- યુરોપ ખાતે નવેસરથી લોકડાઉન પાછળ શેરબજારો ચિંતિતઃ સેન્સેક્સ 600 પોઈન્ટ્સ ગગડ્યો
- જર્મની, ફ્રાન્સમાં વિક્રમી કેસિસ પાછળ બજારો સતત ત્રીજા દિવસે તૂટ્યાં
- ચીન ખાતે પણ બે મહિનાના સૌથી વધુ કેસિસ, રશિયા ખાતે દૈનિક ધોરણે વિક્રમી મૃત્યુ આંક
- યુએસ પ્રમુખ ટ્રમ્પે પ્રમુખપદની ચૂંટણી બાદ જ સ્ટીમ્યુલસની શક્યતા દર્શાવતાં રોકાણકારોમાં નિરાશા
- બ્રેન્ટ ક્રૂડ પણ 40 ડોલરની સપાટી નીચે ઉતરી ગયું
કોવિડ મહામારીએ ફેબ્રુઆરી-માર્ચ બાદ ફરીવાર અગ્રણી અર્થતંત્રોને લોકડાઉન માટે ફરજ પાડી છે. જેની અસરે શેરબજાર રોકાણકારોમાં ગભરાટ જોવા મળી રહ્યો છે. સોમવારે એક ટકાથી વધુ ઘટાડો દર્શાવનાર ભારતીય બજારે બુધવારે પણ 1.5 ટકાનો ઘટાડો નોંધાવ્યો હતો. વૈશ્વિક સ્તરે અગ્રણી બજારો જર્મની અને ફ્રાન્સ પણ અનુક્રમે 3.2 ટકા અને 2.8 ટકાની નરમાઈ દર્શાવતાં હતાં. સતત ત્રીજા દિવસે યુરોપીય બજારોએ નેગેટિવ ટ્રેડ નોંધાવ્યો હતો. જર્મની અને ફ્રાન્સ ખાતે નવેસરથી લોકડાઉનની જાહેરાતને કારણે બજારોમાં વેચવાલી જોવા મળી હતી. ડાઉ ફ્યુચર્સ પણ 485 પોઈન્ટ્સ અથવા 1.8 ટકાના ઘટાડે 27000નું સ્તર તોડી 26880 પર ટ્રેડ થતો હતો.
યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રમુખપદ માટેની ચૂંટણી બાદ જ સ્ટીમ્યુલસની શક્યતા હોવાનું જણાવતાં બજારોને નિરાશા સાંપડી હતી. માર્કેટ છેલ્લા બે મહિનાથી યુએસ ખાતે ફિસ્કલ સ્ટીમ્યુલસની રાહ જોઈને બેઠું હતું. ભારત ખાતે પણ મંગળવારે નાણાપ્રધાન અને વડાપ્રધાન વચ્ચે મંત્રણા યોજાઈ હતી. જેણે બજારને દિવાળી પૂર્વે બીજા સ્ટીમ્યુલસની જાહેરાતની આશા બંધાવી છે. જો સરકાર ઝડપથી કોઈ જાહેરાત કરશે તો બજારમાં માર્ચ મહિનાનું પુનરાવર્તન નહિ થાય તેવી અપેક્ષા બજાર નિરીક્ષકો રાખે છે. તેમના મતે ચાલુ સપ્તાહે જોવા મળતો ઘટાડો કોન્સોલિડેશનનો ભાગ છે અને તેથી ગભરાવાની જરૂર નથી.
જોકે વૈશ્વિક સ્તરે કોવિડ સંક્રમણનો બીજો રાઉન્ડ ગંભીર સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. બુધવારે જર્મની ખાતે નવા 14904 કેસિસ નોંધાયા હતા. જ્યારે સ્વિટ્ઝર્લેન્ડ ખાતે 8616 કેસિસ બહાર આવ્યાં હતા. ફ્રાન્સ ખાતે 40-50 હજારની રેંજમાં નવા કેસિસ જોવા મળી રહ્યાં છે. તેમજ યુએસ ખાતે અંતિમ સપ્તાહમાં નવા 5 લાખ કેસિસ જોવા મળ્યાં છે. રશિયા ખાતે દૈનિક ધોરણે સૌથી વધુ ડેથ જોવા મળી રહ્યાં છે. યુએસ ખાતે પણ દૈનિક 815 ડેથ જોવા મળે છે. જેણે સંબંધિત સ્થાનિક સત્તાવાળાઓ પર સખત લોકડાઉનના પગલા ભરવા માટે દબાણ ઊભું કર્યું છે. ચીન ખાતે પણ બુધવારે અંતિમ બે મહિનાના સૌથી વધુ કેસિસ જોવા મળ્યાં હતાં. આમ ભારત ખાતે અંતિમ પખવાડિયામાં નવા સંક્રમણની સંખ્યામાં ઘટાડો જોવા મળ્યો હોવા છતાં વૈશ્વિક સ્તરે જોવા મળતું ચિત્ર રોકાણકારોના સેન્ટિમેન્ટ પર નેગેટિવ અસર ઉપજાવી શકે છે.
આ જ કારણે ચાલુ સપ્તાહના પ્રથમ ત્રણ સત્રોમાંથી બે દરિમયાન ભારતીય બજારે ફ્લેટ-ટુ-પોઝીટીવ ઓપનીંગ દર્શાવ્યાં બાદ વેચવાલી પાછળ ઘટાડો નોંધાવ્યો છે. મંગળવારે માર્કેટ સુધર્યું હતું. જોકે બુધવારે નિફ્ટી તેના સોમવારના તળિયાની નીચે ઉતરી ગયો હતો. ચાલુ મહિને અત્યાર સુધી પોઝીટીવ ફ્લો દર્શાવનાર વિદેશી રોકાણકારો પણ ચાલુ સપ્તાહે ચોખ્ખી વેચવાલી દર્શાવી રહ્યાં છે.
કોવિડના ગભરાટ પાછળ બ્રેન્ટ ક્રૂડ પણ 1.26 ટકા ઘટી 40 ડોલર પ્રતિ બેરલની સપાટીની નીચે ઉતરી ગયું હતું.