ્લા સપ્તાહમાં વૈશ્વિક બજાર પાછળ કોટનના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો છે. જે ખેડૂતોનું મન અન્ય પાક તરફ ખેંચી જઈ શકે છે. ખરિફમાં બીજા ક્રમે વવાતાં મગફળીનું વાવેતર ગઈ સિઝનમાં 9.99 લાખ હેકટર સામે ચાલુ સિઝનમાં માત્ર 6.88 લાખ હેકટરમાં વવાયું છે. આમ 3.1 લાખ હેકટરનો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. તેલિબિયાંમાં બીજા ક્રમે આવતાં તલનું વાવેતર માત્ર 2515 હેકટરમાં જોવા મળી રહ્યું છે. જે ગઈ સિઝનમાં અત્યાર સુધીમાં 15500 હેકટરમાં નોંધાઈ ચૂક્યું હતું. એકમાત્ર સોયાબિનનું વાવેતર ગઈ સિઝનમાં 41 હજાર હેકટર સામે ચાલુ સિઝનમાં 2 હજાર હેકટરની વૃદ્ધિ સાથે 43 હજાર હેકટર પર જોવા મળી રહ્યું છે. જો ધાન્ય પાકોની વાત કરીએ તો ત્યાં પણ ચિત્ર ખૂબ જ ખરાબ જળવાયું છે. કુલ 13.45 લાખ હેકટરમાં ખરિફ ધાન્ય પાકોની વાવેણી સામે ચાલુ સિઝનમાં અત્યાર સુધી 12500 હેકટરનું વાવેતર જોવા મળે છે. જે ગઈ સિઝનમાં સમાનગાળામાં 74500 હેકટરમાં નોંધાઈ ચૂક્યું હતું. આમ ગયા વર્ષ સામે પાંચમા ભાગનું વાવેતર પણ શક્ય નથી બન્યું. કઠોળ પાકોમાં પણ 44 હજાર હેકટરના ગઈ સિઝનના વાવેતર સામે માત્ર 18 હજાર હેકટરનું વાવેતર જોવા મળે છે. શાકભાજી અને ઘાસચારા પાકોની વાત કરીએ તો તેમનું વાવેતર પણ તીવ્ર ઘટાડો સૂચવે છે. શાકભાજી પાકોનું વાવેતર 40 હજાર હેકટર(ગઈ સાલ 47 હજાર હેકટર)માં થયું છે. જ્યારે ઘાસચારાનું વાવેતર 1.33 લાખ હેકટર સામે માત્ર 78 હજાર હેકટરમાં જ શક્ય બન્યું છે.


કોર્પોરેટ હેડલાઈન્સ
રૂચિ સોયાઃ ખાદ્ય તેલ ક્ષેત્રની અગ્રણી કંપની રૂચિ સોયા ઈન્ડસ્ટ્રીઝનું નામ હવેથી પતંજલી ફૂડ્સ લિ. કરવામાં આવ્યું છે. બાબા રામદેવની પતંજલિ આયૂર્વેદે 2019માં રૂચિ સોયાની રૂ. 4350 કરોડમાં ખરીદી કરી હતી. કંપનીના જણાવ્યા મુજબ 24 જૂનથી નવુ નામ અમલી બનશે.
ભારતી ઈન્ફ્રાટેલઃ કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સેબીએ ટેલિકોમ ટાવર કંપની ભારતી ઈન્ફ્રાટેલ પર રૂ. એક લાખની પેનલ્ટી લાગુ પાડી છે. કંપનીએ એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન સ્કિમ્સ સંબંધી નિયમોનો ભંગ કરતાં આ પેનલ્ટી લગાવાઈ છે. કંપની હાલમાં ઈન્ડુસ ટાવર તરીકે ઓળખાય છે.
ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટીઃ નેશનલ એન્ટી-પ્રોફિટઅરીંગ ઓથોરિટીએ રિઅલ એસ્ટેટ કંપનીને તેના ગ્રાહકોને રૂ. 6.46 કરોડની ઈનપુટ ટેક્સ ક્રેડિટનો લાભ પસાર નહિ કરવા બદલ ગુનેગાર ગણાવી છે. કંપનીની વિશાખાપટ્ટનમ સ્થિત સિએરા-વાઈઝાગ સ્કિમના ગ્રાહકે કંપની સામે ખોટી રીતે નફાખોરી બદલ ફરિયાદ દાખલ કરી હતી.
એમએન્ડએમઃ યુટિલિટી વ્હીકલ ઉત્પાદક કંપનીએ તેના તાજેતરના નવા લોંચ સ્કોર્પિયો-એનની એક્સ શોરુમ પ્રાઈસને રૂ. 12 લાખ નિર્ધારિત કરી છે. કંપનીએ અન્ય તમામ એસયૂવી મોડેલ્સ સાથે સ્પર્ધામાં નવી સ્કોર્પિયો લોંચ કરી છે.
કોલ ઈન્ડિયાઃ વિશ્વમાં સૌથી મોટી કોલ ઉત્પાદક કંપનીએ કમર્સિયલ માઈનીંગ માટે કોલ માઈન્સના ઓક્શન માટે કુલ 38 બીડ મેળવ્યાં હોવાનું કેન્દ્રિય કોલ મંત્રાલયે જણાવ્યું હતું.
ગતિઃ લોજિસ્ટીક્સ કંપનીની પ્રમોટર કંપની બન્ની ઈન્વેસ્ટમેન્ટ્સ એન્ડ ફાઈનાન્સે ઓપન માર્કેટ ઓપરેશન મારફતે 12500 શેર્સનું વેચાણ કર્યું છે.
મણ્ણાપુરમ ફાઈઃ ગોલ્ડ ફાઈનાન્સ કંપનીનું બોર્ડ 10 કરોડ યુએસ ડોલર મૂલ્ય સુધીના સિક્યોર્ડ, રેટેડ રિડિમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ઈસ્યુ કરવા માટે વિચારણા હાથ ધરશે અને મંજૂરી આપશે.
બેંક ઓફ બરોડાઃ બીજા ક્રમની જાહેર ક્ષેત્રની બેંકના બોર્ડે નાણાકિય વર્ષ 2022-23માં રૂ. 5000 કરોડનું ફંડ ઉઘરાવવા માટેના પ્રસ્તાવને મંજૂરી આપી છે.
જેએસડબલ્યુ સ્ટીલઃ મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીના કોર્પોરેટ ફેમિલી રેટિંગને બીએ2 પરથી અપગ્રેડ કરી બીએવન કર્યું છે.
ટાટા સ્ટીલઃ મૂડીઝ ઈન્વેસ્ટર્સ સર્વિસે તાતા જૂથની સ્ટીલ ઉત્પાદક કંપની માટે આઉટલૂક સ્ટેબલ પરથી સુધારી પોઝીટીવ બનાવ્યું છે.
બ્રિગેડ એન્ટરપ્રાઈઝઃ રિઅલ એસ્ટેટ કંપનીએ ચેન્નાઈ ખાતે 21 લાખ ચોરસ ફીટ પ્રોજેક્ટના વિકાસ માટે સંયુક્ત સાહસની સ્થાપના કરી છે.
સિપ્લાઃ ટોચની ફાર્મા કંપની ગોએપ્ટીવમાં રૂ. 25.90 કરોડના ખર્ચે વધારાના હિસ્સાની ખરીદી માટે સહમત થઈ છે.
ધાની સર્વિસિઝઃ સોસાયટી જનરાલીએ ધાની સર્વિસિઝના 46,87,351 શેર્સનું વેચાણ કર્યું છે. તેણે રૂ. 29.55 પ્રતિ શેરના ભાવે આ શેર્સ વેચ્યાં છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage