Market Summary 28 March 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
બુલ્સ પરત ફરતાં નિફ્ટી 17k જાળવી રાખવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 3.5 ટકા ગગડી 22.61ની સપાટીએ
ટેલિકોમ, મેટલ, ઓટો, પીએસયૂનો સપોર્ટ
એશિયન બજારોમાં હોંગ કોંગ, સિંગાપુરમાં સુધારો
બ્રોડ માર્કેટમાં નરમાઈ યથાવત
બીએસઈ ખાતે બે શેર્સમાં ઘટાડા વચ્ચે એકમાં સુધારો

ઉઘડતાં સપ્તાહે તેજીવાળાઓ પરત ફરતાં શેરબજારમાં ઘટાડો અટક્યો હતો. સાથે બેન્ચમાર્ક નિફ્ટી 17 હજારના મહત્વના સાયકોલોજિકલ સપોર્ટને જાળવી રાખવામાં સફળ રહ્યો હતો. વૈશ્વિક બજારોમાં મિશ્ર ટ્રેન્ડ વચ્ચે ભારતીય બજારમાં કામકાજની શરૂઆત નબળી જોવા મળી હતી. જોકે નીચા મથાળે સપોર્ટ સાંપડ્યો હતો અને બજાર પોઝીટીવ ઝોનમાં પરત ફરી સુધારા સાથે બંધ રહ્યું હતું. બેન્ચમાર્ક સેન્સેક્સ 231.29 પોઈન્ટ્સની મજબૂતી સાથે 57593.49 પર જ્યારે નિફ્ટી 69 પોઈન્ટ્સના સુધારે 17222ની સપાટીએ બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ 3.5 ટકા ઘટી 22.61ના છેલ્લાં ઘણા સપ્તાહોના તળિયા પર જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 ઘટક કાઉન્ટર્સમાંથી 31 પોઝીટીવ બંધ રહ્યાં હતાં. જ્યારે 18 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. એક કાઉન્ટર ટાટા સ્ટીલ ફ્લેટ જોવા મળ્યું હતું.
ગયા સપ્તાહે આખરી ત્રણ સત્રો દરમિયાન સતત ઘસારો દર્શાવ્યાં બાદ સોમવારે પણ શરૂઆતી બે કલાક દરમિયાન બજાર રેડિશ જોવા મળતું હતું. જોકે બુલ્સે બજારમાં પ્રવેશ કરતાં માર્કેટ સુધારાતરફી બન્યું હતું અને પોઝીટીવ ઝોનમાં પરત ફર્યું હતું. નિફ્ટી 17003ના તળિયેથી સુધરી 17235ની ટોચ પર ટ્રેડ થઈ તેની નજીક જ બંધ રહ્યો હતો. નિફ્ટી ફ્યુચર્સ 50થી વધુ પ્રિમીયમ સાથે 17276ના સ્તરે બંધ રહ્યો હતો. જે આગામી સમયગાળામાં મજબૂતી જળવાય શકે તેવો સંકેત છે. માર્કેટ નિરીક્ષકોના મતે નિફ્ટી છેલ્લાં કેટલાંક સત્રોથી કોન્સોલિડેશન દર્શાવી રહ્યો છે અને નવા સપ્તાહની આખરમાં તે પોઝીટીવ બ્રેકઆઉટ દર્શાવી શકે તેવી શક્યતાં છે. એકવાર તે 17300ની સપાટી પર બંધ આપશે તો 17700 સુધીનો ઉછાળો જોવા મળી શકે છે. માર્કેટને પીએસયૂ, બેંકિંગ અને મેટલ શેર્સ તરફથી સપોર્ટની શક્યતાં છે. ઓટોમોબાઈલ કાઉન્ટર્સ પણ મજબૂતી દર્શાવી રહ્યાં છે. જોકે એફએમસીજી અને ફાર્મામાં નરમાઈ જોવા મળી રહી છે. હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ સતત સુધરી રહ્યો છે. સોમવારે તે 1 ટકા સુધારા સાથે રૂ. 2600ની સપાટી પાર કરી ગયો હતો અને ચાર મહિનાની ટોચ પર બંધ રહ્યો હતો. તેણે ઓક્ટોબર 2021માં રૂ. 2750ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. ત્યારબાદ તે લાંબો સમય કોન્સોલિડેશનમાં રહી હવે રેંજ બહાર નીકળ્યો છે. કંપનીનું માર્કેટ-કેપ રૂ. 18 લાખ કરોડ નજીક પહોંચ્યું છે. સોમવારે લાર્જ-કેપ્સમાં બજારને સપોર્ટ કરવામાં ભારતી એરટેલ, કોલ ઈન્ડિયા, એક્સિસ બેંક અગ્રણી હતાં. તેમણે 2-3 ટકાનો સુધારો દર્શાવ્યો હતો. જ્યારે યુપીએલ, નેસ્લે અને ડો. રેડ્ડીઝ 2 ટકાથી વધુ ઘટાડો નોંધાવી રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં જોકે નરમાઈ જોવા મળી હતી. બીએસઈ ખાતે 3664 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2334 નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 1173 પોઝીટીવ જોવા મળ્યાં હતાં. જોકે 161 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ નોંધાવી હતી. સામે 87 કાઉન્ટર્સ 52-સપ્તાહના તળિયા પર જોવા મળ્યાં હતાં. 21 કાઉન્ટર્સે અપર-સર્કિટમાં બંધ દર્શાવ્યું હતું. જ્યારે 5 કાઉન્ટર્સ લોઅર-સર્કિટમાં બંધ રહ્યાં હતાં. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 0.18 ટકા જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.73 ટકા ઘટાડે બંધ રહ્યાં હતાં. નિફ્ટી ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં જીએમએફસી 7 ટકા, પીવીઆર 3.4 ટકા, ભારતી એટરેલ 3.4 ટકા, ઈન્ડુસ ટાવર્સ 3.3 ટકા, બેંક ઓફ બરોડા 3.2 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે એસ્કોર્ટ્સ 6 ટકા, કન્ટેનર કોર્પોરેશન 4.33 ટકા, મેક્સ ફાઈનાન્સિયલ 4 ટકા અને પોલીકેબ 4 ટકા ઘટાડો સૂચવી રહ્યાં હતાં. વૈશ્વિક બજારોમાં એશિયા ખાતે મિશ્ર વલણ જોવા મળી રહ્યું હતું. જેમાં હોંગ કોંગ, સિંગાપુર અને ચીન પોઝીટીવ હતાં. જ્યારે જાપાન, કોરિયા અને તાઈવાન નેગેટિવ બંધ દર્શાવી રહ્યાં હતાં. યુરોપ માર્કેટ્સ 2 ટકાનો સુધારો સૂચવતાં હતાં.

શાંઘાઈમાં લોકડાઉન પાછળ ક્રૂડમાં 5 ટકાનું ગાબડું
ચીનની આર્થિક રાજધાની શાંઘાઈમાં કોવિડ કેસિસમાં ઝડપી વૃદ્ધિને પગલે લોકડાઉનને કારણે ક્રૂડના ભાવમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. સોમવારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 5 ટકાથી વધુ ગગડી 111 ડોલર પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. ગયા સપ્તાહે તેણે 123 ડોલરની સપાટી દર્શાવી હતી. જ્યાંથી તે ઝડપી ઘટાડો સૂચવે છે. છેલ્લાં એક મહિનામાં ક્રૂડના ભાવમાં ઊંચી વધ-ઘટ જોવા મળી રહી છે. ક્રૂડ ઉપરાંત ગોલ્ડમાં પણ વેચવાલી જોવા મળી હતી. કોમેક્સ ગોલ્ડ વાયદો 1.3 ટકા અથવા 26 ડોલર ઘટાડે 1927 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. જોકે આઈસીઈ કોટન 2.5 ટકા ઉછળી 139 સેન્ટ્સનું સ્તર કૂદાવી ગયો હતો.

રિલાયન્સ કેપિટલની ખરીદ માટે 54 કંપનીઓમાં સ્પર્ધા
અનિલ અંબાણી જૂથની નાદાર કંપની રિલાયન્સ કેપિટલની ખરીદીમાં 54 કંપનીઓ સ્પર્ધામાં ઊતરી છે. જેમાં અદાણી ફિનસર્વ, આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ, ટાટા એઆઈજી, બંધન ફાઈનાન્સિયલ હોલ્ડિંગ્સ અને ઓક-ટ્રી કેપિટલનો સમાવેશ થાય છે. આ કંપનીઓએ દેવા હેઠળ દબાયેલી રિલાયન્સ કેપિટલ અથવા તેની કેટલીક પેટાકંપનીઓ માટે એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ(ઈઓઆઈ) લાગુ પાડ્યાં છે. જ્યારે 24 કંપનીઓએ સમગ્ર રિલાયન્સ કેપિટલની ખરીદી માટે રસ દર્શાવ્યો છે એમ વર્તુળો જણાવે છે. ઈઓઆઈ રજૂ કરવા માટે છેલ્લો દિવસ 25 માર્ચ હતો. બીડર્સમાં કેટલાંક અન્ય નામોમાં એચડીએસી અર્ગો, બ્લેકસ્ટોન, કેપ્રી ગ્લોબલ હોલ્ડિંગ અને એડલવેઈસ અલ્ટરનેટીવનો સમાવેશ થાય છે.

ટેક સ્ટાર્ટ-અપ્સે કેલેન્ડર 2021માં રેકર્ડ 74 અબજ ડોલર મેળવ્યાં
ભારતીય ટેક સ્ટાર્ટ-અપ્સે કેલેન્ડર 2021માં પ્રાઈવેટ ઈક્વિટી અને વેન્ચર કેપિટાલિસ્ટ્સ પાસેથી વિક્રમી 74 અબજ ડોલર મેળવ્યાં હતાં. તેમણે કુલ 1123 સોદાઓ મારફતે આ રકમ ઊભી કરી હતી એમ ઈન્ડિયા ઈન્વેસ્ટમેન્ટ પલ્સ નામના રિપોર્ટમાં જણાવાયું છે. આ સોદાઓમાં અગ્રણી ક્ષેત્રોમાં ઈકોમર્સ, કન્ઝ્યૂમર પ્લેટફોર્મ્સ અને આઈટી સર્વિસિસ કંપનીઓ સમાવેશ થતો હતો. જેઓ કુલ ડીલ વેલ્યૂના 56 ટકા જેટલી રકમ ધરાવતી હતી. 2021માં દેશમાં યુનિકોર્ન ક્લબમાં 41 કંપનીઓનો ઉમેરો થયો હતો. જે ગાઉના વર્ષની સરખામણીમાં ત્રણ ગણી વૃદ્ધિ સૂચવે છે.
રૂપી-રૂબલના બદલે માત્ર રૂપીમાં જ ટ્રેડ માટે વિચારણા
આર્થિક પ્રતિબંધોને કારણે રશિયન ચલણમાં તીવ્ર ધોવાણને જોતાં રૂબલમાં વેપાર અસંભવ
ભારત અને રશિયા પ્રસ્તાવિત રૂપી-રુબલ ટ્રેડમાંથી રૂબલને દૂર રાખે તેવી શક્યતાં છે. બંને દેશો માત્ર રૂપિયામાં જ આયાત-નિકાસ માટે તૈયાર થાય તેવી ભૂમિકા ઊભી થઈ રહી છે. પશ્ચિમી દેશોએ રશિયા પર વિવિધ આર્થિક પ્રતિબંધો લાગુ પાડ્યા બાદ રૂબલના ભાવમાં ઊંચી વોલેટિલિટીને જોતાં પેમેન્ટ્સ માત્ર રૂપિયા-ડોલરના વિનિમય દરને ધ્યાનમાં રાખીને રૂપિયામાં કરવામાં આવશે તથા નાણા ભારતીય બેંક એકાઉન્ટમાં ડિપોઝીટ કરાવવામાં આવશે એમ વર્તુળો જણાવે છે.
સરકારી વર્તુળો જણાવે છે કે રૂપી-રુબલ ટ્રેડ શક્ય નથી કેમકે રુબલમાં તીવ્ર ધોવાણ જોવા મળ્યું છે. આના બદલે રૂપિયાના ડોલર સાથેના વિનિયમ દરને ધ્યાનમાં રાખીને રૂપીમાં ટ્રેડ થઈ શકે છે. આ બાબતે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા ભારતીય અને રશિયન બેંક્સ સાથે ચર્ચા-વિચારણા મારફતે વિગતો નક્કી કરે તેવી શક્યતાં છે એમ સત્તાવાળાઓ જણાવે છે. તેઓ ઉમેરે છે કે પ્રસ્તાવિત યંત્રણા મુજબ જ્યારે ભારત રશિયા ખાતેથી ચીજ-વસ્તુની આયાત કરશે ત્યારે ડોલરના સમપ્રમાણમાં રુપિયાની ચૂકવણી કરશે. જેને ભારતીય બેંક એકાઉન્ટમાં જમા કરાવવાના રહેશે. જ્યારે ભારત ખાતેથી રશિયામાં માલની નિકાસ થશે ત્યારે ભારતીય નિકાસકારને સમાન એકાઉન્ટમાંથી સ્થાનિક કરન્સીમાં પેમેન્ટ કરવામાં આવશે. નિકાસકારોના જણાવ્યા મુજબ પશ્ચિમી દેશોએ ઘણી રશિયન બેંક્સને સ્વિફ્ટ સિસ્ટમમાંથી દૂર કરતાં 40 કરોડ ડોલર જેટલું પેમેન્ટ સલવાય પડ્યું છે. ભૂતપૂર્વ વાણિજ્ય સચિવ જણાવે છે કે ભારત રશિયાને હાર્ડ કરન્સીમાં ચૂકવણી કરી શકે નહિ. તે ભારતીય બેંક એકાઉન્ટમાં નાણા જમા કરાવી શકે. રશિયા આપણી પાસે વેપારી પુરાંત ધરાવે છે. તેમની પાસે ભારતીય માલ-સામાનની ખરીદી માટે પૂરતાં સ્રોતો છે. આમ આ રીતે ટ્રેડનું સેટલમેન્ટ થઈ શકે છે એમ તેઓ જણાવે છે.

ટોચના 500 શેર્સમાંથી 61 ટકા શેર્સ મંદીમાં સરી પડ્યાં
નિફ્ટી-500ના 300થી વધુ કાઉન્ટર્સ તેમની 200-ડીએમએ નીચે ટ્રેડ થઈ રહ્યાં છે

માર્ચ મહિનાની શરૂમાં સાત મહિનાનું તળિયું બનાવી ભારતીય બેન્ચમાર્ક્સ સેન્સેક્સ અને નિફ્ટી પરત ફર્યાં છે. જોકે બ્રોડ માર્કેટમાં મોટાભાગના કાઉન્ટર્સ મંદીના ઝોનમાં સરી પડ્યાં છે. એનએસઈ ખાતે ટોચના 500 શેર્સમાંથી 60 ટકાથી વધુ એટલેકે લગભગ 300થી વધુ શેર્સ મહત્વના ટેકનિકલ ઈન્ડિકેટર 200-ડીએમએથી નીચે ટ્રેડ થઈ રહ્યાં છે. ટેકનિકલ એનાલિસ્ટ્સની ભાષામાં કહીએ તો તેઓ બેરિશ ટ્રેન્ડ દર્શાવી રહ્યાં છે.
વિતેલા સપ્તાહાંતે માર્કેટમાં બંધ ભાવે નિફ્ટી-500ના 500 કાઉન્ટર્સમાંથી 300થી વધુ 200-ડીએમએ નીચે બંધ દર્શાવતાં હતાં. જેમાં વર્ધમાન ટેક્સટાઈલ્સ, ધાની સર્વિસિઝ, દિલીપ બિલ્ડકોન, સોલારા એક્ટિવ, સિક્વન્ટ સાઈન્ટિફિક અને વૈભવ ગ્લોબલ જેવા કાઉન્ટર્સનો સમાવેશ થતો હતો. આ કાઉન્ટર્સ તેમની 200-ડીએમએથી 40-73 ટકા જેટલાં નીચે ટ્રેડ થઈ રહ્યાં હતાં. એમ કહી શકાય કે તેમને મંદીએ ભરડો લીધો છે. માર્ચ મહિનાની શરૂમાં બેન્ચમાર્ક નિફ્ટી પણ આ મહત્વના ટેકનિકલ ઈન્ડિકેટરની નીચે ઉતરી ગયો હતો. જોકે મેટલ્સ, કોમોડિટીઝ અને આઈટી શેર્સમાં બાઉન્સને કારણે તે ઝડપથી પરત ફર્યો હતો અને પોઝીટીવ જોવા મળ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટના જણાવ્યા મુજબ બેન્ચમાર્કમાં સુધારા વચ્ચે માર્કેટ-બ્રેડ્થમાં સુધારો જોવા મળ્યો નથી. કેટલાંક પસંદગીના મેટલ્સ, આઈટી અને એફએમસીજી કાઉન્ટર્સે સારો દેખાવ દર્શાવ્યો છે. જ્યારે તે સિવાયના બજારમાં મજબૂતીનો અભાવ જોવા મળી રહ્યો છે. નિફ્ટ-100 જૂથમાં સમાવિષ્ટ કાઉન્ટર્સમાંથી 60 જેટલા તેમની 200-ડીએમએ નીચે ટ્રેડ થઈ રહ્યાં છે. 200-ડીએમએનું સ્તર એ પાછલાં 200 ટ્રેડિંગ સત્રોના દેખાવનો સૂચક છે. સામાન્યરીતે તે વર્ષ દરમિયાન જોવા મળતાં ટ્રેડિંગ સત્રોની સંખ્યા પણ સૂચવે છે. નિફ્ટી તેના ઓક્ટોબર મહિનાના ટોચના સ્તરેથી 7.8 ટકા જેટલો ઘટાડો દર્શાવે છે. જ્યારે એનએસઈ-500 તેના ટોચના સ્તરેથી 8.45 ટકા જેટલો ગગડ્યો છે. રશિયા-યૂક્રેન યુધ્ધની શરૂઆત બાદ નિફ્ટી 8 ટકાના ઘટાડા બાદ તળિયેથી 9.5 ટકા જેટલો સુધરી પરત ફર્યો હતો. જ્યારે બ્રોડ માર્કેટ તેટલી ઝડપે રિકવર નથી થઈ શક્યું અને તે લોંગ-ટર્મ એવરેજની નીચે ટ્રેડ દર્શાવી રહ્યું છે. કેટલાંક કાઉન્ટર્સ ઓવરસોલ્ડ ઝોનમાં હોવા છતાં ડરના કારણે બાઉન્સ દર્શાવવામાં નિષ્ફળ જઈ રહ્યાં છે. જેનું મુખ્ય કારણ કોમોડિટીઝના ઊંચા ભાવો પાછળ આગામી સમયગાળામાં ફુગાવાનો ડર છે.

ક્રિપ્ટો એક્સચેન્જિસની રૂ. 81.54 કરોડની GST ચોરી પકડાઈ
વઝીરએક્સ, કોઈન ડીસીએક્સ અને કોઈનસ્વિચ કૂબેર જેવી કંપનીઓ સામે તપાસ ચાલુ
સરકારે જીએસટી અને ઈન્ટરેસ્ટ પેટે રૂ. 96 કરોડ રિકવર કર્યાં

કેન્દ્ર સરકારે દેશમાં સક્રિય ઓછામાં ઓછા 11 ક્રિપ્ટો એક્સચેન્જિસ પાસેથી ગુડ્ઝ એન્ડ સર્વિસિસ ટેક્સ(જીએસટી) પેટે રૂ. 96 કરોડની રિકવરી કરી હોવાનું સંસદમાં જણાવવામાં આવ્યું હતું. આ રકમમાં વ્યાજ અને પેનલ્ટીનો પણ સમાવેશ થાય છે. જીએસટી ઈન્વેસ્ટીગેશન ડિપાર્ટમેન્ટે ક્રિપ્ટો એક્સચેન્જિસ પાસેથી રૂ. 81.54 કરોડની કુલ જીએસટી ચોરી પકડી હતી. આવા એક્સચેન્જિસમાં વઝીરએક્સ, કોઈન ડીસીએક્સ અને કોઈનસ્વિચ કુબેરનો સમાવેશ થતો હોવાનું રાજ્ય કક્ષાના નાણા પ્રધાન પંકજ ચૌધરીએ જણાવ્યું હતું.
લેખિત ડેટામાં સંસદને જણાવાયું હતું કે વઝીરએક્સની ઓપરેટર ઝનમાઈ લેબ્સે રૂ. 40.5 કરોડની ચોરી કરી હતી. ક્રિપ્ટોકરન્સી વીઆરએક્સની માલિક કંપની શેશેલ્સ સ્થિત બાઈનાન્સ ઈન્વેસ્ટમેન્ટ કંપની છે. એક્સચેન્જ પાસેથી ઈન્ટરેસ્ટ અને પેનલ્ટી પેટે રૂ. 50 કરોડ રિકવર કરવામાં આવ્યાં હતાં. એક્સચેન્જ રૂપી અથવા વીઆરએક્સમાં ટ્રાન્ઝેક્ટ માટે ટ્રેડરને ઓપ્શન્સ પૂરા પાડે છે. વઝીરએક્સ પ્લેટફોર્મ પરથી વીઆરએક્સની ખરીદી કરવાની રહે છે. બીજા ક્રમે કોઈન ડીસીએક્સે રૂ. 15.70 કરોડની કરચોરી દર્સાવી હતી. જ્યારબાદ કોઈન્સ્વિચ કુબેર અને ગિઓટ્સ ટેક્નોલોજિસનો ક્રમ આવતો હતો. આ એક્સચેન્જિસે અનુક્રમે રૂ. 17.10 કરોડ અને રૂ. 3.50 કરોડની ચૂકવણી કરી હતી. જેમાં પેનલ્ટી અને ઈન્ટરેસ્ટની રકમનો સમાવેશ થાય છે. મુંબઈ સ્થિત સેન્ટ્રલ જીએસટીના અધિકારીઓ ઈમર્જિંગ ઈકોનોમિસ જેવીકે ઈ-કોમર્સ, ઓનલાઈન ગેમીંગ, નોન-ફંજિબલ ટોકન્સ ક્ષેત્રે સંભવિત ટેક્સ ચોરીની શક્યતાંને લઈને તપાસ કરી રહ્યાં છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage