Market Summary 28 September 2022

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી


વૈશ્વિક શેરબજારો મંદીથી તરબતરઃ નિફ્ટીએ 16900 તોડ્યું
હોંગ કોંગ માર્કેટમાં 4 ટકાનો તીવ્ર ઘટાડો
યુએસ, કોરિયા, તાઈવાન, જર્મની, ફ્રાન્સમાં વધુ 3 ટકા સુધીની નરમાઈ
મેટલ, બેંકિંગ, એનર્જીમાં ભારે વેચવાલી
ફાર્મા અને આઈટીમાં ધીમી લેવાલી
વોલેટિલિટી ઈન્ડેક્સ 2.41 ટકા ઉછળી 22.09ની સપાટીએ
સિપ્લા, ગુજરાત ફ્લોરોએ સર્વોચ્ચ ટોચ બનાવી
ઓઈલ ઈન્ડિયા, નાલ્કો, આઈઓસીએ વાર્ષિક તળિયું દર્શાવ્યું
ડોલર ઈન્ડેક્સ 114.72ની 22-વર્ષોની નવી ટોચે

વૈશ્વિક ડોલરમાં અસાધારણ તેજી પાછળ શેરબજારોમાં વેચવાલીનું દબાણ અટકવાનું નામ નથી લેતું. બુધવારે ચાલુ સપ્તાહના ત્રીજા દિવસે બજારો ઈન્ટ્રા-ડે વોલેટિલિટી બાદ ઘટાને બંધ જોવા મળ્યાં હતાં. બીએસી સેન્સેક્સ 509 પોઈન્ટ્સ ગગડી 56598ની સપાટીએ જ્યારે નિફ્ટી 149 પોઈન્ટસ ગગડી 16859ની સપાટી પર બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં વેચવાલીના દબાણને કારણે માર્કેટ બ્રેડ્થ નરમ જળવાય રહી હતી. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાં 32 ઘટાડા સાથે બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 18 પોઝીટીવ જોવા મળતાં હતાં. જ્યારે બ્રોડ માર્કેટમાં પણ વેચવાલી વચ્ચે માર્કેટ બ્રેડ્થ નેગેટિવ બની રહી હતી. વોલેટિલિટી ઈન્ડેક્સ 2.41 ટકા ઉછળી 22.09ની સપાટીએ બંધ રહ્યો હતો.
મંગળવારે રાતે ડોલર ઈન્ડેક્સમાં મજબૂતી પાછળ યુએસ બજારો નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં. જેની પાછળ એશિયન બજારો 4 ટકા સુધી ગગડ્યાં હતાં. જેમાં અગાઉથી જ મોટો ઘટાડો દર્શાવી ચૂકેલા હોંગ કોંગ બજારમાં વધુ વેચવાલી નીકળી હતી અને તે છેલ્લાં બે વર્ષોના તળિયા પર જોવા મળ્યું હતું. કોરિયા, તાઈવાન, જાપાન, સિંગાપુર અને ચીનના બજારો પણ 1-3 ટકા જેટલો ઘટાડો દર્શાવતાં હતાં. જેની પાછળ ભારતીય બજાર ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવી ઈન્ટ્રા-ડે પોઝીટીવ જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી 16871ની સપાટી પર ખૂલી 17038ની ટોચ દર્શાવી 16820ના તળિયા પર ટ્રેડ થયો હતો. આમ બેન્ચમાર્કે 16900નો સપોર્ટ તોડ્યો હતો. ટેકનિકલ એનાલિસ્ટના મતે નિફ્ટીને 16800-17000ની રેંજમાં સપોર્ટ છે. જો તે 16800ની સપાટી તોડશે તો વધુ ખરાબી દર્શાવી શકે છે. સતત છ ટ્રેડિંગ સત્રોથી ભારતીય બજાર નરમ બંધ આપી રહ્યું છે. વૈશ્વિક બજારોની સરખામણીમાં તેનો દેખાવ સારો રહ્યો છે. જોકે રિટેલ રોકાણકારો ફરીથી નિરાશ બન્યાં છે. ભારતીય બજારમા હજુ પેનિક સેલીંગ જોવા નથી મળ્યું. જોકે બજારનો મોટો વર્ગ ખૂબ જ સાવચેત જોવા મળી રહ્યો છે અને તે પોઝીશન ઓછી કરતો જોવા મળી રહ્યો છે. જેને કારણે બજારને નીચા મથાળે સપોર્ટ મેળવવામાં મુશ્કેલી નડી રહી છે. સપ્ટેમ્બર સિરિઝનો આખરી દિવસ હોવાના કારણે ગુરુવારે માર્કેટ બે બાજુની વધ-ઘટ જાળવી શકે છે. માર્કેટમાં જોકે રિટેલની શોર્ટ પોઝીશન નહિવત હોવાના કારણે તીવ્ર શોર્ટ કવરિંગની શક્યતાં ઓછી છે. જોકે યુએસ અને એશિયન બજારો ઓવરસોલ્ડ હોવાથી તેઓ એક નોંધપાત્ર બાઉન્સ દર્શાવી શકે છે. જેની પાછળ સ્થાનિક બજાર પણ ગેપ-અપ ઓપનીંગ આપી શકે છે.
બુધવારે ડિફેન્સિવ સેક્ટર્સ તરફથી માર્કેટને સપોર્ટ સાંપડ્યો હતો. જેમાં ફાર્મા, આઈટી અને એફએમસીજી મુખ્ય હતાં. નિફ્ટી ફાર્મા લગભગ એક ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. ઈન્ડેક્સમાં સમાવિષ્ટ કાઉટર્સમાં ઝાયડસ લાઈફ 2.5 ટકા સાથે સૌથી સારો સુધારો દર્શાવતો હતો. જ્યારે સન ફાર્મા, ડો. રેડ્ડીસ લેબ્સ, વ્યુપિન, બાયોકોન અને ડિવિઝ લેબ્સમાં એક ટકાથી 2.3 ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો. ફાર્મા અગ્રણી સિપ્લાનો શેર ઈન્ટ્રા-ડે ધોરણે રૂ. 1117.70ની સર્વોચ્ચ સપાટી દર્શાવી સાધારણ નરમાઈ સાથે રૂ. 1097.15ના સ્તરે બંધ રહ્યો હતો. પસંદગીના આઈટી શેર્સમાં મજબૂતી પાછળ નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 0.24 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. જેમાં એમ્ફેસિસ, ટેક મહિન્દ્રા, ટીસીએસ, એલએન્ડટી ઈન્ફોટેક, એસચીએલ ટેકમાં સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માઈન્ડટ્રી, કોફોર્જ અને વિપ્રો નરમાઈ સૂચવતાં હતાં. એફએમસીજી કાઉન્ટર્સમાં મિશ્ર માહોલ હતું. એશિયન પેઈન્ટ્સ, બ્રિટાનિયા, નેસ્લે, એચયૂએલ જેવા ઈન્ડેક્સ કાઉન્ટર્સમાં મજબૂતી પાછળ બેન્ચમાર્ક્સને સપોર્ટ મળ્યો હતો. જોકે નિફ્ટી એફએમસીજી 0.6 ટકા ઘટાડા સાથે બંધ જોવા મળ્યો હતો. કેમકે સિગારેટ અગ્રણી આઈટીસીનો શેર 3 ટકા ડાઉન જોવા મળ્યો હતો. આ ઉપરાંત યુનાઈટેડ સ્પિરિટ્સ, પીએન્ડજી, વરુણ બેવરેજીસ, જ્યુબિલિઅન્ટ ફૂડ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં. માર્કેટમાં મેટલ અને બેંકિંગ સેક્ટરમાં વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. નિફ્ટી મેટલ 2 ટકા ગગડી બે સપ્તાહના તળિયા પર બંધ રહ્યો હતો. જેમાં હિંદાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, વેલસ્પન કોર્પ, હિંદુસ્તાન ઝીંક, નાલ્કો, ટાટા સ્ટીલ, વેદાંત, સેઈલ, એનએમડીસી સહિતના કાઉન્ટ્સ 2 ટકાથી ઉપરનો ઘટાડો દર્શાવતાં હતાં. મેટલ શેર્સે છેલ્લાં બે સત્રોમાં નોંધપાત્ર અન્ડરપર્ફોર્મન્સ નોંધાવ્યું છે. જેમાં એલ્યુમિનિયમ કાઉન્ટર્સનો દેખાવ સૌથી ખરાબ જોવા મળી રહ્યો છે. સપ્તાહ અગાઉ સુધી હોટ ફેવરિટ બનેલા બેંકિંગ શેર્સમાં સતત છઠ્ઠા દિવસે ઘટાડો લંબાયો હતો. બેંક નિફઅટી 1.6 ટકા તૂટી 38 હજારની સપાટી નીચે ઉતરી ગયો હતો. આમ સપ્તાહ અગાઉની વાર્ષિક ટોચ પરથી તે લગભગ 10 ટકા જેટલો તૂટી ચૂક્યો છે. એનાલિસ્ટ્સના મતે તમામ રેટ સેન્સિટીવ સેક્ટર્સમાં વેચવાલી જોવા મળી છે. જેમાં ફાઈનાન્સિયલ સર્વિસિસ સેક્ટરનો પણ સમાવેશ થાય છે. નિફ્ટી ફાઈનાન્સિયલ સર્વિસિસ પણ તેની ટોચ પરથી નોંધપાત્ર ઘટાડો દર્શાવી રહ્યો છે. બુધવારે બેંકિંગ શેર્સમાં પીએનબી 5 ટકા જેટલો ગગડ્યો હતો. જ્યારે એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક 4 ટકા, બંધન બેંક 3.5 ટકા, એક્સિસ બેંક 3 ટકા, ફેડરલ બેંક 2.3 ટકા, એસબીઆઈ 2 ટકા, ઈન્ડસઈન્ડ બેંક 2 ટકા અને એચડીએફસી બેંક 2 ટકા જેટલાં તૂટ્યાં હતાં. આઈસીઆઈસીઆઈ બેંક અને કોટક મહિન્દ્રા બેંકે આઉટપર્ફોર્મન્સ દર્શાવ્યું હતું. નિફ્ટી એનર્જી 1.6 ટકા ગગડ્યો હતો. જેમાં અદાણી ગ્રીન એનર્જી 4.5 ટકા, રિલાયન્સ 2.7 ટકા, ટાટા પાવર 1.7 ટકા, ઓએનજીસી 1.6 ટકા, આઈઓસી 1.5 ટકા, બીપીસીએલ 1.5 ટકા અને એચપીસીએલ 1.3 ટકા ઘટાડો દર્શાવતો હતો. એકમાત્ર પાવરગ્રીડ કોર્પોરેશનનો શેર 1.4 ટકા સાથે મજબૂતી દર્શાવતો હતો. નિફ્ટી રિઅલ્ટી 0.7 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. જેમાં સોભા ડેવલપર્સ, ઓબેરોય રિઅલ્ટી, હેમિસ્ફિયર અને ડીએલએફ 2.5 ટકા સુધી નરમાઈ સૂચવતાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં ટોપ ગેઈનર્સમાં ઈન્ડિયા સિમેન્ટ્સનો સમાવેશ થતો હતો. શેર 8 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત મૂથૂત ફાઈનાન્સ, રામ્કો સિમેન્ટ્સ, એશિયન પેઈન્ટ્સ, આદિત્ય બિરલા ફેશન, મેટ્રોપોલિસ, ગ્લેનમાર્ક, યુનાઈટેડ બ્રૂઅરિઝ, મેરિકો અને ભેલ 2-4 ટકાનો સુધારો દર્શાવતાં હતાં. જ્યારે ચંબલ ફર્ટિલાઈઝર્સ, મધરસન, હિંદ કોપર, હિંદાલ્કો, જેએસડબલ્યુ સ્ટીલ, ઈન્ડુસ ટાવર્સ અને એમસીએક્સ ઈન્ડિયા 3 ટકાથી વધુ ઘટાડો સૂચવી રહ્યાં હતાં.



માર્કેટમાં ‘હોટ ફેવરિટ’ બનેલા બેંકિંગ શેર્સ ઊંધા માથે પટકાયાં
બેંક નિફ્ટી તેની સર્વોચ્ચ ટોચ પરથી છ સત્રોમાં 10 ટકા જેટલો તૂટ્યો
રેટ સેન્સિટીવ સેક્ટર્સની કંપનીઓમાં ઊંચી વેચવાલી જોવા મળી

જૂન મહિના મધ્યાંતરથી બજારમાં જોવા મળેલી તેજીમાં માર્કેટની આગેવાની કરનાર બેંકિંગ શેર્સમાં તેજીના વળતા પાણી થયાં છે. સપ્ટેમ્બરની મધ્યમાં સર્વોચ્ચ સપાટી દર્શાવનાર બેંકનિફ્ટી તેની ટોચથી 10 ટકા જેટલો તૂટી ચૂક્યો છે. એટલેકે બેન્ચમાર્ક નિફ્ટીની સરખામણીમાં તેણે અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. નિફ્ટી સમાનગાળામાં 7 ટકા ઘટાડો સૂચવે છે.
માર્કેટ નિરીક્ષકોના મતે જૂન ક્વાર્ટર માટે બેંકિંગ કંપનીઓ તરફથી છેલ્લાં ઘણા ક્વાર્ટર્સના શ્રેષ્ઠ પરિણામો જાહેર કરવામાં આવ્યાં હતાં. જેમાં પબ્લિક સેક્ટર બેંક્સ તેમજ પ્રાઈવેટ સેક્ટર બેંક્સ, બંનેનો સમાવેશ થતો હતો. બેંકિંગ કંપનીઓની નોન-પર્ફોર્મિંગ એસેટ્સ છ વર્ષોના તળિયા પર જોવા મળી હતી. તેમના પ્રોવિઝન્સમાં જંગી ઘટાડો નોંધાયો હતો. જ્યારે બીજી બાજુ ક્રેડિટ ગ્રોથ 2013 પછીની સર્વોચ્ચ ટોચ પર પહોંચ્યો હતો. તેમજ વધતાં રેટની સ્થિતિમાં બેંકિંગ કંપનીઓના નેટ ઈન્ટરેસ્ટ માર્જિનમાં નોંધપાત્ર વૃદ્ધિની અપેક્ષા પાછળ માર્કેટ એનાલિસ્ટ્સ તરફથી સતત બેંક શેર્સ ખરીદવાની ભલામણો પણ કરવામાં આવી હતી. જોકે કેટલાંક ટોચના બેંક શેર્સે સપ્ટેમ્બરમાં તેમની સર્વોચ્ચ સપાટી અથવા તો ઘણા વર્ષોની ટોચ પણ દર્શાવી હતી. જેમાં આઈસીઆઈસીઆઈ બેંક, એસબીઆઈનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત બેંક ઓફ બરોડા, એક્સિસ બેંક, ઈન્ડસઈન્ડ બેંકે તેમની ઘણા વર્ષોની ટોચ દર્શાવી હતી. જોકે છેલ્લાં કેટલાંક સત્રોમાં આ બેંક શેર્સ 19 ટકા સુધીનું ધોવાણ નોંધાવી ચૂક્યાં છે. બેંક નિફ્ટી 15 સપ્ટેમ્બરે તેણે દર્શાવેલી 41840.15ની સર્વોચ્ચ ટોચ પરથી 10 ટકા ગગડી બુધવારે 37674.60ની સપાટીએ બંધ રહ્યો હતો. જેની સરખામણીમાં નિફ્ટી 7 ટકા જેટલો ઘટાડો સૂચવતો હતો. ઘટાડો દર્શાવવામાં અગ્રણી કાઉન્ટર્સમાં કેનેરા બેંક 19 ટકા જેટલો ગગડ્યો છે. ઊંચો ઘટાડો દર્શાવનાર બેંક શેર્સમાં કેનેરા બેંક(19 ટકા), આરબીએલ બેંક(17 ટકા), આઈડીબીઆઈ(16 ટકા), બેંક ઓફ ઈન્ડિયા(15 ટકા), એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક(15 ટકા), પીએનબી(14 ટકા)નો સમાવેશ થાય છે. બેંકિંગ કંપનીઓ ઉપરાંત ફાઈનાન્સિયલ સર્વિસિઝ કંપનીઓના શેર્સમાં 35 ટકા સુધીનું મૂડી ધોવાણ જોવા મળ્યું છે. જેમાં કેનફિન હોમ, એમએન્ડએમ ફાઈ., ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, એડલવેઈસ, સ્પંદના સ્ફૂર્તિ, આઈડીબીઆઈ, એલએન્ડટી ફાઈનાન્સ જેવા જાણીતા નામોનો સમાવેશ થાય છે.

બેંક શેર્સની પડતી
સ્કિપ્સ 15 સપ્ટે.નો બંધ(રૂ.) બજારભાવ(રૂ.) ઘટાડો(ટકામાં)
નિફ્ટી 18096.15 16827.15 -7%
બેંકનિફ્ટી 41840.15 37674.6 -10%
કેનેરા બેંક 257.65 209.9 -19%
RBL બેંક 134.5 111.1 -17%
IDBI 47.4 39.95 -16%
બેંક ઓફ ઈન્ડિયા 54.45 46.05 -15%
AU સ્મોલ બેંક 686.6 584.2 -15%
PNB 40.7 34.8 -14%
IDFC ફર્સ્ટ બેંક 53.75 46.4 -14%
YES બેંક 17.6 15.45 -12%



ડોલરમાં આગભભૂકતી તેજી પાછળ રૂપિયો નવા તળિયે
યુએસ ડોલરમાં તેજી અટકવાનું નામ નથી લેતી. બુધવારે ડોલર ઈન્ડેક્સ વધુ પોણો ટકો ઉછળી 114.725ની 22-વર્ષોની ટોચ પર ટ્રેડ થયો હતો અને સતત પોઝીટીવ ટ્રેડ દર્શાવતો રહ્યો હતો. ફેડ તરફથી ગયા સપ્તાહે 75 બેસીસ પોઈન્ટ્સ રેટ વૃદ્ધિ બાદ તે અત્યાર સુધીમાં 5 ટકા જેટલો ઊછળી ચૂક્યો છે. જેની પાછળ ઈમર્જિંગ માર્કેટ કરન્સિઝ, ઈક્વિટીઝ અને ગોલ્ડ ઊંધા માથે પટકાયાં છે. ભારતીય રૂપિયો પણ ચાલુ સપ્તાહે સતત ઘસાતો રહ્યો છે. ગયા શુક્રવારે 81ની સપાટી તોડ્યા બાદ બુધવારે રૂપિયો 82ની સપાટી નીચે ઉતરી ગયા બાદ કામકાજની આખરમાં 37 પૈસા ગગડી 81.90ના સ્તરે બંધ રહ્યો હતો. મંગળવારે રૂપિયો 14 પૈસા સુધરી 81.53ની સપાટી પર બંધ રહ્યો હતો. છેલ્લાં કેટલાંક સત્રોથી વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ તરફથી અવિરત વેચવાલીને પગલે પણ રૂપિયા પર દબાણ જોવા મળી રહ્યું છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે રૂપિયો નજીકમાં 83 ડોલર સુધીનો ઘટાડો દર્શાવી શકે છે. કોમેક્સ ગોલ્ડ 1622 ડોલરની તેની અઢી વર્ષની બોટમ બનાવી 1628 ડોલર પર ટ્રેડ દર્શાવતું હતું.

પોર્ટ્સ પર પડેલા ચોખાને નિકાસ મંજૂરીની શક્યતાં
સરકાર તરફથી 9 સપ્ટેમ્બરે લાગુ પાડવામાં આવેલા નિકાસ પ્રતિબંધ અગાઉ જે નિકાસકારોને લેટર્સ ઓફ ક્રેડિટ મળી ચૂકી હતી તેમજ કન્ટેનર ફ્રેઈટ સ્ટેશન ખાતે કાર્ગો રિસિવ થઈ ચૂક્યો હતો તેવા કિસ્સામાં સરકાર ચોખાની ડ્યૂટી-ફ્રી નિકાસ માટે છૂટ આપે તેવી શક્યતાં છે. હાલમાં દેશના વિવિધ બંદરો ખાતે 9 લાખ ટન ટુકડા ચોખા અને રો ચોખાનો જથ્થો પડ્યો છે. જેની નિકાસ માટે છૂટ આપવા માટે નિકાસકારો સરકાર સમક્ષ માગણી કરી રહ્યાં છે. સરકારને પાઠવેલા એક મેમોરન્ડમમાં રાઈસ એક્સપોર્ટર્સ એસોસિએશને જણાવ્યું છે કે ખરાબ હવામાનને કારણે લોડ નહિ થઈ શકેલા શીપમેન્ટ્સને રવાના કરવા માટેની તારીખ લંબાવીને 15 ઓક્ટોબર કરવામાં આવે. જો સરકાર આ ચોખાની રવાનગીની છૂટ નહિ આપે તો નિકાસકારોએ નુકસાન વેઠવાનું બનશે એમ એસોસિએશને નોંધ્યું છે.




રૂપિયામાં વધુ ઘટાડો અટકાવવા RBI તરફથી કેટલાક વધુ ઉપાયો માટે વિચારણા
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા યુએસ ડોલર સામે ભારતીય રૂપિયામાં જોવા મળી રહેલા અવિરત ઘસારાને અટકાવવા માટે કેટલાંક એવા ઉપાયો અંગે વિચારણા કરી રહી છે, જેનો તત્કાળ લાભ મળી શકે. આવા પગલાઓમાં દેશમાં ઓઈલ આયાતકર્તાઓ માટે સ્પેશ્યલ વિન્ડો શરૂ કરવાની વિચારણાનો સમાવેશ થાય છે. બેંક ફોરેન-કરન્સી ડિપોઝીટર્સ માટે હેજિંગ કોસ્ટ્સને ઘટાડવા અંગે પણ વિચારી રહી છે. જેથી કરીને ડોલર સામે રૂપિયામાં ઝડપી ઘટાડાને અટકાવી શકાય. છેલ્લાં એક સપ્તાહમાં રૂપિયો ડોલર સામે 2 ટકા જેટલો ગગડી ચૂક્યો છે. બુધવારે તે 82ની સપાટી પાર કરી ઐતિહાસિક તળિયા પર ટ્રેડ થયો હતો.
મધ્યસ્થ બેંકર તરફથી થઈ રહેલી આ વિચારણાને નજીકથી જોઈ રહેલા વર્તુળો જણાવે છે કે કમર્સિયલ બેંક્સ તરફથી આરબીઆઈને એક સૂચનમાં ગોલ્ડ જેવી બિન-આવશ્યક ચીજ-વસ્તુઓની આયાત પર હંગામી પ્રતિબંધ મૂકવા પણ જણાવાયું છે. જેથી ડોલર્સને સાચવી શકાય. દેશમાં ક્રૂડ પછી સૌથી વધુ ડોલર વપરાશ ગોલ્ડની આયાત પાછળ જોવા મળે છે. ભારત વિશ્વમાં ગોલ્ડનો અગ્રણી આયાતકાર દેશ છે. રૂપિયામાં છેલ્લાં કેટલાંક સત્રોમાં ઝડપી ઘટાડાને જોતાં આરબીઆઈ ટૂંક સમયમાં જ શ્રેણીબધ્ધ પગલાઓ જાહેર કરી શકે છે. એક અગ્રણી બ્રોકરેજના સિનિયર એનાલિસ્ટ જણાવે છે કે આરબીઆઈ રૂપિયામાં આ રીતે ફ્રી ફોલને ચલાવી શકે નહિ. ભારત જેવા ઈમર્જિંગ માર્કેટ્સ માટે કરન્સીનું આ રીતે તૂટવું યોગ્ય નથી. એપ્રિલ મહિનાથી ઓગસ્ટ સુધી રૂપિયામાં સ્થિરતા જાળવવા માટે આરબીઆઈએ નોંધપાત્ર પ્રમાણમાં હૂંડિયામણ ખર્ચી ચૂકી છે અને તેથી હવે તે અન્ય ઉપાયો મારફતે પણ રૂપિયાને સપોર્ટ આપવા વિચારી રહી છે. કેમકે માત્ર પ્લેન-વેનિલા માર્કેટ દરમિયાનગીરીથી જ રૂપિયામાં ઘટાડો અટકાવી શકાય તેમ નથી અને તેથી અન્ય ઉપાયો પણ હાથ ધરવા જરૂરી છે. જે માર્કેટ પાર્ટિસિપન્ટ્સના વિશ્વાસને મજબૂત બનાવી શકે. વર્તુળોના જણાવ્યા મુજબ દ્વિપક્ષી ટ્રેડને રૂપી ઈન્વોઈસિંગ અથવા તો રૂપી એકાઉન્ટમાં કરીને પણ ડોલર બાયપાસ કરી શકાય છે અને તે રીતે તેની માગ નીચી જાળવી શકાય છે. જેમકે જો આઈલ કંપનીઓ રશિયા ખાતેથી ઓઈલની આયાતમાં પેમેન્ટ ઓબ્લિગેશન્સની ચૂકવણી રૂબલમાં કરે તો ડોલરની માગ નોંધપાત્ર ઘટી શકે છે.

સેન્ટ્રલ બેંકરની વિચારણામાં
ઓઈલ ઈમ્પોર્ટ્સ માટે સ્પેશ્યલ વિન્ડો ખોલવી
ઓવરસિઝ ડિપોઝીટર્સ માટે હેડિંગ કોસ્ટ ઘટાડવી
દ્વિ-પક્ષીય ટ્રેડ સેટલમેન્ટ માટે રૂપી ઈન્વોઈસિંગ અથવા રૂપી એકાઉન્ટ
ગોલ્ડ જેવી બિન-આવશ્યક ચીજ-વસ્તુની આયાત પર નિયંત્રણો



કોર્પોરેટ હેડલાઈન્સ

પીએસયૂ બેંક્સઃ છેલ્લાં દાયકાથી કર્મચારીઓની સંખ્યામાં સતત ઘટાટા બાદ જાહેર ક્ષેત્રની બેંક્સને સ્ટાફ સ્ટ્રેન્થ વધારવા માટે સરકારે જણાવ્યું છે. નાણા મંત્રાલયના ટોચના અધિકારીઓ સાથે પીએસયૂ બેંક્સના વડાઓની બેઠકમાં બેંકર્સને દર મહિને નિમણૂંક માટેની યોજના તૈયાર કરવા માટે જણાવાયુ છે. 2012-13માં 8,86,490ની સ્ટાફ સંખ્યા 2020-21માં 7,70,800 પર જોવા મળી હતી.
બીપીસીએલઃ રિફાઈનર અને ઓઈલ માર્કેટિંગ કંપનીમાં લાઈફ ઈન્શ્યોરન્સ કોર્પોરેશનનો હિસ્સો 26 સપ્ટેમ્બરના રોજ વધી 9.04 ટકા પર પહોંચ્યો હતો. જે સાથે તે સરકાર પછી કંપનીમાં બીજા ક્રમની શેરધારક બની છે.
ઓરોબિંદો ફાર્માઃ ફાર્મા કંપનીએ કેટલાંક ચોક્કસ પ્રકારના બેક્ટેરિયાને કારણે થતાં ઈન્ફેક્શન્સની સારવારમાં વપરાતાં ડાઈક્લોક્સેસિલીન સોડિયમના વપરાશ માટે યુએસએફડીએ તરફથી મંજૂરી મેળવી છે.
એમએન્ડએમઃ યુટિલિટી વેહીકલ ઉત્પાદક કંપનીએ મહિન્દ્રા સીઆઈઈ ઓટોમોટીવના 2.17 ટકા હિસ્સાનું વેચાણ કર્યું છે. કંપનીએ રૂ. 285 પ્રતિ શેરના ભાવે આ વેચાણ કર્યું છે.
ડો.રેડ્ડીઝ લેબઃ અગ્રણી ફાર્મા કંપનીએ ગ્લૂકોમાની સારવારમાં વપરાતી તિમોલોલ મેલિએટના વપરાશ માટે યુએસએફડીએની મંજૂરી મેળવી લીધી છે.
રામકૃષ્ણ ફોર્જિંગ્સઃ બોફા સિક્યૂરિટીઝે કંપનીમાં રૂ. 178 પ્રતિ શેરના ભાવે 20,99,996 ઈક્વિટી શેર્સની માર્કેટમાંથી ખરીદી કરી છે.
ગુજરાત આલ્કલીઝઃ ગુજરાત સરકારની કેમિકલ કંપનીએ તેના દહેજ કોમ્પ્લેક્સ ખાતે પ્રોસેસ ઈક્વિપમેન્ટને રો મટિરિયલ્સ મારફતે હાઈડ્રેઝીન હાઈડ્રેટની મેન્યૂફેક્ચરિંગ પ્રક્રિયા શરૂ કરી છે.
સફારી ઈન્ડસ્ટ્રીઝઃ ડીએસપી મ્યુચ્યુલ ફંડે લગેજ બેગ ઉત્પાદક કંપનીમાં રૂ. 1529.75 પ્રતિ શેરના સરેરાશ ભાવે 2 લાખ શેર્સની માર્કેટમાંથી ખરીદી કરી છે.
આઈએફસીઆઈઃ સરકારી કંપનીના બોર્ડે પ્રમોટર ભારત સરકારને પ્રેફરન્શિયલ શેર્સ ઈસ્યુ કરી રૂ. 100 કરોડ ઊભા કરવા માટેની મંજૂરી આપી છે.
ટીડી પાવર સિસ્ટમ્સઃ નિપ્પોન ઈન્ડિયાએ રૂ. 586.99 પ્રતિ શેરના ભાવે બજારમાંથી 1.7 લાખ શેર્સની ખરીદી કરી છે.
જીજેસીઃ ઓલ ઈન્ડિયા જેમ એન્ડ જ્વેલરી ડોમેસ્ટિક કાઉન્સિલે ઈન્ડિયન બ્રાન્ડને વિશ્વ મંચ પર લઈ જઈ વિશ્વના 6ઠ્ઠા સૌથી મોટા જ્વેલર જૂથ તરીકે ઊભરવા માટે મલબાર ગોલ્ડ અને ડાયમંડ્સનું સન્માન કર્યું છે.
મધરસન સુમી વાયરિંગઃ કંપનીનું બોર્ડ 30 સપ્ટેમ્બરે બોનસ શેર્સ ઈસ્યુ કરવાના પ્રસ્તાવ પર વિચારણા માટે મળશે.
પાવરગ્રીડ કોર્પોરેશનઃ પીએસયૂ ટ્રાન્સમિશન કંપની જામનગર સ્થિત રિફાઈનરી સુધી ટ્રાન્સમિશન લાઈનનું બાંધકામ કરશે.
જીઓસીએલ કોર્પોરેશનઃ કંપનીએ 12.25 એકર્સ જમીનનું વેચાણ પૂર્ણ કર્યું છે. જેમાંથી રૂ. 125.11 કરોડ ઊભા કર્યાં છે.
ભેલઃ પીએસયૂ એન્જિનીયરીંગ કંપનીએ 2×660 મેગાવોટ તાલ્ચર થર્મલ પાવર પ્રોજેક્ટ સ્ટેજ-3 માટે ઈપીસી ઓર્ડર મેળવ્યો છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage