Market Summary 28 September 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
ઊંચા સ્તરે બજારમાં વેચવાલીનો માહોલ
સોમવારે નવી ટોચ દર્શાવવામાં નિષ્ફળ રહ્યાં બાદ બજારમાં ઊભી થયેલી પ્રોફિટ બુકિંગની આશંકા મંગળવારે સાચી ઠરી હતી. બજાર સાધારણ પોઝીટીવ ઓપનીંગ દર્શાવ્યાં બાદ મંદીમાં સરી પડ્યું હતું અને જોતજોતામાં તે 1.5 ટકાથી વધુ ઘટાડો દર્શાવતું જોવા મળ્યું હતું. જોકે પાછળથી ફરી બજારમાં શોર્ટ કવરિંગ પાછળ બાઉન્સ નોંધાયો હતો અને નિફ્ટી 0.6 ટકા ઘટાડા સાથે બંધ રહ્યો હતો. બેન્ચમાર્ક 17576નું તળિયું બનાવી પરત ફર્યો હતો. આમ તેણે 17600નો સપોર્ટ સાચવી લીધો હતો. જો તે 17576ના સ્તર નીચે ટ્રેડ દર્શાવશે તો બજારમાં ઘટાડો આગળ વધતો જોવાશે. સપ્ટેમ્બર એક્સપાયરીને બે સત્રો બાકી છે. જે દરમિયાન બજાર મોટી વધ-ઘટ દર્શાવી શકે છે.
જાહેર સાહસોમાં સાર્વત્રિક લેવાલીએ નિફ્ટી PSE 3 ટકા ઉછળ્યો
ઓઈલ ઈન્ડિયા, ભેલ, પીએફસી, આરઈસી અને એચપીસીએલ જેવા કાઉન્ટર્સમાં 5 ટકાથી વધુની વૃદ્ધિ
ભારતીય શેરબજારને મંગળવારે જાહેર સાહસો તરફથી મજબૂત સપોર્ટ સાંપડ્યો હતો. પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઈઝિસના શેર્સમાં સતત ખરીદી પાછળ નિફ્ટી પીએસઈ 3 ટકાથી વધુના ઉછાળે 4012ની છેલ્લા ત્રણ વર્ષોથી વધુની ટોચ પર ટ્રેડ થયો હતો અને કામકાજની આખરમાં 3996.10ની સપાટીએ બંધ રહ્યો હતો.
માર્કેટમાં જ્યારે મોટાભાગના સેક્ટરલ સૂચકાંકો નરમાઈ સાથે ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં ત્યારે જાહેર સાહસોમાં સવારથી જ મજબૂતી જોવા મળી હતી અને તેઓ બ્રોડ માર્કેટમાં ઘટાડાથી ઊંધી દિશામાં સુધારો દર્શાવતાં રહ્યાં હતાં. શરૂઆતી દોરમાં મહારત્નોમાં ખરીદી જોવા મળી હતી. જોકે પાછળથી મીની પીએસયૂ શેર્સમાં પણ ભારે લેવાલી પાછળ કેટલાંક તેમની ઘણા વર્ષોની ટોચ પર ટ્રેડ થયાં હતાં. જેમકે ઓઈલ ઈન્ડિયાનો શેર રૂ. 234.90ની તેની પાંચ વર્ષોની ટોચ પર બંધ જોવા મળ્યો હતો અને કામકાજની આખરમાં 6.36 ટકા સુધારા સાથે રૂ. 233.25ના સ્તરે બંધ રહ્યો હતો. અન્ય પીએસયૂ કાઉન્ટર્સની સરખામણીમાં તેણે આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું છે અને સપ્ટેમ્બર સિરિઝ દરમિયાન તે 40 ટકાથી વધુનો સુધારો દર્શાવી રહ્યો છે. કેપિટલ ગુડ્ઝ કંપની ભેલનો શેર પણ 6 ટકા જેટલો ઉછળ્યો હતો અને રૂ. 60ની સપાટી પાર કરી ગયો હતો. કાઉન્ટરમાં 11 કરોડથી વધુ શેર્સનું કામકાજ જોવા મળ્યું હતું. નોંધપાત્ર સુધારો દર્શાવનાર કેટલાંક અન્ય કાઉન્ટર્સમાં પાવર ફાઈનાન્સ કોર્પોરેશન(5.4 ટકા), આરઈસી(5.1 ટકા), એચપીસીએલ(5 ટકા), પાવર ગ્રીડ કોર્પોરેશન(4.5 ટકા), કોલ ઈન્ડિયા(4.5 ટકા), એનટીપીસી(4 ટકા), આઈઓસી(3.6 ટકા)નો સમાવેશ થતો હતો. પીએસયૂ કાઉન્ટર્સમાં એકમાત્ર નાલ્કો એક ટકાનો ઘટાડો દર્શાવતો હતો. માર્કેટ નિરીક્ષકોના મતે સરકાર એલઆઈસીના આઈપીઓ ઉપરાંત અન્ય કંપનીઓના શેર્સમાં વેચાણની પ્રક્રિયા આગામી ક્વાર્ટરમાં શરૂ કરી શકે છે અને તે અગાઉ માર્કેટમાં ખરીદી જોવા મળી રહી છે. સરકાર આ વખતે ઓએફએસને બદલે સ્પર્ધાત્મક બિડીંગથી પીએસયુ શેર્સનું વેચાણ કરશે અને તેથી શેર્સનું વેચાણ સસ્તાં ભાવે થવાની શક્યતાં નથી. છેલ્લાં બે વર્ષો દરમિયાન મોટાભાગના પીએસયૂ શેર્સ તેમની બુલ વેલ્યૂથી ડિસ્કાઉન્ટમાં ટ્રેડ થયાં છે. સામે તેમણે ખૂબ ઊંચા ડિવિડન્ડ યિલ્ડ દર્શાવ્યાં છે.
આઈટી અને રિઅલ્ટીમાં ટોચના સ્તરેથી ભારે વેચવાલી
ભારતીય બજારમાં મંગળવારે બ્રોડ બેઝ વેચવાલી વચ્ચે આઈટી અને રિઅલ્ટી ક્ષેત્રોએ તીવ્ર ઘટાડો દર્શાવ્યો હતો. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ સતત બીજા દિવસે ઘટવામાં અગ્રણી રહ્યો હતો. ખાસ કરીને મીડ-કેપ આઈટી સેગમેન્ટમાં 4 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં કોફોર્જ 4 ટકા સાથે ઘટવામાં ટોચ પર હતો. આ સિવાય એલએન્ડટી ઈન્ફોટેક, ટેક મહિન્દ્રા, માઈન્ડટ્રી, વિપ્રો, એચસીએલ ટેક અને એમ્ફેસિસ જેવા કાઉન્ટર્સ 2 ટકાથી વધુ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. આઈટી ઈન્ડેક્સ 2.2 ટકા ગગડી 35239 પર બંધ રહ્યો હતો. ગયા સપ્તાહે તેણે 37823ની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. રિઅલ્ટી ઈન્ડેક્સ પણ 3 ટકા તૂટી 500.70ના સ્તરે બંધ રહ્યો હતો. સોમવારે તેણે 520.05ની ટોચ દર્શાવી હતી. આઈટી શેર્સમાં ઓબેરોય રિઅલ્ટી 6.6 ટકા સાથે સૌથી વધુ ઘટાડો દર્શાવતો હતો. જ્યારે ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, પ્રેસ્ટીજ એસ્ટેટ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, સનટેક રિઅલ્ટી, સોભા ડેવલપર્સ, ડીએલએફ, ગોદરેજ પ્રોપર્ટીઝમાં 2-4 ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો હતો.
CMR ગ્રીન ટેકનોલોજીસે ડીએરએચપી ફાઇલ કર્યું
સીએમઆર ગ્રીન ટેકનોલોજીસ લિમિટેડે સેબી સમક્ષ આઇપીઓના સંબંધમાં ડીઆરએચપી ફાઇલ કર્યું છે. ક્રિસિલના રિપોર્ટ મુજબ કંપની સ્થાનિક એલ્યુમિનિયમ રિસાઇકલિંગ ઉદ્યોગમાં સૌથી મોટી મેટલ રિસાઇકલર છે અને દુનિયામાં સૌથી મોટી એલ્યુમિનિયમ રિસાઇકલર છે. કંપની એલ્યુમિનિયમની મિશ્ર ધાતુઓનું ઉત્પાદન કરવા તથા એનો પ્રવાહી તેમજ સોલિડ ઇગ્નોટ સ્વરૂપે પુરવઠો મેળવવાની પ્રક્રિયામાં સક્રિય છે. હાલમાં તે 12 ઉત્પાદન સુવિધાઓ ધરાવે છે. જેમાંથી 10 સુવિધાઓ ભારત સ્થિત છે.
ઈન્ડિયા વિક્સ ઉછળીને ત્રણ મહિનાની ટોચ પર
ભારતીય બજારમાં વોલેટિલિટી ઈન્ડેક્સ ત્રણ મહિનાની ટોચ પર જોવા મળ્યો છે. મંગળવારે તે 2.66 ટકા ઉછળી 18.53ના સ્તરે બંધ રહ્યો હતો. જુલાઈમાં તે 10ના સ્તર નીચે ઉતરી ગયો હતો. જોકે સપ્ટેમ્બર સિરિઝમાં તેણે ઊંચી વૃદ્ધિ દર્શાવી છે. મંગળવારે તે 15.37ના સ્તરે ખૂલ્યાં બાદ બજારમાં ઘટાડા સાથે વધતો જોવા મળ્યો હતો અને 18.57ની દિવસની ટોચ સામે 18.53 પર બંધ રહ્યો હતો.
ચાંદીમાં પોણા બે ટકાનો ઘટાડો
વિશ્વ બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં નરમાઈ વચ્ચે સ્થાનિક બજારમાં પણ તેમના ભાવોમાં તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો. એમસીએક્સ ખાતે ડિસેમ્બર સિલ્વર ફ્યુચર્સ 1.75 ટકાના ઘટાડે 59612ના સ્તરે ટ્રેડ થયો હતો. તે ચાલુ વર્ષના તળિયા નજીક ટ્રેડ થઈ રહ્યો છે. સોનુ પણ રૂ. 300થી વધુના ઘટાડા સાથે રૂ. 45760ના સ્તર આસપાસ ટ્રેડ થઈ રહ્યું હતું. વૈશ્વિક બજારમાં ડોલરમાં મજબૂતી પાછળ યિલ્ડ્સમાં વૃદ્ધિની બુલિયન પર પ્રતિકૂળ અસર જોવા મળી રહી છે.

2021માં 28 યુનિકોર્ન્સ ઉમેરાવા સાથે કુલ સંખ્યા 66 પર પહોંચી
નાસ્કોમના અહેવાલ મુજબ ત્રીજા ભાગના યુનિકોર્ન્સનું બેંગલોર સ્થિત
યુનિકોર્ન્સ 3.3 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યાં છે

કેલેન્ડર 2021ના પ્રથમ નવ મહિના દરમિયાન દેશમાં 28 નવા યુનિકોર્ન્સનો ઉમેરો થયો હોવાનું ઉદ્યોગ સંસ્થા નાસ્કોમે જણાવ્યું છે. જે સાથે યુનિકોર્ન્સની કુલ સંખ્યા 66 પર પહોંચી છે. આમ ગયા વર્ષ કરતાં તેમની સંખ્યા બમણી કરવાની તક ઊભી થઈ છે. 2020ના અંતે દેશમાં 38 યુનિકોર્ન્સ જોવા મળતાં હતાં. એક અબજ ડોલરથી વધુનું વેલ્યૂએશન ધરાવતા સ્ટાર્ટ-અપને યુનિકોર્ન કહેવામાં આવે છે.
આ 66 યુનિકોર્ન્સ 15 અબજ ડોલરથી વધુની આવક ધરાવે છે. જ્યારે તેઓ 3.3 લાખથી વધુને રોજગાર પૂરો પાડી રહ્યાં છે એમ નાસ્કોમે જણાવ્યું છે. સાત યુનિકોર્ન્સ તો 10 હજારથી વધુ કર્મચારીઓ ધરાવે છે. આ તમામ યુનિકોર્ન્સે મળીને અત્યાર સુધીમાં ત્રણ વર્ષોમાં 51 અબજ ડોલરની રકમ ઊભી કરી છે. યુનિકોર્ન્સમાં 60 ટકાથી વધુ હિસ્સો ઈ-કોમર્સ, સાસ(સોફ્ટવેર એઝ એ સર્વિસ) અને ફિનટેક કંપનીઓનો છે. તે કુલ ફંડીગમાં પણ 60 ટકા હિસ્સો ધરાવે છે. યુનિકોર્ન્સમાં ચોથા ક્રમે એડટેક કંપનીઓ જ્યારે પાંચમા ક્રમે લોજિસ્ટીક્સ કંપનીઓનો સમાવેશ થાય છે.
યુનિકોર્ન્સના ગ્રાહકોની વાત કરીએ તો બીટુબી કંપનીઓ 50 ટકા યુનિકોર્ન્સ ધરાવે છે. જ્યારે 24 ટકા ગ્રાહકો બીટુસી છે. 16 ટકા યુનિકોર્ન્સ બીટુબી અને બીટુસી, બંનેને સેવા પૂરી પાડે છે એમ નાસ્કોમે નોંધ્યું છે. યુનિકોર્ન્સ બાબતે બેંગલોર દેશમાં ટોચ પર જોવા મળે છે. 33 ટકા જેટલા યુનિકોર્ન્સ બેંગલોર સ્થિક છે. જ્યારે 20 ટકા યુનિકોર્ન્સ દિલ્હી-એનસીઆર કેપિટલ રિજિયનમાં આવેલા છે. લગભગ 90 ટકા જેટલા સ્ટાર્ટ-અપ્સ તેમની શરૂઆતથી 10 વર્ષોમાં કે તેથી ઓછા સમયગાળામાં યુનિકોર્ન્સમાં ફેરવાયાં હતાં. જેમાંથી 70 ટકાએ તો યુનિકોર્ન્સ બનવામાં પાંચ વર્ષોથી પણ ઓછો સમય લીધો હતો. હાલમાં ભારત ત્રણ ડેકાકોર્ન્સ ધરાવે છે. એટલેકે ત્રણ સ્ટાર્ટ-અપ 10 અબજ ડોલરથી વધુનું વેલ્યૂએશન ધરાવે છે. જેમાં બાઈજુસ, પેટીએમ અને ફ્લિપકાર્ટનો સમાવેશ થાય છે એમ નાસ્કોમનો રિપોર્ટ જણાવે છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage