Market Summary 29 April 2021

માર્કેટ સમરી

ઊંચી વોલેટિલિટી વચ્ચે એપ્રિલ સિરિઝનો અંત

ભારતીય બજારે સતત ચોથા દિવસે સુધારો દર્શાવ્યો હતો. બેન્ચમાર્ક નિફ્ટી 30 પોઈન્ટ્સના સુધારા સાથે 14895 પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે માર્કેટમાં ઊંચી વોલેટિલિટી જોવા મળી હતી. સાથે સમગ્ર એપ્રિલ સિરિઝ પણ વધ-ઘટથી ભરેલી રહી હતી. જોકે તેનો અંત સારો રહ્યો હતો. છેલ્લા ચાર સત્રોમાં નિફ્ટીએ તમામ લોસ ભૂંસી નાખ્યો હતો અને પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું.

ચીને સ્ટીલ નિકાસ પરની રાહતો દૂર કરતાં સ્ટીલ શેર્સમાં લાગેલી આગ

નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 4.53 ટકા ઉછળી સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો, સ્ટીલ શેર્સમાં 10 ટકા સુધીનો ઉછાળો

ટાટા સ્ટીલનો શેર લિસ્ટીંગ હિસ્ટરીમાં પ્રથમવાર રૂ. 1000ની સપાટીને પાર કરી ગયો

વિશ્વમાં સ્ટીલના સૌથી મોટા વપરાશકાર ચીને દેશમાંથી સ્ટીલ નિકાસ પરની વેટ રિબેટ દૂર કરતાં તેમજ ધાતુ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવતાં રો-મટિરિયલ્સ પરની ઈમ્પોર્ટ ડ્યૂટીને ઝીરો કરતાં વૈશ્વિક સ્ટીલના ભાવમાં વૃદ્ધિની શક્યતા પાછળ સ્થાનિક સ્ટીલ શેર્સમાં ગુરુવારે આગ લાગી હતી. અગાઉથી જ તીવ્ર સુધારો દર્શાવી ચૂકેલા સ્ટીલ શેર્સ વધુ 10 ટકા સુધીનો ઉછાળો દર્શાવી રહ્યાં હતાં. તેમજ અગ્રણી કંપનીઓના શેર્સ તેમની લાઈફ-ટાઈમ હાઈ પર ટ્રેડ થયા હતાં.

ગુરુવારે માર્કેટમાં એપ્રિલ સિરિઝ એક્સપાયરીને કારણે બે બાજુ વધ-ઘટ જોવા મળી હતી. જોકે મેટલ શેર્સમાં એકધારો સુધારો જળવાયો હતો અને તેઓ દિવસની ટોચ નજીક જ બંધ રહ્યાં હતાં. જેમની પાછળ નિફ્ટી મેટલ ઈન્ડેક્સ 4.53 ટકા ઉછળી 4855 પર બંધ રહ્યો હતો. તેણે ઈન્ટ્રા-ડે 4869ની સર્વોચ્ચ સપાટી દર્શાવી હતી. વાર્ષિક 1654ના તળિયા સામે તે લગભગ ચાર ગણો સુધારો દર્શાવી રહ્યો છે. મેટલ ઈન્ડેક્સને સૌથી મહત્વનો સપોર્ટ સ્ટીલ શેર્સનો સાંપડ્યો છે. અગ્રણી સ્ટીલ ઉત્પાદક કંપનીઓના શેર્સ ગુરુવારે જંગી વોલ્યુમ સાથે ઉછળ્યાં હતાં. જેમકે જેએસડબલ્યુ સ્ટીલનો શેર 9.64 ટકા વૃદ્ધિ સાથે રૂ. 726.50ના સ્તરે બંધ રહ્યો હતો. જ્યારે જાહેર ક્ષેત્રનો સ્ટીલ ઉત્પાદક સેઈલ 8.70 ટકા ઉછળી રૂ. 112.50ના સ્તરે બંધ રહ્યો હતો. દેશની સૌથી જૂની તથા ટાટા જૂથની સ્ટીલ કંપની ટાટા સ્ટીલનો શેર તેના 100થી વધુ વર્ષના લિસ્ટીંગ ઈતિહાસમાં પ્રથમવાર રૂ. 1000ની સપાટી પાર કરી રૂ. 1037ના સ્તરે ટ્રેડ થયો હતો અને 6.17 ટકા સુધારે રૂ. 1031.35ના ભાવે બંધ રહ્યો હતો. અગ્રણી સ્ટીલ શેર્સ તેમના એક વર્ષ અગાઉના તળિયા સામે 5-6 ગણો સુધારો દર્શાવી રહ્યાં છે. સ્ટીલ શેર્સમાં ટૂંકાગાળામાં આટલી તીવ્ર તેજી અગાઉ નથી જોવા મળી.

માર્કેટ નિરીક્ષકોના મતે સ્ટીલ શેર્સમાં કરેક્શન અગાઉ જ ગુરુવારે તેજીનો નવો તબક્કો ચાલુ થયો હતો. ચીને સ્થાનિક માગને પૂરી કરવા માટે નિકાસને ડિસ્કરેજ કરવા ત્યાંની કંપનીઓને મળતાં કેટલાક લાભો દૂર કર્યાં હતાં. જ્યારે બીજી બાજુ તેણે સ્ટીલ ઉત્પાદન માટે કાચી સામગ્રી પરની આયાત ડ્યુટીને શૂન્ય બનાવી હતી. આની અસરે વૈશ્વિક બજારમાં સ્ટીલના ભાવમાં ઓર વૃદ્ધિ જોવા મળશે. જેની પાછળ ભારતીય કંપનીઓ સહિત સસ્તાં સ્ટીલ ઉત્પાદકોને લાભ થશે. અલબત્ત, ઊંચા નિકાસ મળતરને કારણે સ્થાનિક વપરાશકારોએ પણ ઊંચા ભાવ ચૂકવવા પડશે અને તેમના માર્જિન પર વિપરીત અસર પડશે. ચીને 1 મેથી 146 સ્ટીલ પ્રોડક્ટ્સ પરની નિકાસ પરની વેટ રિબેટ દૂર કરી હતી. જ્યારે બીજી બાજુ પીગ આર્યન, ક્રૂડ સ્ટીલ, રિસાયકલ્ડ સ્ટીલ પરની આયાત ડ્યુટીને ઝીરો કરી છે. સાથે તેણે સિલિકોન સ્ટીલ, ફેરોક્રોમ અને ફાઉન્ડ્રી પીગ આર્યન પરની નિકાસ ડ્યુટીમાં વૃદ્ધિ કરી છે. તેના આ પગલાને કારણે ચીનમાંથી સ્ટીલ નિકાસ પરનું પ્રોત્સાહન દૂર થશે. સાથે અન્ય પગલાઓને કારણે ચીન ખાતે સ્ટીલની આયાત સસ્તી બનશે. ચીને 2020 કેલેન્ડરમાં વૈશ્વિક બજારમાં 5.36 કરોડ ટન સ્ટીલ પ્રોડક્ટ્સની નિકાસ કરી હતી. જે આગામી દિવસોમાં ઘટતાં ભારતીય કંપનીઓને ચોક્કસ લાભ થશે.

ગુરુવારે મેટલ કંપનીઓનો દેખાવ

કંપની ભાવમાં વૃદ્ધિ(%)

જેએસડબલ્યુ સ્ટીલ 9.64

સેઈલ 8.70

ટાટા સ્ટીલ 6.17

નાલ્કો 6.06

વેદાંતા 4.57

એનએમડીસી 4.37

મોઈલ 3.75

હિંદાલ્કો 2.63

ડોલર સામે રૂપિયો વધુ 33 પૈસા સુધર્યો

ચાલુ સપ્તાહે ડોલર સામે રૂપિયામાં અવિરત તેજી જળવાય છે. શેરબજારમાં મજબૂતી પાછળ સ્થાનિક ચલણ લગભગ ચાર સત્રોમાં 98 પૈસા જેટલો સુધરી ચૂક્યો છે. ગુરુવારે રૂપિયો અગાઉના 74.37ના સ્તર સામે 74.24ના સ્તરે મજબૂત ખૂલ્યો હતો. જ્યાંથી એક તબક્કે સુધરી 73.96ના સ્તરે જોવા મળ્યો હતો. ઈક્વિટી માર્કેટ્સમાં મજબૂત પાછળ તે અડગ રહ્યો હતો અને આખરે 74.04ના સ્તરે બંધ રહ્યો હતો. આમ સપ્તાહના પ્રથમ ચાર સત્રોમાં તે 75.02ના ગયા સપ્તાહના બંધ ભાવ સામે 98 પૈસા સુધરી 74.04 પર પહોંચી ગયો હતો. વિદેશી સંસ્થા તરફથી વેચવાલી છતાં રૂપિયો મજબૂત ટકી રહ્યો છે.

કોરોના દર્દીઓને ઓક્સિજન માટે મારુતિ પ્લાન્ટ બંધ રાખશે

દેશની સૌથી મોટી કાર કંપની મારુતિ સુઝુકીએ ઓક્સિજન સંકટમાં મદદ કરવા માટે મહત્વનો નિર્ણય લીધો હતો. કોરોનાના ગંભીર દર્દીઓને મેડિકલ ઓક્સિજનનો સપ્લાય મળે તે માટે કંપનીએ હરિયાણામાં પોતાના પ્લાન્ટસને 1થી 9 મે સુધી બંધ રાખવાની જાહેરાત કરી હતી. આ દરમિયાન કંપનીની ફેક્ટરીઓમાં પ્રોડક્શન નહીં થાય. કંપનીએ જણાવ્યું હતું કે, તેની ફેક્ટરીઓમાં કાર બનાવવામાં ઘણા ઓછા ઓક્સિજનનો ઉપયોગ થાય છે, પરંતુ સ્પેરપાર્ટ બનાવવામાં આ ગેસનો વધુ ઉપયોગ થાય છે. કંપનીનું માનવું છે કે, વર્તમાન સ્થિતિમાં જે પણ ઓક્સિજન ઉપલબ્ધ છે, તેનો ઉપયોગ લોકોનું જીવન બચાવવા માટે થવો જોઈએ. તેના પગલે કંપનીએ મેન્ટેનન્સ માટે ફેક્ટરીઓને નિર્ધારિત સમય કરતા પહેલા બંધ કરવાનો નિર્ણય લીધો છે. પહેલા મેન્ટેનન્સ માટે ફેક્ટરીઓ જૂનમાં બંધ કરવાનું નક્કી કરાયું હતું. પરંતુ, હવે આ ફેક્ટરીઓ 1થી 9 મે સુધી મેન્ટેનન્સ માટે બંધ રહેશે. સુઝુકી મોટર ગુજરાતે પણ આ દરમિયાન પોતાનો પ્લાન્ટ બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

બજાજ ફિનસર્વમાં વધુ 7 ટકાનો ઉછાળો

બજાજ જૂથની હોલ્ડિંગ કંપની બજાજ ફિનસર્વનો શેર સતત બીજા દિવસે 7 ટકા ઉછળ્યો હતો. બુધવારે પણ તેણે 6 ટકાની વૃદ્ધિ દર્શાવી હતી. ગુરુવારે શેર રૂ. 10492ના અગાઉના બંધ સામે રૂ. 800થી વધુ ઉછળી રૂ. 11300ના સર્વોચ્ચ સ્તરે ટ્રેડ થયો હતો. જે ભાવે કંપનીનું માર્કેટ-કેપ રૂ. 1.78 લાખ કરોડના સ્તરને પાર કરી ગયું હતું. કંપની બજાજ જૂથની વિવિધ કંપનીઓમાં નોંધપાત્ર હિસ્સો ધરાવે છે.

એમસીએક્સ ખાતે એલ્યુમિનિયમ-કોપરે નવી ટોચ બનાવી

બેઝ મેટલ્સમાં મજબૂતીનો દોર ટક્યો છે. એમસીએક્સ ખાતે એલ્યુમિનિયમના ભાવ રૂ. 203ની સર્વોચ્ચ ટોચ પર જોવા મળ્યાં હતાં. જ્યારે કોપર રૂ. 761ને પાર કરી ગયું હતું. જોકે ઝીંક અને લેડમાં નરમાઈ જોવા મળી હતી. ગુરુવારે કિંમતી ધાતુઓ પણ પોઝીટીવ ટ્રેડ દર્શાવતી હતી. જેમાં સિલ્વર મે વાયદો રૂ. 666ના સુધારા સાથે રૂ. 68452 પર તથા ગોલ્ડ જૂન વાયદો રૂ. 37ના સાધારણ સુધારે રૂ. 47130 પર ટ્રેડ થઈ રહ્યાં હતાં. ક્રૂડ પણ સાધારણ પોઝીટીવ ટ્રેડ દર્શાવતું હતું. કેમકે વૈશ્વિક બ્રેન્ટ વાયદો 67 ડોલરનું સ્તર કૂદાવી ગયો છે.


કોરોનાની બીજી લહેર છતાં ભારતનો GDP ગ્રોથ 11% રહેવાનો અંદાજઃ એડીબી


કોરોના વેક્સીનેશનના મજબૂત કાર્યક્રમને પગલે ચાલુ નાણાકીય વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં ૧૧ ટકાની વૃદ્ધિનો અંદાજ છે, એમ એશિયન ડેવલપમેન્ટ બેંક(એડીબી)એ જણાવ્યું હતું.
એડીબીએ કોરોનાની બીજી લહેરથી ભારતને સાવધ રહેવા સલાહ આપી છે. એશિયન ડેવલપમેન્ટ આઉટલૂક(એડીઓ), ૨૦૨૧ના જણાવ્યા અનુસાર નાણાકીય વર્ષ ૨૦૨૧માં ભારતનો જીડીપી ૧૧ ટકા રહે તેવી શક્યતા છે. એડીબી દ્વારા ૩૧ માર્ચ, ૨૦૨૨ના રોજ પૂરા થતા વર્ષનો ભારતીય અર્થતંત્રના વિકાસનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. જો કે વર્તમાન સમયમાં ચાલી રહેલ કોરોનાની બીજી લહેર ભારતીય અર્થતંત્રના વિકાસ સામે અવરોધ ઉભો કરી શકે છે. એડીબીએ વધુમાં જણાવ્યું છે કે પબ્લિક ઇન્વેસ્ટમેન્ટમાં વધારો, ઝડપી વેક્સિનેશન અને ઘરેલુ બજારમાં માગમાં વધારો ભારતીય અર્થતંત્રને વેગ આપશે. જો કે આ અંદાજ ઝડપી રસીકરણ કાર્યક્રમ અને કોરોનાની બીજી લહેરમાં અંકુશ મેળવવાની આશા પર એડીબી દ્વારા ભારતીય જીડીપીનો આ અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો છે. ભારતીય અર્થતંત્ર સામે બીજુ જોખમ વૈશ્વિક નાણાકીય સ્થિતિનો છે. ઉલ્લેખનીય છે કે વૈશ્વિક બજારોની સ્થિતિની અસર ભારતના બજાર વ્યાજ દરો પર પડે છે. એડીબીના અંદાજ મુજબ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩માં ભારતનો જીડીપી સાત ટકા થવાનો અંદાજ છે. ઉલ્લેખનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતના જીડીપીમાં આઠ ટકાનો ઘટાડો થવાની શક્યતા છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage