ડેરિવેટીવ્સ એક્સપાયરીના દિવસે ઊંચી વધ-ઘટ વચ્ચે પોઝીટીવ બંધ
નિફ્ટી 17 હજારની સપાટી પાર કરવામાં સફળ
વોલેટિલિટી ઈન્ડેક્સ 10 ટકા ગગડી 13.62ના સ્તરે
બેંકિંગ, મેટલ, રિઅલ્ટી, ઓટો, આઈટીમાં ઊંચી લેવાલી
માત્ર એનર્જી સેક્ટરમાં નરમાઈ
અદાણી જૂથ શેર્સમાં બાઉન્સ જોવાયો
બોશ, અલ્ટ્રાટેક, ઝાયડસ લાઈફ નવી ટોચે
આઈએફબી ઈન્ડ., એલેમ્બિક ફાર્મા, લક્સ ઈન્ડ. નવા તળિયે
માર્ચ મંથલી સિરિઝ એક્સપાયરીના દિવસે બે બાજુની ઊંચી વધ-ઘટ વચ્ચે સ્થાનિક શેરબજાર પોઝીટીવ બંધ દર્શાવવામાં સફળ રહ્યું હતું. બેન્ચમાર્ક સેન્સેક્સ 346 પોઈન્ટ્સ સુધારે 57960ની સપાટીએ જ્યારે નિફ્ટી 129 પોઈન્ટ્સ સુધારે 17081ની સપાટી પર બંધ રહ્યાં હતાં. લાર્જ-કેપ્સમાં ભારે ખરીદી વચ્ચે બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. નિફ્ટીમાં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 44 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 6 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળતાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ સ્થિતિ સમાન હતી. જેમાં બીએસઈ ખાતે 3636 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2173 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ સૂચવી રહ્યાં હતાં. જ્યારે 1345 કાઉન્ટર્સ નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. પ્લેટફોર્મ ખાતે 543 કાઉન્ટર્સે તેમનું વાર્ષિક તળિયું બનાવ્યું હતું. જ્યારે 67 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી હતી. 15 કાઉન્ટર્સ અપર સર્કિટમાં જ્યારે 6 કાઉન્ટર્સ લોઅર સર્કિટમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 10 ટકા ગગડી 13.62ના સ્તરે બંધ રહ્યો હતો.
બુધવારે ભારતીય બજારની શરૂઆત પોઝીટીવ જોવા મળી હતી. શરૂમાં દોઢેક કલાક દરમિયાન પોઝીટીવ જળવાયા બાદ માર્કેટ નેગેટિવ ઝોનમાં સરી પડ્યું હતું. જોકે બંધ થતાંના દોઢેક કલાક અગાઉ ફરીથી ખરીદી નીકળી હતી. જેની પાછળ માર્કેટ ગ્રીન ઝોનમાં પરત ફર્યું હતું અને પોણા ટકા સુધારે બંધ રહ્યું હતું. બેન્ચમાર્ક નિફ્ટી ઈન્ટ્રા-ડે 17941ના તળિયા પર ટ્રેડ થયાં બાદ ઉપરમાં 17126ની ટોચ પર ટ્રેડ થયો હતો. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર્સ ફ્લેટ બંધ દર્શાવતો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 26ના પ્રિમીયમની સરખામણીમાં ઘટાડો દર્શાવે છે. આમ, માર્કેટમાં એક્સપાયરી દિવસના કારણે કેટલીક શોર્ટ કાપણી પાછળ સુધારો નોંધાયો હતો. જોકે, નવું લોંગ બિલ્ટઅપ જોવા નથી મળ્યું. જે બજારને રેંજ બાઉન્ડ જાળવી રાખી શકે છે. ટેકનિકલ એનાલિસ્ટ્સના મતે જ્યાં સુધી નિફ્ટી 17200ની સપાટી પર બંધ આપે નહિ ત્યાં સુધી ટ્રેન્ડ નરમાઈ તરફી જ ગણાશે. જોકે, બુધવારે સુધારો બ્રોડ બેઝ હોવાના કારણે સેન્ટીમેન્ટમાં સુધારો ચોક્કસ જોવા મળી શકે છે. ખાસ કરીને મીડ અને સ્મોલ-કેપ સેગમેન્ટમાં નીચા મથાળે લેવાલીના સંકેતો જોવા મળી રહ્યાં છે. મોટા રોકાણકારોએ વર્ષાંતે સારી ખરીદી દર્શાવી હોય તેમ જણાય છે.
બુધવારે નિફ્ટીને સપોર્ટ કરનારા મુખ્ય કાઉન્ટર્સમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ, અદાણી પોર્ટ્સ, જેએસડબલ્યુ સ્ટીલ, આઈશર મોટર્સ, એચસીએલ ટેક્નોલોજી, હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઈન્ડસઈન્ડ બેંક, કોલ ઈન્ડિયા, એચયૂએલ, તાતા મોટર્સ, બજાજ ફિનસર્વ, બ્રિટાનિયા, એસબીઆઈ, બજાજ ફાઈનાન્સ, હિંદાલ્કો, ઓએનજીસી અને એમએન્ડએમનો સમાવેશ થતો હતો. જ્યારે બીજી બાજુ યૂપીએલ, ભારતી એરટેલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એશિયન પેઈન્ટ્સ, આઈસીઆઈસીઆઈ બેંક, સિપ્લામાં નરમાઈ જોવા મળી રહી હતી. સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો પીએસયૂ બેંક નિફ્ટી 3.22 ટકા જેટલો સુધર્યો હતો. જેના અગ્રણી કાઉન્ટર્સમાં યૂકો બેંક, 9 ટકા, આઈઓબી 8 ટકા, યુનિયન બેંક 8 ટકા, બેંક ઓફ ઈન્ડિયા 7.5 ટકાનો નોંધપાત્ર સુધારો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ અઢી ટકા સુધારો સૂચવતો હતો. જેમાં અદાણી એન્ટરપ્રાઈઝ ઉપરાંત એનએમડીસી, જેએસડબલ્યુ સ્ટીલ, વેદાંત, સેઈલ, કોલ ઈન્ડિયા, જિંદાલ સ્ટીલ, હિંદાલ્કો અને નાલ્કોનો સમાવેશ થાય છે. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ 2.5 ટકા ઉછળ્યો હતો. જેમાં ફિનિક્સ મિલ્સ, ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, ડીએલએફ, ઓબેરોય રિઅલ્ટી અને ગોદરેજ પ્રોપર્ટીઝનો સમાવેશ થતો હતો. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 1.7 ટકા મજબૂતી દર્શાવતો હતો. જેમાં ટીવીએસ મોટર, આઈશર મોટર્સ, હિરો મોટોકોર્પ, બોશ, બજાજ ઓટો, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, તાતા મોટર્સ, એમએન્ડએમ અને અશોક લેલેન્ડનો સમાવેશ થતો હતો. નિફ્ટી એનર્જી કાઉન્ટર્સમાં જોકે નરમાઈ જોવા મળી હતી. જેમાં અદાણી ગ્રીન એનર્જી, રિલાયન્સ, એચપીસીએલ ઘટાડો દર્શાવી રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં ઈન્ડિયા સિમેન્ટ્સ 5 ટકા ઉછળવા સાથે સુધરવામાં ટોચ પર હતો. આ ઉપરાંત પિરામલ એન્ટરપ્રાઈઝિસ, દાલમિયા ભારત, બલરામપુર ચીની, જીએમઆર એરપોર્ટ્સ, ટીવીએસ મોટર, એબી કેપિટલ, આરતી ઈન્ડસ્ટ્રીઝ, એયૂ સ્મોલ ફાઈ. બેંકનો સમાવેશ થાય છે. બીજી બાજુ, ફર્સ્ટસોર્સ સોલ્યુશન, વ્હર્લપુલ, મેરિકો, હનીવેલ ઓટોમેશન, કોરોમંડલ ઈન્ટરનેશનલ, ઈન્ડુસ ટાવર્સ, ડિક્સોન ટેક્નોલોજીમાં નરમાઈ જોવા મળતી હતી. વાર્ષિક ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં એનસીસી, ગુજરાત પીપાવાવ, બોશ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ઝાયડસ લાઈફ અને ગોદરેજ કન્ઝ્યૂમર મુખ્ય હતાં. બીજી બાજુ શીલા ફોમ, હટસન એગ્રો, આઈએફબી ઈન્ડસ્ટ્રીઝ, લક્સ ઈન્ડસ્ટ્રીઝને તેમના વાર્ષિક તળિયાં બનાવ્યાં હતાં.
FPIનું AUM 15-મહિનાના તળિયા પર જોવા મળ્યું
માર્ચ 2023ના પ્રથમ પખવાડિયામાં વિદેશી રોકાણકારોનું એયૂએમ ઘટી 530 અબજ ડોલરે જોવા મળ્યું
2022ની શરૂઆતમાં એફપીઆઈનું એયૂએમ વિક્રમી 686 અબજ ડોલર પર નોંધાયું હતું
વિદેશી રોકાણકારો(એફપીઆઈ)નું એસેટ અન્ડર મેનેજમેન્ટ ગગડીને 15-મહિનાના તળિયા પર જોવા મળી રહ્યું છે. માર્ચ મહિનાના પ્રથમ પખવાડિયામાં તે 530 અબજ ડોલર અથવા તો રૂ. 43.5 લાખ કરોડ પર નોંધાયું હતું એમ એનએસડીએલનો ડેટા જણાવે છે. 2022ની શરૂઆતમાં એફપીઆઈનું એયૂએમ વિક્રમી 686 અબજ ડોલર પર નોંધાયું હતું. આમ છેલ્લાં 15-મહિનામાં તેમાં 150 અબજ ડોલરથી વધુનો ઘટાડો નોંધાઈ ચૂક્યો છે. જે પાછળ બેન્ચમાર્ક્સ તરફથી નેગેટિવ રિટર્ન ઉપરાંત વધતું રિડમ્પ્શન પ્રેશર પણ જવાબદાર હોવાનું વર્તુળો જણાવે છે.
આની સરખામણીમાં ભારતીય શેરબજારનું કુલ માર્કેટ-કેપ તેની ટોચ પરથી 13 ટકા ઘટાડો સૂચવે છે. તે જુલાઈ 2022માં તેની ટોચ પરથી 13 ટકા જેટલું ગગડી 3 ટ્રિલીયન ડોલર નીચે ઉતરી ગયું છે. માર્ચ 2023ના પ્રથમ અર્ધવાર્ષિક ગાળામાં એફપીઆઈનો હિસ્સો ઘટી 17.7 ટકા પર જોવા મળતો હતો. જે છેલ્લાં દાયકાનો સૌથી નીચો હિસ્સો હતો. છેલ્લાં 15-મહિનાઓમાં તેમણે ભારતીય બજારમાંથી 16.7 અબજ ડોલર અથવા 1.29 લાખ કરોડની વેચવાલી નોંધાવી છે. જે કોઈપણ ઈમર્જિંગ માર્કેટમાં તે સમયગાળામાં એફપીઆઈ તરફથી જોવા મળેલા ઊંચી વેચાણોમાંનું એક છે એમ વર્તુળો જણાવે છે. ડિસેમ્બર 2022થી ભારતીય બેન્ચમાર્ક્સમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળ્યો છે. 2022ની શરૂઆતથી અત્યાર સુધીમાં ભારતીય સૂચકાંકોમાં 5 ટકાથી વધુ ઘટાડો નોંધાયો છે. જે ગયા વર્ષનો સમગ્ર સુધારો ધોવાઈ ગયો છે એમ દર્શાવે છે. ભારતીય શેરબજારમાં હરિફ બજારોની સરખામણીમાં જોવા મળતું વેલ્યૂએશન પ્રિમીયમ ઓક્ટોબર 2022માં 105 ટકાના સ્તર પરથી ઘટી 62 ટકા પર રહી ગયું છે. 2023ની શરૂઆતથી ભારતીય ઈક્વિટીઝે એફપીઆઈ આઉટલૂકને લઈ મહત્વનો રિવર્સલ જોયો છે.
PSU બેંક્સ ડિવિડન્ડ ચૂકવવામાં વિરામની માગણી કરે તેવી શક્યતાં
જાહેર ક્ષેત્રની બેંકિંગ કંપની સરકાર સમક્ષ તેમને ડિવિડન્ડ ચૂકવણીમાંથી મુક્તિ આપવા માટે માગણી કરવા માટે વિચારણા ચલાવી રહી છે. તેઓ 1 એપ્રિલ, 2025થી શરુ થઈ રહેલાં લોન લોસ પ્રોવિઝનીંગની શરૂઆત પહેલાં તેમની મૂડી બચાવવા માટે આમ વિચારી રહ્યાં હોવાનું વર્તુળો જણાવે છે.
જાન્યુઆરીમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ લોન-લોસ પ્રોવિઝનીંગ માટે અપેક્ષિત લોસ-બેઝ્ડ અભિગમ પર ચર્ચા પત્ર રજૂ કર્યું હતું. ગયા સપ્તાહે, સરકારે જાહેર ક્ષેત્રની બેંકોને તેમની કેપિટલ પોઝીશન પર આ નિયમોથી પડનારી અસરો તપાસવા માટે જણાવ્યું હતું. હાલમાં, બેંક્સ તેમને થયેલા નુકસાન પર પ્રોવિઝન્સ કરતી હોય છે. જ્યારે કોઈ એકાઉન્ટમાં ત્રણ મહિના સુધી બાકી નીકળતી રકમ જમા નથી થતી ત્યારબાદ તેને માટે પ્રોવિઝનની જોગવાઈ કરવામાં આવે છે. જેમાં તેઓ કેટલીક રકમને પ્રોવિઝન તરીકે બાજુમાં રાખે છે. લોસ મોડલમાં બેંકોએ જોકે કોઈ એકાઉન્ટમાં સ્ટ્રેસના સંકેતો મળનાવી શરૂઆત થાય કે તરત જ તેના માટે પ્રોવિઝન કરવાનું રહે છે. જેને કારણે બેંક્સની મૂડી જરૂરિયાતમાં વૃદ્ધિ જોવા મળશે. કેમકે તેમણે કેટલીક સ્ટાન્ડર્ડ એસેટ્સ માટે પ્રોવિઝન્સ કરવાનું બનશે.
PSBનો કેપિટલ એડિક્વસિ રેશિયો(ટકામાં)
બેંક ડિસે. 2022નો CAR
એસબીઆઈ 13.27
બેંક ઓફ બરોડા 14.93
કેનેરા બેંક 16.72
યૂકો બેંક 14.32
યુનિયન બેંક 14.45
સેન્ટ્રલ બેંક 13.76
બેંક ઓફ મહારાષ્ટ્ર 17.53
બેંક ઓફ ઈન્ડિયા 15.60
પંજાબ એન્ડ સિઁધ બેંક 15.57
આઈઓબી 15.16
ઈન્ડિયન બેંક 15.74
પીએનબી 15.15
માર્ચમાં બ્લોક ડિલ્સનું પ્રમાણ પાંચ-મહિનાની ટોચે જોવા મળ્યું
નાણા વર્ષના આખરી મહિનામાં કુલ રૂ. 33000 કરોડના શેર્સનું વેચાણ નોંધાયું
અદાણી જૂથની ચાર કંપનીઓમાં જ પ્રમોટર્સે રૂ. 15446 કરોડના શેર્સ વેચ્યાં હતાં
શેરબજારમાં નરમાઈ વચ્ચે માર્ચ મહિનામાં બ્લોક ડિલ્સમાં તીવ્ર વૃદ્ધિ જોવા મળી હતી. નાણા વર્ષના આખરી મહિનામાં પ્રમોટર્સ, સ્ટ્રેટેજિક ઈન્વેસ્ટર્સ અને અન્ય મોટા શેરધારકોએ રૂ. 33000 કરોડના મૂલ્યના શેર્સનું વેચાણ કર્યું હતું. જે નવેમ્બર 2022 પછીનું સૌથી મોટું વેચાણ હતું. જે વર્તમાન માર્કેટ સ્થિતિને જોતાં માની શકાય નહિ તેવી ઘટના છે એમ શેરબજાર નિરીક્ષકોનું માનવું છે.
સ્થાનિક શેરબજારોના મુખ્ય બેન્ચમાર્ક્સ સેન્સેસ અને નિફ્ટીએ સતત ચોથા મહિને નુકસાન દર્શાવ્યું હોવા છતાં બલ્ક ડિલ્સમાં વૃદ્ધિ માર્કેટમાં ખરીદારો સક્રિય હોવાનું સૂચવે છે એમ વર્તુળો જણાવે છે. તેમના મતે વૈશ્વિક સ્તરે ફેડ તરફથી સતત રેટ વૃદ્ધિ અને તાજેતરમાં બેંકિંગ કટોકટી છતાં બલ્ક ડિલ્સ સંભવ બન્યાં છે. જે માર્કેટમાં હજુ પણ લિક્વિડિટીને લઈને કોઈ મોટી ખેંચ નહિ હોવાનો સંકેત છે. માર્ચમાં થયેલા મોટા બ્લોક ડિલ્સમાં અદાણી જૂથ પ્રમોટર્સે તેમની ચાર કંપનીઓના રૂ. 15446 કરોડના કરેલા હિસ્સા વેચાણનો સમાવેશ થાય છે. યુએસ સ્થિત જીક્યૂજી પાર્ટનર્સે અદાણી જૂથના શેર્સ ખરીદ્યાં હતાં. અદાણી જૂથ ઉપરાંત સોના બીએલડબલ્યુ પ્રિસિસન ફોર્જિંગ્સમાં અગ્રણી પીઈ બ્લેકસ્ટોન તરફથી 20.5 ટકા હિસ્સાના વેચાણનો સમાવેશ પણ થાય છે. ઉપરાંત સંવર્ધન મધરસન ઈન્ટરનેશનલમાં સુમીટોમો વાઈરિંગ સિસ્ટમ્સ તરફથી 3.4 ટકા હિસ્સા વેચાણનો પણ સમાવેશ થાય છે. જ્યારે એક અન્ય બલ્ક ડિલમાં પીઈ ફર્મ ટીપીજી ગ્લોબલ તરફથી કેમ્પસ એક્વિવવેરમાં 7.62 ટકા હિસ્સા વેચાણનો સમાવેશ થાય છે. માર્ચમાં થયેલા બલ્ક ડિલ્સમાં સ્થાનિક સંસ્થાઓ જેવીકે મ્યુચ્યુલ ફંડ અને ઈન્શ્યોરન્સ કંપનીઓ સાથે વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ જેવાકે ફિડેલિટી, સોસાયટી જનરાલી અને કોપ્થાવ મોરેશ્યસ ઈન્વેસ્ટમેન્ટનો સમાવેશ થાય છે. બ્લોક ટ્રાન્ઝેક્શન્સ એ ખાનગીમાં મંત્રણા મારફતે નિર્ધારિત કરવામાં આવતાં ડિલ્સ હોય છે. જે સ્ટોક એક્સચેન્જિસે પૂરી પાડેલી વિન્ડો મારફતે હાથ ધરવામાં આવે છે. સામાન્યરીતે આ પ્રકારના ડિલ માર્કેટ ભાવથી ડિસ્કાઉન્ટેડ પ્રાઈસ પર કરવામાં આવે છે.
સરકારને 3.415 કરોડ ટન ઘઉં ખરીદીનો વિશ્વાસ
ચાલુ રવિ માર્કેટિંગ સિઝનમાં ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા 3.145 કરોડ ટન ઘઉં ખરીદીનો ટાર્ગેટ ખરીદવાનો ટાર્ગેટ ધરાવે છે અને તેણે ઘઉંની ખરીદી શરૂ પણ કરી દીધી છે. સામાન્યરીતે એપ્રિલથી માર્ચ દરમિયાન રવિ માર્કેટિંગ સિઝન ગણવામાં આવે છે. મધ્ય પ્રદેશમાં 5.6 લાખ ટનની આવકમાંથી સરકારે પ્રથમ દિવસે 10,727 ટન ખરીદી શક્ય બને હતી. જેને જોતાં સરકારે તેની ખરીદી પ્રક્રિયામાં સાવચેતી દાખવવી પડશે એમ નિષ્ણાતોનું કહેવું છે.
ગોલ્ડ-સિલ્વરમાં એકાંતરે દિવસે તેજી-મંદીના ખેલ
વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓમાં એકાંતરે દિવસે તેજી-મંદી જોવા મળી રહી છે. બુધવારે કોમેક્સ ખાતે ગોલ્ડ વાયદો 8 ડોલર નરમાઈ સાથે 1983 ડોલરની સપાટી પર ટ્રેડ દર્શાવતો હતો. જ્યારે ચાંદી પણ સાધારણ ઘટાડે ટ્રેડ થઈ રહી હતી. એમસીએક્સ ખાતે ગોલ્ડ વાયદો રૂ. 110ની નરમાઈએ રૂ. 59 હજાર નીચે ઉતરી ગયો હતો અને રૂ. 58930 પર જોવા મળતો હતો. જ્યારે ચાંદી વાયદો રૂ. 122ના ઘટાડે રૂ. 70462ની સપાટીએ ટ્રેડ દર્શાવી રહ્યો હતો. નેચરલ ગેસમાં વધુ એક ટકા ઘટાડો જોવા મળ્યો હતો. જ્યારે કોપર અને ક્રૂડમાં મજબૂતી જોવા મળી હતી.
સરકારી એજન્સીઓએ 2.5 લાખ ટન ચણાની કરેલી ખરીદી
સરકારી એજન્સીઓએ ચાલુ રવિ માર્કેટિંગ સિઝનમાં ટેકાના લઘુત્તમ ભાવે 2.48 લાખ ચણાની ખરીદી કરી છે. આમાંથી મોટાભાગની ખરીદી મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાંથી કરવામાં આવી છે. જ્યારે 1 એપ્રિલથી મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં પણ પ્રાઈસ સપોર્ટ સ્કીમ હેઠળ ખરીદી શરૂ થશે. સરકારે ચણા માટે રૂ. 5335 પ્રતિ ક્વિન્ટલનો લઘુત્તમ ટેકાનો ભાવ નિર્ધારિત કર્યો છે. જોકે મોટાભાગના રાજ્યોમાં કોમોડિટીના ભાવ એમએસપીથી નીચા જોવા મળી રહ્યાં છે, જેને કારણે સરકારે લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરવાની બની છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
મારુતિ સુઝુકીઃ ટોચની ઓટો ઉત્પાદકે તેની સ્થાપનાથી અત્યાર સુધીમાં દેશમાંથી કુલ 25 લાખ યુનિટ્સ કારની નિકાસનું સીમાચિહ્ન હાંસલ કર્યું છે. કંપનીએ બાંગ્લાદેશ અને નેપાળ જેવા પડોશી દેશો ખાતે નિકાસથી શરૂઆત કરી હતી. જે હાલમાં 100 દેશો સુધી પહોંચી છે. જેમાં આફ્રિકા, લેટીન અમેરિકા, એશિયા અને મધ્ય-પૂર્વનો સમાવેશ પણ થાય છે.
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝઃ ટોચની કંપનીએ ટેક્સટાઈલ કંપની સિન્ટેક્સ ઈન્ડસ્ટ્રીઝના રૂ. 3567 કરોડમાં ખરીદીના કામને પૂર્ણ કર્યું છે. એનસીએલટીએ મંજૂરી આપ્યાના એક મહિનામાં કામગીરી પૂર્ણ થઈ હતી. જ્યારે બેંક્સ તરફથી એક વર્ષ અગાઉ મંજૂરી આપવામાં આવી હતી. મંગળવારે બેંક્સના ખાતામાં નાણા જમા કરવામાં આવ્યાં હતાં.
મેક્સ ફાઈનાન્સિયલઃ કંપનીના પબ્લિક શેરધારકોએ તેના ચેરમેન અનલજિત સિંઘને રૂ. 3 કરોડના રેમ્યુનરેશન માટેના ખાસ ઠરાવને ફગાવ્યો છે. એક્સચેન્જ ફાઈલીંગ મુજબ 63 ટકા ઈન્સ્ટીટ્યુશ્નલ ઈન્વેસ્ટર્સ અને 99 ટકા રિટેલ ઈન્વેસ્ટર્સે આ ઠરાવની વિરુધ્ધમાં મતદાન કર્યું હતું.
સહારા ઈન્ડિયાઃ માર્કેટ રેગ્યુલેટર સેબીએ સહારા ઈન્ડિયા રિઅલ એસ્ટેટ કોર્પોરેશન પાસેથી રૂ. 6.57 કરોડની બાકી નીકળતી રિકવરી કાઢી હતી. જેમાં ઈન્ટરેસ્ટ ઉપરાંત અન્ય ચાર્જિસનો સમાવેશ પણ થતો હતો. રેગ્યુલેટરે ડિસેમ્બરમાં કંપનીના બેંક એકાઉન્ટ્સ એટેચ કરવાનો આદેશ આપ્યો હતો.
જિંદાલ સ્ટેનલેસઃ સ્ટીલ કંપનીએ ઈન્ડોનેશિયા સ્થિત ન્યૂ યાકિંગ પ્રા.માં રૂ. 1300 કરોડમાં 49 ટકા હિસ્સો ખરીદ્યો છે. કંપનીએ સ્ટેનલેસ સ્ટીલ ઉત્પાદનમાં ચાવીરૂપ રો-મટિરિયલ નીકલ પીગ આયર્નના સિક્યોર સપ્લાય માટે આ હિસ્સાની ખરીદી કરી છે.
એનટીપીસીઃ પીએસયૂ પાવર જાયન્ટના રિન્યૂએબલ એનર્જી યુનિટે તેના કાકીનાડા સ્થિત ગ્રીન એમોનિયા પ્લાન્ટ માટે ગ્રીનકો ઝીરોસી સાથે 1300 મેગાવોટના રીન્યૂએબલ એનર્જીના રાઉન્ડ-ધ-ક્લોક સપ્લાય માટે ટર્મ શીટ સાઈન કરી છે.
ઝી એન્ટરટેઈનમેન્ટઃ મિડિયા કંપનીએ જણાવ્યું છે કે એનસીએલટીએ પ્રાઈવેટ લેન્ડર ઈન્ડસઈન્ડ બેંક સાથેના તેના વિવાદને ઉકેલ્યો છે. જેને કારણે ઝી અને સોનીના મર્જરનો વિરોધ કરતી ઈન્ડસઈન્ડ બેંકની અરજી પરત ખેંચવામાં આવી છે. સિટી નેટવર્ક્સ રૂ. 89 કરોડના ચૂકવણામાં નાદાર બનતાં સમસ્યાની શરૂઆત થઈ હતી.
તાતા પાવરઃ તાતા પાવર સોલાર સિસ્ટમ્સે જાહેર ક્ષેત્રની એનએલસી પાસેથી રાજસ્થાનમાં બારમેર ખાતે 300 મેગાવોટનો રૂ. 1755 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે. કંપની આ પ્રોજેક્ટની સ્થાપના ઉપરાંત તેના કાર્યાન્વિત થયાના ત્રણ વર્ષો સુધી ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરી પણ સંભાળશે.
એનએચપીસીઃ પીએસયૂ હાઈડ્રો પાવર કંપનીના બોર્ડે પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફતે એકથી વધુ તબક્કામાં કોર્પોરેટ બોન્ડ્સ ઈસ્યુ કરી રૂ. 5600 કરોડ ઊભા કરવા માટેની મંજૂરી આપી છે.