માર્કેટ સમરી
ભારતીય બજારમાં છ મહિનાનો સૌથી મોટો ઘટાડોઃ સેન્સેક્સ 60 હજાર નીચે ઉતરી ગયો
નિફ્ટીએ 18 હજારનું સ્તર તોડ્યું
બેંક, મેટલ, એનર્જી, પાવર અને ફાર્મા સહિતના ક્ષેત્રોમાં વેચવાલી જોવાઈ
બીએસઈ ખાતે દર બેથી વધુ શેર્સમાં ઘટાડા સામે એક શેરમાં ખરીદી જોવા મળી
ઓક્ટોબર સિરિઝ એક્સપાયરી હોવાથી એનએસઈ ખાતે ડેરિવેટિવ્સ સેગમેન્ટનું ટર્નઓવર રૂ. 150 લાખ કરોડની સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યું
ભારતીય શેરબજારે વૈશ્વિક હરિફોની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવતાં ગુરુવારે 1.9 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવ્યો હતો. જેની પાછળ બીએસઈ સેન્સેક્સ 1158.63 પોઈન્ટ્સ ગગડી 60 હજારની સપાટી તોડી 58984.70ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી 353.70 પોઈન્ટ્સના ઘટાડે 17857.25 પર બંધ જોવા મળ્યો હતો. આ અગાઉ 21 એપ્રિલ 2021ના રોજ નિફ્ટીએ 3.53 ટકાનો ઘટાડો દર્શાવ્યો હતો. જ્યારબાદ ભારતીય બજારે ભાગ્યે જ એક ટકાથી વધુ ઘટાડો દર્શાવ્યો હતો.
ગુરુવારે ઓક્ટોબર સિરિઝ એક્સપાયરી હોવા સાથે પેનિક વેચવાલીને કારણે બજારમાં વિક્રમી કામકાજ જોવા મળ્યાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં રૂ. 150 લાખ કરોડનું સૌથી ઊંચું ટર્નઓવર જોવા મળ્યું હતું. ગુરુવારના ઘટાડા બાદ પણ નિફ્ટી ઓક્ટોબર સિરિઝમાં 247 પોઈન્ટસ અથવા 1.4 ટકાનો પોઝીટીવ બંધ દર્શાવી રહ્યો હતો. આમ સતત ચોથી સિરિઝમાં તેણે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. જોકે સિરિઝ દરમિયાન તેણે દર્શાવેલી 18606ની સર્વોચ્ચ સપાટીએથી તે 3.9 ટકા ઘટાડા સાથે બંધ આવ્યો હતો. આ અગાઉ જાન્યુઆરીમાં બજારમાં ટોચથી સાત ટકાનો ઘટાડો નોઁધાયો હતો.
માર્કેટમાં ઘટાડાની આગેવાની બેંકિંગ ક્ષેત્રે લીધી હતી. બેંક નિફ્ટી 3.34 ટકા ગગડી 39508.95ના સ્તરે બંધ રહ્યો હતો. જેમાં પીએસયૂ બેંક્સમાં 5 ટકાથી વધુનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. પીએનબીનો શેર 11 ટકાનો તીવ્ર ઘટાડો દર્શાવતો હતો. ઈન્ડિયન બેંક, યુનિયન બેંક, જેકે બેંક સહિતના શેર્સ 7 ટકાથી વધુ ઘટાડો સૂચવી રહ્યાં હતાં. મેટલ ઈન્ડેક્સ 3.5 ટકા, રિઅલ્ટી 3.8 ટકા, ફાર્મા 2.3 ટકા, પીએસઈ 2.5 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. તમામ સેક્ટરલ સૂચકાંકો નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. બ્રોડ બેઝ વેચવાલીને કારણે બીએસઈ ખાતે માર્કેટ બ્રેડ્થ ખૂબ નેગેટિવ જોવા મળી હતી. પ્લેટફોર્મ ખાતે 3405 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2295 કાઉન્ટર્સ તેમના અગાઉના બંધ સામે ઘટીને બંધ આવ્યાં હતાં. જ્યારે 985 કાઉન્ટર્સ સુધરીને બંધ આવ્યાં હતાં. આમ બેથી વધુ શેર્સમાં ઘટાડા સામે એક શેરમાં ખરીદી જોવા મળી હતી. નિફ્ટી મીડ-કેપ ઈન્ડેક્સ 2 ટકાનો જ્યારે નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 1.85 ટકાનો ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વીક્સ 6.42 ટકા ઉછળી 17.91ના સ્તરે બંધ રહ્યો હતો.
ભારતીય બજારમાં વિદેશી રોકાણકારોએ મંગળવાર સુધીના છ ટ્રેડિંગ સત્રોમાં કુલ રૂ. 13000 કરોડની તીવ્ર વેચવાલી દર્શાવી હતી. જેમાં 21 ઓક્ટોબરથી 26 ઓક્ટોબરના ચાર ટ્રેડિંગ સત્રોમાં તેમણે રૂ. 11 હજાર કરોડનું વેચાણ નોંધાવ્યું હતું.
NBFCએ IPO ફંડીંગ માટે રૂ. 2 લાખ કરોડ તૈયાર રાખ્યાં
નોન-બેંકીંગ ફાઈનાન્સ કંપનીઓએ હાઈ નેટવર્થ ઈન્ડિવિડ્યુઅલ્સને આઈપીઓ માટે ફંડીંગ હેતુસર રૂ. 2 લાખ કરોડની લિક્વિડીટીની સગવડ કરી છે. વર્તુળોના જણાવ્યા મુજબ આઈપીઓમાં બિડિંગ માટે ફંડની ઊંચી માગને જોતાં માર્કેટમાં ફંડિંગ કોસ્ટ ઉછળીને 13 ટકા પર પહોંચી છે. જે કેટલાંક દિવસો અગાઉ 10 ટકા નીચે જોવા મળી રહી હતી. એચએનઆઈ રોકાણકારો આઈપીઓમાં ઊંચા બિડિંગ માટે 8-10 ટકાના દરે એનબીએફસી પાસેથી ફંડીંગ મેળવતાં હોય છે. જો લિસ્ટીંગ નબળું થાય તો તેમને માટે ફંડિંગ કોસ્ટ પણ માથે પડતી હોય છે. ઉદ્યોગ વર્તુળોના મતે કુલ રૂ. 31 હજાર કરોડ ઊભા કરવા માટે પાંચ કંપનીઓ આવી રહી છે. જેઓ મળીને રૂ. બે લાખ કરોડનું ભરણુ દર્શાવી શકે છે.
નાઈકામાં પહેલા દિવસે રિટેલ ભરણું 3 ગણાથી વધુ છલકાયું
ગુરુવારે પ્રાઈમરી માર્કેટમાં રૂ. 5350 કરોડ એકત્ર કરવા માટે આઈપીઓ સાથે પ્રવેશેલી નાઈકાનું રિટેલ ભરણું 3.5 ગણા જેટલું છલકાઈ ગયું હતું. ક્વિપ હિસ્સો પણ એક ગણાથી વધુ છલકાયો હતો. જ્યારે એચએનઆઈ અને એમ્પ્લોયી સેગમેન્ટમાં ભરણુ એક ગણાથી નીચું જોવા મળતું હતું. સમગ્રતયા ભરણુ 1.4 ગણુ છલકાયું હતું. કંપનીએ રૂ. 1085-1125ની રેંજમાં શેર ઓફર કર્યાં છે. આઈપીઓ 1 નવેમ્બરે બંધ થશે.
વૈશ્વિક ક્રૂડમાં 2 ટકાનો ઘટાડો
છેલ્લાં કેટલાંક સપ્તાહોથી સતત સુધારો દર્શાવતાં રહેલાં ક્રૂડના ભાવમાં ગુરુવારે 2 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. બ્રેન્ટ ક્રૂડ વાયદો સવારે 2 ટકાથી વધુના ઘટાડે 81.62 ડોલર પ્રતિ બેરલની સપાટી પર ટ્રેડ થયો હતો. જોકે બપોર બાદ તે 82 ડોલર પર ટ્રેડ થઈ રહ્યો હતો. તાજેતરમાં તેણે 86.70 ડોલરની છેલ્લાં ચારેક વર્ષોની ટોચ દર્શાવી હતી. જ્યાંથી તે 5 ડોલરનું કરેક્શન દર્શાવી રહ્યો છે. યુએસ ડબલ્યુટીઆઈ ક્રૂડ ફ્યુચર્સ 1.9 ટકાના ઘટાટે 81.11 ડોલર પર ટ્રેડ થતો હતો. બંને વાયદો વચ્ચેનો ગાળો સંકડાઈને માત્ર 1.5 ડોલરનો રહી ગયો છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી બ્રેન્ટ ફ્યુચર્સ ડબલ્યુટીઆઈ સામે પ્રિમીયમમાં ટ્રેડ થઈ રહ્યો છે.
ફિનો પેમેન્ટ્સ આઈપીઓ મારફતે રૂ. 1200 કરોડ એકત્ર કરશે
ફિનટેક કંપની ફિનો પેમેન્ટ્સ બેંક શુક્રવારે આઈપીઓ સાથે બજારમાં પ્રવેશી રૂ. 1200 કરોડ એકત્ર કરશે. કંપની રૂ. 560-577ની પ્રાઈસ બેન્ડમાં શેર ઓફર કરશે. કુલ ઈસ્યુમાં રૂ. 300 કરોડ ફ્રેશ ઈક્વિટી મારફતે ઊભા કરવામાં આવશે. કંપનીનો આઈપીઓ 2 નવેમ્બરે બંધ થશે.
ભારતમાં ગોલ્ડની માગ કોવિડ અગાઉના સ્તરને પાર કરી ગઈ
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મતે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં માગ વાર્ષિક ધોરણે 47 ટકા ઉછળી 139.1 ટન પર જોવા મળી
મૂલ્યની રીતે સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગોલ્ડની માગ 37 ટકા ઉછળી રૂ. 59330 કરોડ પર જોવા મળી
અગાઉ સપ્ટેમ્બર 2019 ક્વાર્ટરમાં દેશમાં સોનાની માગ 123.9 ટન પર નોંધાઈ હતી
ભારતમાં સોનાની માગમાં તીવ્ર રિકવરી જોવા મળી છે અને તે કોવિડ મહામારી અગાઉના સ્તરે પરત ફરી હોવાનું વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે જણાવ્યું છે. સપ્ટેમ્બર 2021 ક્વાર્ટરમાં દેશમાં સોનાની માગ વાર્ષિક ધોરણે 47 ટકા ઉછળી 139.1 ટન પર રહી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 94.6 ટન પર હતી. જ્યારે કોવિડ અગાઉ સપ્ટેમ્બર 2019 ક્વાર્ટરમાં તે 123.9 ટન પર જોવા મળી હતી. આમ માગ ફરી કોવિડ અગાઉના સ્તરને પાર કરી ગઈ છે. જો મૂલ્યની રીતે વાત કરીએ તો સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ગોલ્ડની માગ 37 ટકા ઉછળી રૂ. 59330 કરોડ પર જોવા મળી હતી.
ગોલ્ડ કાઉન્સિલના આંકડા મુજબ જુલાઈ-સપ્ટેમ્બર 2021 દરમિયાન જ્વેલરીની માગ વાર્ષિક ધોરણે 58 ટકા ઉછળી 96.2 ટન પર રહી હતી. ઊંચી માગ વૃદ્ધિ પાછળ અગાઉ મોકૂફ રાખેલી ખરીદી ઉપરાંત આર્થિક રિકવરી અને સામાજિક પ્રસંગ નિમિત્તે કરવામાં આવેલી ખરીદી હતું. ગોલ્ડ બાર અને કોઈન ઈન્વેસ્ટમેન્ટની માગ પણ વાર્ષિક ધોરણે 27 ટકા ઉછળી 43 ટકા પર જોવા મળી હતી. જો પ્રાદેશિક દેખાવની વાત કરીએ તો ઉત્તર ભારતે દક્ષિણ ભારત કરતાં સારો દેખાવ દર્શાવ્યો હતો. આ માટે દક્ષિણમાં મહત્વના ખરીદાર એવા કેરળમાં કોવિડના ઊંચા પ્રમાણમાં કેસિસ કારણભૂત બન્યાં હતાં. જેને કારણે જ્વેલર્સે કામગીરી બંધ રાખવી પડી હતી. સામાન્યરીતે સપ્ટેમ્બર મહિના દરમિયાન ચોમાસા તથા શ્રાધ્ધ જેવી ઘટનાઓને કારણે સોનાની માગ ઓછી જોવા મળતી હોય છે.
કાઉન્સિલના ભારત સ્થિત સીઈઓ સોમસુંદરમ પીઆરના જણાવ્યા મુજબ ગોલ્ડની માગ વધવા પાછળ ઊંચા વેક્સિનેશનન પાછળ મહામારી પર મેળવવામાં આવેલો અંકુશ અને તેને કારણે આર્થિક કામગીરીમાં જોવા મળેલું મજબૂત બાઉન્સ કારણભૂત છે. એક અન્ય કારણ દેશમાં ફુગાવામાં તીવ્ર વૃદ્ધિ પણ છે. જેને કારણે હેજ તરીકે ગોલ્ડની ખરીદી વધી છે. ઈન્ફ્લેશનમાં એક ટકા વૃદ્ધિ સાથે ગોલ્ડની માગમાં 2.6 ટકાનો ઉછાળો જોવા મળે છે. જ્યારે બીજી બાજુ ગોલ્ડના ભાવમાં એક ટકાના ઘટાડા સાથે પણ માગમાં 1.2 ટકાનો સુધારો જોવા મળે છે.
વૈશ્વિક સ્તરે જોકે ઈટીએફ્સમાં આઉટફ્લોને પગલે સોનાની સપ્ટેમ્બર ક્વાર્ટરમાં સોનાની માગ 7 ટકા ઘટી હતી. જ્યારે ત્રિમાસિક ધોરણે 13 ટકાનો ઘટાડો દર્શાવતી હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મતે ગોલ્ડ ઈટીએફ્સમાં ચોખ્ખું વેચાણ 27 ટન નીચું રહ્યું હતું. ગોલ્ડ ડિમાન્ડ ટ્રેન્ડ્સ રિપોર્ટમાં જણાવ્યા મુજબ કેલેન્ડર 2021ના ત્રીજા ક્વાર્ટરમાં સોનાની માગ વાર્ષિક ધોરણે 7 ટકા ઘટી 831 ટન પર જોવા મળી છે. જ્યારે ત્રિમાસિક ધોરણે તેમાં 13 ટકાનો ઘટાડો નોંધાયો છે. સોનાની માગ ઘટવાનું મુખ્ય કારણ ગોલ્ડ આધારિત એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ(ઈટીએફ્સ)માં જોવા મળેલો આઉટફ્લો છે. જોકે ગોલ્ડ ઈટીએફ્સનું કુલ હોલ્ડિંગ્સ 3592 ટનના ઊંચા સ્તરે જોવા મળ્યું હતું. અન્ય ક્ષેત્રોમાં માંગમાં વધારો થયો છે, પણ વાર્ષિક ધોરણે સોનાની માંગમાં ઘટાડો નોંધાયો છે. ગ્રાહકોની સોનાની ખરીદી વાર્ષિક ધોરણે 33 ટકા વધીને 443 ટન થઈ હતી. આ દરમિયાન રિટેલ રોકાણકારો દ્વારા ફિઝીકલ સોનું એટલે કે, લગડી અને સિક્કામાં ઘણી ખરીદી કરી છે, વાર્ષિક સતત પાંચમા વર્ષે તેમાં સુધારો જોવા મળ્યો છે, ત્રીજા ત્રિમાસિકગાળામાં આ ખરીદી 262 ટને પહોંચી હતી. ટેકનોલોજીમાં સોનાનો વપરાશ વાર્ષિક ધોરણે 9 ટકા વધ્યો છે અને સેન્ટ્રલ બેંકોએ તેમની રિઝર્વમાં 69 ટનનો ઉમેરો કર્યો છે.
વૈશ્વિક બજારમાં સોનાની સરેરાશ કિંમત 1790 ડોલર પ્રતિ ટ્રૌય ઔંસે પહોંચી છે, ડોલરની રીતે 2020ના ત્રીજા ક્વાર્ટરમાં જોવા મળતી ટોચ પરથી તે ઘણી નીચી જોવા મળી હતી પરંતુ તેના 3 વર્ષ, 5 વર્ષ અને 10 વર્ષની સરેરાશ કરતાં ઊંચી હતી. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સિનિયમ માર્કેટ એનાલિસ્ટ્સ લૂઈસ સ્ટ્રીટના જણાવ્યા મુજબ ગોલ્ડ ઈટીએફ્સમાં જોવા મળેલો સાધારણ આઉટફ્લોએને કારણે સમગ્ર વર્ષના આંકડાઓ પર થોડી અસર જોવા મળી હતી. અન્યથા આ આંકડાઓ પોઝીટીવ જ હતાં. તેમના જણાવ્યા મુજબ એક વર્ષ પહેલા રોકાણકારોએ મહામારીના સમયે હેજિંગ માટે સોનું ખરીદવાનું શરૂ કર્યું હતું. જેનો ગોલ્ડ ઈટીએફ્સને સૌથી વધુ લાભ મળ્યો હતો. તેની પાછળ જ 2020ના પ્રથમ ત્રિમાસિકગાળામાં 1000 ટનનો ઉમેરો જોવા મળ્યો હતો.
Market Summary 28 October 2021
October 28, 2021