Market Summary 28 November 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

વૈશ્વિક સ્તરે નરમાઈ વચ્ચે સ્થાનિક બજારની આગેકૂચ જારી
નિફ્ટીએ પણ સર્વોચ્ચ સપાટી દર્શાવી
વોલેટિલિટી ઈન્ડેક્સ 2 ટકા સુધરી 13.56 પર
હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો મુખ્ય સપોર્ટ
મેટલ, આઈટીમાં નરમાઈ
રેઈલ વિકાસ નિગમ 9 ટકા ઉછળ્યો
એપોલો ટાયર્સ, આઈઆરએફસી, આરએફસી નવી ઊંચાઈએ
બ્રોડ માર્કેટમાં જોવા મળતી ખરીદી

વૈશ્વિક શેરબજારોમાં નરમાઈ વચ્ચે ભારતીય બજારમાં સુધારો આગળ વધ્યો હતો અને સ્થાનિક બેન્ચમાર્ક નિફ્ટી તેની 13 મહિના અગાઉની ટોચને પાર કરવામાં સફળ રહ્યો હતો. જ્યારે બીએસઈ સેન્સેક્સે સતત ત્રીજા દિવસે નવી ટોચ બનાવી હતી. સેન્સેક્સ 211 પોઈન્ટ્સ ઉછળી 62505 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 50 પોઈન્ટ્સના સુધારે 18563 પર બંધ જોવા મળ્યો હતો. લાર્જ-કેપ્સમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ પાછળ માર્કેટ બ્રેડ્થ ન્યૂટ્રલ જોવા મળતી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 26 અગાઉના બંધ કરતાં ઘટાડા સાથે બંધ રહ્યાં હતાં. જ્યારે 24 કાઉન્ટર્સ પોઝીટીવ જોવા મળી રહ્યાં હતાં. જોકે બ્રોડ માર્કેટમાં સ્થિતિ સારી હતી. પસંદગીના કાઉન્ટર્સમાં ખરીદી પાછળ બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.77 ટકા મજબૂતી સાથે 13.56ની સપાટીએ બંધ રહ્યો હતો.
ભારતીય બજારે નવા સપ્તાહે નેગેટીવ ઓપનીંગ બાદ સુધારો જાળવ્યો હતો અને કામકાજની આખર સુધી તે મોટેભાગે ગ્રીન ઝોનમાં જ ટ્રેડ થયું હતું. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 18513ના બંધ સામે 18430ની સપાટીએ ખૂલી ઉપરમાં 18614.25ની સર્વોચ્ચ સપાટીએ ટ્રેડ થયો હતો. તેણે અગાઉ 19 ઓક્ટોબર 2021ના રોજ દર્શાવેલી 18606ની ટોચ પાર કરી હતી. જ્યારે ક્લોઝિંગ લેવલે નવી ટોચ દર્શાવી હતી. નિફ્ટી કેશ સામે ફ્યુચર્સ લગભગ 130 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 18690ની સપાટીએ બંધ રહ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે નિફ્ટીમાં 18450ના સ્ટોપલોસે તેજી જાળવવી જોઈએ. ઉપરમાં 18800 સુધીની અને ત્યારબાદ 19000 સુધીની તેજી સંભવ છે. જોકે રોકાણકારોએ તેમના પોર્ટફોલિયોમાં પ્રોફિટ બુકિંગ કરતાં રહેવું જોઈએ. સોમવારે બજારને મુખ્ય સપોર્ટ હેવીવેઈટ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી સાંપડ્યો હતો. કંપનીનો શેર 3.44 ટકાના મજબૂત ઉછાળે રૂ. 2700ની સપાટી પાર કરી ગયો હતો. તેણે રૂ. 18.31 લાખ કરોડનું માર્કેટ-કેપ દર્શાવ્યું હતું. નિફ્ટીમાં મહત્વનો સુધારો દર્શાવનાર અન્ય મહત્વના કાઉન્ટર્સમાં બીપીસીએલ, હીરો મોટોકોર્પ, ટાટા કન્ઝ્યૂમર, એસબીઆઈ લાઈફ, નેસ્લે, એશિયન પેઈન્ટ્સ અને બજાજ ફિનસર્વનો સમાવેશ થાય છે. જ્યારે બીજી બાજુ ઘટવામાં મેટલ શેર્સ અગ્રણી હતાં. હિંદાલ્કો 2 ટકા ઘટાડા સાથે સૌથી ખરાબ દેખાવ દર્શાવી રહ્યો હતો. આ ઉપરાંત જેએસડબલ્યુ સ્ટીલ, એપોલો હોસ્પિટલ, તાતા સ્ટીલ, ભારતી એરટેલ, એચડીએફસી બેંક અને ગ્રાસિમ પણ નરમાઈ સૂચવતાં હતાં. સેક્ટરલ દેખાવની વાત કરીએ તો એનર્જી, ઓટો, ઈન્ફ્રા., એફએમસીજી અને બેંકિંગ પોઝીટીવ જોવા મળી રહ્યાં હતાં. જ્યારે મેટલ અને આઈટીમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી એનર્જી ઈન્ડેક્સ 1.33 ટકા મજબૂતી સૂચવતો હતો. જેમાં મુખ્ય યોગદાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ઉપરાંત ઓઈલ માર્કેટિંગ પીએસયૂનું હતું. નિફ્ટી ઈન્ફ્રા ઈન્ડેક્સ પણ 0.9 ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. નિફ્ટી એફએમસીજી 0.34 ટકા સુધારો દર્શાવતો હતો. જ્યારે નિફ્ટી ફાર્મા 0.20 ટકા અને નિફ્ટી બેંક 0.08 ટકાના સાધારણ સુધારે બંધ રહ્યો હતો. નિફ્ટી પીએસયૂ બેંક આજે નવી ટોચ દર્શાવી શક્યો નહોતો અને બે બાજુની વધ-ઘટ બાદ સાધારણ પોઝીટીવ બંધ રહ્યો હતો. નાની પીએસયૂ બેંક્સમાં યુનિયન બેંકનો શેર 4 ટકા ઉછળ્યો હતો. જ્યારે આઈઓબી, ઈન્ડિયન બેંક અને એસબીઆઈ પણ ગ્રીન ઝોનમાં જોવા મળ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં એપોલો ટાયર્સ 7 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત એચપીસીએલ, ડેલ્ટા કોર્પ, બીપીસીએલ, આઈઓસી, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, આઈજીએલ, મેક્સ ફાઈનાન્સિયલ, હીરો મોટોકોર્પમાં પણ નોંધપાત્ર સુધારો નોંધાયો હતો. બીજી બાજુ જિંદાલ સ્ટીલ, હનીવેલ ઓટો, જીએસપીસી, હેવેલ્સ ઈન્ડિયા, વેદાંત, આઈઈએસ, સેઈલ, એપોલો હોસ્પિટલ, પાવર ફાઈનાન્સમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. રેલ્વે સાથે જોડાયેલી કંપનીઓમાં લેવાલી ચાલી રહી હતી. જેમાં રેઈલ વિકાસ નિગમનો શેર 9 ટકા ઉછળી રૂ. 80.10ની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો. વાર્ષિક ટોચ દર્શાવનારા અન્ય કાઉન્ટર્સમાં એપોલો ટાયર્સ, સિએટ, આઈઆરએફસી, એન્જિનીયર્સ ઈન્ડિયા, જીઈ શીપીંગ, રાષ્ટ્રીય કેમિકલ, રેડિંગ્ટન, આઈડીએફસી, એસજેવીએન, એનસીસી, કેપીટીએલ અને આઈડીએફસી ફર્સ્ટ બેંકનો સમાવેશ થાય છે. એસઆઈએસે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. બ્રોડ માર્કેટમાં ચોથા દિવસે બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3784 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2092 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1511 કાઉન્ટર્સે અગાઉના બંધની સરખામણીમાં નીચું બંધ આપ્યું હતું. પ્લેટફોર્મ પર 164 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 36 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું.



ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગ કોવિડ અગાઉના સ્તરને પાર કરી ગયું
સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1.67 લાખ કરોડના ખર્ચ સાથે ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગ ચાર વર્ષોની ટોચ પર
વાર્ષિક ધોરણે ક્રેડિટ કાર્ડથી થતાં ખર્ચમાં 27 ટકાની તીવ્ર વૃદ્ધિ નોંધાઈ

કન્ઝ્યૂમર ડિમાન્ડ મજબૂત જળવાય રહેવા પાછળ ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગ કોવિડ અગાઉના સ્તરને પાર કરી ગયું હોવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો ડેટા સૂચવે છે. વાર્ષિક ધોરણે ક્રેડિટ કાર્ડથી થતાં ખર્ચમાં 27.2 ટકાની તીવ્ર વૃદ્ધિ જોવા મળી છે અને તે ગયા વર્ષે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં રૂ. 1,31,461 કરોડ સામે ચાલુ વર્ષે સમાનગાળામાં રૂ. 1,67,179 કરોડ પર જોવા મળ્યું હતું.
સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરમાં ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગમાં 9.5 ટકા વાર્ષિક વૃદ્ધિ દર જોવા મળ્યો હતો. જ્યારે સપ્ટેમ્બર 2020 ક્વાર્ટરમાં તે 6.9 ટકા પર અને સપ્ટેમ્બર 2019 ક્વાર્ટરમાં તે 25.9 ટકા પર રહ્યો હતો. ક્રેડિટ કાર્ડ ખર્ચમાં ઊંચી વૃદ્ધિનું કારણ નવા ક્રેડિટ કાર્ડ ઈસ્યુઅન્સમાં જોવા મળતી ઊંચી વૃદ્ધિ પણ એક કારણ છે. અગ્રણી બેંક્સનો ડેટા સૂચવે છે કે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં તેમના તરફથી નોંધપાત્ર પ્રમાણમાં નવા ક્રેડિટ કાર્ડ ઈસ્યુ કરવામાં આવ્યા હતાં. જેમકે એચડીએફસી બેંકે બીજા ક્વાર્ટરમાં 12 લાખ નવા ક્રેડિટ કાર્ડ ઈસ્યુ કર્યાં હતાં. જ્યારબાદ તેનો ક્રેડિટ કાર્ડ બેઝ વધી 1.63 કરોડ પર પહોંચ્યો હતો. ક્વાર્ટર દરમિયાન બેંકે આરબીઆઈના સર્ક્યુલરનું પાલન કરતાં 24 લાખ ઈનએક્ટિવ કાર્ડ્સ બંધ કર્યાં હતાં. આઈસીઆઈસીઆઈ બેંકના સિનિયર અધિકારીના જણાવ્યા મુજબ સપ્ટેમ્બરમાં ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગનું મૂલ્ય ત્રિમાસિક ધોરણે 12.6 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. તેમજ ગયા વર્ષે પ્રથમ ક્વાર્ટરમાં કુલ સ્પેન્ડિંગથી બમણું મૂલ્ય ધરાવતું હતું. ડિસ્ક્રિશ્નરી સ્પેન્ડિંગમાં વૃદ્ધિને કારણે આમ બન્યું હોવાનું તેમણે ઉમેર્યું હતું. દેશમાં અગ્રણી ક્રેડિટ કાર્ડ ઈસ્યુઅર એસબીઆઈ કાર્ડ્સે પણ ક્રેડિટ કાર્ડ ઈસ્યુઅન્સમાં 18 ટકા વૃદ્ધિ દર્શાવી હતી. જ્યારે ક્રેડિટ કાર્ડ સ્પેન્ડિંગમાં તેણે 59 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. એસબીઆઈ કાર્ડ્સના જણાવ્યા અનુસાર યુવાનોમાં ક્રેડિટ કાર્ડના ઉપયોગને લઈને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પોર્ટફોલિયોના નવા સોર્સિંગમાં 37 ટકા કાર્ડ ધારક 30 વર્ષથી નીચેની વય ધરાવે છે. જ્યારે 47 ટકા વર્ગ 31-34 એજ જૂથમાંથી આવે છે. એનાલિસ્ટ્સના જણાવ્યા મુજબ કાર્ડ બિઝનેસમાં વૃદ્ધિનું કારણ નવા કાર્ડ ઈસ્યુ કરવામાં કેટલાંક નિયંત્રણો દૂર કરવાનું પણ છે. નિશ્ક્રિય કાર્ડને બંધ કરવાના કારણે પણ કાર્ડ પોર્ટફોલિયોને નાનો બનાવવામાં સહાયતા મળી હતી.




એરલાઈન્સ કંપનીઓએ માટે રવિવાર અઢી વર્ષનો સૌથી વ્યસ્ત દિવસ બન્યો
મે 2020 પછી પ્રથમવાર એક દિવસમાં ઉડ્ડયન કંપનીઓએ 4.10 લાખ પેસેન્જર્સ મેળવ્યાં
એર ટ્રાફિક કોવિડ અગાઉના 96 ટકાના સ્તર પર પહોંચી ગયો

ગયા રવિવારે સ્થાનિક એરલાઈન્સ કંપનીઓએ 4,09,831 પેસેન્જર્સ સાથે મે 2020 પછી સૌથી વધુ પ્રવાસીઓ સાથે ઉડાન ભરી હતી. જે સાથે સ્થાનિક રૂટ્સ પર એર-ટ્રાફિક કોવિડ અગાઉના સ્તરના 96 ટકા પર પહોંચ્યો હતો.
કેન્દ્રિય ઉડ્ડયન મંત્રાલયના ડેટા મુજબ સપ્તાહાંતે સતત બે દિવસ દરમિયાન એર ટ્રાફિક 4 લાખ ઉપર જોવા મળ્યો હતો. જે છેલ્લાં અઢી વર્ષોમાં પ્રથમવાર જોવા મળ્યું હતું. શનિવારે 4,05,963 પેસેન્જર્સે હવાઈ મુસાફરી કરી હતી. રવિવારે કુલ 2739 સ્થાનિક ફ્લાઈટ્સ કાર્યરત હતી. ગો ફર્સ્ટે 96.7 ટકા સાથે સૌથી ઊંચી ઓક્યૂપન્સી દર્શાવી હતી. જ્યારબાદના ક્રમે સ્પાઈસજેટ અને એર ઈન્ડિયા જોવા મળ્યાં હતાં. આ બંને કંપનીઓએ 95 ટકાથી ઉપર ઓક્યૂપન્સી નોંધાવી હતી. ક્રિસમસ-ન્યૂ યરનું વેકેશન હજુ દુર છે ત્યાં જ એર ટ્રાફિકમાં વૃદ્ધિ જોવા મળી રહી છે. દેશમાં સૌથી મોટી ઉડ્ડયન કંપની ઈન્ડિગોએ 2.5 લાખ પ્રવાસીઓ મેળવ્યાં હતાં. કંપનીના અધિકારીના જણાવ્યા મુજબ એર ટ્રાફિક મજબૂત જોવા મળી રહ્યો છે અને આગામી સમયગાળામાં તે નવી ઊંચાઈ દર્શાવી શકે છે. તાજેતરમાં ક્રૂડના ભાવમાં ઘટાડાને કારણે પણ એરલાઈન્સ કંપનીઓને રાહત મળી છે. તેમજ ડોલર સામે રૂપિયો પણ સ્થિરતા દર્શાવી રહ્યો છે. જેને કારણે એટીએફના ભાવ અંકુશમાં છે. જે કંપનીઓને છેલ્લાં બે વર્ષોમાં તેમણે નોંધાવેલી ખોટને રિકવર કરવામાં સહાયરૂપ બની શકે છે. ઉડ્ડયન મંત્રાલયના જણાવ્યા મુજબ હવેથી દૈનિક ધોરણે 4 લાખથી વધુ પેસેન્જર્સની સંખ્યા નિયમિત જોવા મળે તેવું જણાય છે અને ગયા સપ્તાહે બનેલી ઘટના કોઈ એક સપ્તાહ પૂરતી બની રહેવાની નથી.



ફોક્સકોને વર્કર્સને 1800 ડોલર સુધી બોનસ ઓફર કર્યું
એપલની ભાગીદાર કંપની ચીનની આઈફોન સિટીમાં ટકી રહે તે માટે પ્રતિ માસ 13 હજાર યુઆન સુધી ટોપ અપ આપશે

એપલ ઈન્કના ભાગીદાર ફોક્સકોને તેની ઝેંગઝોઉ સુવિધા ખાતે વર્તમાન કામદારોને જાળવી રાખવા માટે 1800 ડોલર સુધીનું તગડું બોનસ ઓફર કર્યું છે. વિશ્વમાં સૌથી મોટી આઈફોન ઉત્પાદન ફેક્ટરીને ચલાવવા માટે જરૂરી સ્ટાફ જાળવી રાખવા માટે કંપનીએ આમ કરવું પડ્યું છે.
હોન હાઈ પ્રિસિશન ઈન્ડસ્ટ્રી કો. તરીકે પણ જાણીતી ફોક્સકોન નવેમ્બર કે તે અગાઉ જોડાયેલા તેના ફૂલ-ટાઈમ વર્કર્સને ડિસેમ્બર અને જાન્યુઆરી માટે પ્રતિ માસ 13000 યુઆન સુધીનું ટોપ અપ વેતન પણ આપશે એમ કંપનીએ સપ્તાહાંતે એ નોટિસમાં જણાવ્યું હતું. ગયા સપ્તાહે ફોક્સકોને તેનું કેમ્પસ છોડવા જઈ રહેલા વર્કર્સને આ પ્રકારનું જ બોનસ ઓફર કર્યું હતું. આમ કરવાનું કારણ કોવિડ કેસિસ વધતાં લોકડાઉન્સ પાછળ થયેલાં હિંસક દેખાવોમાં ભાગ લેનારા નવા કામદારોને દૂર કરી શકાય તે માટેનું હતું. કંપની તરફથી ઓફર કરવામાં આવેલી રહેલું અસાધારણ બોનસ સૂચવે છે કે કંપની તેની એસેમ્બલી લાઈન્સને ફરીથી સંપૂર્ણ ઝડપે શરૂ કરવા માગે છે. કોવિડ સંબંધી નિયંત્રણો અને અવરોધોને કારણે ગયા સપ્તાહે હિંસક દેખાવોને કારણે કામકામ અટવાયું હતું. સામાન્યરીતે 2 લાખથી વધુનો સ્ટાફ ધરાવતાં ઝેંગઝોઉ કેમ્પસમાં એપલના આઈફોન પ્રો મોડેલ્સનું એસેમ્બલીંગ કરવામાં આવે છે. ગયા સપ્તાહે વિરોધી દેખાવો બાદ લગભગ 20 હજારથી વધુ નવા કામદારો કંપની છોડી ગયા હોવાનું જાણવા મળે છે. એપલે જણાવ્યું હતું કે તે ઉત્પાદન પ્રક્રિયા ફરીથી શરૂ થાય તે માટે નજીકથી કામ કરી રહી છે. બંને કંપનીઓએ કામદારોની સુરક્ષા પ્રત્યે તેમની પ્રતિબધ્ધતા પણ દર્શાવી છે. ફોક્સકોનની પરિસ્થિતિએ ફરી એકવાર એપલ માટે ચીન કેન્દ્રિત વિશાળ ઉત્પાદન સુવિધા પર વધુ પડતી નિર્ભરતાના જોખમોની યાદ કરાવી છે. ખાસ કરીને જ્યારે યુએસ-ચીન વચ્ચે વણસી રહેલા ટ્રેડ સંબંધોને ધ્યાનમાં રાખીને આવી સ્થિતિ ખૂબ જોખમી છે. યુએસ કંપનીએ ચાલુ મહિને એક ચેતવણીમાં જણાવ્યું હતું કે તેના નવા પ્રિમીયમ આઈફોન્સના શીપમેન્ટ્સ અગાઉની અપેક્ષા કરતાં નીચા રહેશે. ખાસ કરીને પીક હોલિડે શોપીંગ સિઝનની શરૂઆત અગાઉ આમ બનશે. મોર્ગન સ્ટેનલી ખાતે એનાલિસ્ટ્સે આઈફોન પ્રોના ઉત્પાદનના અંદાજમાં 60 લાખ યુનિટ્સનો ઘટાડો કર્યો હતો.


બેન્ચમાર્ક નિફ્ટીએ વૈશ્વિક હરિફ સૂચકાંકોને ઊંચા માર્જિનથી પાછળ રાખ્યાં
સ્થાનિક સૂચકાંક લગભગ 13 મહિના બાદ તેની નવી ટોચ પર જોવા મળ્યો, જ્યારે વૈશ્વિક અગ્રણી સૂચકાંકોએ 12-32 ટકાનો ઘટાડો નોંધાવ્યો






સોમવારે નવા સપ્તાહે બેન્ચમાર્ક નિફ્ટીએ તેની 13 મહિના અગાઉની ટોચને પાર કરી નવી સપાટી દર્શાવી હતી. બેન્ચમાર્ક ઈન્ટ્રા-ડે ધોરણે 18614.25ની સપાટી પર ટ્રેડ થયો હતો. તેણે અગાઉ ઓક્ટોબર 2021માં દર્શાવેલી 18606ની સર્વોચ્ચ સપાટીને પાર કરી હતી. જોકે સમાનગાળામાં વૈશ્વિક હરિફ સૂચકાંકો તીવ્ર ઘટાડો સૂચવી રહ્યાં છે. તેમજ તેમના બે કે તેથી વધુ વર્ષના નીચા સ્તરો પર પણ જોવા મળી રહ્યાં છે.
નિફ્ટીએ અગાઉ 19 ઓક્ટોબર 2021ના રોજ ઈન્ટ્રા-ડે ધોરણે 18606ની ટોચ દર્શાવી હતી. જ્યારબાદ તેમાં ઘટાડો જોવા મળ્યો હતો. સોમવારે બેન્ચમાર્ક બીજીવાર આ સપાટી પર ટ્રેડ થવા સાથે 18614.25ની નવી ટોચ પર પહોંચ્યો હતો. આમ લગભગ 13 મહિના બાદ નિફ્ટી નવી ટોચ દર્શાવી શક્યો હતો. જોકે વિશ્વમાં તેના અન્ય સમકક્ષોની વાત કરીએ તો તેઓ સ્થાનિક બેન્ચમાર્કની સરખામણીમાં તીવ્ર અન્ડરપર્ફોર્મન્સ દર્શાવી રહ્યાં છે. ખાસ કરીને એશિયાઈ બેન્ચમાર્ક્સ 15-32 ટકા સુધીનો તીવ્ર ઘટાડો સૂચવે છે. આમ 2021ની આખરથી લઈ અન્ય બજારો હજુ પણ ઘટાડાતરફી મોડમાં જળવાય રહ્યાં છે જ્યારે ભારતીય બજાર નવા ઝોનમાં પ્રવેશ્યું છે. જે વધુ આઉટપર્ફોર્મન્સ માટેની શક્યતાં સૂચવે છે એમ એનાલિસ્ટ્સ માની રહ્યાં છે. ટેકનિકલ એનાલિસ્ટ્સ તો છેલ્લાં ઘણા સમયથી બજારમાં મજબૂતી હોવાનું જણાવી રહ્યાં હતાં પરંતુ ફંડામેન્ટલ એનાલિસ્ટ્સ તેમની સાથે સહમત નહોતાં. જ્યારે હવે માર્કેટ નવા ઝોનમાં પ્રવેશવાથી એ વાત લગભગ નિશ્ચિત મનાય છે કે તે નજીકના સમયમાં સુધારો જાળવી રાખશે. વૈશ્વિક બજારો પણ તેમના તાજેતરના તળિયા આસપાસ કોન્સોલિડેટ થઈ સુધારાતરફી બન્યાં છે. ઉપરાંત ફેડ રિઝર્વનો ટોન પણ હોકિશમાંથી ડોવિશ બનવા તરફ જઈ રહ્યો છે. જે જોતાં બજારોમાં વધુ સુધારા માટે જગા થઈ છે. ઓગસ્ટમાં રૂ. 51 હજાર કરોડ બાદ નવેમ્બરમાં ફરીવાર વિદેશી રોકાણકારોએ રૂ. 20 હજાર કરોડથી વધુનો ઈનફ્લો દર્શાવ્યો છે. જે સૂચવે છે કે ભારતીય બજારને લઈ એફપીઆઈ બુલિશ જોવા મળી રહી છે.
બીજી બાજુ વૈશ્વિક બજારોમાં નરમાઈ પ્રવર્તી રહી છે. ખાસ કરીને હોંગ કોંગ, ચીન, કોરિયા અને તાઈવાનના બજારો ગણતરીમાં લીધેલા સમયગાળામાં તીવ્ર ધોવાણ સૂચવી રહ્યાં છે. જેમકે નિફ્ટી તેની અગાઉની ટોચથી સોમવાર સુધીના સમયગાળામાં પોઝીટીવ રિટર્ન દર્શાવી રહ્યો છે. જ્યારે હોંગ કોંગનો હેંગ સેંગ 32 ટકાથી વધુ ધોવાણ દર્શાવી રહ્યો છે. આ ઉપરાંત નાસ્ડેક(25 ટકા), કોસ્પી(20 ટકા), શાંઘાઈ કંપોઝીટ(14 ટકા), તાઈવાન(13 ટકા) અને એસએન્ડપી 500(10 ટકા)નો ઘટાડો દર્શાવી રહ્યાં છે. ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ પણ 3 ટકા નીચે ટ્રેડ દર્શાવી રહ્યો છે. બેન્ચમાર્કના પ્રમાણમાં સારા દેખાવનું કારણ ઓક્ટોબરમાં તેણે દર્શાવેલું 14 ટકાનું તીવ્ર રિટર્ન છે. અન્યથા એ પણ 37 હજારની ટોચ પરથી 30 હજાર નીચે ઉતરી ગયો હતો. ભારતીય બજારની સરખામણીમાં સારો દેખાવ દર્શાવનારામાં માત્ર બે જ માર્કેટ યૂકે અને સિંગાપુરનો સમાવેશ થાય છે. જોકે યૂકેનો ફૂટ્સી બ્રેક્સિટ બાદ વૈશ્વિક સ્તરે મોટો અન્ડરપર્ફોર્મર રહ્યો હતો. જ્યારે સિંગાપુર માર્કેટે પણ છેલ્લાં પાંચ વર્ષોમાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. જ્યારે ભારતીય બજાર છેલ્લાં પાંચ વર્ષોમાં હરિફો કરતાં ચઢિયાતું રિટર્ન આપી રહ્યો છે.

અગ્રણી વૈશ્વિક બજારોનો 13 મહિનાનો દેખાવ
બેન્ચમાર્ક 19/10/2021 28/11/2022 ફેરફાર(ટકામાં)
ફૂટ્સી 7203.83 7441.14 3.29
સિંગાપુ 3173.82 3238.78 2.05
સેન્સેક્સ 61765.59 62689.94 1.50
નિફ્ટી-50 18606 18614.25 0.50
કેક-40 6673.1 6682.54 0.14
ડાઉ જોન્સ 35258.61 34347.03 -2.59
નિક્કાઈ 29025.46 28162.83 -2.97
બ્રાઝિલ 114428.18 108976.7 -4.76
ડેક્સ 15474.47 14498.63 -6.31
S&P 500 4486.46 4026.12 -10.26
તાઈવાન 16705.46 14556.87 -12.86
શાંઘાઈ કંપોઝીટ 3568.138 3078.549 -13.72
કોસ્પી 3006.68 2408.27 -19.90
નાસ્ડેક 15021.81 11226.36 -25.27
હેંગ સેંગ 25409.75 17297.94 -31.92


ડોલર સામે રૂપિયો 5 પૈસા સુધર્યો
વૈશ્વિક બજારમાં ડોલર ઈન્ડેક્સમાં નરમાઈ વચ્ચે સ્થાનિક સ્તરે રૂપિયામાં સાધારણ મજબૂતી જોવા મળી હતી. રૂપિયો જોકે સોમવારે બે બાજુની વધ-ધટ બાદ પાંચ પૈસાના નજીવા સુધારે ડોલર સામે 81.66ની સપાટી પર બંધ રહ્યો હતો. નવા સપ્તાહે 81.81ની સપાટીએ નબળા ઓપનીંગ બાદ 81.83નું લો અને 81.61ની ટોચ બનાવી રૂપિયો ઈન્ટ્રા-ડે હાઈની નજીક જ બંધ રહ્યો હતો. વૈશ્વિક ડોલર ઈન્ડેક્સ 105.37ની તાજેતરની નીચી સપાટી પર ટ્રેડ દર્શાવી રહ્યો હતો. ફેડ તરફથી ડોવિશ ટોન બાદ ડોલર ઈન્ડેક્સમાં વધુ નરમાઈ જોવા મળી રહી છે અને તે ત્રણ મહિનાના તળિયા પર ટ્રેડ દર્શાવી રહ્યો છે.
ગોલ્ડ મજબૂત, ક્રૂડમાં નરમાઈ
વૈશ્વિક બજારમાં કોમોડિટીઝના ભાવમાં ઝડપી ઘટાડો જોવા મળી રહ્યો છે. ચીન ખાતે લોકડાઉન વધવાને કારણે માગ પર સીધી અસર પાછળ વૈશ્વિક ક્રૂડમાં સોમવારે 3 ટકાથી વધુ ઘટાડો નોઁધાયો હતો. જેમાં યુએસ ક્રૂડ વાયદો 74 ડોલરની સપાટી નીચે લગભગ વર્ષના તળિયે પહોંચી ગયો હતો. જ્યારે બ્રેન્ટ ક્રૂડ વાયદો 81 ડોલર આસપાસ ટ્રેડ થતો હતો. જે ફેબ્રુઆરી પછીનું તળિયું હતું. બીજી બાજુ કોમેક્સ ગોલ્ડ વાયદો 7 ડોલર સુધરી 1761 ડોલર પર જ્યારે સિલ્વર 16 સેન્ટ્સ મજબૂતી સાથે 21.587 ડોલર પર ટ્રેડ દર્શાવતાં હતાં. નેચરલ ગેસ વાયદો 4 ટકા તૂટ્યો હતો. જ્યારે કોટન વાયદો 2.5 ટકા ગગડી તાજેતરના તળિયા પર જોવા મળી રહ્યો હતો.



કોર્પોરેટ હેડલાઈન્સ

આઈડીબીઆઈઃ પીએસયૂ બેંક આઈડીબીઆઈમાં સરકાર અને એલઆઈસીના હિસ્સા વેચાણ બાદ તે એક પ્રાઈવેટ બેંક તરીકે કામ કરશે એમ વર્તુળો જણાવે છે. પ્રાઈવેટાઈઝેશન બાદ સરકાર બેંકમાં 15 ટકા હિસ્સો ધરાવતી હશે. જેને પબ્લિક શેરહોલ્ડિંગ તરીકે ગણવામાં આવશે. સરકારે 7 ઓક્ટોબરે બેંક માટે રસ ધરાવતી પાર્ટીઓ પાસેથી બીડ્સ મંગાવ્યા હતાં.
ડીએચએફએલઃ કેન્દ્ર સરકારની તપાસ સંસ્થા સીબીઆઈએ જણાવ્યું છે કે હાઉસિંગ ફાઈનાન્સ કંપની ડીએચએફએલના પ્રમોટર્સે 87 જૂઠી કંપનીઓ ઊભી કરી હતી. જે હેઠળ તેમણે 2.6 લાખ ખોટા બોરોઅર્સ ઊભા કર્યાં હતાં. તેમજ બેંક્સ તરફથી મેળવેલા નાણાને ડાયવર્ટ કરવા માટે વર્ચ્યુલ બ્રાન્ચ પણ બનાવી હતી. ગયા મહિને રજૂ કરેલી ચાર્જશીટમાં સીબીઆઈએ નોંધ્યું છે કે કપિલ અને ધીરજ વાધવાને ફંડ્સ ડાયવર્ટ કરી રૂ. 63 કરોડમાં 24 પેઈન્ટિંગ્સની ખરીદી કરી હતી.
ફાર્મા એક્સપોર્ટ્સઃ ચાલુ નાણાકિય વર્ષના પ્રથમ છ મહિના દરમિયાન દેશમાંથી ફાર્મા નિકાસ 4.22 ટકા વૃદ્ધિ સાથે 14.57 અબજ ડોલર પર રહી છે. ફાર્માક્સિલના ડીજીના જણાવ્યા મુજબ ચાલુ નાણાકિય વર્ષની આખર સુધીમાં દેશમાંથી કુલ ફાર્મા નિકાસ 27 અબજ ડોલર પર જોવા મળે તેવી સંભાવના છે. જે ગયા વર્ષે 24.62 અબજ ડોલર પર રહી હતી.
એચડીએફસીઃ દેશમાં સૌથી મોટા મર્જરની ઘટનામાં સૌથી મોટી મોર્ગેજ ફાઈનાન્સ કંપનીના શેરધારકોએ કંપનીના એચડીએફસી બેંકમાં મર્જરને મંજૂરી આપી છે. બંને કંપનીઓના મર્જર બાદ બનનારી કંપનીનું માર્કેટ-કેપ રૂ. 13 લાખ કરોડથી વધુ જોવા મળશે.
ગોદરેજ પ્રોપર્ટીઝઃ રિઅલ્ટી કંપની દિલ્હી ખાતે માર્ચ સુધીમાં રૂ. 8 હજાર કરોડનો રિઅલ્ટી પ્રોજેક્ટ લોંચ કરે તેવી અપેક્ષા છે. કંપનીએ ફેબ્રુઆરી 2020માં દિલ્હી ખાતે રૂ. 1359 કરોડમાં 27-એકર જમીનની ખરીદી કરી હતી. આ જમીન રેઈલ લેન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી ખરીદ્યું હતું.
એલએન્ડટી ફાઈનાન્સઃ લાર્સન જૂથની કંપનીએ તેના એસેટ મેનેજમેન્ટ બિઝનેસના વેચાણમાંથી રૂ. 3484 કરોડ મેળવ્યાં છે. કંપનીએ એચએસબીસી જૂથને તેના એએમસી બિઝનેસનું વેચાણ કર્યું હતું.
એચડીએફસી લાઈફઃ દેશમાં ઈન્શ્યોરન્સ રેગ્યુલેટર ઈરડાઈએ એચડીએફસી લાઈફમાં એક્સાઈડ લાઈફના મર્જરને મંજૂરી આપી છે.
બજાજા ફાઈનાન્સઃ દેશમાં ટોચની એનબીએફસીએ સ્નેપવર્ક ટેક્નોલોજીસમાં રૂ. 93 કરોડમાં 40 ટકા હિસ્સાની ખરીદી કરી છે.
શ્રીરામ પ્રોપર્ટીઝઃ કંપનીએ સુવિલાસ રિઅલ્ટીઝમાં 100 ટકા ઈક્વિટી ખરીદીની કામગીરી સફળ રીતે પૂર્ણ કરી છે.
ગરવારે ટેકનિકલઃ ટેક્સટાઈલ કંપનીના બોર્ડે રૂ. 3750 પ્રતિ શેરના ભાવે બાય-બેકને મંજૂરી આપી છે. બાય-બેક ટેન્ડર રૂટ મારફતે હાથ ધરવામાં આવશે.
આઈઓસીઃ ટોચની પીએસયૂ ઓઈલ માર્કેટિંગ કંપનીએ 25 હજાર એનસીડી ઈસ્યુ કરી રૂ. 2500 કરોડ ઊભા કર્યાં છે. કંપનીએ 7.44 ટકા કૂપન રેટ્સ સાથે એનસીડી ઈસ્યુ કર્યાં છે.
સિમેન્સઃ લાઈફ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાએ કંપનીમાં તેના હિસ્સામાં ઘટાડો કર્યો છે. અગાઉ એલઆઈસી સિમેન્સમાં 5.17 ટકા હિસ્સો ધરાવતી હતી. જેને 2 ટકાથી વધુ ઘટાડી 3.13 ટકા કર્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage