Market Summary 29 August 2022

બ્લોગ કન્ટેન્ટ

માર્કેટ સમરી


વૈશ્વિક વેચવાલીએ માર્કેટમાં બે મહિનાનો સૌથી મોટો ઘટાડો
નિફ્ટી 17300નો સપોર્ટ જાળવી શક્યો
વોલેટિલિટી ઈન્ડેક્સ 9 ટકા ઉછળી 19.82ની સપાટીએ
આઈટી, બેંકિંગ, મેટલમાં નોંધપાત્ર વેચવાલી
એફએમજીસી ઈન્ડેક્સે પોઝીટીવ બંધ આપ્યું
મીડ અને સ્મોલ-કેપ સૂચકાંકોનું આઉટપર્ફોર્મન્સ
મંદ બજારમાં 175 કાઉન્ટર્સે વાર્ષિક ટોચ દર્શાવી
એજીએમ બાદ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના શેરમાં એક ટકાનો ઘટાડો
અદાણી પાવર લોઅર સર્કિટમાં ખૂલી અપર સર્કિટમાં બંધ

ફેડ ચેરમેન તરફથી આક્રમક રેટ વૃદ્ધિ જાળવી રાખવાના નિવેદન બાદ વૈશ્વિક સ્તરે જોવા મળેલી વેચવાલીમાં ભારતીય બજાર પણ જોડાયું હતું. જોકે હરિફ બજારોની સરખામણીમાં સ્થાનિક બજારમાં ઘટાડો ઓછો જોવા મળ્યો હતો. બીએસઈ સેન્સેક્સ 861 પોઈન્ટ્સ ગગડી 57973ની સપાટીએ બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે લો પરથી તે લગભગ 600 પોઈન્ટ્સ જેટલો સુધારો દર્શાવતો હતો. બેન્ચમાર્ક નિફ્ટી 246 પોઈન્ટ્સના ઘટાડે 17312ની સપાટીએ બંધ રહ્યો હતો. ખૂલતામાં તેણે 17166નું તળિયું દર્શાવ્યું હતું. જ્યાંથી એક તબક્કે 200 પોઈન્ટ્સથી વધુનો સુધારો નોંધાવ્યો હતો. જોકે લાર્જ-કેપ્સમાં વેચવાલી પાછળ નિફ્ટી શેર્સમાં માર્કેટ-બ્રેડ્થ ખરાબ રહી હતી. નિફ્ટીના 50 કાઉન્ટર્સમાંથી 39 નેગેટિવ બંધ દર્શાવતાં હતાં. જ્યારે 11માં સુધારો જોવા મળતો હતો. બ્રોડ માર્કેટમાં પણ નરમાઈ જોવા મળી હતી. જોકે માર્કેટ બ્રેડ્થ બહુ ખરાબ નહોતી અને તેથી જ મીડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકોમાં સાધારણ ઘટાડો નોંધાયો હતો.
ગયા શુક્રવારે યુએસ બજારોમાં તીવ્ર ઘટાડા પાછળ એશિયન બજારોએ ગેપ-ડાઉન શરૂઆત બાદ ઘટાડો જાળવી રાખ્યો હતો. જેને કારણે ભારતીય બજારમાં પણ કામકાજની શરૂઆત નરમાઈ સાથે થઈ હતી અને એક તબક્કે બેન્ચમાર્ક સેન્સેક્સ 1300 પોઈન્ટ્સથી વધુનું ગાબડું દર્શાવતો હતો. જોકે માર્કેટમાં ધીમે-ધીમે બાઉન્સ જોવા મળ્યું હતું અને એક તબક્કે તેણે 50 ટકા રિકવરી નોંધાવી હતી. જોકે આખરી તબક્કામાં ફરી ઘટાડાતરફી બન્યું હતું અને બેન્ચમાર્ક્સ 1.4 ટકા ઘટાડા સાથે બંધ જોવા મળ્યાં હતાં. માર્કેટ એનાલિસ્ટ્સના મતે બજારોમાં વોલેટિલિટી સાથે ઘટાડાતરફી ટ્રેન્ડ જળવાય તેવી શક્યતાં ઊંચી છે. નિફ્ટીને 17300નો સપોર્ટ છે. જે સોમવારે અકબંધ રહ્યો હતો. જો આ સ્તર તૂટશે તો બેન્ચમાર્ક 16900 અને 16700 સુધીનો ઘટાડો દર્શાવી શકે છે. કેમકે ફંડામેન્ટલ્સ હાલમાં બજારના વેલ્યૂએશન્સને સપોર્ટ કરી રહ્યાં નથી. ક્રૂડમાં મજબૂતી વચ્ચે ડોલર સામે રૂપિયો નવા તળિયા પર પહોંચ્યો છે. જે માર્કેટના સેન્ટિમેન્ટ પર પ્રતિકૂળ અસર કરી રહ્યો છે. જૂન મહિના બાદ માર્કેટને સપોર્ટ આપવા માટે ઓટો, બેંકિંગ અને એફએમસીજી સેક્ટર્સ આગળ આવ્યા હતા. જ્યારે હાલમાં ઓટો સેક્ટર પ્રોફિટ બુકિંગ દર્શાવી રહ્યું છે. જ્યારે બેંકિંગ પણ કોન્સોલિડેશનમાં જોવા મળે છે. નાની બેંકિંગ કંપનીઓના શેર્સમાં છૂટ-પૂટ લેવાલી જોવા મળે છે પરંતુ ટોચના બેંકિંગ શેર્સ નિરસ ટ્રેડ દર્શાવી રહ્યાં છે.
સોમવારે માર્કેટને એકમાત્ર એફએમસીજી તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. જોકે તે પણ કોઈ નોંધપાત્ર મજબૂત નહોતું દર્શાવી શક્યું. નિફ્ટી એફએમસીજી 0.4 ટકા સુધારા સાથે બંધ જોવા મળ્યો હતો. જોકે તેણે દિવસના તળિયેથી નોંધપાત્ર સુધારો દર્શાવ્યો હતો અને બજારમાં ઘટાડાને લગભગ 30 ટકા જેટલો નીચો કરવામાં યોગદાન આપ્યું હતું. ટોચના એફએમસીજી કાઉન્ટર્સમાં કોલગેટ 4 ટકા ઉછળ્યો હતો. આ સિવાય બ્રિટાનિયા 1.6 ટકા, મેરિકો 1.5 ટકા, ગોદરેજ કન્ઝ્યૂમર 1.1 ટકા, નેસ્લે 0.6 ટકા સુધારો દર્શાવી રહ્યાં હતાં. એફએમસીજી જાયન્ટ હિંદુસ્તાન યુનિલીવર રૂ. 2600ની સપાટી પર ટ્રેડ દર્શાવી પાછો પડ્યો હતો અને સાધારણ સુધારે બંધ રહ્યો હતો. સિગાર મેજર આઈટીસીમાં પણ સમાન ટ્રેન્ડ જોવા મળ્યો હતો. માર્કેટમાં સૌથી મોટું દબાણ આઈટી તરફથી જોવા મળ્યું હતું. અગ્રણી આઈટી કાઉન્ટર્સે 6 ટકાના તીવ્ર ગેપ-અપ ઓપનીંગ સાથે કામકાજની શરૂઆત દર્શાવી હતી. જ્યાંથી તેઓ થોડો બાઉન્સ દર્શાવી શક્યાં હતાં. નિફ્ટી આઈટી શરૂઆતમાં 5 ટકા ઘટાડા સામે 3.5 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. ઘટાડામાં ટોચનું યોગદાન આપનારા આઈટી કાઉન્ટર્સમાં ટેક મહિન્દ્રા 4.6 ટકા, માઈન્ડટ્રી 4.3 ટકા, કોફોર્જ 4.1 ટકા અને એલએન્ડટી ઈન્ફોટેક 4 ટકાનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત ઈન્ફોસિસ 4 ટકા, એમ્ફેસિસ 3.7 ટકા, વિપ્રો 3 ટકા, એચસીએલ ટેક 3 ટકા અને ટીસીએસ 2.8 ટકા ઘટાડો દર્શાવી રહ્યાં હતાં. નિફ્ટી બેંક 1.8 ટકા ઘટાડા સાથે નરમાઈમાં બીજા ક્રમે જોવા મળ્યો હતો. જેમાં બંધન બેંક, કોટક બેંક, એક્સિસ બેંક, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક અને એસબીઆઈનું યોગદાન મુખ્ય હતું. આ તમામ બેંકિંગ કંપનીઓ 2-4 ટકા સુધીનો ઘટાડો દર્શાવતી હતી. નાની પ્રાઈવેટ બેંક્સના શેર્સ પ્રમાણમાં સ્થિર જોવા મળ્યાં હતાં. જેમાં ફેડરલ બેંકનો શેર 0.7 ટકા જ્યારે ઈન્ડ્સઈન્ડ બેંકનો શેર 1 ટકાનો ઘટાડો દર્શાવતાં હતાં. નિફ્ટી પીએસયૂ બેંક્સ 1.6 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. મેટલ શેર્સમાં વેચવાલી જોવા મળી હતી. જેની પાછળ નિફ્ટી મેટલ 1.5 ટકા ઘટાડે બંધ રહ્યો હતો. મેટલમાં સ્ટીલ શેર્સ સૌથી વધુ ઘટાડો સૂચવતાં હતાં. જેમાં જેએસડબલ્યુ સ્ટીલ 2.6 ટકા, ટાટા સ્ટીલ 2.3 ટકા અને હિંદાલ્કો 2.3 ટકા ઘટાડો દર્શાવતો હતો. આ ઉપરાંત સેઈલ, મોઈલ, નાલ્કો, વેદાંતા અને જિંદાલ સ્ટીલમાં 1-2 ટકા નરમાઈ જોવા મળી હતી. પીએસઈ કાઉન્ટર્સમાં કેટલાંક આઉટપર્ફોર્મન્સ સૂચવી રહ્યાં હતાં. જેમકે ભેલનો શેર 2.3 ટકા સુધર્યો હતો. જ્યારે એનએચપીસી 1.6 ટકા, ભારત ઈલેક્ટ્રિક 1.2 ટકા, એનએમડીસી 1 ટકા સુધારો દર્શાવતાં હતાં. જ્યારે આઈઆરસીટીસી, કોન્કોર, પાવર ફાઈનાન્સ કોર્પોરેશ અને એનટીપીસી જેવા કાઉન્ટર્સ 2-4 ટકા સુધીનો ઘટાડો સૂચવી રહ્યાં હતાં. એનએસઈ ડેરિવેટિવ્સ કાઉન્ટર્સમાં એસ્કોર્ટ્સ કુબોટા 6 ટકા ઉછાળા સાથે બીજા દિવસે તેજીમાં જોવા મળ્યો હતો. આ ઉપરાંત ઈન્ડિયા સિમેન્ટ્સ, આઈડીએફસી, કોરોમંડલ ઈન્ટરનેશનલ, જ્યુબિલિઅન્ટ ફૂડ, તાતા કેમિકલ્સ, લૌરસ લેબ્સ અને હેવેલ્સ પણ સુધારો દર્શાવી રહ્યાં હતાં. બીજી બાજુ ઈન્ફો એજ 6.3 ટકા તૂટ્યો હતો. સિટિ યૂનિયન બેંક, એમએન્ડએમ ફાઈ. વોડાફોન, મધરસન સુમી, બિરલા સોફ્ટ અને પર્સિસ્ટન્ટ સિસ્ટમ જેવા કાઉન્ટર્સમાં નરમાઈ જોવા મળી હતી. બીએસઈ ખાતે 3703 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 1453 પોઝીટીવ બંધ દર્શાવી રહ્યાં હતાં. જ્યારે 2048માં ઘટાડો નોંધાયો હતો. મંદ બજારમાં પણ 175 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. જ્યારે 57 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું દર્શાવ્યું હતું. 8 કાઉન્ટર્સ ઉપલી સર્કિટ્સમાં જ્યારે 7 કાઉન્ટર્સ નીચલી સર્કિટ્સમાં બંધ જોવા મળ્યાં હતાં.


RILની AGMમાં મુકેશ અંબાણીની રૂ. 3.5 લાખ કરોડના રોકાણની જાહેરાત
દેશમાં 5G રોલઆઉટમાં કંપની રૂ. 2 લાખ કરોડનું રોકાણ કરશે
દિવાળી સુધીમાં ચાર મેટ્રો ઉપરાંત મહત્વના શહેરોમાં 5G સર્વિસ શરૂ કરાશે
ઓઈલ-ટુ-કેમિકલ બિઝનેસમાં રૂ. 75 હજાર કરોડનું નવુ રોકાણ કરશે
વિશ્વમાં ટોચની પાંચ પીવીસી ઉત્પાદક કંપનીઓમાં સ્થાન મેળવશે
પાવર ઈલેક્ટ્રોનિક્સ માટે નવી ગીગાફેક્ટરી સ્થાપશે
2023 સુધીમાં લિથિયમ-આયોન બેટરી પેક્સનું ઉત્પાદન શરૂ કરશે

દેશમાં સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ કંપનીની 45મી વાર્ષિક સાધારણ સભા(એજીએમ)માં વિવિધ બિઝનેસિસમાં કુલ રૂ. 3.5 લાખ કરોડના રોકાણની જાહેરાત કરી હતી. કંપની દિવાળી સુધીમાં દેશના ચાર મેટ્રો સિટીઝ ઉપરાંત મહત્વના શહેરોમાં 5G ટેલિકોમ સર્વિસ શરૂ કરશે એમ પણ અંબાણીએ જણાવ્યું હતું. જ્યારે તેમણે કંપનીના ભાવિ નેતૃત્વને લઈને પણ મહત્વની જાહેરાત કરી હતી.
છેલ્લાં પાંચ વર્ષોની માફક જ સોમવારે મળેલી રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની વાર્ષિક સાધારણ સભા રોમાંચક બની રહી હતી. જેમાં એશિયામાં બીજા ક્રમના ધનવાન એવા મુકેશ અંબાણીએ શ્રેણીબધ્ધ મહત્વની જાહેરાત કરી હતી. દેશના ટેલિકોમ ગ્રાહકો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે તેવી 5જી સેવા આગામી દિવાળી સુધીમાં લોંચ કરવામાં આવશે. કંપની મુંબઈ, દિલ્હી, ચેન્નાઈ અને કોલકોત્તા ઉપરાંત મહત્વના શહેરોમાં આ સેવા શરૂ કરશે. જ્યારે 2023 સુધીમાં દેશવ્યાપી 5જી સેવા શરૂ થાય તેવી અપેક્ષા તેમણે વ્યક્ત કરી હતી. રિલાયન્સ જીઓ આ માટે રૂ. 2 લાખ કરોડનું જંગી રોકાણ કરશે. કંપની તેના ફ્લેગશિપ બિઝનેસ ઓઈલ-ટુ-કેમિકલમાં પણ આગામી પાંચ વર્ષોમાં રૂ. 75 હજાર કરોડનું નવું રોકાણ કરશે એમ અંબાણીએ ઉમેર્યું હતું. જેમાં ન્યૂ એનર્જી બિઝનેસનો સમાવેશ થતો હતો. કંપની વર્તમાન ક્ષમતાઓના વિસ્તરણ અને ઈન્ટિગ્રેશન ઉપરાંત વેલ્યૂ-ચેઈનમાં આગળ વધી હાઈ-વેલ્યૂ કેમિકલ્સ અને ગ્રીન મટિરિયલ્સનું ઉત્પાદન કરશે. પોલિસ્ટર વેલ્યૂ ચેઈનમાં કંપની તેની પાસેના સરપ્લસ પીએક્સના ઉપયોગ વડે 3 એમએમટીપીએની ક્ષમતા સાથએ વિશ્વનો સૌથી મોટો સિંગલ-ટ્રેઈન પીટીએ પ્લાન્ટ સ્થાપવાનું આયોજન ધરાવે છે. દહેજ ખાતે નવો 1 એમએમટીપીએ પીઈટી પ્લાન્ટ 2026 સુધીમાં પૂર્ણ થવાનો ટાર્ગેટ છે. વૈશ્વિક સ્તરે કંપની ટોચના પાંચ પીવીસી ઉત્પાદકોમાં સ્થાન મેળવવા ઈચ્છે છે. કંપની જામનગર અને દહેજ તથા યૂએઈ ખાતેની ક્ષમતાને ત્રણ ગણી કરવાની યોજના ધરાવે છે.
રિલાયન્સ જૂથ હવે FMCG ક્ષેત્રે પ્રવેશ કરશે
ITC અને HUL જેવા જાયન્ટ્સ સાથે સીધી સ્પર્ધામાં ઉતરશે

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની 45મી વાર્ષિક સાધારણ સભામાં રિલાયન્સ રિટેલના ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે જૂથ હવે ફાસ્ટ મૂવીંગ કન્ઝ્યૂમર ડ્યૂરેબલ બિઝનેસમાં પ્રવેશ કરશે. આમ હવે તેઓ આ ક્ષેત્રે સુસ્થાપિત આઈટીસી અને હિંદુસ્તીન યુનિલિવર જેવા દિગ્ગજો સાથે સીધી સ્પર્ધામાં ઉતરશે.
ઈશા અંબાણીએ જણાવ્યું હતું કે કંપની દૈનિક જીવનમાં ઉપયોગમાં આવતી પ્રોડક્સનું ડેવલપમેન્ટ અને ડિલિવરી કરશે. કંપની સારી ગુણવત્તાની પ્રોડક્ટ્સ નીચા ખર્ચે ઉત્પાદિત કરશે. જેથી ગ્રાહકોને સસ્તા ભાવે તે ઉપલબ્ધ બનાવી શકાય. કંપની ચાલુ વર્ષમાં જ એફએમસીજી બિઝનેસની ઔપચારિક શરૂઆત કરશે. હાલમાં રિલાયન્સ રિટેલના સ્ટોર્સમાં જ કંપનીના કેટલાંક પ્રાઈવેટ લેબલ્સ જોવા મળે છે. જે હવેથી કંપની માલિકીના સ્ટોર્સ ઉપરાંત અન્યત્ર પણ જોવા મળી શકે છે. ઈશા અંબાણીના જણાવ્યા મુજબ તેઓ દેશમાં આદિવાસીઓ અને અન્ય વંચિત સમુદાયોએ બનાવેલા ઉચ્ચ ગુણવત્તા ધરાવતાં માલ-સામાનનું માર્કેટિંગ પણ શરૂ કરશે. જેથી રોજગારી પણ વધારી શકાય. સાથે ભારતીય કારીગરોની કુશળતાને પણ સાચવી શકાય. અગાઉ કંપનીએ 2016માં ટેલિકોમ ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો અને હાલમાં તે દેશની સૌથી મોટી ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર કંપની છે. રિટેલ ક્ષેત્રે પણ કંપની સૌથી મોટો બજાર હિસ્સો ધરાવે છે. કંપની અનેક રિટેલ ફોર્મેટ ધરાવે છે અને તેથી તે દરેક આર્થિક વર્ગના ગ્રાહકની માગ પૂરી કરી રહી છે.
જૂથની ફ્લેગશિપ કંપની આરઆઈએલમાંથી રિટેલ અને ટેલિકોમ બિઝનેસના વેલ્યૂ અનલોકિંગને લઈને અંબાણીએ કોઈ ચોક્કસ સમયમર્યાદા નહોતી આપી અને આગામી વર્ષની સ્પીચમાં તેઓ આ અંગે વિગતો આપશે એમ નોંધ્યું હતું.

ઈશાને રિટેલ અને આકાશને ટેલિકોમનું સુકાન સોંપાશે
બિલિયોનેર મુકેશ અંબાણીએ સોમવારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની એજીએમમાં મહત્વની જાહેરાતમાં જૂથના રિટેલ બિઝનેસના સુકાની તરીકે ઈશા અંબાણી અને ટેલિકોમ બિઝનેસના સુકાની તરીકે આકાશ અંબાણીને ઉત્તરાધિકારી ગણાવ્યાં હતાં. જ્યારે સૌથી યુવાન દિકરા અનંત અંબાણીનું નામ ન્યૂ એનર્જી યુનિટની આગેવાન તરીકે લીધું હતું. ઈશા અને આકાશ બંને ટ્વિન્સ છે. હાલમાં તેઓ સંબંધિત બિઝનેસિસમાં ડિરેક્ટર તરીકે સેવા આપી રહ્યાં છે. અંબાણીએ જોકે હજુ પોતે નિવૃત્તિ લઈ રહ્યાં હોવાનો ઈન્કાર કર્યો હતો તેમજ જૂથના વડા તરીકે અગાઉની જેમ કામગીરી જાળવી રાખશે એમ જણાવ્યું હતું. આકાશ અને ઈશા, બંને કન્ઝ્યૂમર બિઝનેસિસમાં તેની શરૂઆતથી જ રસ લઈ રહ્યાં છે. જ્યારે અનંત અમારા ન્યૂ એનર્જિ બિઝનેસમાં જોડાયા છે. તેઓ મોટાભાગનો સમય જામનગરમાં વિતાવે છે એમ અંબાણીએ ઉમેર્યું હતું. આકાશ હાલમાં ટેલિકોમ બિઝનેસના ફંક્શનલ હેડની જવાબદારી નિભાવી રહ્યાં છે જ્યારે અન્ય બે અંબાણી સંતાનો બોર્ડમાં સ્થાન ધરાવે છે.
વૈશ્વિક શેરબજારોમાં 4 ટકાના ઘટાડા સામે ભારતીય બજારનું આઉટપર્ફોર્મન્સ
ફેડ ચેરમેનના હોકિશ નિવેદનની પ્રતિક્રિયા રૂપે યુએસ ઉપરાંત સોમવારે એશિયન બજારોમાં 3 ટકા સુધીનો ઘટાડો નોઁધાયો હતો
ભારતીય બજારોએ હરિફોની સરખામણીમાં ગેપ-ડાઉન ઓપનીંગ બાદ સ્થિરતા જાળવી રાખી

ફેડ ચેરમેન જેરોમ પોવેલના જેક્સન હોલમાં હોકિશ ટોન બાદ વૈશ્વિક શેરબજારોમાં જોવા મળેલા કડાકામાં ભારતીય બજાર અન્ડરપર્ફોર્મર બની રહ્યું છે. યુએસ બજારોમાં શુક્રવારે 4 ટકા સુધીના તીવ્ર કડાકા બાદ સોમવારે એશિયન બજારોમાં 3 ટકા સુધીનો ઘટાડો નોંધાયો હતો. જોકે ભારતીય બજારે મોટાભાગના હરિફ બજારોની સરખામણીમાં નીચો ઘટાડો દર્શાવ્યો હતો અને આઉટપર્ફોર્મર બની રહ્યું હતું. એશિયામાં એકમાત્ર ચીનનું બજાર સાધારણ પોઝીટીવ બંધ દર્શાવી રહ્યું હતું.
એશિયન બજારોમાં જાપાની બેન્ચમાર્ક નિક્કાઈ 2.7 ટકા જેટલો ગગડ્યો હતો. જે તાજેતરમાં તેણે દર્શાવેલો સૌથી તીવ્ર ઘટાડો હતો. યુએસ અર્થતંત્ર સાથે મજબૂત રીતે જોડાયેલા હોવાના કારણે જાપાનીઝ શેરબજારે પણ ફેડ ચેરમેનની ટિપ્પણીની તીવ્ર પ્રતિક્રિયા દર્શાવી હતી. જાપાનની માફક જ યુએસ ખાતે મોટાપાયે નિકાસકર્તાં અર્થતંત્રો જેવાકે તાઈવાન અને કોરિયાના શેરબજારોમાં પણ 2 ટકાથી ઊંચો ઘટાડો નોઁધાયો હતો. તાઈવાન બજારનો બેન્ચમાર્ક 2.3 ટકા ઘટાડે જ્યારે કોરિયન બજારનો બેન્ચમાર્ક કોસ્પી 2.2 ટકા સાથે બંધ જોવા મળ્યાં હતાં. ગેપ-ડાઉન ઓપનીંગ બાદ તેઓ નરમ જળવાયા હતા અને બાઉન્સ દર્શાવવામાં નિષ્ફળ જોવા મળ્યાં હતાં. ચીનનો ભાગ એવા હોંગ કોંગના બજારમાં જોકે ઘટાડો મર્યાદિત જળવાયો હતો. કેમકે હોંગ કોંગ માર્કેટ છેલ્લાં ઘણા વર્ષોથી વૈશ્વિક બજારોને અન્ડરપર્ફોર્મ કરી રહ્યું છે અને હાલમાં તે છેલ્લાં ત્રણેક વર્ષોના તળિયા નજીક ટ્રેડ દર્શાવી રહ્યું છે. હેંગ સેંગ 0.7 ટકા નરમાઈ સૂચવતો હતો. એશિયા ઉપરાંત યુરોપના બજારોએ પણ ફેડ ચેરમેનની ટિપ્પણીની તીવ્ર પ્રતિક્રિયા આપી હતી. જેમાં જર્મનીનું બજાર લગભગ 2 ટકા ઘટાડો દર્શાવતું હતું. જ્યારે ફ્રાન્સનું બજાર 1.5 ટકા ડાઉન સાથે ટ્રેડ દર્શાવી રહ્યું હતું. યૂકેનું બજાર રજાના કારણે બંધ હતું. ઈમર્જિંગ માર્કેટમાં બ્રાઝિલના બજારે 1.1 ટકા સાથે લગભગ ભારતની માફક જ મધ્યમસરનો ઘટાડો નોઁધાવ્યો હતો. જ્યારે એકમાત્ર ચીને 0.1 ટકા સાથે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું. શુક્રવારે યુએસ ખાતે ડાઉ જોન્સમાં 3 ટકાનો જ્યારે એસએન્ડપી 500માં 3.4 ટકાનો તીવ્ર ઘટાડો જોવા મળ્યો હતો અને તેઓ એક મહિનાના તળિયા નજીક બંધ જોવા મળ્યાં હતાં.

જેક્સન હોલ ઈવેન્ટ બાદ વૈશ્વિક બજારોનો દેખાવ
સૂચકાંકો 26 ઓગસ્ટનો બંધ ભાવ 29 ઓગસ્ટનો બંધ ભાવ ઘટાડો(ટકામાં)

નાસ્ડેક 12639.27 12141.71 -3.9%
S&P 500 4199.12 4057.66 -3.4%
ડાઉ જોન્સ 33291.78 32283.4 -3.0%
નિક્કાઈ 28641.38 27878.96 -2.7%
તાઈવાન 15278.44 14926.19 -2.3%
કોસ્પી 2481.03 2426.89 -2.2%
કેક 40 6274.26 6154.82 -1.9%
ડેક્સ 12971.47 12765.39 -1.6%
સેન્સેક્સ 58833.87 57977.79 -1.5%
નિફ્ટી 17558.9 17313.3 -1.4%
બોવેસ્પા 113531.72 112298.86 -1.1%
હેંગ સેંગ 20170.04 20023.22 -0.7%ડોલર સામે રૂપિયો 10 પૈસા ગગડ્યો, ઈન્ટ્રા-ડે નવું તળિયું બનાવ્યું
યુએસ ડોલર સામે ભારતીય ચલણમાં ઘટાડો જળવાયો હતો. સોમવારે વૈશ્વિક ઈક્વિટીઝમાં નરમાઈ વચ્ચે સ્થાનિક ચલણ ગ્રીનબેક સામે 10 પૈસા ગગડી 79.96ની સપાટી પર બંધ રહ્યો હતો. ઈન્ટ્રા-ડે ધોરણે તેણે 80.13નું ઓલ-ટાઈમ લો દર્શાવ્યું હતું. જ્યાંથી પરત ફર્યો હતો. અગાઉ તેણે 19 જુલાઈએ 80.06નું તળિયું નોઁધાવ્યું હતું. જેકસન હોલ ખાતે ફેડ ચેરમેન તરફથી હોકિશ વલણ જાળવી રાખવાના નિવેદન બાદ ડોલર ઈન્ડેક્સ ઉછળ્યો હતો. જેને કારણે ઈમર્જિંગ ચલણોમાં સોમવારે નરમાઈ જોવા મળી હતી.
PMJDY હેઠળ આંઠ વર્ષોમાં 46.25 કરોડ એકાઉન્ટ્સ ખૂલ્યાં
પીએમ જન ધન યોજના(PMJDY) હેઠળ આંઠ વર્ષોમાં કુલ 46.25 કરોડ એકાઉન્ટ્સ ખૂલ્યાં છે. જ્યારે 10 ઓગસ્ટ સુધીમાં આ એકાઉન્ટ્સમાં કુલ રૂ. 1.73 લાખ કરોડની ડિપોઝીટ્સ જોવા મળી છે. યોજના શરૂ થયાના પ્રથમ વર્ષે PMJDY હેઠળ કુલ 17.9 કરોડ એકાઉન્ટ્સ ખૂલ્યાં હતાં. સ્કીમ દેશના 67 ટકા ગ્રામીણ અથવા અર્ધ-ગ્રામીણ વિસ્તારોમાં વિસ્તાર પામી છે. યોજના હેઠળ કુલ એકાઉન્ટ્સમાં 56 ટકા હિસ્સો મહિલા એકાઉન્ટ ધારકોનો છે. ઓગસ્ટ 2022માં કુલ 46.25 કરોડ એકાઉન્ટ્સમાંથી 37.57 કરોડ એકાઉન્ટ્સ અથવા તો 81.2 ટકા એકાઉન્ટ્સ સક્રિય હતાં. ઓગસ્ટ 2021માં આ સંખ્યા 36.86 કરોડ પર હતી. પ્રતિ જન ધન એકાઉન્ટ સરેરાશ ડિપોઝીટની રકમ ઓગસ્ટ 2022માં રૂ. 3398 પર રહી હતી. જે વર્ષ અગાઉ સમાનગાળામાં રૂ. 3761 પર હતી. સરેરાશ ડિપોઝીટ રકમમાં વૃદ્ધિ સૂચવે છે કે જન ધન એકાઉન્ટની ઉપયોગિતા વધી છે.
RILએ મેટ્રો કેશ એન્ડ કેરી માટે રૂ. 5.6 કરોડની ઓફર મૂકી
રિલાયન્સ રિટેલે મેટ્રો કેશ એન્ડ કેરીના ભારતીય બિઝનેસ અને એસેટ્સને હસ્તગત કરવા માટે રૂ. 5600 કરોડનું નોન-બાઈન્ડિંગ બીડ કર્યું હોવાનું જાણકાર વર્તુળો જણાવે છે. બીજી બાજુ થાઈલેન્ડના સૌથી મોટા કોન્ગ્લોમેરટ ચેરોન પોકફંડે(સીપી) ગ્રોઅપે રૂ. 8000 કરોડનું બીડ કર્યું હોવાનું વર્તુળો જણાવે છે. જે જર્મન હોલસેલર્સની અપેક્ષા સાથે બંધ બેસતું હોવાનું તેઓ ઉમેરે છે. મેટ્રો ઈન્ડિયાએ બંને બીડર્સના સિનિયર ટીમ મેમ્બર્સને મર્ચન્ટ બેંકર્સની હાજરીમાં પર્ફોર્મન્સ અને ગ્રોથને લઈ વિગતવાર પ્રેઝન્ટેશન પણ આપ્યું હોવાનું વર્તુળો જણાવે છે. ડીલ એકાદ મહિનામાં ફાઈનલ થાય તેવી શક્યતાં હોવાનું તેઓ ઉમેરે છે.


ઈન્ફ્લેશન ટાર્ગેટથી આગળ નીકળી જતાં RBI વિશેષ બેઠક યોજશે
મધ્યસ્થ બેંક બેઠકમાં સરકારને ઈન્ફ્લેશનના સંચાલનમાં નિષ્ફળતા માટેના પત્રને લઈ કારણોની ચર્ચા હાથ ધરશે

ઓક્ટોબરમાં રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ઈન્ફ્લેશન મેનેજમેન્ટમાં તેની નિષ્ફળતા બદલ સરકારને એક પત્ર લખવાનો થશે. જેમાં તે શા માટે ફુગાવાને કાબૂમાં રાખવામાં નિષ્ફળ ગઈ તેની સ્પષ્ટતા કરવાની રહેશે. 2016માં નક્કી કરવામાં આવેલા નિયમ મુજબ મોનેટરી પોલિસી ફ્રેમવર્ક હેઠળ આરબીઆઈએ સરકારને આ ઔપચારિક પત્ર લખવાનો બનશે. જે માટે બેંક ઓક્ટોબર તેની મોનેટરી પોલિસી કમિટિની વિશેષ બેઠકનું આયોજન કરશે એમ ઉચ્ચસ્તરિય વર્તુળો જણાવે છે.
વર્તુળોના મતે આ પત્ર આરબીઆઈ ગવર્નર શશીકાંત દાસે લખવાનો રહેશે. તેઓ મોનેટરી પોલિસી કમિટિના ચેરમેન છે. 12 ઓક્ટોબર સુધીમાં સપ્ટેમ્બર મહિનાના રિટેલ ઈન્ફ્લેશનનો ડેટા આવી ચૂક્યો હશે અને તે 6 ટકાથી ઊંચો રહેવાની ધારણા છે. જે આરબીઆઈના કમ્ફર્ટ લેવલથી ઊંચો હશે. આ સ્થિતિમાં આરબીઆઈએ સરકારને તેની નિષ્ફળતાના કારણો જણાવવા કઠિન બની શકે છે. મધ્યસ્થ બેંક માટે એકમાત્ર રાહત આપતું પરિબળ તે વૈશ્વિક સ્તરે અગ્રણી સેન્ટ્રલ બેંકર્સને પણ તેમના દેશમાં ફુગાવા પર અંકુશ રાખવામાં જોવા મળેલી નિષ્ફળતા છે. વિશ્વની મોટાભાગની મધ્યસ્થ બેંક્સ ઈન્ફ્લેશનને લઈને ખૂબ જ દબાણ અને નિસહાયતાનો અનુભવ કરી રહી છે. આરબીઆઈ ગવર્નર તેમના ત્રણ બાબતોની ચર્ચા કરે તેવું માનવામાં આવે છે. જેમાં એક તો મિટિંગમાં ફુગાવા પર અંકુશ રાખવામાં ચર્ચાતાં નિષ્ફળતાના કારણો, બીજું ઈન્ફ્લેશનને કાબૂમાં રાખવા એમપીસી તરફથી પ્રસ્તાવિત પગલાઓ અને આરબીઆઈ તરફથી ઈન્ફ્લેશનને 4 ટકાથી નીચે લાવવા માટેની ટાઈમલાઈન. ઈન્ફ્લેશનને કાબૂમાં નહિ લઈ શકવા માટેના મુખ્ય પરિબળોમાં શશીકાંત દાસ બાહ્ય પરિબળો જેવાકે મહામારી અને યુધ્ધનો ઉલ્લેખ કરે તેવી શક્યતાં છે. જેને નિયંત્રણમાં રાખવા આરબીઆઈના હાથની બહારની વાત હતી. મધ્યસ્થ બેંક 2023-24ના બીજા અર્ધવાર્ષિક ગાળા સુધીમાં ઈન્ફ્લેશન અંકુશમાં આવે તેવી ડેડલાઈન રજૂ કરે તેવી શક્યતાં છે. આરબીઆઈના અંદાજ મુજબ 2022-23ના એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રિટેલ ઈન્ફ્લેશન 5 ટકા નીચે જોવા મળી શકે છે.


કોર્પોરેટ હેડલાઈન્સ

એનડીટીવીઃ અદાણી જૂથ તરફથી કંપનીના એનડીટીવીના શેર્સ માટે ઓપન ઓફરને ધ્યાનમાં લઈ મિડિયા કંપનીએ તેની એજીએમને એક સપ્તાહ માટે પાછી ઠેલી છે. અગાઉ એજીએમ 20 સપ્ટેમ્બરના રોજ આયોજિત હતી. જે હવે 27 સપ્ટેમ્બરે યોજાશે.
આરવીએનએલઃ રેલ્વેની કંપનીએ ભારત અને વિદેશમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને પ્રોજેક્ટ એક્ઝિક્યૂશન ક્ષેત્રે કામ કરવા માટે જાહેર ક્ષેત્રની એન્જિનીયરીંગ કંપની ભારત હેવી ઈલેક્ટ્રીક લિમિટેડ સાથે સમજૂતી કરાર કર્યાં છે.
બજાજ હિંદુસ્તાનઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા બજાજ હિંદુસ્તાન સુગરના પ્રમોટર્સને આપવામાં આવેલી પર્સનલ ગેરંટીઝ પરત ખેંચવાનું વિચારી રહી છે. એસબીઆઈ એનસીએલટી હેઠળ બજાજ હિંદુસ્તાનને અલાહાબાદ બેંચની એનસીએલટીમાં ખેંચી ગઈ છે.
જીએમઆર ઈન્ફ્રાઃ ઈન્ફ્રાસ્ટ્રક્ચર કંપનીનું બોર્ડ એકથી વધુ તબક્કામાં રૂ. 6 હજાર કરોડથી વધુનું ભંડોળ ઊભું કરવા માટેની વિચારણા કરશે તેમજ મંજૂરી આપશે.
ટાટા સ્ટીલઃ કંપનીએ પંજાબ સરકાર સાથે લોંગ-પીડીટીએસ સ્ટીલ પ્લાન્ટ માટે કરાર કર્યો છે. કંપની સ્ક્રેપ-બેઝ્ટ ઈલેક્ટ્રીક આર્ક ફર્નેસ ધરાવતી હશે.
એનએચસીપીઃ પીએસયૂ હાઈડ્રો પાવર કંપની અને હિમાચલ પ્રદેશ સરકારે ડુગર હાઈડ્રો ઈલેક્ટ્રીક પ્રોજેક્ટ માટે ઈમ્પ્લિમેન્ટેશન એગ્રીમેન્ટ સાઈન કર્યો છે.
રાઈટ્સઃ રેલ્વેની કંપનીએ સંયુક્ત સાહસ હેઠળ સાઉથર્ન રેલ્વેઝ પાસેથી કોલ્લામ રેલ્વે સ્ટેશનના રિડેવલપમેન્ટ માટે રૂ. 361.18 કરોડના મૂલ્યનો ઓર્ડર મેળવ્યો છે.
પાવર કંપનીઝઃ કેન્દ્રિય વીજ મંત્રાલયે ગ્રીડ-કનેક્ટેડ રિન્યૂએબલ એનર્જી પ્રોજેક્ટ્સ પાસેથી પાવરની ખરીદી માટે ટેરિફ-બેઝ્ડ બિડીંગ નિયમોની જાહેરાત કરી છે.
ઓરિએન્ટ ઈલેક્ટ્રીકઃ પીજીઆઈએમ ઈન્ડિયા મ્યુચ્યુલ ફંડે કન્ઝ્યૂમર ઈલેક્ટ્રીક કંપનીના 13.08 લાખ શેર્સનું ઓપન માર્કેટ ટ્રાન્ઝેક્શન્સ મારફતે વેચાણ કર્યું છે.
સેફાયર ફૂડ્ઝઃ એડલવેઈસ ફાઈનાન્સ એન્ડ ઈન્વેસ્ટમેન્ટ્સે કંપનીના 3.43 લાખ શેર્સનું પ્રતિ શેર રૂ. 1220.22ના ભાવે વેચાણ કર્યું છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage