માર્કેટ સમરી
બુલ્સ પરત ફરતા ઓક્ટોબર સિરિઝની પોઝીટીવ શરૂઆત
નિફ્ટી 19600 પર પરત ફર્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 11 ટકા ગગડી 11.45ના સ્તરે
ફાર્મા, મેટલ, પીએસઈ, એનર્જીમાં ઊંચી ખરીદી
આઈટીમાં નરમાઈ યથાવત
હૂડકો, આરબીએલ બેંક, સોભા, એનટીપીસી નવી ટોચે
નવીન ફ્લોરિન, ડેલ્ટા કોર્પ નવા તળિયે
ભારતીય શેરબજારમાં બુલ્સ પરત ફરતાં ઓક્ટોબર ડેરિવેટીવ્ઝ સિરિઝની શરૂઆત પોઝીટીવ નોંધ સાથે થઈ હતી. બીએસઈ સેન્સેક્સ 320 પોઈન્ટ્સ મજબૂતી સાથે 65828ની સપાટીએ જ્યારે નિફ્ટી 115 પોઈન્ટ્સ સુધરી 19638ની સપાટીએ બંધ રહ્યાં હતાં. મીડ-કેપ અને સ્મોલ-કેપ્સમાં ભારે ખરીદી પાછળ માર્કેટ બ્રેડ્થ પોઝીટીવ જળવાય હતી. બીએસઈ ખાતે કુલ 3781 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2350 પોઝીટીવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 1278 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 192 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ બનાવી હતી. જ્યારે 35 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ સતત ચાર સત્રો દરમિયાન તીવ્ર વૃદ્ધિ પછી 11 ટકા ગગડી 11.45ના સ્તરે બંધ રહ્યો હતો.
ગુરુવારે યુએસ બજારોમાં મજબૂતી પાછળ એશિયાઈ બજારો પોઝીટીવ ટ્રેડ દર્શાવી રહ્યાં હતાં. જેની પાછળ શુક્રવારે ભારતીય બેન્ચમાર્ક નિફ્ટીએ ગેપ-અપ ઓપનીંગ દર્શાવી સુધારો જાળવી રાખ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે બેન્ચમાર્કે 19726ની ટોચ બનાવી હતી. જોકે આખરી કલાકમાં પ્રોફિટ બુકિંગ પાછળ તેણે અડધો-અડધ સુધારો ગુમાવ્યો હતો. નિફ્ટી કેશની સરખામણીમાં નિફ્ટી ફ્યુચર 76 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 19714 પર બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રમાં જોવા મળતાં 121 પોઈન્ટ્સના પ્રિમીયમની સરખામણીમાં તીવ્ર ઘટાડો સૂચવે છે. જેનો અર્થ થાય છે કે માર્કેટમાં લોંગ પોઝીશનમાં કોઈ ઉમેરો નથી જોવાયો. જે સાવચેતી જાળવવા સૂચવે છે. બેન્ચમાર્ક જ્યાં સુધી 19800ની સપાટી પાર કરે નહિ ત્યાં સુધી નવી ખરીદી ટાળવી જોઈએ તેમજ શોર્ટ પોઝીશન માટે 19900નો સ્ટોપલોસ જાળવવો જોઈએ. શુક્રવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા ઘટકોમાં હિંદાલ્કો, એનટીપીસી, હીરો મોટોકોર્પ, ડો. રેડ્ડીઝ લેબ્સ, ડિવિઝ લેબ્સ, તાતા મોટર્સ, ઓએનજીસી, એપોલો હોસ્પિટલ, સન ફાર્મા, સિપ્લા, ગ્રાસિમ, યૂપીએલ, કોલ ઈન્ડિયા, તાતા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, એસબીઆઈ, એસબીઆઈ લાઈફ, અલ્ટ્રાટેક સિમેન્ટનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, અદાણી એન્ટરપ્રાઈઝ, એલટીઆઈમાઈન્ડટ્રી, એચસીએલ ટેકનોલોજી, ટેક મહિન્દ્રા, પાવર ગ્રીડ કોર્પોરેશન, એશિયન પેઈન્ટ્સ, ઈન્ફોસિસમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો.
સેક્ટર પર્ફોર્મન્સની વાત કરીએ તો ફાર્મા, મેટલ, પીએસઈ, એનર્જીમાં ઊંચી ખરીદી નીકળી હતી. જ્યારે આઈટીમાં નરમાઈ યથાવત રહી હતી. નિફ્ટી ફાર્મા ઈન્ડેક્સ 2.66 ટકા ઉછળ્યો હતો. જેને મુખ્ય સપોર્ટ ઓરોબિંદો ફઆરમા, ટોરેન્ટ ફાર્મા, લ્યુપિન, ડો. રેડ્ડીઝ લેબ્સ, ડિવિઝ લેબ્સ, સન ફાર્મા, આલ્કેમ લેબ, ઝાયડસ લાઈફ અને બાયોકોન તરફથી સાંપડ્યો હતો. નિફ્ટી પીએસઈ ઈન્ડેક્સ પણ 2 ટકા મજબૂતી સાથએ બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં નાલ્કો, એનએમડીસી, એનટીપીસી, ભેલ, પાવર ફાઈનાન્સ, ગેઈલ, ભારત ઈલેક્ટ્રીક, ઓએનજીસી, ઓઈલ ઈન્ડિયા, સેઈલ અને આરઈસી નોંધપાત્ર સુધારો દર્શાવતાં હતાં. નિફઅટી મેટલ પર 1.9 ટકા ઉછાળે બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટી પીએસયૂ બેંક 1.6 ટકા વૃદ્ધિ દર્શાવતો હતો. જેના ઘટકોમાં બેંક ઓફ ઈન્ડિયા, યુનિયન બેંક, ઈન્ડિયન બેંક, સેન્ટ્રલ બેંક, બેંક ઓફ બરોડા, પંજાબ એન્ડ સિંધ બેંકમાં નોંધપાત્ર સુધારો જોવા મળતો હતો. નિફ્ટી રિઅલ્ટી ઈન્ડેક્સ એક ટકા મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેમાં સોભા, ઓબેરોય રિઅલ્ટી, ડીએલએફ, ગોદરેજ પ્રોપર્ટીઝમાં 5 ટકા સુધીની વૃદ્ધિ નોંધાઈ હતી.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટમાં ગ્લેનમાર્ક ફાર્મા 10 ટકા સાથે સૌથી વધુ ઉછળ્યો હતો. આ ઉપરાંત વેદાંત, સન ટીવી નેટવર્ક, હિંદાલ્કો, એલએન્ડટી ફાઈ., ડો. લાલ પેથલેબ, આરબીએલ બેંક, ઓરોબિંદો ફાર્મા, નાલ્કો, એનએમડીસી, ઝી એન્ટર., મેટ્રોપોલીસ, હિંદ કોપર, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, એબોટ ઈન્ડિયા, એનટીપીસીમાં નોંધપાત્ર ખરીદી જોવા મળી હતી. બીજી બાજુ, નવીન ફ્લોરિન 14 ટકા તૂટ્યો હતો. આ ઉપરાંત અદાણી એન્ટરપ્રાઈઝ, એમસીએક્સ ઈન્ડિયા, બલરામપુર ચીની, બોશ, જ્યુબિલિઅન્ટ ફૂડ, એમઆરએફમાં વેચવાલી જોવા મળી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનાર કાઉન્ટર્સમાં હૂડકો, આરબીએલ બેંક, સોભા, એનટીપીસીનો સમાવેશ થતો હતો. જ્યારે નવીન ફ્લોરિન, ડેલ્ટા કોર્પ નવા તળિયા દર્શાવ્યાં હતાં.
મીડ અને સ્મોલ-કેપ્સની તેજી પાછળ કેશ સેગમેન્ટે વિક્રમ રચ્યો
સપ્ટેમ્બરમાં એનએસઈ-બીએસઈ કેશ સેગમેન્ટમાં દૈનિક સરેરાશ રૂ. 90809 કરોડનું ટર્નઓવર નોંધાયું
જે ઓગસ્ટના રૂ. 83368 કરોડના દૈનિક વોલ્યુમ સામે 9 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું
માર્ચમાં રૂ. 52778 કરોડના વોલ્યુમ સામે 75 ટકાની વૃદ્ધિ જોવા મળી
પ્રાઈમરી માર્કેટમાં આઈપીઓની ભરમારને કારણે પણ કામકાજ વધ્યાં
માર્કેટમાં બલ્ક ડિલ્સમાં વૃદ્ધિને કારણે પણ ઊંચા કામકાજ
શેરબજારમાં રિટેલ પાર્ટિસિપેશન વધવાના કારણે સપ્ટેમ્બર મહિનામાં કેશ સેગમેન્ટમાં વિક્રમી કામકાજ નોંધાયા છે. સપ્ટેમ્બર મહિનામાં એનએસઈ અને બીએસઈના કેશ સેગમેન્ટે દૈનિક સરેરાશ રૂ. 90809 કરોડનું ઐતિહાસિક ટર્નઓવર દર્શાવ્યું છે. જે ઓગસ્ટમાં જોવા મળતાં રૂ. 83368 કરોડના સરેરાશ દૈનિક ટર્નઓવર કરતાં 9 ટકા વૃદ્ધિ સૂચવે છે. જ્યારે માર્ચમાં જોવા મળેલા રૂ. 52778 કરોડના દૈનિક કામકાજ સામે 75 ટકાનો ઉછાળો દર્શાવે છે.
એપ્રિલ મહિનાથી શેરબજારમાં તેજી પરત ફરવા સાથે કેશ સેગમેન્ટના વોલ્યુમમાં ઉત્તરોત્તર વધારો જોવા મળ્યો છે. જે દર્શાવે છે કે તેજી સાથે રિટેલ વર્ગ પરત ફર્યો છે. ખાસ કરીને જૂનથી સપ્ટેમ્બરના સમયગાળામાં મીડ-કેપ અને સ્મોલ-કેપમાં એકધારી તેજીને કારણે ડિલીવરી બેઝ તેમજ ઈન્ટ્રા-ડે ટ્રેડિંગ એક્ટિવિટીમાં તીવ્ર વૃદ્ધિ નોંધાઈ છે. ઉપરાંત પ્રાઈમરી માર્કેટમાં કેટલાંક સારા લિસ્ટીંગ્સને કારણે પ્રતિસાદ વધવાથી વધુને વધુ પ્રમોટર્સ બજારમાં પ્રવેશી રહ્યાં છે. સપ્ટેમ્બરમાં છેલ્લાં 15-મહિનામાં સૌથી વધુ આઈપીઓ બજારમાં પ્રવેશ્યાં હતાં. મે 2022 પછી પ્રાઈમરી માર્કેટમાંથી સૌથી ઊંચું ભંડોળ એકત્ર કરવામાં આવ્યું હતું. આઈપીઓના લિસ્ટીંગના દિવસે સામાન્યરીતે કાઉન્ટમાં ઊંચી કામગીરી નોંધાતી હોય છે. અલબત્ત, એવા કોઈ મેગા આઈપીઓ નજીકના સમયગાળામાં બજારમાં નથી પ્રવેશ્યાં. જોકે લિક્વિડીટીને ચેઝ કરતી ઈન્ટ્રા-ડે ટ્રેડિંગ એક્ટિવિટી વધતી હોય છે. માર્કેટ વર્તુળોના મતે છેલ્લાં મહિનાઓમાં પ્રમોટર્સ તથા પ્રાઈવેટ ઈક્વિટી ઈન્વેસ્ટર્સ તરફથી હિસ્સા વેચાણને કારણે બલ્ક ડિલ્સના કામકાજમાં પણ અસાધારણ વૃદ્ધિ જોવા મળી રહી છે. આમ ઓક્ટોબર 2021 પછી સતત વોલ્યુમ ઘટાડો જોઈ રહેલાં કેશ સેગમેન્ટની રોનક પાછી ફરી છે. જોકે, તાજેતરમાં માર્કેટમાં ઊંચી વોલેટિલિટીને જોતાં બ્રોકર્સને રિટેલર્સ ફરી માર્કેટ બહાર જતાં રહે નહિ તેની ચિંતા સતાવી રહી છે.
ગયા સપ્તાહે એનએસઈનો વોલેટિલિટી ઈન્ડેક્સ 25 ટકા જેટલો ઉછળ્યો હતો. સપ્ટેમ્બરના મધ્યાંતરથી માર્કેટ તેની ટોચ પરથી 4 ટકા જેટલો ઘટાડો દર્શાવી ચૂક્યું છે અને તેણે વૈશ્વિક હરિફોની સરખામણીમાં અન્ડરપર્ફોર્મન્સ દર્શાવ્યું છે. જે માર્કેટ પાર્ટિસિપન્ટ્સ માટે સાવચેતી સાથે ચિંતાનું કારણ છે.
ચાલુ કેલેન્ડરમાં કેશ સેગમેન્ટ ટર્નઓવર(રૂ. કરોડમાં)
મહિનો ટર્નઓવર
સપ્ટેમ્બર 90809
ઓગસ્ટ 83368
જુલાઈ 77359
જૂન 67644
મે 63890
એપ્રિલ 54895
માર્ચ 52778
ફેબ્રુઆરી 53986
જાન્યુઆરી 52015
ભારત-યૂએસ વચ્ચે બોન્ડ યિલ્ડના ગાળો 17-વર્ષોના તળિયે
ગુરુવારે બંને દેશોના બેન્ચમાર્ક 10-યર બોન્ડ્સ વચ્ચેનો યિલ્ડ ગેપ 259 બેસીસ પોઈન્ટ જોવાયો, જે વર્ષ અગાઉ 357 બેસીસ પોઈન્ટ પર હતો
અગાઉ મે 2006માં બંને દેશો વચ્ચે 255 બેસીસ પોઈન્ટ્સનો સૌથી નીચો ગાળો નોંધાયો હતો
ભારત સરકારના બેન્ચમાર્ક 10-વર્ષ માટેના બોન્ડ તથા યુએસ સરકારના 10-વર્ષ માટેના બોન્ડ વચ્ચેનો યિલ્ડનો ગાળો તેના 17-વર્ષોના તળિયા પર પહોંચ્યો છે. જે વિદેશી પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સ(એફપીઆઈ) માટે ભારતીય બોન્ડ્સને ઓછા આકર્ષક બનાવે છે. ગુરુવારે બંને દેશોના બેન્ચમાર્ક બોન્ડ્સ વચ્ચેનો ગાળો 259 બેસીસ પોઈન્ટ્સ પર જોવા મળતો હતો. જે મે 2006 પછીનો સૌથી નીચો હતો. મે 2006માં બંને દેશો વચ્ચે યિલ્ડ ગેપ 255 બેસીસ પોઈન્ટ્સ પર જોવા મળ્યો હતો. ડિસેમ્બર 2022માં યિલ્ડ ગેપ 345 બેસીસ પોઈન્ટ્સ પર જ્યારે વર્ષ અગાઉ 357 બેસીસ પોઈન્ટ્સ પર જોવા મળી રહ્યો હતો. વર્તમાન યિલ્ડ ગેપ છેલ્લાં 20-વર્ષોના સરેરાશ 467 બેસીસ પોઈન્ટ્સના સ્પ્રેડથી 200 બેસીસ પોઈન્ટ્સ નીચો જોવા મળી રહ્યો છે.
બંને દેશોના બેન્ચમાર્ક યિલ્ડ્સના ગાળામાં ઘટાડાનું કારણ યુએસ ખાતે બોન્ડ યિલ્ડ્સમાં ભારતીય બોન્ડ્સની સરખામણીમાં જોવા મળતી ઝડપી વૃદ્ધિ છે. છેલ્લાં એક મહિનાની વાત કરીએ તો યુએસના 10-વર્ષ માટેના ટ્રેઝરી બોન્ડ યિલ્ડમાં 50 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ જોવા મળી છે. ચાલુ કેલેન્ડરની શરૂઆતથી યુએસ બોન્ડ યિલ્ડમાં 76 બેસીસ પોઈન્ટ્સની મજબૂતી નોંધાઈ છે. જેની સરખામણીમાં ભારતીય બોન્ડમાં 11 બેસીસ પોઈન્ટ્સનો ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લાં બે વર્ષોની વાત કરીએ તો યુએસ બોન્ડ યિલ્ડ્સમાં 315 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ નોંધાઈ છે. જેની સરખામણીમાં ભારતમાં માત્ર 100 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ જ જોવા મળી છે. યુએસ ફેડ તરફથી આક્રમક રેટ વૃદ્ધિને કારણે યુએસ બોન્ડ યિલ્ડ્સમાં ઊંચી વૃદ્ધિ જળવાય છે. ફેડ માર્ચ 2022થી રેટમાં 12 વાર વૃદ્ધિ કરી ચૂકી છે અને હજુ સુધી તેણે પોઝ માટેના સ્પષ્ટ સંકેત નથી આપ્યાં. ઉપરાંત, યુએસ ખાતે કન્ઝ્યૂમર ડિમાન્ડ અને કોર્પોરેટ ઈન્વેસ્ટમેન્ટસ મજબૂત જોવા મળ્યું છે. જે બેંક ક્રેડિટની માગને વેગ આપી રહ્યાં છે અને નવા બોન્ડ્સના રેટ વધારી રહ્યાં છે. ફેડની સરખામણીમાં આરબીઆઈએ ઓછી રેટ વૃદ્ધિ નોંધાવી છે. મે 2022થી તે રેપો રેટમાં 250 બેસીસ પોઈન્ટ્સ વૃદ્ધિ કરી ચૂકી છે. જોકે, છેલ્લી ત્રણ મિટિંગ્સમાં તેણે રેટને સ્થિર જાળવી રાખવાનું વલણ અપનાવ્યું છે. એનાલિસ્ટ્સના મતે બંને દેશોના બોન્ડ્સ વચ્ચે યિલ્ડ ગેપમાં ઘટાડો વિદેશી રોકાણકારોમાં ભારતીય બોન્ડ્સનું આકર્ષણ ઘટાડી શકે છે. જોકે, તાજેતરમાં જેપીમોર્ગન ગ્લોબલ બોન્ડ ઈન્ડેક્સમાં ભારતનો સમાવેશ એકથી દોઢ વર્ષમાં સ્થાનિક બોન્ડ્સમાં 30 અબજ ડોલર સુધીનું રોકાણ આકર્ષે તેવો અંદાજ છે.
ઝી સાથે મર્જરમાં વિલંબની શક્યતાઃ સોની ઈન્ડિયા
જાપાનની સોની ગ્રૂપ કોર્પે શુક્રવારે જણાવ્યું હતું કે તેના ભારતીય યુનિટના ઝી એન્ટરટેઈનમેન્ટ એન્ટરપ્રાઈઝિસ સાથેના મર્જરમાં કેટલાંક મહિનાઓનો વિલંબ થઈ શકે તેમ છે. અગાઉની યોજના મુજબ આ મર્જર સપ્ટેમ્બર 2023ની આખર સુધીમાં પૂરું થવાનું હતું. જોકે, હવે તેમાં કેટલાંક વધુ મહિના લાગી જશે એમ કંપનીએ નોંધ્યું છે. સોની કોર્પે એક નિવેદનમાં જણાવ્યં હતું કે મૂળ યોજના મુજબ 2023-24ના પ્રથમ અર્ધ વાર્ષિક ગાળાની આખર સુધીમાં આ ટ્રાન્ઝેક્શન પૂરું થવાની ખાતરી હતી પરંતુ વર્તમાન તૈયારી જોતાં અમને આ ડીલ પૂરું કરવામાં કેટલાંક વધુ મહિના લાગે તેવી અપેક્ષા છે. જોકે, આ વિલંબ માટેના કારણો સોની કોર્પે આપ્યાં નહોતાં. એ વાત ઉલ્લેખનીય છે કે સેબી તરફથી ઝી પ્રમોટર્સને કોઈપણ લિસ્ટેડ કંપનીમાં મહત્વના હોદ્દા સ્વીકારવા પર પ્રતિબંધને કારણે આ વિલંબ થઈ રહ્યો હોય તેમ બની શકે છે. ઝી અને સોનીના મર્જરથી 10 અબજ ડોલરની જાયન્ટ મિડિયા કંપની બનવાની શક્યતાં છે.
સરકારનો 2027 સુધીમાં રૂ. 2 લાખ કરોડના હાઈવેઝના વેચાણનો લક્ષ્યાંક
આગામી ત્રણ વર્ષોમાં નેશનલ હાઈવે ઓથોરિટી વાર્ષિક 4થી 4.5 હજાર કિમી નવા માર્ગો કાર્યાન્વિત કરશે
ભારત સરકાર વર્ષ 2027 સુધીમાં લગભગ રૂ. 2 લાખ કરોડ(24.1 અબજ ડોલર) મૂલ્યના હાઈવેઝનું વેચાણ કરે તેવી અપેક્ષા એક રિપોર્ટમાં જણાવાઈ છે. બીજી બાજુ, આગામી ત્રણ વર્ષોમાં નેશનલ હાઈવે ઓથોરિટી વાર્ષિક 4થી 4.5 હજાર કિમી નવા માર્ગો કાર્યાન્વિત કરે તેવી શક્યતાં છે. સરકાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટ અથવા ટોલ-ઓપરેટ-ટ્રાન્સફર મોડેલ મારફતે આ એસેટ્સનું મોનેટાઈઝેશન કરશે એમ કેરએજ રેટિંગ્સે તેના રિપોર્ટમાં નોંધ્યું છે.
રિપોર્ટ મુજબ પબ્લિક-પ્રાઈવેટ પાર્ટનરશીપ આધારિત સરકારનો વર્તમાન પ્લાન સફળ જોવા મળે છે. કેમકે માર્ચ 2022 પહેલા આપવામાં આવેલા 88 ટકા રોડ પ્રોજેક્ટ્સ હાલમાં કાર્યરત છે અને તેને મોનેટાઈઝ(વેચાણ) કરી શકાય તેમ છે. 2020 પહેલાં ફાળવવામાં આવેલા માત્ર 12 ટકા પ્રોજેક્ટ્સ જ તેમના ઓપરેટર્સને કારણે વિલંબિત છે એમ રિપોર્ટ નોંધે છે. એનએચએઆઈએ નવેમ્બર 2021માં ઈન્વિટ(InvIT) લોંચ કર્યું હતું. જે હેઠળ ડિસેમ્બર 2022 સુધીમાં તેણે રૂ. 10200 કરોડ ઊભા કર્યાં હતાં. ભારત સરકાર ઈન્વિટ્સના વધુ તબક્કાઓ મારફતે ચાલુ નાણા વર્ષની આખર અગાઉ વધુ રૂ. 10 હજાર કરોડ ઊભા કરવા ઈચ્છે છે.
યુએસ એફડીએ ભારતીય ફાર્મા પ્લાન્ટ્સની ઓચિંતી ઈન્સ્પેક્શન કામગીરી વધારશે
US FDAના કમિશ્નરના મતે યુએસ ડ્રગ માર્કેટમાં ભારતનું પ્રભુત્વ જળવાયેલું રહેશે
મહામારી પછી એફડીએ તરફથી આગોતરા સૂચન પહેલાં પ્લાન્ટ મુલાકાતમાં વૃદ્ધિ
યુએસ ડ્રગ રેગ્યુલેટરે એક જાહેરાતમાં જણાવ્યું છે કે તે ભારતમાં આવેલા ફાર્માસ્યુટિકલ પ્લાન્ટ્સ માટે આગોતરી જાહેરાત કર્યાં વિના ઈન્સ્પેક્શનની કામગીરી વધારશે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન(યુએસ એફડીએ)ના કમિશન્નર રોબર્ટ કેલીફે જણાવ્યું હતું કે જાહેર થયેલું અને જાહેર નહિ થયેલું, બંને પ્રકારના ઈન્સ્પેક્શનનું મિશ્રણ મહત્વનું છે. હવેથી અગાઉથી જાહેર નહિ કરાયેલા ઈન્સ્પેક્શનનું પ્રમાણ ઊંચું જોઈ શકાશે. આ પ્રકારના વધુ ઈન્સ્પેક્શન્સ કરીને એવી સિસ્ટમ ઊભી કરવામાં આવશે કે જેથી કોઈ સરપ્રાઈઝિસ રહે નહિ એમ તેમણે ઉમેર્યું હતું. કેલીફે જણાવ્યું હતું કે જેઓ ક્વોલિટી અને ઈન્ટિગ્રિટી માટે પ્રતિબધ્ધતા દર્શાવશે તેમને યુએસ એફડી રિવોર્ડ(પુરસ્કાર) માટે વિચારી રહી છે. મહામારી વખતે યુએસ એફડીએ તરફથી ભારતીય ફાર્મા પ્લાન્ટ્સની ઈન્સ્પેક્શન કામગીરીમાં ઘટાડો નોંધાયો હતો. જુલાઈમાં યુએસ હાઉસ પેનલને તરફથી એફડીએની વિદેશમાં ઈન્સ્પેક્શન્સની કામગીરીની ચકાસણી સોંપવામાં આવી હતી. જેમાં તેણે રેગ્યુલેટરી એજન્સીની ભારત અને ચીન સ્થિત મેન્યૂફેક્ચરિંગ સુવિધાને લઈ પગલાંઓ પર શંકા વ્યક્ત કરી હતી. ત્યારથી ભારતમાં એફડીએ તરફથી ઈન્સ્પેક્શન્સની સંખ્યામાં વૃદ્ધિ જોવા મળી છે.
ભારત યુએસ માટે દવાઓના ચાવીરૂપ સપ્લાયર તરીકે જળવાય રહેશે તેવી અપેક્ષા પોતે રાખી રહ્યાં હોવાનું કેલીફે જણાવ્યું હતું. ચીન પર વધુ પડતી નિર્ભરતા અંગે કેલીફે જણાવ્યું હતું કે કોઈપણ દેશે પોતાની જરૂરિયાત માટે દવા ઉત્પાદન માટે આત્મનિર્ભર હોવું અનિવાર્ય છે. ઈન્ડિયન ફાર્માસ્યુટીકલ એલાયન્સ મુજબ ભારતમાં ટોચના 25 ફાર્મા ઉત્પાદકો યુએસમાં વપરાતી કુલ દવાના 40 ટકા હિસ્સાની નિકાસ કરે છે. એફડીએ કમિશ્નરના જણાવ્યા પ્રમાણે છેલ્લાં કેટલાંક વર્ષોથી તેમની સાથે નજીકથી કામ કરી રહેલા ભારતીય કંપનીઓ હવે વૈશ્વિક સ્ટાન્ડર્ડ્ઝ ધરાવે છે. નવા અનેક લોકો ઉદ્યોગ ક્ષેત્રે પ્રવેશી રહ્યાં હોવાથી ભારતે તેમને ઉદ્યોગના તમામ પાસાઓને લઈને તાલીમ આપવા પર તેમણે ભાર મૂક્યો હતો.
એપ્રિલ-જૂનમાં રેમિટન્સિસ ચાર ક્વાર્ટર્સના તળિયે જોવા મળ્યું
જૂન 2023 ક્વાર્ટરમાં 14.4 અબજ ડોલરનું રેમિટન્સ નોંધાયું
NRI તરફથી ફ્લો ઘટવા છતાં CAD ફાઈનાન્સિંગમાં કોઈ સમસ્યા ના નડી
વિદેશમાં વસતાં ભારતીય નાગરિકો તરફથી દેશમાં મોકલવામાં આવતાં રેમિટન્સિસમાં જૂન ક્વાર્ટરમાં ઘટાડો નોંધાયો છે અને તે છેલ્લાં ચાર ક્વાર્ટર્સના તળિયા પર જોવા મળ્યું હોવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાનો ડેટા જણાવે છે. જૂન 2023માં રેમિટન્સ લગભગ વાર્ષિક ધોરણે 1.4 ટકા ઘટી 14.4 અબજ ડોલર પર જ નોંધાયું છે. જોકે, રેમિટન્સિસમાં ઘટાડાની દેશની ચાલુ ખાતાની ખાધ(CAD) ફાઈનાન્સિંગ પર કોઈ નકારાત્મક અસર નથી પડી. જેનું એક કારણ જૂન ક્વાર્ટરમાં જળવાયેલા ક્રૂડના નીચા ભાવ કારણભૂત હતાં. આગામી સમયગાળામાં જોકે ચાલુ ખાતાની ખાધમાં વૃદ્ધિ થવાની શક્યતાં છે. તે વખતે રેમિટન્સમાં ઘટાડો ચિંતાજનક બની શકે છે.
આરબીઆઈના ડેટા મુજબ ગયા વિદેશીમાં કામ કરનારા ભારતીયો તરફથી ચોખ્ખું રેમિટન્સ પાંચ ક્વાર્ટર્સના તળિયે જોવા મળ્યું હતું. જ્યારે ગ્રોસ રેમિટન્સ જોઈએ તો તે 17.15 અબજ ડોલર પર ચાર ક્વાર્ટર્સના તળિયે નોંધાયું હતું. ભારતમાં બેલેન્સ ઓફ પેમેન્ટ્સને જાળવવામાં રેમિટન્સિસ એક ખૂબ જ મહત્વનો ઘટક છે. 2022માં દેશમાં 100 અબજ ડોલરથી વધુનું રેમિટન્સ જોવા મળ્યું હતું. જે 2021ની સરખામણીમાં 12 ટકા વૃદ્ધિ દર્શાવતું હતું. મહામારી સંબંધી નિયંત્રણો દૂર થવાથી અનેક કામદારો ખાડી દેશોમાં કામ પર પરત ફર્યાં હતાં. તેમજ ક્રૂડના ભાવમાં વૃદ્ધિને કારણે તેઓ ઘરે પરિવારો માટે વધુ નાણા પરત કરી શક્યાં હતાં. બાર્ક્લેઝના ઈમર્જિંગ માર્કેટ, એશિયા હેડના મતે રેમિટન્સિસમાં ઘટાડો આશ્ચર્યની બાબત નથી. આમ થવાની અપેક્ષા હતી. કેમકે જૂન ક્વાર્ટરમાં દેશની બહાર જતાં રેમિટન્સિસમાં વૃદ્ધિ જોવા મળી હતી. સરકારે જુલાઈ મહિનાથી અમલી બને તે રીતે ટેક્સ કલેક્ટેડ એટ સોર્સ(TCS) પર 20 ટકા ટેક્સ લાગુ પાડતાં તે અગાઉ નોંધપાત્ર નાણા બહાર ગયા હતાં.
MCXના નવા CDPમાં ટ્રાન્ઝિશન પર સેબીની બ્રેક
કોમેક્સ 3 ઓક્ટોબરથી નવા ટેક્નોલોજી પ્લેટફોર્મ પર લાઈવ થવાનું હતું
માર્કેટ રેગ્યુલેટરના નિર્ણય પાછળ કોમેક્સનો શેર શુક્રવારે શરૂઆતમા 9 ટકા નીચે ખૂલ્યો
દેશના સૌથી મોટા કોમોડિટી ડેરિવેટીવ એક્સચેન્જ મલ્ટી-કોમોડિટી એક્સચેન્જ(એમસીએક્સ)ના નવા ટેક્નોલોજી પ્લેટફોર્મ પર લાઈવ થવા પર માર્કેટ રેગ્યુલેટર સેબીએ હાલમાં બ્રેક મારી છે. એમસીએક્સે શુક્રવારે તેના રોકાણકારોને જણાવ્યું હતું કે સેબીએ નવા કોમોડિટી ડેરિવેટીવ્સ પ્લેટફોર્મ(CDP)ના અમલને મોકૂફ રાખવા જણાવ્યું છે. 28 સપ્ટેમ્બરે એક પત્રમાં સેબીએ એમસીએક્સને તેના નવા સીડીપીમાં શિફ્ટ થવાના પ્લાનને મુલત્વી રાખવા કહ્યું હતું.
સેબીએ ચેન્નાઈ ફાઈનાન્સિયલ માર્કેટ્સ એન્ડ એકાઉન્ટિબિલિટી(CFMA) તરફથી પત્ર મેળવ્યાં પછી આ પ્રસ્તાવિત ટ્રાન્ઝિશનને મોકૂફ રાખવાનો નિર્ણય લીધો હતો. CFMA તરફથી CDPને લઈને રિટ પિટીશન ફાઈલ કરવામાં આવી છે અને હાલમાં તે મદ્રાસ હાઈ કોર્ટ સમક્ષ નિકાલ માટે પેન્ડિંગ છે. કોમેક્સની 3 ઓક્ટોબરથી નવા ટેક્નોલોજી પ્લેટફોર્મ પર લાઈવ થવાની યોજના હતી. એમસીએક્સે એક્સચેન્જ ફાઈલીંગમાં જણાવ્યું હતું કે રેગ્યુલેટરે અમને આ બાબત ટેકનિકલ હોવાનું જણાવ્યું છે અને ટૂંકમાં જ મળનારી સેબીની ટેકનીકલ એડવાઈઝરી કમિટીની બેઠકમાં આ મુદ્દે ચર્ચા હાથ ધરવામાં આવશે. કેમક્સે જણાવ્યું હતું કે તે સંબિધિત મંજૂરી મળ્યાં પછી લાઈવ થવા માટે આતુર છે અને જ્યાં સુધી સેબી તરફથી નવા નિર્દેશો મળશે નહિ ત્યાં સુધી સીડીપી મોક ટેસ્ટ્સ હાથ ધરવામાં જાળવશે. એમસીએક્સે સાત દિવસથી 14 કલાક માટે કોઈપણ પ્રકારની અડચણો વિના મોક ટ્રેડિંગ હાથ ધર્યું હતું.
સેબીએ કોમેક્સની 3 ઓક્ટોબરે લાઈવ થવાની યોજનાને અટકાવતાં એમસીએક્સના શેરમાં ગુરુવારે જોવા મળેલો તમામ સુધારો ધોવાયો હતો. શુક્રવારે સવારે એમસીએક્સનો શેર લગભગ 9 ટકા ઘટાડે રૂ. 1915ની સપાટી પર ટ્રેડ થયો હતો. જોકે, પાછળથી તેમાં રિકવરી જોવા મળી હતી.
FCI 50 લાખ ટન ઘઉઁ અને 25 લાખ ટન ચોખાનું વેચાણ કરશે
સરકારી એજન્સીએ ગુજરાતમાં અત્યાર સુધીમાં મુક્ત બજારમા 1 લાખ ટનથી વધુ ઘઉં વેચ્યાં
દેશમાં મુખ્ય ખાદ્યાન્ન ઘઉં અને ચોખાના ભાવ અંકુશમાં જળવાય રહે તે માટે સરકાર મુક્ત બજારમાં વધુ સપ્લાય પૂરો પાડવા વિચારી રહી છે. જે હેઠળ સરકારી એજન્સી ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા(એફસીઆઈ)એ 50 લાખ ટન ઘઉં અને 25 લાખ ટન ચોખાના વેચાણનો નિર્ણય લીધો છે.
એફસીઆઈએ ઓપન માર્કેટ ઓપરેશન હેઠળ ચોખાના વેચાણ માટેના રિઝર્વ ભાવમાં પણ પ્રતિ કિગ્રા રૂ. 2નો ઘટાડો કર્યો છે. જેમાં નોન-એફઆરકે ચોખા માટેનો ભાવ રૂ. 31 પ્રતિ કિગ્રા પરથી ઘટાડી રૂ. 29 પ્રતિ કિગ્રાનો રહેશે. જ્યારે એફઆરકે ચોખાનો ભાવ રૂ. 31.73 પ્રતિ કિગ્રાથી ઘટાડી રૂ. 29.73 રહેશે. સરકાર તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખી મુક્ત બજારમાં ઘઉં અને ચોખાનો પૂરતો પુરવઠો જળવાય રહે તેની ખાતરી આપવા માગે છે. ઓપન માર્કેટ સ્કીમ હેઠળ સરકારે ગુજરાત ખાતે મુક્ત બજારમાં એમ્પેનલ્ડ બાયર્સને 28 જૂનથી વેચાણ શરૂ કર્યું છે. જેમાં મુખ્યત્વે લોટ બનાવનાર કંપનીઓ અને મિલર્સનો સમાવેશ થાય છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં એફસીઆઈના વિવિધ ડેપોમાંથી 1,01,740 ટન ઘઉં અને 50 મેટ્રીક ટન ચોખાનું વેચાણ થઈ ચૂક્યું છે. આગામી 4 ઓક્ટોબરે થનારાં ઈ-ઓક્શનમાં 10 હજાર ટન ઘઉં અને 10 હજાર ટન ચોખા ઓફર કરવામાં આવશે.
વેદાંતા બિઝનેસને ડિમર્જ કરી નવી પાંચ કંપનીઓનું લિસ્ટીંગ કરાવશે
રોકાણકારોને વેદાંતના એક શેર સામે નવી પાંચ કંપનીઓના એક-એક શેર્સ ફાળવવામાં આવશે
અનિલ અગ્રવાલની માલિકીની વેદાંત લિમિટેડે શુક્રવારે તેમના વર્તમાન બિઝનેસને કુલ છ કંપનીઓમાં વિભાગવાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે ડિમર્જ થનારી નવી પાંચ કંપનીઓના શેરબજાર પર લિસ્ટીંગ સાથે જૂથ કુલ છ લિસ્ટેડ કંપનીઓ ધરાવતું હશે. નવી પાંચ કંપનીઓ મેટલ્સ, પાવર, એલ્યુમિનિયમ અને ઓઈલ એન્ડ ગેસ બિઝનેસ સાથે સંકળાયેલી હશે. વેદાંત પ્રમોટર વેલ્યૂ અનલોકિંગની આશા સાથે ડિમર્જરની કવાયત હાથ ધરી રહ્યાં છે. જોકે, આમાંથી કેટલાંક બિઝનેસ લગભગ દોઢેક દાયકા અગાઉ ભિન્ન અસ્તિત્વ ધરાવતાં હતાં અને તેને વેદાંતમાં મર્જ કરવામાં આવ્યાં હતાં.
વેદાંતે એક્સચેન્જિસને એક રેગ્યુલેટરી ફાઈલીંગમાં જણાવ્યું હતું કે કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે શુક્રવારે એક બેઠકમાં કંપનીના ડાયવર્સિફાઈડ બિઝનેસિસને ડિમર્જ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. જે નોંધપાત્ર વેલ્યૂઅનલોક કરશે. કંપનીએ જણાવ્યા મુજબ કુલ છ કંપનીઓ શેરબજારમાં લિસ્ટીંગ ધરાવતી હશે. જેમાં વેદાંતા એલ્યુમિનિયમ, વેદાંતા ઓઈલ એન્ડ ગેસ, વેદાંતા પાવર, વેદાંતા સ્ટીલ એન્ડ ફેરસ મટિરિયલ્સ, વેદાંતા બેઝ મેટલ્સ અને વેદાંતા લિમિટેડનો સમાવેશ થતો હશે. વેદાંતાના વર્તમાન એક શેર સામે રોકાણકારને ડિમર્જર પછી અસ્તિત્વમાં આવનારી તમામ પાંચ કંપનીઓના એક-એક શેરની ફાળવણી કરવામાં આવશે.
જૂથની કુલ છ લિસ્ટેડ કંપનીઓ બનશે
1 વેદાંતા એલ્યુમિનિયમ
2 વેદાંતા ઓઈલ એન્ડ ગેસ
3 વેદાંતા પાવર
4 વેદાંતા સ્ટીલ એન્ડ ફેરસ મટિરિયલ્સ
5 વેદાંતા બેઝ મેટલ્સ
6 વેદાંતા લિમિટેડ
એર ઈન્ડિયાએ ગિફ્ટ સિટી મારફતે પ્રથમ A350ની ખરીદી પૂર્ણ કરી
દેશના પ્રથમ IFSC મારફતે પણ પ્રથમ વાઈડ બોડી એરક્રાફ્ટનું લિઝીંગ
એર ઈન્ડિયાએ શુક્રવારે જણાવ્યું હતું કે તેણે એચએચબીસી સાથે ફાઈનાન્સ લીઝ ટ્રાન્ઝેક્શન હાથ ધરી ગિફ્ટ સિટી મારફતે તેના પ્રથમ A350-900 એરક્રાફ્ટની ખરીદી પૂર્ણ કરી છે. દેશના પ્રથમ ઈન્ટરનેશનલ ફાઈનાન્સિયલ સર્વિસિઝ સેન્ટર(આઈએફએસસી) મારફતે પણ આ પ્રથમ વાઈડ બોડી એરક્રાફ્ટનું લિઝીંગ હતું.
એરલાઈન કંપનીએ જણાવ્યું હતું કે આ ટ્રાન્ઝેક્શન તેની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી એઆઈ ફ્લિટ સર્વિસિઝ લિ.(AIFS) તરફથી હાથ ધરવામાં આવ્યું હતું. તેમજ ગયા વર્ષની શરૂમાં કરવામાં આવેલા 470 એરક્રાફ્ટ માટેના ઓર્ડરમાંનું આ પ્રથમ ફાઈનાન્સિયલ ટ્રાન્ઝેક્શન હતું. તાતા જૂથની માલિકીની એર ઈન્ડિયા મહત્વાકાંક્ષી ટ્રાન્સફોર્મેશન પ્લાન ધરાવે છે. કંપની ચાલુ વર્ષની આખર સુધીમાં પ્રથમ A350-900 એરક્રાફ્ટ ભારતમાં પ્રવેશે તેવી અપેક્ષા રાખી રહી છે. કંપનીની યાદી મુજબ તેણે એચએસબીસી સાથે ફાઈનાન્સ લીઝ ટ્રાન્ઝેક્શન મારફતે પ્રથમ એરબસ A350-900 એરક્રાફ્ટની સફળ ખરીદી કરી છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
લાર્સન એન્ડ ટુબ્રોઃ એન્જીનીયરીંગ જાયન્ટે અન્ડરગ્રાઉન્ડ રોડ પ્રોજેક્ટ માટે રૂ. 7000 કરોડનો કોન્ટ્રેક્ટ મેળવ્યો છે. કંપનીના હેવી સિવિલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બિઝનેસ વર્ટિકલે મુંબઈ મેટ્રોપોલીટન રિજિયન ડેવલપમેન્ટ ઓથોરિટી પાસેથી આ પ્રોજેક્ટ મેળવ્યો છે. પ્રોજેક્ટમાં અન્ડરગ્રાઉન્ડ રોડ ટનલના ડિઝાઈન અને બાંધકામનો સમાવેશ થાય છે. આ ટનલ ઓરેંજ ગેટ, ઈસ્ટર્ન ફ્રી વેથી મરીન ડ્રાઈવ કોસ્ટલ રોડને જોડશે.
ટીસીએસઃ ટોચની આઈટી સર્વિસિઝ જાયન્ટે ભારતની સૌથી મૂલ્યવાન બ્રાન્ડ તરીકે સતત બીજા વર્ષે ટોચનું સ્થાન જાળવ્યું છે. તેનું બ્રાન્ડ વેલ્યૂ 43 અબજ ડોલર થાય છે. ટેક્નોલોજી કંપનીઓ માટે કઠિન વર્ષ છતાં ટીસીએસ ડિજીટલ ટ્રાન્સફોર્મેશન માટેની ઊંચી માગનો લાભ મેળવી રહી છે.
સ્ટર્લિંગ એન્ડ વિલ્સનઃ સ્ટર્લિંગ એન્ડ વિલ્સન રિન્યૂએબલ એનર્જીએ રૂ. 1535 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે. કંપનીએ ગુજરાતમાં કચ્છના રણમાં ખાવડા ખાતે આરઈ પાવર પાર્ક માટે એનટીપીસી રિન્યૂએબલ એનર્જી લિમિટેડ પાસેથી 300 એમડબલ્યુએસીનો આ ઈપીસી પ્રોજેક્ટ મેળવ્યો છે. જેમાં ત્રણ વર્ષ માટે ઓપરેશન એન્ડ મેન્ટેનન્સનો સમાવેશ થાય છે.
ઈન્ડિગોઃ એરલાઈન કંપનીએ તેના વિમાનચાલક દળના વેતનમાં 10 ટકા વૃદ્ધિ કરી છે. આ વેજ વૃદ્ધિ 1 ઓક્ટોબરથી અમલી બનશે. એરલાઈન્સે પાયલોટ્સ માટે પ્રતિ માસ 70 કલાક માટે ફિક્સ્ડ પેને પણ જાળવ્યો છે. એરલાઈને જૂન ક્વાર્ટરમાં રૂ. 3090 કરોડનો વિક્રમી નફો નોંધાવ્યો હતો. એરલાઈન ક્ષેત્રે તીવ્ર સ્પર્ધા જોતાં પાયલોટ્સ જાળવવા આમ કર્યું છે.
કોગ્નિઝન્ટઃ યુએસ સોફ્ટવેર અગ્રણીએ જતીન દલાલની સીએફઓ તરીકે નિમણૂંક કરી છે. જતીન દલાલે કેટલાંક દિવસો અગાઉ વિપ્રોમાંથી સીએફઓ તરીકે રાજીનામુ આપ્યું હતું. તેઓ ડિસેમ્બર 2023થી કોગ્નિઝન્ટમાં જોડાશે.
નવીન ફ્લોરિનઃ કંપનીના સીઈઓ અને સીએફઓ તરફથી રાજીનામું આપ્યાં પછી એમડીએ પણ રાજીનામું આપ્યું છે. જેણે કંપનીના રોકાણકારોમાં ચિંતા ઊભી કરી છે. કંપનીના બોર્ડે સુધીર આર રાવને એડિશ્નલ ડિરેક્ટર તરીકે નીમી બોર્ડને મજબૂત બનાવ્યું છે. અગાઉ 18 ઓગસ્ટે રવિ વેંકટરામનને સીઈઓ તરીકે રાજીનામું આપ્યું હતું.
ઈન્ફોસિસઃ આઈટી સર્વિસ જાયન્ટે જણાવ્યું છે કે તેને જીએસટી પેટે રૂ. 37.75 લાખની માગણી કરતો આદેશ પાઠવવામાં આવ્યો છે. જેમાં ટેક્સની રકમ ઉપરાંત ઈન્ટરેસ્ટ અને પેનલ્ટીનો સમાવેશ પણ થાય છે. કંપનીને જીએસટી પેટે રૂ. 26.5 લાખ અને પેનલ્ટી પેટે રૂ. 2.65 લાખ તથા ઈન્ટરેસ્ટ પેટે રૂ. 8.6 લાખ ચૂકવવાના થશે.