બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી
તેજીને બ્રેક સાથે જાન્યુઆરી સિરિઝની નરમ શરૂઆત
નિફ્ટી 21700 પર ટકી રહ્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 4 ટકા ગગડી 14.50ના સ્તરે બંધ
ઓટો, એફએમસીજી, મેટલની આગેકૂચ જારી
આઈટી, ફાર્મા, બેંકિંગ, એનર્જીમાં નરમાઈ
બ્રોડ માર્કેટમાં મજબૂત અન્ડરટોન
વોડાફોન, અજંતા ફાર્મા, જીએમઆર, આઈઈએક્સ નવી ટોચે
સતત પાંચ દિવસની તેજીને આખરે શુક્રવારે બ્રેક લાગી હતી. જેની પાછળ જાન્યુઆરી ડેરિવેટીવ્સ સિરિઝની શરૂઆત નરમાઈ સાથે થઈ હતી. બીએસઈ સેન્સેક્સ 170 પોઈન્ટ્સ ગગડી 72,240ની સપાટીએ જ્યારે નિફ્ટી 47 પોઈન્ટ્સ ઘટી 21,731 પર બંધ રહ્યાં હતાં. બ્રોડ માર્કેટમાં પણ ખરીદી પરત ફરતાં બ્રેડ્થ પોઝીટીવ જોવા મળી હતી. બીએસઈ ખાતે 3891 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1940 પોઝીટીવ બંધ સૂચવતાં હતાં. જ્યારે 1794 કાઉન્ટર્સ નેગેટિવ જોવા મળ્યાં હતાં. 337 કાઉન્ટર્સે તેમની વાર્ષિક અથવા સર્વોચ્ચ ટોચ દર્શાવી હતી. જ્યારે 21 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું બનાવ્યું હતું. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 4.3 ટકા ગગડી 14.50ના સ્તરે બંધ રહ્યો હતો.
સપ્તાહના આખરી સત્રમાં વૈશ્વિક બજારોમાં મિશ્ર માહોલ વચ્ચે ભારતીય બજારે ગેપ-ડાઉન શરૂઆત દર્શાવ્યાં પછી દિવસ દરમિયાન રેંજ બાઉન્ડ ટ્રેડ જાળવ્યો હતો. નિફ્ટીએ ઈન્ટ્રા-ડે 21,770ની ટોચ બનાવી હતી. નિફ્ટી કેશ સામે નિફ્ટી ફ્યુચર 151 પોઈન્ટ્સ પ્રિમીયમ સાથે 21861ની સપાટીએ બંધ રહ્યો હતો. જે અગાઉના સત્રના સ્તરે જ હતું. આમ, માર્કેટમાં લોંગ પોઝીશનમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળ્યો નહોતો. સતત બીજા સત્રમાં વોલેટિલિટી ઈન્ડેક્સમાં ઘટાડો સૂચવે છે કે માર્કેટમાં અન્ડરટોન મજબૂત છે અને તે હજુ પણ આગેકૂચ જાળવી શકે તેમ છે. બેન્ચમાર્કનું હવેનું ટાર્ગેટ 22000-22200નું હશે એમ ટેકનિકલ એનાલિસ્ટ્સ જણાવે છે. ટ્રેડર્સે શોર્ટ પોઝીશન લેવામાં કોઈ ઉતાવળ કરવી જોઈએ નહિ. તેમજ જેમની પાસે જૂની શોર્ટ પોઝીશન પડી હોય તેમણે હેજિંગ કરવું જોઈએ, જેથી નુકસાન ઓછું કરી શકાય.
શુક્રવારે નિફ્ટીને સપોર્ટ પૂરો પાડનારા કાઉન્ટર્સમાં તાતા કન્ઝ્યૂમર, તાતા મોટર્સ, બજાજ ઓટો, અદાણી એન્ટરપ્રાઈઝિસ, આઈશર મોટર્સ, નેસ્લે, એચયૂએલ, બ્રિટાનિયા, તાતા સ્ટીલ, બજાજ ફાઈનાન્સ, અલ્ટ્રાટેક સિમેન્ટનો સમાવેશ થતો હતો. બીજી બાજુ, બીપીસીએલ, ઓએનજીસી, એસબીઆઈ, કોલ ઈન્ડિયા, ઈન્ફોસિસ, સિપ્લા, ટાઈટન, ડો. રેડ્ડીઝ લેબ્સ, ટેક મહિન્દ્રા, એપોલો હોસ્પિટલ, આઈસીઆઈસીઆઈ બેંકમાં નરમાઈ જોવા મળી હતી.
સેક્ટરલ પર્ફોર્મન્સની વાત કરીએ તો ઓટો, એફએમસીજી, મેટલની આગેકૂચ જારી રહી હતી. જ્યારે આઈટી, ફાર્મા, બેંકિંગ, એનર્જીમાં નરમાઈ જોવા મળી હતી. બ્રોડ માર્કેટમાં મજબૂત અન્ડરટોન મજબૂત હતો. નિફ્ટી ઓટો ઈન્ડેક્સ 1.2 ટકા મજબૂતી સાથે નવી ટોચ પર બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં મધરસન સુમી, અશોક લેલેન્ડ, તાતા મોટર્સ, એમઆરએફ, બાલક્રિષ્ણા ઈન્ડસ્ટ્રીઝ, બજાજ ઓટો, આઈશર મોટર્સ, ટીવીએસ મોટર, બોશ, મારુતિ સુઝુકી, ટ્યૂબ ઈન્વેસ્ટમેન્ટ નોંધપાત્ર સુધારો સૂચવતાં હતાં. નિફ્ટી એફેમસીજી ઈન્ડેક્સ પણ ઈન્ટ્રા-ડે 57 પ્રથમવાર 57 હજારની સપાટી પાર કરી નવી ટોચે બંધ રહ્યો હતો. જેના ઘટકોમાં ઈમામી, તાતા કન્ઝ્યૂમર, ડાબર ઈન્ડિયા, યુનાઈટેડ સ્પિરિસ્ટ્સ, ગોદરેજ કન્ઝ્યૂમર, નેસ્લે, એચયૂએલ, બ્રિટાનિયા, મેરિકોમાં નોંધપાત્ર મજબૂતી જોવા મળી હતી. નિફ્ટી મેટલ ઈન્ડેક્સ પણ ઈન્ટ્રા-ડે પ્રથમવાર 8 હજારની સપાટી પાર કરી ગયો હતો. જેના ઘટકોમાં નાલ્કો, હિંદુસ્તાન ઝીંક, જિંદાલ સ્ટીલ, એનએમડીસી, તાતા સ્ટીલ, સેઈલમાં ખરીદી ચાલુ રહી હતી. નિફ્ટી રિઅલ્ટી પોણો ટકા વૃદ્ધિ સાથે નવી ટોચ પર બંધ જોવા મળતો હતો. જેના ઘટકોમાં પ્રેસ્ટીજ એસ્ટેટ, સનટેક રિઅલ્ટી, ગોદરેજ પ્રોપર્ટીઝ, ઓબેરોય રિઅલ્ટીમાં મજબૂતી જોવા મળી હતી. બીજી બાજુ, બેંક નિફ્ટીમાં અડધો ટકો નરમાઈ જોવા મળી હતી. જેના ઘટકોમાં આઈસીઆઈસીઆઈ બેંક, બેંક ઓફ બરોડા, ઈન્ડસઈન્ડ બેંક, કોટક મહિન્દ્રા બેંક, એક્સસ બેંક, એયૂ સ્મોલ ફાઈનાન્સ બેંક નરમાઈ દર્શાવતાં હતાં. નિફ્ટી આઈટી ઈન્ડેક્સ પણ અડધા ટકા ઘટાડા સાથે બંધ જોવા મળ્યો હતો. જેના ઘટકોમાં પર્સિસ્ટન્ટ, ઈન્ફોસિસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક્નોલોજી, ટીસીએસમાં નરમાઈ જોવા મળી હતી. નિફ્ટી ફાર્મા પણ નરમાઈ દર્શાવતો હતો. જેમાં લ્યુપિન, સિપ્લા, ડો. રેડ્ડીઝ લેબ્સ, ડિવિઝ લેબ્સ, ઓરોબિંદો ફાર્મામાં નોંધપાત્ર ઘટાડો જોવાયો હતો.
એનએસઈ ડેરિવેટીવ્સ સેગમેન્ટ પર નજર નાખીએ તો વોડાફોન આઈડિયા 21 ટકા ઉછળ્યો હતો. આ ઉપરાંત ઈન્ડસ ટાવર્સ, જીએમઆર એરપોર્ટ્સ, સીજી કન્ઝ્યૂમર, મધરસન સુમી, તાતા કન્ઝ્યૂમર, આઈઈએક્સ, આરબીએલ બેંક, તાતા મોટર્સ, અશોક લેલેન્ડ, એપોલો ટાયર્સ, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ, ગેઈલ, એમઆરએફમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી હતી. બીજી બાજુ, એચપીસીએલ, બીપીસીએલ, ઈન્ડિયામાર્ટ, આઈઓસી, ચંબલ ફર્ટિલાઝઈઝર્સ, તાતા કોમ્યુ., પર્સિસ્ટન્ટ, ઓએનજીસી, એસબીઆઈ, કોલ ઈન્ડિયામાં નરમાઈ જોવા મળતી હતી. કેટલાંક વાર્ષિક કે સર્વોચ્ચ ટોચ દર્શાવનારા કાઉન્ટર્સમાં વોડાફોન, અજંતા ફાર્મા, જીએમઆર, આઈઈએક્સ, 3એમ ઈન્ડિયા, ગોદરેજ ઈન્ડસ્ટ્રીઝ, તાતા કન્ઝ્યૂમર, એફલ ઈન્ડિયા, બોમ્બે બર્માહ, સીએસબી બેંક, મેક્રોટેક ડેવલપર, સૂવેન ફાર્મા, ફોર્ટિસ હેલ્થનો સમાવેશ થતો હતો.
શેરબજાર રોકાણકારોએ 2023માં રૂ. 81 લાખ કરોડનું સંપત્તિ સર્જન કર્યું
બીએસઈ સેન્સેક્સે વર્ષ દરમિયાન 19 ટકાનું રિટર્ન દર્શાવ્યું
બીએસઈ સ્મોલ-કેપમાં 47 ટકા અને મીડ-કેપ ઈન્ડેક્સમાં 45 ટકાનું રિટર્ન જોવા મળ્યું
વર્ષ દરમિયાન બાર મહિનામાંથી આંઠમાં બજારનું પોઝીટીવ રિટર્ન
નવેમ્બરમાં માર્કેટે 5 ટકા જ્યારે ડિસેમ્બરમાં 8 ટકાનું સૌથી ઊંચું વળતર નોંધાવ્યું
કેલેન્ડર 2023 દલાલ સ્ટ્રીટ માટે યાદગાર વર્ષ બની રહેશે. વર્ષ દરમિયાન શેરબજાર રોકાણકારોની સંપત્તિમાં રૂ. 80.62 લાખ કરોડની તીવ્ર વૃદ્ધિ નોંધાઈ હતી. જે અસાધારણ વૃદ્ધિ સૂચવે છે. લાર્જ-કેપ્સ, મીડ-કેપ્સ ને સ્મોલ-કેપ્સમાં વ્યાપક ખરીદી પાછળ શેરબજારની વેલ્થમાં ઊંચો વધારો જોવા મળ્યો હતો. ભારતીય શેરબજારે 2023માં સતત આંઠમા વર્ષે પોઝીટીવ રિટર્ન નોંધાવ્યું હતું.
માર્કેટ નિષ્ણાતોના મતે ભારતના મજબૂત મેક્રોઈકોનોમિક ફંડામેન્ટલ્સ, રાજકીય સ્થિરતા અને આશાવાદી કોર્પોરેટ અર્નિંગ્સ આઉટલૂકને કારણે શેરબજારમાં એપ્રિલ મહિનાથી સતત સુધારો જળવાયો હતો. વૈશ્વિક સ્તરે યુએસ ફેડ તરફથી ડિસેમ્બર બેઠકમાં આપવામાં આવેલા રેટ કટના મજબૂત સંકેતોએ પણ ભારત જેવા ઈમર્જિંગ માર્કેટ માટે ઊંચો આશાવાદ ઊભો કર્યો હતો. મીડ અને સ્મોલ-કેપ્સમાં સારા વળતરને કારણે રિટેલ રોકાણકારો તરફથી બજારમાં મોટાપાયે ઈનફ્લો જોવા મળ્યો હતો. પ્રાઈમરી માર્કેટમાં પણ ક્વોલિટી આઈપીઓ પાછળ ઊંચા લિસ્ટીંગને કારણે રિટેલ વર્ગ તરફથી સક્રિયતા વધી હતી. જેણે શેરબજારને સપોર્ટ પૂરો પાડ્યો હતો. 28 ડિસેમ્બર સુધીમાં બીએસઈ સેન્સેક્સે 19 ટકાનું તીવ્ર વળતર દર્શાવ્યું હતું. તે 11,570 પોઈન્ટ્સ ઉછળી 72 હજારની સપાટી પાર કરી ગયો હતો.
બએસઈનુંમાર્કેટ-કેપિટલાઈઝેશન વર્ષ દરમિયાન રૂ. 80.62 લાખ કરોડ ઉછળી રૂ. 3.63 લાખ કરોડ પર પહોંચ્યું હતું. ગુરુવારે માર્કેટ બંધ થયું ત્યારે બીએસઈ ખાતે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ-કેપ તેની સર્વોચ્ચ ઊંચાઈએ જોવા મળ્યું હતું. સ્વસ્તિકા ઈન્વેસ્ટમેન્ટના એમડી સુનીલ ન્યાતિના જણાવ્યા મુજબ ભારતીય બજારે મજબૂતી જાળવી રાખી છે. વૈશ્વિક તરીકે હરિફ ઈમર્જિંગ બજારોમાં સતત આઉટપર્ફોર્મર બની રહ્યો છે. તેમના મતે 2023 માત્ર ભારતીય શેરબજાર માટે જ સારુ હતું એમ નથી પરંતુ રિટેલ રોકાણકારો માટે તે મોટી સંપત્તિ સર્જન કરનારું વર્ષ બની રહ્યું છે. વર્ષ દરમિયાન કરેક્શન્સ દરમિયાન રિટેલ રોકાણકારોએ કોઈ પેનિક નથી દર્શાવ્યું. તેઓ વિશ્વાસ પૂર્વક તેમની પોઝીશન જાળવીને બેઠાં હતાં અને તેજીના વેવ પર સવારી માટે તૈયાર હતાં.
ડિસેમ્બર 2023ની શરૂમાં ભારતીય શેરબજારનું માર્કેટ-કેપ પ્રથમવાર 4 ટ્રિલિયન ડોલરની ઊંચાઈને પાર કરી ગયું હતું. જે એક વિક્રમી સપાટી હતી. તે સાથે તે વિશ્વમાં પાંચમા ક્રમનું સૌથી મૂલ્યવાન શેરબજાર બન્યું હતું. છેલ્લાં વર્ષોમાં તે યૂકે, ફ્રાન્સ અને જર્મનીને માર્કેટ-કેપમાં પાછળ રાખી ચૂક્યું છે. ભારતીય બજારે 24 મે, 2021ના રોજ 3 ટ્રિલીયન ડોલરનું સીમાચિહ્ન પાર કર્યું હતું. જેના માત્ર અઢી વર્ષમાં તે વધુ એક ટ્રિલીયન ડોલરના ઉમેરા સાથે 4 ટ્રિલીયન ડોલર પર પહોંચ્યું હતું. જ્યારે ડિસેમ્બરમાં તેણે માર્કેટ-કેપમાં વધુ 20 અબજ ડોલરનો ઉમેરો કર્યો હતો. આમ તે 4.2 ટ્રિલીયન ડોલર પર પહોંચ્યું હતું. જે હોંગ કોંગ માર્કેટના 4.5 ટ્રિલીયન ડોલરના માર્કેટ-કેપથી સહેજ છેટે જોવા મળે છે. જો 2024માં પણ ભારતીય બજારનું પર્ફોર્મન્સ ચાલુ રહેશે તો તે હોંગ કોંગને પાછળ રાખી દે તેવી શક્યતાં છે.
એનાલિસ્ટ્સના મતે ડિસેમ્બરમાં બે ઘટનાઓએ ભારતીય બજારના મોરલને મહત્વનો સપોર્ટ પૂરો પાડ્યો હતો. એક તો રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીઓમાં ભાજપનો વિજય. જ્યારે ત્યારપછી યુએસ ફેડ તરફથી દર્શાવવામાં આવેલી 2024માં ત્રણ વાર રેટ કટની શક્યતા. ત્રણ મહત્વના રાજ્યોની વિધાનસભામાં ભાજપના વિજયે 2024 લોકસભા ચૂંટણીઓમાં એનડીએની સરકાર ત્રીજી મુદત માટે જળવાય રહેશે તેવી પ્રબળ શક્યતાં ઊભી કરી છે. આમ વર્તમાન સરકારની નીતિઓ સાથે રાજકીય સ્થિરતા જેવા મુદ્દે બજારમાં વિદેશી રોકાણકારોએ ઓક્ટોબર, નવેમ્બરમાં વેચવાલી દર્શાવ્યાં પછી ડિસેમ્બરમાં ઊંચી ખરીદી કરી હતી. જે બજારોને નવી ટોચ પર લઈ જવામાં જવાબદાર હતી.
ચાલુ કેલેન્ડરમાં 20 માર્ચે બીએસઈએ 57084.91નું વાર્ષિક તળિયું દર્શાવ્યું હતું. જ્યાંથી તેમાં યુ-ટર્ન જોવા મળ્યો હતો અને 28 ડિસેમ્બરે ગુરુવારે તે 72,484.34ની સર્વોચ્ચ ટોચ પર ટ્રેડ થયો હતો. આમ તળિયાના ભાવથી તેણે 15 હજારથી વધુ પોઈન્ટ્સનો સુધારો દર્શાવ્યો હતો. જો માસિક ધોરણે વાત કરીએ તો વર્ષના 12 મહિનામાંથી તે આંઠ વાર સુધારા સાથે બંધ રહ્યો હતો. જ્યારે ચાર વાર તેણે ઘટાડો નોંધાવ્યો હતો. નવેમ્બર અને ડિસેમ્બર મહિનાઓ વળતરની રીતે સૌથી મજબૂત જોવા મળ્યાં હતાં. નવેમ્બરમાં સેન્સેક્સમાં 4.87 ટકાનો જ્યારે ડિસેમ્બરમાં 8 ટકાનું રિટર્ન નોંધાયું હતું.
બીએસઈ સ્મોલ-કેપ ઈન્ડેક્સે પણ વર્ષ દરમિયાન 46.51 ટકાનું તીવ્ર રિટર્ન દર્શાવ્યું હતું. જે 13,455,51 પોઈન્ટ્સ ઉછળ્યો હતો. જ્યારે બીએસઈ મીડ-કેપ ઈન્ડેક્સે 11,213.69 પોઈન્ટ્સની વૃદ્ધિ સાથે 44.5 ટકાનું રિટર્ન દર્શાવ્યું હતું.
2023માં UPએ 23.1 લાખ સાથે સૌથી વધુ નવા રોકાણકારો ઉમેર્યાં
સાથે કુલ એક્ટિવ ઈન્વેસ્ટર્સની બાબતમાં 89.5 લાખ સાથે ગુજરાત(76.5 લાખ)ને પાછળ રાખ્યું
પૂરાં થતાં કેલેન્ડરમાં મહારાષ્ટ્રે 21.8 લાખ જ્યારે ગુજરાતે 11.3 લાખ નવા રોકાણકારો મેળવ્યાં
બિહારે 36.60 ટકા સાથે નવા રોકાણકારો મેળવવામાં સૌથી ઊંચી વૃદ્ધિ દર્શાવી
શેરબજારોમાં અવિરત તેજી પાછળ દેશમાં ઈક્વિટી કલ્ચર ઝડપથી પ્રસરી રહ્યું છે. તે મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા દાયકાઓથી પ્રભુત્વ ધરાવતાં પશ્ચિમના રાજ્યોમાંથી મોટી વસ્તી ધરાવતાં રાજ્યોમાં ફેલાઈ રહ્યું છે. કેલેન્ડર 2023માં માત્ર બેન્ચમાર્ક સેન્સેક્સે તેની સર્વોચ્ચ સપાટી દર્શાવીને આશ્ચર્ય નથી સર્જ્યું પરંતુ ઉત્તર પ્રદેશ જેવા રાજ્યે પ્રથમવાર કેલેન્ડરમાં 23.1 લાખ નવા રોકાણકારો મેળવીને ટોચનું સ્થાન મેળવ્યું છે. સાથે જ તેણે કુલ એક્ટિવ ઈન્વેસ્ટર્સની બાબતમાં પણ ગુજરાતને પાછળ રાખ્યું છે.
કેલન્ડરના આખરી સપ્તાહમાં 25 સપ્ટેમ્બરના રોજ ઉત્તર પ્રદેશ 89.5 લાખ એક્ટિવ ઈન્વેસ્ટર્સ ધરાવતું હતું. જે ગુજરાતના 76.5 લાખ ઈન્વેસ્ટર્સ કરતાં નોંધપાત્ર ઊંચી સંખ્યા હતી. જોકે, મહારાષ્ટ્ર 1.48 કરોડ રજિસ્ટર્ડ ઈન્વેસ્ટર્સ સાથે દેશમાં ટોચનું રાજ્ય છે. 25 ડિસેમ્બરના રોજ દેશમાં કુલ રજિસ્ટર્ડ ઈન્વેસ્ટર્સની સંખ્યા 8.49 કરોડ પર જોવા મળતી હતી. જે વાર્ષિક 22.4 ટકા વૃદ્ધિ દર્શાવે છે. પૂરાં થઈ રહેલા કેલેન્ડરમાં પરંપરાગત એવા ગુજરાત અને મહારાષ્ટ્રમાં પણ નોંધપાત્ર સંખ્યામાં નવા રોકાણકારો બજારમાં પ્રવેશ્યાં હતાં. ઉત્તર પ્રદેશ પછી મહારાષ્ટ્રમાં 21.8 લાખ નવા રોકાણકારોનો ઉમેરો થયો હતો. જે વાર્ષિક 16.90 ટકા વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે ગુજરાતમાં નવા 11.3 લાખ રોકાણકારો પ્રવેશ્યાં હતાં. જે 17.20 ટકા વૃદ્ધિ સૂચવે છે. અગાઉ બિમારુ તરીકે ઓળખાતાં બિહાર ટકાવારીની રીતે નવા રોકાણકારોના પ્રવેશમાં ટોચ પર જોવા મળે છે. રાજ્યમાં 2023માં રોકાણકારોની સંખ્યામાં 36.60 ટકાની સૌથી ઊંચી વૃદ્ધિ નોંધાઈ હતી. આખરી આંકડાની રીતે તે 8.8 લાખ થવા જતી હતી. મધ્ય પ્રદેશ(9 લાખ) અને રાજસ્થાન(9.9 લાખ)માં નવા રોકાણકારોની સંખ્યામાં અનુક્રમે 28.9 ટકા અને 25.60 ટકા વૃદ્ધિ નોંધાઈ હતી. જ્યારે તમિલનાડુ(8.2 લાખ) અને દિલ્હી(6.2 લાખ) અનુક્રમે 20.4 ટકા અને 18.9 ટકા વૃદ્ધિ દર્શાવતાં હતાં. સમગ્ર દેશમાં નવા રોકાણકારોની સંખ્યામાં 1.569 કરોડની વૃદ્ધિ થઈ હતી. જે વાર્ષિક 22.40 ટકાની ઊંચી વૃદ્ધિ દર્શાવે છે. ડિજીટલ કેવાયસી જેવી સરળ સુવિધાને કારણે નવા રોકાણકારોનો પ્રવેશ સરળ અને ઝડપી બન્યો છે. ઈક્વિટી માર્કેટમાં સીધા પ્રવેશ ઉપરાંત મ્યુચ્યુલ ફંડ્સ મારફતે પણ કરોડો નવા રોકાણકારોએ પ્રવેશ મેળવ્યો હતો.
કેલેન્ડર 2023માં નવા રોકાણકારોમાં વૃદ્ધિ
રાજ્ય 2023માં વૃદ્ધિ(લાખમાં) વાર્ષિક વૃદ્ધિ(ટકામાં)
ઉત્તર પ્રદેશ 23.1 33.80
મહારાષ્ટ્ર 21.8 16.90
ગુજરાત 11.3 17.20
રાજસ્થાન 9.9 25.60
પશ્ચિમ બંગાળ 9.7 24.50
મધ્ય પ્રદેશ 9.0 28.90
બિહાર 8.8 36.60
તમિલનાડુ 8.2 20.40
કર્ણાટક 7.4 18.50
દિલ્હી 6.2 18.90
કુલ* 1.56 22.40
(* આંકડો કરોડમાં)
એપ્રિલથી નવે.માં ફિસ્કલ ડેફિસિટ સંકડાઈને 50.7 ટકા પર જોવા મળી
ગયા નાણા વર્ષે સમાનગાળામાં તે 58.9 ટકા પર નોંધાઈ હતી
નાણા વર્ષ 2023-24 માટે ભારતની નાણાકિય ખાધ(ફિસ્કલ ડેફિસિટ) સંકડાઈને 50.7 ટકા પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં 58.9 ટકા પર હતી. એબ્સોલ્યૂટ સંદર્ભમાં તે રૂ. 9.07 લાખ કરોડ પર જોવા મળી છે. નાણાકિય ખાધ એ સરકારની કુલ આવક અને કુલ ખર્ચ વચ્ચેનો તફાવત સૂચવે છે.
એપ્રિલથી નવેમ્બરના પ્રથમ આઁઠ મહિના દરમિયાન કુલ આવક રૂ. 14.36 લાખ કરોડ જોવા મળી હતી. જે કુલ વાર્ષિક અંદાજના 62 ટકા જેટલી હતી. ગયા વર્ષે સમાનગાળામાં તે રૂ. 12.25 લાખ કરોડ પર જોવા મળતી હતી એમ સરકારી ડેટા સૂચવે છે. આંઠ મહિનામાં કુલ ખર્ચ રૂ. 26.52 લાખ કરોડ પર જળવાયો હતો. જે વાર્ષિક અંદાજના 59 ટકા જેટલો હતો. ગયા વર્ષે તે રૂ. 24.43 લાખ કરોડ પર નોંધાયો હતો. ચાલુ નાણાકિય વર્ષના પ્રથમ આઁઠ મહિના દરમિયાન સરકારનો મૂડી ખર્ચ અથવા તો ફિઝિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બાંધવા પાછળનો ખર્ચ રૂ. 5.86 લાખ કરોડ પર જોવા મળ્યો હતો. જે વાર્ષિક અંદાજના 58.5 ટકા પર હતો. ગયા વર્ષે જોવા મળતાં રૂ. 4.47 લાખ કરોડની સરખામણીમાં તે ઊંચો હતો. બજેટ 2023ની રજૂઆત દરમિયાન નાણા પ્રધાન નિર્મળા સીતારામણે જણાવ્યું હતું કે ભારત સરકાર 2022-23માં 6.4 ટકાની નાણાકિય ખાધને ઘટાડી 5.9 ટકા કરવાનો ટાર્ગેટ ધરાવે છે. ચાલુ મહિનાની શરૂમાં રાજ્ય કક્ષાના નાણા પ્રધાન ભાગવત કરાડે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકાર 2023-24માં 5.9 ટકાના ટાર્ગેટને ગણવા માટે વિશ્વસ્ત છે. 2023-24ના પ્રથમ સાત મહિનામાં નાણાકિય ખાધ સમગ્ર વર્ષ માટેના રૂ. 8.04 લાખ કરોડના અંદાજના 45 ટકા પર જોવા મળી હતી. સરકારની આવકમાં કરવેરા અને બિનકરવેરાની આવકો મુખ્ય સ્રોત છે.
2022-23માં ARCને સ્ટ્રેસ્ટ લોન્સના વેચાણમાં ઉછાળોઃ RBI
ગયા નાણા વર્ષમાં એસેટ રિકન્સ્ટ્રક્શન કંપનીઓની સ્ટ્રેસ્ડ બુક રૂ. 2,10,222 કરોડ પર જોવા મળી હતી
ગયા નાણા વર્ષ 2022-23માં એસેટ રિકન્સ્ટ્રક્શન કંપની(એઆરસી)ને સ્ટ્રેસ્ડ લોન્સના વેચાણમાં ઉછાળો જોવા મળ્યો હોવાનું આરબીઆઈનો રિપોર્ટ જણાવે છે. જેને નવરચિત નેશનલ એસેટ્સ રિકન્ટ્રક્શન કંપની(NARCL)ને થયેલા વેચાણમાંથી આંશિકપણે જોઈ શકાય છે.
એઆરસી તરફથી જાળવવાની થતી સ્ટ્રેસ્ડ એસેટ્સની બુક વેલ્યૂ 2022-23માં ઉછળી રૂ. 2,10,111 કરોડ પર જોવા મળી હતી. જે 2021-22માં રૂ. 77,516 કરોડ પર હતી એમ આરબીઆઈનો ટ્રેન્ડ એન્ડ પ્રોગ્રેસ ઓફ બેંકિંગ નામે રિપોર્ટ સૂચવે છે. ઊંચી એસેટ વેચાણના ભાગરૂપે એઆરસી તરફથી લેન્ડર્સ, ક્વોલિફાઈડ ઈન્સ્ટીટ્યૂશ્નલ બાયર્સ અને એફઆઈઆઈને ઈસ્યુ કરવામાં આવેલી રિસિટ્સ પણ 2022-23માં રૂ. 41,446 કરોડ પર જોવા મળી હતી. જે અગાઉના વર્ષે રૂ. 25,284 કરોડ પર હતી. સંપૂર્ણપણે રિડીમ થયેલી સિક્યુરિટી રિસિટ્સ પણ ઉછળી રૂ. 9727 કરોડ પર જોવા મળી હતી. જે અગાઉના વર્ષે રૂ. 6108 કરોડ પર હતી. સંપૂર્ણપણે રિડીમ થયેલી રિસિટ્સનો અર્થ રિકવરીની પ્રક્રિયા પૂર્ણ થઈ એમ થાય છે. જેમાં વર્ષ દરમિયાન વધુ વૃદ્ધિ જોવા મળી હતી એમ આરબીઆઈ સૂચવે છે. 2022-23માં શેડ્યૂલ્ડ બેંક્સના અગાઉ વર્ષની ગ્રોસ નોન-પર્ફોર્મિંગ એસેટ્સનો 9.7 ટકા હિસ્સો એઆરસીને વેચાણ કરવામાં આવ્યો હતો. જે પ્રમાણ 2021-22માં 3.2 ટકા પર હતું. 2022-23માં એઆરસીએ રૂ. 2 લાખ કરોડનું ડેટ ખરીદ્યું હતું. જે વિક્રમી ખરીદી હતી. તે 30 ટકાથી વધુ વૃદ્ધિ સૂચવે છે એમ ભારતમાં એસોસિએશન ઓફ એઆરસીના સીઈઓ હરિ હર મિશ્રા જણાવે છે.
દરમિયાનમાં બેંક્સે એકથી વધુ ચેનલ્સ મારફતે તેમની સ્ટ્રેસ્ટ એસેટ્સનો ઉકેલ આણ્યો હતો. જેમાં ડેટ રિકવરી ટ્રિબ્યુનલ્સે રિફર્ડ કેસિસમાં 89 ટકા વૃદ્ધિ સાથે 58,073 કેસિસ જોયા હતાં. તેમજ આમાં સંડોવાયેલી રકમ 6 ગણી વધી રૂ. 4,02,636 કરોડ પર રહી હતી. જોકે, સરફેસાઈ એક્ટ હેટળ રિફર્ડ કેસિસની સંખ્યામાં 26 ટકાનો ઘટાડો નોંધાયો હતો અને તે 1,85,397 પર જોવા મળ્યાં હતાં. જ્યારે તેમાં સંડોવાયેલી રકમ 8 ટકા ઘટી રૂ. 1,11,805 કરોડ પર રહી હતી.
ડેટ સ્કિમ્સનું રૂ. 1.7 લાખ કરોડનું AUM સ્ટ્રેસ હેઠળઃ RBI
સેબીના અભ્યાસને ટાંકીને રિઝર્વ બેંકે આપેલી માહિતી
સેબીએ હાથ ધરેલા એક અભ્યાસ મુજબ 17-જેટલો મ્યુચ્યુલ ફંડ્સની ઓપન-એન્ડેડ ડેટ સ્કિમ્સનું રૂ. 1.7 લાખ કરોડનું એસેટ અન્ડર મેનેજમેન્ટ સપ્ટેમ્બર ક્વાર્ટરની આખરમાં સ્ટ્રેસ હેઠળ હતું. એનાલિસિસે 17 મ્યુચ્યુલ ફંડ્સના કિસ્સામાં સ્ટ્રેસની વાત કરી હતી. જોકે, સ્કિમ્સની રીતે જોઈએ તો કુલ 299 સ્કિમ્સમાંથી માત્ર 24માં સ્ટ્રેસ માલૂમ પડ્યો હતો એમ આરબીઆઈએ ગુરુવારે રજૂ કરેલા ફાઈનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટનું કહેવું હતું.
તેણે ઉમેર્યું હતું કે તમામ ડેટ સ્કિમ્સના રૂ. 12.4 લાખ કરોડના એયૂએમ સામે સ્ટ્રેસ્ડ ઓપન-એન્ડેડ ડેટ સ્કિમ્સનું કુલ એયૂએમ રૂ. 1.7 લાખ કરોડ હતું. તમામ સ્કિમ્સ માટે સ્ટ્રેસ ટેસ્ટીંગ હાથ ધરવામાં આવ્યું હતું. સેબીના આદેશ મુજબ તમામ એસેટ મેનેજમેન્ટ કંપનીઓએ ઓપન-એન્ડેડ ડેટ સ્કિમ્સનું સ્ટ્રેસ ટેસ્ટીંગ દર મહિને હાથ ધરવું ફરજિયાત છે. જેમાં તેણે રિડમ્પ્શન રિસ્ક સહિત વિવિધ રિસ્ક માપદંડોનું મૂલ્યાંકન કરવાનું રહે છે. ઓપન-એન્ડેડ ડેટ સ્કિમ્સ માટે લિક્વિડીટી રિસ્ક મેનેજમેન્ટમાં રિડમ્પ્શન રિસ્ક(આરએઆર)નો સમાવેશ થાય છે. જે સમયાંતરે સ્કિમ્સમાંથી આઉટફ્લો દર્શાવે છે. તમામ એસેટ મેનેજમેન્ટ કંપનીઓને લિક્વિડીટી રેશિયોનું પાલન કરવા માટે જણાવવામાં આવ્યું હોય છે. મ્યુચ્યુલ ફંડ્સે તમામ ઓપન-એન્ડેડ ડેટ સ્કિમ્સનું બેક-ટેસ્ટીંગ કરવાની જરૂરિયાત પણ રહે છે.
બેંક્સે બલ્ક ડિપોઝીટ્સ પરની અધિક નિર્ભરતા ઘટાડવી જોઈએઃ RBI ડે. ગવર્નર
તેમના મતે બલ્ક ડિપોઝીટ્સ પર ઊંચા અવલંબનથી હાલમાં ઊંચા NIMs જળવાય શકશે નહિ
બેંક્સે તેમના ડિપોઝીટ્સના ખર્ચ અને સમયગાળાનું સક્રિયપણ સંચાલન કરવા સાથે તેમના સ્રોતોનું વૈવિધ્યીકરણ કરવા સાથે બલ્ક ડિપોઝીટ્સ પરની અધિક નિર્ભરતા ઘટાડવી જોઈએ એમ આરબીઆઈના ડેપ્યૂટી ગવર્નર સ્વામિનાથન જે એ જણાવ્યું હતું.
એસબીઆઈના બેંકિંગ એન્ડ ઈકોનોમિક કોન્ક્લેવમાં બોલતાં તેમણે ઉમેર્યું હતું કે બલ્ક ડિપોઝીટ્સ પરનું વધુ પડતું અવલંબન ટાળવું જોઈએ. કેમકે તે ઈન્ટરેસ્ટ રેટ મૂવમેન્ટને લઈ સેન્સિટીવ છે અને કોન્સન્ટ્રેશન રિસ્ક ઊભું કરે છે. જેને કારણે અર્નિંગ્સ પર પણ થાય છે. મહામારી દરમિયાન બેંક્સે રિટેલ ડિપોઝીટ્સમાં ઊછાળો જોયો હતો. જેની પાછળ તેમનો કાસા ડિપોઝીટ રેશિયો 60 ટકા સુધીની ટોચ પર જોવા મળ્યો હતો. જોકે, રિટેલ ડિપોઝીટ્સ ફરીથી સામાન્ય બનતાં બેંક્સે છેલ્લાં કેટલાંક ક્વાર્ટર્સમાં ફરીથી બલ્ક ડિપોઝીટ્સ પર નિર્ભરતા વધારી છે. જેણે કાસા રેશિયોને ફરીથી 40-50 ટકા પર આણ્યો છે. આગામી મહિનાઓમાં તેમાં વધુ ઘટાડાની અપેક્ષા છે. વ્યાજ દરનું ચક્ર જ્યારે પરત ફરે છે ત્યારે બાહ્ય બેન્ચમાર્ક્સ સાથે જોડાયેલી લોન્સનું ડિપોઝીટ્સની સરખામણીમાં ઝડપથી રિપ્રાઈસિંગ થતું હોય છે. જેને કારણે નેટ ઈન્ટરેસ્ટ માર્જિન્સ પર દબાણ ઊભું થતું હોય છે એમ સ્વામિનાથને જણાવ્યું હતું. જ્યારે પણ વ્યાજ દરોમાં ઘટાડાની સાઈકલ શરૂ થશે ત્યારે બેંક્સ હાલમાં મેળવી રહેલા નેટ ઈન્ટરેસ્ટ માર્જિન નહિ મેળવી શકે. આમ, બેંકોએ માત્ર તેમની ટ્રેડિંગ બુકમાં જ નહિ પરંતુ બેંકિંગ બુકમાં પણ ઈન્ટરેસ્ટ રેટ રિસ્કને ગણનામાં લેવું જોઈએ એમ તેમણે ઉમેર્યું હતું.
નવેમ્બરમાં નીચી માગ પાછળ એન્જીનીયરીંગ એક્સપોર્ટ્સમાં ઘટાડો
સતત ત્રણ મહિનાથી વૃદ્ધિ દર્શાવ્યાં પછી સપ્ટેમ્બરમાં ભારતમાંથી એન્જીનીયરીંગ નિકાસમાં વાર્ષિક ધોરણે 3.1 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. જેની પાછળ મુખ્ય બજારો જેવાકે ઈયૂ, યુએસ અને આસિયાન ખાતેથી માગમાં ઘટાડો હોવાનું વર્તુળો જણાવે છે. જોકે, રશિયા ખાતે ભારતની એન્જીનીયરીંગ નિકાસમાં વૃદ્ધિ જોવા મળી હતી. એપ્રિલથી નવેમ્બરના સમયગાળામાં દેશમાંથી એન્જીનીયરીંગની કુલ નિકાસ 1.81 ટકા વધી 69.46 અબજ ડોલર પર જોવા મળી હતી. જે વૈશ્વિક સ્તરે નરમ માગ સૂચવે છે. ઊંચા વ્યાજ દરો, નબળુ ઔદ્યોગિક ઉત્પાદન અને કોમોડિટીઝના ભાવમાં ઊંચી વધ-ઘટને કારણે આર્થિક કામગીરી નબળી જળવાતાં એન્જિનીયરીંગ ગુડ્ઝની માગ ઘટી હતી. ઉપરાંત, કેટલાંક દેશો તરફથી વેપાર પર નિયંત્રણોને કારણે પણ નિકાસ પર પ્રતિકૂળ અસર જોવા મળી હતી. જોકે, નવા કેલેન્ડરમાં ફરીથી માગમાં મજબૂતીની અપેક્ષા વર્તુળો જોઈ રહ્યાં છે.
ઈક્વિટી ઈન્ફ્યૂઝનની ચર્ચા પાછળ વોડાફોનનો શેર 23 ટકા ઉછળ્યો
શુક્રવારે બીએસઈ ખાતે ટેલિકોમ કંપનીનો શેર બીએસઈ ખાતે રૂ. 16.22ની વાર્ષિક ટોચ બનાવી રૂ. 16.02 પર બંધ રહ્યો
દેશમાં ત્રીજા ક્રમના ટેલિકોમ ઓપરેટર વોડાફોન આઈડિયાનો શેર શુક્રવારે 23 ટકા ઉછળ્યાં પછી કામકાજની આખરમાં બીએસ ખાતે 21 ટકા વૃદ્ધિ સાથે રૂ. 16.02ની સપાટીએ બંધ રહ્યો હતો. તેણે ઈન્ટ્રા-ડે લેવલે રૂ. 16.22ની વાર્ષિક ટોચ દર્શાવી હતી. એનએસઈ ખાતે ટેલિકોમ કંપનીનો શેર રૂ. 16.25ની ટોચ પર ટ્રેડ થયો હતો. સમગ્ર દિવસ દરમિયાન તેણે પોઝીટીવ ટ્રેન્ડ દર્શાવ્યો હતો.
છેલ્લા છ મહિનામાં વોડાફોન આઈડિયામાં રોકાણકારોની વેલ્થ 116.78 ટકા વૃદ્ધિ સાથે બમણી થઈ છે. શુક્રવારે વોડાફોન આઈડિયાના કાઉન્ટરમાં એનએસઈ ખાતે 175 કરોડ શેર્સનું કામકાજ જોવા મળ્યું હતું. જે સપ્તાહની 26 કરોડ શેર્સની સરેરાશથી નોંધપાત્ર ઊંચું હતું. જ્યારે માસિક ધોરણે 33 કરોડ શેર્સની સરેરાશથી પણ ઘણું ઊંચું હતું. ટેલિકોમ કંપનીના શેરમાં તીવ્ર ઉછાળા પાછળનું કારણ પ્રમોટર્સ તરફથી સંઘર્ષરત કંપનીમાં ઈક્વિટી ઈન્ફ્યૂઝનની શક્યતાં હોવાનું વર્તુળો જણાવતાં હતાં. રોકડની તંગીનો સામનો કરી રહેલી વોડાફોનમાં છેલ્લાં ઘણા સમયથી ફંડ ઈન્ફ્યૂઝનની ચર્ચા જોવા મળી રહી છે એમ જાણકાર વર્તુળોનુ કહેવું છે. જોકે, હજુ સુધી તેને લઈ કોઈ આખરી નિર્ણય નથી લેવાયો. કંપનીએ તાજેતરના ફાઈલીંગમાં ડિસેમ્બરને ફંડ ઈન્ફ્યૂઝન માટે ડેડલાઈન તરીકે દર્શાવ્યો હતો. જોકે, શેરના ભાવમાં તેજીએ ટૂંકાગાળા માટે આ ચર્ચા-વિચારણાને અટકાવી હતી એમ વર્તુળોનું કહેવું હતું. તેના મતે ફંડ રેઈઝીંગની અપેક્ષા પાછળ શેરના ભાવમાં તેજી જોવાઈ છે. જે નવા રોકાણકાર માટે વેલ્યૂએશન્સને ઊંચે લઈ જાય છે. સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વોડાફોનની ખોટ વધી રૂ. 8737.9 કરોડ પર જોવા મળી હતી. જે ગયા વર્ષે સમાનગાળામાં રૂ. 7595.5 કરોડ પર હતી. તેની ઓપરેશન આવક પણ 0.95 ટકા વધી રૂ. 10,716.2 કરોડ પર રહી હતી.
RIL સરક્યુલર પોલિમર્સ માટે કેમિકલ રિસાઈક્લિંગનો ઉપયોગ કરનારી દેશની પ્રથમ કંપની
વિશ્વના સૌથી મોટા અત્યાધુનિક રિફાઈનિંગ અને પેટ્રોકેમિકલ સંકુલની ઓપરેટર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્લાસ્ટિકના કચરા-આધારિત પાયરોલિસિસ ઓઈલનું ઈન્ટરનેશનલ સસ્ટેઈનિબિલિટી એન્ડ કાર્બન સર્ટિફિકેશન (ISCC)- પ્લસ સર્ટિફાઈડ સરક્યુલર પોલિમર્સમાં રાસાયણિક રિસાઈક્લિંગ કરનારી ભારતની પ્રથમ કંપની બની છે. આ નવું સંશોધન ભારતમાં પ્લાસ્ટિક કચરાને ઘટાડીને સરક્યુલર ઈકોનોમીનું સમર્થન કરવામાં RILની પ્રતિબધ્ધતાની ખાતરી આપે છે.
RIL તરફથી સરક્યુરેપોલ™ (પોલિપ્રોપિલિન) અને સરક્યુરેલેન™ (પોલિઈથેલિન) નામના ISCC- પ્લસ પ્રમાણિત સરક્યુલર પોલિમર્સની પહેલી બેચને રવાના કરી દેવાઈ છે. તેમજ કંપની તરફથી પ્લાસ્ટિક કચરાનું સ્પેશિયલ સરક્યુલર પોલિમર્સમાં રૂપાંતરણ કરીને પ્લાસ્ટિકને રિસાઈકલ કરવા નવી ટેકનોલોજીના ઉપયોગ દ્વારા ભારતમાં નવો રસ્તો ખોલાયો છે. આનાથી પર્યાવરણ ઉપર પણ હકારાત્મક અસર જોવા મળશે. કેમિકલ રિસાઈક્લિંગ જેવી નવતર પદ્ધતિઓ દ્વારા RILએ પર્યાવરણની જાળવણી પ્રત્યે પોતાની વચનબદ્ધતાને દર્શાવી છે જેનાથી સરક્યુલર ઈકોનોમીની રચનામાં મદદ મળશે. કંપની પ્લાસ્ટિક કચરાને ઘટાડવાના સ્માર્ટ ઉપાયોને શોધવા તેમજ બીજાને પણ હરિયાળા ભવિષ્ય તરફની આ સફરમાં જોડાવા પ્રેરિત કરવામાં દૃઢપણે માને છે. સરક્યુરેપોલ™ અને સરક્યુરેલેન™ની ડિઝાઈન સરક્યુલર ઈકોનોમી પ્રણાલિનું નેતૃત્ત્વ કરવા માટે બનાવાઈ છે. RILની જામનગર રિફાઈનરી ISCC-પ્લસ સર્ટિફિકેશન મેળવનારી પ્રથમ રિફાઈનરી બની છે, જેણે પૂરવાર કર્યું છે કે, કેમિકલ રિસાઈક્લિંગ દ્વારા તે સરક્યુલર પોલિમર્સને ઘટાડી શકે છે.
કોર્પોરેટ હેડલાઈન્સ
એસબીઆઈ/એચડીએફસી બેંકઃ દેશની ટોચની બે બેંક્સે 1 એપ્રિલ, 2025થી તેમના તરફથી આપવામાં આવતી લોન્સ માટે ઊંચી મૂડી સાઈડમાં રાખવાની રહેશે. બંને બેંક્સની બેલેન્સ શીટ્સમાં ઝડપી વૃદ્ધિને જોતાં આરબીઆઈ તરફથી તેમના રિસ્ક વેઈટને વધારાતાં તેમણે આમ કરવાનું રહેશે. બંને બેંક્સ દેશના અર્થતંત્ર માટે મહત્વની હોવાથી તેમની સુરક્ષા મહત્વની બની રહે છે. જેને જોતાં આરબીઆઈએ એસબીઆઈ અને એચડીએફસી બેંક માટે ઊંચું એડિશ્નલ કોમન ઈક્વિટી ટિયર(CET) સૂચવ્યું છે.
પીએનબીઃ બીજા ક્રમની પીએસયૂ બેંકના બોર્ડે નાણા વર્ષ 2024-25 દરમિયાન રૂ. 7500 કરોડની રકમ એકત્ર કરવા માટેની મંજૂરી આપી છે. બેંક ઈન્સ્ટીટ્યૂશ્નલ પ્લેસમેન્ટ તથા ફોલો-ઓન ઈસ્યુ મારફતે આ રકમ ઊભી કરવા માટેના વિકલ્પો ચકાસી રહી છે. આ રકમનો ઉપયોગ રેગ્યુલેટરી નિયમોના પાલન માટે તથા બિઝનેસ ગ્રોથના સપોર્ટ માટે કરવામાં આવશે. સપ્ટેમ્બર ક્વાર્ટરની આખરમાં બેંકનો મૂડી પર્યાપ્તતા દર 15.09 ટકા પર જોવા મળતો હતો.
લાર્સન એન્ડ ટુબ્રોઃ ઈપીસી કંપનીએ પાવર ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યુશન સેગમેન્ટમાં પશ્ચિમ એશિયા ખાતેથી નવા ઓર્ડર્સ મેળવ્યાં છે. જેમાં યૂએઈ, કુવૈત જેવા દેશોમાંથી ઓર્ડર્સનો સમાવેશ થાય છે. એલએન્ડટીની બાંધકામ કંપનીએ યૂએઈ ખાતેથી 400/132-કેવી સબસ્ટેશનના એન્જીનીયરીંગ, સપ્લાય, કન્સ્ટ્રક્શન, ઈન્સ્ટોલેશન, ટેસ્ટીંગ અને કમિશ્નીંગ માટેનો ઓર્ડર મેળવ્યો છે. જ્યારે કુવૈત ખાતે પણ કંપનીની બાંધકામ પાંખે 400-કેવીના ઓવરહેડ ટ્રાન્સમિશનની સ્થાપના માટેનો ઓર્ડર મેળવ્યો છે.
કલ્પતરુ પ્રોજેક્ટ્સઃ એન્જીનીયરીંગ અને કન્સ્ટ્રક્શન કંપનીએ રૂ. 3244 કરોડના મૂલ્યના ઓર્ડર્સ મેળવ્યાં છે. તેણે આ ઓર્ડર્સ તેની વિદેશી સબસિડિયરીઝ અને સંયુક્ત સાહસો સાથે મળીને મેળવ્યાં છે. તેમજ તેણે કંપનીએ મેટ્રો ટનલ સેગમેન્ટમાં પ્રવેશની જાહેરાત કરી છે. તેણે અન્ડરગ્રાઉન્ડ મેટ્રો રેલ પ્રોજેક્ટની ડિઝાઈન અને કન્સ્ટ્રક્શન માટે ઓર્ડર મેળવ્યો છે. જે ટનેલ બોરિંગ મશીન સાથે ઈલેક્ટ્રીક મોબિલિટી બિઝનેસમાં તેનો પ્રવેશ સૂચવે છે.
કેઈસી ઈન્ટરનેશનલઃ એન્જીનીયરીંગ કંપનીએ રૂ. 1566 કરોડના મૂલ્યના ઓર્ડર્સ મેળવ્યાં છે. તેણએ ટ્રાન્સમિશન અને ડિસ્ટ્રીબ્યૂશન સેગમેન્ટમાં આ ઓર્ડર્સ મેળવ્યાં છે. કંપનીએ ભારત તથા નોર્થ અમેરિકા માટે આ પ્રોજેક્ટ્સ મેળવ્યાં છે. જેમાં 400/220 કેવી ટ્રાન્સમિશન લાઈન્સ અને 220/132 કેવી જીઆઈએસ અને એઆઈએસ સબસ્ટેશનનો સમાવેશ થાય છે.
એનએસઈઃ નેશનલ સ્ટોક એક્સચેન્જે રોકાણકારોને હાર્દિક શુભેચ્છા પાઠવી છે. એક્સચેન્જના એમડી અને સીઈઓ આશિષકુમાર ચૌહાણે માત્ર રજિસ્ટર્ડ મધ્યસ્થી સાથે જ ડીલ કરવા અને ક્યારેય અનિયંત્રિત પ્રોડક્ટ્સમાં રોકાણ નહિ કરવા જણાવ્યું છે. શેરબજાર દ્વારા રોકાણ લાંબાગાળે સંપત્તિ સર્જન માટે થાય છે. એક અપ્રિય અનુભવ સૌથી મજબૂત રોકાણકારને પણ નિરાશ કરી શકે છે, જેથી જો તમે શેરબજારમાં નવા હોવ અથવા નિષ્ણાંત ન હોવ તો સાવધાનીપૂર્વક આગળ વધવું મહત્વપૂર્ણ બની જાય છે એમ જણાવ્યું છે.
નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાઃ નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના પ્રોપરાઈટરી એફોર્ડેબિલિટી ઈન્ડેક્સ અનુસાર 2023માં ઘરો માટે EMI અને આવકનો રેશિયો સુધર્યો છે. રિપોર્ટ મુજબ અમદાવાદ એ 21 ટકા એફોર્ડેબિલિટી રેશિયો સાથે દેશનું સૌથી સસ્તું હાઉસિંગ માર્કેટ છે. જે સૂચવે છે કે અમદાવાદમાં એક પરિવારે હાઉસિંગ લોન માટે EMI ચૂકવવા માટે તેમની ઘરેલું આવકના 21 ટકા ખર્ચ કરવાની જરૂર રહે છે. 24 ટકા રેશિયો સાથે પુણે અને કોલકાતા બીજા ક્રમે જોવા મળે છે. મુંબઈ 51 ટકા સાથે સૌથી મોંઘું રિઅલ્ટી બજાર છે.
આરબીએલ બેંકઃ બેંક રેગ્યૂલેટર આરબીઆઈએ આઈસીઆઈસીઆઈ ગ્રૂપને પ્રાઈવેટ બેંક આરબીએલ બેંકમાં 9.95 ટકા હિસ્સો ખરીદવાની છૂટ આપી છે. આરબીઆઈએ આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ એસેટ મેનેજમેન્ટ કંપની અને આઈસીઆઈસીઆઈ પ્રૂડેન્શિયલ લાઈફ ઈન્શ્યોરન્સ કંપનીને ભેગા મળી આ હિસ્સો ખરીદવાની છૂટ આપી છે. આરબીઆઈએ એક વર્ષની અંદર આ હિસ્સો ખરીદવાની મુદત આપી છે.
સીઈએસઈઃ પાવર યુટિલીટી કંપની એક્સિસ બેંકને 20 હજાર નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ ઈસ્યુ કરી રૂ. 200 કરોડ ઊભા કરશે. કંપનીના બોર્ડે સિક્યોર્ડ, અનલિસ્ટેડ, રિડિમેબલ રેટેડ એનસીડીના ઈસ્યુના પ્રસ્તાવ પર મંજૂરી આપી હતી. કોલકોત્તા મુખ્યાલય ધરાવતી કંપની રૂ. 10000ની ફેસવેલ્યૂના એનસીડી ઈસ્યુ કરશે.
આઈનોક્સ વિન્ડઃ કંપનીએ આઈનોક્સ વિન્ડ એનર્જી અને આઈનોક્સ વિન્ડના પ્રસ્તાવિત મર્જરની સ્કિમ માટે દેશના બે સ્ટોક એક્સચેન્જિસ બીએસઈ અને એનએસઈ તરફથી મંજૂરી મેળવી છે. અગાઉ આઈનોક્સ વિન્ડના બોર્ડ ડિરેક્ટર્સે જૂનમાં બંને કંપનીઓના મર્જર માટેના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.