બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
એક્સપાયરી વીકમાં બીજા સત્રમાં મજબૂતી જોવા મળી
એશિયન બજારોમાં 2 ટકા સુધીની મજબૂતી નોંધાઈ
વોલેટિલિટી ઈન્ડેક્સ 1.5 ટકા ગગડી 12.22ના સ્તરે
રિઅલ્ટી, મેટલ, ઓટો, પીએસઈમાં મજબૂતી
એફએમસીજી, ફાર્મા, પીએસયૂ બેંક્સમાં નરમાઈ
બીઈએમએલ, ફિનોલેક્સ ઈન્ડ, વર્ધમાન ટેક્સ. નવી ટોચે
રાજેશ એક્સપોર્ટ્સ નવા તળિયે
ઓગસ્ટ સિરિઝ એક્સપાયરીના સપ્તાહમાં સતત બીજા સત્રમાં શેરબજારમાં મજબૂતી જળવાય રહી હતી. યુએસ સાથે એશિયન બજારોએ સુધારો જાળવી રાખતાં ભારતીય બજારને સપોર્ટ મળ્યો હતો. જેની પાછળ બીએસઈ સેન્સેક્સ 79.22 પોઈન્ટ્સ મજબૂતી સાથે 65075.92ની સપાટીએ જ્યારે નિફ્ટી 36.60 પોઈન્ટ્સ સુધારે 19342.65ની સપાટીએ બંધ જોવા મળ્યાં હતાં. મીડ અને સ્મોલ-કેપ્સમાં મજબૂતી જળવાઈ રહેતાં માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે કુલ 3748 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2071 પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 1521 કાઉન્ટર્સ નેગેટિવ જોવાં મળ્યાં હતાં. 217 કાઉન્ટર્સ વાર્ષિક ટોચ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 30 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. 9 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં જ્યારે 4 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.5 ટકા ગગડી 12.22ના સ્તરેના સ્તરે બંધ રહ્યો હતો.
સોમવાર પછી મંગળવારે બીજા સત્રમાં પણ ભારતીય બેન્ચમાર્ક નિફ્ટીએ ગેપ-અપ ઓપનીંગ દર્શાવ્યું હતું. અગાઉના 19306ના બંધ સામે નિફ્ટી 19375 પર ખૂલી ઉપરમાં 19378 પર ટ્રેડ થઈ તેની નજીક જ બંધ રહ્યો હતો. કેશ નિફ્ટી સામે નિફ્ટી ફ્યુચર 3 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19346 પર બંધ જોવા મળ્યો હતો. આમ, માર્કેટમાં લોંગ પોઝીશનમાં રોલઓવર જળવાયું હોવાનો સંકેત હતો. નિફ્ટીને સપોર્ટ કરનારા મહત્વના કાઉન્ટર્સમાં હિંદાલ્કો, યુપીએલ, અદાણી પોર્ટ્સ, હીરો મોટોકોર્પ, તાતા સ્ટીલ, બજાજ ઓટો, અદાણી એન્ટરપ્રાઈઝ, જેએસડબલ્યુ સ્ટીલ, એચડીએફસી લાઈફ, ટેક મહિન્દ્રા, એનટીપીસી, પાવર ગ્રીડ, અલ્ટ્રાટેક સિમેન્ટ, ટાઈટન કંપનીનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, ભારતી એરટેલ, એચયૂએલ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, એક્સિસ બેંક, ડો. રેડ્ડીઝ લેબો, ઈન્ડસઈન્ડ બેંક, એપોલો હોસ્પિટલ, સન ફાર્મા, તાતા કન્ઝ્યૂમરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળતો હતો. સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો રિઅલ્ટી, મેટલ, ઓટો, પીએસઈમાં મજબૂતી જોવા મળી હતી. જ્યારે એફએમસીજી, ફાર્મા, પીએસયૂ બેંક્સ નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી રિઅલ્ટી 1.7 ટકા ઉછળી બંધ રહ્યો હતો. જેમાં ઈન્ડિયાબુલ્સ રિઅલ્ટી 5 ટકાથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત હેમિસ્ફિઅર, ડીએલએફ, બ્રિગેડ એન્ટરપ્રાઈઝ, ઓબેરોય રિઅલ્ટી, સનટેક રિઅલ્ટી, સોભા, ગોદરેજ પ્રોપર્ટીમાં સુધારો નોંધાયો હતો. નિફ્ટી મેટલ પણ 1.3 ટકા સુધારો સૂચવતો હતો. જેમાં જિંદાલ સ્ટીલ 3 ટકાથી વધુ મજબૂતી દર્શાવતો હતો. આ ઉપરાંત નાલ્કો, હિંદાલ્કો, સેઈલ, તાતા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, એનએમડીસી, કોલ ઈન્ડિયા, રત્નમણિ મેટલમાં સુધારો જોવા મળ્યો હતો. નિફ્ટી ઓટો 0.7 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. જેમાં ટીવીએસ મોટર, ભારત ફોર્જ, હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, તાતા મોટર્સ, એમએન્ડએમ, બોશ, મધરસન સુમી, એમઆરએફ, અશોક લેલેન્ડમાં મજબૂતી જોવા મળતી હતી. નિફ્ટી પીએસયૂ બેંક ઈન્ડેક્સ 0.5 ટકા ઘટાડો સૂચવતો હતો. જેમાં યુનિયન બેંક, યૂકો બેંક, સેન્ટ્રલ બેંક, ઈન્ડિયન બેંક, જેકે બેંક, બેંક ઓફ મહારાષ્ટ્ર, બેંક ઓફ ઈન્ડિયા, આઈઓબીમાં નરમાઈ જોવા મળતી હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટની વાત કરીએ તો દિપક નાઈટ્રેટ 6.5 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત આરતી ઈન્ડસ્ટ્રીઝ, ભેલ, આઈજીએલ, અતુલ, જિંદાલ સ્ટીલ, તાતા કેમિકલ્સ, એસઆરએફ, હિંદ કોપર, વોલ્ટાસ, નવીન ફલોરિન, નાલ્કો, ડીએલએફ, ટીવીએસ મોટર, જીએનએફસી, હિંદાલ્કો, ટ્રેન્ટ, અદાણી પોર્ટ્સમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, પિરામલ એન્ટરપ્રાઈઝિસ, એચડીએફસી એએમસી, ભારતી એરટેલ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ, ગોદરેજ કન્ઝ્યમૂર, પોલીકેબ, ગ્લેનમાર્ક, એસ્ટ્રાલ, એચયૂએલ, વોડાફોન આઇડિયા, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંકમાં નરમાઈ જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક તો ટોચની સપાટી દર્શાવનાર કાઉન્ટર્સમાં બીઈએમએલ, ફિનોલેક્સ ઈન્ડ, વર્ધમાન ટેક્સટાઈલ, ગુજરાત પીપાવાવ, સુઝલોન એનર્જી, ભેલ, 3એમ ઈન્ડિયા, ભારત ફોર્જ, બિરલોસોફ્ટ, બર્ગર પેઈન્ટ્સ, એમઆરપીએલ અને આરઈસીનો સમાવેશ થતો હતો. જ્યારે રાજેશ એક્સપોર્ટ્સ નવા તળિયે ટ્રેડ દર્શાવતો હતો.
એરટેલ યુગાન્ડા ખાતે સૌથી મોટા IPO સાથે બજારમાં પ્રવેશશે
એરટેલ જૂથની એરટેલ યુગાન્ડા બુધવારે 21.6 અબજ ડોલરનો આઈપીઓ ખૂલ્લો મૂકશે
ભારતીય ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર એરટેલની સબસિડિયરી એરટેલ યુનાન્ડા લિ. દેશમાં સૌથી મોટા આઈપીઓ સાથે બુધવારે મૂડીબજારમાં પ્રવેશશે. કંપની શેર્સ વેચાણ મારફતે સ્થાનિક ચલણમાં 800 અબજ શિલીંગ્સ અથવા તો 21.6 કરોડ ડોલર ઊભા કરશે.
કંપનીએ તેના શેરનું મૂલ્ય 100 શીલીંગ નિર્ધારિત કર્યું છે. જે સાથે તેનું વેલ્યૂએશન 4 ટ્રિલિયન શીલીંગ્સનું બેસે છે. જે તેને બીજા ક્રમની ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર બનાવે છે. બિલિયોયર સુનીલ મિત્તલની માલિકીની એરટેલ આફ્રિકા પીએલસી 20 ટકા હિસ્સાનું વેચાણ કરવા જઈ રહી છે. શેર્સની સંખ્યાની રીતે જોઈએ તો તે 800 કરોડ શેર્સનું વેચાણ કરશે. કંપનીની ઓફર બુધવારે ખૂલશે અને 13 ઓક્ટોબરે બંધ થશે એમ યુગાન્ડાના કેપિટલ કંપાલામાં પ્રગટ થયેલાં પ્રોસ્પેક્ટસમાં જણાવાયું હતું. કંપનીનો શેર 31 ઓક્ટોબરથી ત્યાંના શેરબજાર પર ટ્રેડિંગ શરૂ કરશે. યુગાન્ડા સરકારે ત્યાંની ટેલિકોમ્યુનેકિશન્સ કંપનીઓને 20 ટકા હિસ્સો સ્થાનિક શેરબજારો પર વેચાણ માટે જણાવ્યું હતું. જેથી સ્થાનિક શેરહોલ્ડિંગ મજબૂત બની શકે અને મૂડી બજારની પરિપક્વતામાં વૃદ્ધિ નોંધાય. જો એરટેલ યુગાન્ડા તેના આઈપીઓ ટાર્ગેટને હાંસલ કરશે તો યુગાન્ડામાં માર્કેટ વેલ્યૂની રીતે તે સૌથી મોટી કંપની બનશે. 2021માં લિસ્ટ થયેલી એમટીએન યુગાન્ડાનું મૂલ્ય 3.8 ટ્રિલીયન શીલીંગ્સ જોવા મળે છે. કંપનીનો આઈપીઓ અન્ડર-સબસ્ક્રાઈબ્ડ થયો હતો. તેણે 15 કરોડ ડોલર ઊભા કર્યાં હતાં. જે આઈપીઓની કુલ રકમના 66 ટકા જેટલી હતી. કંપનીના શેરે 200 શીલીંગની ઓફર પ્રાઈસ સામે 15 ટકા નુકસાન દર્શાવ્યું હતું. અબ્સા બેંક યુગાન્ડા આઈપીઓની લીડ ટ્રાન્ઝેક્શન એડવાઈઝર છે. જ્યારે ક્રેસ્ટેડ કેપિટલ લીડ સ્પોન્સરિંગ બ્રોકર છે.
મારુતિ સુઝુકી આંઠ વર્ષોમાં ક્ષમતાને બમણી કરશે
કંપની તેની ઉત્પાદન ક્ષમતાને 40 લાખ યુનિટ્સ પર લઈ જવા માટે રૂ. 45 હજાર કરોડનું રોકાણ કરશે
મારુતિ સુઝુકી ઈન્ડ્યા આગામી આઁઠ વર્ષોમાં રૂ. 45000 કરોડનું રોકાણ કરી તેની વાર્ષિક કાર ઉત્પાદન ક્ષમતાને વધારી બમણી કરશે એમ કંપનીના ચેરમેન આરસી ભાર્ગવે મંગળવારે જણાવ્યું હતું. કંપની તેની ક્ષમતાને 2031 સુધીમાં 40 લાખ યુનિટ્સ પર લઈ જશે. કંપની શેરના ભાવમાં સ્પિલ્ટ માટે શેરધારકોનું સૂચન મંગાવશે એમ પણ ભાર્ગવે કંપનીની વાર્ષિક સાધારણ સભામાં બોલતાં જણાવ્યું હતું.
વૈશ્વિક ઓટો ઈન્ડસ્ટ્રી કાર્બન ન્યૂટ્રાલિટી તરફ આગળ વધી રહી છે ત્યારે મારુતિ સુઝુકી પણ ઘણી ટેક્નોલોજીસ સાથે કામ કરી રહી છે. જેમાં ઈલેક્ટ્રીક વેહીકલ્સ, હાઈબ્રીડ્સ, સીએનજી, ઈથેનોલ-બ્લેન્ડ્ડ અને કોમ્પ્રેસ્ડ બાયોગેસનો સમાવેશ થાય છે એમ ભાર્ગવે જણાવ્યું હતું. જોકે, આગામી આઁઠથી દસ વર્ષોમાં નવી ટેક્નોલોજીને લઈને શું થશે તે અંગે કોઈ આગાહી કરવી અઘરી હોવાનું તેમણે નોંધ્યું હતું. શેરધારકોને સંબોધનમાં ભાર્ગવે જણાવ્યું હતું કે કંપની 40 વર્ષોના તેના અસ્તિત્વમાં 20 લાખ કાર્સના ઉત્પાદન અને વેચાણ પર પહોંચી ચૂકી છે અને હવે આંઠ વર્ષોમાં વધુ 20 લાખ ટનની ક્ષમતા ઉમેરવાની તૈયારી કરી રહી છે. સાથે ભારતમાં તેની સફરના ત્રીજા તબક્કામાં ટર્નઓવરને પણ બમણાથી વધુ કરવા માગે છે. ભાર્ગવના જણાવ્યા મુજબ વર્તમાન યુગ અનિશ્ચિતતાથી ભરેલો છે. તેમજ તે ખૂબ પડકારદાયી છે. વધુ 20 લાખ કાર્સ માટેની ક્ષમતા ઊભી કરવામાં જ મારુતિને રૂ. 45 હજાર કરોડનો ખર્ચ થશે. તેનો આધાર આગામી સમયગાળામાં ઈન્ફ્લેશન કેવું રહે છે તેના પર છે.
‘મારુતિ 3.0’ હેઠળ કંપની નાણા વર્ષ 2030-31 સુધીમાં 20 લાખ યુનિટ્સની ઉત્પાદન ક્ષમતાનો ટાર્ગેટ બાંધી રહી છે. જેમાં કુલ 28 જેટલા વિવિધ મોડેલ્સનો સમાવેશ થતો હશે. કંપનીના શરૂઆતી પ્રથમ તબક્કામાં તે જાહેર એન્ટરપ્રાઈઝ હતી. બીજા તબક્કો મહમારી સાથે સમાપ્ત થયો અને ભારત વિશ્વમાં ત્રીજા ક્રમનું કાર માર્કેટ બન્યું હતું. એજીએમમાં ભાર્ગવે કંપનીમાં માળખાકિય રિઓર્ગેનાઈઝેશનનો ઉલ્લેખ પણ કર્યો હતો. શેરધારકના સવાલના જવાબમાં ભાર્ગવે જણાવ્યું હતું કે તેઓ સ્ટોક સ્પિલ્ટના મુદ્દાને બોર્ડમાં રજૂ કરશે અને તે માટે શેરધારકોની ઈચ્છા મુજબ આગળની કાર્યવાહી નિર્ધારિત થશે. મંગળવારે મારુતિનો શેર રૂ. 9621.25ની સપાટી પર ટ્રેડ થઈ રહ્યો હતો.
ભારતીય શેરબજારે ચાલુ વર્ષે આશ્ચર્ય સર્જ્યુઃ જીમ રોજર્સ
રોજર્સના મતે કોઈએ સારી કામગીરી છે અને તેથી જ ભારતીય બજારે આઉટપર્ફોર્મન્સ નોંધાવ્યું છે
કોમોડિટી ગુરુ રોજર્સે ચાંદીમાં રોકાણની કળા ભારત પાસેથી શીખી હતી, તેમના મતે ભારત ચાંદીમાં એક મહાન રોકાણકાર બની રહ્યું છે
ઈન્ફ્લેશન અંકુશમાં નહિ હોવાથી યુએસ ખાતે રેટમાં વૃદ્ધિ જળવાય રહેવાનો રોજર્સનો મત
મોટાભાગના શેરબજારો મજબૂતી દર્શાવી રહ્યાં છે અને હજુ પણ તેજી જળવાય રહેશે
કોમોડિટીઝમાં રોકાણ માટે જાણીતા જીમ રોજર્સના જણાવ્યા મુજબ ભારતે કોવિડ મહામારી પછી ખૂબ સારી કામગીરી દર્શાવી છે. ભારતીય શેરબજાર તેની સર્વોચ્ચ સપાટી દર્શાવતું રહ્યું છે અને વિશ્વના મોટાભાગના શેરબજારોની સરખામણીમાં તેની કામગીરી સારી જળવાય છે. આમ થવા પાછળ કોઈની સારી કામગીરી જવાબદાર હોવાનું તેઓ માને છે. ચાલુ વર્ષે ભારતીય બજાર આટલી મજબૂતી દર્શાવશે તેવી અપેક્ષા મને નહોતી એમ રોજર્સ ઉમેરે છે. તેમના મતે તેઓ ભારતીય બજારમાં એકપણ શેર્સ ધરાવતાં નથી અને તે સર્વોચ્ચ ટોચ ઉપર હોવાથી તેમને ખરીદીમાં રસ પણ નથી.
રોજર્સ જણાવે છે કે યુએસ શેરબજાર પણ તેની ટોચ નજીક ટ્રેડ થઈ રહ્યું છે અને તેથી તેઓ ત્યાંના બજારમાં પણ કોઈ શેર ખરીદવાની ઈચ્છાં ધરાવતાં નથી. જ્યારે પણ શેરબજારો તેમની ટોચ પર હોય ત્યારે તેઓ બાજુમાં બેસી રહેવાનું પસંદ કરે છે અને તેને દૂરથી જોયે રાખે છે. ક્યારેક તેઓ શોર્ટ કરતાં હોય છે. જોકે, હજુ સુધી તેમણે કોઈ શોર્ટ પોઝીશન નથી લીધી. રોજર્સ જણાવે છે કે આજે વિશ્વમાં તમામ શેરબજારો ખૂબ મજબૂત જોવ મળી રહ્યાં છે. જાપાનનો બેન્ચમાર્ક 30-વર્ષથી ઉપરની ટોચ પર જોવા મળ્યો છે. માત્ર ચીનને બાદ કરતાં તમામ બજારો સારો દેખાવ સૂચવી રહ્યાં છે. ભારતે ખૂબ સારો દેખાવ કર્યો છે. જે આશ્ચર્યજનક છે.
રોજર્સના મતે કેટલાંક દેશોમાં વ્યાજ દરોમાં વૃદ્ધિ થઈ રહી છે. જોકે તે એટલાં બધાં ટાઈટ નથી થયાં. ઈન્ફ્લેશનને જોતાં તેઓ હજુ વધી શકે છે. તેમના મતે જ્યારે રેટ નોંધપાત્ર રીતે વધતાં જોવા મળશે ત્યારે બજારમાં તે તો શોર્ટ કરી શકે છે. સેન્ટ્રલ બેંક્સ સામાન્યરીતે ખોટી સાબિત થતી હોય છે એમ તેમનું માનવું છે. બહુ જૂજ સેન્ટ્રલ બેંક્સને ખ્યાલ હોય છે કે શું ચાલી રહ્યું છે અને જ્યારે તેઓ રેટમાં મજબૂતીથી વૃદ્ધિ કરે છે અથવા તેમાં ઘટાડો કરે છે ત્યારે જ હું તેમને સાંભળું છું એમ રોજર્સ ઉમેરે છે. તેમના મતે વિશ્વમાં ચારે બાજુ એટલાં બધા પૈસા પ્રિન્ટ થઈ રહ્યાં છે કે મોટાભાગના અર્થતંત્રો સારો દેખાવ જાળવી રાખશે. જ્યાં સુધી કોઈ એકદમ સખતાઈપૂર્વક રેટ વધારવાનું શરૂ નહિ કરે ત્યાં સુધી બજારો અને અર્થતંત્રો સારો દેખાવ જાળવી રાખશે. યુએસ તરફથી વ્યાજ દરમાં હજુ પણ વૃદ્ધિ ચાલુ રહેશે એવો આશાવાદ તેઓ વ્યક્ત કરે છે. કેમકે ત્યાં ઈન્ફ્લેશન હજુ પણ અંકુશમાં નથી. માત્ર યુએસ ખાતે જ નહિ પરંતુ અન્યત્ર પણ રેટમાં વૃદ્ધિ જળવાશે એમ તેમનું કહેવું છે. કોમોડિટી ગુરુના મતે સેન્ટ્રલ બેંકર્સે માર્કેટ તરફ કોઈ ધ્યાન આપવાનું હોતું નથી. તેઓ એવું કહેતાં હોય છે કે અમે માર્કેટને ગણનામાં લેતાં નથી પરંતુ વાસ્તવમાં તેઓ લે છે.
રોજર્સ જણાવે છે કે તેઓ યુએસ ડોલર્સમાં સૌથી મોટી પોઝીશન ધરાવે છે. જ્યારે પણ લોકો ચિંતા કરે છે ત્યારે તેઓ સેફ હેવન તરીકે યુએસ ડોલર તરફ વળે છે અને તેથી જ હું ડોલરમાં સૌથી ઊંચું કરન્સી પોઝીશન ધરાવું છું એમ રોજર્સ ઉમેરે છે. જોકે, વિશ્વના ઈતિહાસમાં આજે યુએસ સૌથી દેવાદાર દેશ છે અને તેથી તે સેફ હેવન નથી જોકે લોકો હજુ પણ એવું જ માને છે કે તે સેફ હેવન છે. હાલમાં વિશ્વમાં અન્ય કોઈ કરન્સી ડોલર જેટલી મજબૂત નથી અને તેથી હું પોઝીશન લઈને બેઠો છું. જોકે, આ સ્થિતિ હંમેશા જળવાયેલી નહિ રહે એમ પણ તેઓ ઉમેરે છે.
રોજર્સના મતે શેરબજારોમાં મજબૂતી જળવાશે. તેઓ ચાઈનીઝ શેર્સમાં રોકાણ ધરાવે છે અને તેમણે એકપણ શેર્સ વેચ્યો નથી. જોકે, તાજેતરમાં કોઈ ખરીદી પણ નથી કરી. જોકે, ચીન ખાતે વર્ષોથી મોટો પ્રોપર્ટી બબલ ઊભો થયો છે. જેને હાલમાં તેઓ ઠંડો પાડી રહ્યાં છે. ઉપરાંત ત્યાં વાઈરસની સૌથી ખરાબ અસર જોવા મળી હતી. જેને કારણે હાલમાં ત્યાંનું અર્થતંત્ર સારી કામગીરી દર્શાવી રહ્યું નથી. જોકે, વર્તમાન સમયને તેઓ તક તરીકે જોઈ રહ્યાં છે.
બાસમતીની નિકાસ માટે MEP નિર્ધારિત કર્યાં પછી ભાવમાં ઘટાડો
પુસા બાસમતી 1509 ડાંગરના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 300 જેટલાં તૂટ્યાં
કેન્દ્ર સરકારે ગયા સપ્તાહાંતે દેશમાંથી બાસમતીની નિકાસ માટે લઘુત્તમ એક્સપોર્ટ પ્રાઈસ(MEP) નિર્ધારિત કરતાં બાસમતી ડાંગરના ભાવોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. હરિયાણા ખાતે પુસા બાસમતી 1509 ડાંગરના ભાવ પ્રતિ ક્વિન્ટલ રૂ. 300 જેટલો ઘટાડો નોંધાયો હતો. સરકારે નિર્ધારિત કરેલી એમઈપી ઊંચી હોવાનું જણાવવા સાથે ટ્રેડ વર્તુળો તેને ઘટાડે 1000 ડોલર પ્રતિ ટન કરવાનું સૂચવી રહ્યાં છે. પુસા બાસમતી ટૂંકા સમયનો પાક છે અને સિઝનમાં તે સૌથી પહેલા બજારમાં પ્રવેશતો હોય છે.
સરકારની કૃષિ નિકાસ પ્રમોશન સંસ્થા એપેડાએ સોમવારેથી કેન્દ્રિય વાણિજ્ય મંત્રાલય પર અમલ શરૂ કર્યો હતો. તેણે ઓનલાઈન એપ્લિકેશન ફાઈલીંગ સિસ્ટમાં સુધારો હાથ ધર્યો હતો. જ્યારપછી કોઈપણ એક્સપોર્ટ કોન્ટ્રેક્ટ 1200 ડોલર પ્રતિ ટનની નીચેના ભાવે રજિસ્ટર નહિ થઈ શકે એમ ઉદ્યોગ વર્તુળો જણાવતાં હતાં. ટોચના બાસમતી નિકાસકારના જણાવ્યા મુજબ સરકારે જે ભાવે બાસમતી ચોખાની નિકાસ થઈ છે તેના સરેરાશ ભાવને આઘારે એમઈપી નિર્ધારિત કરવાની જરૂર છે. જે વર્તમાન નિર્ધારિત ભાવથી નીચે જોવા મળશે. આમ કરવાથી દેશમાંથી મર્યાદિત પ્રમાણમાં નિકાસ થઈ શકશે. તેમના મતે બાસમતી ચોખાની વિવિધ જાતો અસ્તિત્વમાં છે અને વિદેશમાં તેની અલગ-અલગ માગ જોવા મળે છે. એકવાર નવો માલ બજારમાં પ્રવેશે ત્યારપછી જ નિકાસ ભાવની ખબર પડતી હોય છે.
ઉદ્યોગ વર્તુળના જણાવ્યા મુજબ જો ભાવ ઊંચો જશે તો વિદેશી ખરીદાર ક્વોન્ટિટીમાં ઘટાડો કરશે તેવી ધારણા છે. જોકે, આમ માનવું યોગ્ય નથી. તેમના મતે સરકારે એમઈપીને ઘટાડી 950-1000 ડોલર પ્રતિ ટન કરવી જોઈએ. ઓલ ઈન્ડિયા રાઈસ એક્સપોર્ટર્સ એસોસિએશનના પ્રમુખ વિજય શેઠિયાના મતે પુસા બાસમતી 1509 ડાંગરના ભાવ સોમવારે ઘટી રૂ. 3400 પ્રતિ ક્વિન્ટલ જોવા મળતાં હતાં. જે ગયા સપ્તાહાંતે રૂ. 3700 પ્રતિ ક્વિન્ટલ પર જોવા મળતાં હતાં. દેશમાં સૌથી વધુ બાસમતી પકવતા રાજ્ય હરિયાણાની તોહાના મંડી ખાતે 1 ઓગસ્ટથી 18 ઓગસ્ટ સુધીમાં માત્ર 10 ટન પુસા 1509 ડાંગરની આવક જોવા મળી હતી. જોકે, એમઈપીને કારણે ખેડૂતોને ઊંચા ભાવો મેળવવામા સહાયતા મળશે એમ માનવામાં આવે છે. કેમકે એમઈપી બેઝ પ્રાઈસ બની રહેશે.
ભારતે નિકાસ નિયંત્રણ લાદતાં વૈશ્વિક ચોખાના ભાવ નવી ટોચે
ભારત સરકાર તરફથી પારબોઈલ્ડ ચોખા પર 20 ટકા નિકાસ ડ્યૂટી લાગુ પાડવામાં આવતાં વૈશ્વિક બજારમાં ચોખાના ભાવ 12-વર્ષોની નવી ટોચ પર પહોંચ્યાં છે. સરકારે ગયા સપ્તાહાંતે આ ડ્યુટી લાગુ પાડી હતી. દેશમાંથી ચોખાની કુલ નિકાસમાં નોન-બાસમતી ચોખાનો હિસ્સો 80 ટકા હોય છે. જેમાં પારબોઈલ્સ ચોખાનો હિસ્સો નોંધપાત્ર હોય છે. અગાઉ 20 જુલાઈએ સરકારે નોન-બાસમતી વ્હાઈટ રાઈસની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. ભારત વૈશ્વિક સ્તરે ચોખાના ટ્રેડમાં 40 ટકા જેટલો હિસ્સો ધરાવે છે. જેમાં 40 લાખ ટન બાસમતી ચોખાની નિકાસનો સમાવેશ થાય છે. દેશમાંથી બાસમતી ચોખા ખરીદતાં દેશોમાં ઈરાન, ઈરાક, સાઉદી અરેબિયા, યુએઈ અને યુએસનો સમાવેશ થાય છે. 2022-23માં દેશમાંથી 45.6 લાખ ટન બાસમતીની નિકાસ થઈ હતી. જ્યારે 177.9 લાખ ટન નોન-બાસમતી ચોખાની નિકાસ થઈ હતી. 2022-23માં દેશમાં 13.559 કરોડ ટન ચોખાનું ઉત્પાદન નોંધાયું હતું. જે 2021-22માં 12.947 કરોડ ટન પર હતું.
રો સુગરના ભાવ બે-મહિનાની ટોચે પહોંચ્યાં
ઈન્ટરનેશનલ કોમોડિટી એક્સચેન્જ ખાતે રો સુગર ફ્યુચર્સના ભાવ બે મહિનાની ટોચ પર પહોંચી ચૂક્યાં છે. એશિયા ખાતેથી સપ્લાય ઘટવાના ડર પાછળ ખાંડના ભાવમાં મજબૂતી જોવા મળી છે એમ વર્તુળો જણાવે છે. ઓક્ટોબર રો સુગર ફ્યુચર્સ 2.05 ટકા ઉછળી 25.34 સેન્ટ પ્રતિ પાઉન્ડ પર ટ્રેડ થયો હતો. અગાઉ જૂનની આખરમાં તેણે 25.35 સેન્ટની સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. આમ તે ફરી ટોચ નજીક પહોંચ્યો છે. ડિલર્સના જણાવ્યા મુજબ ભારત તરફથી ઓક્ટોબર મહિનાથી ખાંડની નિકાસ પર પ્રતિબંધની શક્યતાં પાછળ ભાવોને સપોર્ટ મળ્યો છે. અલ નીનોને કારણે એશિયન દેશોમાં શેરડીના ઉત્પાદન પર પ્રતિકૂળ અસરની સંભાવના ઊભી થઈ છે.
જુલાઈમાં વૈશ્વિક સ્ટીલ ઉત્પાદનમાં 6.6 ટકા વૃદ્ધિ નોંધાઈ
વૈશ્વિક સ્તરે સ્ટીલ ઉત્પાદનમાં જુલાઈ દરમિયાન વાર્ષિક 6.6 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી અને તે 15.85 કરોડ ટન પર જોવા મળ્યું હતું. જે ગયા વર્ષે સમાનગાળામાં 14.89 કરોડ ટને નોંધાયું હતું. જાન્યુઆરી-જુલાઈ સુધીના સાત મહિનાની વાત કરીએ તો 63 દેશોમાં સ્ટીલ ઉત્પાદન 110.32 કરોડ ટન પર રહ્યું હતું. જે વાર્ષિક ધોરણે 0.1 ટકા ઘટાડો સૂચવે છે. વિશ્વમાં આ 63 દેશો 97 ટકા જેટલું સ્ટીલ ઉત્પાદન ધરાવે છે. વૈશ્વિક ઉત્પાદનમાં વૃદ્ધિ પાછળ ભારત અને ચીન મુખ્ય હતાં. વર્લ્ડ સ્ટીલ એસોસિએશનના જણાવ્યા મુજબ ચીન ખાતે સ્ટીલ ઉત્પાદન 11.5 ટકા વધી જુલાઈમાં 9.08 કરોડ ટન પર જોવા મળ્યું હતું. જ્યારે ભારત ખાતે ઉત્પાદન 14.3 ટકા ઉછળી 1.15 કરોડ ટન નોંધાયું હતું.
ચાલુ નાણા વર્ષમાં NBFC, MFIની નફાકારક્તામાં 2.7-3 ટકા વૃદ્ધિની સંભાવના
ઈકરાના રિપોર્ટ મુજબ કંપનીઓનો નવો પોર્ટફોલિયો ઊંચા રેટ્સ પર બનતાં માર્જિન વધશે
નોન-બેંકિંગ ફાઈનાન્સિયલ કંપનીઝ તથા માઈક્રો ફાઈનાન્સ કંપનીઓની નફાકારક્તામાં ચાલુ નાણા વર્ષ દરમિયાન વધી 2.7-3.0 ટકા પર જોવા મળશે એમ રેટીંગ એજન્સી ઈકરાનો રિપોર્ટ સૂચવે છે. 2022-23માં તે 2.1 ટકા પર મળી હતી. જ્યારે 2024-25માં તે વધી 3.2-3.5 ટકા પર જોવા મળશે એમ રિપોર્ટનું કહેવું છે.
કંપનીઓના માર્જન્સમાં સુધારા પાછળનું મુખ્ય કારણ ઊંચા દરે બનેલા નવા પોર્ટફોલિયોનો વધતો હિસ્સો છે. 2022-23માં નવા એમએફઆઈ રેગ્યુલેશન્સ પછી કંપનીઓએ ઊંચા રેટે લોન વિતરીત કરી છે. બીજી બાજુ, તેમના ક્રેડિટ ખર્ચમાં ઘટાડો જોવા મળ્યો છે. આમ, તેમના માર્જિન્સ વધ્યાં છે. આરબીઆઈ તરફથી નવા નિયમો પછી એનબીએફસી અને એમએફઆઈએ તેમના ધિરાણ દરો વધાર્યાં છે. જોકે, ઊંચા યિલ્ડ્સની અસરો તેમના નફામાં હવે જોવા મળશે. ઈકરાના મતે 2023-24માં અને 2024-25માં આ અસરો અનુભવાશે. બીજી બાજુ, કંપનીઓના ક્રેડિટ ખર્ચમાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. જે ઉદ્યોગ ક્ષેત્રે રિટર્ન ઓન એસેટમાં વૃદ્ધિનું કારણ બનશે. 2023-24માં કંપનીઓનો ROA 60-90 બેસીસ પોઈન્ટ્સ જેટલો વધતો જોવાશે.
ઊંચી ક્રેડિટ માગને કારણે કંપનીઓના કુલ એસેટ અન્ડર મેનેજમેન્ટમાં પણ તીવ્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. 2022-23માં એનબીએફસી-એમએફઆઈનું એયૂએમ 38 ટકા ઉછળ્યું હતું. જે 2023-24માં 24-26 ટકા વૃદ્ધિ દર્શાવે તેવો અંદાજ છે. જ્યારે 2025-26માં તે 23-25 ટકાના દરે વધે તેવી અપેક્ષા રાખવામાં આવે છે.
ચીનની રિઅલ્ટી જાયન્ટ એવરગ્રાન્ડનો શેર પેની સ્ટોક બની ગયો
18-મહિના પછી ફરીથી લિસ્ટીંગમાં કંપનીના મૂલ્યમાં 2.2 અબજ ડોલરનું ગાબડું પડ્યું
કેલેન્ડર 2017માં 420 અબજ હોંગ કોંગ ડોલરની સર્વોચ્ચ ટોચ પરથી હાલમાં માત્ર 2.2 અબજ ડોલરનું મૂલ્ય બચ્યું
ચીનની રિઅલ્ટી જાયન્ટ એવરગ્રાન્ડનો શેર સોમવારે તેના પુનઃ લિસ્ટીંગ વખતે પેની સ્ટોક બની ગયો હતો. કંપનીની માર્કેટ વેલ્યૂ 2.2 અબજ ડોલર અથવા 79 ટકા જેટલી ગગડી હતી. કંપનીનો શેર લગભગ 18-મહિના પછી ફરીથી લિસ્ટ થયો હતો. જોકે, કંપનીની નાણાકિય મુશ્કેલી ચાલુ રહેવાના કારણે તેનો શેર એક હોંગ કોંગ ડોલરથી પણ નીચે સરી ગયો હતો અને એક પેની સ્ટોક બની ગયો હતો.
એવરગ્રાન્ડ છેલ્લાં ત્રણ વર્ષથી મુશ્કેલીનો સામનો કરી રહી છે. જંગી દેવું ધરાવતી કંપની તેનું ડેટ ચૂકવવામાં નાદાર બનતાં શેરનો ભાવ પણ ઊંધા માથે ગગડ્યો હતો. અગાઉ હોંગ કોંગ બજારમાં 18 માર્ચ, 2022ના રોજ 1.65 હોંગ કોંગ ડોલર પર ટ્રેડ થનારો શેર સોમવારે 0.35 એચકે ડોલર પર ટ્રેડ થયો હતો. જે 79 ટકાનું તીવ્ર ધોવાણ સૂચવતો હતો. વચ્ચેના સમયગાળા દરમિયાન કંપનીના શેરમાં ટ્રેડિંગ અટકાવવામાં આવ્યું હતું. સોમવારે એવરગ્રાન્ડનું માર્કેટ-કેપ માત્ર 4.6 અબજ હોંગ કોંગ ડોલર જોવા મળતું હતું. જો યુએસ ડોલરની રીતે જોઈએ તો તે 58.629 કરોડ ડોલર જેટલું થવા જતું હતું. અગાઉ માર્ચ 2022માં તેનું માર્કેટ-કેપ 21.8 અબજ હોંગ કોંગ ડોલર જોવા મળ્યું હતું. જે યુએસ ડોલર સંદર્ભમાં 2.78 અબજ ડોલર જેટલું હતું. કેલેન્ડર 2017માં કંપનીનું વેલ્યૂએશન 420 અબજ હોંગ કોંગ ડોલરની સર્વોચ્ચ ટોચ પર જોવા મળ્યું હતું. શેરમાં માર્ચ, 2022થી ટ્રેડિંગ સસ્પેન્ડ કરવામાં આવ્યું હતું. જોકે, પાછળથી કંપનીએ તેણે હોંગ કોંગ સ્ટોક એક્સચેન્જની તમામ શરતોનું પાલન કર્યાંની ખાતરી આપતાં ટ્રેડિંગ ફરીથી શરૂ કરાયું હતું.
વધુ 1.6 લાખ હેકટર ઉમેરા સાથે ખરિફ વાવેતર 97 ટકાને પાર
ગયા સપ્તાહે એરંડામાં 84 હજાર હેકટર વિસ્તારનો ઉમેરો જોવાયો
શાકભાજી અને ઘાસચારાના વાવેતરમાં 7-7 હેકટરની વૃદ્ધિ નોંધાઈ
ડાંગરનું વાવેતર 4 હજાર હેકટર વધી 8.7 લાખ હેકટરે પહોંચ્યું
ગઈ સિઝનના 82 લાખ હેકટર સામે 83.60 લાખ હેકટરમાં વાવેતર પૂર્ણ
ચાલુ ખરિફ સિઝનમાં વાવેતર 83.60 લાખ હેકટર સાથે 97.15 લાખ હેકટરમાં થઈ ચૂક્યું છે. જે ગયા વર્ષે 82 લાખ હેકટરમાં જોવા મળતું હતું. ગયા સપ્તાહે એરંડા અને ડાંગર ઉપરાંત શાકભાજી અને ઘાસચારા પાકોમાં વાવેતર વૃદ્ધિ જોવા મળી હતી. સપ્તાહ દરમિયાન કુલ 1.6 લાખ હેકટર વાવેતર વૃદ્ધિમાં 84 હજાર જેટલી વૃદ્ધિ માત્ર એરંડાના વાવેતરમાં નોંધાઈ હતી. જ્યારે ડાંગરના વાવેતરમાં 4 હજાર હેકટરનો ઉમેરો થયો હતો. આ ઉપરાંત ઘાસચારા અને શાકભાજી પાકોના વાવેતરમાં પણ 7-7 હજાર હેકટરની વૃદ્ધિ જોવા મળી હતી.
છેલ્લાં ત્રણ વર્ષોમાં રાજ્યમાં સરેરાશ 85.97 લાખ હેકટરમાં ખરિફ વાવેતર જોવા મળ્યું હતું. આમ હજુ પણ 2.37 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર નીચું જોવા મળે છે. જોકે, વાવેતર સિઝન લગભગ પૂર્ણ થઈ ચૂકી છે. એરંડાના વાવેતરમાં હજુ પણ 50 હજાર હેકટર આસપાસ વિસ્તારમાં વૃદ્ધિ સંભવ છે. ગઈ સિઝનમાં 5.4 લાખ હેકટરની સરખામણીમાં એરંડાનું વાવેતર ચાલુ સિઝનમાં 86 હજાર હેકટર ઊંચું જોવા મળી રહ્યું છે. સોમવાર સુધીમાં રાજ્યમાં કુલ 6.26 લાખ હેકટરમાં એરંડા વવાઈ ચૂક્યાં છે. છેલ્લાં ત્રણ વર્ષોમાં રાજ્યમાં 6.68 લાખ હેકટરમાં એરંડા વવાયાં હતાં. આમ સરેરાશની સરખામણીમાં તે હજુ 42 હજાર હેકટર નીચું જોવા મળે છે. ઓગસ્ટમાં વરસાદના અભાવે એરંડાનું વાવેતર અપેક્ષિત વૃદ્ધિ દર્શાવી શક્યું નથી. જોકે, આમ છતાં તેમાં 50-75 હજાર હેકટર સુધીનો ઉમેરો સંભવ છે એમ કૃષિ તજજ્ઞોનું કહેવું છે. ઘાસચારા અને શાકભાજીના પાકોના વાવેતરમાં પણ વધુ 40 હજાર હેકટર સુધીનો વિસ્તાર ઉમેરાઈ શકે છે. જ્યારે કઠોળ પાકોમાં પણ કેટલુંક પાછોતરું વાવેતર સંભવ છે એમ વર્તુળોનું કહેવું છે. ઓગસ્ટમાં વ્યાપક વરસાદના અભાવે જમીનમાં ભેજને કારણે પાકને લઈને ચિંતા જોવા મળી રહી છે. જોકે, હજુ સુધી કોઈ ખાસ વાંધો નથી જોવા મળ્યો. જો સપ્ટેમ્બરમાં પણ વરસાદનું પ્રમાણ નીચું રહેશે તો ઉત્પાદક્તા પર પ્રતિકૂળ અસર પડી શકે છે. તેમજ રવિ સિઝન માટે જમીનમાં ભેજનો અભાવ વર્તાઈ શકે છે. ચાલુ સિઝનમાં કપાસની સ્થિતિ એકંદરે સારી છે. છેલ્લાં ચાર વર્ષોમાં પ્રથમવાર કપાસને અતિવૃષ્ટિને કારણે સમસ્યાનો સામનો કરવાનો નથી થયો. અન્યથા ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં અનેક વિસ્તારોમાં પૂરની સ્થિતિને કારણે ઊભો પાક ધોવાઈ ગયાનું બન્યું છે. મોટાભાગના ખેડૂતો પાસે પાણીની સુવિધા હોવાથી તેઓ પાકને પાણી આપી રહ્યાં છે અને તેથી રાજ્યમાં કપાસનું ઉત્પાદન છેલ્લાં ઘણા વર્ષોની ટોચ પર જોવા મળે તેવી સંભાવના છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
ગોકલદાસ એક્સપોર્ટ્સઃ રેડીમેડ ગાર્મેન્ટ મેન્યૂફેક્ચરર અને એક્સપોર્ટરે તેની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી મારફતે 5.5 કરોડ ડોલરમાં એટ્રાકો ગ્રૂપની ખરીદી માટે કરાર કર્યો છે. દુબઈ મુખ્યાલય ધરાવતી એટ્રાકો કેન્યામાં ચાર મેન્યૂફેક્ચરિંગ યુનિટ્સ જ્યારે ઈથિયોપિઆમાં એક યુનિટ ધરાવે છે. જેની ક્ષમતા વાર્ષિક 4 કરોડ ગાર્મેન્ટ્સની ઉત્પાદનની છે.
વેદાંતાઃ અનિલ અગ્રવાલની વેદાંતા રિસોર્સિઝ જણાવ્યું છે કે તેણે તેના ડોલર બોન્ડહોલ્ડર્સની ઓળખની કવાયત શરૂ કરી દીધી છે. કેમકે માઈનીંગ કંપની આગામી વર્ષે 2 અબજ ડોલરના બોન્ડ રિપેમેન્ટ માટે તૈયારી કરી રહી છે. કંપનીએ 2024માં વિક્રમી ડેટ ચૂકવણી કરવાની છે. તેણે કોર્પોરેટ એડવાઈઝરી કંપની મોર્રોઉ સોડાલીની આ માટે સહાય લીધી છે.
TCS: ટોચની આઈટી સર્વિસિઝ કંપની મહારાષ્ટ્ર હેલ્થ ડિપાર્ટમેન્ટ ખાતે 11 હજાર જગ્યાઓની નિમણૂંક પ્રક્રિયા પર દેખરેખ રાખશે. રાજ્ય સરકારે આ માટેનો નિર્ણય લઈ લીધો છે. આ જગ્યાઓ માટે પરીક્ષા ઓનલાઈન લેવામાં આવશે. કંપની વિવિધ સરકારી વિભાગોમાં નવી નિમણૂંકમાં સહાયરૂપ બની રહી છે. અગાઉ તેણે રેલ્વેઝ, એસએસસી એક્ઝામ્સ, તલાટી નિમણૂંકોની કામગીરી કરેલી છે.
લાર્સન એન્ડ ટુબ્રોઃ એન્જિનીયરીંગ કંપની લો અર્થ ઓર્બિટ સેટેલાઈટ્સ માટે લોંચ વેહીકલ્સના બાંધકામ માટે ઈસરો પાસેથી ટેક્નોલોજી ખરીદવાની ચર્ચા-વિચારણા કરી રહી છે. કંપનીના ઈવીપીના જણાવ્યા મુજબ તેઓને આ માટેનો અનુભવ છે. જેનો ઉપયોગ કરવાની ઈચ્છાં છે. યુએસ ખાતે પ્રાઈવેટ પ્લેયર્સ સ્પેસ ક્ષેત્રે હાજરી ધરાવે છે. જોકે, બાકીના દેશોમાં આમ જોવા મળતું નથી.
બાઈજુસઃ યુએસ એસેટ મેનેજમેન્ટ કંપની બેરોન કેપિટલે એડટેક અગ્રણી બાઈજુસના વેલ્યૂએશનને અડધું કરી નાખ્યું છે. તેણે બાઈજુસના વેલ્યૂએશનને 31 માર્ચના 21.2 અબજ ડોલર પરથી 44.6 ટકા જેટલું ઘટાડી 11.7 અબજ ડોલર કર્યું છે. બિઝનેસ મોમેન્ટમાં ઘટાડા પાછળ તથા બાઈજુસ ખાતે તાજેતરની ઘટનાઓને જોતાં આમ કરવામાં આવ્યું છે.
ઝોમેટોઃ વૈશ્વિક રોકાણકારો ટાઈગર ગ્લોબલ અને યુરી મિલ્નેરની ડીએસટી ગ્લોબલે ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોમાં તેમના 1.8 ટકા હિસ્સાનું વેચાણ કર્યું છે. જે મારફતે તેમણે રૂ. 1412 કરોડ ઊભાં કર્યાં છે. કંપનીઓએ કરેલા હિસ્સાને ખરીદનારાઓમાં એક્સિસ એમએફ, એસબીઆઈ લાઈફ ઈન્શ્યોરન્સ, આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલનો સમાવેશ થાય છે.