Market Summary 29 Dec 2021

બ્લોગ કન્ટેન્ટ
માર્કેટ સમરી

નવી તેજી પહેલાં માર્કેટ કોન્સોલિડેશન મૂડમાં, બ્રોડ માર્કેટ મજબૂત
નિફ્ટી 17200નું સ્તર સાચવવામાં સફળ
બીએસઈ ખાતે 2053 શેર્સમાં સુધારા સામે 1334 શેર્સમાં ઘટાડો
ફાર્મા, હેલ્થકેર અને ઓટો સેક્ટર્સ સિવાય લાર્જ-કેપ્સમાં અન્યત્ર નરમાઈ
વૈશ્વિક સ્તરે ડાઉ સર્વોચ્ચ સપાટી નજીક જ્યારે એશિયા અને યુરોપમાં સુસ્ત માહોલ
ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં આઈડિયા વોડાફોન, લૌરસ લેબ્સ, ડો. લાલ પેથલેબ્સ, એપોલો હોસ્પિટલ, બજાજ ઓટો સુધરવામાં અગ્રણી

શેરબજારમાં નવી તેજી અગાઉ કોન્સોલિડેશનનો તબક્કો શરૂ થયો છે. બુધવારે માર્કેટ બે બાજુની વધ-ઘટ દર્શાવવા સાથે સાધારણ ઘટાડે બંધ જોવા મળ્યું હતું. બેન્ચમાર્ક સેન્સેક્સ 91 પોઈન્ટ્સના ઘટાડે 57806ના સ્તરે જ્યારે નિફ્ટી 19 પોઈન્ટ્સ નરમાઈ સાથે 17213.60ના સ્તરે બંધ રહ્યો હતો. નિફ્ટી ઉપરમાં 17285.95 અને નીચે 17176.65ના સ્તરે જોવા મળ્યો હતો. આમ તે લગભગ 100 પોઈન્ટ્સની રેંજમાં અથડાયો હતો. વોલેટિલિટી ઈન્ડેક્સ ઈન્ડિયા વિક્સ 1.5 ટકા ઘટાડે 16.24 પર બંધ રહ્યો હતો. જ્યારે નિફ્ટીના 50માંથી 30 કાઉન્ટર્સ નરમાઈ સાથે બંધ રહ્યાં હતાં અને 20 કાઉન્ટર્સે પોઝીટીવ બંધ દર્શાવ્યું હતું.
મંગળવારે યુએસ ખાતે ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીઅલ એવરેજ 96 પોઈન્ટ્સના સુધારે 36398ના સ્તરે બંધ રહ્યો હતો. જે નવેમ્બરની શરૂમાં તેણે દર્શાવેલી 36422ના સર્વોચ્ચ બંધ પછીનું બીજું ઊંચું બંધ હતું. જોકે આમ છતાં એશિયન બજારોમાં નરમાઈ જોવા મળી રહી હતી. સિંગાપુર અને તાઈવાનને બાદ કરતાં જાપાન, કોરિયા, હોંગ કોંગ અને ચીનના બજારો એક ટકા જેટલી નરમાઈ સૂચવી રહ્યાં હતાં. જેની પાછળ ભારતીય બજાર પણ ફ્લેટ ઓપનીંગ બાદ બે બાજુની વધ-ઘટ વચ્ચે લગભગ ફ્લેટિશ જોવા મળ્યું હતું. જોકે આમ છતાં બ્રોડ માર્કેટમાં રોકાણકારોનો રસ દેખીતો નજરે પડતો હતો. બીએસઈ ખાતે 3474 ટ્રેડેડ કાઉન્ટર્સમાંથી 2053 પોઝીટીવ બંધ જોવા મળ્યાં હતાં. જ્યારે 1334 કાઉન્ટર્સ અગાઉના બંધ સામે નરમાઈ દર્શાવતાં હતાં. આમ દોઢ શેર્સથી વધુમાં સુધારા સામે એક શેરમાં ઘટાડો નોંધાયો હતો. ઉપરાંત 619 કાઉન્ટર્સ અપર સર્કિટ્સમાં બંધ રહ્યાં હતાં. જ્યારે 105 કાઉન્ટર્સ લોઅર સર્કિટ્સ દર્શાવતાં હતાં. 413 કાઉન્ટર્સે તેમની વાર્ષિક ટોચ દર્શાવી હતી. સામે માત્ર 12 કાઉન્ટર્સે 52-સપ્તાહનું તળિયું નોંધાવ્યું હતું. આમ બ્રોડ માર્કેટમાં તેજીનું માહોલ અકબંધ હતું. નિફ્ટી સ્મોલ-કેપ ઈન્ડેક્સ 0.6 ટકા જ્યારે મીડ-કેપ ઈન્ડેક્સ 0.13 ટકા સુધારા સાથે બંધ આવ્યા હતાં.
બેન્ચમાર્ક્સની વાત કરીએ તો તેમને ફાર્મા અને ઓટો ક્ષેત્ર તરફથી સપોર્ટ સાંપડ્યો હતો. જ્યારે બાકીના મોટાભાગના સેક્ટરલ સૂચકાંકો નરમાઈ સાથે બંધ જોવા મળ્યાં હતાં. કોવિડની સારવારમાં અનેક કંપનીઓને ઓરલ સારવાર માટેની દવાના ઈમર્જન્સી ઉપયોગ માટેની મંજૂરી મળતાં ફાર્મા કંપનીઓના શેર્સમાં મજબૂતી જોવા મળી હતી. જેની પાછળ નિફ્ટી ફાર્મા 1.71 ટકા સુધારા સાથે બંધ રહ્યો હતો. સન ફાર્માએ આંધ્ર ખાતે નવા પ્લાન્ટની જાહેરાત કરતાં કંપનીનો શેર 2.91 ટકા જેટલો ઉછળ્યો હતો. આ સિવાય કેડિલા હેલ્થકેર 2.4 ટકા, ડિવિઝ લેબો 2.13 ટકા, ડો. રેડ્ડીઝ લેબ્સ 1.9 ટકા, બાયોકોન 1.6 ટકા અને લ્યુપિન 1.4 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. ઓટો ક્ષેત્રે આઈશર મોટર્સ 3.3 ટકા, બજાજ ઓટો 2.7 ટકા, ટીવીએસ મોટર 2.1 ટકાનો નોંધપાત્ર સુધારો સૂચવતાં હતાં. બીજી બાજુ મેટલ ઈન્ડેક્સ એક ટકાથી વધુ ઘટાડા સાથે બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી પણ 0.4 ટકા નરમાઈ દર્શાવતો હતો. નિફ્ટી પીએસઈ 0.6 ટકા ઘટાડા સાથે બંધ જોવા મળતો હતો.
બીજી બાજુ એનએસઈ ડેરિવેટિવ્સ સેગમેન્ટમાં આઈડિયા વોડાફોન 5 ટકા, લૌરસ લેબ્સ 3.6 ટકા, ડો. લાલ પેથલેબ્સ 2.8 ટકા, એપોલો હોસ્પિટલ 2.7 ટકા, બજાજ ઓટો 2.7 ટકા, એયુ સ્મોલ ફાઈનાન્સ બેંક 2.5 ટકાનો સુધારો દર્શાવી રહ્યાં હતાં. જ્યારે જેકે સિમેન્ટ 5 ટકા, દાલમિયા ભારત 2.4 ટકા, સેઈલ 2.2 ટકા અને ડેલ્ટા કોર્પ 1.91 ટકાનો ઘટાડો સૂચવતાં હતાં.


આગામી વર્ષે રિઅલ જીડીપી 9 ટકા રહેવાની શક્યતાં
દેશની વાસ્તવિક ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ(જીડીપી) આગામી વર્ષે 9 ટકા જળવાય રહેવાની શક્યતાં રેટિંગ એજન્સી ઈકરાએ વ્યક્ત કરી છે. ચાલુ નાણાકિય વર્ષના બીજા ક્વાર્ટરમાં ભારતીય અર્થતંત્રે 8.4 ટકાનો ગ્રોથ રેટ દર્શાવ્યો હતો. જ્યારે પ્રથમ ક્વાર્ટરમાં તેણે 20.1 ટકાનો ગ્રોથ રેટ નોંધાવ્યો હતો, ત્યારે આગામી સમયગાળામાં પણ અર્થતંત્ર મજબૂત મોમેન્ટમ જાળવી રાખશે એમ એજન્સીએ તેના રિપોર્ટમાં જણાવ્યું છે. કંપનીના મુખ્ય અર્થશાસ્ત્રીએ નોંધ્યું છે કે અર્થતંત્રના ફોર્મલ અને ઈનફોર્મલ અંગોમાં કે-આકારના ડાયવર્જન્સને સ્પષ્ટ જોઈ શકાય છે અને તેથી અમે 2021-22 અને 2022-23માં 9 ટકાના દરે વૃદ્ધિ જળવાય રહેશે એમ આગાહી કરીએ છીએ. રિપોર્ટમાં નોંધ્યું છે કે માર્ચ 2022 સુધીમાં દેશમાં કોવિડ વેક્સિના બે ડોઝ લઈ ચૂકેલાં લોકોનું પ્રમાણ 85-90 ટકા પર પહોંચી જશે.

ગોલ્ડ-સિલ્વરમાં જોવા મળેલો ઘટાડો
ઓમિક્રોનનો ડર ઓસરતાં ગોલ્ડના ભાવમાં પણ ઘટાડો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં કોમેક્સ ગોલ્ડ વાયદો 15 ડોલરના ઘટાડે ફરી 1800 ડોલર નીચે ઉતરી જતાં સ્થાનિક બજારમાં ગોલ્ડ રૂ. 48 હજારની નીચે ટ્રેડ થઈ રહ્યું છે. એમસીએક્સ ફેબ્રુઆરી ગોલ્ડ વાયદો રૂ. 300થી વધુના ઘટાડે રૂ. 47700ના સ્તર આસપાસ ટ્રેડ દર્શાવતો હતો. જ્યારે સિલ્વર વાયદો રૂ. 464ના ઘટાડે રૂ. 62050 પર ટ્રેડ થઈ રહ્યો હતો. બેઝ મેટલ્સના ભાવમાં પણ નરમાઈ જોવા મળતી હતી. જ્યારે ક્રૂડ પણ નરમાઈ દર્શાવતું હતું.

એપલે ફોક્સકોનના ભારત સ્થિત પ્લાન્ટને નોટિસ પર મૂક્યો
આઈફોનની માલિક કંપની એપલે તમિલનાડુ સ્થિત ફોક્સકોનના પ્લાન્ટને પ્રોબેશન પર રાખવાની જાહેરાત કરી છે. એપલ અને ફોક્સકોન, બંનેને પ્લાન્ટ ખાતે કર્મચારીઓ માટેની સુવિધા ધારા-ધોરણો મુજબની નહિ જણાતાં આમ કરવામાં આવ્યું છે. જોકે પ્રોબેશનનો અર્થ શું તેની એપલે સ્પષ્ટતા નથી કરી. છેલ્લાં કેટલાંક દિવસોથી આ પ્લાન્ટ ખાતે કર્મચારીઓ હડતાળ પર હતાં. જેનું કારણે કેટલીક મહિલા કર્મચારીઓને કેટલાંક દિવસો અગાઉ ફૂડ પોઈઝનિંગની સારવારની જરૂરિયાત હતું. ગયા વર્ષે એપલે દક્ષિણ ભારત સ્થિત અન્ય એસેમ્બલર વિસ્ટ્રોન કોર્પના પ્લાન્ટને પણ પ્રોબેશન હેઠળ રાખ્યો હતો. તેણે જણાવ્યું હતું કે જ્યાં સુધી તાઈવાનની કંપની કામદારોને સારી સાર-સંભાળ પૂરી નહિ પાડે ત્યાં સુધી તે કંપનીને નવો બિઝનેસ નહિ આપે. ફોક્સકોનના પ્લાન્ટ ખાતે 17000 જેટલા કામદારો કામ કરે છે. જે 18 ડિસેમ્બરથી આ પ્લાન્ટ બંધ છે.


સેબીએ IPO ફંડ્સના ઉપયોગ, MF સ્કીમને બંધ કરવાનો નિયમો સખત બનાવ્યાં
એન્કર ઈન્વેસ્ટર્સ માટેના લોક-ઈન પિરિયડને 30 દિવસથી વધારી 90 દિવસ કર્યો

દેશમાં હવેથી કોઈ મ્યુચ્યુલ ફંડ જ્યાં સુધી યુનિટ્સ ધારકોની સહમતિ મળે નહિ ત્યાં સુધી તેમની સ્કિમ્સને બંધ કરી શકશે નહિ એમ માર્કેટ રેગ્યુલેટર સેબીએ મંગળવારે જણાવ્યું હતું. આ નિયમ ફ્રેન્કલીન ટેમ્પલ્ટન એમએફ પાસે ત્રણ લાખથી વધુ રોકાણકારોની 4 અબજ ડોલરથી વધુની સંપત્તિ એક વર્ષથી વધુ સમય સુધી સલવાઈ ગયાની ઘટના બાદ જોવા મળી છે. ફ્રેન્કલીન ટેમ્પલ્ટન એમએફે એપ્રિલ 2020માં યુનિટ ધારકોની મંજૂરી વિના જ તેની છ ઓપન એન્ડેડ ડેટ સ્કીમ્સ બંધ કરી દીધી હતી. સેબીએ આ સ્કીમ્સને બંધ કરવા અંગે સ્પષ્ટતા નહિ કરી હોવાથી ફંડે એક રીતે રાહત મેળવી હતી.
જોકે મંગળવારે સેબીએ તમામ બાબતોને બાજુ પર રાખી સ્પષ્ટ કર્યું હતું કે યુનિટ ધારકોની સાદી બહુમતી મેળવ્યાં વિના એમએફ ટ્રસ્ટીઝ કોઈપણ ફંડ સ્કિમ્સને બંધ કરી શકે નહિ. આ માટે તેણે પ્રતિ યુનિટ એક વોટનો રેશિયો પણ નિર્ધારિત કર્યો છે. સાથે તેમણે ફંડ બંધ થવાની સ્થિતિ ઉપસ્થિત થયાની નોટિસના 45 દિવસોમાં વોટિંગનું પરિણામ પણ જાહેર કરવાનું રહેશે. જો ટ્રસ્ટીઝ યુનિટ ધારકોની મંજૂરી મેળવવામાં નિષ્ફળ જાય તો વોટિંગ રિઝલ્ટના પ્રકાશનના બીજા દિવસથી સ્કીમને કામગીરી શરૂ કરવાની રહેશે એમ પણ સેબીએ સ્પષ્ટ કર્યું છે. ઘણા ફંડ્સ સેબી તરફથી આ નિયમો અંગે આખરી નિર્ણય લેવામાં આવે તેની રાહ જોઈને બેઠાં હતાં.
કેટલાંક અન્ય મહત્વના નિર્ણયોમાં સેબીએ પ્રિ-આઈપીઓ રોકાણ ધરાવતાં રોકાણકારો આઈપીઓમાં કેટલાં શેર્સનું વેચાણ કરી શકે તેના પર એક મર્યાદા પણ નિર્ધારિત કરી છે. સાથે તેણે ઈસ્યુમાંથી ઊભી કરવામાં આવેલી રકમનો કેટલો હિસ્સો અગાઉ જણાવવામાં નહિ આવેલા ઈનઓર્ગેનિક ગ્રોથ પાછળ ખર્ચી શકાશે તેના પર પણ મર્યાદા નક્કી કરી છે. અગ્રણી કાયદા કંપનીના પાર્ટનરના જણાવ્યા મુજબ સેબીના આ નિયમથી ઘણી કંપનીઓને આઈપીઓ લાવવામાં તકલીફ પડી શકે છે. તેમના મતે સેબીએ આઈપીઓ ઈસ્યુ સ્ટ્રક્ચરમાં કરેલા કેટલાંક ફેરફારો ભવિષ્યમાં અજાણ એવા એક્વિઝિશન્સ માટે નાણા ઊભા કરવા માટે અક્ષમ બનાવશે. આમાં કેટલાંક યુનિકોર્ન્સનો સમાવેશ થાય છે. જેઓ પાસે આઈપીઓમાંથી મેળવેલા નાણાનો એક્વિઝિશન્સ સિવાય અન્ય કોઈ ઉપયોગ નથી તથા વર્તમાન રોકાણકારો તેમનો હિસ્સો વેચવા આતુર નથી. જેઓ ઈન્ટરનેશનલ સ્ટોક એક્સચેન્જિસ પર લિસ્ટીંગ કરાવે છે તેમના માટે ફંડ્સના ઉપયોગ માટેની ફ્લેક્સિબિલિટી એક મહત્વનો હોલમાર્ક હોય છે. જ્યારે રોકાણકારો આવા ફંડ્સના ઉપયોગથી કરવામાં આવેલા એક્વિઝિશન્સ સહિના ફંડના ઉપયોગથી સંતુષ્ટ નથી હોતાં ત્યારે રોકાણકારો વોટિંગ કરતાં હોય છે. સેબીએ એક નિર્ણયમાં એન્કર ઈન્વેસ્ટર્સ માટે લોક-ઈન પિરિયડને લંબાવીને 90 દિવસનો કર્યો છે. જે હમણા સુધી 30 દિવસનો હતો. જ્યારે પ્રેફરન્શિયલ શેર્સ માટે પ્રમોટર્સ અને નોન-પ્રમોટર્સ માટેનો લોક-ઈન પિરિયડ અડધો કરવામાં આવ્યો છે. સેબીએ પ્રેફરન્શિયલ ઈસ્યુ સંબંધી નિયમોમાં પણ ફેરફાર કર્યાં છે. તેમાં અંકુશમાં ફેરફાર માટે વેલ્યૂએશન રિપોર્ટને ફરજિયાત બનાવ્યો છે.


બેંકોની NPAs ઘટીને છ વર્ષના તળિયા નજીક પહોંચી
આરબીઆઈના રિપોર્ટ મુજબ ક્રેડિટ ગ્રોથમાં રિકવરીના સંકેતો સાંપડ્યા
સપ્ટેમ્બર 2021ના ક્વાર્ટરના અંતે એનપીએનું સ્તર ઘટીને 6.9 ટકાના 2015 પછીના સૌથી નીચા સ્તરે
શેડ્યૂલ્ડ કમર્સિયલ બેંક્સની ગ્રોસ એનપીએ માર્ચ 2020ની આખરમાં 8.2 ટકા પરથી ઘટી માર્ચ 2021ની આખરમાં ઘટીને 7.3 ટકા પર રહી હતી

નાણાકિય વર્ષ 2020-21 ભારતીય બેંકિંગ કંપનીઓ માટે તાજેતરના વર્ષોમાં એક શ્રેષ્ઠ વર્ષ તરીકે ઊભર્યું છે. તેણે શંકાશીલોને ખોટા પાડીને બેલેન્સ શીટમાં નોંધપાત્ર મજબૂતી દર્શાવી છે. બેંક રેગ્યુલેટર આરબીઆઈએ એન્યૂઅલ ટ્રેન્ડ્સ અને પ્રોગ્રેસ રિપોર્ટમાં નોંધ્યા મુજબ બેંકોની આવક સ્થિર રહેવા છતાં તેમણે ઊંચી નફાકારક્તા દર્શાવી છે. કેમકે તેમનો ખર્ચ પણ નોંધપાત્રપણે ઘટાડો દર્શાવતો હતો.
આરબીઆઈના જણાવ્યા મુજબ સમગ્ર વર્ષ દરમિયાન સૌથી મોટા ઈન્કમ કોમ્પોનેન્ટ એવા ઈન્ટરેસ્ટ ઈન્કમમાં સાધારણ ઘટાડા છતાં બેંકોની કુલ આવક સ્થિર રહી હતી. જોકે આ ઘટાડો ઈન્વેસ્ટમેન્ટ્સની આવકમાં નોંધપાત્ર વૃદ્ધિને કારણે ભરી શકાયો હતો. ટ્રેડિંગની આવકમાં પણ વૃદ્ધિ જોવા મળી હતી. કેમકે બેંક્સને ગવર્મેન્ટ સિક્યૂરિટીઝ યિલ્ડ્સમાં ઘટાડાને કારણે સારો પ્રોફિટ રળવા મળ્યો હતો. બેંક્સના ખર્ચમાં પણ ઘટાડો નોંધાયો હતો. કેમકે ઈન્ટરેસ્ટ રેટ્સમાં ઘટાડાને કારણે ડિપોઝીટ્સ પરના તથા બોરોઈંગ પરના વ્યાજ ખર્ચમાં પણ ઘટાડો નોંધાવ્યો હતો. સાથે કુલ બોરોઈંગ પણ ઘટ્યું હતું.
જો બેંકોની નફાકારક્તાની વાત કરીએ તો તેમાં સુધારો થયો હતો. કેમકે ફંડ્સ પરના રિટર્ન અને ફંડ્સની કોસ્ટ વચ્ચેના સ્પ્રેડમાં સુધારો જોવા મળ્યો હતો. આ માટેનું મુખ્ય કારણ ફંડિંગ ખર્ચમાં ઘટાડો હતો. ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેંક્સમાં નફાકારક્તા અથવા માર્જિનમાં સુધારો દેખાઈ આવે છે એમ આરબીઆઈ નોંધે છે.
બેંક્સની એસેટ ક્વોલિટીમાં પણ સુધારો જોવા મળ્યો હતો. બેંક રેગ્યુલેટરના મતે 2018માં શરૂ થયેલો એનપીએ ઘટાડાનો ટ્રેન્ડ મહામારીના વર્ષમાં પણ જળવાયો હતો. જે દર્શાવે છે કે શેડ્યૂલ્ડ કમર્સિયલ બેંક્સની ગ્રોસ એનપીએ માર્ચ 2021ની આખરમાં ઘટીને 7.3 ટકા રહી હતી. માર્ચ 2020ની આખરમાં તે 8.2 ટકા પર હતી. સપ્ટેમ્બર 2021માં ગ્રોસ એનપીએનું સ્તર વધુ ઘટી 6.9 ટકા રહ્યું હતું. જે છેલ્લાં પાંચ વર્ષોમાં સૌથી નીચો આંકડો છે. માર્ચ 2016ની આખરમાં બેંક્સની ગ્રોસ એનપીએ 7.6 ટકા પર હતી. તેના એક વર્ષ અગાઉ તે 4.6 ટકા પરથી તીવ્ર ઉછાળો દર્શાવતી હતી. આમ થવાનું મુખ્ય કારણ સેન્ટ્રલ બેંકે હાથ ધરેલી એસેટ સમીક્ષા હતી. માર્ચ 2018 ક્વાર્ટરની આખરમાં ગ્રોસ એનપીએ 11.5 ટકાની ટોચ પર જોવા મળી હતી. 2020-21 દરમિયાન નીચા સ્લીપેજિસને કારણે એસેટ ક્વોલિટીમાં સુધારો જોવા મળ્યો હતો. આમ થવા પાછળ આંશિક કારણ એસેટ ક્લાસિફિકેશનમાં સ્થિરતા પણ હતું. નાજુક એસેટ્સમાં ઘટાડાને કારણે બેંક્સની પ્રોવિઝન્સની જરૂરિયાતમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો હતો. જેને કારણે તેમના નેટ એનપીએ રેશિયો પણ અગાઉના વર્ષની સરખામણીમાં નોંધપાત્ર ઘટાડો દર્શાવતાં હતાં. 2018થી કરવામાં આવેલા નિરીક્ષણ મુજબ 2020-21માં એનપીએને નીચી રાખવા માટે રાઈટ-ઓફ્સ એક મહત્વનું સાધન હતું. એસેટ ક્વોલિટીમાં સુધારો જોવા મળ્યો હતો જ્યારે સ્ટાન્ડર્ડ રિસ્ટ્રિક્ટેડ એડવાન્સિસનું પ્રમાણ માર્ચ 2020માં 0.4 ટકા પરથી એક વર્ષ બાદ વધીને 0.8 ટકા પર જોવા મળતું હતું. આન કારણે બેંક્સે સંભવિત સ્ટ્રેસને પચાવવા માટે તેમની કેપિટલ પોઝીશનને મજબૂત કરવાની જરૂર ઊભી થઈ હતી.


પાકને નુકસાન વચ્ચે ઊંચી ડિમાન્ડ પાછળ કોટને નવી ટોચ બનાવી
ખાંડીના ભાવ રૂ. 70 હજારને સ્પર્શ્યાં, વિક્રમી ભાવ વચ્ચે ખેડૂતો તરફથી ઊંચી આવકનો અભાવ
મહારાષ્ટ્ર, ગુજરાત સહિતના વિસ્તારોમાં ખેડૂતોએ પિંક બોલ વોર્મના ઉપદ્રવને કારણે પાક કાઢી નાખ્યો

કોટન માર્કેટમાં ભરસિઝને ભાવ વિક્રમી સપાટી પર જોવા મળી રહ્યાં છે. જેના મુખ્ય કારણોમાં પાકમાં પિંક બોલ વોર્મનો વ્યાપક રોગચાળો તથા સ્થાનિક સ્તરે ડીમાન્ડ સામે સપ્લાયનું ગણિત ખોરવાય તેવી સંભાવના છે. છેલ્લાં બે દિવસોથી કોટનના ભાવ રૂ. 70 હજાર પ્રતિ ખાંડી પર જોવા મળ્યાં છે અને તેમાં ઘટાડાની શક્યતાં નથી જોવાઈ રહી. વૈશ્વિક બજારમાં પણ કોટન વાયદામાં મજબૂતીને કારણે માનસિક સપોર્ટ મળ્યો છે. આઈસીઈ કોટન વાયદો 111 સેન્ટ પ્રતિ પાઉન્ડ પર ટ્રેડ થઈ રહ્યો છે. તેણે મહિના અગાઉ 121 સેન્ટ્સની ટોચ દર્શાવી હતી.
વપરાશકારો સહિતના વર્ગને અકળાવનારી મુખ્ય બાબત ભર સિઝને કોટનના ભાવમાં જોવા મળી રહેલી વિક્રમી ટોચ છે. તેમના મતે છેલ્લાં 100 વર્ષોમાં આવુ નથી બન્યું કે જ્યારે બજારમાં ફ્લશ સિઝન ચાલુ હોય અને ભાવ નવી ટોચ બનાવી રહ્યાં હોય. વૈશ્વિક સ્તરે યુએસ, ઓસ્ટ્રેલિયા અને આફ્રિકામાં પાકની સ્થિતિ સારી છે ત્યારે આમ થવું અજુગતું જણાય છે. જોકે એક વર્ગ માને છે કે ભારતમાં કોટનના ભાવ ઊંચા રહેવા પાછળ મજબૂત કારણો કામ કરી રહ્યાં છે. જેમાં છેલ્લાં 10 વર્ષોમાં પાકનું કદ લગભગ સ્થિર રહેવા સાથે વપરાશમાં જોવા મળી રહેલી ઝડપી વૃદ્ધિ છે. ચાલુ સિઝનમાં પાકનું કદ શરુઆતમાં 3.6 કરોડ ગાંસડી આંકવામાં આવ્યું હતું. જોકે મહિના અગાઉ માવઠાંને કારણે પિંક બોલ વોર્મના ઉપદ્રવથી મહારાષ્ટ્રમાં ખાનદેશ, ગુજરાતમાં ભરૂચ લાઈન તથા ઉત્તરમાં અનેક ખેડૂતોએ કપાક કાઢી લીઘો હતો. જેને કારણે ઉત્પાદન પર 30-40 લાખ ગાંસડીની અસર પડે તેમ માનવામાં આવી રહ્યું છે. બીજી બાજુ સ્થાનિક વપરાશ વાર્ષિક 3.5 કરોડ ગાંસડીનો જોવા મળે છે. વાર્ષિક ધોરણે 40 લાખ ગાંસડીની નિકાસ ગણીએ તો ગયા વર્ષના 40-50 લાખ ગાંસડીના કેરીઓવર વચ્ચે આગામી સિઝનની આખરમાં સપ્લાય ટાઈટ બની રહે તેવી સંભાવના છે. બીજી બાજુ ચાલુ સિઝનમાં કોટનની આયાતના નહિવત સોદાઓ જોવા મળી રહ્યાં છે. આ કારણોસર ભાવ મજબૂતી દર્શાવે છે.
ખેડૂતોને સારા ક્વોલિટી માલોના રૂ. 1800 પ્રતિ મણ ઉપજી રહ્યાં છે તેમ છતાં ડિસેમ્બર જેવા મહિનામાં 1.7 લાખ ગાંસડીથી વધુની દૈનિક આવકો જોવા મળી રહી નથી. જે સૂચવે છે કે પાક તેના અંદાજ કરતાં ઓછો છે. બાકી આટલાં સારા ભાવ મળી રહ્યાં હોય ત્યારે ખેડૂતો માલ પકડીને બેસી રહે તેમ માની શકાય નહિ. કોટનના ઊંચા ભાવે પણ સ્પીનર્સને સારો નફો મળી રહ્યો છે અને તેથી તેની ખરીદી યથાવત છે. ગયા વર્ષે યાર્ન પર કિલોએ રૂ. 40 સામે તેને હવે રૂ. 25 ઉપજી રહ્યાં છે. આમ તેને નફામાં જ નુકસાન છે. આ સ્થિતિમાં કોટનના ભાવમાં મજબૂતી જળવાય રહેવાની શક્યતાં વધુ છે. કેટલાંક વર્તુળો તો ખાંડી ચાલુ સિઝનમાં રૂ. 75 હજારના ભાવ દર્શાવે તેવી શક્યતાં પણ જોઈ રહ્યાં છે. જોકે તે માટે વૈશ્વિક બજારમાં મજબૂતી જળવાવી જરૂરી છે.

Looking for Best Stock Broker in India?

we will help you to find best broker with Free demat & lowest brokerage