Market Summary 29/12/2022

વૈશ્વિક બજારોને અવગણી સ્થાનિક માર્કેટનું આઉટપર્ફોર્મન્સ
ડિસેમ્બર એક્સપાયરીના દિવસે આખરી અવરમાં ખરીદી નીકળી
નિફ્ટીને જોકે 18200નો અવરોધ નડ્યો
ઈન્ડિયા વિક્સ 4 ટકા ગગડી 14.81 પર
મેટલ, બેંકિંગ પાછળ બજારને સપોર્ટ
બ્રોડ માર્કેટમાં સુસ્તી જળવાય
ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સમાં આગેકૂચ જારી
અદાણી ટોટલ, આરબીએલમાં વાર્ષિક ટોચ
ગ્લેન્ડ ફાર્મા, ચોલા ફીન. 52-સપ્તાહના તળિયે

વૈશ્વિક બજારોમાં વેચવાલી વચ્ચે ગુરુવારે ભારતીય બજારમાં આખરી બે કલાકમાં મજબૂતી પાછળ સુધારો જોવા મળ્યો હતો. ડિસેમ્બર એક્સપાયરીના દિવસે અપેક્ષિત વોલેટિલિટી જોવા મળી હતી. જેમાં બેંકિંગે સપોર્ટ પૂરો પાડતાં બેન્ચમાર્ક્સ પોઝીટીવ બંધ દર્શાવી શક્યાં હતાં. બીએસઈ સેન્સેક્સ 223.60 પોઈન્ટ્સ સુધારા સાથે 61,133.88ની સપાટીએ જ્યારે નિફ્ટી-50 68.50 પોઈન્ટ્સ મજબૂતીએ 18,191ની સપાટીએ બંધ રહ્યો હતો. લાર્જ-કેપ્સમાં જોકે ખાસ લેવાલીના અભાવે બ્રેડ્થ નેગેટિવ જોવા મળી હતી. નિફ્ટી-50માં સમાવિષ્ટ 50 કાઉન્ટર્સમાંથી 32 કાઉન્ટર્સ તેમના અગાઉના બંધની સરખામણીમાં ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે માત્ર 18 કાઉન્ટર્સ પોઝીટીવ બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં બ્રેડ્થ સાધારણ પોઝીટીવ હતી. જોકે ખાસ ખરીદીનો અભાવ જોવા મળતો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 4 ટકા ગગડી 14.81 પર બંધ રહ્યો હતો.
ગુરુવારે એનએસઈ ખાતે ડિસેમ્બર ડેરિવેટિવ્સ સિરિઝ એક્સપાયરી હતી. જેને કારણે બજારમાં ઊંચી વોલેટિલિટીની અપેક્ષા હતી. જોકે વૈશ્વિક બજારમાં વેચવાલી જળવાવાને પગલે માર્કેટે કામગીરીની શરૂઆત નરમાઈ સાથે કરી હતી. બેન્ચમાર્ક નિફ્ટી અગાઉના 18123ના બંધ સામે 18046ના સ્તરે નોંધપાત્ર ગેપ-ડાઉન ઓપનીંગ બાદ વધુ ગગડી 17993ના ઈન્ટ્રા-ડે તળિયા પર ટ્રેડ થયો હતો. જોકે બપોરબાદ બેંકિંગ અને મેટલ શેર્સમાં ખરીદી નીકળતાં જોતજોતામાં બજાર ગ્રીન ઝોનમાં પરત ફર્યું હતું અને પોઝીટીવ બંધ રહેવામાં સફળ રહ્યું હતું. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 1 ટકાથી વધુ મજબૂતી સાથે બંધ રહ્યો હતો. જેના મહત્વના ઘટકોમાં જિંદાલ સ્ટીલ વધુ 2 ટકા ઉછળી નવી ટોચ પર પહોંચ્યો હતો. આ ઉપરાંત તાતા સ્ટીલ, જેએસડબલ્યુ સ્ટીલ, હિંદાલ્કો, વેદાંત, હિંદુસ્તાન ઝીંક, સેઈલ અને નાલ્કોમાં પણ મજબૂતી જોવા મળી હતી. પ્રાઈવેટ બેંકિંગ અને એસબીઆઈમાં ખરીદી પાછળ બેંક નિફ્ટી પણ એક ટકા સુધારો સૂચવતો હતો. બેંકિંગ કાઉન્ટર્સમાં ફેડરલ બેંક 3 ટકા ઉછળ્યો હતો. આ સિવાય આઈડીએફસી ફર્સ્ટ, ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક પણ એક ટકાથી વધુ સુધારો દર્શાવી રહ્યાં હતાં. પીએસયૂ બેંક્સમાં બેંક ઓફ બરોડા અને એસબીઆઈમાં લગભગ 2 ટકા મજબૂતી જોવા મળી હતી. આઈટી, ઓટો, ફાર્મા, રિઅલ્ટી અને એનર્જી ઈન્ડાઈસિસ પણ અડધા ટકા આસપાસ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જેમાં એનર્જી કાઉન્ટર્સમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓ એચપીસીએલ, બીપીસીએલ સુધરવામાં ટોચ પર હતાં. આ સિવાય એનટીપીસી, ઓએનજીસી અને ગેઈલ પણ સુધારો દર્શાવતાં હતાં. આઈટી કાઉન્ટર્સમાં એલટીઆઈમાઈન્ડટ્રી 2 ટકા સુધારા સાથે ટોચ પર હતો. આ ઉપરાંત એચસીએલ ટેક્નોલોજી, વિપ્રો, ઈન્ફોસિસ અને ટીસીએસ પણ મજબૂતી દર્શાવી રહ્યાં હતાં. ઓટો કાઉન્ટર્સમાં આઈશર મોટર્સ 2 ટકાથી વધુ સુધર્યો હતો. જ્યારે ટીવીએસ મોટર, હિરો મોટોકોર્પ, એમએન્ડએમ, ભારત ફોર્જ અને અશોક લેલેન્ડ પણ પોઝીટીવ જોવા મળી રહ્યાં હતાં. જોકે અમરરાજા બેટરીઝમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો હતો અને તે 3.5 ટકા જેટલો તૂટ્યો હતો. તાતા મોટર્સ, બોશ અને ટ્યુબ ઈન્વેસ્ટમેન્ટ્સ પણ એક ટકાથી વધુ નરમાઈ દર્શાવી રહ્યાં હતાં.
એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ 6 ટકા સાથે સુધરવામાં ટોચ પર હતો. જે ઉપરાંત ભેલ, ભારતી એરટેલ, આરબીએલ બેંક, સિટી યુનિયન બેંક, એસબીઆઈ, એબી કેપિટલ અને ઈન્ડિયા સિમેન્ટ્સનો સમાવેશ થતો હતો. બીજી બાજુ શ્રીરામ ફાઈનાન્સ 5.5 ટકા સાથે સૌથી ઊંચો ઘટાડો દર્શાવતો હતો. આ ઉપરાંત શ્રી સિમેન્ટ્સ, પેજ ઈન્ડસ્ટ્રીઝ, જેકે સિમેન્ટ, ગ્રેન્યૂલ્સ ઈન્ડિયા, મૂથૂત ફાઈનાન્સ, ચોલા ઈન્વે., એબીબી ઈન્ડિયા, ડાબર ઈન્ડિયા અને એસઆરએફમાં વેચવાલી જોવા મળી રહી હતી. સરકારી ખાતર કંપની ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સમાં સતત બીજા સત્રમાં 10 ટકાની સર્કિટ જોવા મળી હતી અને તે રૂ. 355.60ની ઓલ-ટાઈમ હાઈ પર બંધ રહ્યો હતો. આ ઉપરાંત અદાણી ટોટલ ગેસ 5 ટકાથી વધુ ઉછળી નવી ટોચ પર જોવા મળ્યો હતો. બીજી બાજુ ચોલા ફિન હોલ્ડ, ગ્લેન્ડ ફાર્મા અને બ્રાઈટકોમ ગ્રૂપના શેર્સે તેમના વાર્ષિક તળિયા દર્શાવ્યાં હતાં.

2022માં શેર્સ બાયબેકમાં 170 ટકાનો તીવ્ર ઉછાળો જોવા મળ્યો
કેલેન્ડર 2021માં રૂ. 14,341 કરોડની સરખામણીમાં 2022માં રૂ. 38,735 કરોડનું બાયબેક થયું

પૂરાં થવા જઈ રહેલા કેલેન્ડર 2022માં શેર્સ બાયબેક ઓફર્સમાં 170 ટકાનો જંગી ઉછાળો નોંધાયો હતો. જાહેર સાહસો અને આઈટી કંપનીઓ તરફથી તેમના સરપ્લસનો શેર્સ બાયબેકમાં ઉપયોગ કરવામાં આવતાં આમ બન્યું હતું. આમ કરી તેમણે શેરના ભાવને સપોર્ટ કરવાનો પ્રયાસ કર્યો હતો.
એક અભ્યાસ મુજબ 2022માં કુલ 58 કંપનીઓ તરફથી તેમના શેર્સ બાયબેક કરવામાં આવ્યાં હતાં. જેનું કુલ મૂલ્ય રૂ. 38735 કરોડ થવા જતું હતું. જે ગયા કેલેન્ડર 2021માં રૂ. 14,341 કરોડ પર જોવા મળતું હતું. ગયા વર્ષે કુલ 42 કંપનીઓ બાયબેક ઓફર સાથે બજારમાં પ્રવેશી હતી. જો કોવિડ વર્ષ 2020ની વાત કરીએ તો તે દરમિયાન શેર્સ બાયબેકનું મૂલ્ય રૂ. 39000 કરોડ પર જોવા મળ્યું હતું. કંપનીના પ્રમોટર્સ તરફથી કંપનીના શેરધારકો પાસેથી કંપનીના શેર્સની પરત ખરીદીને બાયબેક કહેવામાં આવે છે. કંપનીઓ ટેન્ડર મારફતે અથવા તો ઓપન માર્કેટ(સ્ટોક એક્સચેન્જિસ)માંથી બાયબેક કરતી હોય છે. 2022માં આવેલા બાયબેક્સ પર નજર કરીએ તો 23 બાયબેક્સ ઓપન માર્કેટ રૂટ મારફતે જોવા મળ્યાં હતાં. જેનું કુલ મૂલ્ય રૂ. 15,195 કરોડ જેટલું રહેતું હતું. જેમાંથી કંપનીઓ અત્યાર સુધીમાં રૂ. 4230 કરોડની ખરીદી કરી ચૂકી છે. બીજી બાજુ ટેન્ડર રૂટ મારફતે 35 કંપનીઓએ રૂ. 23,540 કરોડની બાયબેક ઓફર મૂકી હતી. જે હેઠળ અત્યાર સુધીમાં રૂ. 23153 કરોડ અથવા તો 98 ટકા બાયબેક કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે.
સ્ટોક એક્સચેન્જ માર્ગે થતાં બાયબેકમાં કંપનીઓ બોયબેક માટે મહત્તમ કિંમત ક્વોટ કરતાં હોય છે. જોકે તેઓ ઓપન માર્કેટમાઁથી આ ભાવે શેર ખરીદે તેવું ના પણ બને. આને કારણે કંપનીઓ તરફથી ઓપન માર્કેટમાં ઓફર કરવામાં આવેલા બાયબેક અને વાસ્તવિક બાયબેક વેલ્યૂ વચ્ચે મોટો ગેપ જોવા મળે છે. કેમકે કંપનીઓ ઊંચા ભાવે શેર્સ ખરીદતાં ખચકાય છે અને નીચા ભાવે તેમને જોઈતો સ્ટોક મળતો નથી. જ્યારે ટેન્ડરિંગમાં ઓફર હેઠળ ફાળવવામાં આવેલી મોટાભાગની રકમનો ઉપયોગ થાય છે. કેમકે ટેન્ડરિંગમાં કંપનીઓ સામાન્યરીતે બજારભાવથી પ્રિમીયમ પર શેર બાયબેક કરે છે. જેથી રોકાણકારોમાં તેનો સ્વીકૃતિ રેશિયો ઊંચો હોય છે. તાજેતરના વર્ષોમાં ટેન્ડર રૂટ બાયબેક માટે પસંદગીનો વિકલ્પ બની રહ્યો છે. નોંધપાત્ર સંખ્યામાં કંપનીઓ ટેન્ડર રૂટનો ઉપયોગ કરી રહી છે અને રોકાણકારોમાં તેને લઈને બાયબેકમાં વિશ્વસનીયતા પણ વધી છે. તાજેતરમાં જ સેબીએ બાયબેક અંગે રજૂ કરેલા ચર્ચા પત્રમાં તબક્કાવાર રીતે ઓપન માર્કેટ રૂટથી બાયબેક બંધ કરવાનું જણાવ્યું છે. કેમકે આવી ઓફરનો ઉપયોગ માર્કેટમાં શેરના ભાવમાં ચેડાં માટે પણ કરવામાં આવી રહ્યાંના કિસ્સા છે. ઘણીવાર કંપનીઓએ પાછળથી બાયબેક પરત પણ ખેંચ્યું હોવાનું જોવામાં આવ્યું છે. ટેન્ડર રૂટ મારફતે કરવામાં આવતું બાયબેક રિટેલ ઈન્વેસ્ટર્સ માટે ફાયદામંદ હોય છે એમ બ્રોકરેજ કંપનીના એનાલિસ્ટ જણાવે છે. ટેન્ડર રુટમાં તેમને માટે એક વિશેષ ક્વોટા ફાળવવામાં આવ્યો હોય છે. તાજેતરની જ એક ઘટના જોઈએ તો પેટીએમે 13 ડિસેમ્બરે રૂ. 850 કરોડનું બાયબેક જાહેર કર્યું હતું. જે માટે તેણે રૂ. 810નો મહત્તમ ભાવ નિર્ધારિત કર્યો હતો. જે તે દિવસના રૂ. 539.40ના બજારભાવથી 50 ટકા ઊંચો હતો. જોકે પેટીએમે વાસ્તવમાં છેલ્લાં બે દિવસોમાં રૂ. 498.74ના ભાવે 3.95 લાખ શેર્સ જ્યારે રૂ. 513.34ના ભાવે 2.6 લાખ શેર્સની ખરીદી હતી. આમ રૂ. 810ના મહત્તમ ભાવથી ખૂબ નીચા ભાવે ખરીદી થઈ હતી. જેનાથી શેરના ભાવને કોઈ લાભ મળ્યો નહોતો.

બેંક્સે બેડ લોન રિકવરી માટે IBCનો ઉપયોગ વધાર્યો
નાણા વર્ષ 2021-22માં બેંકિંગ કંપનીઓએ તેમની બેડ લોન રિકવરી માટે ઈન્સોલ્વન્સી એન્ડ બેંક્ર્ટપ્સી(આઈબીસી) કોડનો ઉપયોગ વધાર્યો હતો એમ આરબીઆઈ ડેટા સૂચવે છે. બેંક્સ તરફથી આઈબીસી રૂટ મારફતે એનપીએ રિકવરી સુધરીને 18.4 ટકા પર રહી હતી.જે 2021-22માં તે 14 ટકા પર રહી હતી. શેડ્યૂલ્ડ કમર્સિયલ બેંક્સે 2021-22માં રૂ. 4.87 લાખ કરોડમાંથી વિવિધ વિકલ્પોનો ઉપયોગ કરી રૂ. 89,661 કરોડની રકમ રિકવર કરી હતી. 2020-21માં તેમણે રૂ. 62229 કરોડની રકમ રિકવર કરી હતી. ચાલુ વર્ષે આઈબીસી હેઠળ એડમિશન્સમાં 65 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. 2020-21માં 536 કેસિસ સામે 2021-22માં 885 કેસિસ દાખલ થયાં હતાં.

એપ્રિલથી નવે.માં રશિયન સ્ટીલ આયાતમાં 468 ટકાનો ઉછાળો
ચાલુ નાણા વર્ષની શરૂઆતથી પ્રથમ આંઠ મહિનામાં રશિયા ખાતેથી સ્ટીલ આયાતમાં 468 ટકાનો ઉછાળો નોઁધાયો હતો. એપ્રિલથી નવેમ્બર દરમિયાન રશિયા ખાતેથી આવનારા શીપમેન્સ 2.18 લાખ ટન પર રહ્યાં હતાં. જેનું મૂલ્ય 25.3 કરોડ ડોલર રહ્યું હતું. ગયા વર્ષે સમાનગાળામાં તે 38,400 ટન પર 6.1 કરોડનું મૂલ્ય ધરાવતાં હતાં. રશિયન આયાતમાં તીવ્ર વૃદ્ધિનું કારણ સસ્તી ઓફરિંગ્સ તથા મિલ્સ તરફથી ડિસ્ટ્રેસ સેલીંગ હોવાનું વર્તુળો જણાવે છે. ઉપરાંત આંતરરાષ્ટ્રીય સ્ટીલના ભાવમાં ઘટાડાને કારણે પણ રશિયન આયાતમાં તીવ્ર વૃદ્ધિ નોંધાઈ હતી. રશિયા ખાતેથી આયાતમાં ઊંચી વૃદ્ધિ જોવા મળી હતી. જોકે સૌથી દેશમાં સૌથી મોટો સ્ટીલ નિકાસકાર કોરિયા બની રહ્યો હતો.

કેશની તંગી વચ્ચે કંપનીઓએ 2023માં IPO પર મદાર રાખવો પડશે
સરપ્લસના અભાવે કોર્પોરેટ્સ માટે નીચો ખર્ચ ધરાવતો પ્રાઈવેટ પ્લેસમેન્ટ્સનો માર્ગ પણ કઠિન
કંપનીઓ પાસે રિટેલ ઈન્વેસ્ટર્સ પાસેથી જ નાણા મેળવવાનો ઓપ્શન પ્રાપ્ય

નવા કેલેન્ડર 2023માં પબ્લિક ઈસ્યૂ મારફતે નાણા ઊઘરાવવાની કામગીરીમાં વૃદ્ધિ જોવા મળી શકે છે. કેમકે રિટેલ ઈન્વેસ્ટર્સ હાલમાં આકર્ષક ઈન્ટરેસ્ટ રેટ્સ પર દાવ લગાવી રહ્યાં છે. જેને કારણે કોર્પોરેટ્સ પર તેમના ફંડિંગ પોર્ટફોલિયોને ડાયવર્સિફાઈ કરવા માટે દબાણ ઊભું થયું છે એમ બેંકર્સનું કહેવું છે. ભારતીય કંપનીઓએ પૂરા થવા જઈ રહેલાં કેલેન્ડર 2022માં પ્રાઈવેટ પ્લેસમેન્ટ મારફતે રૂ. 5.38 લાખ કરોડ(65 અબજ ડોલર)ની રકમ ઊભી કરી હતી. જે મુખ્યત્વે બેંકિંગ સિસ્ટમમાં રહેલી જંગી કેશ સરપ્લસને કારણે હતી એમ ડેટા સૂચવે છે. પબ્લિક ઈસ્યૂ મારફતે કંપનીઓએ માત્ર રૂ. 80000 કરોડ ઊભા કર્યાં હતાં.
ઈન્ટરેસ્ટ રેટ્સ ઊંચા સ્તરે સ્થિર થઈ રહ્યાં હોવાથી રિટેલ ઈન્વેસ્ટર્સ જાહેર ભરણાઓમાં નાણા રોકવા માટે આતુર હશે એમ એક મર્ચન્ટ બેંકર્સના એમડી જણાવી રહ્યાં છે. કંપનીઓ તેમના ફંડિંગ પ્રોફાઈલના વૈવિધ્યીકરણ માટે આ વિન્ડોનો ઉપયોગ કરે તેવી શક્યતાં છે એમ તેઓ ઉમેરે છે. તેમના મતે જાન્યુઆરી-માર્ચ 2023ના સમયગાળા દરમિયાન ઘણી કંપનીઓ પ્રાઈમરી માર્કેટ્સમાં પ્રવેશી શકે છે. કોર્પોરેટ્સ પરંપરાગત રીતે પ્રાઈવેટ પ્લેસમેન્ટ્સ મારફતે ફંડ ઊભું કરવાનું પસંદ કરતાં હોય છે. કેમકે તેમાં પ્રક્રિયા આઈપીઓ કરતાં સરળ હોય છે. તેમજ તેમ કરવામાં ઓછો સમય લાગે છે. તેમજ ખર્ચ પણ ઘણો નીચો રહેતો હોય છે. જોકે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ મહામારી દરમિયાન આપેલા સ્ટીમ્યુલસને પરત ખેંચવાનું શરૂ કર્યાં બાદ બજારમાં સરપ્લસ લિક્વિડીટી મહ્દઅંશે દૂર થઈ ચૂકી છે. ઈસ્યુ લાવવા ઈચ્છી રહેલાઓ માટે સંસ્થાકિય રોકાણકારો તરફથી મર્યાદિત નાણા પુરવઠા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. જેને કારણે પ્રાઈવેટ પ્લેસમેન્ટ્સ પણ અઘરાં બન્યાં છે એમ બેંકર્સ જણાવે છે. ભારતીય કોર્પોરેટ જગતે કેલેન્ડર 2020માં આઈપીઓ મારફતે રૂ. 1.27 લાખ કરોડ અને 2021માં 1.75 લાખ કરોડની જંગી રકમ ઊભી કરી હતી. જોકે 2022માં સેકન્ડરી માર્કેટમાં ઊંચી વધ-ઘટ તેમજ કેટલાંક ન્યૂ જેન આઈપીઓની નિષ્ફળતા પાછળ પ્રાઈમરી માર્કેટની કામગીરી નબળી જોવા મળી હતી. પ્રાઈવેટ પ્લેસમેન્ટની વાત કરીએ તો 2020માં કુલ રૂ. 8 લાખ કરોડનું ફંડ ઊભું થયું હતું. જ્યારે 2021માં રૂ. 6.31 લાખ કરોડનું ફંડ મેળવવામાં આવ્યું હતું. પબ્લિક ઈસ્યુના ઊંચા ખર્ચ છતાં એનબીએફસી અને માઈક્રો-ફાઈનાન્સ કંપનીઓ માટે ફંડ ડાયવર્સિફિકેશન અને બ્રાન્ડ બિલ્ડિંગ ઈસ્યુઅર્સમાં રસ ઊભો કરી શકે છે એમ બેંકર્સ જણાવે છે.
2022માં બોંડ માર્કેટ્સમાં ઊંચી વોલેટિલિટી જોવા મળી હતી. જેના કારણોમાં રશિયા-યૂક્રેન વોર, યુએસ ફેડ તરફથી સતત રેટ ટાઈટનીંગ, ઊંચો ફુગાવો અને આરબીઆઈ તરફથી રેટ વૃદ્ધિ હતું. જોકે આગામી વર્ષ પ્રમાણમાં ઓછી વધ-ઘટ દર્શાવતું હશે એમ માનવામાં આવે છે. જે રિટેલ ઈન્વેસ્ટર્સ માટે પોઝીટીવ બની રહેશે. નવા કેલેન્ડરમાં અદાણી એન્ટરપ્રાઈઝિસ સહિતની કંપનીઓ તેમની પ્રથમ બોન્ડ ઓફરિંગ કરે તેવી શક્યતાં છે. આ ઉપરાંત એનબીએફસી એલએન્ડટી ફાઈનાન્સ હોલ્ડિંગ્સ, ઈન્ડિયાબુલ્સ હાઉસિંગ ફાઈનાન્સ અને મૂથુત ફાઈનાન્સ પણ જાન્યુઆરી-માર્ચમાં બજારમાં પ્રવેશવા તૈયાર હોવાનું મર્ચન્ટ બેંકર્સ જણાવે છે. કેટલીક એનબીએફસી અને માઈક્રો-ફાઈનાન્સ કંપનીઓ પણ રિટેલ ઈન્વેસ્ટમેન્ટ્સ પસંદ કરી રહી છે એમ તેઓ ઉમેરે છે. આરબીઆઈ તેની વર્તમાન રેટ વૃદ્ધિ સાઈકલને ફેબ્રુઆરીમાં 25 બેસીસ પોઈન્ટ્સની વૃદ્ધિ બાદ વિરામમાં લઈ જાય તેવી શક્યતાં છે. જેને બજાર વર્તમાન ભાવે ગણનામાં પણ લઈ ચૂક્યું છે.

ઈન્ડેક્સ પ્રોવાઈડર્સ માટે સેબીએ નવી રૂપરેખા રજૂ કરી
વિવિધ સૂચકાંકો બનાવનાર કંપનીઓએ IOSCOની સિધ્ધાંતોનં પાલન કરવું પડશે

કેપિટલ માર્કેટ રેગ્યુલેટર સિક્યૂરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી)એ ઈન્ડેક્સ પ્રોવાઈડર્સ માટે નવા રેગ્યુલેટરી ફ્રેમવર્કનો પ્રસ્તાવ મૂક્યો છે. પ્રસ્તાવિત નવી રૂપરેખાઓમાં ઈન્ડેક્સ તૈયાર કરનાર કંપનીઓએ ઈન્ટરનેશનલ ઓર્ગેનાઈઝેશન ઓફ સિક્યૂરિટીઝ કમિશન્સ(IOSCO)ના સિધ્ધાંતોનું પાલન કરવાનું રહેશે. ઈન્ડેક્સ પ્રોવાઈડર્સ તરફથી પારદર્શિતા અને જવાબદેહિતામાં વૃદ્ધિ માટે સેબીએ આમ કર્યું છે.
બુધવારે સેબીએ રજૂ કરેલા કન્સલ્ટેશન પેપર મુજબ ભારતીય માર્કેટમાં ઉપયોગમાં લેવા માટે ઈન્ડેક્સ પૂરા પાડી રહેલાં ઈન્ડેક્સ પ્રોવાઈડર્સે સેબી સાથે રજિસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત રહેશે. આ માટે તેઓ લઘુત્તમ રૂ. 25 કરોડની નેટ વર્થ ધરાવતાં હોય તે અનિવાર્ય છે. પ્રસ્તાવિત નિયમો નોન-કોમ્પ્લાયન્સ અને ખોટી માહિતી પૂરી પાડવાના કિસ્સામાં યોગ્યતાના માપદંડો, કોમ્પ્લાયન્સ અને શિક્ષાત્મક પગલાઓ સંબંધી ખાતરીની જોગવાઈઓ નિર્ધારિત કરતાં હશે. હાલમાં ભારતીય શેરબજારમાં જોવામાં આવતાં સૂચકાંકોની માલિક શેરબજારની સબસિડિયરીઝ છે. અથવા તો આ સબસિડિયરીઝ અને એક્સચેન્જ વચ્ચેનું સંયુક્ત સાહસ છે. તેમણે બનાવેલા બેન્ચમાર્ક્સને આધારે જ વિવિધ ફંડ્સ તરફથી પ્રોડક્ટ્સ બનાવવામાં આવે છે, તેમજ તેનું ટ્રેડિંગ થઈ રહ્યું છે. અગાઉ સેબીએ સ્ટોક એક્સચેન્જિસને ફોરેન સૂચકાંકો આધારિત ડેરિવેટિવ્સ પ્રોડક્ટ્સ રજૂ કરવા માટે જાન્યુઆરી 2011માં સ્ટોક એક્સચેન્જિસને છૂટ આપી હતી. હાલમાં દેશમાં એસએન્ડપી તથા ડાઉ જોન્સ જેવી કંપનીઓએ રચેલા સૂચકાંકોમાં ટ્રેડિંગ થઈ રહ્યું છે.

ગોલ્ડમેન સાચ 4000 જોબ્સ નાબૂદ કરે તેવી શક્યતાં
ગોલ્ડમેન સાચ ગ્રૂપ ઈન્ક આગામી સપ્તાહોમાં જોબ કટના નવા રાઉન્ડ પર કામ શરૂ કરશે એમ કંપનીના સીઈઓ ડેવિડ સોલોમોને જણાવ્યું હતું. વર્ષની આખરમાં સ્ટાફને કરવામાં આવતાં પરંપરાગત મેસેજમાં તેમણે જણાવ્યું હતું કે અમે કાળજીપૂર્વક સમીક્ષા હાથ ધરી રહ્યાં છીએ અને હાલમાં હજુ બાબત ચર્ચા હેઠળ છે. જોકે જાન્યુઆરીના પ્રથમ પખવાડિયામાં જોબ કટ અમલમાં આવશે એમ તેમણે જણાવ્યું હતું.
કંપનીના બિઝનેસને વિવિધ પરિબળોને કારણે અસર થઈ રહી છે. જેમાં નાણાકિય નીતિનું ટાઈટનીંગ, અર્થતંત્રમાં મંદી જેવી બાબતોનો સમાવેશ થાય છે. અમારી લીડરશીપ ટીમનું કામ આવી રહેલી પરેશાનીઓ માટે કંપનીને તૈયાર કરવાનું છે. કંપની તેના પ્રોફિટ અને રેવન્યૂમાં ઘટાડાને અટકાવવા માટે વધુમાં વધુ 8 ટકા અથવા 4000 જોબ્સને નાબૂદ કરે તેવી શક્યતાં છે એમ વર્તુળોએ જણાવ્યું છે. જોકે આખરી નિર્ણય હજુ નથી લેવાયો. ટોચના મેનેજર્સને ખર્ચ ઘટાડા માટે સંભવિત લક્ષ્યાંકોને નક્કી કરવા માટે જણાવાયું છે એમ વર્તુળોનું કહેવું છે. સીઈઓએ તેના મેસેજમાં જણાવ્યું હતું કે આપણે સાવચેતી સાથે આગળ વધવાનું રહેશે તથા રિસોર્સિસનું સમજણપૂર્વક સંચાલન કરવાનું રહેશે. ગોલ્ડમેન સાચ વાર્ષિક 48 અબજ ડોલરની રેવન્યૂ નોંધાવે તેવી શક્યતાં છે. જે ગયા વર્ષની વિક્રમી કામગીરી બાદ બીજા ક્રમનો સૌથી સારો દેખાવ હશે.

રિલાયન્સને નવી લીડરશીપથી મજબૂત કરી રહ્યાં છીએઃ મુકેશ અંબાણી
રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ ગુરુવારે જણાવ્યું હતું કે રિલાયન્સે નવી લીડરશીપ અને યંગ ટેલેન્ટને સક્ષમ બનાવવાની બે મહત્વની કામગીરી પર અમલીકરણ શરૂ કર્યું છે. રિલાયન્સ ફેમિલી ડે ઈવેન્ટ પર બોલતાં અંબાણીએ જણાવ્યું હતું કે પ્રથમ અમે રિલાયન્સને નવા નેતૃત્વથી મજબૂત કરી રહ્યાં છીએ, ખાસ કરીને યુવાન નેતૃત્વથી. બીજું, અમે રિલાયન્સને નવી યંગ ટેલેન્ટથી સમૃદ્ધ બનાવી રહ્યાં છીએ. સમગ્ર ઓર્ગેનાઈઝેશનમાં અમારા નેતાઓ આ પ્રક્રિયાને ઝડપી બનાવે તે મને ગમશે એમ અંબાણીએ ઉમેર્યું હતું. રિલાયન્સમાં ગ્રોથની હવેની સાઈકલ રિસોર્સ પર આધારિત નહિ પરંતુ તે ઈનોવેશન પર આધારિત હશે એમ તેમણે જણાવ્યું હતું. અંબાણીએ 2023 સુધીમાં જીઓની 5જી ડિપ્લોયમેન્ટની કામગીરી પૂર્ણ થશે એમ નોંધ્યું હતું. જોકે જીઓ પ્લેટફોર્મ્સે ભારતની નવી મોટી તક માટે તૈયાર રહેવું જોઈશે. જેમાં સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજારમાં યુનિક ડિજિટલ પ્રોડક્ટ્સ પૂરી પાડવા જેવી બાબતનો સમાવેશ થાય છે એમ તેમણે ઉમેર્યું હતું.

કોર્પોરેટ હેડલાઈન્સ
એરટેલઃ દેશમાં બીજા ક્રમની ટેલિકોમ ઓપરેટર કંપની તેની એરટેલ પેમેન્ટ્સ બેંકના લિસ્ટીંગ માટે વિચારી રહી છે. કંપની નફો કરતી થઈ ગઈ હોવા સાથે દ્વિઅંકી વૃદ્ધિ દર દર્શાવી રહી છે એમ કંપનીનું કહેવું છે. એનાલિસ્ટ્સ 2030 સુધીમાં 1 અબજ ડોલરની આવકની અપેક્ષા રાખી રહ્યાં છે. એરટેલ તેના ડેટા સેન્ટર બિઝનેસને પણ ભવિષ્યમાં મોનેટાઈઝ કરવા માટે વિચારશે.
જેએસડબલ્યુ એનર્જીઃ કંપનીએ કોર્પોરેટ ઈન્સોલ્વન્સી રેઝોલ્યુશન પ્રોસેસ મારફતે ઈન્ડ-બારાત એનર્જી તરીકે ઓળખાતી ઉત્કલનું રૂ. 1048 કરોડમાં ખરીદી પૂર્ણ કરી છે. ઉત્કલ 700 મેગાવોટની ક્ષમતા ધરાવે છે.
બેંક ઓફ ઈન્ડિયા MF: અગાઉ બીઓઆઈ એક્ઝા તરીકે જાણીતી બેંક ઓફ ઈન્ડિયા ઈન્વેસ્ટમેન્ટ મેનેજર્સ, તેના સીઈઓ સંદિપ દાસગુપ્તા, તેમના પત્ની જયતિ દાસગુપ્તા અને પુત્રી અનુરુપા દાસગુપ્તાએ મ્યુચ્યુલ ફંડ રુલ્સના ભંગના કિસ્સામાં માર્કેટ રેગ્યુલેટર સેબી સાથે રૂ. 3.08 કરોડનો કુલ દંડ ભરીને સમાધાન કરી લીધું છે. દાસગુપ્તા પરિવારે ઈન્સાઈડ ઈન્ફર્મેશનનો લાભ લઈ ફંડમાંથી તેમના તમામ રોકાણને પરત ખેંચ્યું હતું.
તાતા પાવરઃ કંપનીની રિન્યૂએબલ એનર્જી પાંખ તાતા પાવર રિન્યૂએબલ એનર્જીએ કર્ણાટક ખાતે 255 મેગાવોટના હાઈબ્રીડ સંયુક્ત સાહસ સ્થાપવા માટે લેટર ઓફ એવોર્ડ મેળવ્યો છે. પ્રોજેક્ટ પીપીએ એક્ઝિક્યુશનના 24 મહિનામાં શરૂ કરવામાં આવશે.
મેકલોઈડ રસેલઃ દેવામાં ડૂબેલી કંપની સિક્યોર્ડ લેન્ડર્સ સાથે રિસ્ટ્રક્ચરિંગના ભાગરૂપે તેની એસેટ્સ વેચાણ માટે ઘણા ઈન્વેસ્ટર્સ સાથે મંત્રણા ચલાવી રહી છે. કંપની હાલમાં રૂ. 1800 કરોડનું ડેટ ધરાવે છે. ડેટ સેટલમેન્ટ માટે કંપનીએ રૂ. 300 કરોડનું અપફ્રન્ટ ઈક્વિટી કેપિટલ ઓફર કર્યું છે. જ્યારે રૂ. 945 કરોડનું ડેટ ઓફર કર્યું છે.
કાર્વી કેસઃ માર્કેટ રેગ્યુલેટર સેબીએ કાર્વિ બ્રોકિંગ્સના ફંડ મીસમેચ સંબંધિત કેસમાં બીએસઈ અને એનએસઈના ક્લિઅરિંગ કોર્પોરેશન્સ પર દંડ ફટકાર્યો છે. જેમાં બીએસઈના ઈન્ડિયન ક્લિઅરિંગ કોર્પોરેશન પર રૂ. 50 લાખનો જ્યારે એનએસઈના એનએસઈ ક્લિઅરિંગ કોર્પોરેશન પર રૂ. 25 લાખનો દંડ લાગુ પાડવામાં આવ્યો છે.
ICICI પ્રૂડે. લાઈફઃ પ્રાઈવેટ લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીનું એસેટ અન્ડર મેનેજમેન્ટ રૂ. 2.5 લાખ કરોડનો આંક વટાવી ગયું છે. 22 વર્ષોથી સક્રિય કંપનીએ પ્રથમ નવ વર્ષોમાં રૂ. 50 હજાર કરોડનું એયૂએમ હાંસલ કર્યું હતું. જ્યારે 14 વર્ષોમાં તે રૂ. 1 લાખ કરોડના એયૂએમ પર પહોંચી હતી. જ્યારે પછીના છ વર્ષોમાં એયૂએમ બમણું બન્યું હતું.
યૂકો બેંકઃ પીએસયૂ બેંક કંપની ડેટ સિક્યૂરિટીઝ મારફતે રૂ. 1000 કરોડ એકત્ર કરશે. બેંકનું બોર્ડ 3 જાન્યુઆરીએ એડિશ્નલ ટિયર-1 બોન્ડ્સ મારફતે ટિયર-1 કેપિટલ ઊભું કરવા માટે વિચારણા કરશે.
શીલા ફોમઃ મેટ્રેસ ઉત્પાદક તેના હરિફ કર્લઓનની રૂ. 2000 કરોડમાં ખરીદી કરશે. જો ડીલ શક્ય બનશે તો શીલા ફોમ 35-40 ટકા બજાર હિસ્સો ધરાવશે. હાલમાં તે 25 ટકા બજાર હિસ્સો ધરાવે છે. દેશના મેટ્રેસ સેક્ટરનું કદ રૂ. 17500 કરોડનું બેસે છે.
તાતા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સઃ તાતા જૂથની કંપનીની યૂકે સ્થિત પાંખે જોકેલ્સ ટી પેકર્સમાં 23.3 ટકા હિસ્સો ખરીદ્યો છે. તાતા કન્ઝ્યૂમર પ્રોડક્ટ્સ યૂકે ગ્રૂપની સ્ટેપ-ડાઉન સબસિડિયરીએ રૂ. 43.65 કરોડમાં આ ખરીદી કરી છે.
તાતા સ્ટીલઃ કંપનીએ તેના સંયુક્ત સાહસ તાતા સ્ટીલ એડવાન્સ્ડ મટિરિયલ્સમાં રૂ. 14.8 કરોડના રોકાણ મારફતે પ્રેફરન્શિયલ બેસીસ પર શેર્સ મેળવ્યાં છે.
સ્પંદના સ્ફૂર્તિઃ માઈક્રો ફાઈનાન્સ કંપનીએ રાઈટ-ઓફ લોન્સ સહિતના રૂ. 323.08 કરોડના સ્ટ્રેસ્ટ લોન પોર્ટફોલિયોના ટ્રાન્સફર માટે મંજૂરી આપી દીધી છે.
જેકે લક્ષ્મીઃ સિમેન્ટ કંપનીએ ગ્રીન લોજિસ્ટીક્સ માટે એલએનજી-ફ્યુઅલ્ટ હેવી ટ્રક્સ મારફતે સિમેન્ટ ટ્રાન્સપોર્ટ કરવા માટે ગ્રીનલાઈન સાથે જોડાણ કર્યું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage