બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
ફેબ્રુઆરી એક્સપાયરીની સુખદ સમાપ્તિ, નિફ્ટી પોઝીટીવ બંધ આપવામાં સફળ
જોકે, બેન્ચમાર્ક 22 હજાર પર બંધ દર્શાવવામાં નિષ્ફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 5 ટકા ગગડી 15.57ના સ્તરે બંધ
પીએસયૂ બેંક, મેટલ, પીએસઈ, ફાર્મા, એફએમસીજીમાં મજબૂતી
મિડિયા, આઈટીમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં 50:50
ઈન્ગરસોલ રેંન્ડ, ત્રિવેણી ટર્બાઈન, ગોડફ્રે ફિલિપ્સ, સોના બીએલડબલ્યુ નવી ટોચે
પેજ ઈન્ડ., નવીન ફ્લોરિન, શારડા કોર્પ, અતુલમાં નવા તળિયા
ભારતીય શેરબજારમાં ફેબ્રુઆરી ડેરિવેટિવ્સ સિરિઝની સુખદ સમાપ્તિ જોવા મળી હતી. ગુરુવારે મહિનાના આખરી દિવસે બેન્ચમાર્ક્સ પોઝીટીવ બંધ આપવામાં સફળ રહ્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 195 પોઈન્ટ્સ વૃદ્ધિ સાથે 72,500ની સપાટીએ જ્યારે નિફ્ટી 32 પોઈન્ટ્સ સુધરી 21983ની સપાટીએ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ખોડી લેવાલી જોવા મળી હતી. જેને કારણે બ્રેડ્થ ન્યૂટ્રલ જોવા મળી હતી. વધનાર-ઘટનાર કાઉન્ટર્સનું પ્રમાણ ફિફ્ટ-ફિફ્ટી જળવાયું હતું. બીએસઈ ખાતે 203 કાઉન્ટર્સે વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 49 કાઉન્ટર્સે તેમનું 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 5 ટકા ગગડી 15.57ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે એશિયન બજારોમાં મિશ્ર વલણ વચ્ચે ભારતીય શેરબજારે સાધારણ ગેપ-ડાઉન ઓપનીંગ દર્શાવ્યું હતું. જોકે, ત્યારપછી તે સાંકડી રેંજમાં અથડાયેલો જોવા મળ્યો હતો અને આખરી એક કલાકમાં વૃદ્ધિ પાછળ પોઝીટીવ બંધ દર્શાવી શક્યો હતો. જોકે, નિફ્ટી 22 હજારની સપાટી પર બંધ આપવામાં નિષ્ફળ રહ્યો હતો. નિફ્ટી કેશ સામે માર્ચ સિરિઝ ફ્યુચર 99 પોઈન્ટ્સ પ્રિમીયમે 21182ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે. આમ, માર્કેટમાં લોંગ રોલ ઓવર નીચું રહ્યું હોવાના સંકેત છે. જોકે, બેન્ચમાર્ક 21860 આસપાસથી બીજીવાર પરત ફરતાં આ સ્તરે સારો સપોર્ટ છે. જેને સ્ટોપલોસ તરીકે જાળવી લોંગ પોઝીશન ઊભી રાખી શકાય.
ગુરુવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, તાતા કન્ઝ્યૂમર, ઈન્ડસઈન્ડ બેંક, અદાણી પોર્ટ્સ, એમએન્ડએમ, બ્રિટાનિયા, મારુતિ સુઝુકી, હીરો મોટોકોર્પ, પાવર ગ્રીડ કોર્પોરેશન, એશિયન પેઈન્ટ્સ, નેસ્લે, એચસીએલ ટેક્નોલોજી, ટાઈટન કંપની, એસબીઆઈ, એનટીપીસી, કોલ ઈન્ડિયા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, કોટક બેંકનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, એપોલો હોસ્પિટલ, બજાજ ઓટો, એલટીઆઈમાઈન્ડટ્રી, આઈશર મોટર્સ, યૂપીએલ, ટેક મહિન્દ્રા, બીપીસીએલ, ડિવિઝ લેબ્સ, તાતા મોટર્સ, ટીસીએસ, આઈટીસીમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો પીએસયૂ બેંક, મેટલ, પીએસઈ, ફાર્મા, એફએમસીજીમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે મિડિયા, આઈટીમાં નરમાઈ જળવાય હતી. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 1.3 ટકા સુધારો સૂચવતો હતો. જેના ઘટકોમાં જેકે બેંક, યુનિયન બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, યૂકો બેંક, પંજાબ એન્ડ સિંધ બેંક, સેન્ટ્રલ બેંક અને કેનેરા બેંકમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ એક ટકા મજબૂતી સૂચવતો હતો. જેના ઘટકોમાં જિંદાલ સ્ટીલ, નાલ્કો, વેદાંત, એનએમડીસી, કોલ ઈન્ડિયા, મોઈલ, જેએસડબલ્યુ સ્ટીલ, તાતા સ્ટીલમાં મજબૂતી જોવા મળી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો બર્ગર પેઈન્ટ્સ, હિંદ કોપર, શ્રીરામ ફાઈનાન્સ, આરઈસી, ઈન્ડુસ ટાવર્સ, ગુજરાત ગેસ, પાવર ફાઈનાન્સ, એમસીએક્સ ઈન્ડિયા, અંબુજા સિમેન્ટ્સ, જિંદાલ સ્ટીલ, ઈન્ડિયન હોટેલ્સ, આલ્કેમ લેબમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, એપોલો હોસ્પિટલ, બજાજ ઓટો, આદિત્ય બિરલા ફેશન, ડેલ્ટા કોર્પ, એચડીએફસી એએમસી, એલટીઆઈમાઈન્ડટ્રી, આઈશર મોટર્સ, એમ્ફેસિસ, એસબીઆઈ કાર્ડ, આઈઓસીમાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવતાં કાઉન્ટર્સમાં ઈન્ગરસોલ રેંન્ડ, ત્રિવેણી ટર્બાઈન, ગોડફ્રે ફિલિપ્સ, સોના બીએલડબલ્યુ, તાતા ઈન્વે. કોર્પ, ઝોમેટો, ઈન્ડુસ ટાવર્સ, પીબી ફિનટેક, સન ફાર્માંનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, પોલીપ્લેક્સ કોર્પ, પેજ ઈન્ડ., નવીન ફ્લોરિન, શારડા કોર્પ, અતુલમાં નવા તળિયા જોવા મળ્યાં હતાં.
કેન્દ્રિય કેબિનેટે ત્રણ ચીપ પ્લાન્ટ્સને મંજૂરી આપી
ત્રણેય પ્લાન્ટ્સમાં કુલ રૂ. 1.26 લાખ કરોડનું રોકાણ કરાશે
તાતાનું સંયુક્ય સાહસ ધોલેરા ખાતે મહિને 50 હજાર વેફર્સ ઉત્પાદનની ક્ષમતા ધરાવતું હશે
કેન્દ્રિય કેબિનેટે દેશમાં ત્રણ સેમીકંડક્ટર પ્લાન્ટના દરખાસ્તને મંજૂરી આપી છે. જેમાંથી બે પ્લાન્ટ ગુજરાત ખાતે અને એક પ્લાન્ટ આસામ ખાતે સ્થપાશે. આ પ્લાન્ટ્સ કુલ રૂ. 1.26 લાખ કરોડનું રોકાણ ધરાવતાં હશે.
રોકાણ પ્રસ્તાવોમાં તાતા ઈલેક્ટ્રોનિક્સ અને તાઈવાનની પાવરચિપ સેમીકંડક્ટર મેન્યૂફેક્ચરિંગ કોર્પ(પીએસએમસી)ના સંયુક્ત સાહસ તરફથી ગુજરાતના ધોલેરા ખાતે રૂ. 91000 કરોડના ખર્ચે પ્લાન્ટનો સમાવેશ થાય છે. આ સંયુક્ત સાહસ મહિને 50 હજાર વેફર્સ બનાવવાની ક્ષમતા ધરાવતું હશે. ચીપ ફેબ સ્કિમ 26 હજાર લોકોને પ્રત્યક્ષ રોજગાર પૂરો પાડશે. જ્યારે એક લાખ લોકોને અપ્રત્યક્ષ રોજગાર પૂરો પાડશે. આ ઉપરાંત, તાતા સેમીકંડક્ટર એસેમ્બલી અને ટેસ્ટ પ્રાઈવેટ લિ.ને આસામ ખાતે ચીપ એસેમ્બલી અને ટેસ્ટીંગ યુનિટ માટે મંજૂરી આપવામાં આવી હતી જેમાં રૂ. 27 હજાર કરોડનું રોકાણ થશે. આ ઉપરાંત, સીજી પાવર અને જાપાનની રેનેસાસ ગુજરાતના સાણંદ ખાતે રૂ. 7600 કરોડના ખર્ચે સેમીકંડક્ટર પ્લાન્ટ સ્થાપશે. જે પ્રતિ દિવસ 1.5 લાખ ચીપ્સનું ઉત્પાદન કરતો હશે. આ પ્લાન્ટ્સ યુએસ સ્થિત મેમરી ચીપ મેકર માઈક્રોનના રૂ. 22,516 કરોડના ચીપ એસેમ્બલી પ્લાન્ટ ઉપરાંતના પ્લાન્ટ્સ છે.
સોફ્ટબેંકે પેટીએમમાં વધુ 2 ટકા હિસ્સાનું વેચાણ કર્યું
પેટીએમમાં હવે સોફ્ટબેંકનો હિસ્સો ઘટી 3 ટકાથી નીચે ઉતર્યો
પેટીએમમાં સોફ્ટબેંકે વધુ 2 ટકા હિસ્સો વેચ્યો છે. કંપનીએ હજુ તો મહિના અગાઉ જ પેટીએમમાં 2 ટકા હિસ્સાનું વેચાણ કર્યું હતું. આમ, ટૂંકાગાળામાં તેણે કંપનીમાં 4 ટકા આસપાસ હિસ્સો વેચ્યો છે. ગુરુવારે તેણે પેટીએમનો 2.17 ટકા હિસ્સો વેચ્યો હતો. જ્યારપછી પેટીએમમાં સોફ્ટબેંકનો હિસ્સો ઘટી 2.83 ટકા રહી ગયો છે. જે વર્ષની શરૂમાં 5.01 ટકા પર હતો.
સપ્ટેમ્બર, 2022માં જાપાનીઝ કોંગ્લોમેરટ 17.5 ટકા હિસ્સો ધરાવતી હતી. જોકે, ત્યારપછી તેણે સતત ઓપન માર્કેટમાં તેના હિસ્સાનું વેચાણ કર્યું છે. ડિસેમ્બર, 2023માં તથા જાન્યુઆરી, 2024માં તેણે 2 ટકા હિસ્સાનું વેચાણ કરી હિસ્સાને માત્ર પાંચ ટકા જાળવ્યો હતો. વૈશ્વિક રોકાણકારો વોરેન બૂફે અને ચીનના અલીબાબા જૂથે પેટીએમમાંથી 2023માં જ એક્ઝિટ લીધી હતી. પેટીએમમાં કુલ 1.4 અબજ ડોલરના રોકાણમાં સોફ્ટબેંક જૂથે 10 ટકા જેટલી અથવા તો 10 કરોડ ડોલરની ખોટ ખમવાની થઈ હતી. કંપનીએ મે 2017માં રૂ. 820 પ્રતિ શેરના ભાવે પેટીએમમાં રોકાણ કર્યું હતું. 31 જાન્યુઆરીએ આરબીઆઈએ પેટીએમને તેની બેંકિંગ પાંખને સમેટી લેવાનો આદેશ કર્યાં પછી પેટીએમનો શેર 45 ટકા જેટલો તૂટી ચૂક્યો છે.
એપ્રિલથી જાન્યુઆરીમાં નાણાકિય ખાધ વધીને રૂ. 11.03 લાખ કરોડે પહોંચી
2024-25ના પ્રથમ 10-મહિનામાં ખાધ કુલ અંદાજના 64 ટકા જોવા મળી
કેન્દ્ર સરકારની નાણાકિય ખાધ એપ્રિલ 2023થી જાન્યુઆરી 2024ના 10-મહિના દરમિયાન રૂ. 11.03 લાખ કરોડ પર જોવા મળી છે. જે એપ્રિલથી ડિસેમ્બરના સમયગાળામાં રૂ. 9.82 લાખ કરોડ પર જોવા મળતી હતી એમ કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટ્સનો ડેટા સૂચવે છે.
નાણા વર્ષ 2023-24ના પ્રથમ 10-મહિનામાં નાણાકિય ખાધ વર્ષ દરમિયાન સુધારેલા અંદાજ રૂ. 17.35 લાખ કરોડની ખાધના 63.6 ટકા જેટલી જોવા મળી છે. અગાઉ બજેટ ખાધ રૂ. 17.87 લાખ કરોડ પર અંદાજાઈ હતી. જેમાં પાછળથી ઘટાડો કરવામાં આવ્યો હતો. એપ્રિલ 2022થી જાન્યુઆરી 2023ના સમયગાળામાં બજેટ ખાધ 2022-23ના અંદાજના 67.8 ટકા પર જોવા મળતી હતી. આમ, ચાલુ વર્ષે ઊંચી આવક પાછળ ખાધનું પ્રમાણ નીચું જોવા મળે છે. જાન્યુઆરી, 2024માં કેન્દ્ર સરકારી નાણાકિય ખાધ રૂ. 1.2 લાખ કરોડ પર જોવા મળી હતી. જે વર્ષ અગાઉના સમયગાળાની સરખામણીમાં 40 ટકા જેટલી નીચી હતી. આમ થવા પાછળનું કારણ મજબૂત ટેક્સની આવક અને ખર્ચમાં ઘટાડો છે.
આવક બાજુએ સરકારની ચોખ્ખી કરવેરાની આવક જાન્યુઆરી 2024માં વાર્ષિક ધોરણે 13 ટકા વૃદ્ધિ દર્શાવે છે. આખરી આંકડાની રીતે તે રૂ. 1.5 લાખ કરોડ રહી હતી. જેની પાછળ કોર્પોરેટ ટેક્સમાં 63 ટકાનો ઉછાળો જવાબદાર હતો. જ્યારે પર્સનલ ઈન્કમ ટેક્સમાં 17 ટકા વૃદ્ધિ જોવા મળી હતી.
Market Summary 29/02/2024
February 29, 2024